વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે માર્કેટ્સમાં મંદીની હેટ્રીક
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડે 12.15ના સ્તરે
મેટલ, ફાર્મામાં મજબૂતી
આઈટી, બેંકિંગ, ઓટોમાં નરમાઈ
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂતી
ટીવીએસ મોટર, પોલીકેબ, એનસીસી નવી ટોચે
મેરિકો, ઓરિએન્ટ ઈલેક્ટ્રીક નવા તળિયે
વૈશ્વિક બજારમાં નરમાઈ વચ્ચે સ્થાનિક શેરબજારે સતત ત્રીજા સત્રમાં ઘટાડો દર્શાવ્યો હતો. સાંકડી રેંજમાં ટ્રેડિંગ વચ્ચે કામકાજની આખરમાં બેન્ચમાર્ક્સ 0.25 ટકા ઘટાડો બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 159 પોઈન્ટ્સ ગગડી 59568ની સપાટીએ જ્યારે નિફ્ટી 41 પોઈન્ટ્સ ઘટાડે 17619ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેની પાછળ નિફ્ટી કાઉન્ટર્સમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 31 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. જોકે, બ્રોડ માર્કેટમાં સ્થિતિ સારી હતી અને બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3633 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1811 પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1701 નેગેટિવ જોવા મળતાં હતાં. આ ઉપરાંત 109 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 6 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડે 12.15ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે સાધારણ નરમાઈ સાથે ઓપનીંગ નોંધાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17660ના બંધ સામે 17653 સામે ખૂલી ઉપરમાં 17666ની સપાટી દર્શાવી નીચામાં 17580 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 49 પોઈન્ટ્સના પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં ઊંચા મથાળે નોંધપાત્ર પ્રમાણમાં લોંગ ટ્રેડર્સે પોઝીશન છોડી હોય તેમ જણાય છે. જે આગામી સત્રો માટે પોઝીટીવ સંકેત નથી. વૈશ્વિક બજારો પણ નરમાઈ તરફી બન્યાં છે. આમ એપ્રિલના હવેના સત્રો ઘટાડાતરફી હોઈ શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ બંધ ધોરણે 17600નો સ્ટોપલોસ જાળવવા જણાવે છે. જો બેન્ચમાર્ક આ સ્તરની નીચે બંધ આપે તો લોંગ પોઝીશન છોડવી જોઈએ. શોર્ટ સેલર માટે 18000નો સ્ટોપલોસ રહેશે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર મુખ્ય કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, બીપીસીએલ, બજાજ ઓટો, એક્સિસ બેંક, એમએન્ડએમ, આઈશર મોટર્સ, એચડીએફસી, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, વિપ્રો, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી લાઈફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ અને ફાર્મા સેક્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, બેંકિંગ અને ઓટો નરમાઈ દર્શાવતાં હતાં. મેટલ્સમાં જિંદાલ સ્ટીલ 2.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, નાલ્કો, એનએમડીસી, વેદાંત, તાતા સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, હિંદાલ્કોમાં મજબૂતી જોવા મળતી હતી. ફાર્મા કંપનીઓમાં ડિવિઝ લેબ્સ 2.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ પણ સુધારો દર્શાવતાં હતાં. જોકે, લ્યુપિન, સિપ્લા, બાયોકોન, સન ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.8 ટકા ગગડ્યો હતો. જેમાં કોફોર્જ 3.1 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ અને ટેક મહિન્દ્રા પણ નોંધપાત્ર નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંકમાં વેચવાલી પાછળ બે દિવસની મજબૂતી પછી નરમાઈ જોવા મળી હતી. ઈન્ડેક્સ લગભગ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક 3 ટકા સાથે સૌથી વધુ ઘસાયો હતો. આ સિવાય જેકે બેંક, કેનેરા બેંક, યુનિયન બેંક, પીએનબી, એસબીઆઈ, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, યૂકો બેંકમાં નરમાઈ જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એચપીસીએલ 4.2 ટા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત સુધારો દર્શાવનાર અન્ય કાઉન્ટર્સમાં બલરામપુર ચીની, જિંદાલ સ્ટીલ, ડિવિઝ લેબ્સ, ટીવીએસ મોટર, બીપીસીએલ, શ્રીરામ ફાઈનાન્સ, ઓરોબિંદો ફાર્મા, કોરોમંડલ ઈન્ટર., નાલ્કો, ગ્લેનમાર્ક, પોલીકેબનો સમાવેશ થતો હતો. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બાલક્રિષ્ણા ઈન્ડ, આરબીએએલ બેંક, કોફોર્જ, પીવીઆર, એલટીઆઈમાઈન્ડટ્રીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, ટીવીએસ મોટર, ગ્લેનમાર્ક, પોલીકેબ, દાલમિયા ભારત, ઝાયડસ લાઈફ, એનસીસી અને મણ્ણાપુરમ ફાઈ.નો સમાવેશ થતો હતો.
જુલાઈથી SGX નિફ્ટી ફ્યુચર્સનું ટ્રેડિંગ ગિફ્ટ સિટી ખાતે શિફ્ટ થશે
ગિફટ ખાતે ટ્રેડિંગ શિફ્ટ થવાથી આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટ ખાતે વોલ્યુમમાં ઉછાળો જોવાશે
શરૂઆતમાં જોકે એસજીએક્સ સૌથી મોટો ક્લાયન્ટ બની રહેશે અને FIIના તમામ સોદાઓ તેની મારફતે થશે
ભારતીય શેરબજાર બેન્ચમાર્ક નિફ્ટીમાં એસજીએક્સ(સિંગાપુર સ્ટોક એક્સચેન્જ) ખાતે થતું ડેરિવેટિવ્સ ટ્રેડિંગ આગામી જુલાઈથી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે શિફ્ટ થશે. જે સાથે બે દાયકાથી ભારત બહાર ઓફ-શોર ટેક્સ હેવનમાં થતું જંગી ટ્રેડિંગ ગિફ્ટ સ્થિત એનએસઈ-આઈએફએસસી ખાતે જોવા મળશે.
સોમવારે સાંજે એક યાદીમાં એસજીએક્સે જણાવ્યું હતું કે આગામી 3 જુલાઈ, 2023થી નિફ્ટી ફ્યુચર્સમાં થતું ટ્રેડિંગ સંપૂર્ણપણે એનએસઈના આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટ ખાતે શિફ્ટ થશે. હાલમાં, સિંગાપુર એક્સચેન્જ ખાતે નિફ્ટી અને બેંક નિફ્ટી, બંનેમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ થાય છે. સિંગાપુર ખાતે નિફ્ટી ટ્રેડિંગ ભારત સરકાર માટે વર્ષોથી એક ગંભીર મૂદ્દો બની રહ્યો હતો. તેને ભારતમાં લાવવા માટે અગાઉ પણ પ્રયાસ થયા હતા. એસજીએક્સ ખાતે ટ્રેડિંગને કારણે એનએસઈ ખાતે વોલ્યુમ પર અસર જોવા મળતી હતી. તે એફઆઈઆઈને ભારત સરકારના નિયંત્રણ બહાર નિફ્ટી ટ્રેડિંગની તક આપતું રહ્યું છે. જોકે, રાતોરાત બદલાવ નહિ આવે, પરંતુ એસજીએક્સ ભારતના મોટાભાગના પ્રાદેશિક એક્સચેન્જિસની માફક એનએસઈ-આઈએફએફસી ખાતે બ્રોકર તરીકે કામ કરશે એમ વર્તુળો જણાવે છે. શરૂઆતના તબક્કામાં જોકે એફઆઈઆઈને સિંગાપુર ખાતે ટ્રેડિંગ ચાલુ રાખવાનો વિકલ્પ પ્રાપ્ય હશે અને તેઓ એસજીએક્સ મારફતે એનએસઈ-આઈએફએસસી ખાતે ટ્રેડ કરી શકશે. જેઓ, ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી ખાતે તેમની કામગીરી શિફ્ટ કરવા ઈચ્છતાં હશે તેઓ આમ કરી શકશે. ટ્રેડર્સને આકર્ષવા માટે સંપૂર્ણપણે ટેક્સ હોલિડે આપવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારની સ્ક્રૂટિની પણ હાથ નહિ ધરાય. જોકે, નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો હાલપૂરતાં સિંગાપુર ખાતે જ રહેવાનું પસંદ કરશે કેમકે એસજીએક્સ તેમને એક ઓમ્નીબસ સ્ટ્રક્ચરનો લાભ આપી રહ્યું છે. જે હેઠળ ટ્રેડનો મૂળ લાભાન્વિત કોણ છે તેની જાણકારી કોઈ કરી શકતું નથી. જોકે, ઓમ્નીબસ માળખાની નજીકના માળખાને જ આઈએફએસસી રેગ્યુલેટરે પણ સ્વીકાર્યું છે. જેનો હેતુ એસજીએક્સને સિંગાપુર એક્સચેન્જ ખાતે નિફ્ટીને લિસ્ટીંગ કરવા માટે દબાણ ઊભું કરવાનો છે. વર્તમાન માળખા મુજબ એસજીએક્સ એનએસઈ-આઈએફએસસી પ્લેટફોર્મ પર તમામ ટ્રાન્ઝેક્શન્સ રેકર્ડ કરી શકશે એમ વર્તુળો જણાવે છે. સાદી ભાષામાં કહીએ તો એસજીએક્સ એ એનએસઈ-આઈએફએસસીનો સૌથી મોટો ક્લાયન્ટ બની રહેશે. જેની મારફતે સિંગાપુર સ્થિત તમામ એફઆઈઆઈ ટ્રેડ કરી શકશે. એસજીએક્સ ખાતે નિફ્ટી ડિલિસ્ટ થવા છતાં સિંગાપુર ખાતે ટ્રેડ કરી રહેલાં એફઆઈઆઈની લક્ઝરી ક્યાંય નહિ જાય. જોકે, પી-નોટ્સ અને નિફ્ટીની ભારતમાં વાપસી એક નવી શરૂઆત બની રહેશે. તેમજ ભવિષ્યમાં એફઆઈઆઈને એસજીએક્સનો વાહન તરીકે ઉપયોગ કર્યાં વિના ગિફ્ટ પ્લેટફોર્મ પર સીધા ટ્રેડિંગ માટેની ફરજ પડી શકે છે તેવી આશા ઊભી થશે એમ રેગ્યુલેટરી અધિકારી જણાવે છે.
ફોક્સકોન તેની ચેન્નાઈ સુવિધાનું વિસ્તરણ કરે તેવી શક્યતાં
એપલનો કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોન ભારતમાં તેની ઉત્પાદન સુવિધાનું વિસ્તરણ કરવા વિચારી રહ્યો છે. તેની ચેન્નાઈમાં આવેલી સાઈટ નજીક જ ફોક્સકોન બે વધુ બિલ્ડિંગ્સનો ઉમેરો કરે તેવી શક્યતાં જાણકારો દર્શાવી રહ્યાં છે. આ ઉપરાંત, ફોક્સકોન બેંગલૂરુમાં વ્હાઈટફિલ્ડ ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા વિચારી રહી છે. એપલના સીઈઓ ટીમ કૂક જ્યારે ભારતમાં છે ત્યારે ફોક્સકોન મેન્યૂફેક્ચરિંગ ક્ષમતામાં વિસ્તરણ માટે ભાર આપી રહી છે. માર્ચ મહિનામાં ફોક્સકોનના ચેરમેન યંગ લ્યૂએ એક વર્ષમાં બીજીવાર ભારતની મુલાકાત લીધી હતી. જે વખતે તેમણે દેશમાં વધુ રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. અંદરની માહિતી આપનાર વર્તુળોના મતે કંપની આઈફોન્સના ઉત્પાદન માટે વધુ બે બિલ્ડિંગ્સનું બાંધકામ કરશે. કંપની જ્યારે આ માટે મંજૂરી લેવા જશે ત્યારે વિગતવાર પ્લાન રજૂ કરશે. હાલમાં તે ચેન્ન્નાઈ ખાતે બે બિલ્ડિંગ્સ ખાતે આઈફોન્સનું ઉત્પાદન ધરાવે છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે ફોક્સકોનનો આક્રમક વિસ્તરણ પ્લાન ભારતમાં એપલ પ્રોડક્ટ્સની નિકાસને સપોર્ટ કરશે. એપલે ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સહિતના તેના તમામ પ્રાઈમરી સપ્લાયર્સને ભારતમાં તેમના ઓપરેશન્સ માટે ગોઠવણ કરી છે. કંપનીએ તેની સપ્લાય ચેઈનને ચીન બહાર વ્યાપક બનાવવા માટે આમ કર્યું છે. દેશમાં તમિલનાડુ આઈફોન ઉત્પાદન કેન્દ્ર તરે ઉભર્યું છે. ફોક્સકોન અને પેગાટ્રોન, બંને તમિલનાડુમાં તેમની ઉત્પાદન સુવિધા ધરાવે છે. એપલ આઈફોન્સના ઉત્પાદનનું તાતા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી પણ આઉટસોર્સિંગ ધરાવે છે.
NSE ખાતે એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા ઘટી નવ-મહિનાના તળિયે
જૂન-2022માં 3.8 કરોડ પરથી સતત ઘટાડા વચ્ચે માર્ચ-2023માં ટ્રેડર્સની સંખ્યા 3.26 કરોડ નોંધાઈ
દેશમાં સૌથી મોટો સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ એનએસઈ ખાતે એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં ઘટાડો જળવાયો છે. છેલ્લાં નવ મહિનાથી એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા સતત ઘટાડા તરફી જોવા મળી રહી છે. માર્ચ-2023 દરમિયાન એનએસઈ ખાતે સક્રિય ટ્રેડર્સની સંખ્યા 3.26 કરોડ નોંધાઈ હતી. જે જૂન-2022માં 3.8 કરોડ પર જોવા મળતી હતી. જૂન 2022માં માર્કેટ એક વર્ષથી વધુના તળિયા પર ટ્રેડ થઈ પરત ફર્યું હતું અને ડિસેમ્બર 2022માં તેણે નવી ટોચ દર્શાવી હતી. તેમ છતાં ટ્રેડર્સ બજારમાં પરત ફર્યાં નથી.
ફેબ્રુઆરી-2023માં સક્રિય ટ્રેડર્સની સંખ્યા 3.36 કરોડ પર જોવા મળતી હતી. જેમાં માર્ચમાં વધુ 10 લાખનો ઘટાડો જોવા મળ્યો હતો અને આંકડો 3.26 કરોડ પર રહ્યો હતો. નિષ્ણાતોના મતે એક્ટિવ પાર્ટિસિપન્ટ્સની સંખ્યામાં અવિરત ઘટાડાનું મુખ્ય કારણ માર્કેટમાં જોવા મળતી ઊંચી વોલેટિલિટી છે. માર્કેટ કોઈ એક દિશામાં ટ્રેડ થવાના બદલે દિશાહિન ચાલ દર્શાવી રહ્યું છે. જેને કારણે રિટેલ ટ્રેડર્સ મૂંઝવણમાં જોવા મળે છે. છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો માર્કેટે કોઈ ખાસ રિટર્ન દર્શાવ્યું નથી. માર્કેટમાં એક્ટિવ પાર્ટિસિપેશનને વધ-ઘટ સાથે સીધો સંબંધ રહેલો છે. નિફ્ટીમાં જ્યારે પણ તેજી જોવા મળે છે ત્યારે એક્ટિવ યુઝર્સમાં વૃદ્ધિનું વલણ જોવા મળે છે. જ્યારે આનાથી વિપરીત બજાર દિશાહિન કે ઘટાડાતરફી બની રહે ત્યારે તેમાં ટ્રેડર્સનું પ્રમાણ ઘટતું હોય છે. એક અલ્ગોટ્રેડરના જણાવ્યા મુજબ માર્કેટ છેલ્લાં એક વર્ષથી વ્યાપક રેંજમાં સાઈડવે ટ્રેડ દર્શાવી રહ્યું છે. ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડાની દિશામાં તીવ્ર મૂવને કારણે લોંગ અને શોર્ટ, બંને પોઝીશન ધરાવતાં ટ્રેડર્સ નુકસાનમાં સરી પડે છે. ઓક્ટોબર 2021માં સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં પછી નિફ્ટીએ લગભગ પાંચવાર તેજી-મંદીના નાના રાઉન્ડ્સ દર્શાવ્યાં છે. જે દરમિયાન ટ્રેડર્સ ખૂબ અકળામણમાં જોવા મળ્યો છે અને તેથી જ થાકી જઈને ઘણા ટ્રેડર્સે બજારથી અળગા થવાનું પસંદ કર્યું છે. અનેક ટ્રેડર્સે કોવિડ પછીના સમયગાળામાં જોવા મળેલી તીવ્ર તેજીની ચાલ દરમિયાન કમાયેલા નાણામાંથી નુકસાન કરવાનું થયું છે અને તેથી જ તેઓ હારીને બજારથી દૂર થઈ રહ્યાં છે.
ગયા એક વર્ષમાં બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 2.7 ટકા અને 1.3 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ અનુક્રમે 0.5 ટકા અને 4.5 ટકા ઘટાડો નોંધાવ્યો છે. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોએ 2.9 અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી દર્શાવી છે. જ્યારે સમગ્ર 2022માં તેમણે 17.21 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. જો કેલેન્ડર 2023ની વાત કરીએ તો પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નિફ્ટી-50ના માત્ર 10 કાઉન્ટર્સે સાત ટકા રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે 13 શેર્સે 7 ટકાથી નીચું રિટર્ન આપ્યું છે. બાકીના 30 શેર્સ રેડમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો નિફ્ટીના 22 કાઉન્ટર્સ નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. જ્યારે 18 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ સૂચવે છે. માર્ચ 2022 અને ઓક્ટોબર 2021 દરમિયાન ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગ અને ક્લાયન્ટ એકાઉન્ટ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા સમાનગાળામાં 4 કરોડ પરથી ઉછળી 7.38 કરોડ પર પહોંચી હતી. નવા એકાઉન્ટ્સનો મોટો હિસ્સો બજારમાં સક્રિય ટ્રેડર્સનો હતો. આ ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 7511ની સપાટીએથી ઉછળતો રહી 18604ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, આ સમયગાળા પછી બજારમાં ઊંચી વોલેટિલિટી સાથે નરમાઈ જોવા મળી છે. માર્ચમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે સિપ મારફતે રોકાણ પ્રથમવાર રૂ. 14 હજાર કરોડનો આંક પાર કરી ગયું હતું. જે સૂચવે છે કે એક્ટિવ ટ્રેડર્સમાંથી નાનો વર્ગ સિસ્ટમેટીક રોકાણ તરફ વળ્યો હોય તે સંભવ છે.
NSE ખાતે એક્વિટ ટ્રેડર્સની સ્થિતિ
મહિનો સંખ્યા(કરોડમાં)
જૂન-2022 3.80
જુલાઈ-2022 3.77
ઓગસ્ટ-2022 3.75
સપ્ટે.-2022 3.74
ઓક્ટો-2022 3.67
નવે.-2022 3.60
ડિસે.-2022 3.53
જાન્યુ.-2023 3.43
ફેબ્રુ.-2023 3.36
માર્ચ-2023 3.26
માગમાં મંદી વચ્ચે જેમ-જ્વેલરી નિકાસમાં 3 ટકા વૃદ્ધિ
રૂપિયા સંદર્ભમાં નિકાસ રૂ. 3 લાખ કરોડનું સ્તર પાર કરી ગઈ
જોકે ડોલર સંદર્ભમાં નિકાસ 39 અબજ ડોલર પરથી ઘટી 37 અબજ ડોલર પર જોવાઈ
વૈશ્વિક સ્તરે માગમાં મંદી વચ્ચે ભારત ખાતેથી જેમ્સ-જ્વેલરી નિકાસમાં 2022-23માં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 3 લાખ કરોડને પાર કરી ગઈ હતી. જે અગાઉના વર્ષે રૂ. 2.93 લાખ કરોડ પર જોવા મળતી હતી. ડોલર સંદર્ભમાં જોઈએ તો દેશમાંથી જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ્સ 5 ટકા ઘટાડે 37 અબજ ડોલર પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષ દરમિયાન 39 અબજ ડોલર પર હતી.
યુએસ અને યુરોપ ખાતે ઊંચા ઈન્ફ્લેશન વચ્ચે જેમ-જ્વેલરી નિકાસમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાય રહ્યો હતો. ભારત અને યૂએઈ વચ્ચે ફ્રી ટ્રેડ હાથ ધરાવાને કારણે પણ ટ્રેડને લાભ થયો હોવાનું વર્તુળો જણાવે છે. તેને કારણે 2022-23માં પ્લેન ગોલ્ડ જ્વેલરી નિકાસમાં 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હોવાનું તેઓ ઉમેરે છે. સમગ્રતયા કટ અને પોલીશ્ડ ડાયમંડ્સની નિકાસ જોકે 3 ટકા ઘટાડા સાથે રૂ. 1.77 લાખ કરોડ પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે રૂ. 1.82 લાખ કરોડ પર હતી. રશિયા ખાતેથી રફ ડાયમંડ્સની આયાતમાં પડકારને જોકે આફ્રિકન દેશો ખાતેથી સપ્લાય જળવાતાં સરભર કરી શકાયો હતો. જેમાં નામિબિયા, બોત્સવાના અને અંગોલા ખાતેથી રફ ડાયમંડની આયાત વધી હતી. ગોલ્ડ જ્વેલરીની નિકાસ વર્ષ દરમિયાન 11 ટકા વધી રૂ. 75,636 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 68062 કરોડ પર હતી. પોલીશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 37 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13,466 કરોડ પર નોંધાઈ હતી. જોકે, વર્ષના આખરી ક્વાર્ટરમાં માગમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિના દરમિયાન જેમ્સ અને જ્વેલરી નિકાસ 24 ટકા ગગડી રૂ. 21,502 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 28,198 કરોડ પર જોવા મળતી હતી.
વિદેશી રોકાણકારોએ 2 અબજ ડોલરની બોન્ડ ખરીદી કરી
વિદેશી રોકાણકારોએ કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં 2 અબજ ડોલરના સરકારી બોન્ડની ખરીદી કરી છે. જે સૂચવે છે કે વૈશ્વિક રોકાણકારો ડેટ પર પસંદગી ઉતારી રહ્યાં છે. એફઆઈઆઈએ અત્યાર સુધીમાં રૂ. 17,250 કરોડ અથવા 2.1 અબજ ડોલરના સરકારી બોન્ડ્સ ખરીદ્યાં છે. સમગ્ર 2022માં તેમણે માત્ર રૂ. 15900 કરોડના સરકારી બોન્ડ્સ ખરીદ્યાં હતાં. આમ શરૂઆતી ચાર મહિનામાં તેમણે ગયા વર્ષ કરતાં વધુ બોન્ડ્સ ખરીદ્યાં છે. આ પાછળનું એક કારણ આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિમાં અપેક્ષિત પોઝની શક્યતાં પણ કારણભૂત હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત જેપી મોર્ગન તરફથી ભારતને વૈશ્વિક બોન્ડ ઈન્ડેક્સમાં સમાવેશની શક્યતાં પણ એક પ્રોત્સાહન છે.
રિઅલ્ટી ક્ષેત્રે પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સમાં 95 ટકા ઘટાડો
દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં રિઅલ્ટી ક્ષેત્રે પીઈ ઈન્વેસ્ટમેન્ટ માત્ર 0.05 અબજ ડોલર અથવા રૂ. 370 કરોડ પર નોંધાયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 1 અબજ ડોલરના રોકાણની સરખામણીમાં 95 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની આશંકા વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિ પર અસર પડી હોવાનું વર્તુળોનું કહેવું છે. તેમજ વેચાણકારો અને ઈન્વેસ્ટર્સ વચ્ચે વેલ્યૂએશન્સમાં મિસમેચ પણ આ માટેનું એક કારણ છે. વૈશ્વિક સ્તરે રેસિડેન્શિયલ ક્રેડિટ માટે પ્રાપ્ય મૂડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે ઓફિસ એસેટ્સ માટે પણ ફંડ્સમાં ઘટાડો નોંધાયો છે. જોકે, કોર ઓફિસ, કોર રિટેલ, વેરહાઉસિંગ, ડેટા સેન્ટર્સ અને લાઈફ સાયન્સિઝમાં રોકાણની માગ મજબૂત હોવાનું વર્તુળો જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
સંવર્ધન મધરસનઃ ઓટો એન્સિલિયરી કંપનીની યુએસ સ્થિત સબસિડિયરી એસએમપી ઓટોમોટીવ અલાબામાએ બોલ્ટા યુએસની એસેટ્સની ખરીદી કરી છે. તેણે 3.57 કરોડ ડોલરમાં બોલ્ટાની ફિક્સ્ડ એસેટ્સ અને 47 લાખ ડોલરની તેની ઈન્વેન્ટરીની 1.6 કરોડ ડોલરમાં ખરીદી કરી છે.
બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકના બોર્ડે નાણા વર્ષ 2023-24માં બજારમાંથી રૂ. 6500 કરોડનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. આ ફંડ બોન્ડ્સના વેચાણમાંથી તેમજ ઇક્વિટી માર્કેટમાં ઓફર-ફોર-સેલ મારફતે મેળવાશે.
ICICI લોમ્બાર્ડઃ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 437 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 40 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો કમ્બાઈન્ડ રેશિયો 104.2 ટકા પર જોવા મળ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 103.2 ટકા પર હતો. કંપનીની ગ્રોસ ડિરેક્ટ પ્રિમીયમ ઈન્કમ રૂ. 4977 કરોડ રહી હતી. જે વાર્ષિક ધોરણે 6.7 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
પીએફસી/હુડકોઃ બંને પીએસયૂ કંપનીઓએ બોન્ડ ઓક્શન મારફતે રૂ. 5900 કરોડ ઊભા કર્યાં છે. તેમણે મધ્યમથી લાંબા ગાળા માટેના બોન્ડ્સ ઈસ્યુ કરી આ નાણા મેળવ્યાં છે. પીએફસીએ રૂ. 4432 કરોડ જ્યારે હૂડકોએ રૂ. 1500 કરોડ મેળવ્યાં છે. તેમણે અનુક્રમે 7.62 ટકા ને 7.48 ટકાનો કૂપર રેટ ઓફર કર્યો છે.
તાતા કેમિકલ્સઃ વિશ્વમાં ત્રીજા ક્રમના સોડાએશ ઉત્પાદકે કોમોડિટીના ભાવમાં ઘટાડો કરતાં શેરના ભાવમાં તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. કંપનીએ સોડાએશના ભાવમાં 3-4 ટકા ઘટાડો નોઁધાવ્યો છે. મોંગોલિયા રિજન તરફથી ઊંચા સપ્લાય પાછળ ચાઈનીઝ સોડા એશના ભાવમાં તીવ્ર ઘટાડા પાછળ આમ જોવાયું છે.
ક્રિસીલઃ રેટિંગ એજન્સીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 145.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 20 ટકા ઉછળી રૂ. 714.9 કરોડ પર જોવા મળી હતી. જ્યારે તેની કોન્સોલિડેટેડ રેવન્યૂ 19 ટકા વધી રૂ. 732.2 કરોડ પર નોંધાઈ હતી.
બીપીસીએલઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની ચાલુ વર્ષે 240 મેગાવોટની રિન્યૂએબલ પાવર ક્ષમતા ઊભી કરવા વિચારી રહી છે. આ માટે તે રૂ. 1600 કરોડનું કુલ રોકાણ કરશે. કંપની ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે સોલાર અને વિન્ડ એનર્જી ફાર્મ્સ સાથે આમ કરશે.
તાતા કોફીઃ તાતા જૂથ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 48.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 41 કરોડની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 565.3 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 10.2 ટકા વધી રૂ. 723 કરોડ પર જોવા મળી હતી.
વીઆરએલ લોજિસ્ટીક્સઃ કંપનીએ આગામી નાણા વર્ષ સુધીમાં તેની ફ્લિટ સાઈઝને 7200 ટ્રક્સ કરવાનું વિચારી રહી છે. હાલમાં તે 5700 ટ્રક્સ ધરાવે છે. કંપની જૂની ટ્રક્સને નવી ટ્રક્સથી રિપ્લેસ પણ કરી રહી છે.
ઝાયડસ લાઈફઃ ફાર્મા કંપનીએ એસ્ટ્રાડિઓલ ટ્રાન્સડેર્માલ સિસ્ટમ માટે યુએસએફડી તરફથી આખરી મંજૂરી મેળવી લીધી છે.