બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
પ્રોફિટ બુકિંગના પહેલા સંકેતમાં મીડ-કેપ કાઉન્ટર્સ ટોચથી 22 ટકા તૂટ્યાં
આઈઆરસીટીસીનો શેર મંગળવારે સવારે રૂ. 6396.30ની ટોચ દર્શાવી રૂ. 4996ના સ્તરે 15 ટકાની સેલર સર્કિટમાં બંધ રહ્યો
ટાટા પાવર, આઈઈએક્સ, ભેલ સહિતના છેલ્લાં કેટલાક સત્રોમાં રોકેટ બનેલાં કાઉન્ટર્સ ઊંધા માથે પટકાયાં
બીએસઈ ખાતે 3489 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2384 ઘટાડા સાથે બંધ રહ્યાં જ્યારે માત્ર 980માં સુધારો નોંધાયો
શેરબજારમાં મંગળવારે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં રોકેટ બનેલાં કાઉન્ટર્સ ઊંધા માથે પટકાયાં હતાં અને દિવસની ટોચના સ્તરેથી 22 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં પ્રમાણમાં સ્થિરતા જળવાય હતી અને તેને કારણે બજારમાં મોટો ઘટાડો નહોતો જોવા મળ્યો પરંતુ ચુનંદા કાઉન્ટર્સમાં ટ્રેડર્સને પેનિકનો અનુભવ થયો હતો. બજારની માર્કેટ બ્રેડ્ઝ પણ છેલ્લાં ઘણા સપ્તાહોમાં સૌથી ખરાબ જોવા મળી હતી.
મંગળવારે નિફ્ટીએ સવારે ખૂલતામાં 18604.45ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જયાઁથી ઘટતાં રહ્યાં બાદ 58.30ના ઘટાડે 18418.75ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. સેન્સેક્સ પણ 62245.43ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 49.54 પોઈન્ટ્સના ઘટાડે 61716.05ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે મોટી ઉથલ-પાથલ તો આઈઆરસીટીસી, ટાટા પાવર, ઈન્ડિયા એનર્જી એક્સચેન્જ, ભેલ, આઈડિયા જેવા કાઉન્ટર્સમાં જોવા મળી હતી. આમાંના મોટાભાગના કાઉન્ટર્સે સવારના ભાગમાં અગાઉના બંધ સામે 5 ટકાથી ઊંચો સુધારો દર્શાવી તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે બપોર બાદ તેમણે મોટી વેચવાલી દર્શાવી હતી અને ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હતાં. જેમકે આઈઆરસીટીસીનો શેર તેના રૂ. 5877.70ના અગાઉના બંધ ભાવ સામે 8 ટકાથી વધુના ઉછાળે રૂ. 6396.30ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કાઉન્ટર દિવસના મોટાભાગનો સમય દરમિયાન 6200-6300ની રેંજમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. જોકે 2-30 વાગ્યા પછી મોટા જંગી પ્રોફિટ બુકિંગ પાછળ તે પહેલા 10 ટકાની લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો. જે ખૂલતાં તેણે 5 ટકાનો વધુ ઘટાડો દર્શાવી રૂ. 4996ના સ્તરે 15 ટકા ઘટાડા સાથે બંધ દર્શાવ્યું હતું. આમ દિવસની ટોચ પરથી તેણે રૂ. 1400નો ઘટાડો દર્શાવ્યો હતો. એક તબક્કે રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયેલો આઈઆરસીટી કામકાજના અંતે રૂ. 87277 કરોડના એમ-કેપ પર બંધ રહ્યો હતો. જે અગાઉના દિવસના રૂ. 95 હજાર કરોડની સરખામણીમાં રૂ. 6500 કરોડનો ઘટાડો દર્શાવતું હતું.
છેલ્લાં 10 સત્રોમાં રૂ. 100થી વધુનો ઉછાળો દર્શાવનાર ટાટા પાવરમાં પણ આમ જ બન્યું હતું. સવારે રૂ. 267.85ની ટોચ દર્શાવનાર કાઉન્ટર દિવસના અંતે રૂ. 225.70ના ભાવે ટ્રેડ થયું હતું. આમ ટોચના સ્તરેથી 15.74 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ઈન્ડિયા એનર્જિ એક્સચેન્જનો શેર સવારે ખૂલતાંમાં જ 20 ટકાની અપર સર્કિટ દર્શાવ્યાં બાદ ઘસાતો રહ્યો હતો. તે રૂ. 956ની સર્વોચ્ચ ટોચ પરથી 11.46 ટકા જેટલો ગગડી રૂ. 846.45ના તળિયા પર ટ્રેડ થયો હતો. દિવસની ટોચથી નોઁધપાત્ર ઘટાડો દર્શાવનાર અન્ય કાઉન્ટર્સમાં ભેલ(-9 ટકા), આઈડિયા(-8 ટકા), ઓબેરોય રિઅલ્ટી(-8 ટકા), ડિક્સોન(-8 ટકા), નાલ્કો(-8 ટકા) અને એસ્ટ્રાલ(-7 ટકા)નો સમાવેશ થાય છે. એનાલિસ્ટ્સના મતે છેલ્લાં ઘણા મહિનાઓમાં પ્રથમવાર આ પ્રકારે મીડ-કેપ સેગમેન્ટમાં ઊંચા વોલ્યુમ સાથે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને તે સૂચવે છે કે બજારમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે.
બીએસઈ ખાતે લાંબા સમયગાળા બાદ માર્કેટ બ્રેડ્થ ખૂબ નેગેટિવ જોવા મળી હતી. એટલેકે અઢી શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો નોઁધાયો હતો. બીએસઈ ખાતે કુલ 3489 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 2384 તેમના અગાઉના બંધ કરતાં નીચો બંધ દર્શાવતાં હતાં. જ્યારે 980 કાઉન્ટર્સ પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. 125 કાઉન્ટર્સ સ્થિર રહ્યાં હતાં. જયારે 275 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં અને 302 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. છેલ્લા 12 મહિનામાં પહેલીવાર ઉપલી સર્કિટ કરતાં નીચલી સર્કિટ દર્શાવતાં કાઉન્ટર્સની સંખ્યાં ઊંચી જોવા મળી હતી.
મંગળવારે ઊંચું પ્રોફિટ બુકિંગ નોંધાવનાર કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ દિવસની ટોચ(રૂ.) દિવસનું તળિયું(રૂ.) ઘટાડો(%)
IRCTC 6396.30 4996.05 21.89
ટાટા પાવર 267.85 225.70 15.74
IEX 956.00 846.45 11.46
ભેલ 76.55 69.60 9.08
આઈડિયા 10.80 9.95 7.87
ઓબેરોય રિઅલ્ટી 982.80 907.10 7.70
ડિક્સોન 6243.60 5763.00 7.70
નાલ્કો 123.75 114.25 7.68
એસ્ટ્રાલ 2429.90 2249.30 7.43
PNB 47.50 44.00 7.37
HAL 1523.00 1415.00 7.09
નૌકરી 7465.40 6943.30 6.99
ડેલ્ટા કોર્પ 297.35 276.60 6.98
અબજો ડોલરના ડિલ્સ મેળવવા ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ ન્યૂ-એજ ટેલેન્ટની શોધમાં
અગાઉ જાપાન, સાઉથ કોરિયા પર ભાર આપતાં ટેક્નો બેઝ્ડ બેંકર્સની ભારત પર નજર
ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ દક્ષિણપૂર્વ એશિયા અને ભારતમાં તેમના ટેક્નોલોજી હાયરિંગમાં ઝડપી વૃદ્ધિ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં પણ હરિફ દેશોની સરખામણીમાં કન્ઝ્યૂમર ઈન્ટરનેટ માર્કેટમાં ઝડપી વિસ્તરણની પાછળ નવી ઊંચાઈ પર જોવા મળતાં ડિલ્સ પાછળ તેઓ આમ કરી રહ્યાં છે.
વૈશ્વિક લેન્ડર્સ બાર્ક્લેસ અને સિટિગ્રૂપે તેમને ત્યાં નવી સિનિયર પોઝીશન્સ ઊભી કરી છે. જ્યારે પ્રાદેશિક અને બૂટીક પ્લેયર્સ મર્જર્સ એન્ડ એક્વિઝીશન્સ તથા આઈપીઓની કામગીરીમાં ઉછાળામાં ભાગ પડાવવા માટે સ્ટાફની નિમણૂંક કરી રહ્યાં છે. ભારતમાં હેડ-હંટીંગ ફર્મ એક્ઝીક્યૂટીવ પ્રિન્સિપલ્સના એમડીના જણાવ્યા મુજબ દરેક ઈન્વેસ્ટમેન્ટ બેંક ટેક્નોલોજી, મિડિયા અને ટેલિકોમ્યુનિકેશન્સ બેંકર્સની નિમણૂંક માટે પ્રયાસ કરી રહી છે. ટીએમટી એક એવું કામગીરી છે જે બહુવિધ લાભ કરાવે છે. અમને એવા ન્યૂ-એજ બેંકર્સની જરૂર છે, જેઓ એક સ્ટાર્ટઅપ્સની જેમ જ ઝડપથી એક સાહસિકની જેમ વિચારી શકે છે. અગાઉ આ ટેક્નોલોજી-કેન્દ્રિત ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ એશિયામાં માત્ર જાપાન અને સાઉથ કોરિયા જેવા મોટા અને વધુ વિકસિત બજારો પર જ નજર દોડાવી રહ્યાં હતાં. કેટલાંક સમય અગાઉ તેમણે ચીન પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. જોકે કોવિડ બાદ ઈ-કોમર્સને તથા રિમોટ વર્કિંગને વેગ મળ્યાં બાદ ફાઈનાન્સિઅર્સે સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. કેમકે તેમણે સંયુક્ત રીતે 2 અબજની વસ્તી ધરાવતાં બજારોમાં પ્રસાર કર્યો છે.
સિટીગ્રૂપે દક્ષિણપૂર્વ એશિયામાં ટીએમટીની કામગીરી સંભાળે તેવા મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા ઊભી કરી છે. બીડીએ પાર્ટનર્સ, બીએનપી પારિબા એસએ અને મલાયન બેંકિંગ સહિતના બેંકર્સે પ્રદેશમાં તેમની નિમણૂંક શરૂ કરી છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. બાર્ક્લેઝ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ બેંક ચીફ પ્રમોદ કુમારના જણાવ્યા મુજબ કંપની મુંબઈ ખાતેની ટીમમાં સિનિયર જગ્યાઓનો ઉમેરો કરી રહી છે. જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની પણ એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર સ્તરે ટીએમટી બેંકરની જગ્યા ભરી રહી છે એમ વર્તુળ જણાવે છે.
બચતમાં ઘટાડા પાછળ દેશમાં સોનાની માગમાં ઘટે તેવી શક્યતા
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ધનવાનોની સોનાની ખરીદી વધશે જ્યારે સામાન્ય પરિવારોની ખરીદીમાં ઘટાડો નોઁધાશે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યા મુજબ ભારતીય પરિવારોના બચત રેટમાં ઘટાડાને કારણે તથા કૃષિ ક્ષેત્રે નીચા વેતનને કારણે ભારતમાં સોનાની માગમાં ઘટાડાની શક્યતા છે. કાઉન્સિલે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે પરિવારોની વધતી આવક સોનાની માગમાં વૃદ્ધિ માટેનું સૌથી મોટું ચાલકબળ છે. જેમ-જેમ ભારતનું અર્થતંત્ર વૃદ્ધિ પામે છે તેમ-તેમ કિંમતી ધાતુઓના વેચાણમાં વૃદ્ધિ જોવા મળવી જોઈએ. જોકે ઘરગથ્થુ બચતની સ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય પરિવારો પહેલાંના પ્રમાણમાં બચક કરી રહ્યાં નથી. જેને કારણે સોનાની ખરીદી માટેની તેમની ફાળવણીમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે એમ કાઉન્સિલ જણાવે છે. સોનાની માગમાં ઘટાડા પાછળના અન્ય કારણોમાં લોકોની બેંક્સ અને ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સની પહોંચમાં વૃદ્ધિ છે. જેને કારણે તેઓને તેમની બચત અન્ય સાધનોમાં પાર્ક કરવાની સુવિધા મળે છે. આ ઉપરાંત અન્ય કારણોમાં સરકાર તરફથી સહાયનો અભાવ તથા સરકારી પ્રયાસો છતાં કૃષિ ક્ષેત્રે વેતનમાં ઘટાડો જવાબદાર છે. કોવિડ મહામારીને કારણે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થયો હોવા છતાં ડેમોગ્રાફિમાં ફેરફાર, શહેરીકરણમાં વૃદ્ધિ તથા ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન જેવા પરિબળોને કારણે લાંબા ગાળા માટે તે ઉજ્જવળ શક્યતાઓ ધરાવે છે.
કેલેન્ડર 2021 માટે જ્વેલર્સ ઓક્ટોબર-ડિસેમ્બરની તહેવારોની સિઝનમાં સારા વેચાણ માટે તૈયાર થઈ રહ્યાં છે. ભારતીય અર્થતંત્ર મહામારીમાંથી રિકવર થયાનો અર્થ જ્વેલર્સ માટે આગામી સમયગાળો ગોલ્ડન બની રેહેશે એવો થાય છે. કાઉન્સિલના ભારત સ્થિત ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર પીઆર સોમસુંદરમના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આપણે સારી માગ જોઈશું, જોકે તે એક પ્રકારે મિશ્ર માગ દર્શાવશે. તેમના જણાવ્યા પ્રમાણે ધનવાનો દ્વારા ગોલ્ડ પાછળના ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. જ્યારે પોતાની બચતનું સોનામાં રોકાણ કરતો વર્ગ બજારથી દૂર રહેતો જોવા મળશે. મહામારીને કારણે એમએસએમઈ ક્ષેત્ર તથા અસંગઠિત ક્ષેત્રે મજૂર વર્ગ પર અસરને કારણે સામાન્ય માણસો તરફથી સોનાની માગ પર ગંભીર અસર જોવા મળશે.
HULએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2187 કરોડનો નફો નોંધાવ્યો
દેશમાં અગ્રણી એફએમસીજી કંપની હિંદુસ્તાન યુનિલીવરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2187 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2009 કરોડના નફાની સરખામણીમાં 8.86 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તે 6.11 ટકાનો સુધારો દર્શાવે છે. કંપનીની કુલ આવક રૂ. 12516 કરોડ પર રહી હતી. જેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11276 કરોડની સરખામણીમાં 10.99 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. ત્રિમાસિક ધોરણે તેણે 6.7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીના ત્રણેય મુખ્ય ડિવિઝન્સની કામગીરીમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં હોમકેર સેગમેન્ટમાં 15 ટકા, પર્સનલ કેર સેગમેન્ટમાં 10 ટકા અને ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનો એબિટા રૂ. 3132 કરોડ પર રહ્યો હતો. વાર્ષિક ધોરણે તેમાં 40 બેસીસ પોઈન્ટસનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ રૂ. 1ની ફેસવેલ્યૂ ધરાવતાં શેર પર રૂ. 15નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
પીબી ફિનટેકને રૂ. 6017 કરોડના આઈપીઓ માટે મંજૂરી
પોલિસીબઝારની પેરન્ટ કંપની પીબી ફિનટેકને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી રૂ. 6017.50 કરોડના આઈપીઓ માટેની મંજૂરી મળી ગઈ છે. કંપની ક્રેડિટ કમ્પેરિઝન પોર્ટલ પૈસાબઝારની માલિકી પણ ધરાવે છે. સેબીમાં ફાઈલ ડીઆરએચપી મુજબ પીબી ફિનટેક રૂ. 3750 કરોડની ફ્રેશ ઈક્વિટી ઈસ્યુ કરશે. જ્યારે રૂ. 2267.50 કરોડ ઓફર-ફોર-સેલ રહેશે. ઓએફએસ હેઠળ એસવીએફ પાયથોન-2 રૂ. 1875 કરોડના શેર્સનું વેચાણકરશે. જ્યારે યશિશ દહિયા રૂ. 250 કરોડના શેર્સ વેચશે. કંપનીએ ઓગસ્ટમાં ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. જે મુજબ કંપની આઈપીઓ અગાઉ પ્રાઈવેટ ઈક્વિટી પ્લેસમેન્ટ મારફતે રૂ. 750 કરોડ ઊભા કરવાનું વિચારી શકે છે. આઈપીઓમાઁથી ઊભી થનારી રકમનો ઉપયોગ કંપનીની વિઝિબિલિટીમાં વૃદ્ધિ માટે તથા કંપનીની બ્રાન્ડ અવેરનેસમાં કરવામાં આવશે. સાથે ઓફલાઈન હાજરી સહિત કંપનીના ગ્રાહક વર્ગમાં વૃદ્ધિ માટે કરવામાં આવશે. ઉપરાંત વ્યૂહાત્મક ખરીદી માટે પણ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.
મૂડીઝે ભારતીય બેંકિંગ માટેનું આઊટલૂક ‘નેગેટિવ’માંથી ‘સ્ટેબલ’ કર્યું
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય બેંકિંગ સિસ્ટમ માટેનું આઉટલૂક ‘નેગેટિવ’માંથી ‘સ્ટેબલ’ કર્યું છે. તેણે એસેટ ક્વોલિટીમાં સ્થિરતા અને મૂડી પર્યાપ્તતામાં સુધારા પાછળ આઉટલૂક અપગ્રેડ કર્યું છે. કોવિડ મહામારીની શરૂઆતથી બેંકિંગ કંપનીઓની એસેટ ક્વોલિટીમાં ખરાબી શરૂ થઈ હતી. જોકે હવે મહામારીનો કહેર ઘટતાં એસેટ ક્વોલિટીને સપોર્ટ મળ્યો છે. રેટેડ બેંક્સ માટે પ્રોબ્લેમ લોન્સનું પ્રમાણ 2018-19માં 8.5 ટકાના સ્તરેથી ઘટી 2020-21માં 7.1 ટકા થયું હતું. એસેટ ક્વોલિટીમાં સુધારા પાછળ ક્રેડિટ ખર્ચમાં ઘટાડો નફાકારક્તામાં સુધારો લાવશે અને કેપિટલનું પ્રમાણ મહામારી પહેલાં સ્તરે જોવા મળશે એમ રેટિંગ એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. અર્થતંત્ર મહામારીની અસરોમાંથી રિકવરી થઈ રહ્યું હોવાથી ઓપરેટિંગ એન્વાર્યમેન્ટ સ્થિર બનશે એમ પણ તેણે ઉમેર્યું છે. ભારતીય અર્થતંત્ર આગામી 12-18 મહિના દરમિયાન સુધારો જાળવી રાખે તેવી અપેક્ષા છે. જે ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિને વેગ આપશે. વાર્ષિક ધોરણે 10-13 ટકાના ક્રેડિટ ગ્રોથની અપેક્ષા મૂડીઝ રાખી રહી છે.
શાપોરજી પાલોનજી ગ્રૂપ એસેટ વેચાણમાંથી રૂ. 10 હજાર કરોડ ઊભા કરશે
દેવામાં ડૂબેલું શાપોરજી પાલોનજી ગ્રૂપ આગામી માર્ચ મહિના સુધીમાં જૂથની વિવિધ એસેટ્સના વેચાણ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરીને ઋણ ચૂકવણીના ટાર્ગેટને પુરું કરવા ધારે છે. કંપનીએ કેટલાંક સમય અગાઉ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ફર્મ યૂરેકા ફોર્બ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે રિન્યૂએબલ પાવર કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં પણ નોંધપાત્ર હિસ્સાનું વેચાણ કર્યું હતું. હવે કંપનીએ કર્ણાટકમાં ગોકાક ખાતે તેના ટેક્સટાઈલ યુનિટને વેચાણ માટે કાઢ્યું છે. યુરેકા ફોર્બ્સના એડવન્ટ ઈન્ટરનેશનલને વેચાણમાંથી રૂ. 3 હજાર કરોડનો નેટ ઈનફ્લો આવશે.
Market Summary 19 October 2021
October 19, 2021