શેરબજાર નવી ટોચેઃ સેન્સેક્સે 67 હજારની સપાટી કૂદાવી
નિફ્ટીએ 19800નું લેવલ પાર કર્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 21.40 વધી રૂ. 2841.85ની ટોચે
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન મજબૂત
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ગગડી 11.60ના સ્તરે
પીએસયૂ બેંક્સ, એનર્જિ, પીએસઈમાં મજબૂતી
આઈટી, ઓટોમાં નરમાઈ
ભારતીય શેરબજારમાં બુલ્સ બેફામ બન્યાં છે. તેમના તરફથી અવિરત લેવાલી પાછળ માર્કેટ નવી ટોચ દર્શાવી રહ્યું છે. બુધવારે બીએસઈ સેન્સેક્સ 302.30 પોઈન્ટ્સ ઉછળી 67097.44ની સપાટીએ જ્યારે નિફ્ટી 83.90 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19,833.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિશ્ટ 50 કાઉન્ટર્સમાઁથી 33 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 17 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટ્સમાં પણ બ્રેડ્થ પોઝીટીવ હતી. જોકે, તે મંગળવારે જેટલી સારી નહોતી. બીએસઈ ખાતે કુલ 3537 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1998 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1413 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 198 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.94 ટકા ગગડી 11.60ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીએ વધુ એકવાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યારબાદ તે ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવી તેજી તરફી બન્યો હતો અને પોઝીટીવ સાથે નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે 19,851.70ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી અને 19800 પર બંધ પણ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19870 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 24 પોઈન્ટ્સના પ્રિમીયમમાં વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય કે માર્કેટમાં મોટું પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. લોંગ પોઝીશન હજુ પણ ઊભી છે. જે નજીકમાં તેજીનો ટ્રેન્ડ જળવાય રહેવાનો સંકેત છે. ટેકનિકલી નિફ્ટી 19750ની સપાટી પર બંધ આપવામાં સફળ રહેતાં તેનો નવો ટાર્ગેટ 20050નો બેસે છે. જ્યાં તેને અવરોધ નડી શકે છે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે. લોંગ ટ્રેડર્સે 19600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. વૈશ્વિક બજારમાં અન્ડરટોન મજબૂત હોવાથી ભારતીય બજારને સપોર્ટ મળી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બીપીસીએલ, તાતા મોટર્સ, સન ફાર્મા, આઈટીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા, લાર્સન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદાલ્કો, ટીસીએસ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, એનર્જિ, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.95 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર સારા પરિણામો પાછળ 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત પીએનબી, કેનેરા બેંક, યુનિયન બેંક, આઈઓબી, એસબીઆઈ, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.81 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં એનટીપીસી, એચપીસીએલ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈઓસી સુધરવામાં ટોચ પર હતાં. નિફ્ટી પીએસઈ પણ એક ટકા સુધારો દર્શાવતો હતો. બીજી બાજુ આઈટી, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો પોલીકેબ 4.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પીએનબી, એસ્ટ્રાલ લિ., પર્સિસ્ટન્ટ, ઈન્ડિયન હોટેલ્સ, કેનેરા બેંક, એનટીપીસી, એસબીઆઈ કાર્ડ, કેન ફિન હોમ્સ, એચપીસીએલ, પીવીઆર આઈનોક્સ, એલએન્ડટી ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, હેવેલ્સ ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, પાવર ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઊંચો ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કોફોર્જ, મણ્ણાપુરમ ફાઈ., ભારત ફોર્જ, ડેલ્ટા કોર્પ, સિન્જિન ઈન્ટરનેશનલ, હિંદાલ્કો, મેક્સ ફાઈનાન્સિયલ, તાતા પાવર અને ટીવીએસ મોટરનો સમાવેશ થાય છે. વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી નોંધાવનાર કાઉન્ટર્સમાં ફિનોલેક્સ કેબલ્સ, તેજસ નેટવર્ક્સ, એસજેવીએન, મહિન્દ્રા હોલિડેઝ, બિકાજી ફૂડ્સ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કજરિયા સિરામિક્સ, અપાર ઈન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન કોર્પોરેશનનો સમાવેશ થતો હતો.
તાતા જૂથ બ્રિટનમાં નવા EV બેટરી પ્લાન્ટમાં 5.2 અબજ ડોલર રોકશે
ઈલેક્ટ્રીક વેહીકલ બેટરી પ્લાન ભારત બહાર તાતાની પ્રથમ ગીગાફેક્ટરી બનશે
તાતા જૂથ બ્રિટેનમાં ઈલેક્ટ્રીક વેહીકલ બેટરી પ્લાન્ટમાં 5.2 અબજ ડોલર(4 અબજ પાઉન્ડ્સ)નું રોકાણ કરશે. કંપની તેની જગુઆર લેન્ડ રોવર ફેક્ટરીઝને સપ્લાય માટે પ્લાન્ટની સ્થાપના કરશે. બ્રિટનમાં સ્થાનિક કાર ઉત્પાદક કંપનીઓનું ભાવિ આ રોકાણને કારણે સુરક્ષિત બનશે.
બુધવારે બ્રિટન સરકાર અને તાતા તરફથી જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ કંપની 5 અબજ ડોલરના ખર્ચે બ્રિટેન ખાતે ગીગાફેક્ટરીની સ્થાપના કરશે. જે ભારત બહાર તેની પ્રથમ ગીગાફેક્ટરી હશે. તે દેશમાં 4000 નોકરીનું સર્જન કરશે અને શરૂઆતમાં પ્રતિ કલાક 40 ગીગાવોટનું ઉત્પાદન ધરાવતી હશે. જોકે, વડાપ્રધાન ઋષિ સુનાકની સરકારે તાતા જૂથ તરફથી આ રોકાણ મેળવવા માટે કેટલી નાણાકિય સહાયતાનો વાયદો કર્યો છે તેની વિગતો આપી નહોતી. આ પ્રોજેક્ટ મેળવવા માટે સ્પેન ઘણા સમયથી લોબીંગ કરી રહ્યું હતું. જોકે, બ્રિટને આમ થવા દીધું નહોતું. એક માધ્યમના અહેવાલ મુજબ બ્રિટન સરકાર તાતા જૂથને લાખો પાઉન્ડ્સની સબસિડીઝ પૂરી પાડશે. બ્રિટેન ઈલેક્ટ્રીક વેહીકલ બેટરી ગીગાફેક્ટરીઝ બનાવવાની બાબતમાં હરિફ યુરોપિયન દેશોથી પાછળ રહી ગયું છે. યુરોપિયન યુનિયનમાં હાલમાં 30થી વધુ ગીગાફેક્ટરીઝ બની રહી છે. જ્યારે બ્રિટન પાસે હાલમાં નિસાનનો એક નાનો પ્લાન્ટ આવેલો છે. જ્યારે એક પ્લાન્ટ બની રહ્યો છે. તાતાનો ઈવી બેટરી પ્લાન્ટ દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના સોમરસેટ ખાતે બાંધવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે જગુઆર લેન્ડ રોવરની યૂકે ફેક્ટરીઝ મધ્ય ઈંગ્લેન્ડમાં બર્મિંગહામ નજીક છે. ફેકટરી ખાતે થનારું ઉત્પાદન જેએલઆરના ભાવિ બેટરી ઈલેટ્રીક મોડેલ્સને સપ્લાય કરશે. જેમાં રેંજ રોવર, ડિફેન્ડર, ડિસ્કવરી અને જગુઆર બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ફેક્ટરી 2026માં શરૂ થશે એમ સરકારે જણાવ્યું હતું. 40 ગીગાવોટ અવર્સના શરૂઆતી ઉત્પાદન સાથે બ્રિટેને જણાવ્યું છે કે તે 2030 સુધીમાં જરૂરી બેટરી ઉત્પાદનની અડધી જરૂરિયાત પૂર્ણ કરશે. બ્રેટને 2030 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે.
ભારતમાં 5 અબજ ડોલરના રોકાણ માટે વ્યૂહાત્મક ભાગીદાર શોધી રહેલી ટેમાસેક
સિંગાપુર સરકારની માલિકીની કંપનીની ભારતની ટીમમાં વધુ 4-5 ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશ્નલ્સની નિમણૂંકની વિચારણા
સિંગાપુર સરકારની માલિકીની ટેમાસેક હોલ્ડિંગ્સ ભારતમાં ત્રણ અબજ ડોલરતી પાંચ અબજ ડોલર સુધીના રોકાણ માટે વ્યૂહાત્મક ભાગીદારોની શોધ ચલાવી રહી છે. ભારત ગ્રોથ માટેનું મુખ્ય ચાલકબળ બની રહેશે એમ માનીને કંપની નોંધપાત્ર રોકાણ માટે વિચારી રહી છે.
ટેમાસેક તેની ભારત સ્થિત ટીમમાં વધુ ચારથી પાંચ ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશ્નલ્સની નિમણૂઁક માટે પણ વિચારી રહી છે. જે સાથે તેની ટીમનું કદ 20 લોકો પર પહોંચશે એમ ટેમાસેક ઈન્ડિયાના હેડ રવિ લામ્બાહે જણાવ્યું હતું. લામ્બાહ ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપના હેડ પણ છે. તેમના મતે ટેમાસેક આગામી ત્રણ વર્ષોમાં વધુમાં વધુ 10 અબજ ડોલર સુધીના રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવી શકે છે. આ રોકાણ ભાગીદારી સાથેનું મિશ્ર રોકાણ હશે અને વધુ મૂડી લિસ્ટેડ ઈક્વિટીઝમાં રોકવામાં આવશે. ટેમાસેક છેલ્લાં પાંચ કે છ વર્ષોમાં ભારતમાં સતત રોકાણ વધાર્યું છે. કંપનીના પોર્ટફોલિયોના મજબૂત દેખાવ પાછળ આમ બન્યું છે. કંપની ભારતમાં તેના ઈન્વેસ્ટમેન્ટ રેટને બમણો બનાવી રહી છે. જેની પાછળ કેપિટલ માર્કેટ્સની વધતી મેચ્યોરિટી અને આકર્ષક ડેમોગ્રાફી જેવા પરિબળો કારણભૂત છે. તે બેંક્સ, ફાઈનાન્સિયલ ઓપરેશન્સ, હેલ્થ-કેર, ઈન્ડસ્ટ્રીઅલ્સ, ટેક્નોલોજી અને કન્ઝ્યૂમર સેક્ટર્સમાં રોકાણ વધારી રહી છે. તે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન ઓપોર્ચ્યુનિટીઝ તરફ પણ નજર દોડાવી રહી છે. હાલમાં ટેમાસેકનું 60 ટકા જેટલું રોકાણ પ્રત્યક્ષ રોકાણ છે અને તે મોટેભાગે ફાઈનાન્સિય સર્વિસિઝ સેક્ટરમાં છે. જ્યારે અન્ય રોકાણ અપ્રત્યક્ષ પ્રકારનું છે અને તે ભારતી એરટેલ જેવી કંપનીઓમાં છે. જે સિંગાપુર ટેલિકોમ્યુનિકેશન્સમાં તેના રોકાણ મારફતે જોવા મળે છે. જ્યારે સિંગાપુર એરલાઈન્સમાં તેના રોકાણ મારફતે તે વિસ્ટારામાં રોકાણ ધરાવે છે. ટેમાસેક આઈસીઆઈસીઆઈ બેંક જેવી લિસ્ટેડ કંપનીઓમાં પણ રોકાણ ધરાવે છે. કંપની ભારતને લઈને વધુ બુલીશ જણાય છે. જેનું કારણ વધતો બચત દર, સરકારની સ્થિરતામાં સુધારો અને નીતિમાં સાતત્ય જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
RBI વ્યાજ દર સ્થિર જાળવે તેવી શક્યતાઃ SBI ચેરમેન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની આગામી પોલિસી સમીક્ષા બેઠકમાં વ્યાજ દર સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં હોવાનું એસબીઆઈ ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું. તેઓએ ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈ તરફથી ઓર્ગેનાઈઝ્ડ એક ઈવેન્ટમાં આમ કહ્યું હતું. તેમના મતે આરબીઆઈ રેટમાં ઘટાડો કરે તેવી અપેક્ષા અમે નથી રાખી રહ્યાં પરંતુ તે રેટને સ્થિર જાળવી રાખી શકે છે. આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠક આગામી 8-10 ઓગસ્ટ દરમિયાન મળનાર છે. આરબીઆઈએ ગઈ 8 જૂને તેની રિવ્યૂ મિટિંગમાં રેટને બીજીવાર સ્થિર જાળવ્યાં હતાં. જોકે, અગાઉ આરબીઆઈ પ્રેસિડેન્ટ કહી ચૂક્યાં છે કે રેટ વૃદ્ધિમાં વિરામ રખાયો છે. તેને ટોચ તરીકે ગણવાની જરૂર નથી.
HCL ગ્રૂપની સેમીકંડક્ટર ક્ષેત્રે 30 કરોડ ડોલરના રોકાણ માટે વિચારણા
જૂથ તરફથી ટૂંકમાં સેમીકંડક્ટર્સના એસેમ્બલી, ટેસ્ટીંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ થાય તેવી શક્યતાં
એચસીએલ જૂથ દેશમાં સેમીકંડક્ટર ક્ષેત્રે પ્રવેશવા માટે વિચારણા ચલાવી રહ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. આ માટે જૂથ તરફથી કેન્દ્ર સરકાર સમક્ષ ટૂંકમાં જ સેમીકંડક્ટર્સના એસેમ્બલી, ટેસ્ટીંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ થાય તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટનું મૂલ્ય 20-30 કરોડ ડોલરનું હોવાનું પણ તેઓ ઉમેરે છે. જૂથના સિનિયર અધિકારીઓ એક સ્પષ્ટતાં કરતાં જણાવે છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની આગેવાની એચસીએલ ટેક્નોલોજી નહિ પરંતુ એચસીએલ ગ્રૂપ લઈ રહ્યું છે. એચસીએલ ટેક્નોલોજી એ જૂથની 12.6 અબજ ડોલરની આઈટી નિકાસ પાંખ છે.
વર્તુળોના જણાવ્યા મુજબ એચસીએલ સરકારના 10 અબજ ડોલરના સેમીકંડક્ટર ઈન્સેન્ટીવ પ્રોગ્રામ હેઠળ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ માટે અરજી કરવા તૈયાર છે. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો સબસિડીઝ ઓફર કરે છે. જે ભારતમાં સેમીકંડક્ટર સુવિધાની સ્થાપના કરવા જઈ રહેલી કંપનીના મૂડી ખર્ચની વધુમાં વધુ 75 ટકા જેટલી રકમ આવરી લે છે. જુલાઈની શરૂમાં યુએસ કંપની માઈક્રોન તરફથી સેમીકંડક્ટર એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ માટેની જાહેરાત પછી આ ઘટના ઘટી રહી છે. માઈક્રોને ગુજરાતમાં સાણંદ નજીક 82.5 કરોડ ડોલરના ખર્ચે એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ્સની સ્થાપનાની જાહેરાત કરી હતી.
ટોરેન્ટ પાવરે ગુજરાતમાં 115 MW વિન્ડ પ્રોજેક્ટને કાર્યાન્વિત કર્યો
ટોચની પાવર કંપની ટોરેન્ટ પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ટોરેન્ટ સોલારજેન લિમિટેડે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ખાતે 115 મેગાવોટ ક્ષમતા સાથેનો વિન્ડ પાવર પ્રોજેક્ટ સફળ રીતે કાર્યાન્વિત કર્યો છે. કંપનીને SECI વિન્ડના પાંચમા તબક્કા હેઠળ સ્પર્ધાત્મક બિડિંગ મારફતે આ પ્રોજેક્ટ પ્રાપ્ય થયો હતો. કંપનીએ SECI સાથે 25 વર્ષો માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ(પીએસએ) સાઈન કર્યો છે. SECIએ હરિયાણા સાથે બેક-ટુ-બેક પાવર સેલ એગ્રીમેન્ટ કરેલો છે. કોવિડ-19 ઉપરાંત જમીન ફાળવણી નીતિ, ROW બાબતો, આત્યંતિક હવામાનની પ્રતિકૂળતા જેવા પડકારો વચ્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનું સફળ કાર્યાન્વિત થવું એ કંપનીની મજબૂત એક્ઝિક્યૂશન સ્કિલ્સ અને ડિલિવરી ક્ષમતાનું એક વધુ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રોજેક્ટ માટે વિન્ડ ટર્બાઈન જીઈ પાસેથી મેળવવામાં આવ્યાં હતાં. 115 મેગાવોટ વિન્ડ પાવરની ક્ષમતા વૃદ્ધિ સાથે ટોરેન્ટ પાવરની કુલ સ્થાપિત ક્ષમતા 1.18 ગીગાવોટ પર પહોંચી છે. જ્યારે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 4.2 ગીગાવોટ પર પહોંચ્યું છે. આ ઉપરાંત 0.6 ગીગાવોટની રિન્યૂએબલ ક્ષમતા હાલમાં ડેવલપમેન્ટના તબક્કામાં છે. વિન્ડ અને સોલારના સંતુતિલ પોર્ટફોલિયો ઉપરાંત કંપની અન્ય ગ્રીન એનર્જી વિકલ્પો જેવાકે પંપ્ડ હાઈડ્રો ને ગ્રીન હાઈડ્રોજન પર પણ કામ કરી રહી છે. ટોરેન્ટ પાવર વાર્ષિક રૂ. 25694 કરોડનું ટર્નઆવર ધરાવે છે. તે એક ઈન્ટિગ્રેટેડ પાવર કંપની છે.
ગુજરાતમાં ખરિફ વાવેતર 61 લાખ હેકટરને પાર કરી ગયું
ગયા વર્ષે સમાનગાળામાં 55.42 લાખ હેકટર સામે 5.88 લાખ હેકટરમાં ઊંચું વાવેતર
વિતેલા સપ્તાહે વાવેતરમાં 8.97 લાખ હેકટરનો ઉમેરો
કપાસનું વાવેતર 25.40 લાખ હેકટર સાથે 108 ટકામાં નોંધાયું
મગફળી, બાજરી, સોયાબિન, એરંડા, ગુવારના વાવેતરમાં પણ વૃદ્ધિ
ગુજરાતમાં ખરિફ વાવેતર 61.30 લાખ હેકટર વિસ્તારમાં સંપન્ન થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 55.42 લાખ હેકટરની સરખામણીમાં 5.88 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળતાં 85.97 લાખ હેકટરના સરેરાશ વાવેતરનો 71.30 ટકા વિસ્તાર સૂચવે છે. વિતેલાં સપ્તાહ દરમિયાનમાં રાજ્યમાં વાવેતરમાં 8.97 લાખ હેકટરનો ઉમેરો થયો હતો. મહત્વના તમામ ખરિફ પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ઊંચું જોવા મળી રહ્યું છે.
કપાસની વાત કરીએ તો વાવેતર 25.40 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 23.61 લાખ હેકટરની સરખામણીમાં 108 ટકા જેટલું જોવા મળે છે. ગયા વર્ષે સમાનગાળામાં કપાસનું વાવેતર 23.12 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર 2.28 લાખ હેકટરમાં વધુ જોવા મળી રહ્યું છે. કપાસ પછી બીજા ક્રમે આવતાં ખરિફ પાક મગફળીનું વાવેતર પણ 15.84 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 15.63 લાખ હેકટરમાં જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળતાં સરેરાશ 18.95 લાખ હેકટરની સરખામણીમાં તે 84 ટકા જેટલું જોવા મળે છે. અન્ય તેલિબિયાં સોયાબિનનું વાવેતર ગઈ સિઝનના 1.86 લાખ હેકટરની સરખામણીમાં 2.37 લાખ હેકટરમાં નોંધાયું છે. જ્યારે અખાદ્ય તેલિબિયાં એરંડાનું વાવેતર ગઈ સિઝનના 11 હજાર હેકટરની સામે 56000 હેકટરમાં થઈ ચૂક્યું છે. આમ એરંડાનું વાવેતર ઝડપી જોવા મળી રહ્યું છે. જણસના ભાવ સારા હોવાથી ખેડૂતો એરંડાનું ઊંચું વાવેતર દર્શાવી શકે છે.
અનાજ પાકોની વાત કરીએ તો કુલ વાવેતર 6.57 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 6.38 લાખ હેકટરમાં જોવા મળતું હતું. અનાજ પાકોમાં ડાંગરનું વાવેતર ગઈ સિઝનના 2.55 લાખ સામે સાધારણ ઘટાડે 2.43 લાખ હેકટરમાં જ્યારે બાજરીનું વાવેતર ગઈ સિઝનના 1.28 લાખ હેકટર સામે 1.59 લાખ હેકટરમાં નોંધાયું છે. મકાઈનું વાવેતર 2.46 લાખ હેકટર પર સ્થિર છે. કઠોળ પાકોમાં તુવેરના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા પાછળ કુલ વાવેતર ગઈ સિઝનના 2.06 લાખ હેકટર સામે સાધારણ ઘટાડે 2 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જેમાં તુવેરનું વાવેતર 1.16 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનામાં 1.44 લાખ હેકટરમાં જોવા મળતું હતું. મગ અને અડદનું વાવેતર ગઈ સિઝન કરતાં નોંધપાત્ર ઊંચું જોવા મળે છે. મગનું વાવેતર ગઈ સિઝનમાં 25 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 41 હજાર હેકટરમાં નોંધાયું છે. બે મહત્વની વાવેતર કેટેગરી એવા શાકભાજીનું વાવેતર પણ ગઈ સિઝનના 1.30 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 1.49 લાખ હેકટરમાં જોવા મળે છે. જ્યારે શાકભાજીનું વાવેતર 4.56 લાખ હેકટર સામે 6.07 લાખ હેકટરમાં સંભવ બન્યું છે. એક મહત્વના રોકડિયા પાક ગુવારનું વાવેતર ગઈ સિઝનમાં માત્ર 11 હજાર હેકટર પર નોંધાયું હતું. જે ચાલુ સિઝનમાં 58 હજાર હેકટર પર જોવા મળે છે.
17 જુલાઈ સુધી રાજ્યમાં વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક ખરિફ 2023 ખરિફ 2022
કપાસ 25.40 23.12
મગફળી 15.84 15.63
સોયાબિન 2.37 1.86
બાજરી 1.59 1.28
ઘાસચારો 6.07 4.56
શાકભાજી 1.49 1.30
કુલ 61.30 52.33
ADBએ ભારતનો ગ્રોથ રેટ 6.4 ટકા પર જાળવ્યો
એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણા વર્ષ 2023-24માં ભારત માટે 6.4 ટકા આર્થિક વૃદ્ધિની આગાહી જાળવી રાખી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રિકવરીને ધ્યાનમાં રાખીને બેંકે તેના અગાઉના અંદાજને જાળવી રાખ્યો હતો. જોકે વૈશ્વિક સ્તરે મંદીને કારણે નિકાસ પર દબાણને તેણે ચિંતાનો વિષય ગણાવી હતી. 2022-23માં ભારતીય અર્થતંત્રે 7.2 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી હતી. એડીબીએ ચાલુ નાણા વર્ષ માટે ઈન્ફ્લેશનના અંદાજને એપ્રિલના 5 ટકા પરથી ઘટાડી 4.9 ટકા કર્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને જોતાં તેણે આમ કર્યું હતું. દેશમાં 2022 દરમિયાન મોટાભાગનો સમય માટે રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર જોવા મળ્યો હતો. જૂન 2023 માટે તે 4.81 ટકા પર નોંધાયો હતો.
કોર્પોરેટ રાઉન્ડ અપ
HDFC બેંકના CEOએ 2022-23માં રૂ. 10.5 કરોડનું વેતન મેળવ્યું
દેશમાં ટોચની બેંક એચડીએફસી બેંકના સીઈઓ શશીધર જગદિશને નાણા વર્ષ 2022-23માં રૂ. 10.5 કરોડનું વેતન મેળવ્યું હતું. જ્યારે બેંકના ઈટી કૈઝાદ ભરૂચાએ રૂ. 10 કરોડ મેળવ્યાં હતાં. 2021-22માં જગદિશનનું વેતન રૂ. 6.51 કરોડ પર હતું. બેંકે 19 જુલાઈએ રજૂ કરેલા વાર્ષિક અહેવાલમાં આમ નોંધ્યું હતું. જગદિશનના પેકેજમાં રૂ. 2.82 લાખ કરોડની બેઝિક સેલેરી હતી. જ્યારે રૂ. 3.3 કરોડના ભથ્થાઓ અને રૂ. 3.63 કરોડના પર્ફોર્મન્સ બોનસનો સમાવેશ થતો હતો એમ રિપોર્ટ જણાવે છે. બેંકના કૈઝાદ ભરૂચાએ બેઝીક સેલરી તરીકે રૂ. 2.7 કરોડ અને રૂ. 4.3 કરોડના ભથ્થા અને રૂ. 2.2 કરોડનું પર્ફોર્મન્સ બોનસ મેળવ્યું હતું. એ વાત નોંધવી રહી કે એસબીઆઈના ચેરમેને દિનેશ ખારાએ 2022-23માં રૂ. 37 લાખનું પેકેજ મેળવ્યું હતું. જે વાર્ષિક 7.5 ટકાનો વૃદ્ધિ દર્શાવે છે.
TCSએ જીઈ હેલ્થકેર ટેક સાથે ભાગીદારી વિસ્તારી
આઈટી કંપની ટીસીએસે અમેરિકન મલ્ટીનેશનલ જીઈ હેલ્થકેર ટેક્નોલોજિસ સાથે તેના આઈટી ઓપરેટિંગ મોડેલને ટ્રાન્સફોર્મ કરવા માટે પાર્ટનરશીપ વિસ્તારી છે. આ ટ્રાન્સફોર્મેશન જીઈ હેલ્થકેર જે 160 દેશોમાં ઓપરેટ કરે છે ત્યાં એક અબજથી વધુ દર્દીઓને ઈન્ટેલિજન્ટ કેર સોલ્યુશન્સ પૂરાં પાડશે એમ ટીસીએસે જણાવ્યું હતું. ટીસીએસ જીઈ હેલ્થકેરના એન્ટરપ્રાઈઝ આઈટી એપ્લિકેશન્સનું ડેવલપમેન્ટ, મેઈન્ટેનન્સ, રેશનાલાઈઝેશન અને સ્ટાન્ડર્ડાઈઝેશન કરશે. જીઈના અધિકારીના જણાવ્યા અનુસાર આ જોડાણ દર્દીઓની બદલાતી જરૂરિયાતોને પૂરી કરશે અને મેડિકલ ટેક્નોલોજી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટને સપોર્ટ કરશે.
ગ્લોબલ સોલાર સેક્ટરમાં ફંડિંગ 54 ટકા ઉછળી 19 અબજ ડોલરે
જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધીના છ મહિનાના સમયગાળામાં વૈશ્વિક સોલાર સેક્ટરમાં ફંડીંગમાં 54 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો છે ને તે 18.5 અબજ ડોલર પર જોવા મળે છે એમ મેર્કોમનો રિપોર્ટ જણાવે છે. મેર્કોમ કેપિટલના જણાવ્યા મુજબ જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન આ સેક્ટરમાં 12 અબજ ડોલરનું ફંડીંગ જોવા મળ્યું હતું. કોર્પોરેટ ફઁડિંગમાં વેન્ચર કેપિટલ, પબ્લિક માર્કેટ અને ડેટ ફાઈનાન્સિંગનો સમાવેશ થાય છે. આમ વાર્ષિક ધોરણે 54 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. વધતાં વ્યાજ દર વચ્ચે પણ ઉદ્યોગે ઊંચા પ્રમાણમાં ફંડ મેળવ્યું હતું. એઆઈ ઉપરાંત ક્લિનટેકમાં પણ વેન્ચર કેપિટલ ફઁડનું આકર્ષણ જોવા મળ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટર માટે રૂ. 882 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 452 કરોડના નફા સામે 95 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 39 ટકા ઉછળી રૂ. 2340 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1686 કરોડ પર હતી. જ્યારે નોન-ઈન્ટરેસ્ટ ઈન્કમ પણ ગયા વર્ષનીરૂ. 317 કરોડ પરથી વધી રૂ. 629 કરોડ પર નોંધાઈ હતી. બેંકની ગ્રોસ એનપીએ 2.28 ટકા પર જ્યારે નેટ એનપીએ 0.24 ટકા પર જોવા મળી હતી.
સેન્ચૂરી ટેક્સટાઈલઃ બિરલા જૂથની કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 24 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 63 કરોડની સરખામણીમાં 62 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીનું નેટ સેલ્સ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1170 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1106 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે કંપનીનો એબિટા 15 ટકા વધી રૂ. 197 કરોડ પર રહ્યો હતો.
એચસીએલ ટેકઃ આઈટી કંપનીએ શ્નાઈડર ઈલેક્ટ્રીક સાથે મળીને એશિયા પેસિફિક રિજનમાં ડેટા સેન્ટર્સ માટે કાર્બન-એફિશ્યન્ટ સોલ્યુશન્સ વિકસાવશે એમ જણાવ્યું છે. બંને કંપનીઓ તેમના ગ્રાહકોને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સિસ હાંસલ કરવામાં સહાયરૂપ થાય તે રીતે આઈટી-ઓટી સોલ્યુશન્સ પૂરાં પાડશે.
એલટીટીએસઃ એન્જિનીયરીંગ સર્વિસિઝ કંપની એલએન્ડટી ટેક્નોલોજીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 311.1 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં નફા સામે 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે, ત્રિમાસિક ધોરણે તે 8 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2301 કરોડની આવક દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 14.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના એબિટા માર્જિન 17.2 ટકા પર જોવા મળ્યાં હતાં. જે ત્રિમાસિક ધોરણે 70 બેસીસ પોઈન્ટ્સ અને વાર્ષિક ધોરણે 20 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે.
રામ્કો સિમેન્ટઃ કંપનીએ ઓડિશા ખાતે તેના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ સહિતના પ્રોજેક્ટ્સ માટે રૂ. 750 કરોડના વિસ્તરણનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ કંપની કર્ણાટક ખાતે નવા પ્રોજેક્ટ માટે જમીન ખરીદશે. કંપની ઓડિશામાં હરિદાસપુર ખાતે ક્ષમતામાં 9 લાખ ટનની વૃદ્ધિ કરશે. જે માટે તે રૂ. 130 કરોડ ખર્ચશે. જ્યારે કર્ણાટકમાં બોમ્માનાલ્લી ખાતે પ્રોજેક્ટ માટે જમીનમાં રૂ. 620 કરોડ રોકશે.
એસબીઆઈઃ ટોચનો લેન્ડર કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડના મેનેજમેન્ટ માટે ટ્રસ્ટી કંપનીની સ્થાપના કરશે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.