Market Summary 20/03/23

વૈશ્વિક બજારો પાછળ શેરબજારમાં આગળ વધતી નરમાઈ
નિફ્ટી ફરી 17 હજાર નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 16ની સપાટીએ
એફએમસીજી, મિડિયા અને કન્ઝ્મ્પ્શન સેક્ટરમાં મજબૂતી
મેટલ, આઈટી, ઓટો, બેંકિંગમાં નરમાઈ
મીડ-કેપ્સમાં ભારે વેચવાલી
કેપીઆઈટી ટેક, ગોદરેજ કન્ઝ્યૂમર, બ્લ્યૂ સ્ટાર નવી ટોચે
મેક્સ ફાઈ., એમ્ફેસિસ, જી આર ઈન્ફ્રા નવા તળિયે

વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક બજારમાં નવા સપ્તાહની શરૂઆત મંદી સાથે થઈ હતી. બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 361 પોઈન્ટ્સ ગગડી 57,629ની સપાટીએ જ્યારે નિફ્ટી 112 પોઈન્ટ્સ નરમાઈ સાથે 16988ની સપાટીએ બંધ રહ્યાં હતાં. આમ નિફ્ટી ફરી 17 હજાર નીચે ઉતરી ગયો હતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. જેમાં નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 37 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 13 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. મીડ અને સ્મોલ-કેપમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે કુલ 3752 ટ્રેડેડ કંપનીઓમાંથી 2571 કંપનીઓ અગાઉના બંધ કરતાં નીચે બંધ રહી હતી. જ્યારે 1072 કંપનીઓ પોઝીટીવ ઝોનમાં બંધ દર્શાવતી હતી. વોલેટિલીટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 16ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયાઈ બજારોમાં કામગીરીની શરૂઆત નબળી રહી હતી. હોંગ કોંગ જેવા બજાર 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને ઓપનીંગ ભાવ જ દિવસની ટોચ બની રહી હતી. નિફ્ટી 17066.60ની ટોચ સામે ઈન્ટ્રા-ડે 16828.35ના તળિયા પર ટ્રેડ થઈ પરત ફર્યો હતો. જોકે 17 હજાર પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 49ના પ્રિમીયમે 17037ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 90 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે નોંધપાત્ર પ્રમાણમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. જે આગામી સત્રમાં ઝડપી રિકવરીની શક્યતાં ધૂંધળી બનાવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 16800ના સપોર્ટનો મહત્વનો સપોર્ટ જોઈ રહ્યાં છે. જે તૂટશે તો બેન્ચમાર્ક 16500 સુધી ગગડી શકે છે. જે એક પ્રકારનું પેનિક પેદા કરી શકે છે. સુધારાબાજુએ નિફ્ટીમાં 17000 અને 17250ના અવરોધો છે. જે પાર થશે તો જ બેન્ચમાર્ક વધુ તેજી દર્શાવી શકે છે. 17200ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકાય છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં હિંદુસ્તાન યુનિલીવર મોખરે હતો. શેર 2.6 ટકા ઉછળી રૂ. 2511.20ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત બીપીસીએલ, આઈટીસી, ગ્રાસિમ, નેસ્લે, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, એસબીઆઈ લાઈફ, ટાઈટન કંપનીમાં પણ સુધારો જોવા મળતો હતો. જ્યારે બીજી બાજુ બજાજ ફિનસર્વ 4.3 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ, હિંદાલ્કો, વિપ્રો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રામાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, મિડિયા અને કન્ઝ્મ્પ્શન સેક્ટરમાં મજબૂતી રહી હતી. જ્યારે મેટલ, આઈટી, ઓટો, બેંકિંગમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.8 ટકા પોઝીટીવ બંધ જળવાયો હતો. જેમાં એચયૂએલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી અને કોલગેટ સુધરવામાં ટોચ પર હતાં. મિડિયા શેર્સમાં નેટવર્ક 18, ટીવી18 બ્રોડકાસ્ટ, સન ટીવી, આઈનોક્સ લેઝરમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ 2.4 ટકા તૂટ્યો હતો. જેમાં નાલ્કો, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, સેઈલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, વેદાંતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.5 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં એમ્ફેસિસ 3.4 ટકા તૂટ્યો હતો. જે ઉપરાંત કોફોર્જ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી અને ટીસીએસમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એચયૂએલ, બીપીસીએલ, એચપીસીએલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, અબોટ લેબોરેટરી, મુથૂત ફાઈનાન્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડસ ટાવર્સ સુધરવામાં અગ્રણી હતાં. બીજી બાજુ, બલરામપુર ચીની 7 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનાટિક્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, મેક્સ ફાઈનાન્સિયલ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ અને બજાજ ફિનસર્વમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં કેપીઆઈટી ટેક, ગોદરેજ કન્ઝ્યૂમર, બ્લ્યૂ સ્ટાર, ગુજરાત પીપાવાવનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સન ફાર્મા એડવાન્સ, એમ્ફેસિસ, તાન્લા પ્લેટફોર્મ્સ, જી આર ઈન્ફ્રા, ટીટીકે પ્રેસ્ટીજ, પોલિપ્લેક્સ, ઈમામીએ તેમના વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.

રાહત ડીલમાં UBS ક્રેડિટ સ્વીસની 3.25 અબજ ડોલરમાં ખરીદી કરશે
સ્વીસ સરકારે તત્કાળ વટહુકમ પાસ કરીને શેરધારકોની મંજૂરી વિના જ મર્જરને મંજૂરી આપી હતી
વૈશ્વિક બેંકિંગ સિસ્ટમને વણસતી અટકાવવા માટે સરકાર ડિલમાં સહાયરૂપ બની

બેંકિંગ જાયન્ટ યૂબીએસ તકલીફમાં સપડાયેલી હરિફ ક્રેડિટ સ્વીસની લગભગ 3.25 અબજ ડોલરમાં ખરીદી કરશે. વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાં વધુ ખાના-ખરાબી થતી અટકાવવાના પ્રયાસરૂપે સરકાર અને રેગ્યુલેટર્સ તરફથી હાથ ધરાયેલા પ્રયાસોને ભાગરૂપે ડિલ સંભવ બન્યું હતું. સ્વીસ સેન્ટ્રલ બેંકર તરફથી ક્રેડિટ સ્વીસને 50 અબજ ડોલરની ઈમર્જન્સી સહાય પછી પણ બેંક રોકાણકારોનો વિશ્વાસ પુનઃ સંપાદન કરવામાં નિષ્ફળ જતાં સરકારે યૂબીએસને તેનાથી નાના હરિફ ક્રેડિટ સ્વીસની ખરીદી માટે દબાણ કર્યું હતું. ગયા સપ્તાહે ક્રેડિટ સ્વીસ અને અન્ય બેંક્સના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ખાતે સિલિકોન વેલી બેંક તથા સિગ્નેચર બેંકના પતન પછી યુએસ, યુરોપ સહિતની બેંકિંગ કંપનીઓના શેર્સમાં ભાવે મૂડી ધોવાણ નોંધાયું હતું.
ક્રેડિટ સ્વીસનો સમાવેશ વિશ્વની ટોચની 30 ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સમાં થાય છે. આમ તે એક મહત્વની બેંક તરીકે સ્થાન ધરાવે છે. જેના પતનને લઈને સત્તાવાળાઓમાં ચિંતા જોવા મળતી હતી. સ્વીસ પ્રેસિડેન્ટે આ ડીલ નક્કી થયાં પછી જણાવ્યું હતું કે તે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેક્ટરને મોટી રાહત પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે ક્રેડિટ સ્વીસનું પતન સ્વિટ્ઝર્લેન્ડ અને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સિસ્ટમ માટે અગણિત મુશ્કેલીઓનું કારણ બન્યું હોત. સ્વિટ્ઝર્લેન્ડની એક્ઝિક્યૂટીવ બ્રાન્ચ જેમાં સ્વીસ પ્રમુખ સહિત સાત સભ્યોનો સમાવેશ થાય છે, તેમણે એક તત્કાળ વટહુકમ પાસ કરીને શેરધારકોની મંજૂરી વિના જ મર્જરની પરવાનગી આપી હતી. ક્રેડિટ સ્વીસના ચેરમેને વેચાણને એક સ્પષ્ટ ટર્નિંગ પોઈન્ટ તરીકે ગણાયો હતો. તેના જણાવ્યા મુજબ આજનો દિવસ ક્રેડિટ સ્વીસ સાથે સ્વિટ્ઝર્લેન્ડ અને વૈશ્વિક નાણાકિય બજારો માટે પણ એક ઐતિહાસિક સાથે ગમગીન અને પડકારજનક દિવસ છે. તેમણે ઉમેર્યું હતું કે હવે બેંકનું મુખ્ય ફોકસ ક્રેડિટ સ્વીસના 50 હજાર કર્મચારીઓ પર છે. જેમાંથી 17 હજાર સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત છે. સ્વીસ ડિલના અહેવાલ પાછળ વિશ્વભરની સેન્ટ્રલ બેંક્સે આગામી સપ્તાહોમાં બેંકિંગ સિસ્ટમમાં સ્થિરતા પરત લાવવા માટે કો-ઓર્ડેનેટેડ પગલાંઓની જાહેરાત કરી હતી. જેમાં દૈનિક ધોરણે યુએસ ડોલર બોરોઈંગ કરવા માગતી બેંક્સને લેન્ડિંગ ફેસિલિટી જેવી બાબતોનો સમાવેશ થયો હતો. અગાઉ 2008માં આ પ્રેકટીસનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો.

ક્રેડિટ સ્વિસના 9000 કર્મચારીઓ જોબ ગુમાવશે
સરકારની મધ્યસ્થીથી થયેલા ક્રેડિટ સ્વીસ ગ્રૂપના ડીલ પછી બેંકર હવે તેને બચાવવા માટે 9000 જોબ્સ ઓછી કરવાની પ્રક્રિયામાં છે. હરિફ યૂબીએસ ગ્રૂપ તરફથી તકલીફમાં મૂકાયેલી બેંકની ખરીદી પછી જાણકાર વર્તુળોના મતે જોબ કાપનો આખરી આંકડો ખૂબ મોટો થઈ શકે છે. મર્જરને કારણે નોંધપાત્ર ઓવરલેપ ઊભા થશે. જેને કારણે જોબ કટ કરવાનો બનશે. બંને લેન્ડર્સ મળીને ગયા વર્ષની આખરમાં 1.25 લાખ કર્મચારીઓને જોબ્સ આપી રહ્યાં હતાં. જેમાંથી 30 ટકા કર્મચારીઓ સ્વિટ્ઝલેન્ડ સ્થિત છે. યૂબીએસના ચેરમેનના જણાવ્યા મુજબ જોબ કટના આંકડાને લઈને અત્યારથી કશું કહી શકાય નહિ. જોકે તે નોંધપાત્ર સંખ્યામાં હશે એવો યૂબીએસે સંકેત આપ્યો હતો. બંને કંપનીઓનો વાર્ષિક કોસ્ટ બેઝ 2027 સુધીમાં 8 અબજ ડોલર પર પહોંચશે એમ વર્તુળોએ જણાવ્યું હતું. જે ક્રેડિટ સ્વીસના ગયા વર્ષના ખર્ચના અડધો અડધ જેટલો હશે.

દૈનિક હવાઈ પ્રવાસીઓની સંખ્યા ઓક્ટોબર સુધી કોવિડ અગાઈની ટોચ પાર કરશેઃ સિંધિયા
કોવિડ અગાઉ દૈનિક હવાઈ મુસાફરોની સંખ્યા 4.56 લાખની ટોચે જોવા મળી હતી

દેશમાં સરેરાશ દૈનિક ડોમેસ્ટીક પેસેન્જરની સંખ્યા ઓક્ટોબર 2023 સુધીમાં કોવિડ અગાઉની ટોચને પાર કરશે તેમ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિન્દ્ર સિંધિયાએ જણાવ્યું હતું. કાપા(CAPA) ઈન્ડિયા એવિએશન સમિટમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં દૈનિક 420000-440000 મુસાફરો જોવા મળી રહ્યાં છે. જે કોવિડ અગાઉની ટોચની સરખામણીમાં થોડાં નીચાં છે. કોવિડ અગાઉ દૈનિક હવાઈ મુસાફરોની સંખ્યા 4.56 લાખની ટોચ પર જોવા મળી હતી.
સિંધિયાએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે રિકવરીને વી આકારની ગણાવી હતી. વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં કોવિડ પછી ભારતીય ઉડ્ડયન સેક્ટરે ઝડપી રિકવરી દર્શાવી છે. તેમણે ભારતીય ઉડ્ડન સેક્ટર તરફથી ઓફર કરવામાં આવી રહેલી વ્યાપક તકોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ દેશમાં હવાઈ મુસાફરી હજુ માત્ર 3-4 ટકાનું પેનિટ્રેશન જ ધરાવે છે. ભારતમાં છ સૌથી મોટા એરપોર્ટ્સ 2027 સુધીમાં 4.2 કરોડ પ્રવાસીઓને સેવા પૂરી પાડતા હશે એમ તેમણે ઉમેર્યું હતું. ભારતને 2027 સુધીમાં 20 અબજ ડોલરનું અર્થતંત્ર બનવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર રહેશે એમ પ્રધાને ઉમેર્યું હતું. તેમણે નીચા વેલ્યૂ એડેડ ટેક્સ માટે પણ જણાવ્યું હતું. જેથી દેશમાં એવિએશન સેક્ટરમાં વૃદ્ધિને પ્રોત્સાહન મળી શકે. સિંધિયાએ જણાવ્યું હતું કે ભારતીય એવિએશન સેક્ચરમાં હવેનું બીજું સીમાચિહ્ન સ્થાનિક સ્તરે વિમાનો અને કોમ્પોનેન્ટ્સના ઉત્પાદનનું રહેશે.

બેંકિંગ સંકટ પાછળ રોકાણકારો સપ્તાહમાં 600 અબજ ડોલર ગુમાવ્યાં
શેરબજારો હાલમાં 600 અબજ ડોલરની સમસ્યાથી ઘેરાયેલાં છે. છેલ્લાં કેટલાંક દિવસોથી પ્રકાશમાં જોવા મળી રહેલી છ જેટલી બેંક્સ ફાઈનાન્સિયલ સેક્ટર માટે વ્યાપક પરેશાનીનો સંકેત છે કે શું તે સવાલ સહુને સતાવી રહ્યો છે.
બેંક રોકાણકારોએ પહેલા તો વેચાણ કરી દીધું છે અને હવે આ સવાલ કરી રહ્યાં છે. 6 માર્ચથી અત્યાર સુધીમાં યુએસ અને યુરોપની 70 જેટલી બેંક્સની માર્કેટ વેલ્યૂમાંથી 600 અબજ ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે. યુએસ ખાતે સિલિકોન વેલી બેંકના પતનથી બેંક શેર્સમાં ઘટાડાનો ક્રમ શરૂ થયો હતો. જ્યારબાદ સ્વીસ બેંક ક્રેડિટ સ્વીસે બેંક રેગ્યુલેટર સ્વીસ નેશનલ બેંક પાસેથી 54 અબજ ડોલર અને યુએસ સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેંકે 30 અબજ ડોલરની ક્રેડિટ મેળવી હતી. એક મહિના સુધી જોવા મળેલી બેંકિંગ શેર્સની તેજીની ખરાબ સમાપ્તિ જોવા મળી છે. બેંક એક્ઝિક્યૂટીવ્સ અને એનાલિસ્ટ્સના મતે સિસ્ટમ તણાવનું સંચાલન કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે અને સેન્ટ્રલ બેંકર્સ તરફથી 200 અબજ ડોલરથી વધુન સહાયતા જોવા મળી છે ત્યારે બજારે નાહકની વધુ પડતી પ્રતિક્રિયા દર્શાવી છે.

MF નોમિનેશન માટે 31 માર્ચની ડેડલાઈનથી રોકાણકારો પરેશાન
મ્યુચ્યુલ ફંડમાં સંયુક્ત રોકાણ ધરાવનારાઓને ઓનલાઈન પ્રક્રિયામાં અવરોધો નડી શકે છે

મ્યુચ્યુલ ફંડ(એમએફ) નોમિનેશન્સ માટે 31 માર્ચ, 2023ની ડેડલાઈન ઝડપથી નજીક આવી રહી છે. આ તારીખ સુધીમાં તમારે કાં તો તમારા મ્યુચ્યુલ ફંડ રોકાણ માટે નોમિની નિર્ધારિત કરવાનો રહેશે અથવા તો તમે નોમિની ઈચ્છતાં નથી એમ જણાવી તેમાંથી બહાર નીકળી જવાનું રહેશે. તમારા દરેક એમએફ ફોલિયો માટે આમ કરવાનું રહેશે.
જે ફોલિયોમાં તમે આમ કરવામાં નિષ્ફળ જશો તેને ફ્રિઝ કરવામાં આવશે. એટલેકે જ્યાં સુધી તમે સંબંધિત વિગતો પૂરી નહિ પાડો ત્યાં સુધી તમે તેમાં કોઈ નવું રોકાણ નહિ કરી શકો તેમજ આ ફોલિયોઝમાં વેચાણ(રિડમ્પ્શન) પણ નહિ કરી શકો. કેપિટલ માર્કેટ રેગ્યૂલેટર સેબીએ જૂન 2022માં આ સંબંધમાં સર્ક્યલર જાહેર કર્યો હતો. જોકે રોકાણકારોએ ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયામાં અવરોધોનો સામનો કરવાનો થયો હતો. ખાસ કરીને જેઓ સંયુક્ત નામે ફોલિયો ધરાવતાં હતાં તેમજ ‘આઈધર ઓર સરવાઈવર’ મોડમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી. આવા રોકાણકારોએ નોમીનેશન્સ માટે ફિઝિકલ અથવા તો ઓફલાઈન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. ફાઈનાન્સિયલ એડવાઈઝરના જણાવ્યા મુજબ નોમીનેશન જેવા ભવિષ્યમાં અસર ઉપજાવે તેવા ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે તમામ ફોલિયો હોલ્ડર્સે સર્વસંમતિ સાધી નોમીનીની નિમણૂંક કરવાની રહેશે. આ માત્ર શરૂઆત છે. ખૂબ જ જૂના રોકાણો કે જેમાંના મોટાભાગના ફિઝિકલી કરવામાં આવ્યાં હતાં, તેમાં સેકન્ડ કે થર્ડ હોલ્ડરના સંપર્ક સંબંધી વિગતો પૂરું પાડવાનું શક્ય નથી. આ કારણે જ મોટાભાગના રોકાણકારો ઓનલાઈન મોડને કારણે મુશ્કેલી અનુભવી રહ્યાં છે એમ તેઓ ઉમેરે છે. એ વાત નોંધવી રહી કે આ લેખમાં ચર્ચવામાં આવેલી નોમીનેશનની પ્રક્રિયા તમારા નોન-ડીમેટ એમએફ હોલ્ડિંગ્સ પૂરતી જ સિમિત છે. જ્યાં બ્રોકરેજ એકાઉન્ટ મારફતે એમએફ ઈન્વેસ્ટમેન્ટ્સ કરવામાં આવ્યું છે ત્યાં સંબંધિત નોમીની ડિમેટ એકાઉન્ટ લેવલે જ લાગુ પડે છે.

ભારતીય હવાઈ ઉડ્ડયન કંપનીઓ 1.8 અબજ ડોલર સુધીની ખોટ દર્શાવશે

કાપા ઈન્ડિયાના જણાવ્યા મુજબ ભારતીય હવાઈ ઉડ્ડયન કંપનીઓ આગામી નાણા વર્ષ દરમિયાન તેના કાફલામાં 132 વિમાનોનો ઉમેરો કરશે. જે તમામ કંપનીઓની કુલ વિમાનોની સંખ્યાને 816ની સપાટીએ લઈ જશે. સાથે ભારતીય કંપનીઓ 2023-24માં 1.6.થી 1.8 અબજ ડોલરનું કોન્સોલિડેટેડ નુકસાન દર્શાવે તેવો અંદાજ પણ એવિએશન કન્સલ્ટન્સી કંપની કાપા ઈન્ડિયાએ સોમવારે રજૂ કર્યો હતો. ફૂલ સર્વિસ કેરિયર્સ 1.1થી 1.2 અબજ ડોલર સુધીની ખોટ નોંધાવી તેવી અપેક્ષા છે.
કાપા ઈન્ડિયાના મતે ભારતીય વિમાન કંપનીઓ નવા નાણા વર્ષ દરમિયાન 132 વિમાનોનો ઉમેરો કરશે. જેની પાછળ તેમની કુલ વિમાન સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવાશે અને તે 816 પર પહોંચશે. 2023-24 માટે આઉટલૂકની જાહેરાત કરતાં કાપા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતીય કંપનીઓના 100થી વધુ વિમાનો સપ્લાય ચેઈન અને નોન-સપ્લાય ચેઈન જેવી બાબતોને કારણે જમીન પર ઊભાં છે. એટલેકે વપરાશમાં નથી.

ન્યૂ યોર્ક કોમ્યુનિટી બેંક 2.7 અબજ ડોલરમાં સિગ્નેચર બેંક ખરીદશે
સોદામાં સિગ્નેચર બેંકની 38.4 અબજ ડોલરની એસેટ્સ ખરીદીનો પણ સમાવેશ થશે

ન્યૂ યોર્ક કોમ્યુનિટી બેંકે નાદાર બનેલી સિંગ્નેચર બેંકનો નોંધપાત્ર હિસ્સાની 2.7 અબજ ડોલરમાં ખરીદી માટે સહમતી દર્શાવી છે એમ ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને રવિવારે મોડી સાંજે જણાવ્યું હતું. સિગ્નેચર બેંકની 40 શાખાઓ સોમવારથી ફ્લેગસ્ટાર બેંક બની હતી. ફલેગસ્ટાર એ ન્યૂ યોર્ક કોમ્યુનિટી બેંકની સબસિડિયરીઝમાંથી એક છે. આ ડીલમાં સિગ્નેચર બેંકની 38.4 અબજ ડોલરની એસેટ્સ ખરીદીનો સમાવેશ પણ થાય છે. જે સપ્તાહ અગાઉ બેંકનું પતન થયું ત્યારે તેની વેલ્થના ત્રીજા ભાગથી સહેજ વધુ છે. એફડીઆઈસીના જણાવ્યા મુજબ સિગ્નેચર બેંકની 60 અબજ ડોલરની લોન્સ રિસિવરશીપ તરીકે રહેશે અને તેને સમયાંતરે વેચવામાં આવે તેવી અપેક્ષા છે. સિલિકોન વેલી બેંકના પતનના 48 કલાક પછી સિગ્નેચર બેંકનું પતન થયું હતું. તે ન્યૂ યોર્કના ટ્રાઈસ્ટેટ એરિયામાં મોટી કમર્સિયલ લેન્ડર બની હતી. જોકે તાજેતરના વર્ષોમાં તે ક્રિપ્ટોકરન્સિઝમાં પડી હતી અને તેથી તકલીફમાં સપડાઈ હતી. સિલિકોન વેલી બેંકની નિષ્ફળતા પછી સિગ્નેચર બેંકને લઈને ડિપોઝીટર્સ નર્વસ જોવા મળતાં હતાં. કેમકે તે ઊંચી રકમની વીમારહિત ડિપોઝીટ્સ ધરાવતી હતી. તેમજ ક્રિપ્ટો અને અન્ય ટેક-ફોકસ્ડ લેન્ડિંગમાં તેનું એક્સપોઝર નોંધપાત્ર હતું. તે યુએસ ખાતે નિષ્ફળ જનારી ત્રીજી મોટી બેંક બની રહી હતી. એફડીઆઈસીના જણાવ્યા મુજબ સિગ્નેચર બેંકની નિષ્ફળતા ડિપોઝીટ ઈન્શ્યોરન્સ ફંડ પર 2.5 અબજ ડોલર જેટલો બોજો બની રહેશે. જોકે રેગ્યુલેટર તરફથી એસેટ વેચાણને જોતાં રકમમાં ફેરફાર જોવા મળી શકે છે.

પેટ્રોલ-ડિઝલ પરનો નિકાસ અંકુશ માર્ચ પછી પણ લંબાઈ શકે
ભારત સરકાર ડિઝલ અને પેટ્રોલ પરના નિકાસ નિયંત્રણો નવા વર્ષમાં પણ જાળવી રાખે તેવી શક્યતાં એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારમાં રિફાઈન્ડ ફ્યુઅલ્સની પૂરતી પ્રાપ્તિની ખાતરી માટે આમ કરવામાં આવી શકે છે એમ સરકારી વર્તુળોને ટાંકીને અહેવાલ નોંધે છે. ચાલુ નાણા વર્ષ દરમિયાન લાગુ પાડવામાં આવેલા નિયંત્રણોને લંબાવવાને કારણે કેટલાંક ભારતીય રિફાઈનર્સ સસ્તું રશિયન ઓઈલ ખરીદી તેને ફરીથી નિકાસ કરવા માટે હતોત્સાહિત થઈ શકે છે. ખાસ કરીને ખાનગી રિફાઈનર્સ આમ કરવામાં મુખ્ય હશે. ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઓઈલ વપરાશકાર છે. સરકારે ગયા વર્ષે ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો હતો.

ક્રૂની અછત પાછળ એર ઈન્ડિયા યુએસ રુટ્સની ફ્રિકવન્સી ઘટાડશે
એર ઈન્ડિયા કેટલાંક યુએસ રુટ્સ પરની ફ્રિકવન્સીમાં ઘટાડો કરશે એમ કંપનીના વડા કેમ્પબેલ વિલ્સને જણાવ્યું છે. ઉડ્ડયન કંપની ચાલક બળની તંગીને કારણે કેટલાંક સમય માટે આ પગલું ભરશે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કંપની પાસે બોઈંગ 777 વિમાનોની ઉડાન માટે ત્રણ મહિનાં 100 પાયલોટ્સ હશે. હાલમાં 1400 કેબિન ક્રૂ તાલીમ લઈ રહ્યાં છે એમ પણ જણાવ્યું હતું. તાજેતરના મહિનાઓમાં કેટલીક લાંબા સમયગાળાની ફ્લાઈટ્સ પર કેબિન ક્રૂની તંગીને કારણે અસર પડી હતી. ઉડ્ડયન કંપની કુલ 11 હજાર કર્મચારીઓ ધરાવે છે. જેમાં ફ્લાઈંગ અને નોન-ફ્લાઈંગ, બંને પ્રકારના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ગયા મહિને AI અને ML ક્ષેત્રે 45 હજાર નવી જોબ્સ ખૂલી
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ(એઆઈ) અને મશીન લર્નિંગ(એમએલ) ક્ષેત્રે ગયા મહિને દેશમાં નવી 45000 જોબ્સ ઓપનીંગ જોવા મળ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. એમએલ એપ્લિકએશન્સ પર ફોકસને કારણે સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજીસમાં નિપુણ એઆઈ પ્રોફેશ્નલ્સની માગ વધી રહી છે એમ રિપોર્ટ નોંધે છે. એઆઈ ક્ષેત્રે કારકિર્દી બનાવવા મટે પરંપરાગત એમએલ મોડેલ્સ સ્કીલની સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય છે. એઆઈમાં સ્પેશ્યલાઈઝેશન ધરાવતાં નવા એન્જીનીયર્સ શરૂઆતમાં જ રૂ. 10 લાખથી રૂ. 14 લાખ સુધીનું વાર્ષિક વેતન લઈ શકે છે એમ રિપોર્ટ નોંધે છે.

ચાલુ નાણા વર્ષે ખોળની નિકાસમાં 77 ટકા વૃદ્ધિ નોંધાઈ
રાયડા ખોળની નિકાસ ગયા વર્ષે 7.72 લાખ ટનની સરખામણીમાં 166 ટકા ઉછળી 20.51 લાખ ટનના વિક્રમી સ્તરે જોવા મળી
રાયડા ખોળ તથા સોયાબિન ખોળની નિકાસમાં ઊંચી વૃદ્ધિ પાછળ દેશમાં એપ્રિલ 2022થી શરુ થયેલાં નાણાકિય વર્ષથી ફેબ્રુઆરી 2023 સુધીના 11-મહિના દરમિયાન ઓઈલમિલ્સની નિકાસમાં 76.78 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન(સી)ના આંકડા મુજબ ગણનામાં લીધેલાં સમયગાળામાં દેશમાંથી 37.69 લાખ ટન ઓઈલમિલ્સની નિકાસ થઈ છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 21.32 લાખ ટન પર જ જોવા મળતી હતી.
દેશમાંથી ખોળની નિકાસમાં વૃદ્ધિનું મુખ્ય કારણ સોયાબિનના ભાવમાં ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ભારતીય ખોળની નિકાસની વધેલી સ્પર્ધાત્મક્તા છે. સોયાબિનના ભાવ ગઈ સિઝનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 7640 પરથી ઘટી એપ્રિલ 2022માં રૂ. 5200 પર જોવા મળ્યાં હતાં. જેણે ક્રશીંગને પ્રોત્સાહન આપ્યું હતું અને સારી પ્રાઈસ પેરિટી ઊભી કરી હતી. જેણે સાયોબિન મિલની નિકાસને આકર્ષક બનાવી હતી. ભારતમાંથી 7.87 લાખ ટન સોયાબિન મિલની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.48 લાખ ટન પર હતી. આમ વાર્ષિક ધોરણે સોયામિલની નિકાસમાં 126 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. ભારતીય સોયાબિન મિલના મુખ્ય ગ્રાહકોમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે. જેમની સાથે ભારત લોજિસ્ટીક એડવાન્ટેજ ધરાવે છે. કેટલાંક યુરોપિયન દેશો અને યુએસ ખાતે પણ ભારતીય સોયા મિલ નોન-જીએમઓ પ્રકારનો હોવાથી તેના પર પસંદગી ઉતારવામાં આવે છે. આમ નવેમ્બર-ફેબ્રુઆરી 2021-22માં માત્ર 1.72 લાખ ટનની નિકાસ પરથી નવેમ્બર-ફેબ્રુઆરી 2022-23માં નિકાસને 6.25 લાખ ટન પર લઈ જવામાં સહાયતા મળી હતી. સોયામિલ ઉપરાંત રેપસીડ(રાયડા) મિલની નિકાસમાં જંગી વૃદ્ધિ નોઁધાઈ હતી. ગયા વર્ષે 7.72 લાખ ટનની સરખામણીમાં ચાલુ વર્ષે 20.51 લાખ ટન રેપસીડ મિલની નિકાસ થઈ ચૂકી છે. જે 166 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. 2022-23ના પ્રથમ 11 મહિનામાં રાયડા ખોળની નિકાસમાં નવો વિક્રમ જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ દેશમાં રાયડાનું વિક્રમી ઉત્પાદન હતું. અગાઉ 2011-12માં દેશમાંથી 12.48 લાખ ટન રાયડા ખોળની નિકાસ જોવા મળી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

એલઆઈસીઃ દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની ચાલુ મહિને તેના નવા ચેરમેન મેળવે તેવી શક્યતાં છે. પીએસયૂ બેંક્સ અને નાણા સંસ્થાઓ માટે ચેરમેનની પસંદગી કરતાં ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્સ્ટીટ્યુશન્સ બ્યૂરો આ પસંદગી કરશે. ચેરમેનની પસંદગી કંપનીના ચાર એમડીમાંથી કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. ચાલુ સપ્તાહની આખરમાં તેઓ આ માટે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ તેના પાર્ટનર બીપી સાથે તેના ઈસ્ટર્ન ઓફશોર કેજી-ડી6 બેસીનમાંથી મળનારા નેચરલ ગેસની હરાજીને ફરી શરૂ કરી છે. કંપનીએ સરકાર નિર્ધારિત નવા માર્કેટિંગ નિયમોને આધારે આ હરાજી ચાલુ કરી છે. કંપની અને તેના ભાગીદાર બીપી 3 એપ્રિલે આયોજિત હરાજીમાં પ્રતિ દિવસ 60 લાખ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર્સ ગેસનું વેચાણ કરશે.
જેએસપીએલઃ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડે કંપનીને ફાયર-રેસિસ્ટન્ટ સ્ટીલ સ્ટ્રક્ચર્સ બનાવવા માટેની મંજૂરી આપી છે. આ સ્ટીલ સ્ટ્રક્ચર્સ 600 સેલ્સિયસ તાપમાન સામે ત્રણ કલાક સુધી ટકી શકે છે. હાલમાં આ પ્રકારની પ્રોડક્ટની દેશમાં આયાત કરવામાં આવે છે.
વિપ્રોઃ આઈટી સર્વિસ કંપનીએ યૂએસ ખાતે 120 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. કંપનીએ બિઝનેસની જરૂરિયાત મુજબ રિઅલાઈમેન્ટનું કારણ આપી આમ કર્યું છે. છૂટાં કરવામાં આવેલા એમ્પ્લોઈઝમાં 100થી વધુ પ્રોસેસિંગ એજન્ટ્સનો સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage