બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મંદીની મોસમઃ નિફ્ટીએ 21850નો સપોર્ટ તોડ્યો
બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાતે 14.11ના સ્તરે બંધ
એશિયન બજારોમાં નરમાઈનો સૂર
નિફ્ટી આઈટીમાં ત્રણ ટકાનું ગાબડું
ફાર્મા, એફએમસીજી, મિડિયા, એનર્જી, પીએસઈમાં પણ વેચવાલી
ભારતી એરટેલ, ઈન્ડિગો, ક્રિસિલે નવી ટોચ દર્શાવી
પીવીઆર આઈનોક્સ, એચયૂએલ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, અતુલ નવા તળિયે
ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા સત્રમાં મંદીવાળાઓ પૂરા જોરથી ત્રાટક્યાં હતાં. જેની પાછળ માર્કેટ સમગ્ર સત્ર દરમિયાન નરમાઈ સાથે ટ્રેડ થવા સાથે મહત્વના સપોર્ટની નીચે બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 238 પોઈન્ટ્સ ગગડી 21817ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે 21850નો સપોર્ટ તોડ્યો હતો. ઈન્ટ્રા-ડે તે 21793ના તળિયે ટ્રેડ થયો હતો. જ્યારે ઉપરમાં 21978ની સપાટીએ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 736 પોઈન્ટ્સ ગગડી 72012ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3928 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2584 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1233 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.51 ટકા વૃદ્ધિ સાથે 14.11ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી અગાઉના 22056ના બંધ સામે 21946ની સપાટીએ ખૂલી સતત ઘસાતો જોવા મળ્યો હતો અને દિવસના તળિયા નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 67 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21884ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 79 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 12 પોઈન્ટ્સ ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો જોવા મળ્યો નથી. જે સાવચેતીનો સંકેત છે. નિફ્ટી 21850ના સપોર્ટ નીચે ઉતરતાં 21600 સુધીની જગા થઈ છે. ચાલુ સપ્તાહે ફેડની બેઠક જોતાં વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક બજારમાં પણ ઊંચી વધ-ઘટની સંભાવના છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા, હિંદાલ્કો, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની, એચડીએફસી બેંક અને ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટીસીએસ, બીપીસીએલ, સિપ્લા, તાતા કન્ઝ્યૂમર, નેસ્લે, બ્રિટાનિયા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી આઈટીમાં ત્રણ ટકાનું ગાબડું પડ્યું હતું. ટીસીએસમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શેર રૂ. 4000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. આ ઉપરાંત, એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રીમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.2 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા 3.5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, બાયોકોન, ડિવિઝ સેબ્સ, સન ફાર્મામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ 2.2 ટકા ઘટાડો સૂચવતો હતો. જેની પાછળ કોલગેટ, તાતા કન્ઝ્યૂમર, નેસ્લે, બ્રિટાનિયા, આઈટીસી, એચયૂએલ સહિતના કાઉન્ટર્સમાં તીવ્ર ઘટાડો જવાબદાર હતો. હિંદુસ્તાન યુનિલીવરનો શેર તેના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો. નિફ્ટી પીએસઈ 2 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ, પાવર ફાઈનાન્સ, કોન્કોર, સેઈલ, ભેલ, ભારત ઈલે., પાવર ગ્રીડમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.6 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી 3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, ઈન્ડિયન બેંક, એસબીઆઈ, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આરબીએલ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, જ્યુબિલિઅન્ટ ફૂડ, બાલક્રિષ્ણા ઈન્ડ., ઓબેરોય રિઅલ્ટી, કોટક મહિન્દ્રા, બલરામપુર ચીની, મેક્સ ફાઈનાન્સિયલ, ટીવીએસ મોટર, હિંદાલ્કો, આઈશર મોટર્સ, દિપક નાઈટ્રેટ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, કોલગેટ, બીપીસીએલ, ટીસીએસ, ઈન્ડુસ ટાવર્સ, ગુજરાત ગેસ, સિમેન્સ, ઓરેકલ ફાઈ., એલએન્ડટી ટેક્નોલોજી, સિપ્લા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, તાતા કન્ઝ્યૂમર, એચપીસીએલ, પાવર ફાઈનાન્સ, બ્રિટાનિયા, નેસ્લે, હિંદ કોપર, એમઆરએફ, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, ગોદરેજ કન્ઝ્યૂમરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ભારતી એરટેલ, ઈન્ડિગો, ક્રિસિલનો સમાવેશ થતો હતો. જ્યારે પીવીઆર આઈનોક્સ, એચયૂએલ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, અતુલ નવા તળિયા બનાવ્યાં હતાં.
બે વર્ષોમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સનું સૌથી મોટું અન્ડરપર્ફોર્મન્સ
ચાલુ માર્ચ મહિનામાં બીએસઈ સ્મોલ-કેપમાં અત્યાર સુધી 7 ટકાનો ઘટાડો નોંધાયો
છેલ્લાં બે સપ્તાહ દરમિયાન સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલીને પગલે બીએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ બે વર્ષોમાં માસિક ધોરણે સૌથી મોટું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. માર્ચમાં અત્યાર સુધીમાં તે 7 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે. આ અગાઉ ફેબ્રુઆરી 2022માં તેણે માસિક ધોરણે 9 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. આમ, બે વર્ષ પછી તે સૌથી ખરાબ દેખાવ સૂચવી રહ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 900થી વધુ સ્મોલકેપ કાઉન્ટર્સના દેખાવને ટ્રેક કરે છે. તે માર્ચ મહિનામાં જ બીએસઈ સેન્સેક્સની સરખામણીમાં 8 ટકાથી વધુનું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. કેલેન્ડર 2015થી અત્યાર સુધીમાં માત્ર ચાર વાર જ બીએસઈ સ્મોલકેપ સૂચકાંકે બેન્ચમાર્કની સરખામણીમાં માસિક ધોરણે 8 ટકાથી વધુનું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જો માસિક ધોરણે 10 ટકાથી વધુ ઘટાડાની વાત કરીએ તો આવું માત્ર ચાર વાર જ બન્યું છે. જુલાઈ 2019, ફેબ્રુઆરી 2016, સપ્ટેમ્બર 2018 અને માર્ચ 2020માં બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 10 ટકાથી વધુ ગગડ્યો છે. જેમાં માર્ચ 2020માં તે 30 ટકાથી વધુ ગગડ્યો હતો. જે તેનો સૌથી ખરાબ દેખાવ હતો.
સ્પાઈસજેટના અજય સિંઘે ગો ફર્સ્ટ માટે બીડ વધારી રૂ. 1800 કરોડ કરી
અજય સિંઘ-નિશાંત પિટ્ટીના કોન્સોર્ટિયમે અપફ્રન્ટ પેમેન્ટને પણ વધારી રૂ. 500 કરોડ કર્યું
સ્પાઈસજેટના સીએમડી અજય સિંઘ અને બઝી બી એરવેઝના કોન્સોર્ટિયમે નાદાર એરલાઈન ગો ફર્સ્ટ માટે તેમની બીડ રકમને વધારી રૂ. 1800 કરોડ કરી હોવાનું વર્તુળો જણાવે છે. વર્તુળોના મતે કમિટી ઓફ ક્રેડિટર્સ(સીઓસી) તરફથી ગો ફર્સ્ટમાં રસ દર્શાવનારા બંને પક્ષોનો ગયા સપ્તાહે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં વેલ્યૂએશન્સ અને ડિસ્કાઉન્ટ્સને લઈ વિચારણા હાથ ધરવામાં આવી હતી. સીઓસીએ ગો ફર્સ્ટ માટેના રેઝોલ્યુશન પ્રોફેશ્નલને એરલાઈન માટે ઊંચા બીડ્સને લઈ નેગોશ્યેશન માટે જણાવ્યું હતું. જેને લઈ રસ દર્શાવનાર પક્ષોએ તેમની બીડની રકમ વધારી હતી. જેમાં સિંઘ-પીટી કોન્સોર્ટિયમે અપફ્રન્ટ તરીકે અપાનારી રકમને વધારી રૂ. 50 કરોડ કરી હતી. તેમણે અગાઉ રૂ. 290 કરોડ અપફ્રન્ટની ઓફર કરી હતી.
ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવોને કારણે ફુગાવો 4 ટકાથી દૂરઃ RBI
ફેબ્રુઆરીમાં રિટેલ ઈન્ફ્લેશન માટેનો સીપીઆઈ 5.09 ટકા પર નોંધાયો હતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મતે રિટેલ ઈન્ફ્લેશનને નરમ પડવામાં ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવો અવરોધરૂપ છે. બેંક રેગ્યુલેટરે માર્ચ મહિના માટેના તેના બુલેટીનમાં ‘સ્ટેટ ઓફ ઈકોનોમી’ નામના આર્ટિકલમાં નોંધ્યું છે કે ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવો રિટેલ ફુગાવાને 4 ટકાના ટાર્ગેટ સુધી પહોંચવામાં અવરોધરૂપ છે. જોકે, ગયા ડિસેમ્બર મહિનાથી રિટેલ ઈન્ફ્લેશનનો માપદંડ કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ઘટી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સીપીઆઈ 5.09 ટકા પર જોવા મળ્યો હતો. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. મોટાભાગના ટોચના અર્થતંત્રોમાં વૃદ્ધિ દર ધીમો પડી રહ્યો છે અને હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ આગામી સમયગાળામાં વધુ ઘટાડો સૂચવી રહ્યાં છે. ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દર મજબૂત જોવા મળી રહ્યો છે. અપ્રત્યક્ષ કરવેરાની આવક મજબૂત જળવાય છે. સબસિડિઝ પણ નીચા સ્તરે જોવા મળે છે. માગનું ચિત્ર ઉજળું છે. તેમજ કોર્પોરેટ અને બેંક્સની બેલેન્સ શીટ્સ મજબૂત છે. જે આગામી સમયગાળામાં વૃદ્ધિ દરને મજબૂત જાળવી શકે છે.
Market Summary 19/03/2024
March 19, 2024