Categories: Market Tips

Market Summary 19/12/2022

એશિયામાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં મજબૂતી
નિફ્ટી 18400ની ઉપર બંધ રહેવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 13.55ની સપાટીએ
આઈટી, પીએસયૂ બેંક્સને બાદ કરતાં અન્ય સેક્ટર્સમાં મજબૂતી
સુગર શેર્સમાં ભારે લેવાલી જોવા મળી
જનરલ ઈન્શ્યોરન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ નવી ટોચે
નાયકા, ઓરો ફાર્મા, એમ્ફેસિસ નવા તળિયે

એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે નવા સપ્તાહે ભારતીય બજારે મજબૂત શરૂઆત દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 468 પોઈન્ટ્સ વધી 61806ની સપાટીએ જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ્સ ઉછળી 18420ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 79 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18499ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક બાઈંગ વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી અને માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.78 પોઈન્ટ્સના ઘટાડે 13.55ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારોમાં વેચવાલી આગળ વધી હતી. જેની અસરે એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી હતી. ચીનનું બજાર 2 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતું હતું. આ સિવાય જાપાન બજાર પણ એક ટકાથી વધુ નરમ જોવા મળ્યું હતું. તાઈવાન, કોરા અને હોંગ કોંગ પણ નેગેટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જેની વચ્ચે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી અને દિવસ દરમિયાન તેણે ધીમો સુધારો જાળવી રાખ્યો હતો. જ્યારે બંધ થતાં અગાઉ ઝડપી લેવાલી પાછળ નિફ્ટી 18400નો અવરોધ કૂદાવી ગયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ્સ જોકે હજુ પણ માર્કેટમાં સીધી તેજી નથી જોઈ રહ્યાં. સોમવારના સુધારાને તેઓ એક પુલબેક ગણાવે છે. 18650ના સ્ટોપલોસ સાથે શોર્ટ ટ્રેડર્સ તેમની પોઝીશન જાળવી શકે છે. જો નિફ્ટી 18250નું લેવલ તોડશે તો ઝડપથી 18000 અને તેની નીચે ઉતરી શકે છે. સોમવારે નિફ્ટી શેર્સમાં અદાણી પોર્ટ્સે સૌથી સારો સુધારો દર્શાવ્યો હતો. કાઉન્ટર 3.8 ટકા ઉછળી રૂ. 893ની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત એમએન્ડએમ, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ઓટો, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, ડો.રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફિનસર્વ અને બ્રિટાનિયામાં 2 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ટીસીએસ, ઈન્ફોસિસ, ઓએનજીસી, તાતા મોટર્સ, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, બીપીસીએલ નરમાઈ દર્શાવતાં હતાં. સોમવારે એફએમસીજી, મેટલ, એનર્જી, પીએસઈ તરફથી બજારને મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે સુધારો દર્શાવવામાં મેરિકો, બ્રિટાનિયા, એચયૂએલ, નેસ્લે, આઈટીસી, ડાબર ઈન્ડિયા, વરુણ બેવરેજિસ, કોલગેટ અને યુનાઈટેડ સ્પિરિટ્સ મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 1.3 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના અગ્રણી ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસે 2.4 ટકા સાથે સૌથી ઊંચો સુધારો નોંધાવ્યો હતો. તેમજ સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. આ ઉપરાંત મોઈલ, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, કોલ ઈન્ડિયા, નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જાહેર સેક્ટર કાઉન્ટર્સમાં ભેલ 3 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદુસ્તાન એરોનોટિક્સ, આરઈસી, પીએફસી, આઈઓસી, કોલ ઈન્ડિયા અને એનટીપીસી પણ એક ટકાથી 3 ટકા સુધીનો સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી ઓટો 1.6 ટકા સાથે નોંધપાત્ર સમયગાળા બાદ સુધરવામાં ટોચ પર રહ્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ સિવાય બજાજ ઓટો, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, અમર રાજા બેટરીઝ, મારુતિ સુઝુકી અને એમઆરએફમાં એક ટકાથી ઊંચો સુધારો જોવા મળ્યો હતો. એકમાત્ર ઓટો કાઉન્ટર તાતા મોટર નરમાઈ સૂચવતું હતું. નિફ્ટી આઈટી 0.5 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેમાં કોફોર્જ, ટીસીએસ, ઈન્ફિ અને વિપ્રો ઘટવામાં મુખ્ય હતાં. પીએસયૂ બેંક શેર્સમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી અને કામકાજની આખરમાં તે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. યૂકો બેંક 8 ટકા ગગડ્યો હતો. આ સિવાય પંજાબ એન્ડ સિઁધ બેંક, સેન્ટ્રલ બેંક, આઈઓબી, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને જેકે બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયામાર્ટ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈડીએફસી, કેન ફિન હોમ્સ, ઇન્ડિગો, ક્યુમિન્સ, આઈજીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી એએમસી, બજાજ ઓટો, કેનેરા બેંકમાં 2 ટકાથી ઊંચો સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ ચંબલ ફર્ટિલાઈઝર્સ 3.3 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ સિવાય પિરામલ એન્ટરપ્રાઈઝ, આલ્કેમ લેબ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, બાયોકોન, એસ્ટ્રાલ, ફર્સ્ટસોર્સ, ઓએનજી, ઓરોબિંદો ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી. જનરલ ઈન્શ્યોરન્સ કંપનીનો શેર 12 ટકાથી વધુ ઉછળી તેની વાર્ષિક ટોચ પર પહોંચ્યો હતો. જે ઉપરાંત સીએસબી બેંક, એન્જિનીયર્સ ઈન્ડિયા, કલ્યાણ જ્વેલર્સ, મહિન્દ્રા સીઆઈઈ, વી-ગાર્ડ અને ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ પણ સર્વોચ્ચ ટોચ દર્શાવતાં હતાં. તો નાયકાનો શેર 3 ટકા ગગડી તેની ઓલ-ટાઈમ લો પર પહોંચ્યો હતો. આ સિવાય પોલીપ્લેક્સ કોર્પો, સીઈ ઈન્ફો, ઓરો ફાર્મા, મેટ્રોપોલીસ, લૌરસ લેબ્સ અને ઈન્ડિગો પેઈન્ટ્સ તેમનું વાર્ષિક અથવા ઓલ-ટાઈમ લો દર્શાવી રહ્યાં હતાં.
UTI AMCની ખરીદી માટે તાતા જૂથ આખરી તબક્કામાં પહોંચ્યું
અગ્રણી ઔદ્યોગિક જૂથ PSU નાણા સંસ્થાઓ પાસેથી હિસ્સો ખરીદશે

તાતા જૂથ યૂટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે આખરી તબક્કાની મંત્રણામાં પહોંચ્યું હોવાનું વર્તુળો જણાવે છે. દેશનું અગ્રણી જૂથ જાહેર ક્ષેત્રની ચાર નાણાકિય સંસ્થાઓ પાસેથી યૂટીઆઈ એએમસીનો હિસ્સો ખરીદશે. આ ચાર પીએસયૂમાં પંજાબ નેશનલ બેંક, લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે. આ ચારેય કંપનીઓ મળીને યૂટીઆઈ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે. ડીલ વેલ્યએશનને લઈને આખરી એગ્રીમેન્ટની રાહ જોવાઈ રહી છે એમ વર્તુળો ઉમેરે છે. યૂટીઆઈ એએમસી દેશમાં આંઠમા ક્રમે એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. તે દેશમાં સૌપ્રથમ મ્યુચ્યુલ ફંડ કંપની હતી. તાતા મ્યુચ્યુલ ફંડ દેશમાં એયૂએમની રીતે 12મા ક્રમે આવે છે.
આ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહેલા વર્તુળોના મતે આંતરિક મંજૂરીઓ મળી ગઈ છે. તેમજ તાતાને એએમસીના અન્ય મોટા રોકાણકારો તરફથી પણ સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. યૂટીઆઈ એએમસીમાં વૈશ્વક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની ટી રોવે પ્રાઈસ ગ્રૂપ 23 ટકાનો સૌથી ઊંચો હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષના મધ્યભાગથી તાતા જૂથ યૂટીઆઈ એએમસી ખરીદશે તે પ્રકારના અહેવાલો જોવા મળતાં હતાં. જો ડીલ સંભવ બનશે તો તાતા એએમસી અને યૂટીઆઈ એએમસીનું મર્જર કરવામાં આવશે. બંનેના મર્જરથી બનનારી કંપની દેશમાં ચોથા ક્રમની એસેટ મેનેજર બની રહેશે. જ્યારે ટોચના ત્રણ મ્યુચ્યુલ ફંડ્સમાં એસબીઆઈ એએમસી, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એએમસી અને એચડીએફસી એએમસીનો સમાવેશ થાય છે. તાતા જૂથની બે કંપનીઓ તાતા સન્સ અને તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન મળીને તાતા એએમસીમાં અનુક્રમે 68 ટકા અને 32 ટકા હિસ્સો ધરાવે છે. યુટીઆઈ એએમસીનું ઓક્ટોબર 2020માં શેરબજાર પર લિસ્ટીંગ થયું હતું. જેનું માર્કેટ-કેપ રૂ. 9800 કરોડ આસપાસ જોવા મળતું હતું. વર્તમાન માર્કેટ-કેપ પર તાતા જૂથે કંપનીમાં 45 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 4400 કરોડ ચૂકવવાના બનશે. જ્યારે ફરજિયાત 26 ટકાની ઓપર ઓફર માટે તેમણે રૂ. 2500 કરોડ ખર્ચવાના થશે. 30 સપ્ટેમ્બરના રોજ યૂટીઆઈ એએમસીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 2.34 લાખ કરોડ પર હતું. જે ઉદ્યોગના કુલ એયૂએમના 6 ટકા જેટલું બેસતું હતું. 12મા ક્રમની સૌથી મોટી એએમસી તાતા એએમસીનું એયૂએમ રૂ. 91,284 કરોડ જોવા મળતું હતું. અગાઉના યૂનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયામાંથી 2003માં અલગ કરવામાં આવેલી યૂટીઆઈ એએમસીનું કોઈ પ્રમોટર્સ નથી પરંતુ તે એલઆઈસી, પીએનબી, એસબીઆઈ અને બીઓબી જેવા સ્પાન્સરર્સ ધરાવે છે. 2021-22માં યૂટીઆઈ એએમસીએ રૂ. 1319 કરોડની આવક પર રૂ. 534 કરોડનો નફો દર્શાવ્યો હતો. જ્યારે ટાટા એએમસીએ રૂ. 342 કરોડની આવક જ્યારે રૂ. 103 કરોડનો નફો નોંધાવ્યો હતો.

દેશમાં ટોચના MFs
એએમસી AUM(રૂ. લાખ કરોડમાં)
SBI એમએફ 6.82
ICICI પ્રૂડે. એમએફ 4.76
HDFC એમએફ 4.29
નિપ્પોન ઈન્ડિયા એમએફ 2.85
આદિત્ય બિરલા સન લાઈફ એમએફ 2.83
કોટક એમએફ 2.82
એક્સિસ એમએફ 2.48
UTI એમએફ 2.34
ટાટા એમએફ 0.91

ગ્લોબલ ટ્રેન્ડથી અલગ ભારતીય IT કંપનીઓ 2023માં હાયરિંગ વધારશે
મજબૂત આર્થિક અને રાજકીય સ્થિરતા પાછળ ભારત નવા કેલેન્ડરમાં નેટ એમ્પ્લોયમેન્ટ જનરેટર બનશે

વૈશ્વિક સ્તરે અગ્રણી ટેક કંપનીઓ તરફથી મોટાપાયે છટણી અને નવી નિમણૂંક બંધ કરી રહી છે ત્યારે ભારતની મજબૂત આર્થિક અને રાજકીય પાયાને જોતાં સ્થાનિક ટેક્નોલોજી કંપનીઓ 2023માં તેમના હાયરિંગમાં વૃદ્ધિ કરે તેવી અપેક્ષા છે એમ સ્ટાફિંગ અને રિક્રૂટમેન્ટ સર્વિસિસ કંપની રેંડસ્ટેડે એક સર્વેમાં જણાવ્યું છે.
કંપનીના અહેવાલમાં જણાવ્યા મુજબ કોસ્ટ ઓપ્ટિમાઈઝેશન આ નિર્ણયો પાછળના ઘણા કારણોમાંનું એક હશે પરંતુ ભારતનું સ્થિર જીઓગ્રાફિકલ, ઈકોનોમિક અને પોલિટીકલ ફાઉન્ડેશન આ સંસ્થાઓ તરફથી ભારતમાં રોકાણ કરવા માટેનું સૌથી મહત્વનું કારણ છે. આમ કરી તેઓ તેમના બિઝનેસ કન્ટિન્યૂટી પ્લાનનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યાં છે. આ ટ્રેન્ડ્સને જોતાં નવા નાણા વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં ઊંચા હાયરિંગ નંબર્સ જોવા મળે તેવી શક્યતાં છે. ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરમાં એમ રિપોર્ટ નોંધે છે. સર્વેનું તારણ 600 ટેક્નોલોજી કંપનીઓના સર્વે આધારિત હતું. ટીમલીઝના જણાવ્યા મુજબ માત્ર સ્ટાર્ટ-અપ જગતે જ કોવિડની શરૂઆતથી અત્યાર સુધીમાં 23 હજાર લોકોને છૂટાં કર્યાં છે. આ સમસ્યા 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વકરી હતી. જેમાં ટેક જાયન્ટ્સ મેટા, ટ્વિટર, એમેઝોન અને એપલે મોટા પાયે જોબ કટ્સ જાહેર કર્યાં હતાં. છટણીના ટ્રેન્ડ વચ્ચે પણ સંબંધિત સ્કીલ્સ ધરાવતાં લોકોને નવી જોબ્સ મળી શકે છે એમ સર્વે ઉમેરે છે.
કંપનીના અધિકારી જણાવે છે કે કેટલીક મોટી ટેક કંપનીઓમાં છટણી જોવા મળી છે તેમ છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે છટણીનો ભોગ બનેલાઓમાંથી ચોક્કસ સ્કીલ ધરાવનારાઓને ભારતમાં નવી રોજગારીની તક મળી રહી છે. તેમના ઉમેર્યાં મુજબ સર્વેમાં આવરી લેવામાં આવેલી મોટાભાગની કંપનીઓ વેઈટ એન્ડ વોચ મોડમાં છે અને તેમણે ટૂંકાગાળા માટે હાયરિંગ ધીમું પાડ્યું છે. પશ્ચિમમાં મંદીની અસરથી ભારતીય આઈટી ઉદ્યોગ ખૂબ જ સુરક્ષિત છે. તેમના જણાવ્યા મુજબ પશ્ચિમમાં એમ્પ્લોયમેન્ટની સ્થિતિ સાથે કોઈપણ નિસ્બત વિના ભારત સમગ્રતયા નવી રોજગારીનો ઉમેરો કરનારો બની રહેશે અને તે વિશ્વમાં સૌથી આકર્ષક એમ્પ્લોયમેન્ટ ડેસ્ટિનેશન્સ બનવાની ઉત્તમ સ્થિતિ ધરાવે છે.

કોટનના ભાવમાં સપ્તાહમાં ખાંડીએ રૂ. 3500નું ગાબડું
મિલોની પાંખી માગ વચ્ચે આવકોનું દબાણ વધતાં ભાવમાં નરમાઈ

મિલો તરફથી સરકાર પર કોટનની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવા વધી રહેલા દબાણ વચ્ચે સ્થાનિક માગ નબળી રહેવાને પગલે કોટનના ભાવમાં છેલ્લાં સપ્તાહમાં ખાંડીએ રૂ. 3000-3500નો ઘટાડો નોંધાયો છે. સોમવારે તે રૂ. 63500 આસપાસ જોવા મળી રહ્યાં હતાં. જે ગયા સપ્તાહની શરૂમાં રૂ. 66500-67000 પર બોલાતાં હતાં. વર્તુળોના મતે યાર્નની માગ નીચી જળવાઈ રહી છે. જેને કારણે સ્થાનિક મિલ્સની ખરીદી ખપપૂરતી જ છે. જ્યારે ચાલુ સિઝનમાં નિકાસની તો કોઈ ગૂંજાઈશ નથી. કેમકે સ્થાનિક કોટન વૈશ્વિક બજારની સરખામણીમાં ગાંસડીએ રૂ. 6-8 હજારનું પ્રિમીયમ દર્શાવી રહ્યું છે. જેને જોતાં ભાવ પર દબાણ જોવા મળ્યું છે.
અગાઉ સિઝનની શરૂમાં કોટનના ભાવ રૂ. 62-63 હજારની સપાટીએ જોવા મળ્યાં હતાં. જ્યાંથી પરત ફર્યાં હતાં અને ડિસેમ્બરની શરૂમાં રૂ. 69 હજાર સુધી ટ્રેડ થયાં હતાં. નવેમ્બરમાં ભાવમાં વૃદ્ધિનું કારણ ખેડૂતો તરફથી મર્યાદિત આવકો હતું. ચાલુ સિઝનમાં 3.5 કરોડ ગાંસડીના ઊંચા પાકના અંદાજ છતાં કોટનની આવકો અપેક્ષિત સ્તરે જોવા મળી રહી નથી. જેનું એક કારણ ખેડૂતો તરફથી કોમોડિટીનું હોર્ડિંગ છે. સપ્ટેમ્બરમાં પૂરી થયેલી ગઈ સિઝનમાં તેમણે મણે રૂ. 2800 સુધીના વિક્રમી ભાવ જોયા હતા અને તેથી તેઓ રૂ. 1600-1800ના ભાવે તેમનો માલ વેચવા ખાસ ખુશ જણાતાં નહોતા. જોકે આ ભાવ સરકાર નિર્ધારિત ટેકાના ભાવથી નોંધપાત્ર ઊંચા છે. જેને કારણે સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સતત બીજા વર્ષે બજારમાં ખાસ કોઈ દરમિયાનગીરી કરવાની જરૂર ઊભી થઈ રહી નથી. જિનર્સને શરૂઆતમાં ગાંસડીએ રૂ. 4-5 હજાર સુધીની ઊંચી ડિસ્પેરિટીને કારણે પણ પ્રોસેસિંગમાં ખાસ રસ નહોતો અને તેથી ઘણા જિનીંગ મિલ્સે સિઝનની શરૂમાં કેટલુંક કામ કર્યાં બાદ કામ અટકાવ્યું હતું. જોકે હાલમાં ડિસ્પેરિટી ઘટી છે. સામે માગ પાઁખી હોવાથી ઊંચા પાકની સિઝનમાં પણ તેમની વપરાશક્ષમતા નીચી જળવાય છે. અગ્રણી કોટન એજન્ટના મતે કુત્રિમ રીતે ભાવ ઊંચા જાળવી રાખવાની નીતિને કારણે દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે અને તે લાંબાગાળા માટે ચિંતાનો વિષય છે.

ડિસેમ્બરમાં FPIsનું રૂ. 10555 કરોડનું ચોખ્ખું રોકાણ
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ. 105555 કરોડનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું છે. ગયા મહિને તેમણે રૂ. 36200 કરોડનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. એફપીઆઈ તરફથી ચાલુ કેલેન્ડરમાં ડિસેમ્બર ચોથો પોઝીટીવ ઈનફ્લો ધરાવતો મહિનો બની રહેશે. અગાઉ જૂલાઈ અને ઓગસ્ટમાં પણ તેમણે ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જ્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેમના તરફથી વેચવાલી જોવા મળી હતી. જ્યારે નવેમ્બરમાં તેઓ ફરી લેવાલ બન્યાં હતાં. ફેડ તરફથી 2022માં સતત રેટ વૃદ્ધિ પાછળ વિદેશી રોકાણકારોએ 2022ના મધ્યભાગ સુધીમાં તો ચોખ્ખી વેચવાલી જ દર્શાવી હતી. જોકે પાછળથી તેઓ ખરીદાર બન્યાં હતાં.

2022માં VC કંપનીઓએ ડિલ્સમાં 20 ટકા ઘટાડો કર્યો
દેશમાં ટોચના 20માંથી 14 જેટલા વેન્ચર કેપિટલ(વીસી) અને પ્રાઈવેટ ઈક્વિટી(પીઈ) ફંડ્સે 2022માં તેમના ડિલ્સમાં 20 ટકા જેટલો ઘટાડો દર્શાવ્યો છે. 2021માં કુલ 572 ડિલ્સ સામે 2022માં અત્યાર સુધીમાં ડિલ્સની સંખ્યા 456 પર જ રહી છે એમ વેન્ટર ઈન્ટેલિજન્સનો ડેટા સૂચવે છે. ઈન્વેસ્ટમેન્ટ્સમાં લીડર એવી સિક્વોઈઆ કેપિટલે ડિલ્સની બાબતમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ 2021માં 110 ડિલ્સ પરથી ચાલુ વર્ષે તેની ડિલ સંખ્યા 70 પર જોવા મળી રહી છે. ટાઈગર કેપિટલ, એક્સેલ ઈન્ડિયા અને મેટ્રીક્સ પાર્ટનર્સે પણ તેમના નવા ડિલ્સમાં ઘટાડો નોંધાવ્યો છે. જે કંપનીઓ ટોચની 20માં સામેલ નથી તેમણે પણ ડિલ્સની સંખ્યા ઘટાડી છે. સ્ટાર્ટ-અપ્સમાં ફેવરિટ સોફ્ટબેંકે 2021માં કુલ 18 ડિલ્સ નોંધાવ્યાં હતાં. જે સંખ્યા 2022માં ઘટીને માત્ર ચાર પર રહી છે. 23મા સ્થાને રહેલી લાઈટસ્પીડ વેન્ચર્સે 2021માં 37 ડિલ્સની સામે 2022માં માત્ર 16 ડિલ્સ જ હાથ ધર્યાં છે. 2021માં એડટેક સ્પેસમાં 4 અબજ ડોલરના ડીલ્સ થયાં હતાં. જે આંકડો 2022માં ઘટીને 1.9 અબજ ડોલર પર પટકાયો છે. આ ક્ષેત્રે કુલ ડીલ્સ 2021માં 97 હતાં. જે 2022માં 60 પર રહ્યાં છે. ઈ-કોમર્સ સેગમેન્ટમાં પણ ડીલ 10 અબજ ડોલરની સામે માત્ર 5 અબજ ડોલર પર જોવા મળી રહ્યાં છે. જ્યારે સંખ્યાની રીતે 2021માં 210 ડિલ્સ સામે 2022માં 147 ડિલ્સ જ શક્ય બન્યાં છે.

કેન્દ્ર સરકાર બિન-આવશ્યક આઈટમ્સ પર આયાત જકાત લાગુ પાડશે
ઘટતી નિકાસ અને વધતી વેપારી ખાધને ધ્યાનમાં રાખી સરકારની વિચારણા

નિકાસમાં ઘટાડો અને પહોળી બનતી વેપારી ખાધને જોતાં કેન્દ્ર સરકાર ‘બિન-આવશ્યક ચીજવસ્તુઓ’ની આયાત પર ડ્યૂટી લાગુ પાડશે અથવા તો તેમાં વધારો કરે તેવી શક્યતાં છે. કેટલાંક કેન્દ્રિય વિભાગો ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃદ્ધિ કરવા જેવી કોમોડિટીઝનું લિસ્ટ તૈયાર કરી રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે. આ યાદીમાં એવી જ કોમોડિટીઝનો સમાવેશ કરવામાં આવશે. જે માટે દેશમાં પૂરતી ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે.
સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ તેઓ એવી બિન-આવશ્યક આયાતો પર ડ્યુટી લાગુ પાડવા વિચારી રહ્યાં છે જેમના માટે દેશમાં પૂરતી મેન્યૂફેક્ચરિંગ સુવિધા પ્રાપ્ય છે. આવી કોમોડિટીઝમાં બહારથી આયાતની જરૂર નથી રહેતી. ઉપરાંત સરકાર હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર(HSN) કોડ હેઠળ આવતી કોમોડિટીઝને અલગ કરવા અંગે વિચારી રહી છે. જેથી ડ્યૂટી લાગુ પાડી શકાય. એચએસએન કોડ હેઠળ અનેક આઈટમ્સ આવે છે. એચએસએન કોડ હેઠળ આવતી તમામ આઈટમ્સને એક જ ટેક્સ રેટ લાગુ પડે છે. જોકે હાલની વિચારણામાં સરકાર કોડ હેઠળની કેટલીક આઈટમ્સ પર જ ડ્યૂટી લાગુ પાડશે. જેમકે એલઈડી લાઈટ્સ સેગમેન્ટમાં સરકાર સિંગલ-વાયર એલઈડી લાઈટ્સ પર જ ઊંચી ડ્યુટી લાગુ પાડી શકે છે નહિ કે એલઈડી બલ્બ્સ પર. આ માટે તેમણે બે પ્રોડક્ટને અલગ કરવાની જરૂર છે. હાલમાં તેઓ એક જ એચએસએન કોડમાં સામેલ છે. અગાઉ બજેટ 2022માં સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃદ્ધિ હાથ ધરી હતી. જેમાં ઈઅરફોન્સ, લાઉસ્પીકર્સ, અને સ્માર્ટ મીટર્સ સહિતની આઈટમ્સનો સમાવેશ

કોર્પોરેટ હેડલાઈન્સ

ઓઈલ માર્કેટિંગ કંપનીઝઃ છેલ્લાં ઘણા મહિનાઓથી માર્જિનમાં ઘટાડાનો સામનો કરી રહેલી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ડિસેમ્બરમાં માર્જિન વધારાની શરૂઆત થઈ છે. 13 ડિસેમ્બરે પેટ્રોલ અને ડિઝલ વેચાણ પરનું માર્જિન પ્રતિ લિટરે રૂ. 2.4ની 10-મહિનાની ટોચ પર જોવા મળ્યું હતું. ચાલુ નાણા વર્ષના પ્રથમ આંઠ મહિનામાં તે ઘટાડાતરફી જળવાયું હતું.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીને તેના હાલોલ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ય માટે યુએસએફડીએ તરફથી વોર્નિંગ લેટર મળ્યો છે. લેટરમાં સીજીએમપી નિયમોના ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સન ફાર્માનો શેર સોમવારે 2 ટકા જેટલો તૂટ્યો હતો.
જએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર પીએલઆઈ સ્કીમ હેઠલ રૂ. 7930 કરોડનું રોકાણ કરશે. જે કોઈપણ કંપની તરફથી પ્રોફિટ લિંક્ડ ઈન્સેન્ટિવ્સ હેઠળ સૌથી મોટું કમિટમેન્ટ છે. કંપનીએ ઓડિશા સ્થિત જિંદાલ સ્ટીલ મારફતે આ રકમ કમિટ કરી છે.
તાતા પાવરઃ એનર્જી કંપનીએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને ઈલેક્ટ્રિસિટી પર્ચેઝ કોસ્ટ રિકવર કરવા માટે ફ્યુઅલ-એડજસ્ટેડ ચાર્જિસ(એફએસી) પરની મર્યાદામાં રાહત આપવા માટે વિનંતી કરી છે. હાલમાં એફએસી પર વર્તમાન ટેરિફની 20 ટકા મર્યાદા લાગુ છે.
ટેક મહિન્દ્રાઃ ટેક્નોલોજી કંપનીએ ડાયનાકોમર્સ હોલ્ડિંગ્સ બીવીમાં 66 લાખ યુરોમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટેની મંજૂરી આપી છે.
દિલીપ બિલ્ડકોનઃ ઈન્ફ્રા કંપનીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 1647 કરોડના મૂલ્યના ઓર્ડર્સ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મેળવ્યો છે.
જીએમઆર ઈન્ફ્રાઃ કંપનીની પાંખે જીએમસીએસીના શેર્સના વેચાણમાંથી રૂ. 1390 કરોડ મેળવ્યાં હોવાનું જીએમઆરે જણાવ્યું છે.
ફિનિક્સ મિલ્સઃ રિઅલ્ટી કંપનીએ ગુજરાતમા સુરત ખાતે રૂ. 510 કરોડમાં 7.22 એકરના લેન્ડ પાર્સલની ખરીદી કરી છે. કંપની ત્યાં મોલનું બાંધકામ કરશે.
તિલકનગર ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીના બોર્ડે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર થીંક ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી માસ્ટર ફંડને રૂ. 95 પ્રતિ શેરના ભાવે 1.05 કરોડ શેર્સના એલોટમેન્ટ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.