માર્કેટ સમરી
નિફ્ટી 14600 પર બંધ આપવામાં સફળ
બેન્ચમાર્ક નિફ્ટી 14666ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવીને 14645ની સર્વોચ્ચ સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 0.85 ટકા સુધર્યો હતો. સેન્સેક્સ પણ 394 પોઈન્ટ્સ ઉછળી 49742ની સપાટી પર બંધ રહ્યો હતો. બજારે સતત બીજા દિવસે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. બે સત્રોમાં નિફ્ટી 14280ના સ્તરેથી લગભગ 380 પોઈન્ટ્સ જેટલો ઉછળ્યો હતો
ઓટોમોબાઈલ કંપનીઓના સહારે બેન્ચમાર્ક્સ સર્વોચ્ચ સપાટીએ બંધ આપવામાં સફળ
નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળી 10369ની અઢી વર્ષની ટોચ પર બંધ આવ્યો
ઓટો ઈન્ડેક્સે માર્ચ મહિનાના 4452ના તળિયાથી 125 ટકા રિટર્ન દર્શાવ્યું
ઓટો સાથે સંલગ્ન ટાયર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં પણ 7 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
માર્કેટને સર્વોચ્ચ ટોચ પર બંધ રહેવામાં ઓટોમોબાઈલ શેર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. બુધવારે અગ્રણી તમામ ઓટો ઉત્પાદક કંપનીઓના શેર્સ તેમની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયાં હતાં. સાથે ઓટો સંલગ્ન ક્ષેત્રોના શેર્સમાં પણ લેવાલી જોવા મળી હતી. જેમાં ટાયર ઉત્પાદક કંપનીઓ મુખ્ય હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ તેની સપ્ટેમ્બર 2018 બાદની ટોચ પર જોવા મળ્યો હતો. તે માર્ચ મહિનાના 4452ના તળિયાથી 125 ટકા વૃદ્ધિ સાથે બુધવારે 10369 પર બંધ રહ્યો હતો.
ખરિફ બાદ હવે રવિ માર્કેટિંગ પણ બમ્પર રહેશે તે નક્કી છે ત્યારે રૂરલ માગ પાછળ ઓટોમોબાઈલ કંપનીઓના શેર્સમાં સારી લેવાલી જોવા મળી હતી. ટુ-વ્હીલર્સ તથા કાર ઉત્પાદક કંપનીઓ ઉપરાંત ટ્રેકટર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં પણ ખરીદી નીકળી હતી અને તેઓ 7 ટકા જેટલો સુધારો દર્શાવતાં હતાં. બેન્ચમાર્કસ કાઉન્ટર્સમાં મારુતિ, એમએન્ડએમ અને બજાજ ઓટોએ તેમની સર્વોચ્ચ અથવા ત્રણ વર્ષની ટોચ દર્શાવી હતી. જ્યારે ઈન્ડેક્સની બહાર ટાટા મોટર્સ જેવા કાઉન્ટરે વધુ 6.1 ટકા સુધારા સાથે અંતિમ કેટલાક સત્રોની તેની ઉર્ધ્વ ચાલ જાળવી હતી. ટાટા મોટર્સનો શેર અંતિમ એક મહિનામાં 51 ટકા ઉછળ્યો છે. માર્ચ મહિનાના રૂ. 63ના તળિયાથી તે સાડા ચાર ગણા સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે તે રૂ. 278ની ટોચ પર ટ્રેડ થયો હતો. માત્ર રૂ. 25 હજાર કરોડ પર પહોંચી ગયેલું કંપનીનું માર્કેટ-કેપ બુધવારે રૂ. 85 હજાર કરોડ પર જોવા મળતું હતું. અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોનો શેર પણ રૂ. 3690ની ટોચ પર ટ્રેડ થયો હતો. શેરે તાજેતરમાં રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું.
ટાયર ઉત્પાદક કંપનીઓના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતાં. જેમાં એપોલો ટાયર્સ દિવસ દરમિયાન રૂ. 204ની સપાટી પર 8 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીનું માર્કેટ-કેપ પણ તે ભાવે રૂ. 13 હજાર કરોડ પર પહોંચ્યું હતું. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝનો શેર 4 ટકા ઉછળ્યો હતો અને તેની ટોચ નજીક પહોંચ્યો હતો. આ ઉપરાંત સિએટ લિ. અને એમઆરએફના શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. સિએટ લિ.નો શેર ઓપનીંગમાં 6 ટકા મજબૂતી સાથે રૂ. 1352ની ટોચ પર ટ્રેડ થયો હતો અને પાછળથી 3 ટકા સુધારે રૂ. 1311 પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે એમઆરએફનો શેર એક તબક્કે 8 ટકા મજબૂતી સાથે રૂ. 94000ની ટોચને પાર કરી ગયો હતો અને 7 ટકા સુધારે રૂ. 92900ની સપાટી નજીક બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 40 હજાર કરોડ નજીક પહોંચ્યું હતું. ઓટો સંલગ્ન વ્યવસાય સાથે જોડાયેલા બે અન્ય કાઉન્ટર્સ બોશ લિ. અને ભારત ફોર્જના શેર્સમાં પણ અનુક્રમે 6 ટકા અને 4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
બુધવારે ઓટોમોબાઈલ અને ટાયર શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
એપોલો ટાયર્સ 7.0
એમઆરએફ 7.0
ટાટા મોટર્સ 6.1
બોશ લિ. 6.0
ભારત ફોર્જ 4.0
બાલકૃષ્ણ ઈન્ડ. 4.0
સિએટ લિ. 3.0
અશોક લેલેન્ડ 3.0
મારુતિ લિ. 2.6
એમએન્ડએમ 2.0
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટના શેર્સ નવી ટોચ પર
અદાણી જૂથની બે લિસ્ટેડ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેર્સે બુધવારે નવી ટોચ દર્શાવી હતી. અદાણી પોર્ટનો શેર અગાઉના બંધ સામે 6 ટકા ઉછળી રૂ. 562.80ના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થયો હતો અને તેણે રૂ. 1.14 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 5 ટકા ઉછળી રૂ. 552ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો અને તેણે રૂ. 60 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. કંપનીનો તાજેતરમાં લાર્જ-કેપ્સ ગ્રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
લાર્સનનો શેર સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો
દેશમાં અગ્રણી કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર એવો લાર્સન એન્ડ ટુબ્રોનો શેર તેની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1370ના બંધ સામે 2 ટકા સુધરી રૂ. 1393 પર જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 1.94 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. દસેક મહિના અગાઉના રૂ. 661ના તળિયાથી કંપનીનો શેર 100 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
એસબીઆઈ કાર્ડ્સનો શેર રૂ. 1000ને પાર કરી ગયો
એસબીઆઈની પેટાકંપની એસબીઆઈ કાર્ડ્સનો શેર બુધવારે પ્રથમવાર રૂ. 1000ના સ્તરને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 966.75ના બંધભાવ સામે 3 ટકાથી વધુના સુધારે રૂ. 1006ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. 94000 કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 495ના તળિયાથી 120 ટકાનું રિટર્ન સૂચવી રહ્યો છે.