ફેડ હોકિશ જળવાતાં બજારોમાં ફરી વેચવાલી
બુધવારે ડાઉ જોન્સમાં 2 ટકાનું ગાબડું
સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી અલ્પજિવી નીવડી
ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 13.96ની સપાટીએ
પીએસઈ અને આઈટી સિવાય સાર્વત્રિક નરમાઈ
એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા તૂટ્યો
લાર્સન, હિંદુસ્તાન ઝીંક નવી ટોચે
બીએસઈ, ડેલ્હીવેરીમાં નવા તળિયાં
યુએસ ફેડ તરફથી હોકિશ વલણ પાછળ શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી. બુધવારે યુએસ બજારમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 2 ટકા ઘટ્યો હતો. જેની પાછળ એશિયા, યુરોપ સહિતના મોટાભાગના બજારોમાં નરમાઈ જળવાય હતી. ભારતીય બજારમાં પણ બે દિવસથી જોવા મળતો સુધારો અટક્યો હતો. બીએસઈ સેન્સેક્સ 187.31 પોઈન્ટ્સ ગગડી 60,858.43ની સપાટીએ જ્યારે નિફ્ટી 57.50 પોઈન્ટ્સ ગગડી 18,107.85ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 ઘટાડા સાથે બંધ જોવા મળતાં હતાં. જ્યારે 19માં સુધારો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નરમ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3626 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1914 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1591 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ જોવા મળતાં હતાં. 129 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 49 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
ગુરુવારે ઘણા સત્રો બાદ માર્કેટે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. તેમજ દિવસ દરમિયાન તે નેગેટિવ ઝોનમાં જ જળવાયો હતો. જે માર્કેટમાં ઊંચા સ્તરે ડિસ્ટ્રીબ્યુશનનો સંકેત ગણી શકાય. નિફ્ટી અગાઉના 18165ના બંધ સામે 18120ની સપાટી પર ખૂલી ઉપરમાં 18155 અને નીચામાં 18064ની સપાટી પર ટ્રેડ થયો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 2 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ જોવા મળ્યો હતો. છેલ્લી બે એક્સપાયરી સિરિઝમાં પ્રથમવાર કેશની સામે ઈન્ડેક્સ ફ્યુચર્સ ડિસ્કાઉન્ટમાં ગયો હોવાનું બન્યું છે. જે ઉંચા મથાળે લોંગ લિક્વિડેશન જોવા મળ્યું હોવાનું સૂચવે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18250નો અવરોધ છે. જે નજીકના સમયમાં પાર થાય તેવી શક્યતાં ઓછી છે. બીજી બાજુ જો 18000નું સ્તર તૂટશે તો બેન્ચમાર્ક ફરી 17800 પર જોવા મળી શકે છે. નિફ્ટીને ગુરુવારે સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં પીએસયૂ શેર્સ ટોચ પર હતાં. જેમાં કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને બીપીસીએલ અગ્રણી હતાં. આ ઉપરાંત યૂપીએલ, એસબીઆઈ લાઈફ, તાતા સ્ટીલ અને એચડીએફસી લાઈફ તરફથી પણ સપોર્ટ સાંપડ્યો હતો. જોકે બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝમાં 4 ટકાનું ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ, અદાણી પોર્ટ્સમાં પણ નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો માત્ર જાહેર સાહસો અને આઈટી સેક્ટરમાં પોઝીટીવ મૂવમેન્ટ જોવા મળી હતી. જાહેર સાહસોમાં પીએસયૂ બેંક્સનો પણ સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ 0.7 ટકા સુધારે બંધ રહ્યો હતો જેમાં કોલ ઈન્ડિયા અને ઓએનજીસી ઉપરાંત સેઈલ, આઈઓસી, હિંદપેટ્રો, બીપીસીએલ, કોન્કોર, હિંદુસ્તાન એરોનોટિક્સમાં મજબૂતી જોવા મળી હતી. પીએસયૂ બેંક શેર્સમાં ઈન્ડિયન બેંક 2.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક, કેનેરા બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી સાધારણ પોઝીટીવ જળવાયો હતો. જેમાં કોફોર્જ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા અને વિપ્રો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી, મેટલ, ફાર્મા અને એનર્જીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી એક ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જેમાં યુનાઈડેટ સ્પિરિટ્સ, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ, મેરિકો, આઈટીસી અને નેસ્લે ઘટવામાં ટોચ પર હતાં. બીજી બાજુ જ્યુબિલિઅન્ટ ફૂડ, વરુણ બેવરેજિસ અને ઈમામી સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 0.6 ટકા તૂટ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો અને મોઈલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ હિંદુસ્તાન ઝીંક 4.5 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત વેદાંત, જિંદાલ સ્ટીલ અને એએમડીસીમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ 8 ટકા સુધારા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, પોલીકેબ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટોમેશન, યૂપીએલ, વેદાંત, ઈન્ટરગ્લોબ એવિએશન, શ્રી સિમેન્ટ્સ, વોડાફોન આઈડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ટોરેન્ટ પાવર 5 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આરબીએલ બેંક, મણ્ણાપુરમ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ઝી એન્ટરટેઈનમેન્ટ, બલરામપુર ચીની, આદિત્ય બિરલા ફેશનમાં પણ 2 ટકાથી વધુ નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સ્વાન એનર્જી, હિંદુસ્તાન ઝીંક, મહિન્દ્રા સીઆઈઈ, લાર્સન અને એપીએલ એપોલોનો સમાવેશ થતો હતો. જ્યારે આલોક ઈન્ડસ્ટ્રીઝ, ક્વેસ કોર્પ, રિલેક્સો ફૂટવેર, બીએસઈ લિમિટેડ, શિલ્પા મેડીકેર, ડેલ્હીવેરી, નેટ્કો ફાર્મા, લૌરસ લેબ્સ વાર્ષિક તળિયું દર્શાવી રહ્યાં હતાં.
કોટનમાં ખેડૂતોના સંગ્રહ-ઠંડી પાછળ સિઝન લાંબી ચાલશે
ચાલુ વર્ષે 3.5 કરોડ ગાંસડી ઉત્પાદનના અંદાજ સામે હજુ 1.05 કરોડ ગાંસડી માલ જ બજારમાં પ્રવેશ્યો
ખાંડીમાં તળિયાના ભાવથી રૂ. 7 હજારના સુધારા બાદ અન્ડરટોન નરમ
ઓક્ટોબરથી શરૂ થયેલા નવા કોટન વર્ષમાં શરૂઆતી ત્રણ મહિનાથી વધુ સમય વિતી ગયા છતાં આવકો અંદાજિત પાકના 30 ટકા પર પણ પહોંચી નથી. જેનું કારણ ખેડૂતો તરફથી ઊંચા ભાવની અપેક્ષામાં સંગ્રહાખોરી ઉપરાંત છેલ્લાં પખવાડિયામાં આવક પર ઠંડીની અસર હોવાનું વર્તુળો જણાવે છે. કોટન વર્ષ 2022-23(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 3.5 કરોડ ગાંસડી પાકના અંદાજ સામે 15 જાન્યુઆરી સુધીમાં 1.05 કરોડ ગાંસડી પાક બજારમાં પ્રવેશ્યો હોવાનું માનવામાં આવે છે. આમ 30 ટકાથી પણ ઓછા માલનું માર્કેટિંગ થયું છે. જેને જોતાં માર્ચ મહિના સુધી ઊંચી આવકો જળવાય તેમ વર્તુળોનું કહેવું છે.
સામાન્યરીતે ડિસેમ્બરમાં કોટનની આવકોમાં પીક જોવા મળતી હોય છે. જે વખતે દૈનિક ધોરણે 2 લાખથી 2.5 લાખ ગાંસડી માલ બજારમાં પ્રવેશતો હોય છે. જોકે ચાલુ સિઝનમાં 1.5 લાખ ગાંસડીથી વધુ આવકો જોવા મળી નથી. જેનું કારણ શરૂઆતી સમયગાળામાં ખેડૂતોમાં ઊંચો ભાવ લેવાની વૃત્તિ હતી. જેને કારણે નવેમ્બરમાં તેમના તરફથી જોઈએ તેવી આવકો જળવાય નહોતી. ડિસેમ્બરમાં આવકો વધવાની અપેક્ષા હતી. જોકે વૈશ્વિક બજારમાં ભાવમાં નરમાઈ પાછળ સ્થાનિક ભાવમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો અને ખેડૂતોને ભરાઈ પડ્યાં હોય તેમ લાગ્યું હતું. જોકે છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ભાવ ચાલુ વર્ષના તળિયેથી નોંધપાત્ર પરત ફર્યાં હતાં. ડિસેમ્બરના આખરી સપ્તાહમાં રૂ. 56000-57000 પ્રતિ ખાંડી પર ઉતરી ગયેલા ભાવ ગુરુવારે સવારે રૂ. 63500-64000ની રેંજમાં જોવા મળતાં હતાં. જે પાછળથી રૂ. 500ની નરમાઈ સાથે રૂ. 63000-63500 પર બોલાતાં હતાં. વર્તુળોના મતે ગુરુવારથી આવકોમાં વૃદ્ધિ જોવા મળી હતી ગુજરાતમાં 34-35 હજાર ગાંસડી પર જોવા મળતી આવકો વધી 44 હજાર પર પહોંચી હતી. જ્યારે દેશમાં 1.3 લાખ ગાંસડીની આવકો જળવાય હતી. જેને કારણે પણ ભાવ પર દબાણ જોવા મળી શકે છે. ઠંડી ઓછી થવા સાથે આવકમાં વૃદ્ધિની શક્યતાં છે અને દૈનિક 2 લાખ ગાંસડી સુધી આવકો પહોંચી શકે છે. કેમકે ખેડૂતો તથા મિલો, બંને માટે ભાવ સારા છે. જે ખેડૂતોએ સિઝનની શરૂમાં રૂ. 65-68 હજારની રેંજમાં માલ નહોતો વેંચ્યો તેઓ પાછળથી પસ્તાયાં હતાં. વર્તમાન ભાવ તેમને સરકાર નિર્ધારિત એમએસપી કરતાં ઊંચો ભાવ મળી રહ્યો છે તેથી તેઓ લોભ રાખ્યાં વિના બજારમાં માલ ઠાલવે તેવી શક્યતા ઊંચી છે. કેમકે વૈશ્વિક સ્તરે કોટનની માગમાં ઘટાડા પાછળ ભાવ ઘટે તેવી શક્યતાં ઊંચી હોવાનું વર્તુળો જણાવે છે. હાલમાં ખેડૂતો તેમની પાસેના ક્વોલિટી માલોનો સંગ્રહ કરી રહ્યાં છે. જ્યારે હલકા માલ છોડી રહ્યાં છે. તેમને લાગે છે કે ઓફ સિઝનમાં ક્વોલિટી માલના ઊંચા ભાવ મળી રહેશે. જોકે છેલ્લાં બે વર્ષોથી કોટનમાં જોવા મળેલી તેજી બાદ હાલમાં ભાવ રેંજ બાઉન્ડ ટકેલાં છે. ચાલુ સિઝનની શરૂઆતથી તે મોટેભાગે સરેરાશ રૂ. 65000 આસપાસ જળવાયાં છે. જે સારા ભાવ છે. ચીન, બાંગ્લાદેશ સહિતના દેશોની નીચી માગને જોતાં ભાવમાં ઝડપી તેજીની શક્યતાં નથી. ઊપરાંત યુએસ અને બ્રાઝિલ ખાતે પણ પાક સારો છે અને તેથી તેઓ નિકાસ બજારમાં ભારત કરતાં સ્પર્ઘાત્મક છે. આ સ્થિતિમાં સ્થાનિક બજારમાંથી નિકાસની નીચી શક્યતાં જોતાં સ્થાનિક માલોમાં ઊભું થયેલું પ્રિમીયમ હવે ઘણું ખરું ઘટી ચૂક્યું છે. કોટન વર્તુળોના મતે ડિસેમ્બરથી ગાર્મેન્ટની માગમાં થોડો સુધારો જોવા મળ્યો છે. જોકે સ્પીનર્સ માટે સ્થિતિ હજુ પણ આકર્ષક નથી. જેને જોતાં તેઓ ઊંચા ભાવે ખરીદીથી દૂર જ રહેશે. આગામી બજેટમાં જો સરકાર કોટનની નિકાસ પરની ડ્યુટીને નાબૂદ કરવાનો નિર્ણય લે તો સ્થાનિક ભાવ પર દબાણ જોવા મળી શકે છે. આ સ્થિતિમાં માલ પકડીને બેઠેલાં ખેડૂતોએ પસ્તાવાનો વારો આવી શકે છે.
મર્જર બાદ HDFC બેંકમાં 3 અબજ ડોલરનો FPI ફ્લો જોવાશે
એચડીએફસી બેંક અને પેરન્ટ એચડીએફસીના મર્જર બાદ બનનારી કંપનીમાં જો વિદેશી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ માટેની જગ્યા 15 ટકાથી ઉપર જળવાશે તો વિદેશી રોકાણકારો તરફથી નવો 2.5-3 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળે તેવી શક્યતાં હોવાનું એનાલિસ્ટ્સનું કહેવું છે.
ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં એચડીએફસી-એચડીએફસી બેંકમાં સંયુક્તપણે વિદેશી હોલ્ડિંગ્સ લગભગ 61 ટકા આસપાસ જોવા મળી રહ્યું હતું. જે ફોરેન ફંડ્સને વધુ 17.5 ટકાનો ઈન્વેસ્ટીબલ રૂમ પૂરો પાડે છે એમ એનાલિસ્ટ જણાવે છે. તેમના મતે મર્જ્ડ કંપનીમાં નવા વિદેશી રોકાણ માટે 15 ટકાથી વધુ જગ્યા હોવી જોઈએ. જ્યારબાદ જ ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈ માટે શેરના ઈન્ડેક્સમાં સમાવેશ, વેઈટેજ અસાઈનીંગ અને વેઈટ રિવિઝન્સ માટેની શક્યતાં રહેશે. વિદેશી પેસિવ ફંડ્સ આવા સૂચકાંકોના બેસીસ પર તેમના સ્ટોક પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શનનો નિર્ણય લેતાં હોય છે. એચડીએફસી બેંક હાલમાં એમએસસીઆઈ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સનો ભાગ નથી. જ્યારે એચડીએફસી ઈન્ડેક્સમાં 6 ટકાનું વેઈટેજ ધરાવે છે. ઈન્ડેક્સમાં ઊંચું વેઈટેજ અને વિદેશી રોકાણ માટે વધારાની જગ્યા મર્જ્ડ કંપનીમાં એફપીઆઈ તરફથી વધુ ઈનફ્લો આકર્ષી શકે છે. જો ઈન્વેસ્ટીબલ રૂમ 15 ટકાથી નીચો રહેશે તો ઈનફ્લોમાં વૃદ્ધિની શક્યતાં નથી રહેતી. નવી કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન આ માટે નિર્ણાયક બની રહેશે.
એપલના ચાઈનીઝ સપ્લાયર્સને સંયુક્ત સાહસ મારફતે ફેક્ટરી સ્થાપવાની મંજૂરી
ચીનની 17 કંપનીઓમાંથી 14 કંપનીઓને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી
કેન્દ્ર સરકાર યુએસ જાયન્ટ એપલના 14 જેટલાં સપ્લાયર્સને ભારતીય કંપનીઓ સાથે સંયુક્ત સાહસ મારફતે ‘મેક ઈન ઈન્ડિયા’ માટે છૂટ આપી છે. સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારીમાં તેઓ ભારતમાં ફેક્ટરીની સ્થાપના કરી શકશે. દેશમાં આઈફોન વેલ્યૂ ચેઈનના વિસ્તરણ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગને વેગ આપવા માટે સરકાર આમ કરી રહી છે.
સરકારનો સંપર્ક કરનાર ચીનની 17 જેટલી કંપનીઓમાંથી 14 કંપનીઓએ શરૂઆતી મંજૂરી મેળવી હોવાનું અધિકારીઓ જણાવે છે. આ કંપનીઓમાં લક્શારે, સની ઓપ્ટીકલ, હેન્સ લેઝર ટેક્નોલોજી, યૂટો પેકેજિંગ ટેક્નોલોજી, સ્ટ્રોંગ, સાલકોમ્પ અને બોસોનનો સમાવેશ થાય છે. તેઓ અન્ય સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સને પણ કોમ્પોનેન્ટ્સ સપ્લાય ધરાવે છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ચાઈનીઝ કંપનીઓને ભારતમાં તેમની સંપૂર્ણ માલિકીની કંપની સ્થાપવાની છૂટ નહિ આપવામાં આવે. મેન્યૂફેક્ચરિંગ માટેની આખરી મંજૂરી એકવાર સંયુક્ત સાહસની રચના થઈ જાય ત્યારબાદ પાછળથી આપવામાં આવશે. ભારત સરકારના નિર્ણય અંગે એપલે જોકે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓ સપ્લાય ચેઈનમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરે તેમ અમે ઈચ્છી રહ્યાં છીએ. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ચાઈનીઝ કંપનીઓ સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી રચશે. આખરી મંજૂરી આપતી વખતે સંપૂર્ણપણે ડ્યુ ડિલિજન્સ કરવામાં આવશે. જેથી દેશના હિતોને કોઈ આંચ આવે નહિ એમ તેઓ ઉમેરે છે. સરકારે આ નિર્ણય લેવા માટેનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગમાં સ્થાનિક વેલ્યૂ એડિશનને આત્મનિર્ભર બનાવવા માટેની જરૂરિયાત છે. ચાઈનીઝ કંપનીઓના પાર્ટિસિપેશન વિના ભારતમાં એપલ પ્રોડક્ટ્સ માટેની ઈકો સિસ્ટમને ઊભી કરવી અઘરી તેમજ સમયની રીતે ખૂબ ખર્ચાળ છે એમ અધિકારી ઉમેરે છે.
રિલાયન્સ કેપિટલ માટે 23 જાન્યુ.એ સેકન્ડ ઓક્શનનો પ્રસ્તાવ
એડીએજી જૂથની રિલાયન્સ કેપિટલના વહીવટીઓએ એનસીએલટી ખાતે ઓક્શનના બીજા રાઉન્ડને 23 જાન્યુઆરીએ યોજવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો આખરી નિર્ણય એનસીએલટીએ લેવાનો રહેશે. અગાઉ બીજું ઓક્શન 19 જાન્યુઆરીએ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે બીજા રાઉન્ડના ઓક્શન પર સ્ટે મૂકવાની માગણી કરતાં તારીખને લંબાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એનસીએલટીના વિગતવાર આદેશની રાહ જોવામાં આવી રહી છે કેમકે કમિટિ ઓફ ક્રેડિટર્સે તેમની દલીલો પૂરી કરવાની હજુ બાકી છે. એનસએલટીએ એડમિનિસ્ટ્રેટર્સની રજૂઆતને રેકર્ડ પર લીધી હતી અને સીઓસીની બંનેમાંથી એકપણ બીડર્સને રેસોલ્યુશન પ્રોસેસમાંથી પરત ખેંચવાની છૂટ નહિ આપવાની વિનંતી કરી હતી.
ડિસેમ્બરમાં આયર્ન ઓરની નિકાસમાં વાર્ષિક 5 ગણો ઉછાળો
દેશમાંથી આયર્ન ઓરની નિકાસ પરની ડ્યુટીને રદ કરવામાં આવતાં વાર્ષિક ધોરણે કોમોડિટીની નિકાસમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. ડિસેમ્બર મહિનામાં આયર્ન ઓરની નિકાસ 22.6 લાખ ટન પર જોવા મળી હતી. વર્ષ અગાઉ સમાનગાળામાં તે 3.8 લાખ ટન પર જોવા મળી હતી. જ્યારે નવેમ્બર 2022ની સરખામણીમાં કોમોડિટીની નિકાસમાં સાત ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલ 2022 પછી ડિસેમ્બરમાં વર્ષ દરમિયાન સૌથી સારી નિકાસ જોવા મળી હતી. એપ્રિલમાં 30.5 લાખ આયર્ન ઓર નિકાસ નોંધાઈ હતી. ત્યારબાદ મેમાં પણ 27 લાખ ટનની નિકાસ જોવા મળી હતી. જોકે ત્યારબાદ નિકાસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1959.2 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1241.4 કરોડની સરખામણીમાં 68 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના પ્રોવિઝન્સ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1654.1 કરોડની સરખામણીમાં ઘટીને રૂ. 1064.7 કરોડ પર જોવા મળ્યાં હતાં. બેંકની બેડ લોન વર્ષ અગાઉના 2.11 ટકા પરથી ઘટી 2.06 ટકા પર રહી હતી. જ્યારે નેટ એનપીએ 0.62 ટકા પર જોવા મળી હતી.
એસબીઆઈઃ દેશમાં ટોચના લેન્ડરે 7.7 ટકા કૂપન રેટ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડના બીજા ઈસ્યુમાં 9,718 કરોડ ઊભા કર્યાં છે. બેંકે ગયા મહિને પ્રથમ રાઉન્ડમાં ગ્રીન બોન્ડ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કર્યાં હતાં. બોન્ડનો સમયગાળો 15-વર્ષનો છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમઃ આઈટી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 237.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 220 કરોડ પર હતો. કંપનીની આવક પણ બીજા ક્વાર્ટરમાં રૂ. 2049 કરોડની સરખામણીમાં વધીને રૂ. 2169.4 કરોડ પર રહી હતી. કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ગોઆ કાર્બનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 25.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.3 કરોડ પર હતો. કંપનીની આવક પણ બીજા ક્વાર્ટરમાં રૂ. 216.1 કરોડની સરખામણીમાં 93 ટકા ઉછળી રૂ. 416.8 કરોડ પર રહી હતી.
રેલીસઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 22.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 39.6 કરોડ પર હતો. કંપનીની આવક પણ બીજા ક્વાર્ટરમાં રૂ. 628.1 કરોડની સરખામણીમાં 0.4 ટકા વધી રૂ. 631 કરોડ પર રહી હતી.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 458 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 64 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 279 કરોડનો નફો નોંધાવ્યો હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 20 ટકા વધી રૂ. 3258 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 2739 કરોડ પર હતી.
વેદાંતાઃ કંપની મીનાક્ષી એનર્જી માટે સફળ બીડર તરીકે ઊભરી છે. નાદારી પ્રક્રિયા હેઠળ તે કંપનીની રૂ. 1440 કરોડમાં ખરીદી કરશે. મીનાક્ષી એનર્જી નેલ્લોર ખાતે 1000 મેગાવોટનો કોલ-બેઝ્ડ પાવર પ્લાન્ટ ધરાવે છે. ડીલમાં રૂ. 312 કરોડનું કેશ કોમ્પોનેન્ટ ચૂકવવામાં આવશે.
ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપનીએ તેલંગાણામાં રૂ. 2000 કરોડના ખર્ચે લાર્જ હાયપરસ્કેલ ડેટા સેન્ટરની સ્થાપનાની જાહેરાત કરી છે.
અશોક લેલેન્ડઃ કમર્સિયલ વેહીકલ ઉત્પાદક કંપનીએ શ્રીલંકા ટ્રાન્સપોર્ટ બોર્ડ તરફથી 500 32-સીટર બસ ડિલીવરી માટેનો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા તરફથી પૂરી પાડવામાં આવેલી લાઈન ઓફ ક્રેડિટના ભાગરૂપ છે.
અદાણી ગ્રીન એનર્જીઃ કંપનીએ એસ્સેલ સૌર્ય ઊર્જા કંપની ઓફ રાજસ્થાન લિ.માં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. તેણે અદાણી રિન્યૂએબલ એનર્જી હોલ્ડિંગ દ્વારા રૂ. 15 કરોડનો કેશ ડીલમાં આ ખરીદી પૂરી કરી છે. એસ્સેલ સૌર્ય સોલાર પાર્ક્સ ડેવલપમેન્ટની કામગીરીમાં સક્રિય છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.