Market Summary 19 April 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ મહત્વના સપોર્ટ સાચવ્યાં, જોકે અન્ડરટોન નરમ

ભારતીય શેરબજાર સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ શરૂઆતના કલાકમાં ઈન્ટ્રા-ડે બોટમ બનાવીને સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યું હતું. નિફ્ટી 14191ના સ્તરને સ્પર્શઈ પરત ફર્યો હતો અને 14359 પર બંધ રહ્યો હતો. આમ તેણે બંધ ભાવની રીતે 14350 અને 14200ના સપોર્ટ સાચવ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં મજબૂતી જળવાય રહી હતી અને તેને કારણે ભારતીય બજારને મોરલ સપોર્ટ સાંપડ્યો હતો.

વિપ્રોમાં પરિણામના બીજા દિવસે જળવાયેલો સુધારો

આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રોનો શેર તેના પરિણામ જાહેર થયાના બીજા દિવસે પણ સુધર્યો હતો. કંપનીનો શેર અગાઉના 469.25ના બંધ સામે સુધરીને રૂ. 478ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.58 લાખ કરોડને પાર કરી ગયું હતું. અંતિમ બે સત્રોથી આઈટી કંપનીઓ સામાન્ય કરેક્શનમાંથી પસાર થઈ રહી છે ત્યારે વિપ્રો જેવી કંપનીનો શેર સારા પરિણામો પાછળ સુધારો દર્શાવી રહ્યો છે. બે દિવસમાં કંપનીનો શેર 10 ટકા જેટલો સુધારી ચૂક્યો છે.

ફાર્મા અગ્રણી સિપ્લાનો શેર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

અગ્રણી ફાર્મા કંપની સિપ્લાનો શેર સોમવારે નરમ શેરબજારમાં પણ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 938.70ના બંધ સામે લગભગ 2 ટકા જેટલો સુધરી રૂ. 954.20ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 77 હજાર કરોડની નજીક પહોંચ્યું હતું. આમ ફાર્મા ક્ષેત્રે તે ચોથી સૌથી ઊંચી વેલ્યૂ ધરાવતી કંપની બની છે. તાજેતરમાં દેશમાં કોવિડ કેસિસ પાછળ રેમિડેસિવીર ઈન્જેક્શનની માગમાં તીવ્ર વૃદ્ધિ પાછળ કંપનીના શેરમાં લેવાલી જોવા મળી હતી. કંપની દેશમાં ઈંજેક્શનની અગ્રણી ઉત્પાદક છે. સોમવારે એકમાત્ર ફાર્મા ઈન્ડેક્સ 0.20 ટકાના સાધારણ સુધારે બંધ આવ્યો હતો.

ઈન્ડિયા વીક્સમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો

ભારતીય બજારમાં વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 10 ટકા ઉછળી 22.48ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર એક તબક્કે 23.10ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે તેનું બે સપ્તાહનું ટોચનું સ્તર હતું. જોકે બજાર દિવસ દરમિયાન તેની તળિયાના ભાવથી સહેજ બાઉન્સ થઈને બંધ આવ્યું હતું અને તેથી વીક્સ પણ તેની ટોચથી થોડો ઘટ્યો હતો. માર્ચ મહિનામાં એક તબક્કે તે 29ની છ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો.

મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીએ નબળી માર્કેટ બ્રેડ્થ

ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્ઝ ખૂબ નબળી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3172 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 773 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 2199 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. નબળા બજારમાં 130 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 67 કાઉન્ટર્સ વર્ષના તળિયા પર ટ્રેડ થયા હતા. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 2.12 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.4 ટકા ઘટીને બંધ રહ્યાં હતાં.

ભારતીય શેરબજારનું એપ્રિલમાં હરિફોની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ

વૈશ્વિક સ્તરે વિકસિત અને ઈમર્જિંગ બજારો પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે ત્યારે સ્થાનિક બેન્ચમાર્ક્સમાં 3.2 ટકા સુધીનો ઘટાડો

હરિફ બજારો જેવાકે ચીન, બ્રાઝિલ, કોરિયા, તાઈવાન, રશિયા, બ્રાઝિલ સહુએ ભારતીય બજારની સરખામણીમાં દર્શાવેલો ઊંચો દેખાવ



ભારતીય બજાર માટે નવા નાણાકિય વર્ષ 2020-21ની શરૂઆત સારી નથી. વૈશ્વિક હરિફ બજારોની સરખામણીમાં તે જબરદસ્ત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. વૈશ્વિક બજારમાં 6 ટકાથી વધુના સુધારા સામે ભારતીય બેન્ચમાર્ક્સ 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ મોટાભાગના ઈમર્જિંગ બજારો પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે.

સોમવારે સતત ત્રીજા સપ્તાહે ભારતીય બજારે કોવિડના કારણે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને દિવસ દરમિયાન તે નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં વૈશ્વિક બજારો જ્યારે સુધારાતરફી બની રહ્યાં છે ત્યારે સ્થાનિક બજાર ઘસાતું રહ્યું છે. અગ્રણી તમામ વિકસિત બજારો ઉપરાંત ઈમર્જિંગ બજારો 2020-21ના અંતે તેમણે દર્શાવેલા બંધની સરખામણીમાં સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં યુએસ સ્થિત ટેક્નોલોજી હેવી નાસ્ડેક 6.08 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો છે. એક તબક્કે ટોચના સ્તરેથી 13000ની નીચે ઉતરી ગયેલો ઈન્ડેક્સ ફરીથી 14000ની સપાટી પર પરત ફર્યો છે. વિશ્વની ટોચની 500 કંપનીઓનો બનેલો એસએન્ડપી 500 પણ 5.35 ટકાના સુધારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ત્રીજા ક્રમે તાઈવાનનો બેન્ચમાર્ક 5.06 ટકાનો સુધારો દર્શાવે છે અને તેની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈમર્જિંગ બજારોમાં તેણે સૌથી સારો દેખાવ નોંધાવ્યો છે. એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેક્સ પણ 5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. યુરોપના વિકસિત બજારોની વાત કરીએ તો તેઓ પણ સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. ઘણા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર યૂકેનું બજાર છેલ્લા કેટલાક સમયથી ચઢિયાતો દેખાવ દર્શાવી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં ફૂટ્સી 4.68 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જે યુરોપ સ્થિત તેના હરિફ ફ્રાન્સ અને જર્મનીના બજારો કરતાં પણ સારો દેખાવ સૂચવે છે. ફ્રાન્સનો કેક અને જર્મનીનો ડેક્સ અનુક્રમે 3.88 અને 2.82 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. જર્મનીનો બેન્ચમાર્ક તો તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઈમર્જિંગ માર્કેટ્સની વાત કરીએ તો કોમોડિટીઝનું ઊંચું વેઈટેજ ધરાવતો બ્રાઝિલનો ઈન્ડેક્સ 3.84 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. તે 1.21 લાખની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ કેલેન્ડરમાં વિવિધ એગ્રી કોમોડિટીઝના ભાવ સતત વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે અને તેનો લાભ બ્રાઝિલને મળી રહ્યો છે. તે સોયાબિન અને સુગર જેવી કોમોડિટીઝમાં મજબૂતી પાછળ સારો દેખાવ દર્શાવી રહ્યો છે. બ્રિક્સ દેશોમાં સમાવિષ્ટ અન્ય બે દેશ ચીન અને રશિયાના શેરબજાર પણ એક ટકા આસપાસ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ભારતીય નિફ્ટી એપ્રિલ મહિનામાં અત્યાર સુધી 2.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે સેન્સેક્સ 3.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગયા નાણા વર્ષની આખરમાં નિફ્ટી 14691ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે સોમવારે તે 14359ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સની વાત કરીએ તો તે 49509 સે 47524 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ સાથે સહસંબંધ ધરાવતો હેંગ સેંગ પણ 2.56 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.

નવા નાણા વર્ષમાં વિવિધ બજારોનો દેખાવ

ઈન્ડાઈસીસ ફેરફાર(%)

નાસ્ડેક 6.08

એસએન્ડપી 500 5.35

તાઈવાન 5.06

MSCI વર્લ્ડ ઈન્ડેક્સ 5.04

ફૂટ્સી(યૂકે) 4.68

કોપ્સી(કોરિયા) 4.49

કેક(ફ્રાન્સ) 3.88

બ્રાઝિલ 3.84

ડાઉ જોન્સ 3.70

ડેક્સ(જર્મની) 2.82

હેંગ સેંગ 2.56

નિક્કાઈ 1.74

શાંઘાઈ કંપોઝીટ 1.04

રશિયા 0.91

નિફ્ટી -2.30

સેન્સેક્સ -3.20

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage