માર્કેટ સમરી
નરમાઈના ટ્રેન્ડમાંથી બહાર આવવામાં બજાર સફળ
ભારતીય બજારે સતત ચાર ટ્રેડિંગ સત્રોથી જોવા મળતાં ઘટાડાના ટ્રેન્ડમાંથી બહાર આવવામાં સફળતા મેળવી હતી અને નિફ્ટી 42 પોઈન્ટ્સના સુધારે 15722ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક 15636ની તળિયેથી સુધરી 15738ની ટોચ પર ટ્રેડ થયો હતો. માર્કેટને બેંકિંગ, ફાર્મા જેવા ક્ષેત્રોએ સપોર્ટ કર્યો હતો. જ્યારે મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
ઈન્ડિયા વીક્સ બે વર્ષના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઘટી 12.09ના સ્તરે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સમયગાળો ખૂબ ચોપી મૂવમેન્ટનો હોય શકે છે. મોટાભાગના એનાલિસ્ટ્સ ચાલુ મહિને નિફ્ટી 16000નું સ્તર પાર કરે તેવી શક્યતા જોઈ રહ્યાં છે. જોકે આ માટે 15900નો અવરોધ પાર થવો જરૂરી છે.
ડોલર સામે રૂપિયામાં વધુ 20 પૈસાનું ધોવાણ
સપ્તાહના અંતિમ દિવસે ડોલર સામે રૂપિયામાં વેચવાલી ચાલુ રહી હતી. સોમવારે સપ્તાહની શરૂઆતમાં એક પૈસાનો સાધારણ સુધારો દર્શાવ્યાં બાદ રૂપિયો બાકીના ચાર સત્રો દરમિયાન સતત ઘટતો રહ્યો હતો. શુક્રવારે તે અગાઉના 74.55ની બંધ સપાટી સામે 74.71ના સ્તરે નરમ ખૂલ્યાં બાદ વધુ ગગડી 74.87 પર જોવા મળ્યો હતો. જ્યાંથી થોડા બાઉન્સ થઈ 74.65નું સ્તર દર્શાવ્યું હતું. જોકે આખરે તે 74.75ના બે મહિનાના તળિયા પર બંધ આવ્યો હતો. અગાઉ એપ્રિલની શરૂમાં તે આ સ્તરે જોવા મળ્યો હતો.
ક્લિન સાયન્સ રૂ. 1547 કરોડ ઊભા કરશે
સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદક ક્લિન સાયન્સ એન્ડ ટેક્નોલોજી કંપની આઈપીઓ મારફતે રૂ. 1547 કરોડ ઊભા કરશે. કંપની રૂ. 880-900ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. કંપનીનો આઈપીઓ 7 જુલાઈએ ખૂલી 9 જુલાઈના રોજ બંધ થશે. કંપની રિટેલ ઈન્વેસ્ટર્સને 35 ટકા શેર્સ ઓફર કરશે. જ્યારે ક્વિપ માટે 50 ટકા સુધી હિસ્સો રિઝર્વ્ડ રાખશે. કંપની કેટાલિટીક પ્રોસેસિસનો ઉપયોગ કરી નવી ટેક્નોલોજિસ વિકસાવવામાં સક્રિય છે.
IOB માર્કેટ-કેપમાં PNB અને BOBથી આગળ નીકળી ગઈ
પીએસયૂ બેંક્સમાં ખાનગીકરણ માટે પસંદ થયેલી ઈન્ડિયન ઓવરસીઝ બેંકે માર્કેટ-કેપમાં વર્ષોથી બીજા અને ત્રીજા ક્રમની પીએસયૂ બેંક્સ પીએનબી અને બેંક ઓફ બરોડાને પાછળ રાખી દીધી છે. શુક્રવારે આઈઓબીનો શેર રૂ. 27.45ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે બેંકનું માર્કેટ-કેપ રૂ. 52 હજાર કરોડ નજીક જોવા મળતું હતું. જ્યારે બિઝનેસમાં એસબીઆઈ બાદ બીજા ક્રમની પીએસયૂ બેંક પીએનબીનું માર્કેટ-કેપ શુક્રવારે રૂ. 46 હજાર કરોડ પર જોવા મળતું હતું. ત્રીજા ક્રમે આવતી પીએસયૂ બેંક બેંક ઓફ બરોડાનું માર્કેટ-કેપ રૂ. 44 હજાર કરોડ પર નોંધાયું હતું. આઈઓબીનો શેર તેના વર્ષના રૂ. 8.50ના તળિયા સામે સુધરીને રૂ. 29ની ટોચ પર પહોંચ્યો હતો. આમ તે લગભગ ચાર ગણો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે પીએનબીના શેરમાં તળિયાના ભાવથી 50 ટકા જ્યારે બેંક ઓફ બરોડામાં તળિયાના ભાવથી 100 ટકાનો સુધારો જ નોંધાયો છે.
અદાણી જૂથની માર્કેટ-કેપમાં 14 સત્રોમાં 42 અબજ ડોલરનું ધોવાણ
અદાણી પરિવારની વેલ્થમાં પણ સમાનગાળામાં 31 અબજ ડોલર નીકળી ગયા
અદાણી જૂથના શેર્સમાં અદાણી ટોટલ ગેસમાં 45 ટકા સાથે સૌથી વધુ ધોવાણ
જૂન મહિનાની 14 તારીખથી લઈ 2 જુલાઈ સુધીમાં અદાણી જૂથના માર્કેટ-કેપમાં રૂ. 3.12 લાખ કરોડ અથવા તો લગભગ 42 અબજ ડોલરનું ધોવાણ નોંધાઈ ચૂક્યું છે. મોરેશ્યસ સ્થિત ત્રણ વિદેશી સંસ્થાકિય રોકાણકારોના ડિ-મેટ એકાઉન્ટ્સને એનએસડીએલે ફ્રિઝ કર્યાંના ખોટા અહેવાલ રજૂ થયાના 14 ટ્રેડિંગ સત્રોમાં જ કંપનીની માર્કેટ-વેલ્થમાં જંગી ઘટાડો નોંધાયો છે.
અદાણી જૂથે તથા એનએસડીએલે કોઈપણ એફઆઈઆઈના ડિમેટ ફ્રિઝ કરવામાં આવ્યાં હોવાના અહેવાલને રદિયો આપ્યાં છતાં કંપનીના શેર્સમાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. ખાસ કરીને એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ નથી એવા અદાણી જૂથ શેર્સ અવિરત 5 ટકાની સેલર સર્કિટમાં જોવા મળી રહ્યાં છે. તેઓ અત્યાર સુધીમાં તેમના ટોચના ભાવથી 45 ટકા સુધી તૂટી ચૂક્યાં છે. જેમાં અદાણી ટોટલ ગેસનો શેર ટોચ પર છે. કંપનીનો શેર રૂ. 1680ની ટોચથી ગગડતો રહ્યો છે. શુક્રવારે તે વધુ 5 ટકા ઘટી રૂ. 920ના સ્તરે બંધ રહ્યો હતો. રૂ. 1.70 લાખના માર્કેટ-કેપ પરથી કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.01 લાખ કરોડ પર આવી ગયું છે. જૂથની છ લિસ્ટેડ કંપનીઓમાંથી ચાર કંપનીઓ માત્ર કેશ સેગમેન્ટમાં જ કામકાજ ધરાવે છે. જ્યારે બે કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ છે અને તેથી તેઓ એક દિવસમાં અમર્યાદિત વધ-ઘટ દર્શાવી શકે છે. 14 જૂને 26 ટકા સુધીનો તીવ્ર ઘટાડો દર્શાવી બંધ થવાના સમયે 6 ટકા ઘટીને બંધ રહ્યાં બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેર્સમાં તીવ્ર વધ-ઘટ નથી નોંધાઈ. જોકે જૂથની અન્ય ચાર લિસ્ટેડ કંપનીઓ અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરમાં 5 ટકા લોઅર સર્કિટ્સ દર્શાવવાનું લગભગ ચાલુ રહ્યું છે. શુક્રવારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સ 5 ટકાની નીચલી સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. ખૂબ જ પાંખા વોલ્યુમ સાથે તેઓ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જે સૂચવે છે કે ટોચના સ્તરેથી નોંધપાત્ર કરેક્શન બાદ પણ જૂથના શેર્સમાં હજુ કોઈ આગળ આવીને ખરીદી કરવા તૈયાર નથી. અદાણી ટોટલમાં બીએસઈ ખાતે 13 હજાર શેર્સનું વોલ્યુમ નોંધાયું હતું. જ્યારે અદાણી ટ્રાન્સમિશનમાં માત્ર 10 હજાર શેર્સનું કામકાજ થયું હતું.
અદાણી જૂથના શેર્સ તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં ત્યારે જૂથનું કુલ માર્કેટ-કેપ રૂ. 10,21,395 કરોડ પર પહોંચ્યું હતું. જે શુક્રવારના બજારભાવે રૂ. 7,08,861 કરોડ પર જોવા મળતું હતું. આમ રૂ. 3.12 લાખ કરોડનો તીવ્ર ઘટાડો નોંધાય ચૂક્યો હતો. જો ડોલર સંદર્ભમાં વાત કરીએ તો જૂથનું એમ-કેપ 136 અબજ ડોલર પરથી 100 અબજ ડોલર નીચે ઉતરી ગયું છે. જ્યારે પ્રમોટર અદાણી પરિવારનું માર્કેટ-કેપ રૂ. 7.45 લાખ કરોડ(100 અબજ ડોલર)ની ટોચ પરથી ગગડી રૂ. 5.15 લાખ કરોડ(69 અબજ ડોલર) પર પટકાયું છે.
અદાણી જૂથના શેર્સનો દેખાવ
કંપની સર્વોચ્ચ સપાટી(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(%)
અદાણી ટોટલ 1680 920 -45
અદાણી ટ્રાન્સ 1648 959 -42
અદાણી પાવર 167 110 -34
અદાણી ગ્રીન 1394 1009 -28
અદાણી પાવર 901 711 -21
અદાણી એન્ટર. 1718 1425 -17