માર્કેટ સમરી
શેરબજારોમાં તેજી પરત ફરી, સેન્સેક્સ 834 પોઈન્ટ્સ ઉછળ્યો
વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો પાછળ સ્થાનિક માર્કેટમાં 1.5 ટકાથી વધુનો સુધારો
એક દિવસમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 3.42 લાખ કરોડનો ઉમેરો થયો
વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો પાછળ મંગળવારે ગેપ-અપ ઓપનીંગ બાદ ભારતીય બજાર ઉત્તરોત્તર સુધરતું રહ્યું હતું અને સેન્સેક્સ 834 પોઈન્ટ્સના ઉછાળે ફરી 49 હજારની સપાટી પાર કરી 49398 પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટીએ પણ 240 પોઈન્ટ્સ ઉછળી 14522 પર બંધ દર્શાવ્યું હતું. બે દિવસના સતત ઘટાડા બાદ લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સ પણ તેજીમાં જોડાયા હતા અને બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. જેની પાછળ એક દિવસમાં રોકાણકારોની માર્કેટ વેલ્થમાં રૂ. 3.42 લાખ કરોડનો ઉમેરો થયો હતો અને તે રૂ. 196.19 લાખ કરોડ પર પહોંચી હતી.
સોમવારે યુએસ ખાતે બજારોમાં રજા હતી. જોકે મંગળવારે એશિયન બજારો 3 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં જેણે ભારતીય બજારને મજબૂત ઓપનીંગ માટેનું કારણ પૂરું પાડ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટ્સ ગેપમાં ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન સુધરતો રહ્યો હતો. એક તબક્કે તે લગભગ 900 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવતો હતો. જે તાજેતરમાં તેનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો હતો. એક દિવસના સુધારા સાથે બજારે અગાઉના બે દિવસનું નુકસાન સરભર કર્યું હતું. સાથે રોકાણકારોમાં જોવા મળતી નિરાશા પણ દૂર થઈ હતી. બે દિવસ સળંગ ઘટાડા બાદ ટ્રેડર્સમાં માર્કેટમાં મોટા કરેક્શનને લઈને ચિંતા ઊભી થઈ હતી. જોકે મંગળવારે તેમને રાહત મળી હતી. માર્કેટની રેલીમાં લગભગ તમામ ક્ષેત્રો જોડાયા હતાં. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત ફ્રન્ટલાઈન એનબીએફસી કંપનીઓ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને એચડીએફસી અગ્રણી હતાં. તેઓ છ ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં.
બીજી અને ત્રીજી હરોળમાં ખરીદી પાછળ બીએસઈ ખાતે કુલ 3146 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2124એ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે માત્ર 874 અગાઉના બંધ સામે ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 2.31 ટકા ઉછળ્યો હતો. જ્યારે બીએસઈ સ્મોલ-કેપ 1.65 ટકા સુધર્યો હતો. માર્કેટમાં ઊંચા કામકાજ જોવા મળ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં રિઅલ્ટી ઈન્ડેક્સ વિક્રમી 4.2 ટકા જેટલો ઉછળ્યો હતો. રિઅલ એસ્ટેટ કંપનીઓએ પણ અન્ય ક્ષેત્રોની જેમ સારા અર્નિંગ્સ નોંધાવતાં રિઅલ્ટી કાઉન્ટર્સમાં ખરીદી નીકળી હતી. બજેટ અગાઉ કેટલોક વર્ગ ડિફેન્સિવ તરફ શિફ્ટ થઈ રહ્યો હોવાથી ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ સારો સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા 1.7 ટકા સુધર્યો હતો. જોકે તેજીવાળાઓ માટે રાહતની બાબત ઈન્ડિયા વીક્સમાં 6 ટકાનો ઘટાડો હતો. છેલ્લા કેટલાક સત્રોથી સતત વધી રહેલા વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા જેટલો ઘટતાં બજારને રાહત મળી હતી. વીક્સમાં વૃદ્ધિ સામાન્યરીતે ટ્રેન્ડ રિવર્સલ સૂચવે છે.
વૈશ્વિક બજારોમાં ‘એક્ટ બિગ’ની અસર
યુએસ બજારો બંધ રહેવા પાછળ એશિયન બજારોમાં તેજીનું કારણ આપતાં એનાલિસ્ટ્ જો બાઈડન ટિમના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને કરેલા એક્ટ બિગના રિમાર્ક્સને જવાબદાર ગણાવતાં હતાં. ડેમોક્રેટ ઉમેદવાર આવતીકાલે સત્તાગ્રહણ કરવા જઈ રહ્યાં છે તે અગાઉ તેમણે પસંદ કરેલા ટ્રેઝરી સેક્રેટરી અને અગાઉ ફેડ ચેરમેન એવા યેલેને સેનેટની ફાઈનાન્સ કમિટિ સમક્ષ તેમની ટેસ્ટીમની માટે તૈયાર કરેલા રિમાર્ક્સમાં એક્ટ બિગનો ઉલ્લેખ કર્યો હોવાનું અહેવાલો જણાવે છે. એટલેકે તેઓ યુએસ અર્થતંત્રને કોવિડની અસરોમાંથી બહાર લાવવા માટે જંગી લિક્વિડીટીનો સહારો લે એવું બજાર માને છે. અગાઉ ફેડ ચેરમેનના તેમના કાર્યકાળ દરમિયાન યેલેને ઈન્ટરેસ્ટ રેટને નીચા જાળવી રાખ્યાં હતા અને બજારમાં જંગી સ્ટીમ્યુલસ ઠાલવ્યું હતું. જો બાઈડેને પણ બે દિવસ અગાઉ 1.9 ટ્રિલીયન ડોલરના સ્ટીમ્યુલસનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેની પર તેમની શપથગ્રહણ બાદ ચર્ચા-વિચારણા થશે અને તેને મંજૂરી આપવામાં આવશે.
રિઅલ્ટી શેર્સમાં સારા અર્નિંગ્સ પાછળ 12 ટકા સુધીનો ઉછાળો
ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીએ અપેક્ષાથી ખૂબ સારા પરિણામો જાહેર કરતાં રિઅલ્ટી ક્ષેત્રે તેજી
મુંબઈ, બેંગલોર સ્થિત કંપનીઓએ રજૂ કરેલા પોઝીટીવ ડેટા બાદ અન્યત્ર રહેલી કંપનીઓ પણ સારો દેખાવ દર્શાવે તેવી આશા
આઈટી, બેંકિંગ બાદ હવે રિઅલ્ટી ક્ષેત્રે પણ ત્રીજા ક્વાર્ટરમાં સારા અર્નિંગ્સ પાછળ ખરીદી જોવા મળી છે. સોમવારે બ્રોડ માર્કેટમાં તેજી વચ્ચે અગ્રણી રિઅલ્ટી શેર્સમાં 12 ટકા જેટલો તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે એનએસઈ ખાતે વિવિધ સેક્ટરલ ઈન્ડાઈસીસમાં નિફ્ટી રિઅલ્ટી 4.20 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. અંતિમ ત્રણ મહિના દરમિયાન સૂચકાંકે 55 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. અન્ય સેક્ટરલ સૂચકાંકોમાં 2 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો.
સોમવારે બજાર બંધ થયા બાદ ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટે તેનું પરિણામ જાહેર કર્યું હતું. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 64 ટકા વૃદ્ધિ નોંધાવવા સાથે રૂ. 81 કરોડનો નફો નોંધાવ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે કંપનીની આવકમાં નોંધપાત્ર ઘટાડા છતાં તેની નફાકારક્તામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જેણે બજારને પોઝીટીવ સરપ્રાઈઝ આપી હતી. જેની પાછળ માત્ર ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી જ નહિ પરંતુ અન્ય તમામ પ્રથમ હરોળના રિઅલ્ટી કાઉન્ટર્સ ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં હતાં અને નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. તેમણે તેમની છેલ્લા ઘણા વર્ષોની ટોચ પણ દર્શાવી હતી. ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીનો શેર અગાઉના રૂ. 78ના બંધ સામે 12 ટકાથી વધુના સુધારે રૂ. 87.90ના સ્તર પર ટ્રેડ થયો હતો અને લગભગ દિવસની ટોચ નજીક જ બંધ આવ્યો હતો. એ વાત નોંધવી રહી કે જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાની રેર એન્ટરપ્રાઈઝે બે મહિના અગાઉ નવેમ્બરમાં કંપનીમાં 50 લાખ શેર્સની ખરીદી કરી હતી. જ્યારબાદ શેરમાં તબક્કાવાર સુધારો જોવા મળ્યો છે. મંગળવારે અન્ય રિઅલ્ટી પ્લેયર્સમાં બેંગલોર મુખ્યાલય ધરાવતી સોભા ડેવલપર્સનો શેર પણ 7 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના બંધ સામે રૂ. 31ના સુધારે તેની તાજેતરની ટોચ નજીક પહોંચ્યો હતો. અગાઉ સોભાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ સ્પેસ વેચાણના આંકડા રજૂ કર્યાં હતાં. જે અપેક્ષાથી ઊંચા રહેવાથી શેરમાં તેજી જોવા મળી હતી. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 121ના તળિયા પરથી તાજેતરમાં રૂ. 496ના સ્તર ટ્રેડ થયો હતો. દેશમાં સૌથી મોટી લેંડ બેંક ધરાવતો ડીએલએફનો શેર પણ 4 ટકાથી વધુ ઉછળી રૂ. 300ની છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે તેણે રૂ. 70 હજાર કરોડના માર્કેટ-કેપ સ્તરને પાર કર્યું હતું.
દિવસ દરમિયાન 3 ટકાથી વધુ સુધારો દર્શાવનાર અન્ય રિઅલ્ટી કાઉન્ટર્સમાં ગોદરેજ પ્રોપર્ટી(4 ટકા), ફિનિક્સ મિલ્સ(3.60 ટકા) અને પ્રેસ્ટીજ એસ્ટેટ(3 ટકા)નો સમાવેશ થાય છે. આમાં પ્રેસ્ટીજ એસ્ટેટમાં તાજેતરમાં અગ્રણી પીઈએ નોંધપાત્ર હિસ્સો ખરીદ્યો છે. કેટલીક નાની કંપનીઓ સનટેક રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, મહિન્દ્રા લાઈફ, ઓમેક્સના શેર્સમાં પણ એકથી ત્રણ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.
રિઅલ્ટી શેર્સનો મંગળવારે દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 12.00
સોભા ડેવલપર્સ 7.00
ઓબેરોય રિઅલ્ટી 5.00
ડીએલએફ 4.30
ગોદરેજ પ્રોપર્ટી 4.00
ફિનિક્સ મિલ્સ 3.60
પ્રેસ્ટીજ એસ્ટેટ 3.00
સનટેક રિઅલ્ટી 2.80
મહિન્દ્રા લાઈફ 1.00
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.