ધનવાનો પર ઊંચા કેપિટલ ગેઈન્સની આશંકાએ શેરબજારમાં નરમાઈ
સતત બીજા દિવસે માર્કેટે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 12.07ના સ્તરે બંધ રહ્યો
ફાર્મા સેક્ટરમાં ભારે ખરીદી નોંધાઈ
પીએસયૂ બેંક્સમાં બીજા દિવસે ખરીદી જળવાઈ
આઈટીમાં સાધારણ બાઉન્સ જોવાયું
એફએમસીજી, એનર્જીમાં નરમાઈ
ગ્લેનમાર્ક, ઝાયડસ લાઈફ, ડીએલએફ નવી ટોચે
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. સરકાર તરફથી આગામી ચૂંટણી પછી સત્તા પર આવ્યાં બાદ ધનવાનો પર કેપિટલ ગેઈન્સમાં વૃદ્ધિની શક્યતાં પાછળ માર્કેટમાં નાનો ગભરાટરૂપી વેચવાલી જોવા મળી હતી. જોકે, બજારમાં કોઈ મોટો ઘટાડો સંભવ નહોતો બન્યો. બીએસઈ સેન્સેક્સ 184 પોઈન્ટ્સ ગગડી 59727ની સપાટીએ જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ્સ ઘટાડે 17660ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, નોંધપાત્ર સત્રો પછી લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 28 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 22 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બીજી બાજુ, બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાય રહી હતી અને તેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3653 કાઉન્ટર્સમાંથી 1904 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1630 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 123 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 251 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 113 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.6 ટકા ગગડી 12.07ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે 17767ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, પ્રોફિટ બુકિંગનું દબાણ જળવાતાં તે તરત નરમાઈમાં સરી પડ્યું હતું અને સાધારણ પ્લસ-માઈનસ દર્શાવતું રહેતું હતું. બપોર પછી સરકાર તરફથી ધનવાનો પર ઊંચા કેપિટવ ગેઈન ટેક્સના અહેવાલની શક્યતાં પાછળ બજારમાં વેચવાલી ફરી વળી હતી. જ્યાંથી સાધારણ બાઉન્સ સાથે નેગેટિવ બંધ જળવાયું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 49 પોઈન્ટ્સના પ્રિમીયમે 17709ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 44 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ઘિ સૂચવે છે. આમ બજારમાં લોંગ પોઝીશનમાં સાધારણ ઉમેરો થયો હોય શકે છે. બે સત્રોથી માર્કેટ 17600-17800ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજી ઝડપી મૂવમેન્ટ સંભવ છે. બજારમાં મોટાભાગનો વર્ગ શંકાશીલ જોવા મળી રહ્યો છે અને નવી ખરીદીથી દૂર રહેવાનું સૂચવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 17600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવા જણાવે છે. મંગળવારે, નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, એચસીએલ ટેક, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, વિપ્રો, ડો. રેડ્ડિઝ લેબ્સ, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, હિંદાલ્કો અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ, ગ્રાસિમ, ટાઈટન કંપની અને હીરો મોટોકોર્પમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી ફાર્મા 1.64 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. પીએસયૂ બેંક શેર્સમાં ખરીદી પાછળ નિફ્ટી પીએસયૂ બેંક પણ 0.76 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં બાઉન્સ પાછળ નિફ્ટી આઈટી 0.6 ટકા સુધર્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ, નિફ્ટી રિઅલ્ટી પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જીમાં 0.65 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો લ્યુપિન 6 ટકા ઉછાળા સાથે 699ની સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત, ભેલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, બંધન બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, તાતા કેમિકલ્સ, પાવર ગ્રીડ, તાતા કોમ્યુનિકેશન, પાવર ફાઈનાન્સ, અંબુજા સિમેન્ટ્સ, ટીવીએસ મોટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવતાં કેટલાંક કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, સુંદરમ, ઈન્ડિયન બેંક, ગ્લેનમાર્ક, ઝાયડસ લાઈફ, સાયન્ટ, ડીએલએફ, આઈજીએલ, મહાનગર ગેસનો સમાવેશ થતો હતો.
અસમાનતા દૂર કરવા માટે સરકાર અમીરો પાસેથી ઊંચો કેપિટલ ગેઈન્સ ટેક્સ વસૂલશે
ટોચની કમાણી કરનારાઓ માટે કેપિટવ ગેઈન્સ ટેક્સિસમાં વૃદ્ધિ કરવામાં આવે તેવી શક્યતાં
દેશમાં ટોચના સંપત્તિનો 77 ટકા હિસ્સો ધરાવતાં 10 ટકા લોકો આવક વેરામાં માત્ર 6 ટકા હિસ્સો ધરાવે છે
જો નરેન્દ્ર મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણી પછી સત્તામાં પરત ફરશે તો દેશમાં વધતી જતી આર્થિક અસમાનતાને દૂર કરવા માટે પ્રત્યક્ષ કરવેરાના માળખામાં ફેરફાર કરે તેવી શક્યતાં જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. વર્તમાન માળખામાં ફેરફારમાં મહત્વનું પરિબળ કેપિટલ ગેઈન્સ ટેક્સના ઢાંચામાં પરિવર્તન હશે. જેમાં ટોચની કમાણી કરનારાઓ પાસેથી વસૂલવામાં આવતાં કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વૃદ્ધિની શક્યતાંનો સમાવેશ થાય છે. જેમકે, હાલમાં દેશમાં આવક પર મહત્તમ 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે ઈક્વિટી ફંડ્સ અને શેર્સ પર તેનાથી નીચા દરે ટેક્સ ઉઘરાવવામાં આવે છે.
સરકારે આ અંગે કોઈ આખરી નિર્ણય નથી લીધો પરંતુ જાણકારોના મતે આ કોઈ પ્રગતિશીલ પગલું નથી. તે સમાનતાના સિધ્ધાંતની વિરુધ્ધ દિશાનું છે. 2024માં અમલી બનાવવાના આશયથી નાણા મંત્રાલયને 2019માં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવો પર એક પેનલની રચના કરવામાં આવી શકે છે એમ વર્તુળોનું કહેવું છે. નાણા મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે ઈમેઈલની કોઈ તત્કાળ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે, બજારમાં આ અહેવાલ વહેતાં થવા સાથે જ બીએસઈ સેન્સેક્સમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દેશમાં ગરીબોના પાછળ રહી જવા સામે અર્થશાસ્ત્રીઓ હંમેશા વપરાશ પર વસૂલવામાં આવતાં અપ્રત્યક્ષ વેરા પર ભારતની નિર્ભરતાને કારણભૂત ગણાવે છે. દેશમાં કરની આવકનો મોટો હિસ્સો આ રીતે મેળવવામાં આવે છએ. જ્યારે કેપિટલ પર લાગુ પડતાં પ્રત્યક્ષ વેરાનું યોગદાન નીચું છે. દેશમાં 2018થી 2022 સુધીમાં દૈનિક ધોરણે નવા 70 મિલિયોનર્સ પેદા થયા હોવા છતાં કેપિટલ પર લાગુ પડતાં ટેક્સનું યોગદાન નીચું જળવાયું છે. ઓક્સફાઈ ઈન્ટરનેશનલન અંદાજ મુજબ દેશમાં ટોચના 10 ટકા લોકો કુલ સંપત્તિનો 77 ટકા હિસ્સો ધરાવે છે. જેની સામે તેઓ આવકવેરા ટેક્સના કુલ કલેક્શનમાં માત્ર 6 ટકા હિસ્સો આપે છે એમ સરકારી ડેટા સૂચવે છે. વૈશ્વિક સ્તરે પણ અગ્રણી નેતાઓ આવકમાં જોવા મળી રહેલી અસમાનતાને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં ચીનના ઝી ઝીનપીંગના ‘કોમન પ્રોસ્પેરિટી’ પ્રોગ્રામથી લઈ યુએસ પ્રમુથ જો બાઈડનના સંપત્તિવાનો પર ઊંચા ટેક્સના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. જોકે, મોદી સરકારે હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર વિચારણા ચલાવી નથી. મોદી સરકારે તેના પ્રથમ તબક્માં દેશમાં બહુવિધ અપ્રત્યક્ષ વેરાઓને દૂર કરી ગુડ્ઝ એન્ડ સર્વિસિસ(જીએસટી) ટેક્સ લાગુ પાડ્યો હતો. હવે નવો પ્રત્યક્ષ વેરા સંબંધી સુધારો તેમના ટેક્સ સુધારણા પ્રક્રિયાને પૂર્ણ કરશે. જે દેશમાં વિવિધ વર્ગના લોકોના જીવનધોરણને ઊંચું લાવવામાં સહાયરૂપ બની શકે છે એમ નિષ્ણાતોનું માનવું છે.
2022-23માં અદાણી જૂથનું ડેટ 21 ટકા ઉછળી રૂ. 2.3 લાખ કરોડે પહોંચ્યું
માર્ચ આખરમાં જૂથના કુલ ડેટમાં 29 ટકા હિસ્સો વૈશ્વિક બેંક્સનો જોવા મળતો હતો
અદાણી જૂથનું ડેટ ગયા નાણા વર્ષ દરમિયાન 20.7 ટકા ઉછળી રૂ. 2.3 લાખ કરોડ(28 અબજ ડોલર) પર પહોંચ્યું હતું એમ અગ્રણી મિડિયા રિપોર્ટ જણાવે છે. નવા પ્રોજેક્ટ્સ માટે ફંડ ઊભું કરવા વૈશ્વિક બેંક્સ પર જૂથની નિર્ભરતાને કારણે આમ જોવા મળ્યં હતું. જૂથની અગ્રણી સાત લિસ્ટેડ કંપનીઓને ડેટ ઊભું કર્યું હતું.
જૂથની નજીકના વર્તુળો પાસેથી માહિતી મેળવીને તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ માર્ચ મહિનાની આખરમાં જૂથના કુલ ડેટમાં 29 ટકા હિસ્સો વૈશ્વિક આંતરરાષ્ટ્રીય બેંક્સનો હતો. સાત વર્ષ અગાઉ જૂથ દ્વારા રજૂ કરવામાં આવતી ક્રેડિટર્સની યાદીમાં આ કેટેગરી જોવા મળતી નહોતી. જોકે, ડેટા જૂથની ડેટ ચૂકવણી ક્ષમતામાં સુધારો થયો હોવાનું પણ સૂચવે છે. જૂથના ફાઈનાન્સ અને ક્રેડિટર મિક્સમાં જોવા મળી રહેલી તબદિલી ભારતમાં ગુજરાત સ્થિત જૂથ કેવી રીતે સરળતાપૂર્વક ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલ જેવા દૂરના પ્રદેશો સાથે બિઝનેસ હિત ધરાવવા સાથે આંતરરાષ્ટ્રીય ધોરણે મજબૂત જોડાણો ઊભું કરી શક્યું છે તે સૂચવે છે. જોકે, તેના આ વૈશ્વિક સ્તરે ઊભા થયેલા જોડાણોએ કેટલાંકની નજર પણ તેના તરફ દોડાવી હતી જેમકે જાન્યુઆરીની આખરમાં જૂથ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓની પૂર્વસંધ્યાએ યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચે જૂથ પર વિવિધ પ્રકારના ગેરરિતીના આક્ષેપો કર્યાં હતાં. જેની પાછળ એક પખવાડિયામાં જૂથના માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરથી વધુનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી તરફથી વારંવાર હિંડેનબર્ગના આક્ષેપોને નકારી કાઢવા છતાં તેમજ વ્યક્તિગત બેઠક મારફતે રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવાના પ્રયાસો છતાં જૂથના શેર્સ અને ડોલર બોન્ડ્સમાં સંપૂર્ણપણે રિકવરી જોવા મળી નથી અને તેઓ હિંડેનબર્ગ રિપોર્ટ અગાઉના સ્તરે પરત ફરી શક્યાં નથી. જે સૂચવે છે કે જૂથે ભવિષ્યમાં ફંડ ઊભું કરવા માટે ઊંચી રકમ ચૂકવવી પડી શકે છે. જોકે, જૂથના ડેટ રેશિયોમાં સુધારો તેને કેટલીક રાહત આપી શકે છે. બે વૈશ્વિક રેટિંગ એજન્સિઝના જણાવ્યા મુજબ તેઓ અદાણી કંપનીઓની ફંડ ઊભું કરવાની ક્ષમતા પર ચાંપતી નજર નાખી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જૂથ કંપનીઓએ મોટા પાયે ડેટ ઊભું કર્યું હતું. જોકે તેમ છતાં એક દાયકાની સરખામણી કરીએ તો જૂથની ડેટ ચૂકવણી ક્ષમતામાં સુધારો જોવા મળ્યો હતો. 2022-23 નાણા વર્ષ દરમિયાન એબિટા પહેલાં નેટ ડેટ ટૂ રન-રેટ અર્નિંગ્સ રેશિયો 3.2 પર જોવા મળ્યો હતો. જે 2013માં જૂથ તરફથી નોંધવામાં આવેલા 7.6ના રેશિયો કરતાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. રન-રેટ એબિટા જૂથના તાજેતરના નાણાકિય દેખાવને આધારે ગણવામાં આવ્યો છે. અદાણી જૂથ તેના ડેટમાં વધુ ઘટાડો ઈચ્છી રહ્યું છે.
રાજ્યમાં ઉનાળુ વાવેતર 9 ટકા વૃદ્ધિ સાથે 11.37 લાખ હેકટરમાં સંપન્ન
બાજરીનું વાવેતર 14 ટકા વધી 3.13 લાખ હેકટરમાં નોંધાયું
તલનું વાવેતર 40 ટકા વધી 1.23 લાખ હેકટરમાં જોવા મળ્યું
ઘાસચારાના વાવેતરમાં પણ 4 ટકા વૃદ્ધિ સાથે 3.61 લાખ હેકટરમાં વાવણી
રાજ્યમાં ઉનાળુ વાવેતર સિઝન પૂર્ણ થઈ ચૂકી છે. કુલ વાવેતર વિસ્તાર સામાન્યરીતે જોવા મળતાં 10.45 લાખ હેટરની સરખામણીમાં 9 ટકા વધી 11.37 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે 92 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં તે 27 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવે છે. મહત્વના ઉનાળુ પાકોમાં બાજરી, ડાંગર, તલ અને ઘાસચારા પાકોના વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મગફળી અને શાકભાજીનું વાવેતર સાધારણ ઘટાડો દર્શાવે છે.
માર્ચ મહિનામાં રાજ્યભરમાં માવઠાંના અવરોધો વચ્ચે ઉનાળુ પાકોનું વાવેતર ધીમી પ્રગતિ દર્શાવતું હતું. જોકે, પાછળથી ખેડૂતોએ વાવણી કરવાનું મન દર્શાવ્યું હતું અને ગઈ સિઝન કરતાં વાવેતર આગળ નીકળી ગયું હતું. સામાન્યરીતે ઉનાળુ સિઝન દરમિયાન મોટાભાગના ખેડૂતોને ખાલી રાખી ચોમાસુ વાવેતર માટે તૈયાર કરતાં હોય છે. જોકે, જે ખેડૂતો પાસે પાણીની સગવડ હોય છે તેઓ 60-90 દિવસની અવધિનો પાક લેવાનું પસંદ કરતાં હોય છે. ચાલુ સિઝનમાં ઉનાળુ વાવેતરમાં 3.61 લાખ હેકટર સાથે ઘાસચારા પાકોનું વાવેતર સૌથી ઊંચું જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 3.52 લાખક હેકટરમાં નોંધાયું હતું. બીજા ક્રમે 3.13 લાખ હેકટર સાથે બાજરીનો ક્રમ આવે છે. જેનું ગયા વર્ષે સમાનગાળામાં 2.75 લાખ હેકટરમાં વાવેતર જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં બાજરીના વાવેતરમાં 38 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લાં ત્રણ-વર્ષોમાં રાજ્યમાં બાજરીનું વાવેતર સરેરાશ 2.75 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 38 હજાર હેકટર ઊંચું વાવેતર નોંધાયું છે. અન્ય ધાન્ય પાક ડાંગરનું વાવેતર ગઈ સિઝનના 74 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 79 હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું છે. જે સામાન્યરીતે જોવા મળતાં 67 હજારના વાવેતરની સરખામણીમાં 18 ટકા ઊંચું જોવા મળે છે. તેલિબિયાં પાકોમાં તલનું વાવેતર 1.23 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 1.08 લાખ હેકટરની સરખામણીમાં 15 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવે છે. જ્યારે સામાન્યરીતે જોવા મળતાં 88 હજાર હેકટરની સરખામણીમાં 27 હજાર હેકટર વૃદ્ધિ દર્શાવે છે. મગફળીનું વાવેતર જોકે ગઈ સિઝનમાં 60,800 હેકટરની સરખામણીમાં ચાલુ વર્ષે 53,725 હેકટરમાં જ જોવા મળ્યું છે. આમ લગભગ 7 હજાર હેકટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજી પાકોનું વાવેતર પણ ગયા વર્ષે સમાનગાળામાં 1.01 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 99 હજાર હેકટર સાથે સામાન્ય ઘટાડો દર્શાવી રહ્યું છે.
FPI તરફથી નવા નાણા વર્ષની શૂભ શરૂઆત જોવા મળી
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ અત્યાર સુધીમાં અપ્રિલમાં રૂ. 10 હજાર કરોડથી વધુ રોકાણ કર્યું
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી નવા નાણા વર્ષ 2023-24ની પોઝીટીવ શરૂઆત જોવા મળી છે. એપ્રિલની શરૂથી અત્યાર સુધીમાં 10 ટ્રેડિંગ સત્રોમાં એફપીઆઈએ શેરબજારમાં રૂ. 10 હજાર કરોડથી વધુનું રોકાણ દર્શાવ્યું છે. જોકે, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી પોઝીટીવ રોકાણ વચ્ચે સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ તરફથી વેચવાલી જોવા મળી છે.
ગયા નાણા વર્ષ દરમિયાન ઈક્વિટીમાં એફપીઆઈ તરફથી વિક્રમી આઉટફ્લો જોવા મળ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે વિદેશી રોકાણકારો પોઝીટીવ બનવાનું મુખ્ય કારણ યુએસ ફેડ તરફથી ટૂંકમાં જ રેટ વૃદ્ધિ પર વિરામની શક્યતાં ઉપરાંત સ્થાનિક બજારમાં આકર્ષક બનેલાં વેલ્યૂએશન્સ છે. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ભારતીય બજારમાં વેચવાલી દર્શાવી વિદેશી બજારમાં ખરીદી કરનાર વિદેશી રોકાણકારોએ નવા નાણા વર્ષની શરૂઆતથી જ પોઝીટીવ વલણ દર્શાવ્યું છે. જે સૂચવે છે કે જેઓ ગયા વર્ષે વેચવાલી કરી ગયાં હતાં, તેઓ વર્તમાન ભાવે ખરીદવા માટે પરત ફર્યાં છે. સ્થાનિક સ્તરે આરબીઆઈએ પણ એપ્રિલની શરૂમાં તેની બેઠકમાં રેટ સ્થિર જાળવતાં રોકાણકારોને મોટી રાહત મળી હતી. ઉપરાંત, વૈશ્વિક બજારોમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન સમગ્રતયા ટ્રેન્ડ પોઝીટીવ જળવાયો છે. જેમાં ભારતના હરિફ બજારોએ આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. 3 એપ્રિલથી 17 એપ્રિલ સુધીની વાત કરીએ તો કુલ ફંડ ફ્લો રૂ. 10 હજાર કરોડનો આંક વટાવી ગયો છે. માર્ચ મહિનામાં પણ એફઆઈઆઈ તરફથી પોઝીટીવ ફ્લો જોવા મળ્યો હતો. જોકે તે માટેનું મુખ્ય કારણ અદાણી જૂથની ચાર કંપનીઓમાં યુએસ બૂટીક ઈન્વેસ્ટર જીક્યુજી તરફથી કરવામાં આવેલી રૂ. 15000 કરોડની ખરીદી હતું. એનાલિસ્ટ્સના મતે ભારતીય રૂપિયામાં ડોલર સામે સ્થિરતાને જોતાં એફઆઈઆઈ સ્થાનિક બજારમાં આગામી સમયગાળામાં વધુ રોકાણ દર્શાવી શકે છે.
રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા માટેની ડેડલાઈન લંબાવાઈ
મુંબઈ સ્થિત એનસીએલટી કોર્ટે એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્રક્રિયા માટેની ડેડલાઈનને 90 દિવસ વધારી 16 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. વર્તમાન ડેડલાઈન 14 એપ્રિલે પૂરી થઈ હતી. કંપનીના લેન્ડર્સે બીજા રાઉન્ડની હરાજી યોજવાનો નિર્ણય લેવાથી ડેડલાઈન લંબાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. રિલાયન્સ કેપિટલની ક્રેડિટર્સ કમિટિએ 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજીનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે ટોરેન્ટ જૂથ, આઈઆઈએચએલ અને ઓકટ્રીએ ખાતરી આપી છે. અગાઉ 11 એપ્રિલના રોજ બીજા રાઉન્ડના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પાછું ઠેલી 26 એપ્રિલનો દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
MSCI સ્ટાન્ડર્ડ સૂચકાંકોમાં પ્રવેશ માટે HAL, PFC મજબૂત દાવેદાર
જાહેર ક્ષેત્રની કંપનીઓ હિંદુસ્તાન એરોનોટિક્સ(એચએએલ) અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન(પીએફસી) એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ સૂચકાંકોમાં પ્રવેશ માટેના ટોચના દાવેદારો છે. આગામી મહિને યોજાનારી ત્રિમાસિક રિબેલેન્સિંગ કવાયતમાં આમ બની શકે છે એમ વર્તુળો જણાવે છે. જો આમ થશે તો બંને કાઉન્ટર્સમાં પેસિવ ફંડ્સ તરફથી જંગી ઈનફ્લો જોવા મળી શકે છે. જેમાં એચએએલમાં 23 કરોડ ડોલર અથવા રૂ. 1900 કરોડ અને પીએફસીમાં 16.7 કરોડ ડોલર અથવા રૂ. 1370 કરોડનું રોકાણ શક્ય છે. દરમિયાનમાં અદાણી ટ્રાન્સમિશનને એમએસસીઆઈ ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવી શકે છે. જે 23 કરોડ ડોલરના વેચાણનું કારણ બની શકે છે. આ ઉપરાંત ઈન્ડુસ ટાવર્સ પણ ઈન્ડેક્સમાંથી બહાર નીકળી શકે છે. જેની પાછળ કાઉન્ટરમાં 7.4 કરોડ ડોલરની વેચવાલી સંભવ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા સ્ટીલઃ તાતા જૂથની કંપની પ્રથમ ગ્રીન લોન પેટે 40 કરોડ ડોલર ઊભા કરવા માટે વિચારણા ચલાવી રહી છે. આ લોનનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. કંપની વૈશ્વિક બેંકર્સ પાસેથી આ ફંડ મેળવશે. જેમાં બેંક ઓફ અમેરિકા, એચએસબીસી હોલ્ડિંગ્સ, જેપીમોર્ગન ચેઝ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટીલ ઉદ્યોગ કાર્બન ઈન્ટેન્સિવ હોવાથી તેને ગ્રીન ટેક્નોલોજી માટે જંગી ફંડની જરૂર રહેશે.
જેએસડબલ્યુ ગ્રૂપઃ સ્ટીલ સહિતના સેક્ટર્સમાં સક્રિય જૂથ આગામી સાત વર્ષોમાં 65 અબજ ડોલરનું રોકાણ કરશે. જે જૂથની આંતરિક મૂડીમાંથી કરાશે. જૂથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ઈલેક્ટ્રીક વેહીકલ્સ સહિત રિન્યૂએબલ એનર્જીમાં આક્રમક રોકાણ કરશે. જૂથ છેલ્લાં 10-વર્ષોમાં 25 અબજ ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે.
મહિન્દ્રા ફાઈનાન્સઃ એમએન્ડએમની સબસિડિયરી કંપની નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે નાણા વર્ષ 2023-24માં રૂ. 8000 કરોડ ઊભા કરશે. બેંક ફંડીંગ ઉપરાંત આ વધારાની ફંડીંગ લાઈન બની રહેશે. કંપનીના કુલ ફંડીગમાં એનસીડીનો હિસ્સો 26.2 ટકાનો છે. જ્યારે એફડીમાંથી 8.4 ટકા મેળવે છે.
ઝી એન્ટરપ્રાઈઝઃ મિડિયા કંપનીમાં ટોચના રોકાણકાર ઈન્વેસ્કોએ તેની પાસેના 5.11 ટકાના સમગ્ર હિસ્સાનું વેચાણ કર્યું હતું. જેમાંથી તેણે રૂ. 1004 કરોડ મેળવ્યાં હતાં. તેણે ઓપન માર્કેટમાં હિસ્સો વેચ્યો હતો. જેને ખરીદનારાઓમાં મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર, ગોલ્ડમેન સાચ સિંગાપોર વગેરેનો સમાવેશ થાય છે.
એન્જીનીયર્સ ઈન્ડિયાઃ પીએસયૂ ઈપીસી કંપની એન્જીનીયર્સ ઈન્ડિયાએ નાણા વર્ષ 2022-23માં કુલ રૂ. 4500 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. તેણે અગાઉના વર્ષ દરમિયાન રૂ. 1700 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં હતાં. કંપનીને વૈશ્વિક બજારમાંથી રૂ. 600 કરોડના ઓર્ડર્સ મળ્યાં હતાં. જે અગાઉના વર્ષે માત્ર રૂ. 50 કરોડ પર જ હતાં.
તાતા પાવરઃ કંપનીની સબસિડિયરી તાતા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશને એનટીપીસી વિદ્યુત વેપાર નિગમ સાથે પ્રથમ હાઈડ્રો પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. કંપનીએ પીક ડિમાન્ડને પહોંચી વળવા માટે આ કરાર કર્યો છે. ડિસ્કોમ કંપની ઉત્તર દિલ્હીમાં 70 લાખ લોકોથી વધુને ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે.
અશોક લેલેન્ડઃ કમર્સિયલ વેહીકલ ઉત્પાદકે વીઆરએલ લોજિસ્ટીક્સ તરફથી 1560 ટ્રક્સનો મોટો ઓર્ડર મેળવ્યો છે. વીઆરએલે તાતા મોટર્સને પણ 107 ટ્રક્સ માટેનો ઓર્ડર આપ્યો છે. કંપની તેની જૂની ટ્રક્સને નવી ટ્રક્સથી રિપ્લેસ કરશે.
મેક્રોટેકઃ રિઅલ્ટી કંપનીનું બોર્ડ 22 એપ્રિલે માર્ચ ક્વાર્ટરના પરિણામ સાથે તેના પ્રથમ એવા બોનસ ઈસ્યુ અંગે વિચારણા માટે મળશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીમાં પ્રમોટર્સે તેમનો હિસ્સો ઘટાડી 75 ટકાથી નીચે કર્યો હતો.
નેટવર્ક 18: કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 36.8 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 61.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 8.5 ટકા ઘટાડે રૂ. 1621 કરોડ પરથી ગગડી રૂ. 1483 કરોડ પર રહી છે.
ક્વિક હિલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6.6 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 28 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 53 ટકા ઘટાડે રૂ. 104 કરોડ પરથી ગગડી રૂ. 49.3 કરોડ પર રહી છે.