બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં તેજીને બ્રેક, બેંકિંગ-ઓટોમાં વેચવાલી જારી
છેલ્લાં કેટલાક સત્રોથી સતત વેચવાલી દર્શાવતાં રહેલાં ભારતીય બજારમાં તેજીને બ્રેક લાગી હતી. એશિયન બજારો પોઝીટીવ હતાં ત્યારે પંટર્સે લાગ જોઈને ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ કર્યું હતું અને એક તબક્કે નોંધપાત્ર પોઝીટીવ ટ્રેડ દર્શાવતું બજાર નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું અને ઘટાડે જ બંધ રહ્યું હતું. માર્કેટને બેંકિંગ તરફથી આજે પણ સપોર્ટ સાંપડ્યો નહોતો અને અગ્રણી બેંક શેર્સમાં એકથી બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો શેર્સ પણ નરમાઈ દર્શાવતાં હતાં. જોકે આઈટી, ફાર્મા અને એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચાણનું દબાણ જળવાયું હતું.
બજાજ ફાઈનાન્સ રૂ. 4 લાખ કરોડના એમ-કેપ નજીક
બજાજ જૂથની બે લિસ્ટેડ એનબીએફસી કંપનીઓના શેર્સમાં સુધારાનો ક્રમ ચાલુ છે. બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે બજાજ ફિનસર્વનો શેર 2 ટકા ઉછળી રૂ. 15 હજારના સ્તરને કૂદાવી રૂ. 15235 પર જોવા મળ્યો હતો. જ્યારે બજાજ ફાઈનાન્સનો શેર પણ 2 ટકાથી વધુ ઉછળી રૂ. 6641ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 4 લાખ કરોડથી સહેજ છેટે રહી ગયું હતું.
ઓરોબિંદો ફાર્માનો શેર વર્ષના તળિયે પહોંચ્યો
બેન્ચમાર્ક્સ જ્યારે તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે કેટલાક ફાર્મા કાઉન્ટર્સમાં ભારે અન્ડરપર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે. જેમાં બે મહિના અગાઉ ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં સમાવિષ્ટ ઓરોબિંદો ફાર્માનો શેર બુધવારે વાર્ષિક તળિયા પર પહોંચ્યો હતો. કંપનીનો શેર 2 ટકા ઘટાડે રૂ. 716ના તળિયા પર ટ્રેડ થઈ રૂ. 721.65ના સ્તરે બંધ રહ્યો હતો. તે રૂ. 1064ની સર્વોચ્ચ ટોચથી 30 ટકા જેટલો કરેક્ટ થઈ ચૂક્યો છે.
મેઘમણિ ફાઈનકેમનું 194 ટકા પ્રિમિયમે લિસ્ટીંગ
અમદાવાદ સ્થિત કેમિકલ બિઝનેસમાં સક્રિય મેઘમણિ જૂથની ડિમર્જ થયેલી મેઘમણિ ફાઈનકેમનું બુધવારે 194 ટકા પ્રિમિયમે લિસ્ટીંગ થયું હતું. કંપનીનો શેર મેઘમણિ ઓર્ગેનિક્સના અગાઉના રૂ. 138.25ના બંધ ભાવ સામે રૂ. 268.20ના સુધારે રૂ. 406.45ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે મેઘમણિ ઓર્ગેનિક્સનો શેર બંધ ભાવથી 35.44 ટકા ઘટાડે રૂ. 89.25ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. ડિમર્જ બાદ જૂથનું કુલ એમ-કેપ લગભગ રૂ. 4 હજાર કરોડ થતું હતું.
શેરબજારમાં ટોચના ભાવે ‘ઈન્સાઈડર’ ટ્રેડિંગમાં તીવ્ર ઉછાળો જોવાયો
કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ તથા પ્રમોટર્સે જુલાઈમાં રૂ. 10000 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કર્યું
જૂન અને મે દરમિયાન ઈન્સાઈડર મારફતે થતું વેચાણ માસિક ધોરણે રૂ. 7 હજાર કરોડ પર હતું
શેરબજારમાં તેજી તેની પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે ‘ઈન્સાઈડર’ ટ્રેડિંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં જ ઈન્સાઈડર્સે રૂ. 10000 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કર્યું હતું. જે જૂન અને મે મહિના દરમિયાન જોવા મળતાં રૂ. 7000 હજારના માસિક વેચાણની સરખામણીમાં 30 ટકા 40 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના પ્રમોટર્સ તથા ઉચ્ચ અધિકારીઓને ઈન્સાઈડર કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે શેરબજારમાં તેમના ટ્રેડિંગને ડિસ્ક્લોઝ કરવાનું રહે છે.
ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં ઈન્સાઈડર્સ તરફથી રૂ. 1160 કરોડના મૂલ્યનું સાધારણ વેચાણ જોવા મળ્યું હતું. જેનું કારણ બજારમાં સુસ્તીનો માહોલ હતો. માર્કેટ દિશાહિન હોવાથી પાર્ટિસિપેશન ઓછું હતું. જોકે ત્યારબાદના મહિનાઓમાં ઈન્સાઈડર તરફથી વેચાણમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. જેમકે મે મહિનામાં તેમણે રૂ. 7013 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે જૂનમાં તે રૂ. 7014 કરોડ પર હતું. જુલાઈમાં આ આંકડો રૂ. 10039 કરોડની વિક્રમી ટોચ પર હતો. આમ વર્તમાન ઐતિહાસિક ટોચ પર જોવા મળી રહેલા ભાવે કંપનીના ફંડામેન્ટલ્સથી સૌથી વધુ પરિચિત અધિકારીઓ તથા પ્રમોટર્સે પણ સ્માર્ટ ઈન્વેસ્ટર્સની માફક પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું. આમાં મીડ-કેપ અને સ્મોલ-કંપનીઓના પ્રમોટર્સનો પણ સમાવેશ થાય છે.
કેટલાક માર્કેટ નિરીક્ષકોના મતે ઈન્સાઈડર્સ તરફથી થઈ રહેલા વેચાણને તેઓ તેજીનો ઉપયોગ કરી રોકડી કરી રહ્યાં છે તેવું માની લેવું જોઈએ નહિ કેમકે અમુક કિસ્સામાં તેઓએ ફ્રેશ એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન પ્રોગ્રામ(ઈસોપ્સ)માં શેર્સ સબસ્ક્રાઈબ કરવા માટે કેશ ઊભી કરવા તેમના અગાઉના હિસ્સાનું વેચાણ કરવું પડ્યું હોય તેવું બની શકે છે. જ્યારે એક વર્ગ તેની અન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નિયમિત અંતરે હિસ્સાનું વેચાણ કરતો જ હોય છે એમ તેઓ જણાવે છે. જોકે આવા જૂજ કિસ્સાઓને બાદ કરીએ તો મોટાભાગના ઈન્સાઈડર તકવાદી જણાય રહ્યાં છે. ઐતિહાસિક સરેરાશ કરતાં ઊંચા વેલ્યૂએશન્સ તથા બજારમાં ખરીદારોની ભરપૂર હાજરીને ધ્યાનમાં રાખીને તેઓ તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં વર્તમાન વેલ્યૂએશન પ્રથમવાર જોવા મળી રહ્યાં છે અને ઈન્સાઈડર્સ આ તકનો લાભ લઈ રહ્યાં છે. કેલેન્ડર 2021માં અત્યાર સુધીમાં નિફ્ટી 18 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 32.4 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 42.4 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યાં છે. માર્ચ 2020ના તળિયેથી મીડ-કેપ ઈન્ડેક્સ 200 ગણાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આશ્ચર્યની બાબત એ છે કે બજારમાં છેલ્લાં બે મહિનાથી એફઆઈઆઈ ઉપરાંત ઈન્સાઈડર્સની પણ નોંધપાત્ર વેચવાલી રહી છે અને તેમ છતાં રિટેલ અને સ્થાનિક સંસ્થાઓના સપોર્ટથી બજાર નવી ટોચ દર્શાવતું રહ્યું છે.
છેલ્લાં ચાર મહિના દરમિયાન ઈન્સાઈડર્સનું વેચાણ
મહિનો વેચાણ(રૂ. કરોડમાં)
એપ્રિલ 1160
મે 7013
જૂન 7014
જુલાઈ 10039