માર્કટ સમરી
બે બાજુની વધ-ઘટ વચ્ચે નિફ્ટી 167 પોઈન્ટ્સ તૂટીને 12772 પર બંધ આવ્યો હતો. ઈન્ટ્રા-ડે 12963ની ટોચ પરથી તે 190 પોઈન્ટ્સ ગગડ્યો હતો. માર્કેટ ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ પોઝીટીવ ટ્રેડ દર્શાવી અંતિમ દોઢ કલાકમાં ઝડપથી તૂટ્યું હતું.
બેંકિંગ શેર્સની આગેવાનીમાં જોવા મળેલો ઘટાડો
જે પોસતું એ મારતું તે ક્રમ દિસે છે કુદરતી. આ ઉક્તિ ગુરુવારે ફરી સાચી સાબિત થઈ હતી. અંતિમ કેટલાંક સત્રોથી નિફ્ટીને સતત નવા સ્તરે પહોંચવામાં સપોર્ટ કરતાં બેંકિંગ શેર્સમાં વેચવાલી પાછળ માર્કેટ ઊંધા માથે પટકાયું હતું.
બેંક નિફ્ટી 2.8 ટકા તૂટ્યો
બેંક નિફ્ટી 2.8 ટકા તૂટ્યો હતો અને દિવસ દરમિયાનની 29784ની ટોચ પરથી ગગડ્યો હતો. દિવસના અંતે 847 પોઈન્ટ્સ તૂટી 28903 પર બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે બેંકેક્સને માર્ચ મહિની 29791ની ટોચનો અવરોધ નડ્યો હતો. એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સહિતના બેંકિંગ કાઉન્ટર્સમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
યુરોપ બજારો નરમ
બપોર બાદ ખૂલેલાં યુરોપ બજારો નરમ રહ્યાં હતાં અને તેઓ 0.8 ટકા જેટલો ઘટાડો દર્શાવતાં હતાં. જેને કારણે પણ સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ ડહોળાયું હતું.
બજારને સપોર્ટ માટે કોઈ આગળ ના આવ્યું
છેલ્લા કેટલાક સત્રોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડાને ખાળવા માટે બજારને બેકિંગ સપોર્ટ કરતું હતું. જ્યારે ગુરુવારે બેંકિંગમાં ઘટાડાને સરભર કરવા માટે કોઈ ક્ષેત્ર આગળ આવ્યું નહોતું. એફએમસીજીમાં આઈટીસી જેવા કાઉન્ટર્સમાં મજબૂતી હતી. જોકે તે પૂરતો નહોતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ નરમ જોવા મળતો હતો. આમ બજારને મજબૂત સપોર્ટની જરૂર ઊભી થઈ છે.
ડિવિઝ લેબોરેટરીઝનો શેર નવી ટોચ પર પહોંચ્યો
છેલ્લા કેટલાક સત્રોથી ફાર્મા કંપનીઓ કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહી છે. જોકે દેશમાં બીજા ક્રમે વેલ્યૂ ધરાવતી ડિવિઝ લેબોરેટરીઝનો શેર ગુરુવારે રૂ. 3499ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે સાથે કંપનીનો શેર રૂ. 92 હજારના માર્કટ-કેપ પર જોવા મળ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં ડિવિઝ લેબોનો શેર આઉટપર્ફોર્મર રહ્યો છે. તેણે નિફ્ટીમા સ્થાન મેળવ્યા ઉપરાંત અનેક ફાર્મા કંપનીઓને માર્કેટ-વેલ્થમાં પાછળ રાખી છે. હાલમાં એકમાત્ર સન ફાર્મા તેનાથી ઊંચું વેલ્યૂએશન ધરાવે છે.
એસબીઆઈનો શેર 5 ટકા તૂટ્યો
ગુરુવારે બેંકિંગ શેર્સ પાછળ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ શેર્સમાં સૌથી વધુ ઘટાડો પીએસયૂ બેંક અગ્રણી એસબીઆઈમાં નોંધાયો હતો. શેર અગાઉના રૂ. 252.05ના બંધ સામે 4.88 ટકા અથવા રૂ. 12થી વધુ તૂટી રૂ. 239.75ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજા ક્વાર્ટરના સારા પરિણામો પાછળ શેર અંતિમ કેટલાક ટ્રેડિંગ સત્રોથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જોકે ઊંચા સ્તરે તેમાં વેચવાલી જોવા મળી હતી.