બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
પવન બદલાતાં વૈશ્વિક માર્કેટ્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ
નિફ્ટી 16200ની સપાટી કૂદાવી દોઢ મહિનાની ટોચ નજીક
એશિયન બજારોમા હોંગ કોંગ 2.7 ટકા, ચીનમાં 1.55 ટકાનો મજબૂત સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 17.16ના ત્રણ મહિનાના તળિયે
આઈટી, મેટલ, બેંક, મેટલ, એનર્જી અને પીએસઈ સેક્ટર્સમાં લેવાલી
ફાર્મા અને એફએમસીજીમાં ખરીદીને વિરામ
બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશન નવી ટોચ પર
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજીના વંટોળ સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં બદલાયેલા માહોલ પાછળ શુક્રવારે યુએસ બજારો બંધ થયા ત્યારથી જ સ્થાનિક બજારમાં ગેપ-અપ ઓપનીંગની શક્યતા ઊભી થઈ હતી. એશિયન બજારોએ પણ યુએસ બજારને અનુસરતાં ભારતીય બજારને અનૂકૂળતા સાંપડી હતી. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી, બંને એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 760 પોઈન્ટ્સના ચોખ્ખા ઉમેરા સાથે 54521ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 229 પોઈન્ટ્સના સુધારે 16279ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી હતી અને તેની પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં ખરીદી સામે એક શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા નરમાઈ સાથે 17.16ના ત્રણ મહિનાના તળિયે પટકાયો હતો.
સોમવારે શેરબજારનો અંદાજ અલગ જોવા મળતો હતો. જૂનના મધ્યભાગે નિફ્ટીએ 15186નું તળિયું બનાવ્યું ત્યારથી અત્યાર સુધીમાં અનેકવાર શરૂઆતી સુધારો મધ્યાહન પછી ધોવાતો હતો અને બેન્ચમાર્ક નરમ બંધ દર્શાવતો હતો. જોકે સોમવારે તેજીવાળાઓ મક્કમ ઈરાદા સાથે બજારમાં હાજર હતા અને તેથી તેમણે ટ્રેડિંગ બંધ થાય ત્યાં સુધી મંદીવાળાઓને મચક આપી નહોતી. જેને કારણે શોર્ટ સેલર્સે પણ તેમની પોઝીશન કવર કરવા માટે દોટ મૂકવી પડી હતી. જેણે છેલ્લાં એક કલાકમાં બજારને ઓર બળ પૂરું પાડ્યું હતું. જેની પાછળ નિફ્ટી ઈન્ટ્રા-ડે 16288 સુધી ઉછળ્યો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીનું હવેનું લક્ષ્ય 16500નું છે. જો આ સ્તર પાર થશે તો બેન્ચમાર્ક ઓગસ્ટમાં 17 હજારની સપાટી દર્શાવી શકે છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીઝના ભાવમાં ઘટાડાને પગલે ઈન્ફ્લેશન સંબંધી ચિંતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ જબરદસ્ત ઓવરબોટ સ્થિતિમાં પ્રવેશ્યો છે અને તેથી તે કરેક્શન અને કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. બ્રેન્ટ ક્રૂડનું ઘટીને 100 ડોલર આસપાસ સ્થિર થવું પણ ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ બાબત છે. ગયા સપ્તાહે બ્રેન્ટ વાયદો 94 ડોલર સુધી ગગડ્યો હતો અને ત્યાંથી પરત ફરી 102-103 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જોકે નજીકના સમયમાં તેમાં ઊંચી વૃદ્ધિના સંકેતો નથી. યુએસ પ્રમુખ તેમની સાઉદી મુલાકાત દરમિયાન ક્રૂડના ઉત્પાદન વૃદ્ધિને લઈને સમજાવવામાં સફળ રહેશે તો ક્રૂડના ભાવ અપેક્ષિત 80-100 ડોલરની રેંજમાં અથડાતાં જોવા મળી શકે છે.
નવા સપ્તાહે માર્કેટને સપોર્ટ આપવામાં આઈટી સેક્ટર અગ્રણી હતું. ગયા સપ્તાહે વાર્ષિક તળિયા પર ટ્રેડ થયેલો નિફ્ટી આઈટી 3.2 ટકા ઉછળ્યો હતો. ઊંચો સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં એલએન્ડટી ઈન્ફોટેક 6 ટકા, માઈન્ડટ્રી 5 ટકા, ઈન્ફોસિસ 4 ટકા, ટેક મહિન્દ્રા 3.5 ટકા, વિપ્રો 2.8 ટકા અને એલએન્ડટી ટેક્નોલોજી 2.7 ટકા તથા ટીસીએસ 2.3 ટકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિફ્ટી મેટલમાં પણ 2.5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેમાં નાલ્કો 5 ટકા, હિંદાલ્કો 5 ટકા, વેદાંત 4 ટકા, સેઈલ 3.5 ટકા અને એનએમડીસી 3.4 ટકાનો સમાવેશ થતો હતો. બેંકિંગ સેક્ટરમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી અને બેંક નિફ્ટી 2 ટકા ઉછળ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 4.4 ટકા, આઈડીએફસી ફર્સ્ટ બેંક 4.35 ટકા, ફેડરલ બેંક 4.3 ટકા, બંધન બેંક 4 ટકા અને બેંક ઓફ બરોડા 3.8 ટકાનો સમાવેશ થતો હતો. એનર્જી ક્ષેત્રે ઓએનજીસી 2.7 ટકા, ગેઈલ 2.6 ટકા, ટાટા પાવર 1.24 ટકા અને બીપીસીએલ 1.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી અને મિડિયા સૂચકાંકો પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે ફાર્મા અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી.
બ્રોડ માર્કેટમાં નવેસરથી લેવાલી નીકળી હતી. જેને કારણે બીએસઈ ખાતે કુલ 3612 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2302 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1152 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 103 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઊંચો સુધારો દર્શાવનારા કેન્ડિડેટ્સમાં એનબીસીસી 7 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 6.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 6 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 5.8 ટકા, હિંદ કોપર 5.5 ટકા, મધરસન સુમી 5.5 ટકા અને વોલ્ટાસ 5.3 ટકાનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઘટવામાં ઝાયડસ લાઈફ 3.42 ટકા સાથે ટોચ પર હતો. એ સિવાય લૌરસ લેબ્સ 3.3 ટકા, બ્રિટાનિયા 2 ટકા, કોન્કોર 2 ટકા અને ડો. રેડ્ડીઝ લેબ્સ 1.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એનએસડીએલ તરફથી એફઆઈઆઈના પ્રોવિઝ્નલ આંકડા મુજબ તેમણે સોમવારે રૂ. 156 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓની ખરીદી રૂ. 844 કરોડ પર જોવા મળી હતી.
NSEના એમડી-સીઈઓ તરીકે આશિષ ચૌહાણની નિમણૂંકને સેબીની મંજૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ આશિષ ચૌહાણની દેશના સૌથી મોટા સ્ટોક પ્લેટફોર્મ એનએસઈના એમડી અને સીઈઓ તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે. એનએસઈને પાઠવેલા પત્રમાં સેબીએ જણાવ્યું છે કે ચૌહાણની પાંચ વર્ષો માટે નિમણૂંક થવી જોઈએ. રેગ્યુલેટરે ઉમેર્યું હતું કે ચૌહાણની નિમણૂંક એનએસઈ શેરધારકોની તરફથી મંજૂરી સહિતની શરતોના તેમના તરફથી સ્વીકારને આધિન રહેશે. વચગાળા માટે એનએસઈના ગવર્નિંગ બોર્ડે ઈન્ટરનલ એક્ઝીક્યૂટીવ કમિટિ નિમવાનું નક્કી કર્યું છે. જેમાં ગ્રૂપ સીએફઓ અને હેડ કોર્પોરેટ અફેર્સ યાત્રિક વિન, ચીફ રેગ્યુલેટરી ઓફિસર પ્રિયા સુબ્બારામણ, ચીફ એન્ટરપ્રાઈઝ રિસ્ક એન્ડ ઈન્ફર્મેશન સિક્યૂરિટી ઓફિસર સોમસુંદરમ કેએસ અને ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર શિવ કુમાર ભસીનનો સમાવેશ થાય છે. એકવાર નવા એમડી અને સીઈઓ ઓફિસનો ચાર્જ સંભાળશે ત્યારબાદ કમિટિ વિખેરવામાં આવશે. હાલમાં ચૌહાણ બીએસઈના એમડી અને સીઈઓ તરીકેની જવાબદારી નીભાવી રહ્યાં છે.
ડોલરમાં નરમાઈ પાછળ સોનું સુધર્યું, રૂપિયો નવા તળિયે
વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈને પગલે વૈશ્વિક બજાર પાછળ ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે રૂપિયામાં બે બાજુની વધ-ઘટ વચ્ચે ઘટાડો નોંધાયો હતો. સોમવારે રૂપિયો ઈન્ટ્રા-ડે ધોરણે 79.985ના ઐતિહાસિક તળિયાને સ્પર્શ કરી 79.97ના વિક્રમી તળિયે બંધ રહ્યો હતો. એ અગાઉ તે શુક્રવારના 79.88ના બંધ સામે 7 પૈસા સુધારો દર્શાવતો હતો. જોકે ડોલરમાં નરમાઈ સાથે ક્રૂડમાં મજબૂતી જોવા મળી હતી અને તેથી રૂપિયા પર દબાણ આગળ વધ્યું હતું. ઈક્વિટી માર્કેટમાં મજબૂતી પાછળ સવારે એક તબક્કે એવું જણાતુ હતું કે રૂપિયો બાઉન્સ દર્શાવશે. જોકે આમ શક્ય બન્યું નહોતું. જોકે એનાલિસ્ટ્સના મતે સ્થાનિક કરન્સી હાલમાં ઓવરસોલ્ડ ઝોનમાં છે અને તેથી તેમાં ટૂંકાગાળામાં એક બાઉન્સ જોવા મળી શકે છે. વિશ્વ બજારમા ડોલર ઈન્ડેક્સ ગયા સપ્તાહના 107.911ના બંધ સામે ગગડી 107.050ના તળિયા પર ટ્રેડ થઈ 107.225ની સપાટી આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. વૈશ્વિક ગોલ્ડના ભાવમાં અગાઉના બંધની સરખામણીમાં 16 ડોલરનો સુધારો જોવા મળી રહ્યો હતો. કોમેક્સ ઓગસ્ટ ગોલ્ડ ફ્યુચર્સ 1704 ડોલરના બંધ સામે 1720 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ગયા સપ્તાહે આખરી સત્રોમાં તે 1700 ડોલરની નીચે ઉતરી ગયો હતો. જોકે તેણે બંધ 1700 ડોલર પર દર્શાવ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 429ના સુધારે રૂ. 50536ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીમાં પણ એક ટકા કરતાં વધુ મજબૂતી જોવા મળી રહી હતી. સિલ્વર સપ્ટેમ્બર વાયદો રૂ. 680ના સુધારે રૂ. 56267ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો.
ખેડૂતોની આવકમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 1.7 ગણી વૃદ્ધિ નોંધાઈ
એસબીઆઈએ હાથ ધરેલા દેશવ્યાપી ઊંડાણપૂર્વકના અભ્યાસ મુજબ 2022-23ની આખરમાં ખેડૂતની સરેરાશ વાર્ષિક આવક રૂ. 1.73 લાખ થશે
કેલેન્ડર 2014થી અત્યાર સુધીમાં લોન વેઈવરનો લાભ માત્ર 50 ટકા ખેડૂતોને જ મળ્યો
કેન્દ્ર સરકાર નાણા વર્ષ 2022-23 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે દેશની ટોચની બેંક એસબીઆઈએ હાથ ધરેલા એક અભ્યાસ મુજબ 2017-18થી 2021-22 દરમિયાન દેશભરના ખેડૂતોની આવકમાં 1.3થી 1.7 ગણી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે કેટલાંક પ્રદેશોમાં તો ખેડૂતોની આવકમાં બમણી વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં મહારાષ્ટ્રમાં સોયાબિન પકવતાં ખેડૂતો અને કર્ણાટકમાં કોટન પકવતાં ખેડૂતોનો સમાવેશ થાય છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો અભ્યાસ સૂચવે છે કે છેલ્લાં પાંચ નાણાકિય વર્ષોમાં કેશ ક્રોપ એટલેકે રોકડિયા પાકોનું ઉત્પાદન કરતાં ખેડૂતોની આવકમાં નોન-કેશ(રોકડિયા સિવાયના પાકો)નું વાવેતર કરનારા ખેડૂતોની આવકમાં નીચી વૃદ્ધિ જોવા મળી છે. એસબીઆઈએ તેના અભ્યાસમાં તમામ રાજ્યોમાં તેના એગ્રીકલ્ચર પોર્ટફોલિયોના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જે તેની એગ્રી ક્ષેત્રે ઊંચું કામકાજ ધરાવતી શાખાઓ તરફથી વિવિધ પાકોને લઈને તૈયાર થયેલા ડેટા ધરાવે છે. તેણે આ ડેટાના એનાલિસીસ મારફતે પાંચ વર્ષોમાં ખેડૂતોની આવકમાં કેવું પરિવર્તન આવ્યું તેનો અભ્યાસ કર્યો હતો. રિપોર્ટ નોંધે છે કે અમે ખેડૂતોના તમામ સેગમેન્ટ્સમાં પાંચ વર્ષોમાં થયેલા આવકના ફેરફારને સમજવા માટે ભૌગોલિક રીતે સારો વ્યાપ ધરાવતાં તથા તમામ પાકોનું પ્રતિનિધિત્વ ધરાવતાં સારા સેમ્પલનો ઉપયોગ કર્યો હતો. જેમાં મોટા ખેડૂતો, નાના ખેડૂતો તેમજ સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. આંકડાકિય પૃથક્કરણમાં ‘ટી-ટેસ્ટ’, ‘એફટેસ્ટ’ અને ‘લોરેન્ઝ કર્વ’નો પણ ઉપયોગ કર્યો હતો. જેથી સરેરાશ આવકમાં વૃદ્ધિ જમીનની માલિકીમાં અસામનતા અભ્યાસના મહત્વના તારણોને માન્યતા પૂરી પાડતી હોય.
એસબીઆઈ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ખેતી સાથે જોડાયેલી અને બિન-ખેતી કામગીરીઓની આવકમાં પણ ગણતરીમાં લીધેલાં સમયગાળા દરમિયાન ખેડૂતોની આવકમાં જોવા મળેલી વૃદ્ધિને સમાંતર 1.4-1.8 ગણી વૃદ્ધિ જોવા મળી હતી. જે બાબત ખેડૂતોની આવકમાં તેમના ઉત્પાદિત પાકો તરફથી આવક વૃદ્ધિ ઉપરાંત અન્ય પ્રકાર આવકમાં વૈવિધ્યમાં વૃદ્ધિ નોંધાય છે છે તે પ્રકારના 77મા નેશનલ સેમ્પલ સર્વેમાં દર્શાવેલા ટ્રેન્ડને સમર્થન પૂરું પાડે છે. ખેડૂતોની આવતને બમણી કરવા માટે કેન્દ્ર સરકારે રચેલી અશોક દલવાઈ કમિટિએ તેના 14-વોલ્યુમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ખેતી તથા બિન-ખેતી સ્રોતોમાંથી આવકને બમણી કરવા માટે 2015-16થી 2022-23 સુધીમાં વાર્ષિક સ્તરે આવકમાં ઈન્ફ્લેશન-એડજસ્ટેડ બેસીસ પર 10.4 ટકા વૃદ્ધિ થવી જોઈએ. એક અંદાજ પ્રમાણે 2015-16ની આખરમાં ખેડૂત પરિવારની સરેરાશ આવક રૂ. 96703 હતી. જે 2022-23ની આખરમાં રૂ. 1,72,694 થવાનો અંદાજ છે. એસબીઆઈ રિપોર્ટ વિવિધ રાજ્યો તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી છેલ્લાં પાંચ વર્ષોમાં કરવામાં આવેલા ફાર્મ લોન વેઈવર(લોન માંડવાળ)ની પણ ટીકા કરે છે. તેના કહેવા મુજબ લોન માંડવાળ કરવાથી આ મુદ્દે કોઈ રાહત મળી નથી. તેના કારણે કેટલાંક પ્રદેશોમાં ક્રેડિટ ડિસિપ્લિનમાં અવરોધ ઊભા થયા છે અને બેંક્સ તથા નાણાકિય સંસ્થાઓમાં વધુ ધિરાણને લઈને ચિંતા ઊભી થઈ છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ 2014થી અત્યાર સુધીમાં યોગ્યતા ધરાવતાં 3.7 કરોડ ખેડૂતોમાંથી માત્ર 50 ટકાને જ માર્ચ 2022 સુધી લોન વેઈવરનો લાભ મળ્યો છે. જોકે કેટલાંક રાજ્યોમાં 90 ટકાથી વધુ ખેડૂતોને લોન વેઈવરનો લાભ મળ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ મિનિમમ સપોર્ટ પ્રાઈસ(એમએસપી)ના માર્કેટ-લિંક્ડ પ્રાઈસિંગ સાથે નજીકથી જોડાણે પણ ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની ખાતરી પૂરી પાડવામાં ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સાઓમાં એમએસપીને કારણે મહત્તમ પ્રાઈસ ડિસ્કવરી જોવા મળી છે. જેણે હાલમાં 23 જેટલા પાકો માટે બેન્ચમાર્ક ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી છે અને ખેડૂતોને વધુ સારી ઉપજ અથવા તો મૂલ્ય પૂરી પાડતાં પાક તરફ વળવા માટે પ્રેર્યાં છે.
SBI અભ્યાસના મુખ્ય તારણો
• 2017-18થી 2021-22 દરમિયાન ખેડૂતોની સરેરાશ આવકમાં 1.3-1.7 ગણી વૃદ્ધિ
• મહારાષ્ટ્રમાં સોયાબિન અને કર્ણાટકમાં કપાસ ખેડૂતોની આવક બમણી થઈ
• બિન-ખેતીની આવકમાં પણ 1.4-1.8 ગણી વૃદ્ધિ
• રોકડિયા પાકનું વાવેતર કરતાં ખેડૂતોની આવકમાં નોન-કેશ ક્રોપ ખેડૂતો કરતાં ઊંચી વૃદ્ધિ
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈસીઆઈસીઆઈ પ્રૂડેઃ પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરર્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 156 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 186 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીના વીએનબીમાં વાર્ષિક ધોરણે 31.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે ગયા વર્ષે રૂ. 358 કરોડ સામે વધી રૂ. 471 કરોડ પર રહ્યું હતું.
જેએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે જૂન ક્વાર્ટરમાં રૂ. 1993 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 41.28 કરોડ સામે 4728 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું નેટ સેલ્સ ગયા વર્ષે રૂ. 10610 કરોડ પરથી 23 ટકા ઉછળી રૂ. 13045 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે ઈપીએસ રૂ. 0.4 પરથી ઉછળી રૂ. 19.73 પર રહી હતી.
એલટીટીએલઃ એલએન્ડટી ટેક્નોલોજીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1874 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જે ગયા વર્ષે રૂ. 1518 કરોડના વેચાણ સામે 23 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો ગયા વર્ષના રૂ. 216.2 કરોડ પરથી 27 ટકા ઉછળી રૂ. 274.20 કરોડ પર રહ્યો હતો. ઈપીએસ રૂ. 25.98 પર જોવા મળી હતી.
ડેન નેટવર્કઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 283 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 303 કરોડ પર હતી. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે રૂ. 47.5 કરોડ પરથી 14 ટકા ગગડી રૂ. 40.9 કરોડ પર રહ્યો હતો.
જસ્ટ ડાયલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 48.36 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3.52 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 165.41 કરોડ પરથી 11.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 185.60 કરોડ પર જોવા મળી હતી.
ઓબેરોય રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 403 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 80.81 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 284.3 કરોડ પરથી ઉછળી રૂ. 913.1 કરોડ જોવા મળી હતી.
બીઈએલઃ પીએસયૂ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 432 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 11 કરોડ પર હતો. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે રૂ. 63 કરોડ પરથી વધી રૂ. 514 કરોડ જોવા મળ્યો હતો.
હેપ્પીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોઃ ડિજીટલાઈઝેશન ક્ષેત્રે સક્રિય આઈટી કંપનીએ બેંગલૂરૂ ખાતે રૂ. 101 કરોડમાં 2.4 લાખ ચો.ફૂટ જગ્યા ખરીદી છે.
રાઈટ્સઃ નેશનલ રેલ્વેઝ ઓફ ઝિમ્બામ્વેએ ભારત ખાતેથી 350 વેગન્સ, 9 લોકોમોટીવ્સ આયાત કરવા માટે ભારતીય રેલ કંપની રાઈટ્સ સાથે ડીલ કર્યું છે.
Market Summary 18 July 2022
July 18, 2022