બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
આખરી કલાકમાં પેનિક સેલીંગમાં નિફ્ટીએ 17 હજાર ગુમાવ્યું
બેન્ચમાર્ક દિવસની 17276ની ટોચ પરથી 16825ના તળિયા પર પટકાયો
નિફ્ટીના 50માંથી માત્ર સાત કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું
હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 4 ટકા સુધારો જોવા મળ્યો
એચડીએફસી જૂથના શેર્સમાં ભારે વેચાણ
એશિયન બજારોમાં સ્થિરતા, યુરોપ નરમ
ભારતીય શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં મંદી જોવા મળી હતી. મંગળવારે મોટાભાગનો સમય પોઝીટીવ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવનાર બજાર આખરી એક કલાકના ટ્રેડિંગમાં ભારે વેચવાલી પાછળ ઊંધા માથે પટકાયું હતું. જેને કારણે સેન્સેક્સ 703.59 પોઈન્ટ્સ ગગડી 56463.15ની સપાટીએ જ્યારે નિફ્ટી 215 પોઈન્ટ્સ ગગડી 16958.65ની સપાટીએ બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.22 ટકા ઉછળી 19.77ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 43 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર સાતે પોઝીટીવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
માર્કેટમાં ઓચિંતી વેચવાલી પાછળ કોઈ ચોક્કસ કારણ નહોતું જાણવા મળ્યું. જોકે આરબીઆઈ દ્વારા અણધારી રેટ વૃદ્ધિ કરવામાં આવે તેવી શક્યતાં બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યાં હતાં. મધ્યસ્થ બેંકે તેની સપ્તાહ અગાઉની બેઠકમાં રેટ વધાર્યાં નહોતાં પરંતુ ફુગાવાની ઊંચી ચિંતાને જોતાં તે આગામી બેઠક અગાઉ પણ રેટ વૃદ્ધિ કરવાનું વિચારી શકે છે. કેમકે ફેડ આગામી મહિને 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે તે નિશ્ચિત માનવામાં આવે છે. જેની પાછળ ડોલરમાં ભારે મજબૂતી જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સ 100નું સ્તર વટાવી ચૂક્યો છે. વૈશ્વિક બજારોમાં વેચવાલીના અભાવ વચ્ચે ભારતીય બજારમાં નેગેટિવ માહોલ જળવાયો હતો. જે સૂચવે છે કે છેલ્લાં સપ્તાહથી ભારતીય બજાર હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવે છે. મંગળવારના બંધ બાદ ભારતીય બેન્ચમાર્ક્સ ચાલુ કેલેન્ડરમાં ફરી નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. જાન્યુઆરથી લઈને અત્યાર સુધીમાં તેમણે બે બાજુની ઊંચી વધ-ઘટ દર્શાવી છે. જ્યારે સરવાળે નિફ્ટી 300 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે એશિયન બજારોમાં જાપાન, સિંગાપુર, તાઈવાન અને કોરિયા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે હોંગ કોંગ 2.3 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જ્યારે ચીનનું બજાર સાધારણ નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. જોકે બપોરે યુરોપ બજારો એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
સ્થાનિક માર્કેટને એનર્જિ સેક્ટર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સે 29081ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે બજારમાં ઘટાડા પાછળ એનર્જી શેર્સ પણ તેમની ટોચ પરથી ગગડ્યાં હતાં. એનર્જી ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3.81 ટકા ઉછાળે રૂ. 2640.80ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એચપીસીએલ 3.41 ટકા, આઈઓસી 1.72 ટકા, ગેઈલ 1.22 ટકા અને બીપીસીએલ 1.1 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીજી બાજુ પાવર શેર્સ તૂટ્યાં હતાં. ટાટા પાવર 4.44 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી એફએમસીજી 2.82 ટકા સાથે અને રિઅલ્ટી 2.5 ટકા સાથે સૌથી વધુ તૂટ્યાં હતાં. જ્યારે નિફ્ટી મેટલ 1 ટકા, નિફ્ટી ફાર્મા 1.4 ટકા ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં બે શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં વેચાણ જોવા મળતું હતું. બીએસઈ ખાતે 3536 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2230 ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 1180 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 216 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા તૂટ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.66 ટકા ગગડ્યો હતો. નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એપોલો હોસ્પિટલ 5.75 ટકા સુધારા સાથે ટોચ પર હતો. કોલ ઈન્ડિયા 4.38 ટકાનો મજબૂત સુધારો દર્શાવતો હતો. જ્યારે ચંબલ ફર્ટિલાઈઝર 10 ટકા તૂટ્યો હતો. માઈન્ડટ્રી 8 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 7 ટકા અને એચડીએફસી 5.45 ટકા તૂટ્યાં હતાં.
SBIએ લેન્ડિંગ રેટમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી
દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(એમસીએલઆર)માં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. તેણે તમામ મુદતની લોન્સ માટે આ વધારો લાગુ પાડ્યો છે. જેને કારણે બોરોઅર્સ માટે ઈએમઆઈ ખર્ચમાં વૃદ્ધિ થશે. એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી રેટ વૃદ્ધિને અન્ય બેંક્સ પણ અનુસરે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. એસબીઆઈનો ઈબીએલઆર રેટ 6.65 ટા છે. જ્યારે રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ 1 એપ્રિલથી 6.25 ટકા પર છે. બેંકે સુધારેલો એમસીએલઆર રેટ 15 એપ્રિલથી અમલી બનશે એમ બેંકે જણાવ્યું છે. સુધારા બાદ એક વર્ષ માટેનો એમસીએલઆર 7.10 ટકા પર રહેશે. જ્યારે એક મહિના અને ત્રણ મહિના માટેના એમસીએલઆર 10 બેસીસ પોઈન્ટ્સ વધી 6.75 ટકા પર જ્યારે છ મહિના માટેનો એમસીએલઆર 7.05 ટકા પર રહેશે.
લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે NBPમાં 13 ટકા વૃદ્ધિ
જીવન વીમા કંપનીઓએ 2021-22ના વર્ષ દરમિયાન ન્યૂ બિઝનેસ પ્રિમીયમમાં 13 ટકા વૃદ્ધિ નોંધાવી હતી એમ વીમા રેગ્યુલેટર ઈરડાઈએ જણાવ્યું છે. તેમણે કુલ રૂ. 3.14 લાખ કરોડનું પ્રિમીયમ ઉઘરાવ્યું હતું. દેશમાં કુલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ છે. જેઓએ 2020-21માં વર્ષે રૂ. 2.78 લાખ કરોડનું એનબીપી મેળવ્યું હતું. ટૂંકમાં જ શેરબજાર પર લિસ્ટીંગ પામનાર પીએસયૂ જીવન વીમા કંપની એલઆઈસીએ 8 ટકા વૃદ્ધિ સાથે 2021-22માં રૂ. 1.99 લાખ કરોડનું નવું પ્રિમીયમ મેળવ્યું હતું. જે અગાઉના વર્ષે રૂ. 1.84 લાખ કરોડ પર હતું. બાકીના 23 લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓનું પ્રિમીયમ 23 ટકા ઉછળી રૂ. 1.15 લાખ કરોડને પાર કરી ગયું હતું. જે અગાઉના વર્ષે રૂ. 94,103 કરોડ પર હતું. માર્કેટ હિસ્સાની વાત કરીએ તો એલઆઈસીનો હિસ્સો 63.25 ટકા પર રહ્યો હતો. જ્યારે બાકીની 23 કંપનીઓ 36.75 ટકા હિસ્સો ધરાવતી હતી.
સુગર શેર્સમાં 9 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે સુગર શેર્સમાં ઈન્ટ્રા-ડે ધોરણે 9 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્ય હતો. કંપનીઓ દ્વારા સારી કામગીરીની શક્યતાં વચ્ચે તેમજ ઊંચા ઈથેનોલ મિશ્રણને જોતાં સુગર શેર્સમાં ખરીદી નીકળી હતી. નોંધપાત્ર સુધારો દર્શાવનાર સુગર શેર્સમાં મવાના સુગર્સ, ધામપુર સુગર મિલ્સ, ત્રિવેણી એન્જિનીયરીંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની, દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા દ્વારિકેશ સુગર ઈન્ડસ્ટ્રીઝન સમાવેશ થતો હતો. તેઓ 3થી 9 ટકાની રેંજમાં સુધારો દર્શાવી રહ્યાં હતાં.
ઘઉંનું ઉત્પાદન 11 કરોડ ટનને પાર કરી નવો વિક્રમ સર્જશે
પાકનું વાવેતર સમયસર થયું હોવાના કારણે હોળી બાદ ગરમીમાં વૃદ્ધિની નજીવી પ્રતિકૂળ અસર
દેશમાં ઘઉંનું ઉત્પાદન 11.1 કરોડ ટનના વિક્રમી સ્તરે જોવા મળે તેવી શક્યતાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ વ્હીટ એન્ડ બાર્લે રિસર્ચના ડિરેક્ટર દર્શાવે છે. તાજેતરમાં પંજાબ અને હરિયાણા જેવા મુખ્ય ઘઉં પકવતાં રાજ્યોમાં તાપમાનમાં ફેરફાર છતાં તેઓ વિક્રમી ઉત્પાદનની શક્યતા જોઈ રહ્યાં છે.
જ્યાં પાકનું વાવેતર સમયસર કરવામાં આવ્યું હતું. ત્યાં ઉત્પાદક્તામાં ઘટાડાની કોઈ શક્યતા જણાતી નથી. માત્ર એ વિસ્તારો કે જ્યાં ઘઉંનું વાવેતર વિલંબથી થયું હતું. ત્યાં જ યિલ્ડમાં 2-4 ટકા ઘટાડો સંભવ છે. પંજાબ અને હરિયાણામાં આવો વિલંબિત વાવેતર ધરાવતો વિસ્તાર મર્યાદિત હોવાનું તેઓ જણાવે છે. હોળી બાદ તાપમાનમાં એકદમ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ત્યાં સુધીમાં સમયસર વાવેતર થયું હતું તેવા વિસ્તારમાં પાક પરિપક્વ થઈ ચૂક્યો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં ગરમીને કારણે ઘઉંનો પાક સૂકાયો હતો. જોકે સમગ્ર ઉત્પાદનની સામે તેનો હિસ્સો ખૂબ ઓછો હતો. મધ્ય પ્રદેશમાં પાકની સ્થિતિ ખૂબ જ સારી હતી. ત્યાં ગરમી આવે તે પહેલાં માર્ચમાં જ પાકની લણણી થઈ ચૂકી હતી. દેશમાં મધ્ય પ્રદેશ ઘઉંના વાવેતરમાં બીજા ક્રમે આવે છે. આ સ્થિતિમાં ચાલુ સિઝનમાં 11.1-11.2 કરોડથી નીચા ઘઉં ઉત્પાદનની શક્યતા નહિ હોવાનું તેઓ જણાવે છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયે પણ ફેબ્રુઆરીમાં તેના બીજા એડવાન્સ અંદાજમાં વિક્રમી 11.13 કરોડ ટન ઘઉં પાકવાનો અંદાજ બાંધ્યો હતો. ટૂંક સમયમાં જ મંત્રાલય ત્રીજો એડવાન્સ અંદાજ રજૂ કરશે. 2020-21ની રવિ સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.9 કરડ ટન પર હતું. 2021-22 રવિ સિઝનમાં દેશમાં 343.2 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ગઇ સિઝનમાં નોંધાયેલા 346.09 લાખ હેકટરની સરખામણીમાં સાધારણ નીચું હતું. જોકે સામાન્યરીતે જોવા મળતાં 303.06 લાખ હેકટર વિસ્તારની સામે તે ઘણો મોટો વિસ્તાર હતો.
દેશમાં મધ્ય પ્રદેશ અને બિહારમાં ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે યૂપી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે રવિ સિઝનમાં ઘઉં સાથે રાયડા અને ચણા જેવા પાકોએ ઊંચા સ્પર્ધા દર્શાવી હતી. જેને કારણે રાયડાનું તેમજ ચણાનું વિક્રમી વાવેતર નોંધાયું હતું. જોકે તાજેતરમાં રશિયા-યૂક્રેન કટોકટી બાદ ઘઉંના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે ચણાનું વાવેતર કરનારા ખેડૂતોએ પસ્તાવાનો વારો આવ્યો હતો. કેમકે રવિ પાકોમાં એકમાત્ર ચણા જ સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવથી નીચે ચાલી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
માઈન્ડટ્રીઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2898 કરોડની આવક નોંધાવી છે. જે ત્રિમાસિક ધોરણે 5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નેટ પ્રોફિટ 7.6 ટકા વધી રૂ. 473.1 કરોડ રહ્યો હતો. સમગ્ર 2021-22 દરમિયાન કંપનીની આવક 31.1 ટકા ઉછળી રૂ. 10525.3 કરોડ રહી હતી. જ્યારે તેનો નફો 47.7 ટકા ઉછળી રૂ. 1652.9 કરોડ પર જોવા મળ્યો હતો. જોકે બજારને રિઝલ્ટ પસંદ આવ્યું નહોતું.
મણ્ણાપુરમ ફાઈનાન્સઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગોલ્ડ ફાઈનાન્સમાં અગ્રણી એનબીએફસી કંપની પર કેવાયસી માર્ગદર્શિકાઓના તથા પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સંબંધી નિયમોના ભંગ બદલ રૂ. 17 લાખનો દંડ ફટકાર્યો છે.
સુગર કંપનીઝઃ કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર ભારતમાંથી સુગર નિકાસમાં વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં 291 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
એસજેવીએનઃ કંપનીએ હિમાચલ પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક પાસેથી રૂ. 494 કરોડ માટે લોન એગ્રીમેન્ટ સાઈન કરીને ફાઈનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે.
વેરોક એન્જિઃ ઓટો કોમ્પોનેન્ટ ઉત્પાદક વેરોક એન્જિનીયરીંગ તેના ગ્લોબલ લાઈટિંગ બિઝનેસ વેરોક લાઈટિંગ સિસ્ટમનું 65 કરોડ ડોલરની એન્ટરપ્રાઈઝ વેલ્યૂ પર વેચાણ કરે તેવી શક્યતાં છે.
આઈજીએલઃ સિટી ગેસ તથા પીએનજી વિક્રેતા ઈન્દ્રપ્રસ્થ ગેસને મુંબઈમાં ત્રણ વિસ્તારોમાં ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે મંજૂરી મળી છે.
ઈનિઓસ સ્ટીરોલ્યુશનઃ કંપનીની પ્રમોટર કંપની ઈનિઓસ સ્ટીરોલ્યુશન એપીએસીએ ઓફર ફોર સેલ ઈસ્યુ મારફતે 2532330 ઈક્વિટી શેર્સના વેચાણનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઉજ્જીવન ફાઈનાન્સિયલઃ માઈક્રો ફાઈનાન્સ કંપનીના બોર્ડે રાધાક્રિષ્ણન રવિની કંપનીના સીઈઓ અને સીએફઓ તરીકે નિમણૂંક કરી છે.
એયૂ સ્મોલ ફિનઃ સ્મોલ ફાઈનાન્સ બેંકનું બોર્ડ 26 એપ્રિલના રોજ માર્ચ ક્વાર્ટરના પરિણામ સાથે બોનસ ઈસ્યુ અંગે પણ વિચારણા કરશે.
આરવીએનએલઃ કંપનીએ કોલ ઈન્ડિયા યુનિટના મહાનદી કોલફિલ્ડ્સ પાસેથી કન્સલ્ટન્સી યુનિટ મેળવ્યો છે.
Market Summary 19 April 2022
April 19, 2022