નિફ્ટીએ 14320નો સપોર્ટ તોડ્યો
બેન્ચમાર્ક નિફ્ટીએ અવરલી ચાર્ટ પર તેનો નજીકનો એવો 14320 સપોર્ટ તોડ્યો હતો. જે તૂટતાં હવે ડેઈલી ચાર્ટ પર 20-ડીએમએનો 14100નો સપોર્ટ મહત્વનો બની રહેશે. જો આ સ્તર તૂટશે તો બેન્ચમાર્કને 34-ડીએમએનો 13850નો સપોર્ટ રહેશે. આમ નિફ્ટી 14000ની નીચે જવાની શક્યતા એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે.
માર્કેટમાં કરેક્શનના આરંભે જ મીડ-સ્મોલ કેપ્સમાં 18 ટકા સુધીનો ઘટાડો
અંતિમ ત્રણેક ટ્રેડિંગ સત્રોથી બજાર નરમાઈ દર્શાવી રહ્યું છે ત્યારે કેટલાક બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સ ઝડપથી તૂટ્યાં
ફાર્મા, ખાનગી બેંકિંગ, એનબીએફસી અને કોમોડિટીઝ કંપનીઓના શેર્સમાં ઊંચા મથાળે જોવા મળેલું પ્રોફિટ બુકિંગ
શેરબજારમાં ટ્રેન્ડ બદલાવાની શરૂઆત થઈ છે. સતત નવ મહિનાથી સુધારો દર્શાવ્યાં બાદ ગયા સપ્તાહથી પવનની દિશા બદલાઈ છે ત્યારે ઝડપી સુધારો દર્શાવનારા હવે ઘટવામાં પણ અગળ જોવા મળે છે. બેન્ચમાર્ક નિફ્ટી તેની ટોચથી 2.5 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સ તેમણે છેલ્લા પખવાડિયામાં બનાવેલી ટોચથી 18 ટકા જેટલાં તૂટી ચૂક્યાં છે. જેમાં એનર્જી, ફાર્મા, બેંકિંગ, એનબીએફસી સહિતની કંપનીઓના સમાવેશ થાય છે.
સોમવારે નિફ્ટી મીડ-કેપમાં 2.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.77 ટકા જેટલો તૂટ્યો હતો. મીડ-કેપ ઈન્ડેક્સ તેણે તાજેતરમાં દર્શાવેલી ટોચ સામે 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જો એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ શેર્સના દેખાવનો અભ્યાસ કરીએ તો તેઓ અંતિમ ત્રણેક સત્રોમાં 18 ટકા જેટલા તૂટ્યાં છે. જેમાં સુઝલોન એનર્જિનો શેર ઘટવામાં ટોચ પર છે. નોંધપાત્ર સમય સુધી અપર સર્કિટમાં બંધ રહ્યાં બાદ હવે કાઉન્ટરમાં તેજીના વળતાં પાણી થયાં છે અને અંતિમ કેટલાંક સત્રોમાં શેર સતત ઘસાયો છે. જાન્યુઆરીની રૂ. 8.45ની ટોચથી સોમવારે તે રૂ. 6.45ની સપાટી સુધી ગગડ્યાં બાદ સપોર્ટ મેળવીને પોઝીટીવ બંધ રહ્યો હતો. કોવિડ-19 વેક્સિન બનાવનાર એસ્ટ્રાઝેનેકાની ભારતીય પેટાકંપનીનો શેર તેની તાજેતરની રૂ. 4840ની ટોચથી 17 ટકાથી વધુના ઘટાડે રૂ. 4000 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ જ રીતે પીએસયૂ સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો શેર પણ રૂ. 79ની તેની ત્રણેક વર્ષની ટોચ દર્શાવ્યાં બાદ 16 ટકા જેટલો ઘટી રૂ. 65.9ની સપાટી પર બંધ રહ્યો હતો. સોમવારે તેણે 6 ટકા જેટલો ઘટાડો દર્શાવ્યો હતો. સરકારે સપ્તાહાંતે ઓફર-ફોર-સેલ મારફતે કંપનીનો 10 ટકા હિસ્સો વેચાણ કરતાં શેરના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. કંપનીના શેરનો ભાવ જ્યારે રૂ. 75 ઉપર ચાલી રહ્યો હતો ત્યાર સરકારે નીચા ભાવે ઓએફએસની જાહેરાત કરી હતી અને તેની પાછળ ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્ટીલની મજબૂત માગ પાછળ સતત ભાવ વૃદ્ધિને કારણે ડિસેમ્બરમાં સેઈલનો શેર 60 ટકા જેટલો ઉછળ્યો હતો. ખાનગી ક્ષેત્રની બંધન બેંકનો શેર પણ રૂ. 425ની તાજેતરની ટોચથી ગગડી રૂ. 366 પર જોવા મળ્યો છે. જે સૂચવે છે કે ઊંચા મથાળે બેંકિંગમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સોમવારે બજારને સપોર્ટ કરવા સાથે એકમાત્ર એચડીએફસી બેંક જ પોઝીટીવ ટ્રેડ દર્શાવતો હતો. સારી એસેટ ક્વોલિટી છતાં બંધન બેંકમાં નરમાઈ જોવા મળી છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપની ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના શેરમાં સોમવારના ઘટાડા સાથે ટોચના ભાવથી 14 ટકા ધોવાણ જોવા મળ્યું છે. સપ્તાહાંતે ડીએચએફએલની ખરીદી માટે પિરામલ એન્ટરપ્રાઈઝની પસંદગીના અહેવાલ છતાં સોમવારે એનબીએફસી કંપનીઓના શેર્સમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અગ્રણી કાઉન્ટર બની રહ્યું હતું. ઊંચો ઘટાડો દર્શાવનારા એનએસઈ-500 જૂથના અન્ય કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન(-14 ટકા), હિંદુસ્તાન ઝીંક(-14 ટકા), ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ(-14 ટકા), બજાજ ઈલેક્ટ્રીક(-14 ટકા) અને આઈટી કંપની કોફોર્જ(-14 ટકા)નો સમાવેશ થાય છે.
તાજેતરની ટોચથી ઝડપી ઘટાડો દર્શાવનારા શેર્સ
સ્ક્રિપ્સ તાજેતરની ટોચ(રૂ) બજારભાવ(રૂ) ઘટાડો(%)
સુઝનોલ 8.45 6.95 -17.8
એસ્ટ્રાઝેનેકા 4840 4000 -17.4
સેઈલ 79 65.9 -16.6
બંધન બેંક 424.9 355.95 -16.2
એલ્ગી ઈક્વિપમેન્ટ 193 162.95 -15.6
રેઈન કોમો. 155.65 132.5 -14.9
ઈન્ડિયાબુલ્સ હાઉ. 250 214.2 -14.3
અદાણી ગ્રીન 1113.7 955.95 -14.2
હિંદુસ્તાન ઝીંક 312 268 -14.1
જેસીએચએસી 2805 2415.65 -13.9
ઈન્ડિયાબુલ્સ રિઅલ 90.45 77.9 -13.9
બજાજ ઈલે. 820 709 -13.5
કોફોર્જ 2885 2495 -13.5
એચડીએફસી બેંકના શેરે રૂ. 1500ની સપાટી પાર કરી
ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામો દર્શાવવા બદલ એચડીએફસી બેંકનો શેર સોમવારે નરમ બજારમાં પણ એકલવીરની જેમ મજબૂત ટકેલો રહ્યો હતો. તેમજ બજારને સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો. કંપનીનો શેર 2 ટકા સુધરી રૂ. 1500ની સપાટી કૂદાવી તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે રૂ. 8.17 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ ત્રીજા ક્રમનું હતું.
ન્યૂલેન્ડ લેબો.નો શેર 18 ટકા ઉછળ્યો
ફાર્માસ્યુટીકલ કંપની ન્યૂલેન્ડ લેબોરેટરીઝનો શેર સોમવારે 18 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1222ના ભાવ સામે રૂ. ઈન્ટ્રા-ડે રૂ. 190ના સુધારે રૂ. 1442ની ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે 12 ટકાના સુધારે બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 247ના તળિયા સામે લગભગ સાડા ચાર ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી મીડ-કેપ 2 ટકાથી વધુ તૂટ્યો
નવા સપ્તાહે માર્કેટની શરૂઆત નિરાશાજનક થઈ રહી. બેન્ચમાર્કસ એક ટકાનો ઘટાડો દર્શાવી બંધ રહ્યાં હતાં તો મીડ-કેપ્સમાં 2 ટકાથી વધુનો ઘટોડ નોંધાયો હતો. નિફ્ટી મીડ-કેપ 2.12 ટકા અથવા 464 પોઈન્ટ્સના ઘટાડે 21470ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.77 ટકા અથવા 131 પોઈન્ટ્સ તૂટી રૂ. 7271 પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ નરમ જોવા મળી હતી. 3172 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2093 નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 935 તેમના અગાઉના બંધ સામે સુધારો નોંધાવી બંધ રહ્યાં હતાં.