Categories: Market Tips

Market Summary 19/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સ-નિફ્ટીએ નવી ટોચ દર્શાવી
તેજી-મંદીની ખેંચતાણ વચ્ચે શેરબજાર કોન્સોલિડેશન ઝોનમાં
નિફ્ટી ત્રીજા સત્રમાં 21400 પર બંધ આપવામાં સફળ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં સાધારણ ઘટાડો
એફએમસીજી, એનર્જી, ફાર્મા, પીએસઈમાં મજબૂતી
આઈટી, ઓટો, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
ડીસીએમ શ્રીરામ, આઈઆરએફસી, ઓઈલ ઈન્ડિયા નવી ટોચે

શેરબજાર સપ્તાહની શરૂમાં એક દિવસ માટે નરમાઈ દર્શાવ્યાં પછી મંગળવારે ફરી તેજીતરફી જોવા મળ્યું હતું. અલબત્ત, તે કોન્સોલિડેશન ઝોનમાં જળવાયું હતું. બીએસઈ સેન્સેક્સ 122 પોઈન્ટ્સ મજબૂતી સાથે 71437ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 34 પોઈન્ટ્સ પોઝીટીવ 21,453ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ દર્શાવી હતી. જેમાં સેન્સેક્સ 71624ની ટોચે જ્યારે નિફ્ટી 21505ની ટોચ પર ટ્રેડ થયાં હતાં. બ્રોડ માર્કેટમાં ન્યૂટ્રલ સ્થિતિ જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3904 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1895 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1866 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 359 કાઉન્ટર્સ તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ભારતીય બજારે જોકે, ગેપ-અપ કામગીરી શરૂ કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 21478ની સપાટીએ ખૂલી 21505ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં પછી 21400 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર 76 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 21529ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 47 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં 29 પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એવા થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો નોંધાયો છે. અલબત્ત, માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે અને તેથી એક નાનુ કોન્સોલિડેશન દર્શાવે તે જરૂરી છે. જે 21200-21600ની રેંજમાં હોઈ શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 21050ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા સૂચવે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ આપવામાં કોલ ઈન્ડિયા મુખ્ય હતો. આ ઉપરાંત નેસ્લે, એનટીપીસી, તાતા કન્ઝ્યૂમર, સિપ્લા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એપોલો હોસ્પિટલ, એચયૂએલ, આઈટીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેંક, પાવર ગ્રીડ કોર્પો., ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઈઝ, યૂપીએલ, આઈશર મોટર્સ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી લાઈફ, ટાટા સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એફએમસીજી, એનર્જી, ફાર્મા, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ઓટો, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.6 પોઈન્ટ્સ ઉછળી 33 હજારની સપાટી પાર કરી ગયો હતો. તેને સપોર્ટ આપવામાં એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, બીપીસીએલ મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ 1.4 ટકા ઉછળી નવી ટોચ નજીક સરક્યો હતો. જેના ઘટકોમાં નેસ્લે 5 ટકા સાથે સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત વરુણ બેવરેજિસ, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, મેરિકો, જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈમામી, એચયૂએલમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.4 ટકા મજબૂતી સાથે નવી ટોચ નજીક જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ નવી ટોચે પહોંચ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક્સ 0.8 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, એસબીઆઈ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ પોણો ટકો મજબૂતી સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પો., ઓએનજીસી, બીપીસીએલ, એચપીસીએલ, આઈઆરસીટીસી, આઈઓસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક ફ્લેટથી પોઝીટીવ બંધ સૂચવતો હતો. જ્યારે નિફ્ટી આઈટી એક ટકો ગગડી બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, વિપ્રો, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રામાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી અડધો ટકો ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં સોભા, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો કોલ ઈન્ડિયા 5.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદ કોપર, નેસ્લે, ઈન્ડિયા સિમેન્ટ્સ, વોલ્ટાસ, એચડીએફસી એએમસી, ડેલ્ટા કોર્પ, કોલગેટ, હેવેલ્સ ઈન્ડિયા, ગોજરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યૂમર, સિપ્લા, ડિક્સોન ટેક્નોલોજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ડાબર ઈન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, સેઈલ, જીએમઆર એરપોર્ટ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, સિમેન્સ, એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, નાલ્કો, એયૂ સ્મોલ, અદાણી પોર્ટ્સ, સિટી યૂનિયન બેંક, હીરો મોટોકોર્પમાં વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ડીસીએમ શ્રીરામ, આઈઆરએફસી, ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, આઈઆરએફસી, હિંદ કોપર, બીઈએમએલ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, એચએફસીએલ, વરુણ બેવરેજીસ, નોસીલ, એચડીએફસી એએમસી, એમઆરપીએલ, કોલગેટનો સમાવેશ થતો હતો.

ચોખાની ખરીદીમાં અત્યાર સુધીમાં 13 ટકા ઘટાડો નોઁધાયો
ગયા વર્ષે સમાનગાળામાં 279.38 લાખ ટનની સરખામણીમાં ચાલુ વર્ષે 243.85 લાખ ટન ચોખાની ખરીદી
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રમાં ખરીદીમાં ઊંચો ઘટાડો

કેન્દ્ર સરકારની એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ)ની ચાલુ ખરિફ માર્કેટિંગ સિઝનમાં ચોખાની ખરીદી 12.7 ટકા ઘટાડો દર્શાવી રહી છે. ગયા વર્ષે 15 ડિસેમ્બર સુધીમાં 279.38 લાખ કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 243.85 લાખ ટન ચોખાની ખરીદી જોવા મળી છે. માર્કેટિંગ સિઝનની શરૂઆત 1 ઓક્ટોબરથી થતી હોય છે. ચોખાની ખરીદીમાં ઘટાડાનું મુખ્ય કારણ વિલંબિત કાપણીને ગણવામાં આવે છે. જોકે, સરકાર આગામી મહિનાઓમાં ખરીદીમાં જોવા મળતો ઘટાડો સરભર થવાની આશા રાખે છે. છત્તીસગઢ અને તેલંગાણા ખાતે ચૂંટણીઓને કારણે પણ ચોખાની ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.
તાજા આંકડા મુજબ દેશમાં બે મુખ્ય અનાજ પકવતાં રાજ્યો પંજાબ અને હરિયાણામાં ચોખાની ખરીદી ટાર્ગેટ મુજબ જોવા મળી હતી. જેમાં પંજાબ ખાતેથી એફસીઆઈ 124.08 લાખ ટનની ખરીદી કરી શકી છે. જે ગયા વર્ષની સરખામણીમાં 2 ટકા જેટલી ઊંચી છે. જ્યારે હરિયાણા ખાતેથી 39.42 લાખ ટનની ખરીદી કરવામાં આવી છે. જે 2022માં 39.5 લાખ ટનની ખરીદી સામે સાધારણ ઘટાડો સૂચવે છે. સરકારે ચાલુ વર્ષ માટે પંજાબમાંથી 122 લાખ ટન અને હરિયાણા ખાતેથી 40 લાખ ટન ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો હતો. એફસીઆઈ ચેરમેન અને એમડીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જે રીતની ખરીદી અમે કરી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે અમારી જરૂરિયાત સંપૂર્ણપણે મળી રહેશે. અમારી પાસે તમામ સ્કિમ્સ હેઠળ જરૂરી જથ્થા કરતાં અધિક જથ્થો પ્રાપ્ય હશે. પંજાબનો ટાર્ગેટ અમે હાંસલ કરી ચૂક્યાં છીએ જ્યારે હરિયાણાનો ટાર્ગેટ હાંસલ કરવાની નજીક છીએ.
સરકારે 2023-24(ઓક્ટોબર-સપ્ટેમ્બર) ખરિફમાં ઉત્પાદિત ચોખા માટે 521.27 લાખ ટનનો ખરીદીનો ટાર્ગેટ રાખ્યો હતો. કેન્દ્રિય કૃષિ મંત્રાલયે ચાલુ ખરિફમાં ચોખાના ઉત્પાદનમાં 4 ટકા ઘટાડાનો અંદાજ બાંધ્યો હતો. જેને જોતાં ગયા વર્ષના 11.051 કરોડ ટન સામે ચાલુ વર્ષે 10.631 કરોડ ટન ચોખાના પાકનો અંદાજ છે. રવિ અને ખરિફ ચોખાની કુલ ખરીદી 550 લાખ ટન રહેવાનો અંદાજ એફસીઆઈ રાખે છે. જે 2022-23માં 569.47 લાખ ટન પર જોવા મળી હતી. છત્તીસગઢમાં ચોખાની ખરીદી 21.33 લાખ ટન પર જોવા મળી રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 35.47 લાખ ટનનની ખરીદી કરતાં 40 ટકા નીચી છે. આ જ રીતે તેલંગાણા ખાતેથી ખરીદી 23 ટકા ઘટાડા સાથે ગયા વર્ષની 31.08 લાખ ટન સામે 23.83 લાખ ટન પર જોવા મળે છે. ચોખાના ભાવમાં વૃદ્ધિને લઈ ચિંતિત સરકારે ગયા સપ્તાહે દરેક હરાજીમાં પ્રતિ બીડર મહત્તમ 1000 ટનની બીડીંગને વધારી 2000 ટન કરી હતી. જ્યારે ઓએમએસએસ હેઠળ ચોખાના વેચાણ માટેના લઘુત્તમ જથ્થાને 10 ટનથી ઘટાડી 1 ટન કર્યો હતો.
ઓડિશા, આંધ્ર પ્રદેશમાં પણ ચોખાની ખરીદી મંદ જોવા મળે છે. આંધ્ર પ્રદેશમાં ચોખાની ખરીદી 56 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. જ્યારે ઓડિશામાં 39 ટકા ઘટાડો દર્શાવે છે. એફસીઆઈ ઓડિશામાંથી માત્ર 2.4 લાખ ટન ચોખા ખરીદી શકી છે. જ્યારે આંધ્ર પ્રદેશમાંથી તેણે માત્ર 2.6 લાખ ટન ચોખા ખરીદ્યાં છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીઓ દરમિયાન ખેડૂતોને ચોખા માટે રૂ. 3100-3200 પ્રતિ ક્વિન્ટલનો ભાવ ઓફર કરતાં નિકાસકારો આ બંને રાજ્યોમાં ખૂબ એક્ટિવ જોવા મળ્યાં છે.

2023માં SME પ્લેટફોર્મ મારફતે વિક્રમી રૂ. 4305 કરોડનું ભંડોળ ઊભું થયું
ગયા કેલેન્ડરમાં આઈપીઓ મારફતે રૂ. 1875 કરોડની રકમ મેળવવામાં આવી હતી
વર્ષ દરમિયાન કુલ 165 એસએમઈ આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં
મેઈનબોર્ડ આઈપીઓમાં અત્યાર સુધીમાં રૂ. 44882 કરોડના ભંડોળના 10 ટકા જેટલું ફંડ મેળવ્યું

સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ(એસએમઈ) તરફથી પૂરાં થવા જઈ રહેલા કેલેન્ડર 2023માં વિક્રમી ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં બંને શેરબજારમાં એસએમઈ પ્લેટફોર્મે મળીને રૂ. 4305 કરોડની રકમ ઊભી કરી છે. એટલેકે, સરેરાશ રૂ. 25.6 કરોડનું ભંડોળ મેળવવામાં આવ્યું છે. જે ગયા વર્ષે જોવા મળતાં રૂ. 1875 કરોડની સરખામણીમાં બમણાથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે.
જો આઈપીઓની સંખ્યાની વાત કરીએ તો ગયા વર્ષે 109 એસએમઈ કંપનીઓ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 168 કંપનીઓ બજારમાં પ્રવેશી હતી. એટલેકે તેમાં 65 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, ચાલુ વર્ષે પ્રતિ આઈપીઓ ટિકિટ સાઈઝ ઊંચી હોવાને કારણે કુલ ભંડોળ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતું હતું. ગયા વર્ષે રૂ. 1875 સામે ચાલુ વર્ષે રૂ. 4305 કરોડ ઊભા થયા હતાં. જે 130 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. દેશમાં 2012થી શરૂ થયેલા એસએમઈ પ્લેટફોર્મ્સ પર અત્યાર સુધીમાં 2018માં રૂ. 2287 કરોડનું સૌથી ઊંચું ભંડોળ ઊભું થયું હતું. જ્યાર પછીના ત્રણ વર્ષોમાં એસએમઈ સેગમેન્ટમા લિસ્ટીંગ કામગીરી પાંખી જોવા મળી હતી. જેમાં કેલેન્ડર 2020માં માત્ર રૂ. 159 કરોડ ઊભા થઈ શક્યાં હતાં. જ્યારે કેલેન્ડર 2019(રૂ. 624 કરોડ) અને કેલેન્ડર 2021(રૂ. 746 કરોડ) એકત્ર થયાં હતાં. 2012થી 2016 સુધી ત્રણ આંકડામાં ફંડ્સ ઊભું કર્યાં પછી 2017માં પ્રથમવાર રૂ. 1000 કરોડનો આંક પાર થયો હતો અને રૂ. 1679 કરોડની રકમ ઊભી થઈ હતી. જે 2018માં પણ જળવાય હતી અને રૂ. 2000 કરોડનો આંક પાર થઈ ગયો હતો.
ચાલુ ડિસેમ્બરમાં પ્રથમવાર બીએસઈ ખાતે એસએમઈ પ્લેટફોર્મનું માર્કેટ-કેપ રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. 2012થી અત્યાર સુધીમાં પ્લેટફોર્મ પર લિસ્ટેડ કુલ એસએમઈની સંખ્યા 887 પર જોવા મળે છે. એસએમઈ સેગમેન્ટ માટે ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકેની કામગીરી બજાવતા બેંકરનું કહેવું છે કે એસએમઈ લિસ્ટીંગનો ખ્યાલ હવે પરિપક્વ થઈ ચૂક્યો છે અને આ પ્લેટફોર્મ પર લિસ્ટીંગ ઘણું આસાન બન્યું છે. છેલ્લાં બે વર્ષોમાં એસએમઈ સેગમેન્ટ મોટા પ્રમાણમાં રિટેલ સેગમેન્ટને આકર્ષી શક્યું છે. છેલ્લાં એક વર્ષમાં એસએમઈ આઈપીઓની સરેરાશ ટિકિટ સાઈઝમાં 50 ટકા વૃદ્ધિ જોવા મળી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ચાલુ વર્ષે 46 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. જે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 17 ટકા રિટર્નની સરખામણીમાં ઊંચું છે. બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ચાલુ વર્ષે 95 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જે બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સના 44 ટકા રિટર્ન કરતાં બમણાથી પણ વધુ રિટર્ન સૂચવે છે. ચાલુ વર્ષે સૌથી મોટા એસએમઈ આઈપીઓમાં સ્પેક્ટ્રમ ટેલેન્ટ મેનેજમેન્ટ અને ખઝાનચી જ્વેલર્સનો સમાવેશ થતો હતો. જેમણે અનુક્રમે રૂ. 99.8 કરોડ અને રૂ. 91.9 કરોડની રકમ ઊભી કર હતી. સમગ્રતયા, રૂ. 50 કરોડથી વધુનું કદ ધરાવતાં 18 એસએમઈ આઈપીઓ પ્રવેશ્યાં હતાં.
એસએસઈ આઈપીઓમાં ઊંચા પાર્ટિસિપેશનને કારણે લિસ્ટીંગ પછીનો દેખાવ પણ ઘણો સારો જળવાયો હતો. ચાલુ વર્ષે લિસ્ટ થયેલા 82થી વધુ એસએમઈ આઈપીઓએ 50 ટકાથી ઊંચું લિસ્ટીંગ દર્શાવ્યું હતું. જેમાં 57 આઈપીઓએ 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું. જોકે, માર્કેટ એનાલિસ્ટ્સ હવે એસએમઈ સેગમેનટને લઈ સાવચેતી દાખવવા જણાવી રહ્યાં છે. તેમના મતે છેલ્લાં બે વર્ષોથી એસએમઈ પ્લેટફોર્મ પર રિટેલ ધસારો જોવા મળી રહ્યો છે. જેને જોતાં ખૂબ સાવચેતીની જરૂર છે. સેબી તરફથી પણ એક્સચેન્જિસને આ માટે સૂચના આપવામાં આવી છે. જેથી લેભાગુ કંપનીઓ તરફથી રોકાણકારો સાથે છેતરપિંડી અટકાવી શકાય.
SME IPOની પ્રગતિ
કેલેન્ડર કુલ IPO કુલ ભંડોળ(રૂ. કરોડમાં)
2012 14 103
2013 35 335
2014 40 267
2015 43 260
2016 67 537
2017 133 1679
2018 141 2287
2019 51 624
2020 27 159
2021 59 746
2022 109 1875
2023 168 4305

કેલેન્ડર 2023માં ભારતમાં 125 અબજ ડોલરનું રેમિટન્સ આપ્યું
2022માં 111.22 અબજ ડોલરની સરખામણીમાં ઈનવર્ડ રેમિટન્સમાં 12.3 ટકા વૃદ્ધિ
ભારત પછી બીજા ક્રમે મેક્સિકોએ 67 અબજ ડોલર જ્યારે ચીને 50 અબજ ડોલર મેળવ્યાં

દેશમાં આવતાં રેમિટન્સિસમાં 2023માં 12.3 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તે 125 અબજ ડોલર પર રહ્યું છે. જે દેશના જીડીપી(ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ)ના 3.4 ટકા જેટલું છે એમ વર્લ્ડ બેંકનો અંદાજ જણાવે છે. 2022માં ભારતનું ઈનવર્ડ રેમિટન્સિસ 111.22 અબજ ડોલર પર જોવા મળતું હતું. 2023માં રેમિટન્સિસ અગાઉના અંદાજ કરતાં 14 અબજ ડોલર જેટલું ઊંચું જોવા મળે તેવી અપેક્ષા છે.
સોમવારે વિશ્વ બેંકે રજૂ કરેલા ‘માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ’ નામના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટો રેમિટન્સિસ મેળવનાર દેશ બની રહ્યો છે. જ્યારપછીના ક્રમે 67 અબજ ડોલર સામે મેક્સિકો અને 50 અબજ ડોલર સાથે ચીનનો ક્રમ આવે છે. ભારતમાં ઊંચી રેમિટન્સિસને કારણે સાઉથ એશિયામાં કુલ રેમિટન્સિસમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ડેટા મુજબ લેટીન અમેરિકા અને કેરેબિયન 8 ટકા સાથે સૌથી ઊંચું રેમિટન્સ દર્શાવતાં હતાં. જ્યારપછીના ક્રમે 7.2 ટકા સાથે દક્ષિણ એશિયાનો ક્રમ જોવા મળતો હતો. જ્યારે પૂર્વ એશિયા અને પેસિફિક 3 ટકા રેમિટન્સ સૂચવે છે. દક્ષિણ એશિયામાં કુલ રેમિટન્સિસનો 66 ટકા હિસ્સો ભારત ધરાવે છે. જે 2022માં તેના 63 ટકા હિસ્સા કરતાં ઊંચો છે. લો અને મીડલ ઈન્કમ દેશો(એમએમઆઈસી)ને મળેલા કુલ રેમિટન્સિસિમાં 2023માં 3.8 ટકા વૃદ્ધિનો અંદાજ છે. વિશ્વ બેંકના જણાવ્યા મુજબ 2024માં તે ઘટી 3.1 થાય તેવી અપેક્ષા છે. જેની પાછળનું કારણ માઈગ્રેન્ટ્સની આવકમાં ઘટાડાની શક્યતાં છે. ઊંચા વૈશ્વિક ફુગાવા અને નીચી ગ્રોથ શક્યતાને કારણે આમ થશે એમ મનાય છે.
છેલ્લાં 10-વર્ષોની વાત કરીએ તો ભારતમાં ઈનવર્ડ રેમિટન્સિસ 78.5 ટકાનો ઉછાળો દર્શાવે છે. 2013માં તે 70.38 અબજ ડોલર પર જોવા મળતું હતું. 2022માં તેણે પ્રથમવાર 100 અબજ ડોલરની સપાટી પાર કરી હતી. ગયા કેલેન્ડરમાં રેમિટન્સિસ 24.4 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતાં હતાં. ભારતમાં રેમિટન્સિસમાં વૃદ્ધિનું એક મહત્વનું કારણ ઊંચી આવક ધરાવતાં સ્રોત દેશોમાં ફુગાવામાં ઘટાડો અને મજબૂત લેબર માર્કેટ્સનું છે. જેને કારણે યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઈટેડ કિંગ્ડમ અને સિંગાપુરમાં સ્કિલ્ડ ઈન્ડિયન્સ તરફથી રેમિટન્સિસમાં ઊંચી વૃદ્ધિ છે. આ ત્રણ દેશો ભારતમાં કુલ રેમિટન્સમાં 36 ટકા હિસ્સો ધરાવે છે.
આ ઉપરાંત એક અન્ય પરિબળ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC) તરફથી ઊંચો ઈનફ્લો છે. ખાસ કરીને ભારતમાં કુલ રેમિટન્સિસમાં યુનાઈટેડ આરબ અમિરાત 18 ટકા હિસ્સો ધરાવે છે. જે યુએસ પછી બીજા ક્રમે છે. રિપોર્ટ નોંધે છે કે ફેબ્રુઆરી 2023માં યુએઈ સાથે બે દેશો વચ્ચેના વેપારમાં સ્થાનિક ચલણને પ્રમોટ કરવાની રૂપરેખા તૈયાર કર્યાં પછી રેમિટન્સ ઈનફ્લોને લાભ થયો છે. બે દેશો વચ્ચે પરસ્પર ટ્રાન્ઝેક્શન્સમાં દિરહામ અને રૂપિયાના ઉપયોગને કારણે સત્તાવાર ચેનલ્સ મારફતે વધુ રેમિટન્સિસ જોવા મળ્યું છે. એક અન્ય પરિબળ દક્ષિણ એશિયામાં નીચો રેમિટન્સ ખર્ચ છે. વૈશ્વિક સ્તરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 200 ડોલરનું રેમિટન્સ મોકલવાનો ખર્ચ સરેરાશ 6.2 ટકા હતો. જે દક્ષિણ એશિયામાં 30 ટકા જેટલો નીચે જોવા મળતો હતો. વાસ્તવમાં ભારતમાં રેમિટન્સ કોસ્ટ 1.9 ટકા પર સૌથી નીચી જોવા મળે છે.

ભારત 10-વર્ષો સુધી 7.5 ટકા GDP વૃદ્ધિ દર્શાવી શકેઃ મોન્ટેક સિંઘ આહલૂવાલિયા
પ્લાનીંગ કમિશનના ભૂતપૂર્વ ડેપ્યૂટી ચેરમેનના મતે ભારતે વધુ સારી નિકાસ સ્ટ્રેટેજીની જરૂર

વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણા સચિવ મોન્ટેક સિંઘ આહલૂવાલિયાના જણાવ્યા મુજબ જો નિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટીક્સ પર ભાર પવામાં આવે તો ભારત આગામી 10-વર્ષોમાં ઓછામાં ઓછો 7.5 ટકા વૃદ્ધિ દર હાંસલ કરી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી 4-5 વર્ષોમાં આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સારી કામગીરી કરવી પડશે તે સ્પષ્ટ છે. આપણે લોજીસ્ટિક્સને લઈને જે કરવાનું કહ્યું છે તે કરવું પડશે. કન્સાઈન્મેન્ટ્સ માટે ટર્નઅરાઉન્ડ ટાઈમમાં કેટલોક સુધારો જોવા મળ્યો છે પરંતુ હજુ પણ ગેપ ખૂબ મોટો છે. મારા મતે આને સુધારવાનું કામ ચાલુ છે અને તેને વધુ ઝડપે કરવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું એમ પ્લાનીંગ કમિશનના ભૂતપૂર્વ ચેરમેને જણાવ્યું હતું. આહલૂવાલિયાએ જણાવ્યું હતું કે ચીનથી દૂર થઈ રહેલી વૈશ્વિક માગનો લાભ લેવા માટે ભારતે વધુ સારી એક્સપોર્ટ સ્ટ્રેટેજીની જરૂરિયા છે. આપણે એ વાતને સ્વીકારવી જોઈએ કે બાંગ્લાદેશ અને વિએટનામ આપણા કરતાં સારો દેખાવ કરી રહ્યાં છે અને તેથી આપણા નિકાસ દેખાવમાં કયા અવરોધો છે તેને લઈ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ.

અંબુજા સિમેન્ટ્સ ગ્રીન એનર્જીમાં રૂ. 6000 કરોડ રોકશે
અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે સસ્ટેનેબલ સિમેન્ટ ઉત્પાદનમાં સ્થિતિને મજબૂત કરવા સાહસિક કદમ ઉઠાવ્યું છે. કંપનીએ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સમાં 1,000 મેગાવોટની પાવર જનરેશનની ક્ષમતા માટે રૂ. 6,000 કરોડના નોંધપાત્ર રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે ગુજરાત અને રાજસ્થાનમાં સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સના વિવિધ પોર્ટફોલિયોમાં કરવામાં આવશે. ગુજરાતમાં 600 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ અને 150 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ તેમજ રાજસ્થાનમાં 250 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટનો તેમાં સમાવેશ થાય છે. વર્તમાન 84 મેગાવોટ સોલાર અને વિન્ડ પાવર ઉપરાંત નાણાકીય વર્ષ 2026 (માર્ચ’24 સુધીમાં 200 મેગાવોટ) હાંસલ કરવામાં આવશે. આ રોકાણ પર્યાવરણીય ટકાઉપણા માટે અમારી પ્રતિબદ્ધતા જ નહી પરંતુ અંબુજાની 140 MPTA ની પ્રાયોજિત ક્ષમતામાં આકર્ષક આર્થિક લાભો પણ આપશે.

એપ્રિલથી નવેમ્બરમાં ખોળની નિકાસમાં 21 ટકા વૃદ્ધિ નોંધાઈ
સોયાબિન અને રાયડા ખોળના ઊંચા પુરવઠા પાછળ 28.83 લાખ ટન ખોળ નિકાસ થયો

દેશમાંથી ખોળની નિકાસમાં ચાલુ નાણા વર્ષના પ્રથમ આંઠ મહિનામાં 21 ટકા વૃદ્ધિ જોવા મળી છે. દેશમાંથી ખોળ(ઓઈલમિલ)ની નિકાસમાં વૃદ્ધિ પાછળ સોયાબિન ખોળ અને રાયડા ખોળની મોટી ઉપલબ્ધતા કારણભૂત હતી. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(સી)ના ડેટા મુજબ એપ્રિલથી નવેમ્બર સુધીમાં દેશમાંથી 28.83 લાખ ટન તેલ ખોળની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 23.82 લાખ ટન પર જોવા મળતી હતી. ભારતીય ખોળ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવાના કારણે પણ સ્થાનિક ખોળની માગ ઊંચી જળવાય હતી. ઉપરાંત, હરિફ માર્કેટ્સ જેવાકે આર્જેન્ટીમાં ખોળની અછતને કારણે ભારતની નિકાસ વધી હતી. ભારતમાંથી સોયાબિન ખોળની નિકાસ 8.57 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.25 લાખ ટન પર હતી. સીઆઈએફ રોટરડેમ ખાતે આર્જેન્ટીનનો ખોળ 545 ડોલર પ્રતિ ટન સામે ભારતીય ખોળ એક્સ-કંડલા 540 ડોલર પર પ્રાપ્ય હતો. જેને કારણે નવા પાકમાંથી સોયાબિન મિલની નિકાસ વધી હતી. ઉપરાંત, દક્ષિણ એશિયા ખાતેથી પણ ભારતીય સોયાબિન મિલની ઊંચી માગ જળવાય રહી હતી. ભારત દક્ષિણ-પૂર્વ એશિયા માટે લોકેશનની અનૂકૂળતા પણ ધરાવે છે અને તેથી નાના લોટ્સમાં સપ્લાય કરી શકે છે.
એપ્રિલથી નવેમ્બરમાં ભારતે 16.07 લાખ ટન રાયડા મિલની નિકાસ કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 14.74 લાખ ટન પર હતી. રાયડા ખોળ માટે ભારત વિશ્વમાં સૌથી સ્પર્ધાત્મક સપ્લાયર હતો. ભારતીય ખોળના મુખ્ય ખરીદારોમાં સાઉથ કોરિયા, વિયેટનામ, થાઈલેન્ડ અને અન્ય દૂર-પૂર્વના દેશોનો સમાવેશ થાય છે. જર્મનીના હેમ્બર્ગ ખાતે 334 ડોલર પ્રતિ ટન એક્સ-મિલ સામે ભારતીય ખોળ 326 ડોલર એફઓબી પર પ્રાપ્ય હતો. સાઉથ કોરિયા, થાઈલેન્ડ, વિયેટનામ અને બાંગ્લાદેશ ભારતીય ખોળના સૌથી મોટા આયાતકારો હતાં.

ડોલર સામે રૂપિયો 12 પૈસા નરમાઈ સાથે બંધ રહ્યો
મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નરમાઈ જોવા મળી હતી. ઈક્વિટી માર્કેટમાં મજબૂતી અને વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં રૂપિયો ગ્રીન બેક સામે 12 પૈસા ઘટી 83.18ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે તે 83.10ની સપાટીએ મજબૂત બંધ જોવા મળ્યો હતો. શુક્રવારે 33 પૈસાના આઁઠ મહિનાના સૌથી મોટા ઉછાળા પછી સતત બીજા દિવસે તે મજબૂત જોવા મળ્યો હતો. જોકે, મંગળવારે તે નરમ પડ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.05 ટકા નરમાઈ સાથે 102.139ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. ફોરેક્સ ડિલર્સના જણાવ્યા મુજબ આયાતકારો તરફથી ડોલરની ખરીદી પાછળ રૂપિયા પર ફરી દબાણ જોવા મળ્યું હતું. જોકે, તાજેતરમાં વિદેશી રોકાણકારો તરફથી ફ્લોને જોતાં રૂપિયામાં ઘટાડાની શક્યતાં નથી. વિદેશી રોકાણકારો તરફથી ચાલુ મહિને 7.7 અબજ ડોલરની ખરીદી જોવા મળી છે. જે ચાલુ કેલેન્ડરમાં માસિક ધોરણે સૌથી ઊંચી છે. ક્રૂડના ભાવ પણ નિયંત્રણમાં છે. જેને કારણે ડોલર પર દબાણની શક્યતાં નીચી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

વરુણ બેવરેજીસઃ એફએમસીજી કંપની સાઉથ આફ્રિકા સ્થિત ધ બેવરેજ કંપની તથા તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બેવકોની રૂ. 1320 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યૂ સાથે ખરીદી કરશે એમ ફાઈલીંગમાં જણાવ્યું છે. બેલકો લાયસન્સ્ડ તેમજ પોતાની મલિકીની બ્રાન્ડના નોન-આલ્કોહોલિક પીણાઓ બનાવવામાં તથા વિતરણમાં સક્રિય છે. તે સાઉથ આફ્રિકા, લેસોથા અને એસ્વાટિની ઉપરાંત નામીબિયા અને બોત્સવાનામાં ફ્રેન્ચાઈઝી અધિકાર ધરાવે છે.
જિંદાલ સ્ટેનલેસઃ જેએસએલના બોર્ડે કંપનીના રબીરન વિનિમય પ્રાઈવેટ લિ.ના ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની હાલમાં લિક્વિડેશન હેઠળ છે. રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યા મુજબ કંપનીની ખરીદ કિંમત રૂ. 96 કરોડની છે. આરવીપીએલ વાઈડર અને થીનર સેગમેન્ટ માટે 250 કિલો ટન પ્રતિ વર્ષની ડાઉનસ્ટ્રીમ કોલ્ડ-રોલીંગ મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા ધરાવે છે. ઉપરાંત પાઈપ અને ટ્યૂબ માટે 50 કેટીપીએની ક્ષમતા ધરાવે છે.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપની યુએસમાં મેસેચ્યૂસેટ્સ બેઝ્ડ લિન્ડ્રા થેરાપ્યુટીક્સ ઈન્કનો 16.7 ટકા હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે. કંપની રૂ. 249 કરોડમાં આ હિસ્સો ખરીદશે. લિન્ડ્રા લોંગ-એક્ટીંગ ઓરલ(એલએઓ) થેરાપિઝ માટે નોવેલ ડિલિવરી ટેક્નોલોજી વિકસાવવામાં સક્રિય છે. આ ખરીદી સન ફાર્મા માટે ઈનોવેટિવ ફાર્માસ્યુટિકલ ડિલિવરી ટેક્નોલોજિસના ડેવલપમેન્ટ માટે સપોર્ટ તરીકે વ્યૂહાત્મક બની રહેશે.
ડિક્સોન ટેક્નોલોજીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ડિક્સોન ટેક્નોલોજીમાં તેના હિસ્સાનું વેચાણ કર્યું છે. કંપનીએ ડિક્સોનમાં તેના હિસ્સાને 5.012 ટકા પરથી ઘટાડી 3 ટકા કર્યો છે. આમ બે ટકા હિસ્સો વેચ્યો છે. ડિક્સોન ટેક્નોલોજીનો શેર તેની ઓલ-ટાઈમ હાઈ બનાવી કોન્સોલિડેટ થઈ રહ્યો છે.
એડલવેઈસ ફાઈઃ એડલવેઈસ ફાઈનાન્સિયલ સર્વિસિઝે જણાવ્યું છે કે તે એડલવેઈસ અલ્ટરનેટીવ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં 20 ટકા સુધીનો હિસ્સો વેચી રૂ. 1500 કરોડ ઊભા કરશે. કંપનીએ ફાઈલીંગમાં નોંધ્યું હતું કે ઘણા રોકાણકારોએ હિસ્સાની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. આ પ્રક્રિયા ચારથી પાંચ મહિનામાં પૂર્ણ કરાશે એમ કંપનીએ નોંધ્યું છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.