બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મજબૂત સેન્ટીમેન્ટ પાછળ માર્કેટમાં તેજીની હેટ્રીક
નિફ્ટી 17800ની અવરોધ સપાટી નજીક પહોંચ્યો
બ્રોડ બેઝ બાઈંગ પાછળ બે શેર્સમાં સુધારા સામે એકમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ગગડ્યો
પીએસયૂ બેંક ઈન્ડેક્સ ત્રણેક વર્ષોની ટોચ પર
વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
બુધવારે પણ બજેટની પોઝીટીવ અસર જળવાય હતી અને શેરમાર્કેટે સતત ત્રીજા દિવસે એક ટકાથી વધુ સુધારા સાથે બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 695.76 પોઈન્ટ્સ ઉછળી 59558.33 પર જ્યારે નિફ્ટી 203.15 પોઈન્ટ્સના સુધારે 17780ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 40 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. માર્કેટને તમામ ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકાના ઘટાડે 18.65 પર બંધ રહ્યો હતો. બજેટ દિવસે તેણે 10 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
એશિયન બજારોમાં ચીનના નવ વર્ષને કારણે રજા વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ થઈ હતી અને બેન્ચમાર્ક્સ દિવસ દરમિયાન ધીમે-ધીમે સુધરતાં જોવા મળ્યાં હતાં. જેમાં નિફ્ટી દિવસની આખરમાં 17794.60ની ટોચ બનાવીને લગભગ તેની નજીક જ બંધ આપવામાં સફળ થયો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે તેણે 17600-17800ના અવરોધ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. જો તે 17800ના સ્તરને પાર કરી જશે તો ફરી 18000નું સ્તર દર્શાવી શકે છે. તેમજ ધીમે-ધીમે નવી ટોચ તરફ આગળ વધી શકે છે. બજેટમાં સરકારે આર્થિક ગતિવિધિઓમાં વેગ આવે તે માટે જંગી ખર્ચ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવતાં માર્કેટમાં તેજીનું માનસ ધરાવનારાઓને માનસિક સપોર્ટ મળ્યો છે. જે છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં બજારની મૂવમેન્ટમાં જોવા મળે છે. જો નિફ્ટી 17800નું સ્તર પાર કરશે તો ઝડપી શોર્ટ કવરિંગ પાછળ તે વધુ નોંધપાત્ર સુધારો દર્શાવી શકે છે. હાલમાં તો મંદીવાળાઓ ગભરાટમાં હોવાનું જોવા મળે છે. વૈશ્વિક સ્તરે યુએસ શેરબજારોમાં પણ સતત ત્રણ દિવસથી મજબૂતી જોવા મળી રહી છે. જે દર્શાવે છે કે ફેડની રેટ વૃદ્ધિની ટિપ્પણીઓને બજારો સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ કરી તેમાંથી બહાર આવી ચૂક્યાં છે.
બુધવારે ભારતીય બજારમાં લાર્જ-કેપ્સ ઉપરાંત મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3457 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2272 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 1087 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. આમ બે શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. 406 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 232 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળી રહ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.18 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.44 ટકા સુધારો સૂચવતાં હતો. સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટીએ તેજીની આગેવાની લીધી હતી અને 2.14 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. બેંકિંગમાં પણ પીએસયૂ બેંક નિફ્ટીએ તેની ત્રણેક વર્ષોની ટોચ દર્શાવી હતી. પીએસયૂ બેંક શેર્સમાં 10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક 10 ટકા સાથે ટોચ પર હતો. જ્યારે યુનિયન બેંક(7 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(5 ટકા), કેનેરા બેંક(4 ટકા), આઈઓબી(4 ટકા) અને પંજાબ એન્ડ સિંધ બેંક(4 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં.
એનએસઈ ખાતે ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં અનેક શેર્સ 5 ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં ડો. લાલ પેથલેબ્સ, કેનફિન હોમ્સ, વોડાફોન આઈડિયા, ઈન્ડસઈન્ડ બેંક, જીએસપીસી, બજાજ ફિનસર્વ, ઓરેકલ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ચંબલ ફર્ટિલાઈઝર, જ્યુબિલિઅન્ટ ફૂડ, બાલક્રિષ્ણ ઈન્ડ., બલરામપુર ચીની, ચોલા ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
HDFCએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3261 કરોડનો નફો નોંધાવ્યો
અગ્રણી હાઉસિંગ ફાઈનાન્સ કંપની એચડીએફસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3261 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2926 કરોડની સરખામણીમાં 11 ટકા વધારે હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 5 ટકા વધી રૂ. 4284 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4068 કરોડ પર હતી. કંપનીની ગ્રોસ ઈન્ડિવિડ્યૂઅલ નોન-પર્ફોર્મિંગ લોન્સ 1.44 ટકા પર રહી હતી. જ્યારે નોન-ઈન્ડિવિડ્યુઅલ માટે તે 5.04 ટકા પર રહી હતી. કંપનીની કુલ એનપીએલ રૂ. 12419 કરોડ પર રહી હતી. જે પોર્ટફોલિયોના 2.32 ટકા જેટલી હતી. સામે કંપનીના પ્રોવિઝન્સ રૂ. 13195 કરોડ પર હતાં. જ્યારે તેનું કુલ એયૂએમ રૂ. 6.18 લાખ કરોડ પર હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.52 લાખ કરોડ પર હતું.
ટીબીઓ ટેક બજારમાંથી રૂ. 2100 કરોડ ઊભા કરશે
વૈશ્વિક સ્તરે વ્યાપ ધરાવતું ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટીબીઓ ટેક આઈપીઓ મારફતે રૂ. 2100 કરોડ એકત્ર કરશે. કંપનીએ આ માટે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 900 કરોડના ફ્રેશ ઈસ્યુ તથા રૂ. 1200 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થતો હતો. કંપની આઈપીઓ પૂર્વે પ્રાઈવેટ પ્લેસમેન્ટ માટે પણ વિચારે તેવી શક્યતાં છે. કંપની ઈનઓર્ગેનિક ગ્રોથ સહિતના કાર્યોમાં આઈપીઓ રકમનો ઉપયોગ કરશે.
બેઝ મેટલ્સ પાછળ ચાંદીમાં સુધારો, સોનુ નરમ
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં સ્થિરતા પાછળ સ્થાનિક બજારમાં પણ તે વધુ નરમાઈ સૂચવી રહ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 155ના ઘટાડે રૂ. 47810ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 1803 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે ગયા સપ્તાહની તેની ટોચ સામે 40 ડોલરનો ઘટાડો દર્શાવે છે. જોકે બેઝ મેટલ્સમાં મજબૂતી પાછળ ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 300ના સુધારે રૂ. 61661 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોપર, ઝીંકમાં એક ટકા આસપાસનો સુધારો જોવા મળી રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ 6.36 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવતો હતો.
2022-23માં ભારતનો GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાની અપેક્ષાઃ ક્રિસિલ
ખાધ મુદ્દે ઢીલ અપનાવી ખર્ચમાં જંગી વૃદ્ધિનો નાણાપ્રધાનનો અભિગમ યોગ્ય હોવાનો મત
સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે 2022-23માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે. નાણાપ્રધાન નિર્મળા સીતારામણે બજેટ પૂર્વેના દિવસે રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં નવા વર્ષ માટે 8.5 ટકા આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ રજૂ કર્યો હતો.
રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે નાણાપ્રધાનની બજેટ દરખાસ્તો યોગ્ય દિશાની છે. તેમણે નાણાકિય કોન્સોલિડેશનનના મુદ્દે થોડા ધીમા પડીને ઊંચા ખર્ચ પર ભાર આપવાની નીતિ અપનાવી છે. જે વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. જોકે આમ છતાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઘટાડાતરફી જણાય છે. એટલેકે 2021-22માં 9.2 ટકાના વૃધ્ધિ દરની અપેક્ષા સામે આગામી વર્ષે 7.8 ટકાના દરે અર્થતંત્ર વૃદ્ધિ પામે તેવો અંદાજ છે. એજન્સીના મતે વૈશ્વિક અર્થતંત્રમાં જ ગ્રોથ રેટ ધીમો પડે તેવી શક્યતાં છે. કેમકે અગ્રણી મધ્યસ્થ બેંક્સ તેમણે આપેલા સ્ટીમ્યુલસ પરત ખેંચી રહી છે. સાથે તે રેટ વૃદ્ધિની વાતો કરી રહી છે. જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે. કેમકે મહામારીના સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્ર માટે ઊંચી નિકાસ માગે એક ગ્રોથ માટે એક મહત્વનું ચાલકબળ બની રહ્યું હતું.
નવા વર્ષ દરમિયાન ગ્રોથ પર વિપરીત અસર કરે તેવા અન્ય પરિબળોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતી પણ કારણભૂત બનશે. ઉપરાંત જીઓપોલિટિકલ કારણો પણ જવાબદાર રહેશે. જે ફુગાવામાં વૃદ્ધિ આણી શકે છે. જે ચાલુ ખાતાની ખાધને વધુ પહોળી બનાવી શકે. જો વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનમાં જોવા મળી રહેલી રૂકાવટો ઘટવાના બદલે ફરીથી વધવાતરફી બનશે તો રો-મટિરિયલ્સની તંગી ઊભી થઈ શકે છે. જો મેન્યૂફેક્ચરિંગ પર અસર કરી શકે છે. ક્રિસિલના મતે નોમીનલ ગ્રોથ રેટ 12-13 ટકાનો રહેશે. જે બજેટ અંદાજની સરખામણીમાં 11.1 ટકા પર હશે. જ્યારે હેડલાઈન ઈન્ફ્લેશ સરેરાશ 5.2 ટકા પર જોવા મળશે. બજેટમાં મૂડી ખર્ચમાં 35 ટકા વૃદ્ધિના અંદાજને તે હકારાત્મક ગણાવતાં ઉમેરે છે કે સરકારે બજેટમાં વપરાશ માટે કોઈ સીધો સપોર્ટ આપવાનું ટાળ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી ખર્ચને કારણે ઝડપી ગ્રોથ જોવા મળશે. જે ઈન્ફલેશનને કંઈક અંશે પોષી શકે છે.
મહત્વના પરિણામો
લક્ષ્મી ઓર્ગેનિકઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 82.09 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 45.21 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 435.5 કરોડ પરથી ઉછળી રૂ. 859.87 કરોડ પર રહી હતી.
વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33.47 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 232.53 કરોડ પરથી ઉછળી રૂ. 397.34 કરોડ પર રહી હતી.
ઈન્ડિયન હોટેલ્સઃ ટાટા જૂથ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 76 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 119 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક 98 ટકા ઉછળી રૂ. 1110 કરોડ પર રહી હતી.
ટીટીએમએલઃ ટાટા જૂથની કંપનીએ સરકારને એજીઆર તથા સ્પેક્ટ્રમ પેટે ચૂકવવાના થતાં નાણા પરના વ્યાજના ઈક્વિટી કન્વર્ઝનનો નિર્ણય પરત ખેંચ્યો છે.
ટેક મહિન્દ્રાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. રૂ. 1378.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1340.9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 10881.3 કરોડ પરથી ઉછળી રૂ. 11450.8 કરોડ પર રહી હતી.
ચોલામંડલમઃ એનબીએફસીએ ત્રીજા ક્વાર્ટરમાં 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 524 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે તેની આવક વાર્ષિક ધોરણે 1.2 ટકા વધી રૂ. 2530 કરોડ પર રહી હતી.
પીએન્ડજી હાઈજીનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 212 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 250 કરોડ પર હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણએ 7.1 ટકા ઉછળી રૂ. 1090 કરોડ પર રહી હતી.
કોટનમાં ખાંડીએ રૂ. 78 હજારની વિક્રમી સપાટીએ છતાં માલની અછત
ખેડૂતો મણે રૂ. 2000ના ભાવ છતાં માલ પકડીને બેઠાં છે
મિલ્સને હજુ સુધી કમાણી છે એટલે મજબૂત જળવાયેલી માગ
કોટનના ભાવ બે દિવસથી તેની વિક્રમી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં કોટન ખાંડી રૂ. 78000-78500ના ભાવે ટ્રેડ થઈ રહી છે. જે અત્યાર સુધીમાં ભારતીય બજારમાં સર્વોચ્ચ ભાવ સપાટી છે. વૈશ્વિક બજારમાં ન્યૂયોર્ક વાયદો 129 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડને પાર કરી જતાં સ્થાનિક બજારમાં પણ ભાવે નવી સપાટી દર્શાવી છે.
સિઝનની શરૂઆતથી જ કોમોડિટીમાં જળવાયેલી તેજીને કારણે ખેડૂતો તરફથી સપ્લાય સતત ટાઈટ જળવાયો છે. ઓક્ટોબરમાં રૂ. 56000ના ભાવે નવી સિઝનની શરૂઆત થઈ હતી. જે હાલમાં રૂ. 78 હજારના ભાવે પાંચ મહિનામાં જ રૂ. 22 હજારનો તીવ્ર સુધારો દર્શાવે છે. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ ભારતમાં 3.2-3.5 કરોડ ગાંસડીની રેંજમાં પાકના અંદાજોને જોતાં ભાવમાં આટલી ઝડપી તેજીની અપેક્ષા નહોતી. જોકે ખેડૂતો શરૂઆતથી જ માલ પકડીને બેઠાં છે અને તેને કારણે ડિસેમ્બર-જાન્યુઆરી જેવી પીક સિઝનમાં પણ આવકો 2 લાખ ગાંસડી પર જોવા મળી નથી. હાલમાં દૈનિક ધોરણે 1.5 લાખ ગાંસડી આવકો થાય છે. ખેડૂતોને ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1200 પ્રતિ મણ સામે ચાલુ સિઝનમાં રૂ. 2000નો ભાવ મળી રહ્યો છે તેમ છતાં તેઓ આવકો બજારમાં ઠાલવી રહ્યાં નથી. જેને કારણે માગ સામે સપ્લાય પણ ટાઈટ છે. તાજેતરમાં ભાવમાં ઝડપી વૃદ્ધિ બાદ કેટલીક મિલો હાલમાં ભાવ ઘટે તેની રાહમાં મર્યાદિત ખરીદી કરી રહી છે. બજેટે પણ તેમને નિરાશ કર્યાં છે. સ્પીનીંગ મિલ ઉદ્યોગને આશા હતી કે સરકાર આયાતી કોટન પર ગયા વર્ષે બજેટમાં લાગુ પાડવામાં આવેલી 10 ટકા આયાત ડ્યુટીને આ વખતે દૂર કરશે. જોકે સરકારે આમ કર્યું નહોતું. જો આમ થયું હોત તો ભાવ પર એક સેન્ટીમેન્ટલ અસર ચોક્કસ પડી હોત એમ વર્તુળો જણાવે છે. ભાવમાં ઘટાડો થશે તો જે ખેડૂતો માલ પકડીને બેઠાં છે તેઓ પણ બજારમાં માલ લઈને આવશે. જોકે હાલમાં તો બજારમાં તેજીવાળાઓની પકડ મજબૂત છે અને ભાવ ઝડપથી નીચે ઉતરે તેવી શક્યતા નથી જણાતી. ઊંચા ભાવને કારણે ચાલુ સિઝનમાં ફર્ધરની આવક સારી રહેવાની શક્યતાં છે. જે લગભગ 7-8 લાખ ગાંસડી જેટલો જોવા મળી શકે છે. માર્કેટ વર્તુળો માર્ચની આખર સુધીમાં ભાવ રૂ. 80 હજારની સપાટી પણ દર્શાવે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. કેમકે વૈશ્વિક બજારમાં તાજેતરના સુધારા બાદ ભારતીય બજાર પેરિટી મેળવી રહ્યું છે. જે ફરી નિકાસ માગમાં વૃદ્ધિનું કારણ બની શકે છે.
Market Summary 2 Feb 2022
February 02, 2022