Categories: Market Tips

Market Summary 19/06/2023

વૈશ્વિક બજારો સ્થાનિક સ્તરે ઊંચા મથાળે જોવા મળેલું દબાણ
ચીનમાં નબળા ડેટા પાછળ ઈક્વિટીઝમાં સાર્વત્રિક વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળી 11.22ના સ્તરે
ફાર્મા, આઈટી, પીએસયૂ બેંક્સમાં મજબૂતી
પ્રાઈવેટ બેંક્સ, ઓટો, મેટલ, એફએમજીસીમાં નરમાઈ
જેબી કેમિકલ્સ, ઓલેક્ટ્રા ગ્રીન્સ, એમએન્ડએમ ફાઈ. નવી ટોચે

ચીન ખાતેથી નબળા આર્થિક ડેટા પાછળ ઊભી થયેલી ચિંતાને કારણે શેરબજારોમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. ભારતીય બજાર તેની સર્વોચ્ચ ટોચની છેટે પહોંચીને પરત ફર્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 216 પોઈન્ટ્સના ઘટાડે 61,168.30ની સપાટીએ જ્યારે નિફ્ટી 70.55 પોઈન્ટ્સ ગગડી રૂ. 18,755.45ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ પ્રોફિટ બુકિંગ પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3827 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2057 નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1613 કાઉન્ટર્સ અગાઉની સરખામણીમાં પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 226 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ પર બંધ નોંધાવ્યું હતું. જ્યારે 44 કાઉન્ટર્સે વાર્ષિક બોટમ દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.5 ટકા ઉછળી 11.22ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે મજબૂત ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે ખૂલતામાં ટોચ બનાવીને તે સતત ઘસાતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18826ના બંધ સામે 18873ની સપાટીએ ખૂલી ઉપરમાં 18881 પર ટ્રેડ થયો હતો. જે ઘટતો રહી ઈન્ટ્રા-ડે 17719 પર જોવા મળ્યો હતો. તેણે 18800ની સપાટી ગુમાવી હતી. ઈન્ટ્રા-ડે ધોરણે તે 1 ડિસેમ્બર 2022ના રોજ જોવા મળેલી 18888ની ટોચથી 7 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સના પ્રિમિયમે 18840 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 67 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 18 પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. આનો અર્થ એ થયો કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે આગામી સત્રોમાં સુધારો જાળવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે અન્ડરટોન મજબૂત છે અને બજારમાં તેજીવાળાઓની પકડને જોતાં તેઓ ચાલુ એક્સપાયરી સિરિઝમાં જ માર્કેટને નવી ટોચ પર લઈ જશે. નિફ્ટીમાં 19000ની સપાટી પાર થવાની શક્યતાં પણ તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીને સપોર્ટ આપનારા મહત્વના ઘટકોમાં એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, સન ફાર્મા, સિપ્લા, ઓએનજીસી, ટાઈટન કંપની, ઈન્ફોસિસ, એચડીએફસી, ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોટક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પો., એનટીપીસી, એચયૂએલ, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલ નોંધપાત્ર નરમાઈ દર્શાવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, આઈટી, પીએસયૂ બેંક્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પ્રાઈવેટ બેંક્સ, ઓટો, મેટલ, એફએમજીસીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસૂય બેંક ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, આઈઓબી, પીએનબી અને પંજાબ એન્ડ સિઁધ બેકમાં મજબૂતી જોવા મળતી હતી. જોકે, પ્રાઈવેટ બેંકિંગમાં ઘટાડા પાછળ નિફ્ટી બેંક ઈન્ડેક્સ 0.7 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય ઘટાડો દર્શાવનારાઓમાં કોટક મહિન્દ્રા, બંધન બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને ફેડરલ બેંકનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. છેલ્લાં મહિનાથી સતત વૃદ્ધિ પછી તેમાં પ્રોફિટ બુકિંગના સંકેતો સાંપડ્યાં હતાં. ઘટાડો દર્શાવનાર મુખ્ય એફએમસીજી કાઉન્ટર્સમાં વરુણ બેવરેજિસ, મેરિકો, યુનાઈટેડ બ્રુઅરિઝ, એચયૂએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફૂડ અને તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.73 ટકા ગગડ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં ડીએલએફ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો જિંદાલ સ્ટીલ 6 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત શ્રીરામ ફાઈનાન્સ, ડો. લાલ પેથલેબ્સ, એમએન્ડએમ ફાઈનાન્સ, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, ડિક્સોન ટેક્નોલોજી અને આઈઈએક્સમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વોડાફોન આઈડિયા, મેરિકો, તાતા કોમ, ડીએલએફ, પીવીઆર, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડિયન હોટેલ્સ નરમાઈ દર્શાવતાં હતાં. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જેબી કેમિકલ્સ, ઓલેક્ટ્રા ગ્રીન્સ, એમએન્ડએમ ફાઈનાન્સ, વેસ્ટલાઈફ ફૂડ, શ્યામ મેટાલિક્સ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો.

NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જે GIFT NIFTY માટે નવો લોગો રજૂ કર્યો
3 જુલાઈથી ગાંધીનગર IFSC ખાતે ગિફ્ટ નિફ્ટીમાં કામકાજ શરૂ થશે

એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) ગિફ્ટ નિફ્ટીની નવા બ્રાન્ડ લોગોનું અનાવરણ કર્યું હતું. ગિફ્ટ નિફ્ટી 3 જુલાઇ, 2023થી એસજીએક્સ નિફ્ટીમાંથી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે. જેનું દિવસ દરમિયાન બે ભાગોમાં કુલ 21 કલાક માટે ટ્રેડિંગ યોજાશે. જે વિદેશી સંસ્થાકિય રોકાણકારો સિવાય વ્યક્તિગત રોકાણકારોને ડોલર-ડીનોમિનેટેડ નિફ્ટીમાં ટ્રેડિંગની તક પૂરી પાડશે.
ગિફ્ટ આઈએફએસસી ખાતે શરૂઆતમાં ટ્રેડિંગ માટે ચાર બેન્ચમાર્ક્સ ઉપલબ્ધ બનશે. જેમાં કોર બેન્ચમાર્ક નિફ્ટી-50, બેંકનિફ્ટી, નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝનો સમાવેશ થાય છે એમ એનએસઈના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું. પાછળથી તેમાં અન્ય સૂચકાંકોનો સમાવેશ પણ કરવામાં આવશે. ગિફ્ટ નિફ્ટીને કારણે સ્થાનિક પ્લેટફોર્મ પર ટ્રેડ કરનારાઓને પણ એક આર્બિટ્રેડનો લાભ મળશે. જેને જોતાં સ્થાનિક પ્લેટફોર્મ પર પણ ટ્રેડિંગનો સમયગાળો લંબાવવાને લઈને હાલમાં કામગીરી ચાલુ હોવાનું ચૌહાણે ઉમેર્યું હતું. ગિફ્ટ નિફ્ટીમાં 21 કલાકનો ટ્રેડિંગ સમયગાળો ટાઈમ ઝોનની રીતે એશિયા, યુરોપ અને યુએસ ખાતે ટ્રેડિંગ અવર્સને ઓવરલેપ કરશે. આમ ઊંચું પાર્ટિસિપેશન જોવા મળી શકે છે.

નેટ ઈક્વિટી ઈનફ્લો રૂ. 3000 કરોડના 2-વર્ષના તળિયે નોંધાયો
મે મહિનામાં માસિક ધોરણે 4 ટકા ઈક્વિટી AUM વૃદ્ધિ વચ્ચે રિડમ્પ્શન્સમાં 36.6 ટકાની તીવ્ર વૃદ્ધિ
ઈટીએફ્સ ફ્લોમાં પણ માસિક ધોરણે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો

મે 2023માં દેશના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) 3.8 ટકા વધી રૂ. 43.2 લાખ કરોડ પર પહોંચ્યું હોવા સાથે રિડમ્પ્શન્સમાં પણ માસિક ધોરણે 36.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 31,100 કરોડ પર જોવા મળ્યું હતું. જેની પાછળ નેટ ઈનફ્લો રૂ. 3000 કરોડના બે-વર્ષના તળિયા પર જોવા મળ્યો હતો એમ અગ્રણી બ્રોકરેજનો સર્વે સૂચવે છે. રોકાણકારો તરફથી વધતાં બજારમાં પ્રોફિટ બુકિંગને કારણે આમ બન્યું હોવાનું તેમનું કહેવું છે.
રોકાણકારોએ ગયા મહિને રૂ. 27,569 કરોડની રકમ બહાર ખેંચી હતી. જે સપ્ટેમ્બર 2021 પછીની સૌથી ઊંચી છે. સપ્ટેમ્બર 2021માં રૂ. 27,979 કરોડનું રિડમ્પ્શન જોવા મળ્યું હતું. એપ્રિલ મહિનામાં પણ નેટ ઈનફ્લો માસિક ધોરણે ત્રણ ગણો ઘટીને રૂ. 6480.29 કરોડ પર જોવા મળ્યો હતો. માર્ચ-2023માં તે રૂ. 20,534.21 કરોડ પર હતો. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારા વચ્ચે આમ બન્યું હતું. આ બાબત સૂચવે છે કે રોકાણકારો હાલમાં બાજુ પર રહેવાનું પસંદ કરી રહ્યાં છે અને ઈક્વિટીઝમાં રોકાણ માટે કરેક્શનની રાહ જોઈ રહ્યાં છે.
આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના રિસર્ટ એનાલિસ્ટ્સ જણાવે છે કે એનએફઓને બાદ રાખીને જોઈએ તો ઈક્વિટી સ્કિમ્સમાં ઈનફ્લોમાં છેલ્લાં બે મહિના દરમિયાન તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ 2023માં ઈનફ્લો રૂ. 16,693 કરોડ પર જોવા મળ્યો હતો. જે એપ્રિલમાં ઘટીને રૂ. 4868 કરોડ પર અને મેમાં રૂ. 3066 કરોડ પર જોવા મળ્યો હતો. બજાર ઊંચું જતું જાય છે તેમ ઈનફ્લો ઘટી રહ્યો છે. કેમકે રોકાણકારો ઊંચા ભાવે સાવચેત બની રહ્યાં છે. મે મહિનામાં એનએફઓ સહિત કુલ ઈનફ્લો રૂ. 3240 કરોડ પર રહ્યો હતો. જે એપ્રિલમાં રૂ. 6480 કરોડ પર હતો.
મોતીલાલ ઓસ્વાલે એક રિપોર્ટમાં નોંધ્યું છે કે એકબાજુ સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ(ઈએલએસએ અને ઈન્ડ્ક્સ ફંડ્સ સહિત) માટે ઈક્વિટી એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ માસિક ધોરણે 4.3 ટકા વધી રૂ. 18.4 લાખ કરોડ પર રહ્યું હતું ત્યારે બીજી બાજુ રિડમ્પ્શન્સમાં પણ માસિક ધોરણે 36.6 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. 31100 કરોડ પર નોંધાયું હતું. જેને પરિણામે મે મહિનામાં નેટ ઈનફ્લો રૂ. 3000 કરોડના બે-વર્ષના તળિયે પહોંચ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક્ટિવ ફંડ્સ ઉપરાંત પેસિવ ફંડ્સમાં પણ ઈનફ્લોમાં ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનામાં ઈટીએફ્સ ઈનફ્લો ઘટીને રૂ. 4524 કરોડ પર રહ્યો હતો. જે એપ્રિલ 2023માં રૂ. 6790 કરોડ પર હતો. એકમાત્ર સિપ ઈનફ્લોમાં વૃદ્ધિ જળવાય હતી અને તે રૂ. 14,749 કરોડની ઓલ-ટાઈમ હાઈ પર જોવા મળ્યો હતો.

ઈન્ડિગો તરફથી 500 વિમાનો માટેના સૌથી મોટા ઓર્ડરની શક્યતાં
A320Neo ફેમિલી વિમાનનો ઓર્ડર 500 અબજ ડોલરની આસપાસનો રહેશે
માર્ચમાં એર ઈન્ડિયાએ આપેલા 470 વિમાનોની ખરીદીના ઓર્ડરથી મોટો ઓર્ડર

દેશમાં સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો સોમવારે દેશના હવાઈ ઉડ્ડયન ઉદ્યોગ ક્ષેત્રનો સૌથી મોટો વિમાન ખરીદી ઓર્ડર આપે તેવી શક્યતાં જોવાતી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ એરલાઈન કંપનીનું બોર્ડ એરબસ A320Neo ફેમીલીના 500 વિમાનોનો ઓર્ડર આપે તેવી અપેક્ષા છે. આ ફેમીલીમાં A320Neo, A321Neo અને A320 XLR વિમાનોનો સમાવેશ થાય છે.
આ ઓર્ડરનું મૂલ્ય 500 અબજ ડોલર આસપાસનું બેસે છે. જોકે, ઓર્ડરનું કદ જોતાં કંપનીને મળવાપાત્ર ઊંચા ડિસ્કાઉન્ટને જોતાં મૂલ્ય નોંધપાત્ર નીચું રહેવાની અપેક્ષા છે. આ ઓર્ડર અગાઉ તાતા જૂથની માલિકીની એર ઈન્ડિયાએ આપેલા 470 વિમાનોના ઓર્ડર કરતાં મોટો છે. એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ, બંનેને માર્ચ મહિનામાં વિમાનો ખરીદવા માટેનો ઓર્ડર આપ્યો હતો. રિપોર્ટમાં નોંધ્યું છે કે ઈન્ડિગો હાલમાં એ320 ફેમિલીના 477 વિમાનોની પેન્ડિંગ ડિલિવરીનો ઓર્ડર પણ ધરાવે છે. એરલાઈન ડિલિવરી સ્લોટ્સની ખાતરી ઈચ્છે છે અને તેથી વિમાનોનો કાફલો સ્થિર જળવાય રહે. 2030 સુધીમાં કંપનીના 100 વિમાનો નિવૃત્ત થશે. જેને જોતાં કંપનીને આગામી દાયકામાં 700 વિમાનોનો કાફલો જાળવવા માટે નવા વિમાનોની જરૂર પડશે એમ વર્તુળ જણાવે છે. ઈન્ડિગો દેશમાં સ્થાનિક ઉડ્ડયન માર્કેટનો 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કુલ 500 વિમાનોના આદેશમાં 300 વિમાનો A321Neo અને A320 XLR હોવાની અપેક્ષા છે. આ વિમાનો આંઠ કલાક સુધી ઉડાન ભરી શકે છે અને એરલાઈનની યુરોપમાં વિસ્તરણ યોજના માટે તે ખૂબ મહત્વના બની રહેશે. નામ નહિ આપવાની શરતે વર્તુળ જણાવે છે કે બોઈંગે પણ ઈન્ડિગો સમક્ષ તેના 737 મેક્સ વિમાન માટે ખૂબ માર્કેટિંગ કર્યું હતું. જોકે, વિમાનોમાં સામ્યતા જાળવી રાખવા માટે કંપનીએ A320Neoની ખરીદનો નિર્ણય કર્યો હતો. વિમાનની કિંમત નીચી જાળવી રાખવા માટે આ સૌથી મહત્વનું પરિબળ છે. એરલાઈન હવે તાતા જૂથની માલિકીની એર ઈન્ડિયા સાથે સીધી સ્પર્ધામાં છે. જે પણ તેની સર્વિસિઝને સુધારવા પર તથા વિમાનોના કાફલાને આધુનિક બનાવવા પર ભાર આપી રહી છે.

ફર્ટિલાઈઝર સબસિડીને રૂ. 1 લાખ કરોડથી નીચે લઈ જવાનું સરકારનું લક્ષ્ય
નોન-કેમિકલ ફર્ટિલાઈઝર્સના ઉપયોગને પ્રોત્સાહન બદલ રાજ્યોને સબસિડીનો કેટલોક હિસ્સો મળશે

કેન્દ્ર સરકાર 2024-25 અને 2025-26માં ફર્ટિલાઈઝર સબસિડીને ઘટાડીને રૂ. 1 લાખ કરોડથી નીચે લઈ જવા માટે વિચારી રહી છે. પીએમ પ્રણામ સ્કિમ અને લિબરલાઈઝ્ડ માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કિમના અમલ પછી તે આમ ઈચ્છી રહી છે. કેન્દ્રિય કેબિનેટ ચાલુ સપ્તાહે આ યોજનાઓને મંજૂર આપે તેવી શક્યતાં હોવાનું સરકારી વર્તુળો જણાવે છે.
અધિકારી જણાવે છે કે 2023-24 અને 2025-26ના ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ. 3.7 લાખ કરોડની સબસિડી જોઈ રહ્યાં છીએ. ચાલુ નાણા વર્ષે બજેટ દરમિયાન સરકારે રૂ. 1.75 લાખ કરોડની ફર્ટિલાઈઝર સબસિડીનો અંદાજ રાખ્યો હતો. જ્યારે આગામી બે વર્ષો માટે દરેકમાં રૂ. 1 લાખ કરોડ ઉમેરવામાં આવશે. પીએમ પ્રણામ અને માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કિમ્સને કારણે સબસિડી બોજમાં ઘટાડો આવશે એમ અધિકારી ઉમેરે છે. કેન્દ્રિય કેબિનેટ ચાલુ સપ્તાહે ત્રણ સ્કિમ્સને મંજૂરી આપે તેવી શક્યતાં છે. જેમાં પીએમ પ્રણામ, લિબરાઈઝ્ડ MDA સ્કિમ અને યુરિયા ગોલ્ડનો સમાવેશ થાય છે. પીએમ પ્રમાણ(પીએમ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ અને અમેરિઓલેશન ઓફ મધર અર્થ) રાજ્ય સરકારને કેમિકલ ફર્ટિલાઈઝર્સના વપરાશને ઘટાડવા તથા જૈવિક ખાતરના ઉપયોગને વધારવા બદલ નાણાકિય ઈન્સેન્ટિવ્સ પૂરાં પાડશે. રાજ્ય સરકારોને આ નાણાકિય ઈન્સેન્ટિવ્સનો ઉપયોગ મૂડી ખર્ચ તરીકે કરવાની છૂટ રહેશે. રાજ્ય સરકારો કોવિડ-19 પછી પ્રોજેક્ટ્સ માટે ફંડની અછત હોવાનો દાવો કરી રહી છે. લિક્વિડ નેનો યુરિયાના ઉપયોગ સાથે પીએમ પ્રણામ મળીને કેન્દ્ર સરકારના રૂ. 19000 કરોડની બચત કરે તેવી શક્યતાં છે. કેન્દ્રિય કેબિનેટ યુરિયા ગોલ્ડ(સલ્ફર-કોટેડ યુરિયા)ને પણ મંજૂરી આપે તેવી શક્યતાં છે. આ પ્રોડક્ટનું માર્કેટ ભાવે વેચાણ કરવામાં આવશે. જોકે, તેના ખર્ચ અને બેગ સાઈઝની વિગતો પાછળથી નિર્ધારિત કરવામાં આવશે એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

કોલ ઈન્ડિયા કર્મચારીઓને OFS મારફતે 92.44 લાખ શેર્સ વેચશે
પીએસયૂ મહારત્ન કંપની કોલ ઈન્ડિયા તેના કર્મચારીઓને ઓફર-ફોર-સેલ મારફતે 92.44 લાખ શેર્સનું વેચાણ કરશે. જે કંપનીની કુલ પેઈડ-અપ ઈક્વિટીનો 0.15 ટકા જેટલો હિસ્સો દર્શાવે છે. કંપનીના યોગ્યતા ધરાવતાં કર્મચારીઓને આ હિસ્સો વેચવામાં આવશે એમ કંપનીએ સોમવારે જણાવ્યું હતું. ચાલુ મહિને કંપની બીજીવાર શેર્સનું વેચાણ કરશે. અગાઉ સરકારે ઓએફએસ મારફતે રૂ. 4000 કરોડથી વધુ રકમ ઊભી કરી હતી. કંપની રૂ. 10ની ફેસવેલ્યૂનો શેર રૂ. 226.10 પ્રતિ શેરના ભાવે વેચાણ કરશે. કર્મચારીઓ માટે ઓએફએસ 21 જૂને ખૂલશે. સોમવારે કંપનીનો શેર અડધા ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો.

RBI તરફથી 2000ની નોટની વાપસી રિઅલ્ટી, ગોલ્ડ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સને પણ ફળી
બેંક્સમાં રૂ. 2000ની નોટ્સની ડિપોઝીટ્સની સરખામણીમાં કરન્સી સર્ક્યૂલેશનમાં નીચો ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રૂ. 2000ની નોટ્સને પરત ખેંચવામાં આવ્યા પછી વપરાશકારો તરફથી ખર્ચમાં વૃદ્ધિ જોવા મળી છે. એક સર્વે મુજબ ગ્રાહકોએ તેમની રૂ. 2000ની નોટ્સને બેંક ડિપોઝીટ્સમાં પાર્ક કરવા ઉપરાંત મોલ્સ, જ્વેલરી સ્ટોર્સ ઉપરાંત રિઅલ એસ્ટેટમાં રોકવાનું યોગ્ય માન્યું છે. જેનો ખ્યાલ જમીન સંબંધી સોદાઓ અને સેકન્ડરી માર્કેટ એપાર્ટમેન્ટ વેચાણ પરથી આવે છે.
આરબીઆઈએ 19 મેના રોજ રૂ. 2000ની નોટ્સ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. મૂલ્ય સંદર્ભમાં જોઈએ તો માર્ચ 2023માં કુલ રૂ. 3.62 લાખ કરોડનું મૂલ્ય ધરાવતી રૂ. 2000ની નોટ્સ ચલણમાં હતી. આરબીઆઈના જણાવ્યા મુજબ રૂ. 1.8 લાખ કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટ્સ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. આમાંથી 85 ટકા એટલેકે રૂ. 1.5 લાખ કરોડની રકમ બેંક ડિપોઝીટ્સ સ્વરૂપમાં પરત ફરી છે. જ્યારે બાકીની નોટ્સનું નાનું મૂલ્ય ધરાવતી નોટ્સમાં એક્સચેન્જ કરાવવામાં આવ્યું છે. એસબીઆઈ ઈકોરેપના જણાવ્યા મુજબ સમાનગાળઆમાં કરન્સી સર્ક્યૂલેશનમાં સિઝનલી એડજસ્ટેડ ઘટાડો માત્ર રૂ. 90000 કરોડનો જોવા મળ્યો છે. જેનો અર્થ એ થાય છે કે બેંક્સમાં રૂ. 2000ની નોટ્સની ડિપોઝીટ્સની સરખામણીમાં સર્ક્યુલેશનમાં રહેલી કરન્સીમાં ઓછો ઘટાડો નોંધાયો છે. 19 મે, 2023ના રોજ તે રૂ. 34.78 લાખ કરોડ પરથી ઘટી 9 જૂન, 2023ના રોજ તે રૂ. 34.08 લાખ કરોડ પર રહી હતી. જે માત્ર રૂ. 70 હજાર કરોડનો ઘટાડો દર્શાવે છે. જો રૂ. 1.8 લાખ કરોડનો 85 ટકા હિસ્સો(રૂ. 1.5 લાખ કરોડ) ડિપોઝીટ થયો હોત અને એક્સચેન્જના થયો હોત તો કરન્સી સર્ક્યૂલેશનમાં ઊંચો ઘટાડો નોંધાયો હતો. જેનાથી માત્ર બેંક ડિપોઝીટ્સમાં જ વૃદ્ધિ ના જોવા મળી હોત પરંતુ લોન્સ રિપેમેન્ટ્સ અને વપરાશમાં પણ વેગ નોંધાયો હતો.

મારુતિ સુઝુકીની 3.86 લાખ વેહીકલ્સની ઓર્ડરબુકઃ 3-4 મહિનાનું વેઈટિંગ

મારુતિ સુઝુકી 3,86,000 વેહીકલ્સની પેન્ડિંગ ઓર્ડરબુક ધરાવે છે એમ એક અહેવાલ નોંધે છે. જેમાં મારુતિની તાજેતરમાં લોંચ કરેલી એસયૂવી જીમ્નીનો સમાવેશ પણ થાય છે. મહિન્દ્રા થારની હરિફને કંપનીએ રૂ. 12.74 લાખના ભાવે લોંચ કરી છે અને અત્યાર સુધીમાં 31 હજાર બુકિંગ્સ મેળવ્યાં છે.
કંપની અધિકારીઓના જણાવ્યા મુજબ જિમ્ની માટે બુકિંગ્સને જોતાં 7-8 મહિનાનો ડિલિવરી ટાઈમ લાગશે. મારુતિની અન્ય અન્ય એસયૂવી જેમકે બ્રેઝા અને ગ્રાન્ડ વિટારા માટે પણ સ્થિતિ કંઈક આવી જ છે. બંને મોડેલ્સ અનુક્રમે 55000 અને 33000ના પેન્ડિંગ ઓર્ડર્સ ધરાવે છે. તાજેતરમાં લોંચ થયેલા બલેનો-બેઝ્ડ ક્રોસઓવર ફ્રોન્ક્સ માટે પણ 28000 વેહીકલ્સની ઓર્ડરબુક સાથે ચાર મહિનાનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. કંપની ભારતીય પેસેન્જર કાર માર્કેટનો 50 ટકા હિસ્સો પરત મેળવવા માગે છે અને તેથી આક્રમક બની રહી છે. હાલના તબક્કે નોન-એસયૂવી માર્કેટમાં તે 65 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ એસયૂવી સેગમેન્ટમાં તેના હિસ્સાને 10.2 ટકા પરથી વધારી 25 ટકા કર્યો છે અને તેના માટે સારો સમય પરત ફરી રહ્યો છે. મારુતિ કાર્સ માટે તમામ સેગમેન્ટમાં હાલમાં ઊંચી માગ જોવા મળી રહી છે. કંપની તેની બેસ્ટ-સેલીંગ એમપીવી અર્ટિગા માટે 85000 વેહીકલ્સ સાથે સૌથી ઊંચો પેન્ડિંગ ઓર્ડર ધરાવે છે. અર્ટીગા સીએનજી માટેનો વેઈટિંગ પિરિયડ વધીને આંઠ મહિના પર પહોંચ્યો છે એમ રિપોર્ટ જણાવે છે. પરંપરાગત રીતે મારુતિ એક બજેટ-કાર ઉત્પાદક તરીકે ઓળખાય છે અને તે તેની કાર્યનું ઊંચી સંખ્યામાં વેચાણ કરે છે. જોકે, કંપની તરફથી નવેસરથી પોતાને પોઝીશન કરવામાં ભાર આપવામાં આવતાં તે પ્રિમીયમ સેગમેન્ટ કારમાર્કેટમાં પણ મજબૂત હાજરી દર્શાવી રહી છે. કંપનીએ રૂ. 10 લાખથી રૂ. 15 લાખની પ્રાઈસ રેંજ ધરાવતાં વેહીકલ સેગમેન્ટમાં 25 ટકાથી વધુ હિસ્સો મેળવ્યો છે.

નવા સપ્તાહે ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
ઉઘડતાં સપ્તાહે ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ જળવાય હતી. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ ક્રૂડ અને એગ્રી કોમોડિટીઝને બાદ કરતાં કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 7 ડોલરથી વધુ નરમાઈ સાથે 1964 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો 0.25 બેસીસની નરમાઈ સાથે 24.062 ડોલર પર જોવા મળતો હતો. કોપર, ગેસોલીનમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 141ના ઘટાડે રૂ. 59213 પર જ્યારે સિલ્વર વાયદો રૂ. 128ના ઘટાડે રૂ. 72,560ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થાઓઈલ વાયદો 2 ટકા, ઝીંક વાયગો 1 ટકા અન એલ્યુમિનિયમ વાયદો પણ એક ટકા નરમાઈ સૂચવતાં હતાં.

અદાણી ટ્રાન્સમિશનને રૂ. 8500 કરોડ ઊભા કરવા માટે શેરધારકોની મંજૂરી
અદાણી જૂથની ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશને રૂ. 8500 કરોડ ઊભા કરવા માટે તેના શેરધારકો પાસેથી મંજૂરી મેળવી લીધી છે. કંપની ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટને આધારે ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરીને આ રકમ ઊભી કરશે. કંપનીએ પોસ્ટલ બેલોટ મારફતે શેરધારકોની મંજૂરી માગી હતી. જેમાંથી 98.64 ટકાએ કંપનીને મંજૂરી આપી હોવાનું બીએસઈને એક ફાઈલીંગમાં જણાવ્યું હતું. કંપનીના બોર્ડે 13 મે, 2023ના રોજ નાણા ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અદાણી ટ્રાન્સમિશને અગાઉ જણાવ્યું હતું કે તે પોતાના વર્તમાન બિઝનેસમાં વૃદ્ધિની શક્યતાં જોઈ રહી છે અને ઓર્ગેનિક વિસ્તરણ માટેની વિવિધ તકોને ચકાસી રહી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

અદાણી જૂથઃ કોન્ગ્લોમેરટે તેના નોન-બેંકિંગ ફાઈનાન્સ બિઝનેસ અદાણી કેપિટલમાં હિસ્સા વેચાણ માટે આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજીક અને ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટર્સ સાથે મંત્રણાનો આરંભ કર્યો છે. વર્તુળોના મતે આ મંત્રણા કેટલાંક સપ્તાહો અગાઉ શરૂ થઈ છે અને હજુ તે શરૂઆતી તબક્કામાં જ છે. તેમના મતે અત્યાર સુધીમાં રૂ. 40 હાજર કરોડથી વધુની એસેટ સાઈઝ ધરાવતી કેટલીક એનબીએફસીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ગ્રાસિમઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ યુએસ સ્થિત સ્પેશ્યાલિટી કેમિકલ કંપની લુબ્રિઝોલ કોર્પોરેશન સાથે 15 કરોડ ડોલરના ઈન્વેસ્ટમેન્ટ માટે કરાર કર્યાં છે. જે હેઠળ ગુજરાતમાં વિલાયત ખાતે વિશ્વમાં સૌથી મોટો સીપીવીસી રેઝિન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે દહેજ ખાતે તેની ઉત્પાદન ક્ષમતાને બેવડાવી 1.4 લાખ ટન કરશે.
તાતા સ્ટીલઃ પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદરે 2023-24 નાણા વર્ષમાં રૂ. 16000 કરોડના કોન્સોલિડેટેડ કેપેક્સ માટે આયોજન કર્યું છે. આ રકમ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ પાછળ ખર્ચવામાં આવશે એમ મેનેજમેન્ટના ટોચના વર્તુળોએ જણાવ્યું છે. કંપનીએ રૂ. 10 હજાર કરોડ પોતાના માટે જ્યે રૂ. 2000 કરોડ ભારતમાંની તેની સબસિડીયરીઝ માટે ફાળવ્યાં છે.
એનએમડીસી સ્ટીલઃ કેન્દ્ર સરકાર એનએમડીસી સ્ટીલના ખાનગીકરણ માટે બીડ્સ મંગાવે તેવી શક્યતાં છે. જોકે, એકવાર કંપનીના છત્તીસગઢ સ્ટીલ પ્લાન્ટ ખાસે બ્લાસ્ટ ફર્નેસની કામગીરી શરૂ થઈ જાય ત્યારપછી જ તે બીડ મંગાવશે એમ અધિકારીઓ જણાવે છે. એકવાર સ્ટીલ પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ કામ કરતી થશે પછી કંપનીનું વેલ્યૂએશન વધશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યૂનલને જણાવ્યું છે કે કંપનીના ચેરમેન સુભાષ ચંદ્ર અને એમડી પુનિત ગોએન્કાએ પબ્લિક ફંડ્સને પ્રાઈવેટ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યું છે. ટ્રિબ્યુનલ તરફથી સેબીને 48-કલાકમાં જવાબ આપવાના આપવાના આદેશરૂપે સેબીએ આમ દોહરાવ્યું હતું.
આરપાવરઃ એડીએજી જૂથની કંપનીએ તેની વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર સબસિડિયરીના લેન્ડર્સને સુધારેલા ડેટ-સેટલમેન્ટ પેટે રૂ. 1260 કરોડ ઓફર કર્યાં છે. કંપનીએ હરિફ બીડર સીએફએમ એસેટ રિકન્સ્ટ્ર્ક્શન તરફથી તેની ઓફરમાં સુધારો કરાયાં પછી આમ કર્યું છે. એનએઆરસીએલે રૂ. 1150 કરોડ ઓફર કર્યાં હતાં. જ્યારે સીએફએમ એઆરસીએ શરૂમાં રૂ. 1120 કરોડ ઓફર કર્યાં હતાં.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ યુએસ ખાતે જેનેરિક થીઆમાઈન હાઈડ્રોક્લોરાઈડ ઈન્જેક્શન 200 એમ/2 એમએલ લોંચ કર્યું છે. જેનો ઉપયોગ થીઆમાઈનની ઉણપ દૂર કરવામાં થાય છે. કંપનીના એલાયન્સ પાર્ટનર કેપલીન સ્ટરાઈલ્સે યુએસએફડીએ પાસેથી તેની એએનડીએ માટે મંજૂરી મેળવ્યાં પછી આ લોંચ કરવામાં આવ્યું છે.
શ્રીરામ ફાઈનાન્સઃ યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ટીપીજીએ એનબીએફસીમાં તેના 2.65 ટકા હિસ્સાનું સોમવારે વેચાણ કર્યું હતું. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે ટીપીજીએ રૂ. 1400 કરોડ ઊભા કર્યાં હતાં. રૂ. 1471.2થી રૂ. 1476ના ભાવે આ શેર્સ વેચવામાં આવ્યાં હતાં. કંપનીનો શેર કામકાજની આખરમાં 5 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

8 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

8 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.