બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
એશિયન શેરબજારોમાં 2-3 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
ભારતીય બજારે હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ
નિફ્ટી ઈન્ટ્રા-ડે 19600ની નીચે જઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.73 ટકા ઘટી 10.89ના સ્તરે
ઓટો, એફએમસીજી, કન્ઝ્મ્પ્શન સેક્ટરમાં મજબૂતી
મેટલ, એનર્જી, ફાર્મા, બેંકમાં નરમાઈ
બજાજ ઓટો, એનબીસીસી, નેસ્લે, હીરો મોટોકોર્પ નવી ટોચે
અદાણી ટોટલ, સ્ટર્લિંગ વિલ્સન નવા તળિયે
વૈશ્વિક શેરબજારોમાં સતત બીજા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાતાં 2-3 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમની સરખામણીમાં ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 248 પોઈન્ટ્સ ગગડી 65629ની સપાટીએ જ્યારે નિફ્ટી 46 પોઈન્ટ્સ ઘટાડે 19625ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3832 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1851 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1843 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 249 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.73 ટકા ઘટી 10.89ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં પછી ધીમી રિકવરી નોંધાવી હતી અને એક તબક્કે તે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવતું જોવા મળ્યું હતું. જોકે, સુધારો ટકી શક્યો નહોતો અને તે ફરી રેડ ઝોનમાં સરી પડવા સાથે નેગેટિવ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 19512નું તળિયું બનાવી પરત ફર્યો હતો અને 19600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 9 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19616ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 5 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન્સમાં કોઈ વૃદ્ધિના સંકેતો નથી. આ સ્થિતિમાં નવી પોઝીશન્સ લેવામાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટેકનિકલી 19600ના બંધ ભાવના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. જે તૂટશે તો 19400 સુધીનો ઘટાડો સંભવ છે. ઉપરબાજુ 19800 પાર થશે તો જ 20 હજારની સપાટી ફરી જોવા મળી શકે છે. માર્કેટમાં છેલ્લાં કેટલાંક સત્રોથી સુધારા ઊભરા જેવા નીવડે છે. જે નરમ અન્ડરટોન દર્શાવે છે. વૈશ્વિક ડોલર અને યુએસ ટ્રેઝરી યિલ્ડમાં વૃદ્ધિ વચ્ચે ગોલ્ડમાં મજબૂતી ઈક્વિટીઝ માટે ચોક્કસ ખતરાનો સંકેત છે. જેને જોતાં આક્રમક ખરીદી ટાળવી જોઈએ.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ઓટો, એલટીઆઈમાઈન્ડટ્રી, નેસ્લે, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, ગ્રાસિમ, બીપીસીએલ, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને લાર્સનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વિપ્રો, ટેક મહિન્દ્રા, યૂપીએલ, હિંદાલ્કો, ભારતી એરટેલ, સન ફાર્મા, એનટીપીસી, એચડીએફસી લાઈફ, ટીસીએસ, તાતા સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, કન્ઝ્મ્પ્શન સેક્ટરમાં મજબૂતી જળવાય હતી. જ્યારે મેટલ, એનર્જી, ફાર્મા, બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.5 ટકા મજબૂતી સાથે તેની સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. બજાજ ઓટોમાં સારા પરિણામો પાછળ 7 ટકાન તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ અને બોશમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં નેસ્લે, કોલગેટ, વરુણ બેવરેજીસનો સમાવેશ થતો હતો. નેસ્લેનો શેર 4 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા તૂટ્યો હતો. જેમાં એપીએલ એપોલો, વેલસ્પન કોર્પ, વેદાંતા, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, તાતા સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી બેંક પણ 0.31 ટકા ડાઉન જળવાયો હતો. જેમાં બંધન બેંક 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં પણ નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બજાજા ઓટો સાત ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલટીઆઈમાઈન્ડટ્રી, નેસ્લે, હીરો મોટોકોર્પ, આદિત્ય બિરલા ફેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડિયા સિમેન્ટ્સ, પર્સિસ્ટન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એચપીસીએલ, એબી કેપિટલ, જેકે સિમેન્ટ, હિંદ કોપર, પાવર ફાઈનાન્સ કોર્પો.માં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એસ્ટ્રાલ લિ 6 ટકા તૂટ્યો હતો. ઉપરાંત આઈજીએલ, બંધન બેંક, વિપ્રો, ઓરેકલ ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, સિન્જીન ઈન્ટરનએશનલ, શ્રી સિમેન્ટ્સ, ઈપ્કા લેબ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક ટોચ દર્શાવતા કાઉન્ટર્સમાં એનબીસીસી, બજાજ ઓટો, વેલસ્પન ઈન્ડિયા, નેસ્લે, હીરો મોટોકોર્પ, બીએસઈ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, ક્રિસિલ, સુઝલોન એનર્જીનો સમાવેશ થતો હતો.
HULનો નેટ પ્રોફિટ 4 ટકા ઉછળી રૂ. 2717 કરોડ નોંધાયો
ટોચની એફએમસીજી કંપની એચયૂએલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2717 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 3.86 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 3.53 ટકા વધી રૂ. 15027 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14,514 કરોડ પર રહી હતી. કંપનીની આવકમાં ડાયરેક્ટ ટેક્સ સંબંધી કાનૂની વિવાદમાં કંપનીની તરફેણમાં આવેલી સિંગલ ટાઈમ ક્રેડિટનો સમાવેશ થતો હતો. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 9.4 ટકા ઉછળી રૂ. 3694 કરોડ જોવા મળ્યો હતો. એબિટા માર્જિન 130 બેસીસ પોઈન્ટ્સ સુધરી 24.5 ટકા પર રહ્યાં હતાં. કંપનીએ જાહેરાત પાછળ રૂ. 1720 કરોડનો ખર્ચ કર્યો હતો. જે તેના કુલ વેચાણના 11.4 ટકા હતો.
ભારત સૌથી પસંદગીનું ઈમર્જિંગ માર્કેટઃ મોર્ગન સ્ટેનલી
વૈશ્વિક બ્રોકરેજે ચીન અને સાઉથ કોરિયાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું
ભારતે MSCI EMની સરખામણીમાં 45.5 ટકા સાથે આઉટપર્ફોર્મ દર્શાવ્યું છે
અર્નિંગ્સમાં સુધારા પાછળ ઈમર્જિંગ માર્કેટ્સને લઈ આશાવાદ જળવાયો છે ત્યારે યુએસ ડોલરમાં મજબૂતીએ નવેસરથી સમસ્યા ઊભી કરી છે. જેની વચ્ચે જીઓપોલિટીકલ જોખમોમાં વૃદ્ધિ અને યુએસ 10-યર યિલ્ડ્સ 17 વર્ષોની ટોચે પહોંચતાં ઈક્વિટી માર્કેટ્સ સામે પડકાર ઊભો થયો હોવાનું મોર્ગન સ્ટેનલી ઈમર્જિંગ માર્કેટ્સ રિસર્ચ હેડ જોનાથન ગાર્નરનું કહેવું છે. આ બધાની વચ્ચે મોર્ગન સ્ટેનલી માટે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારત પસંદગીનું બજાર બની રહ્યું છે.
વૈશ્વિક બ્રોકરેજના મતે હરિફોની સાપેક્ષ આર્થિક/અર્નિંગ્સ ગ્રોથ સુધરી રહ્યો છે અને મેક્રો લેવલે સ્થિરતા ઊંચા રિઅલ રેટના માહોલ માટે બંધ બેસે છે. સ્થાનિક નાણાપ્રવાહ મજબૂત જળવાયો છે મલ્ટીપોલર વૈશ્વિક પરિમાણો ભારત તરફ એફડીઆઈ અને પોર્ટફોલિયો ફ્લો ઠાલવી રહ્યાં છે. ભારત 2021ની શરૂથી ઓક્ટોબર 2023 સુધીમાં ડોલર સંદર્ભમાં માળખાકિય રીતે MSCI EMની સરખામણીમાં 45.5 ટકા સાથે આઉટપર્ફોર્મ દર્શાવી રહ્યું હતું અને તે આગળ પણ જળવાય રહેશે એમ તે ઉમેરે છે. મોર્ગન સ્ટેનલીએ તેની રિપોર્ટમાં નોંધ્યું છે કે અગાઉ જોવા મળતી ઊંચા ફુગાવાને લઈને ચિંતા સપ્ટેમ્બરમાં 5 ટકાના સીપીઆઈ પછી ઘણે અઁશે દૂર થઈ છે. કોર સીપીઆઈ વધુ ઘટી 4.6 ટકા પર જોવા મળ્યો છે. જ્યારે ઓક્ટોબર માટે તે 5 ટકાથી નીચે રહેવાની સંભાવના છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં સિંગાપુર અને પોલેન્ડને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. આ બંને માર્કેટ્સ માટે બ્રોકરેજ ઓવરવેઈટ છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં સિંગાપુર ડિફેન્સિવ પ્રકારનું બજાર છે. તે મજબૂત અર્નિંગ્સ અને પ્રોફિટેબિલિટી દર્શાવી રહ્યું છે. મોર્ગન સ્ટેનલીએ સાઉથ કોરિયા અને યુનાઈટેડ અરબ અમિરાત્સને ડાઉનગ્રેડ કરી ઈક્વલ વેઈટ કર્યાં છે. બેંક ઓફ કોરિયાના હોકિશ વલણ અને સ્થાનિક કોરિયનના ઊંચા ઘરગથ્થુ લેવરેજ તથા ઊંચી એનર્જી ટ્રેડ ખાધને જોતાં ત્યાં સ્થાનિક ઈન્ફ્લેશન અને પ્રોફિટ માર્જિનના અવરોધો જોવા મળી શકે છે. યુએઈ ખાતે મજબૂત અર્નિંગ્સ સુધારાઓ અને નફાકારક્તા છતાં વર્તમાન જીઓ-પોલિટીકલ તણાવોને કારણે પડકાર જોવા મળી શકે છે એમ મોર્ગન સ્ટેનલી તેના રિપોર્ટમાં નોંધે છે.
ટુરિઝમ પાછળ ખર્ચ રિકવરી બાબતે એશિયામાં ભારત અગ્રણી
ભારતીય ટ્રાવેલર્સ વૈશ્વિક સ્તરે ટુરિઝમ પાછળ ખર્ચમાં 2030 સુધીમાં વિશ્વમાં ચોથો ક્રમ મેળવશે
ભારત 2019માં 2.3 અબજ પરથી 2030માં 5 અબજ ટ્રાવેલર્સ મેળવે તેવી અપેક્ષા
2022માં ટુરિઝમ પાછળ ખર્ચમાં રિકવરીની બાબતમાં ભારત ટોચનું બજાર બન્યું હતું. ગયા કેલેન્ડરમાં તે મહામારી પહેલા વર્ષ 2019ના 78 ટકાના લેવલે પહોંચ્યો હતો. આની સરખામણીમાં એશિયન બજારોએ 52 ટકા રિકવરી જ દર્શાવી હતી.ચીન, જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયા ખાતે લાંબા સમય સુધી ટ્રાવેલ પર નિયંત્રણોને કારણે 2022માં એશિયામાં ટ્રાવેલ સંબંધી કામગીરી મંદ જળવાય હતી.
ભારતમાં કુલ ટ્રાવેલર્સ ટ્રીપની સંખ્યા 2030 સુધીમાં વધી 5 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા છે. જે 2019માં 2.3 અબજ પર જોવા મળતી હતી એમ મેકિન્ઝી એન્ડ કંપનીનો એક રિપોર્ટ જણાવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોવિડ અગાઉ ભારતીય ટ્રાવેલર્સે કુલ 150 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. જે ભારતને વિશ્વમાં છઠ્ઠો સૌથી મોટો ખર્ચકાર દર્શાવતો હતો. 2030 સુધીમાં ભારતીય ટ્રાવેલર્સ 410 અબજ ડોલરનો ખર્ચ કરે તેવી અપેક્ષા છે. જે તેમને વિશ્વમાં ચોથા ક્રમના ખર્ચકાર બનાવશે. તેમજ એશિયામાં તેમને સૌથી ઝડપી રિકવરી દર્શાવનાર મુસાફર બનાવશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં મજબૂત રિકવરીનું કારણ મજબૂત અર્થતંત્ર છે. દેશમાં વધતો મધ્યમ વર્ગ અને ટ્રાવેલ-પ્રેમી યુવાનો ટુરિઝમ રેવન્યૂ પાછળનું મુખ્ય ચાલકબળ છે. ભારતીય ટ્રાવેલર નવા અનુભવો માટે નજીકના કે દૂરના સ્થળોના પ્રવાસ માટે આતુર અને વિશ્વસ્ત હોવાનું રિપોર્ટ નોંધે છે. તેઓ 2023માં 40 અબજડોલરનો ખર્ચ કરે તેવી અપેક્ષા છે. ગ્લોબલ લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ચીફ કોમર્સિયલ ઓફિસર એલેકઝાન્ડર લીના મતે મહામારી પછી ભારત ઝડપી ગ્રોથ માર્કેટ તરીકે ઉભર્યું છે અને વાર્ષિક રીતે તે ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. કંપની એશિયા, યુરોપ અને યુએસ ખાતે તેની પ્રોપર્ટીઝ ધરાવે છે.
હાલમાં વૈકલ્પિક રહેઠાણીય સ્થાનોની માગમાં ઉછાળો જોવા મળે છે. જેમાં હોસ્ટેલ્સ, કેમ્પસાઈટ્સ, વેકેશન રેન્ટલ્સ અને શેલેટ્સનો સમાવેશ થાય છે. આ વૈકલ્પિક રહેઠાણો માટે એવરેજ ડેઈલી રેટ્સ(એડીઆર)નો ગ્રોથ પરંપરાગત હોટેલ અને મેનેઝ્ડ ચેઈન્સની સરખામણીમાં ઊંચો જોવા મળી રહ્યો છે. જે ટ્રાવેલની બાબતમાં બદલાતી પસંદગી સૂચવે છે. 2023માં કેમ્પ માટે બુક કરવામાં આવેલી દરેક નાઈટમાં ત્રણ નાઈટ્સ વિલા ખાતે અને 14 નાઈટ્સ ગેસ્ટ હાઉસ ખાતે બુક કરવામાં આવી હતી. ટોચના લેઝર અને બિઝનેસ શહેરો જેવાકે વારાણસી, ગોઆ, બેંગલોર અને દિલ્હી ખાતે વૈકલ્પિક એકોમોડેશન માટે વિકેન્ડ બુકિંગ્સ 2022ની સરખામણીમાં 2023માં ચારથી પાંચ ગણી વૃદ્ધિ જોવા મળી હતી. દેશમાં મહાનગરો ટોચના ટ્રાવેલ ડેસ્ટીનેશન્સ તરીકે જળવાયાં છે ત્યારે ટિયર-2 અને ટિયર-3 શહેરો જેવાકે વારાણસી, કોઈમ્બુતુર અને કોચી પણ લોકપ્રિય બની રહ્યાં છે. જ્યારે પર્વતીય પ્રદેશોમાં જૂના લોકપ્રિય સ્થળો જેવાકે મનાલી, શિમલા અને લોનાવાલાની લોકપ્રિયતા અકબંધ રહી છે. 2023માં ઓફ-બીટ લોકેશન્સ જેવાકે પંચગની, માદિકેરી અને માઉન્ટ આબુ ચાર્ટમાં ટોચ પર રહ્યાં છે.
વીકલી F&O સેગમેન્ટમાં BSEનો હિસ્સો મહિનામાં બમણો થયો
સપ્ટેમ્બરમાં 6 ટકા સામે ચાલુ મહિને પ્લેટફોર્મનો ડેરિવેટીવ્સ માર્કેટમાં હિસ્સો 12 ટકા પર પહોંચ્યો
દેશમાં સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈ ખાતે એફએન્ડઓ સેગમેન્ટમાં ઊંડાણ વધી રહ્યું છે. છેલ્લાં એક મહિનામાં જ દેશમાં કુલ એફએન્ડઓ ટ્રેડિંગ વોલ્યુમમાં એક્સચેન્જનો હિસ્સો 6 ટકા પરથી વધી 12 ટકા પર પહોંચ્યો હોવાનું એચડીએફસી ઈન્સ્ટીટ્યુશ્નલ રિસર્ચનો રિપોર્ટ જણાવે છે. હાલમાં બીએસઈનું ઓપ્શન પ્રાઈસિંગ એનએસઈના સાતમા ભાગ જેટલું જોવા મળે છે. જોકે, એચડીએફસી માને છે કે આ પ્રાઈસિંગમાં ટૂંક સમયમાં ફેરફાર જોવા મળશે. જેમાં ઓપ્શન્સ પ્રાઈસિંગ ત્રણગણી વૃદ્ધિ દર્શાવશે.
છેલ્લાં એક મહિનામાં એફએન્ડઓ સેગમેન્ટમાં બીએસઈનો હિસ્સો વધી 6-12 ટકા પર પહોંચ્યો છે. એક્સચેન્જે તેના સેન્સેક્સ વિકલી એક્સપાયરીને શુક્રવારે ખસેડ્યાં પછી આમ જોવા મળ્યું છે. આમ કરવાનું કારણ એનએસઈના નિફ્ટીની ગુરુવાર એક્સપાયરી સાથે કોઈ ઘર્ષણ ના થાય તે હતું. તાજેતરના રિપોર્ટ મુજબ વિકલી વોલ્યુમના સંદર્ભમાં બીએસઈ 12 ટકા બજાર હિસ્સો ધરાવે છે. જ્યારે મહત્વના એક્સપાયરી ડે વોલ્યુમ્સમાં તે 16 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. એ વાત નોંધવા લાયક છે કે એનએસઈએ ડેઈલી એક્સપાયરી મોડેલનો સ્વીકાર કર્યો છે. તેણે વિવિધ ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ સપ્તાહના ભિન્ન દિવસમાં એક્સપાયર થાય તેની કાળજી રાખી છે. આ વિચારપૂર્વકના પગલાને કારણે બે એક્સચેન્જિસ વચ્ચે કોઈ સીધું ઘર્ષણ ટાળી શકાય છે.
ગૂગલ ભારતમાં પિક્સલ સ્માર્ટફોન્સનું ઉત્પાદન કરશે
2024માં ભારતમાં ઉત્પાદિત પિક્સલ ડિવાઈસિસ બજારમાં પ્રવેશશે
કંપનીએ ગયા વર્ષે ચીન અને વિયેટનામ ફેક્ટરીઝમાં 90 લાખ પિક્સલ ફોન્સ બનાવ્યાં હતાં
વૈશ્વિક ટેક જાયન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે ભારતમાં પિક્સલ સ્માર્ટફોન્સનું ઉત્પાદન કરશે. જેમાં પિક્સલ 8નો સમાવેશ પણ થતો હશે. ભારતમાં ઉત્પાદિત પ્રથમ પિક્સલ ડિવાઈસિસ 2024માં ભારતીય બજારમાં પ્રવેશશે.
ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટની નવમી આવૃત્તિ દરમિયાન કંપનીના ડિવાઈસિસ હેડ રિસ ઓસ્ટેર્લોહે જણાવ્યું હતું કે કંપની ભારતમાં તેના ઉત્પાદનના વિસ્તરણ માટે શરૂઆતી તબક્કામાં છે. કંપની સ્થાનિક માગને પહોંચી વળવા માટે આમ કરી રહી છે. તેમજ મેક ઈન ઈન્ડિયા માટેની ગૂગલની પ્રતિબધ્ધાની દિશામાં આ મોટું પગલું છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં નોંધ્યું હતું કે તે ભારતમાં પિક્સલ 8નું ઉત્પાદન કરવા ઈચ્છે છે. આ માટે તે આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક ઉત્પાદક સાથે પિક્સલ સ્માર્ટફોન્સના ઉત્પાદન માટે ભાગીદારી પણ કરશે. તાજેતરમાં ગૂગલે ભારતમાં એચપી અફોર્ડેબલ ક્રોમબૂક્સનું ઉત્પાદન શરૂ કરવા માટે એચપી સાથે સહયોગ સાધ્યો હતો. આ એક ઓછી કિંમત ધરાવતાં લેપટોપ્સ હશે. જે ગૂગલની ક્રોમઓએસ ઓપરેટિંગ સિસ્ટમથી ચલિત હશે. જે વિન્ડોસ અને મેકઓએસ-રનીંગ લેપટોપ્સ કરતાં સસ્તાં હશે. વર્તુળોના જણાવ્યા મુજબ ગૂગલના કન્ઝ્યૂમર હાર્ડવેર ડિવિઝનની ઓપરેટિંગ ચીફ એના કોર્રાલ્સ અને ગ્લોબલ સસ્ટેનીંગ પ્રોડક્ટ ઓપરેશન્સના સિનિયર ડિરેક્ટર મેગી વીનો ભાગીદારીને લઈ વાતચીત માટે ભારતની મુલાકાત લેનારા કંપનીના અધિકારીઓમાં સમાવેશ થતો હતો. ગૂગલે ગયા વર્ષે નેવુ લાખ પિક્સલ ફોન્સનું ઉત્પાદન કર્યું હતું. તેણે આ ઉત્પાદન ચીન અને વિયેટનામ સુવિધાઓ ખાતે કર્યું હતું. ગૂગલ ભારતમાં અન્ય હાર્ડવેર પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે પણ વિચારી રહી છે.
લેપટોપ આયાત માટે એન્ડ-ટુ-એન્ડ ડિજીટલ ઓથોરાઈઝેશન ઈસ્યુ કરાશે
નિર્ણય વૈશ્વિક લેપટોપ ઉત્પાદકો ડેલ, એચપી, એપલને રાહત આપશે
ભારત સરકાર દેશમાં લેપટોપ્સ, ટેબ્લેટ્સ અને પર્સનલ કોમ્પ્યુટર્સની આયાત માટે ‘ઓથોરાઈઝેશન’ની નવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેનો હેતુ માર્કેટમાં સપ્લાય પર પ્રતિકૂળ અસર વિના આ પ્રકારના હાર્ડવેરની આયાત પર મોનીટરીંગનો છે એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.
નવી ‘ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ 1 નવેમ્બરથી અમલી બનશે. જે હેઠળ કંપનીઓએ આયાતની ક્વોન્ટિટી અને મૂલ્યની નોંધણી કરાવવાની રહેશે. જોકે, સરકાર આયાત માટેની કોઈપણ વિનંતીનો ઈન્કાર નહિ કરે અને ડેટાનો ઉપયોગ માત્ર મોનીટરીંગ માટે કરશે એમ અધિકારીઓનું કહેવું હતું. આમ કરવાનો હેતુ આપણે ડેટા અને માહિતી મેળવીને એ વાતની ખાતરી મેળવવાનો છે કે આપણી પાસે સંપૂર્ણપણે ભરોસાપાત્ર ડિજિટલ સિસ્ટમ અસ્તિત્વમાં છે એમ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોટેક મંત્રાલયના ટોચના અમલદાર એસ ક્રિષ્ણને જણાવ્યું હતું. સરકારનો આ નિર્ણય વૈશ્વિક લેપટોપ ઉત્પાદકો જેવાકે ડેલ, એચપી, એપલ, સેમસંગ અને લેનોવોને રાહત આપશે. અગાઉ ઓગસ્ટની શરુમાં સરકારે આયાત પર પ્રતિબંધો લાગુ પાડતાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. યુએસ સરકારે પણ તેમના વતી ભારત પર દબાણનો પ્રયાસ કર્યો હતો. સરકારની અગાઉની યોજનામાં ઈમ્પોર્ટ માટેની વિનંતીનો ઈન્કાર કરવાનો તેમજ દરેક શીપમેન્ટ માટે ફરજિયાત લાયસન્સનો સમાવેશ થતો હતો. સરકાર તેણે મેળવેલા ડેટાનો અભ્યાસ કર્યાં પાછળ સપ્ટેમ્બર 2024 પછી આ મુદ્દે વધુ નિર્ણય લેશે એમ ક્રિષ્ણને જણાવ્યું હતું.
અદાણીએ સૌથી મોટી આંતરરાજ્ય ટ્રાન્સમિશન લાઈન કાર્યાન્વિત કરી
કંપનીએ વારોરા-કુર્નુલ વચ્ચે 765 કેવીની ટ્રાન્સમિશન લાઇન મહારાષ્ટ્ર-તેલંગાણા અને આંધ્ર પ્રદેશને સાંકળે છે
અદાણી એનર્જી સોલ્યુશન્સે મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશનને કાર્યાન્વિત કરી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમ અને દક્ષિણના રાજ્યો વચ્ચે 4500 મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે અને રીન્યુએબલ્સ એનર્જી સ્ત્રોતોમાંથી ઉત્પાદનના મોટા પાયે ઈન્ટીગ્રેશનમાં સહાયરૂપ બનશે.
વારોરા કુર્નૂલ ટ્રાન્સમિશનની સ્થાપના એપ્રિલ- 2015માં વારોરા-વારંગલ અને ચિલાકાલુરીપેટા-હૈદરાબાદ-કુર્નૂલમાં વારંગલમાં kV સબ-સ્ટેશનમાં 765/400 કેવીની રચના સાથે વધારાની આંતર-પ્રાદેશિક વૈકલ્પિક વર્તમાન લિંક આયાત કરવા માટે કરવામાં આવી હતી. વારોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિ.એ અત્યાર સુધીનો સૌથી મોટો 765 kV D/C (Hexa વાહક) ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રોજેક્ટ છે જે એક જ યોજના હેઠળ આપવામાં આવ્યો છે. તેમાં મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પસાર થતી 1756 સરકીટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન અને વારંગલમાં 765 KV સબ-સ્ટેશનનું નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણીના ધોરણે બાંધકામ સામેલ છે. 2016ના આરંભે એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ.ને ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડ પર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે બેનમૂન એન્જિનિયરિંગ ડિઝાઇન સાથે મિડસ્ટ્રીમ મેગાસ્ટ્રક્ચર્સ (ટાવર) બનાવીને કૃષ્ણા અને ગોદાવરી નદીઓને પ્રથમ વખત ઓળંગી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
નેસ્લેઃ એફએમસીજી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 908 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 661.46 કરોડની સરખામણીમાં 37.28 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4602 કરોડની સરખામણીમાં રૂ. 5037 કરોડ પર નોંધાઈ હતી. કંપનીના બોર્ડે વર્તમાન એક શેરને 10 શેર્સમાં વિભાજનની તથા પ્રતિ શેર રૂ. 140નું ડિવિડન્ડ જાહેરાત કરી હતી.
પીવીઆરઃ સિનેમા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 207.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં તેણે દર્શાવેલી રૂ. 81.6 કરોડની ખોટ સામે તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 2019.6 કરોડની વિક્રમી સપાટીએ જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 1890 કરોડ પર હતી. કંપનીના નેટ બોક્સ ઓફિસ કલેક્શન્સમાં આઁઠ મૂવીએ રૂ. 100 કરોડની રકમ પાર કરી હતી.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ આદિત્ય બિરલા જૂથની કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1280 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 68.8 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 15.3 ટકા વધી રૂ. 16,179.26 કરોડ પર જોવા મળી હતી. જોકે, ત્રિમાસિક ધોરણે કંપનીની આવક અને નફામાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીનો ક્ષમતા વપરાશ 75 ટકા પર જોવા મળ્યો હતો.
ડાબરઃ એફએમસીજી કંપનીની ત્રણ વિદેશી સબસિડિયરીઝ યુએસ અને કેનેડામાં કેસિસનો સામનો કરી રહી છે. આ કંપનીઓમાં નમસ્તે લેબોરેટરીઝ એલએલસી, ડર્મોવીવા સ્કીન એસેન્શિયલ્સ ઈન્ક અને ડાબર ઈન્ટરનેશનલ લિ.નો સમાવેશ થાય છે એમ ફાઈલીંગમાં જણાવ્યું હતું. યુએસ અને કેનેડાની ફેડરલ કોર્ટ્સમાં કેસ ફાઈલ કરવામાં આવ્યાં છે.
તાતા જૂથઃ કોંન્ગ્લોમેરટ તેના સુપર એપ બિઝનેસ તાતા ડિજિટલ પ્રાઈવેટમાં વધુ એક અબજ ડોલરનું રોકાણ કરવા માટે વિચારી રહ્યું છે. તે ડિજિટલ બિઝનેસમાં સુધારણાના હેતુથી આમ કરી શકે છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. તાતા જૂથે ચાલુ વર્ષના આરંભમાં જ તેની સુપર એપ પાંખમાં બે અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જે ફ્લેગશિપ ઓનલાઈન પ્લેટફોર્મ તાતા ન્યૂને ચલાવે છે.