બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓએ લેણ ફૂંકતાં માર્કેટમાં બેઠો ઘટાડો નોંધાયો
નિફ્ટી 21200ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 14.45ના સ્તરે બંધ
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ બે મહિનાના તળિયે
પીએસઈ, એનર્જી, મિડિયા, મેટલ, રિઅલ્ટી, ફાર્મામાં ભારે વેચવાલી
પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ ઊંધા માથે પટકાયો
ઓઈલ ઈન્ડિયા, વોલ્ટાસ, ઓએનજીસી નવી ટોચે
પોલીપ્લેક્સ કોર્પમાં નવું તળિયું
લાંબા સમય પછી બુધવારે શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું મોજું ફરી વળ્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક સૂચકાંકો એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 931 પોઈન્ટ્સ ગગડી 70506ની સપાટીએ જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ્સના ઘટાડે 21150 પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નીકળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3931 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3177 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 658 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. આમ 0.21 ટકાની માર્કેટ-બ્રેડથ જોવા મળી હતી. જે આ પહેલાં 23 ઓક્ટોબરે 0.22 પર જોવા મળતી હતી. આમ, બે મહિનાની સૌથી ખરાબ માર્કેટ-બ્રેડ્થ હતી. 352 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 14.45ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. જેની પાછળ બંને બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં. જેમાં સેન્સેક્સે 71913ની જ્યારે નિફ્ટીએ 21593ની ઓલ-ટાઈમ ટોચ દર્શાવી હતી. શરૂઆતમાં ફ્લેટ ટ્રેડ દર્શાવ્યાં પછી માર્કેટમાં બપોર પછી એકાએક પ્રોફિટ બુકિંગ ચાલુ થયું હતું. જે આખરી મિનિટ સુધી જળવાયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી 506 પોઈન્ટ્સ ગગડી 21087ની સપાટીએ ટ્રેડ થયો હતો. જોકે, બંધની રીતે તે 21100ની સપાટી જાળવી શક્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 20 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21170 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 76 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 56 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આમ, સ્પષ્ટપણે લોંગ પોઝીશનનું લિક્વિડેશન જોવા મળ્યું છે. જે સૂચવે છે કે માર્કેટમાં ઘટાડો લંબાઈ શકે છે. ટ્રેડર્સે સુધારે તેમની પોઝીશન હળવી કરવાનું વિચારવું જોઈએ. બુધવારે નિફ્ટીના માત્ર ચાર કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળતાં હતાં. જેમાં ઓએનજીસી, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, યૂપીએલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, એચડીએફસી લાઈફ, તાતા મોટર્સ, એચસીએલ ટેક્નોલોજી, આઈશર મોટર્સ, એમએન્ડએમ, હિંદાલ્કો, એસબીઆઈ, ડિવિઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ નરમાઈ સૂચવતાં હતાં. જેમાં પીએસઈ, એનર્જી, મિડિયા, મેટલ, રિઅલ્ટી, ફાર્મા, પીએસયૂ બેંક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. તેઓ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી મિડિયા 5.11 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જેના ઘટકોમાં ડિશ ટીવી, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડીબી કોર્પ, નેટવર્ક 18, ટીવી18 બ્રોડકાસ્ટ, પીવીઆર આઈનોક્સનો સમાવેશ થતો હતો. જેઓ તમામ ઊંચો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 4 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, મોઈલ, સેઈલ, અદાણી એન્ટરપ્રાઈઝ, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, તાતા સ્ટીલ, વેદાંત, કોલ ઈન્ડિયા, હિંદાલ્કોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક પણ 4 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, જેકે બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન બેંકમાં 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ 4 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં આઈઆરસીટીસી, નાલ્કો, આરઈસી, એનએચપીસી, ભેલ, સેઈલ, પાવર ફાઈનાન્સ, એનએમડીસી, ગેઈલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એચપીસીએલનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી 2.5 ટકા જેટલો તૂટ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ 10 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફીઅર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા પણ 1.7 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં બાયોકોન, લ્યુપિન, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 2.3 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં મધરસન, સોના બીએલડબલ્યુ, ભારત ફોર્જ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, અશોક લેલેન્ડમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સ પર નજર નાખીએ તો એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, વોલ્ટાસ, ઓએનજીસી, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, સીજી કન્ઝ્યૂમર, એચડીએફસી બેંક પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 11 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. ઈન્ડુસ ટાવર્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ, આઈઆરસીટીસી, નાલ્કો, ઝી એન્ટર., આરઈસી, ભેલ, આઈઈએક્સમાં ભારે વેચવાલી નીકળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઓઈલ ઈન્ડિયા, વોલ્ટાસ, ઓએનજીસી, વોલ્ટાસ, નિપ્પોન, ઓએનજીસી, તાતા કન્ઝ્યૂમર, ગુજરાત ફ્લારિનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પોલીપ્લેક્સ કોર્પમાં નવું તળિયું જોવા મળ્યું હતું.
ઉડ્ડયન ઉદ્યોગની ખોટ 2023-24માં 80 ટકા જેટલી ઘટવાનો અંદાજ
2029-30 સુધીમાં ઉદ્યોગ બમણા વિમાનો ધરાવતો હશે તેવી અપેક્ષા
ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ ચાલુ નાણાકિય વર્ષ 2023-24માં તેની ખોટમાં 70-80 ટકાનો ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. આ માટેના મુખ્ય કારણોમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(એટીએફ)ના ખર્ચમાં નરમાઈ તથા પ્રાઈસ ડિસિપ્લીનની જાળવણી છે. તેમજ કેટલાંક વિમાનો ઉડી નહિ શકવાથી ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળેલું કોન્સોલિડેશન પણ આ માટે મહત્વનું પરિબળ છે. જેને જોતાં 2022-23માં રૂ. 17000-17500 કરોડની ખોટ દર્શાવનાર ઉદ્યોગ ચાલુ વર્ષે રૂ. 3000-5000 કરોડની ખોટ નોંધાવે તેમ રેટિંગ એનજ્સી ઈકરાનો રિપોર્ટ સૂચવે છે.
2023-24 અને 2024-25માં ઉડ્ડયન ઉદ્યોગ અનુક્રમે 15-20 ટકા અને 10-15 ટકાની આવક વૃદ્ધિ દર્શાવે તેવી અપેક્ષા છે. ચાલુ વર્ષે જોવા મળેલું એર પેસેન્જર ટ્રાફિક મોમેન્ટમ 2024-25માં પણ જળવાય રહેવાની અપેક્ષા છે. જોકે, વર્તમાન સ્તરેથી યિલ્ડ્સમાં વિસ્તરણની મર્યાદિત શક્યતાં છે. આમ 2024-25માં પણ કંપની રૂ. 3000-5000 કરોડની ખોટ દર્શાવે તેવી શક્યતાં છે એમ રિપોર્ટ નોંધે છે. કોઈપણ વિમાનના ખર્ચમાં એટીએફનો ખર્ચ 30-40 ટકા જેટલો હોય છે. જે 2022-23માં રૂ. 1,21,013 પ્રતિ કિલોલીટરની ટોચ પરથી ઘટી 2023-24ના પ્રથમ નવ મહિનામાં રૂ. 1,03,189 કિલોલીટર પર જોવા મળતો હતો.
દરમિયાનમાં 2022-23માં પેસેન્જર ટ્રાફિકમાં જોવા મળેલો સુધારો ચાલુ વર્ષે 8-13 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. ઓક્ટોબર 2023-24માં ભારતીય વિમાનોએ વાર્ષિક ધોરણે ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં 28.2 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે 2019-20ના પ્રથમ સાત મહિનામાં જોવા મળતાં ટ્રાફિક કરતાં 25.4 ટકા ઊંચો હતો. 20-22 ટકા જેટલા ડોમેસ્ટીક વિમાનો જમીન પર રહ્યાં હોવાથી ડિમાન્ડ-સપ્લાય ગેપ વધ્યો હતો. જેને કારણે ભાવ ઊંચા જળવાયા હતાં. જોકે, વૈશ્વિક બજારની સરખામણીમાં ભારતમાં ભાડાં વૃદ્ધિ નીચી હતી એમ ઈકરાનો રિપોર્ટ જણાવે છે. ઈકરા લિમિટેડના કોર્પોરેટ રેટિંગ્સના કો-ગ્રૂપ હેડના જણાવ્યા મુજબ અગાઉ ઊંચી સ્પર્ધાને કારણે ભારતીય ઉડ્ડયન કંપનીઓ તેમની ખર્ચ વૃદ્ધિની સરખામણીમાં ભાડામાં વૃદ્ધિ નહોતી કરી શકતી. જોકે, હવે ઉદ્યોગ ક્ષેત્રે કોન્સોલિડેશનને જોતાં એરલાઈન્સ કંપનીઓ પાસે પ્રાઈસિંગ પાવર પરત ફર્યો છે. જોકે, ઉદ્યોગ સામેના પડકારો હજુ પૂરાં થયાં નથી. કંપનીઓ માટે લીઝ રેંટલ્સમાં વૃદ્ધિની સંભાવના છે. તેમજ ઘણા વિમાનો નીચી ફ્યુઅલ એફિશ્યન્સી ધરાવે છે. જેન કારણે કંપનીઓના કોસ્ટ સ્ટ્રક્ચર પર વિપરીત અસર પડી રહી છે.
જાપાનીઝ કોંગ્લોમેરટ તોશીબાનું 74 વર્ષ પછી ડિલિસ્ટીંગ થશે
પીઈ કંપની જાપાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ટનર્સની આગેવાનીમાં રોકાણકારો કંપનીને પ્રાઈવેટ બનાવશે
એક્ટિવિસ્ટ વિદેશી રોકાણકારો સાથે લાંબી લડાઈ પછી કંપની ફરી જાપાનીઝ માલિકીની બનશે
જાપાની કોંગ્લોમેરટ અને વિશ્વભરમાં જાણીતું નામ તોશીબા 74-વર્ષના લિસ્ટીંગ પછી શેરબજારમાંથી ડિલિસ્ટ થશે. લગભગ એક દાયકાના ઘર્ષણ અને કૌભાંડે જાપાનની ટોચની બ્રાન્ડ્સમાંથી એક એવી તોશીબાને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. પાછળથી તેને ટેકઓવર કરવામાં આવી હતી અને ભવિષ્ય અનિશ્ચિત બન્યું હતું.
જાપાન સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી કંપની જાપાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ટનર્સ(જીઆઈપી)ની આગેવાનીમાં રોકાણકારોનું એક જૂથ તેને તોશીબાને ડિલિસ્ટ કરી પ્રાઈવેટ કંપની બનાવશે. આ રોકાણકારોમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની ઓરિક્સ, યુટિલિટી છુબુ ઈલેક્ટ્રીક પાવર અને ચીપમેકર રોહમનો સમાવેશ થાય છે. 14 અબજ ડોલરના ટેકઓવરે તોશીબાને સંપૂર્ણપણે સ્થાનિક રોકાણકારોના હાથમાં મૂકી હતી. આ માટ જોકે વિદેશ સ્થિત એક્ટિવિસ્ટ ઈન્વેસ્ટર્સ સાથે લાંબી લડાઈ લડવી પડી હતી. જેણે બેટરીઝ, ચીપ્સ, ન્યૂકલિયર અને ડિફેન્સ ઈક્વિપમેન્ટ ઉત્પાદકને એક રીતે પાંગળી બનાવી દીધી હતી. હજુ, જોકે એ બાબત સ્પષ્ટ નથી કે તોશીબા તેના નવા માલિકોની હેઠળ કેવો આકાર મેળવશે પરંતુ નવા માલિકોની હેઠળ સીઈઓ તરીકે જળવાય રહેલા તારો શીમાડા હાઈ-માર્જિન ધરાવતાં ડિજિટલ સર્વિસિઝ બિઝનેસ પર ફોકસ જાળવી રાખે તેવી શક્યતાં છે. શીમાડા માટે જેઆઈપીના સપોર્ટને કારણે સરકારી માલિકીના ફંડ સાથે જોડાવાનો શરૂઆતી પ્લાન નિષ્ફળ ગયો હતો. કેટલાક ઉદ્યોગ વર્તુળોના મતે તોશીબાનું વિભાજન એ વધુ સારો ઉપાય છે.
મેક્વેરિ કેપિટલ સિક્યૂરિટીઝ ખાતે જાપાન રિસર્ચના વડા ડેમિઅન થોંગના મતે તોશીબાની મુશ્કેલીઓ પાછળનું કારણ ખરાબ સ્ટ્રેટેજિક નિર્ણયો અને ખરાબ નસીબ હતું. તેમના મતે શેરબજારમાંથી ડિલિસ્ટીંગ પછી તોશીબાની એસેટ્સ અને હ્યુમન ટેલેન્ટ નવું નવી વાતાવરણ મેળવશે. જે તેમની સંપૂર્ણ સંભાવનાઓને ખીલવશે. જાપાન સરકાર તેની પર ચાંપતી નજર જાળવશે. કંપની 1.06 લાખ કર્મચારીઓને રોજગાર પૂરો પાડી રહી છે અને તેની કેટલીક કામગારી નેશનલ સિક્યૂરિટી માટે પણ ખૂબ મહત્વની ગણાવવામાં આવે છે.
બ્લેકસ્ટોને એમ્બેસી રેઈટમાં તમામ હિસ્સો વેચી એક્ઝિટ લીધી
કંપનીએ 23.5 ટકા હિસ્સાનું રૂ. 7100 કરોડમાં વેચાણ કર્યું
ગ્લોબલ ફંડ બ્લેકસ્ટોને એમ્બેસી ઓફિસ પાર્ક્સ રેઈટમાંના તેના સમગ્ર 23.5 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. કંપનીએ હિસ્સા વેચાણમાંથી રૂ. 7100 કરોડ ઊભા કર્યાં છે. બુધવારે સ્ટોક એક્સચેન્જિસ પર બ્લોક ડીલમાં આ હિસ્સાનું વેચાણ કર્યું હતું. કંપનીએ રૂ. 316 પ્રતિ શેરના ભાવે તેનો હિસ્સો વેચ્યો હતો એમ વર્તુળો જણાવતાં હતાં.
કેટલાંક વર્તમાન યુનિટધારકોએ બ્લોક ડીલમાં ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. જ્યારે એસબીઆઈ મ્યુચ્યુલ ફંડ નવો રોકાણકાર છે એમ વર્તુળો જણાવે છે. એમ્બેસી ઓફિસ પાર્ક્સ રેઈટ્સ એ ભારતનું પ્રથમ રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(રેઈટ) છે. જે વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન અને બેંગલૂરૂ સ્થિત રિઅલ્ટી કંપની એમ્બેસી ગ્રૂપે સ્થાપ્યું હતું. તેનું 2019માં શેરબજાર પર લિસ્ટીંગ થયું હતું. તેણે પબ્લિક ઈસ્યુ મારફતે રૂ. 5000 કરોડ ઊભાં કર્યાં હતાં. ગયા વર્ષે બ્લેકસ્ટો એમ્બેસી ઓફિસ પાર્ક્સ રેઈટમાં 3.32 કરોડ ડોલર(રૂ. 2650 કરોડ) એકત્ર કર્યાં હતાં. જે ડીલ પછી બ્લેકસ્ટોનમાં કંપનીનો હિસ્સો 32 ટકા પરથી ઘટી 24 ટકા પર આવ્યો હતો. એમ્બેસી રેઈટ કુલ 4.53 કરોડ ચો.ફીટ પોર્ટફોલિયોની માલિક છે અને તેનું સંચાલન કરે છે. તે કુલ નવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઓફિસ પાર્ક્સ અને ચાર સિટીસેન્ટર ઓફિસ બિલ્ડિંગ્સ ધરાવે છે. જે બેંગલૂરૂ, મુંબઈ, પૂણે અને નેશનલ કેપિટલ રિજન સ્થિત છે. એમ્બેસી રેઈટ્સના પોર્ટફોલિયોમાં 35.3 કરોડ ઓપરેટિંગ એરિયાનો સમાવેશ થાય છે. બ્લેકસ્ટોને દેશમાં બે ઓફિસ રેઈટ્સ લોંચ કર્યાં હતાં. એક તો એમ્બસી રેઈટ અને બીજો માઈન્ડસ્પેસ રેઈટ. તેણે માઈન્ડસ્પેસ રેઈટમાંથી અગાઉ એક્ઝિટ લઈ લીધી હતી. તેણે રિટેલ એસેટ સમર્થિત રેઈટ ‘નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટને પણ સ્પોન્સર કર્યો હતો. જેનું લિસ્ટીંગ ચાલુ વર્ષે થયું હતું.
એર ઈન્ડિયાએ જાપાનની SMBC પાસેથી 12 કરોડ ડોલરનું ઋણ મેળવ્યું
તાતા જૂથની એરલાઈન કંપનીએ એરબસ વિમાનો ખરીદવા માટે બોરોઈંગ લીધું
જાપાનીઝ બેંક એમએસબીસીએ તાતા જૂથની એરલાઈન કંપની એર ઈન્ડિયાને 12 કરોડ ડોલરનું ઋણ આપ્યું છે. આ ઋણ એર ઈન્ડિયાને એરબસ વિમાનોની ખરીદી માટે આપવામાં આવ્યું છે. અગાઉ, તાતા જૂથ એરબસ સાથે વાઈડ-બોડી વિમાનો ખરીદવા માટેનો સોદો કરી ચૂક્યું છે.
આ ટ્રાન્ઝેક્શનનો આંશિક હિસ્સો એર ઈન્ડિયાની એરબસ પાસેથી A350-900 વિમાનોની ખરીદીમાં પણ જશે. આ વિમાનોની ડિલિવરી ઓક્ટોબર 2023માં કરવામાં આવી હતી એમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. એસએમબીસીએ જણાવ્યું છે કે તેની સિંગાપુર બ્રાંચ તરફથી આપવામાં આવેલું આ એક સિક્યોર્ડ ડેટ છે. જ્યારે એર ઈન્ડિયાની ગિફ્ટ સિટી સ્થિત એઆઈ ફ્લિટ સર્વિસિઝ બોરોઅર છે. તાતા જૂથ અગાઉ બોઈંગ અને એરબસ પાસેથી કુલ 470 વિમાની ખરીદીની જાહેરાત કરી ચૂક્યું છે. જે ભારતીય ઉડ્ડયન કંપની તરફથી આ કદની સૌથી મોટી ખરીદી હતી. કેટલાંક રિપોર્ટ્સના જણાવ્યા મુજબ એરબસ A350-900 વિમાનની ખરીદી 30 કરોડ ડોલરથી ઊંચી જોવા મળે છે. એસએમબીસી જૂથના ભારતના કન્ટ્રી હેડ હિરોયૂકી મેસાકીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ તાતા જૂથ સાથેના લાંબાગાળાના સંબંધોને વિસ્તારતાં ખૂશી અનુભવી રહ્યું છે. તેમના મતે બેંક તરફથી વિમાનોની ખરીદી માટે ફાઈનાન્સ માટેનું આ પ્રકારનું પ્રથમ ડિલ છે. એર ઈન્ડિયાના ચીફ કમર્સિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસરના મતે કંપનીના વિશઆળ લાર્જ-કેપ ઓર્ડરમાં શરૂઆતી ડિલિવરી શરૂ થઈ ચૂકી છે. ભારત વિશ્વમાં પાંચમા ક્રમનું ટોચનું ઉડ્ડયન માર્કેટ છે. તેમજ તે આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જાળવી રાખે તેવી શક્યતાં છે. દેશમાં વધતાં મીડલ-ક્લાસને જોતાં હવાઈ મુસાફરીની માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે.
સપ્ટેમ્બર આખર સુધીમાં PSUએ 52 ટકા કેપેક્સ ટાર્ગેટ હાંસલ કર્યો
નાણાપ્રધાને બજેટમાં રજૂ કરેલા રૂ. 7.33 લાખ કરોડના ટાર્ગેટમાંથી રૂ. 3.79 કરોડનો ખર્ચ કર્યો
કેન્દ્રિય જાહેર સાહસોએ ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં બજેટમાં અંદાજિત ખર્ચનો 52 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો હતો. સમગ્ર નાણા વર્ષ માટે નાણા પ્રધાને બજેટ દરમિયાન રૂ. 7.33 લાખ કરોડનો મૂડી ખર્ચ અંદાજ્યો હતો. જેમાંથી રૂ. 3.79 કરોડનો ખર્ચ સપ્ટેમ્બર આખર સુધીમાં હાથ ધરવામાં આવ્યો હતો.
એપ્રિલ-સપ્ટેમ્બર 2022 દરમિયાન પીએસયૂ કંપનીઓએ રૂ. 2.85 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. જે ગયા વર્ષ માટે અંદાજિત ખર્ચના 43 ટકા જેટલો થતો હતો. આમ, ચાલુ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કંપનીઓએ અંદાજિત ખર્ચનો નોંધપાત્ર ખર્ચ કર્યો છે. નાણા મંત્રાલયે એક્સ પર જણાવ્યું હતું કે તેણે સપ્ટેમ્બર 2023 સુધીમાં વર્ષ માટેના કુલ ટાર્ગેટનો 51.71 ટકા ખર્ચ હાંસલ કર્યો છે. ગયા નાણા વર્ષ 2022-23 માટે પીએસયૂ કંપનીઓ તરફથી રૂ. 6.62 લાખ કરોડના ખર્ચનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે સરકારે ખર્ચમાં તીવ્ર વૃદ્ધિનો અંદાજ બાંધ્યો હતો. ટોચના પીએસયૂ તરફથી ક્ષમતા વિસ્તરણમાં નોંધપાત્ર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
શેરબજારમાં વેચવાલી છતાં રૂપિયાએ ફ્લેટ બંધ આપ્યું
બુધવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ડોલર સામે રૂપિયો સ્થિર જોવા મળ્યો હતો. વર્તુળોના મતે રેડ સી માર્ગે ઓઈલ સપ્લાયને લઈ ચિંતા વચ્ચે ક્રૂડના ભાવ ઉછળ્યાં હતાં. જેની પાછળ ઈક્વિટીમાં વેચવાલી ફરી વળી હતી. જોકે, તેની રૂપિયા પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં સાધારણ મજબૂતી જોવા મળતી હતી. તે 102ની સપાટી આસપાસ અથડાઈ રહ્યો છે. જોકે, તેમાં નજીકમાં કોઈ ઊંચી વૃદ્ધિની શક્યતાં નથી. બુધવારે રૂપિયો 83.17ની સપાટીએ ખૂલી 83.13થી 83.18ની સાંકડી રેંજમાં અથડાયો હતો અને આખરે 83.18ના તેના અગાઉના લેવલે બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ અને સિલ્વરમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી.
ફોર્ડે JSWને તમિલનાડુ પ્લાન્ટના વેચાણની યોજના પડતી મૂકી
કંપનીએ હાલમાં પ્લાન્ટ વેચાણનો વિચાર અભરાઈએ ચડાવ્યો
ફોર્ડ મોટર કંપનીએ સપ્ટેમ્બર 2021માં ભારતમાંથી એક્ઝિટની જાહેરાત કરી હતી. જોકે, તેણે તાજેતરમાં દેશમાં તેની એકમાત્ર તમિલનાડુ સ્થિત મેન્યૂફેક્ચરિંગ સાઈટના વેચાણની યોજના પડતી મૂકી છે. તાજેતરમાં સજ્જન જિંદાલના જેએસડબલ્યુ ગ્રૂપ સાથે ડિલને ફાઈનલ કર્યાં પછી કંપનીએ આમ જણાવ્યું છે. જેણે યુએસ ઓટોમેકર ફરીથી ભારતીય બજારમાં પ્રવેશવા વિચારી શકે છે તેવી અટકળોને વેગ આપ્યો છે.
એક અહેવાલ મુજબ ફોર્ડના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની ચેન્નાઈ સ્થિત સુવિધા માટેના વિકલ્પોને ચકાસી રહી છે. જોકે, તે સિવાય અન્ય કોઈ બાબત તેમણે જણાવી નહોતી. ફોર્ડની એક્ઝિટ પછી ચેન્નાઈ પ્લાન્ટ વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. જિંદાલની જેએસડબલ્યુએ એમજી મોટર્સ ઈન્ડિયા સાથેના સંયુક્ત સાહસ એસએઆઈસીમાં 35 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે ફોર્ડના પ્લાન્ટને 10 કરોડ ડોલરમાં ખરીદશે એમ જણાવ્યું હતું. જોકે, ફોર્ડે એકાએક તેનું મન બદલ્યું હતું અને ડિલને બંધ રાખ્યું હતું. તેમજ તે ચેન્નાઈ પ્લાન્ટના વેચાણ માટે વિચારી રહ્યું નથી એમ જણાવ્યું હતું. ચેન્નાઈ પ્લાન્ટ જેએસડબલ્યુના ઈવી ક્ષેત્રે પ્રવેશને સુવિધા પૂરી પાડે તેવી શક્યતાં હતી. 350 એકરમાં પથરાયેલો પ્લાન્ટ વાર્ષિક 1.5 લાખ કાર્સ અને લગભગ 3.4 લાખ એન્જિન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જે જુલાઈ 2022થી બંધ હાલમાં પડ્યો છે. ફેડના ગુજરાત સ્થિત સાણંદ પ્લાન્ટની ખરીદી તાતા મોટર્સની સબસિડિયરી તાતા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટીએ કરી હતી. તેણે રૂ. 725.7 કરોડમાં આ પ્લાન્ટ ખરીદ્યો હતો. ફોર્ડે 10-વર્ષોમાં 2 અબજ ડોલરનો ઓપરેટિંગ લોસ દર્શાવ્યો હતો. જોકે, કોવિડ પછી ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. જેણે ફોર્ડના વિચારને બદલ્યો હોવાની શક્યતાં છે.
ભારતીય કંપનીઓનું ડોલર બોન્ડ ઈસ્યુઅન્સ 14-વર્ષોના તળિયે
2009માં 1.6 અબજ ડોલર પરી 2023માં 4.1 અબજ ડોલરનું સૌથી ઊંચું ભંડોળ મેળવ્યું
ભારતીય કોર્પોરેટ્સ તરફથી ડોલર બોન્ડ્સ ઈસ્યુ મારફતે મેળવવામાં આવતું ફંડ્સ 14-વર્ષોના તળિયા પર જોવા મળે છે. વૈશ્વિક બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિએ બોરોઅર્સને હતોત્સાહિત કર્યાં છે અને તેઓ ફોરેન કરન્સી લોન્સ તરફ વળ્યાં હોવાનું જણાય છે.
કેલેન્ડર 2023માં કોર્પોરેટ્સ અત્યાર સુધીમાં ડોલર બોન્ડ ઈસ્યુ મારફતે 4.1 અબજ ડોલરનું ફંડ એકત્ર કરી ચૂક્યાં છે એમ એલએસઈજી વર્કસ્પેસનો ડેટા જણાવે છે. જે 2009 પછીનું સૌથી નીચું ફંડ છે. 2009માં ડોલર બોન્ડ મારફતે માત્ર 1.6 અબજ ડોલર ઊભા કરવામાં આવ્યાં હતાં. ડોઈશે બેંકના ભારત અને સાઉથ ઈસ્ટ એશિયા ડેટ કેપિટલ માર્કેટના હેડ સમીર ગુપ્તા જણાવે છે કે સમગ્ર 2023માં વૈશ્વિક ઈન્ટરેસ્ટ રેટનું માહોલ સાનૂકૂળ જોવા મળ્યું નથી. તેમજ ડોલર્સમાં ફંડ ઉભું કરી તેનું રૂપિયામાં હેજિંગ સ્થાનિક લિક્વિડીટી કરતાં મોંઘી જણાય છે. જેને કારણે ભારતીય ઈસ્યુઅર્સે સ્થાનિક સ્તરે ભંડોળ મેળવવાનું યોગ્ય માન્યું છે.
યુએસ ફેડ તરફથી એકથી વધુ વાર રેટ વૃદ્ધિને કારણે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ જળવાય હતી. જેને કારણે ભારતીય કંપનીઓ ફોરેન કરન્સી લોન્સ તરફ વળી હતી. જે ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ રેટ્સ પર બેન્ચમાર્ક થતી હોય છે. ચાલુ વર્ષે તે 22.13 અબજ ડોલર પર પહોંચી છે. જે 2014 પછીની સૌથી ઊંચી રકમ છે. ડોલર લોન્સ ઉપરાંત ભારતીય કંપનીઓએ યેન લોન્સ પણ લીધી છે. ચાલુ વર્ષે તેમણે 64.3 કરોડ ડોલરની યેન લોન્સ મેળવી છે. કોર્પોરેટ્સ ફ્લોટિંગ રેટ ઈન્સ્ટ્રુમેન્ટ લોન માટે ખૂશ છે એમ અગ્રણી ગ્લોબલ બેંકના ડેટ કેપિટલ માર્કેટના હેડ જણાવે છે. ફોરેન કરન્સી લોન લેવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર જોવા મળે છે. આ ઉપરાંત આરઈસી, કેનેરા બેંક અને શ્રીરામ ફાઈનાન્સે પણ ફોરેન કરન્સી ડેટ ઊભું કર્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
બીએસઈઃ એક્સચેન્જે જણાવ્યું હતું કે તેનો યુનિટ ઈન્ડિયન ક્લિઅરીંગ કોર્પોરેશન માર્કેટ વાઈડ પોઝીશન લિમિટ પર 15 ટકા અધિક એક્સપોઝર માર્જિન લાગુ પાડશે. તાજેતરમાં બેન્ચમાર્ક તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચવાથી તેમજ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં રિટેલ પાર્ટિસિપેશન વધવાને કારણે તેણે આમ કર્યું છે. વધારાનું માર્જિન 1 જાન્યુઆરી, 2024થી અમલી બનશે.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ કંપનીએ તેની એસોસિએટ કંપની ટ્રાન્સ્ટેક લોજીસ્ટીક્સમાં તેનો સંપૂર્ણ 39.79 ટકાનો હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. જેના વેચાણ પછી કંપની તેની એસોસિએટ નહિ રહે. ટીએલપીએલે માર્ચ, 2023ની આખરમાં રૂ. 3.26 કરોડની આવક દર્શાવી હતી. કંપનીએ ટીએલપીએલનો 39.79 ટકા હિસ્સો તેના પ્રમોટર્સમાંના એક અમરનાથ કલાલેને ટ્રાન્સફર કર્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપનીએ તેના બોર્ડમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરીકે સેબીના ભૂતપૂર્વ વડા અજય ત્યાગી તથા ડેલોઈટ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન પી આર રમેશના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે કંપનીએ સ્પેશ્યલ રેઝોલ્યુશન માટે પોસ્ટલ બેલોટ રૂટ મારફતે મંજૂરી માગી છે.
જેબી કેમિકલ્સઃ ફાર્મા કંપનીએ નોવેર્ટીસ પાસેથી રૂ. 964 કરોડમાં ઓપ્થાલ્મોલોજી બ્રાન્ડ્સ ખરીદી છે. તેણે બહુરાષ્ટ્રીય ફાર્મા કંપની પાસેથી લગભગ 15 જેટલી દવાઓ ખરીદી છે. આ ખરીદી જાન્યુઆરી, 2027થી અસરમાં આવશે. જ્યાં સુધી જેપી કેમિકલ્સ ભારતીય બજાર માટે આ ડ્રગ પોર્ટફોલિયો માટે રૂ. 125 કરોડની ચૂકવણી કરશે. આ માટે કંપનીના બોર્ડે ટ્રેડમાર્ક લાયસન્સ એગ્રીમેન્ટને મંજૂરી પણ આપી છે.