Categories: Market Tips

Market Summary 18/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સ્તરે મંદી પાછળ શેરબજારમાં નરમાઈ
એશિયન બજારોમાં 1-2 ટકાનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ગગડી 10.83ની સપાટીએ
પીએસઈ, ઓટો, પીએસયૂ બેંક, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી
મેટલ, આઈટી, રિઅલ્ટી, ફાર્મામાં નરમાઈ
આઈઓબી, યૂકો બેંક, આઈડીબીઆઈ બેંક નવી ટોચે

વૈશ્વિક શેરબજારોમાં નરમાઈને પગલે ભારતીય બજારમાં પણ સપ્તાહની શરૂઆત મંદી જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ દિવસ દરમિયાન રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં રહ્યાં પછી સાધારણ ઘટાડા સાથે બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 242 પોઈન્ટ્સ ગગડી 67597ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 59 પોઈન્ટ્સના ઘટાડે 20133ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેતો પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3947 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2084 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1693 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયા હતાં. 234 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા ગગડી 10.83ના સ્તરે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયન બજારોમાં સપ્તાહની શરૂઆત 1-2 ટકા ઘટાડા સાથે જોવા મળી હતી. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવવા સાથે મોટેભાગે રેડિશ જોવા મળ્યો હતો. 20192ના અગાઉના બંધ સામે તે 20156ની સપાટીએ ખૂલી ઉપરમાં 20195ની સપાટી દર્શાવી સતત ઘસારો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે 20116નું તળિયું દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સના પ્રિમીયમે 20170ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 48 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થયાના સંકેતો સાંપડી રહ્યાં છે. જોકે, 19700ના સપોર્ટે લોંગ પોઝીશન જાળવી શકાય છે. બેન્ચમાર્ક ઉપરમાં 20200ની સપાટી પાર કરશે તો 20500 તરફની આગેકૂચ દર્શાવી શકે છે. જોકે, માર્કેટમાં અનિશ્ચિતતા જોતાં ટ્રેડર્સે પોઝીશન હળવી જાળવવાનું સૂચન છે. તેમજ હાથપર કેશ ઊભી કરતાં રહેવું જોઈએ. બેન્ચમાર્કને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાઈટન કંપની, એમએન્ડએમ, એચડીએફસી લાઈફ, બીપીસીએલ, એનટીપીસી, હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા, તાતા મોટર્સ, બજાજ ઓટો, નેસ્લે, એસબીઆઈ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઘટવામાં હિંદાલ્કો, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ફોસિસ, તાતાસ્ટીલ, વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો પીએસઈ, ઓટો, પીએસયૂ બેંક, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, આઈટી, રિઅલ્ટી, ફાર્મામાં નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી પીએસઈ 1.4 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ભારત ઈલેક્ટ્રીક 3 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ, પાવર ફાઈનાન્સ, કોન્કોર, બીપીસીએલ, આરઈસી, એનટીપીસી, એચપીસીએલ, આઈઓસી, કોલ ઈન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.4 ટકા ઉછળી તેની નવી ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી 17 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત યૂકો બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.8 ટકા મજબૂતી સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ 2.5 ટકા સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, તાતા મોટર્સ, બજાજ ઓટો, મધરસનસુમી જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં હિંદાલ્કો, મોઈલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, નાલ્કો, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પીએનબી, બેંક ઓફ બરોડા, ભારત ઈલે., પાવર ગ્રીડ, બર્ગર પેઈન્ટ્સ, પાવર ફાઈનાન્સ, ટાઈટન કંપની, કોન્કોર, એમએન્ડએમ, એચડીએફસી લાઈફમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન આઈડિયા, જીએનએફસી, સિન્જીન, બિરલોસોફ્ટ, પીવીઆર આઈનોક્સ, એચડીએફસી એએમસી, ડિક્સોન ટેક્નોલોજી, હિંદ કોપર, હિંદાલ્કોમાં નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈઓબી, યૂકો બેંક, આઈડીબીઆઈ બેંક, સેન્ટ્રલ બેંક, વેરોક એન્જિનીયર, બર્ગર પેઈન્ટ્સ, ટાઈટન કંપની, કરુર વૈશ્ય, ટીવીએસ મોટર, ત્રિવેણી એન્જી. બ્લ્યૂસ્ટાર, ટીસીએસનો સમાવેશ થતો હતો.

અદાણી-હિંડેનબર્ગ મુદ્દે નવી પેનલ રચવા સુપ્રીમમાં અરજી
અરજદારે હિતો વચ્ચે ઘર્ષણ ના થતું હોય તેવા લોકો સાથે નવી પેનલ રચવા માગ

દેશની સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ મુદ્દે તપાસ કરી રહેલી વર્તમાન પેનલની ઈન્ટિગ્રિટી સામે સવાલ ઉઠાવવા સાથે નવી પેનલ રચવા માટેની અરજી મેળવી છે. આ કમિટિ જૂથના શેર્સના ભાવમાં ગેરરિતી અંગે તપાસ ચલાવી રહી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ મુદ્દે હિંડનબર્ગ રિપોર્ટ બાબતે કોઈપણ પ્રકારના હિતો નહિ ધરાવતાં અને સંપૂર્ણ ઈન્ટિગ્રિટી ધરાવતાં વ્યક્તિઓની બનેલી નવી પેનલ રચવા જણાવાયું છે.
અગાઉ અરજદારોમાંના એક અનામિકા જયસ્વાલે તેણીના એડવોકેટ રમેશ કુમાર મિશ્રા મારફતે આ અરજી કરી છે. એક અહેવાલ મુજબ સુપ્રીમમાં કરવામાં આવેલી નવી અરજી વર્તમાન નિષ્ણાતોની પેનલમાંના કેટલાંક સભ્યોને લઈ ચિંતા કરવા સાથે તેની સામે પ્રશ્નાર્થ કરી રહી છે. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે હિંડેનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે કરવામાં આવેલા આક્ષેપો તથા સંભવિત રેગ્યુલેટરી નિષ્ફળતાને લઈ તપાસ માટે પેનલની રચના કરી હતી. આ કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ અભય મનોહર સાપ્રે છે. જ્યારે કમિટિના સભ્યોમાં ઓ પી ભટ્ટ, જસ્ટીસ જે પી દેવધર, કેવી કામથ, નંદન નિલેકેણી અને સોમશેખર સુંદરસેનનો સમાવેશ થાય છે. આ અરજી ખાસ કરીને એક્સપર્ટ કમિટિના સભ્ય અને એસબીઆઈના ભૂતપૂર્વ ચેરમેન ઓપી ભટ્ટના સમાવેશને લઈ પ્રશ્નાર્થ કરી રહી છે. હાલમાં ઓ પી ભટ્ટ રિન્યૂએબલ એનર્જી કંપની ગ્રીનકોના ચેરમેન તરીકે સેવા આપી રહ્યાં છે. અરજીમાં જણાવાયું છે કે ગ્રીનકો અને અદાણી જૂથ માર્ચ 2022થી નજીકની ભાગીદારીથી જોડાયેલા છે. તેઓ અદાણીની ભારતમાં સુવિધાઓને એનર્જી પૂરી પાડી રહ્યાં છે. કમિટીના અન્ય સભ્ય કે વી કામથ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ ચેરમેન છે અને આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ એફઆઈઆરમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સસ્ટેનેબલ ટેક્નોલોજીસમાં લીડર બનવા આગળ વધી રહેલું ભારત
હનીવેલના ચીફ સાઈન્ટિસ્ટના મતે પશ્ચિમમાં દૂર થઈ રહેલી ટેક્નોલોજીના બદલે ભારત નવું સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે
હનીવેલની ફિલાન્થ્રોપિક પાંખે જૂનમાં દેશમાં રૂ. 150 કરોડના રોકાણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી

ભારતીય અર્થતંત્ર ખૂબ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે અને સસ્ટેનેબલ ટેક્નોલોજીસમાં તે લીડર બનવા માટે આગળ વધી રહ્યું છે એમ યુએસ ટેક્નોલોજી કંપની હનીવેલના ચીફ સાઈન્ટિસ્ટનું કહેવું છે. ભારત એક ઊભરતું અર્થતંત્ર છે. જે યુરોપ અને યુનાઈડેટ સ્ટેસ્ટ ખાતે ત્યજવામાં આવી રહેલી જૂની ટેક્નોલોજીના ઉપયોગને બદલે સીધું જ સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તક પૂરું પાડી રહ્યું છે એમ હનીવેલના સસ્ટેનેબિલિટી ટેક્નોલોજીસના કોર્પોરેટ ચીફ સાઈન્ટિસ્ટ ગેવીન ટોવલર જણાવે છે.
કંપનીની એક ઈવેન્ટ વખતે આડવાત દરમિયાન ટોવલરે જણાવ્યું હતું કે ભારતમાં કેટલોક હિસ્સો અને પ્રદેશઓ મોટા પ્રમાણમાં રિન્યૂએબલ પાવર ધરાવે છે. તેઓ ઘણી નીચી ફોસ્સિલ ફ્યુઅલ ઈન્ટેન્સિટી ધરાવે છે. મારા મતે ભારત સસ્ટેનેબલ ટેક્નોલોજિસમાં લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
ભારત વિશ્વની કુલ વસ્તીનો 17 ટકા હિસ્સો ધરાવતું હોવા છતાં 1850થી 2019 સુધીમાં ભારતનું ઐતિહાસિક કુલ કાર્બન ઉત્સર્જન ઔદ્યોગિકિકરણ યુગ પહેલાથી વૈશ્વિક સ્તરે કુલ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનના 4 ટકાથી નીચું જોવા મળ્યું હતું. ભારતે નવેમ્બર 2021માં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ(COP 26)ના 26મા સત્ર દરમિયાન 2070 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટની જાહેરાત કરી હતી. ટોવલરના મતે ભારતીય અર્થતંત્ર હજુ પણ નાનુ છે અને તે ખૂબ ઝડપી વિકસી રહ્યું છે. તેમજ અન્ય દેશોની સરખામણીમાં તેના પર ઝડપતી ડિકાર્બોનાઈઝ તરફ વધવા માટે કોઈ દબાણ જોવા મળી રહ્યું નથી. હનીવેલ તમામ ઉદ્યોગ વર્ટિકલ્સ સાથે ગ્રીન હાઉસ ગેસ એમિશન્સમાં ઘટાડો આણવા માટે કામ કરી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ તેણે ભારતમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે કેટાલિસ્ટ-કોટેડ મેમ્બ્રેન્સ તૈયાર કર્યો છે. કંપનીએ તાજેતરમાં મદુરાઈ ખાતે સસ્ટેનેબલ સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના પણ કરી છે.

2024માં શેર્સ વેચાણ મારફતે દેશમાં રૂ. 2.5 લાખ કરોડ ઊભા થવાનો અંદાજ
જેપીમોર્ગનના અંદાજ મુજબ પ્રાઈમરી અને સેકન્ડરી માર્કેટ વેચાણ મારફતે 30 અબજ ડોલરની રકમ ઊભી થશે
જોકે IPO મારફતે ગયા વર્ષે અત્યાર સુધીમાં 5.5 અબજ ડોલરની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 3.2 અબજ ડોલર ઊભા થયાં

ભારતમાં કેલેન્ડર 2024માં પ્રાઈમરી અને સેકન્ડરી શેર્સ વેચાણ મારફતે 30 અબજ ડોલરની રકમ ઊભી થવાનો અંદાજ જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની મૂકી રહી છે. કંપનીઓ અને તેમના શેરધારકો તરફથી બજારમાં પ્રવેશવાની આતુરતા જોતાં તેણે આ ધારણા બાંધી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લિસ્ટેડ કંપનીઓમાં અધિક શેર્સનું વેચાણ 10 અબજ ડોલરનો આંક વટાવી ચૂક્યો છે. જે 2022માં જોવા મળતી રકમ કરતાં ઊંચી છે. આ મોમેન્ટમ આગામી વર્ષે અને ત્યારપછી પણ જળવાય શકે છે કેમકે ભારતીય કંપનીઓના માલિકો અન્ય ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ફંડ્સ ઊભું કરવા માટે આતુર છે એમ જેપીમોર્ગનના ઈક્વિટી કેપિટલ માર્કેટ્સના ઈક્વિટી હેડ અભિનવ ભારતી જણાવે છે. સ્થાનિક એસેટ મેનેજર્સ તેમજ વિદેશી રોકાણકારો તરફથી માગને કારણે પણ શેર વેચાણને વેગ મળી રહ્યો છે એમ તેઓ ઉમેરે છે.
ચાલુ વર્ષથી દરેક વર્ષ દરમિયાન તમે બ્લોક ટ્રેડ્સ મારફતે 10 અબજ ડોલરની સરેરાશ જોઈ શકશો એમ ભારતી જણાવે છે. તેમના મતે ભારતીય કોર્પોરેટ્સ દર વર્ષે પ્રાઈમરી અને સેકન્ડરી માર્કેટ્સમાંથી 30 અબજ ડોલરની રકમ ઊભી કરી શકે છે. 2023ના પ્રથમ આઁઠ મહિના દરમિયાન જેપીમોર્ગન દેશમાં ઈક્વિટી અને રાઈટ્સ ઓફરિંગ્સમાં ટોચનો મેનેજર બની રહ્યો છે એમ બ્લૂમબર્ગ લીગ ટેબલ્સ જણાવે છે. અમેરિકન બેંક ભારતીય બજારમાં 15 ટકાનો હિસ્સો ધરાવે છે. જ્યારપછીના ક્રમે સ્થાનિક બેંક કોટક મહિન્દ્રા બેંક આવે છે. જે 11 ટકા હિસ્સો દર્શાવે છે.
બ્લોક ટ્રેડ્સથી વિપરીત ભારતીય બજારમાં આઈપીઓ એક્ટિવિટી ચાલુ વર્ષે નોંધપાત્ર ધીમી પડતી જોવા મળે છે. કંપનીઓએ પ્રથમવાર શેર્સ વેચાણ મારફતે અત્યાર સુધીમાં 3.2 અબજ ડોલર ઊભા કર્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 5.5 અબજ ડોલરના વેચાણની સરખામણીમાં ઘણો નીચો આંક છે. ગયા નાણા વર્ષે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ પછી હજુ સુધી માર્કેટમાં એક અબજ ડોલરનું મૂલ્ય ધરાવતો એકપણ આઈપીઓ પ્રવેશ્યો નથી. એલઆઈસીનું લિસ્ટીંગ મે 2022માં થયું હતું. જેપીમોર્ગનના મતે આગામી વર્ષે સામાન્યસભાની ચૂંટણી પૂરી થયાં પછી એક અબજ ડોલરના એકાદ-બે આઈપીઓ બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. બેંકરના મતે કન્ઝ્યૂમર, ટેક્નોલોજી અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટર્સમાંથી મોટા કદના આઈપીઓ જોવા મળી શકે છે. મજબૂત કોર્પોરેટ અર્નિંગ્સ અને આર્થિક વૃદ્ધિ દર રોકાણકારોને આકર્ષી રહી છે. એકબાજુ તેઓ અન્ય એશિયન ઈમર્જિંગ માર્કેટ્સને છોડી રહ્યાં છે જ્યારે બીજી બાજુ તેઓ ભારતીય બજારમાં નવા નાણા ઠાલવી રહ્યાં છે.
ચીનના અર્થતંત્રમાં તાજેતરમાં જોવા મળી રહેલી નરમાઈનો લાભ ભારતને થઈ રહ્યો હોવાનું ભારતી જણાવે છે. અનેક વૈશ્વિક ઈમર્જિંગમ માર્કેટ્સ ફંડ મેનેજર્સ ચીનને લઈ અન્ડરવેઈટ જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં તેઓ તેમની વધારાની મૂડીને ક્યાં ઠાલવશે તે સવાલને જોતાં ભારત માટે તેઓ ઓવરવેઈટ બન્યાં છે એમ ભારતી ઉમેરે છે.

RBIએ HTMમાંથી AFSમાં શિફ્ટીંગ બંધ કરતાં બેંક્સને ટ્રેઝરી લાભોમાં ફટકો પડી શકે
ટ્રેઝરી લાભો પર ઊંચી નિર્ભરતા ધરાવતી પબ્લિક સેક્ટર બેંક્સ માટે પગલું ખાસ નેગેટીવ બની રહેશે
એકવાર HTMમાંથી AFSમાં સિક્યૂરિટીઝ ટ્રાન્સફરની છૂટ બેંક્સને ટ્રેઝરી ઈન્કમ વધારવામાં સહાયરૂપ બનતી હોય
બેંક્સની ટ્રેઝરી ઈન્કમ પર આગામી નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરથી અસર પડે તેવી શક્યતાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ હેલ્ડ-ટુ-મેચ્યોરિટી(HTM)માંથી અવાઈલેબલ-ફોર-સેલ(AFS)માં વન ટાઈમ શિફ્ટીંગને બંધ કરતાં આમ થવાની શક્યતાં બેંક્સના ટ્રેઝરી હેડ્સ વ્યક્ત કરી રહ્યાં છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વર્ષમાં એકવાર HTMમાંથી AFSમાં સિક્યૂરિટીઝ ટ્રાન્સફરની છૂટનો નિયમ બેંક્સને પ્રથમ ક્વાર્ટરમાં તેમની ટ્રેઝરી ઈન્કમ વધારવામાં સહાયરૂપ બનતી હોય છે. જોકે, સુધારેલા નિયમોને કારણે તેમનના ટ્રેઝરી લાભ પર અસર પડશે એમ તેઓનું કહેવું છે. સેન્ટ્રલ બેંકે ઈન્વેસ્ટમેન્ટના ક્લાસિફિકેશન અને વેલ્યૂએશન પરના રિવાઈઝ્ડ સર્ક્યુલરમાં ફેરફાર કર્યાં છે. જે 1 એપ્રિલ, 2024થી અમલી બનશે. આરબીએલના ટ્રેઝરી હેડ અંશુક ચંડાકના મતે નવી ગાઈડલાઈન્સ પછી વન ટાઈમ શિફ્ટીંગ રૂલ નવા વર્ષથી અમલી બની શકશે નહિ. જેને કારણે નવા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સમગ્ર બેંકિંગ માટે ટ્રેડિંગ ઈન્કમ અને તેની પાછળ અન્ય આવકમાં ઘટાડો જોવા મળશે. જૂના નિયમો મુજબ બેંક્સને બોર્ડની મંજૂરી પછી વર્ષમાં એકવાર HTMમાંથી કે HTMમાં ઈન્વેસ્ટમેન્ટને શિફ્ટ કરવાની છૂટ હતી. HTM સિક્યૂરિટીઝ એ બેંક પાસે રહેલી ડેટ સિક્યૂરિટીઝ હોય છે અને જ્યાં સુધી તે મેચ્યોર ના થાય ત્યાં સુધી બેંક પાસે હોય છે. આ સિક્યૂરિટીઝ માર્ક-ટુ-માર્કેટ નથી હોતી અને બેંક્સે તેમાં નફા કે નુકસાન માટે પ્રોવિઝન કરવાનું નથી હોતું. AFS સિક્યુરિટીઝ એ કંપની તરફથી કરવામાં આવેલું ડેટ કે ઈક્વિટી સિક્યૂરિટીઝમાં રોકાણ હોય છે. જે ટૂંકાગાળામાં વેચાણ કરવાની અપેક્ષા હોય છે અને તેથી તે મેચ્યોરિટી સુધી જાળવવામાં નથી આવતું. એમ્કે ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના અર્થશાસ્ત્રી માધવી અરોરાના જણાવ્યા મુજબ આ પરિબળ જાહેર ક્ષેત્રની બેંક્સ માટે સાધારણ નેગેટિવ બની શકે તેમ છે કેમકે તેઓ ટ્રેઝરી લાભો પર મોટું અવલંબન ધરાવે છે. હાલમાં કેટલીક બેંક્સે સ્ટેચ્યુટરી લિક્વિડીટી રેશિયો(SLR) અને નોન-SLR કેટેગરીઝ હેઠળ આવતી સિક્યૂરિટીઝમાં તેમનું રોકાણ વધાર્યું છે. તેમજ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં ટ્રેઝરી લાભ નોંધાવ્યો હતો. જેમકે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનું રોકાણ 1.85 ટકા વધારી રૂ. 3.49 લાખ કરોડ કર્યું હતું. જ્યારે આઈડીબીઆઈ ટ્રેઝરી ઈન્વેસ્ટમેન્ટ વાર્ષિક ધોરણે 22.4 ટકા વધી રૂ. 1.08 લાખ કરોડ રહ્યું હતું. આ જ રીતે કેનેરા બેંકનું ટ્રેઝરી ઈન્વેસ્ટમેન્ટ 7.3 ટકા વધી રૂ. 3.36 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જૂન ક્વાર્ટરમાં એસબીઆઈનું ડોમેસ્ટીક ઈન્વેસ્ટમેન્ટ રૂ. 15.24 લાખ કરોડ હતું.જેમાંથી એસએલઆર સિક્યૂરિટીઝમાં રૂ. 12.39 લાખ કરોડનું રોકાણ હતું.

ફોક્સકોનનું એક વર્ષમાં જોબ્સ, ઈન્વેસ્ટમેન્ટને બમણું કરવાનું લક્ષ્ય
કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે તે ભારતમાં બે વર્ષમાં 53 હજાર વર્કર્સની નિમણૂંક કરશે

ટેક જાયન્ટ એપલના સૌથી મોટો કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને આવતા વર્ષ સુધીમાં તેના વર્કફોર્સ અને ઈન્વેસ્ટમેન્ટને ભારતમાં બમણું કરવાનો લક્ષ્ય નક્કી કર્યો હોવાનું કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. વિશ્વમાં સૌથી મોટી ઈલેક્ટ્રોનિકસ ઉત્પાદક ચીન પર તેનું અવલંબન ઘટાડવા માટે ભારતમાં તેની હાજરી વધારી રહી છે.
ફોક્સકોનને તેના કામદારોની સંખ્યા બમણી કરવા માટે કેન્દ્રિય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણણે સહાયની ઓફર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે કંપનીને સપોર્ટ અને સુવિધા માટે પ્રતિબધ્ધ છે. ફોક્સકોન હાલમાં ઈલેક્ટ્રોનિક્સ માટે વિશ્વમાં સૌથી મોટી કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર છે. જ્યારે ભારત કંપની માટે ઊભરી રહેલૂં બજાર છે. કંપની ભારતમાં ઝડપી તેની મેન્યૂફેક્ચરિંગ સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં તે આમ કરી રહી છે. કંપની જીઓપોલિટીકલ માહોલને જોતાં ચીન પરનું અવલંબન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
વી લીએ લિંક્ડઈન પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં લખ્યું હતું કે તમારા નેતૃત્વમાં ફોક્સકોને ભરતમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. અમે આગામી વર્ષે વધુ સારી બર્થડે ગિફ્ટ માટે અગાઉથી પણ વધુ મહેનત કરીશું અને ભારતમાં અમારા કર્મચારીઓ, એફડીઆઈ અને બિઝનેસનું કદ બમણુ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. કંપની કોવિડ પછી ભારતમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે. તે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અન કર્ણાટકમાં તેની મેન્યૂફેક્ચરિંગ સુવિધા વિસ્તારી રહી છે.

ટોરેન્ટ ફાર્માની સિપ્લામાં હિસ્સો ખરીદવા CVC કેપિટલ સાથે આખરી તબક્કાની મંત્રણા
અમદાવાદ સ્થિત ફાર્મા કંપનીએ સિપ્લામાં પ્રમોટર પરિવારનો હિસ્સો ખરીદવા બેઈન કેપિટલ સહિત પીઈ ફંડ્સનો સંપર્ક કર્યો હતો

ટોચની ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ સિપ્લામાં પ્રમોટર્સના હિસ્સાની ખરીદી માટે યુરોપિયન ફંડ સીવીસી કેપિટલ પાર્ટનર્સ સાથે ચર્ચાના આખરી તબક્કામાં હોવાનું વર્તુળો જણાવે છે. કંપની 7 અબજ ડોલરની ખરીદી માટે તૈયાર થઈ રહી છે એમ તેઓ ઉમેરે છે.
અગાઉ ટોરેન્ટે સિપ્લામાં પ્રમોટર પરિવારનો હિસ્સો ખરીદવા ફંડની ખાતરી માટે બેઈન કેપિટલ સહિત પીઈ ફંડ્સ પાસેથી સંપર્ક સાધ્યો હતો. વર્તુળોના મતે ટોરેન્ટે બેઈન સાથે સંભવિત કો-ઈન્વેસ્ટર તરીકે જોડાવા વાતચીત ચાલુ રાખી છે, જોકે તે હજુ પણ સીવીસીને પસંદ કરે તેવી શક્યતાં છે. ટોરેન્ટ રૂ. 8300-9000 કરોડનું મેઝનાઈન ડેટ ઊભું કરવા માટે બ્રૂકફિલ્ડ સાથે પણ ચર્ચા-વિચારણા ચલાવીરહીછે. ટોરેન્ટના સ્થાપકો સુધીર મહેતા અને સમીર મહેતા, કંપનીમાં 71.25 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ પીઈ પાસેથી ફંડ્સ મેળવવા આમાંનો કેટલોક હિસ્સો ઘટાડવાનું વિચારી રહ્યાં છે. મહેતા પરિવાર લોન્સ માટે શેર્સને કોલેટરલ તરીકે ઉપયોગમાં લઈ નોન-ડિસ્પોઝેબલ અન્ડરટેકિંગ(NDU) બનાવવા માગે છે. કેટલું ફંડ્સ ઉભૂં કરવું તેને લઈને હજુ આખરી નિર્ણય નથી લેવાયો એમ વર્તુળો જણાવે છે. જોકે ટોરેન્ટ જૂથ સપ્ટેમ્બરની આખર સુધીમાં ફંડીંગ ક્લોઝક કરવાનું વિચારે છે. વર્તુળોના મતે ટોરેન્ટ ઈક્વિટી મારફતે લઘુત્તમ 75 કરોડ ડોલરથી લઈ વધુમાં વધુ 2.25 અબજ ડોલર સુધીનું ફંડ મેળવવાની આશા ધરાવે છે. સિપ્લાના પ્રમોટર હમીદ પરિવાર પાસે કંપનીનો 33.47 ટકા હિસ્સો રહેલો છે. સિપ્લાની માર્કેટ વેલ્યૂ લગભગ રૂ. 1 લાખ કરોડ જેટલી છે.

ક્રૂડના ભાવ વધતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના માર્જિન પર દબાણ
સપ્ટેમ્બરમાં પેટ્રોલ પર રૂ. 5.5નું GMM જ્યારે ડિઝલમાં રૂ. 3.8ની ખોટ જોવા મળી

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ગ્રોસ માર્કેટિંગ માર્જિન્સ(GMM) પર નવેસરથી દબાણ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન(એચપીસીએલ)ના માર્જિનમાં ઘટાડો નોંધાયો છે. જેનું કારણ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ છે. 2023ના પ્રથમ છ મહિના દરમિયાન 75 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ દર્શાવનાર ક્રૂડ ગયા સપ્તાહે 94 ડોલરની 10-મહિનાની ટોચે પહોંચ્યું હતું. જેને કારણે માંડ પોઝીટીવ માર્જિન દર્શાવતી થયેલી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ફરીથી મુશ્કેલી ઊભી થઈ છે.
સપ્ટેમ્બરમાં પેટ્રોલ પર ગ્રોસ માર્કેટિંગ માર્જિન્સ રૂ. 5.5 પ્રતિ લિટર જોવા મળ્યું છે. જ્યારે ડિઝલમાં તે રૂ. 3.8ની ખોટ દર્શાવે છે. એપ્રિલથી જૂનના સમયગાળાની વાત કરીએ તો પેટ્રોલ પર રૂ. 10.6 પ્રતિ લિટર અને ડિઝલ પર રૂ. 10.2 પ્રતિ લિટરનું માર્જિન જોવા મળ્યું હતું. જ્યારે બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં પેટ્રોલ પર રૂ. 8.4 પ્રતિ લિટર અને ડિઝલ પર રૂ. 2.7 પ્રતિ લિટરનું માર્જિન જળવાયું હતું એમ બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરની ગણતરી સૂચવે છે.
સોમવારે ક્રૂડ 94 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સાઉદી અરેબિયા અને રશિયાએ ઉત્પાદન કાપની જાહેરાત કરતાં ટાઈટ સપ્લાયની ચિંતા વચ્ચે ક્રૂડના ભાવમાં મજબૂતીજોવા મળી છે. બ્રોકરેજ હાઉસ જેએમ ફાઈનાન્સિયલે ઓએમસીની અર્નિંગ્સને લઈ નજીકના સમયગાળા માટે સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો છે. તેના મતે જો બ્રેન્ટ ક્રૂડના ભાવ 85 ડોલર પર જળવાયેલા રહેશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓની કમાણી પર અસર પડશે. ઉપરાંત, જો તેઓ આગામી સમયગાળામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે દબાણ અનુભવશે તો પણ અર્નિંગ્સ પર અસર જોવાશે. બ્રોકરેજના મતે ઓઈલ માર્કેટિંગ કંપનો માટે 80 ડોલર પ્રતિ બેરલના ભાવે બ્રેકઈવન જોવા મળે છે. જે ઘણો નીચો ભાવ છે. ભારતને રશિયા તરફથી સસ્તાં ક્રૂડનો લાભ થયો હોવા છતાં જી-7 તરફથી 60 ડોલરની લઘુત્તમ પ્રાઈસ કેપને જોતાં તે રશિયાથી આયાત તે મર્યાદામાં જ કરી શકાય છે. પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યાં પછી રશિયા ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની રહ્યું છે.

લાર્જ IT કંપનીઓ 2024-25થી આવક વૃધ્ધિ દર્શાવે તેવી શક્યતાં
ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજી જેવી કંપનીઓએ મેળવેલાં મોટા કોન્ટ્રેક્ટ્સ

કેટલીક મોટા કદની ભારતીય ઈન્ફર્મેશન ટેક્નોલોજી(આઈટી) સર્વિસિઝ કંપનીઓ આગામી નાણા વર્ષ 2024-25થી આવક વૃદ્ધિમાં રિકવરી દર્શાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કંપનીઓ 2023-24માં 3-5 ટકાની અંદાજિત આવક વૃદ્ધિ સામે આગામી વર્ષે 9-10 ટકાની આવક વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે. તાજેતરમાં કંપનીઓએ સાઈન કરેલા કેટલાંક મોટા કદના કોન્ટ્રેક્ટ્સ, ખર્ચ ઘટાડા માટે મજબૂત પાઈપલાઈન અને ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગમાં સુધારા પાછળ આમ જોવાશે એમ કોટક ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝનો રિપોર્ટ જણાવે છે.
રિપોર્ટ નોંધે છે કે ભારતીય આઈટી કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં કેટલાંક બહુવિધ મોટા કોન્ટ્રેક્ટ્સ મેળવ્યાં છે. વૈશ્વિક સ્તરે કંપનીઓ તરફથી ખર્ચ ઘટાડાના ભાગરૂપે આ પ્રકારના કોન્ટ્રેક્ટ્સ આપવામાં આવ્યાં છે. આ કોન્ટ્રેક્ટ્સથી ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજિસ અને ટીસીએસ જેવી મોટી આઈટી કંપનીઓને લાભ થશે. નવા કોન્ટ્રેક્ટ્સ માટેના રેટમાં સ્થિરતા આવી છે અને ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગ આધારિત શોર્ટ-ટર્મ પ્રોજેક્ટ્સમાંથી હવે ખર્ચ ઘટાડા આધારિત મોટા પ્રોજેક્ટ્સ તરફ ધ્યાન શિફ્ટ થયું છે. જે લાંબી સેલ્સ સાયકલ્સ ધરાવે છે એમ રિપોર્ટનું કહેવું છે. ગયા સપ્તાહે ઈન્ફોસિસે વૈશ્વિક કંપની સાથે 15 વર્ષ માટેના 1.5 અબજ ડોલરના એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. જે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સોલ્યુશન્સ મારફતે ડિજિટલ સર્વિસિઝને વ્યાપક બનાવવાની ઓફર કરે છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઈન્ફોસિસ માટે આ પાંચમો મોટો કોન્ટ્રેક્ટ છે. ગયા મહિને ટીસીએસે જગુઆર લેન્ડ રોવર સાથે પાંચ વર્ષોથી વધુ સમયગાળા માટે સ્ટ્રેટેજીક ભાગીદારીની સ્થાપના કરી હતી. જે લગભગ એક અબજ ડોલરનું મૂલ્ય ધરાવે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં તે યુકેની નેશનલ એમ્પ્લોયમેન્ટ સેવિંગ્ઝ ટ્રસ્ટ સાથે 18 વર્ષો માટે 1.9 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતાં કોન્ટ્રેક્ટમાં પ્રવેશી હતી. ઓગસ્ટમાં એચસીએલ ટેક્નોલોજીસે વેરિઝોન બિઝનેસ સાથે મેનેજ્ડ નેટવર્ક સર્વિસિઝ માટે 2.1 અબજ ડોલરનો કોન્ટ્રક્ટ સાઈન કર્યો હતો. જેને જોતાં આઈટી કંપનીઓની આવકમાં વૃદ્ધિમાં રિકવરી જોવા મળી શકે છે. તેમજ કંપનીઓના માર્જિન્સમાં પણ તબક્કાવાર સુધારાની શક્યતાં છે એમ રિપોર્ટ નોંધે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ વોલ્ટ ડિઝનીએ તેના ભારત સ્થિત સ્ટ્રીમીંગ અને ટેલિવિઝન બિઝનેસના સંભવિત ખરીદાર તરીકે બિલિયોનર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી હોવાનું વર્તુળો જણાવે છે. યુએસ એન્ટરટેઈનમેન્ટ જાયન્ટએ સમગ્ર ડિઝની સ્ટાર બિઝનેસને ખરીદવા સહિત તેમાંથી કેટલાંક બિઝનેસની ખરીદી સહિતની વાતો કરી હોવાનું વર્તુળોનું કહેવું છે. ડિઝની ઘણા સમયથી ખરીદાર શોધી રહી છે.
અકાસાઃ લો-કોસ્ટ એરલાઈન કંપનીએ તેના 43 પાયલોટ્સ સામે અગાઉથી નોટિસ આપ્યાં વિના નોકરી છોડવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી છે. એરલાઈનના જણાવ્યા મુજબ જ્યાં સુધી આ પાયલોટ્સ તેમનો ફરજિયાત નોટિસ પિરિયડ પૂરો કરે નહિ ત્યાં સુધી અન્ય ઓર્ગેનાઈઝેશનમાં જોડાઈ શકવા જોઈએ નહિ. પાયલોટ્સની અછતને કારણે કંપનીએ માર્કેટ શેર ગુમાવ્યો છે.
જિંદાલ સોઃ સ્થાનિક પાઈપ ઉત્પાદક કંપનીએ નાસિક ખાતે 2.5 કરોડ ડોલરના ખર્ચે સંયુક્ત સાહસ મારફતે તૈયાર થયેલી ઉત્પાદન સુવિધા ખૂલી મૂકી છે. કંપનીએ ભારતમાં ફિનિશ્ડ સીમલેસ કેસીંગ અને ટ્યુબિંગના ઉત્પાદન મટેની પેટન્ટેટ કનેક્શન્સ ટેક્નોલોજી મેળવવા માટે હંટીંગ સાથે ભાગીદારી કરી હતી. પ્લાન્ટ 70 હજાર ટનની વાર્ષિક ક્ષમતા ધરાવે છે.
NTPC: દેશમાં સૌથી મોટી વીજ ઉત્પાદક અને પીએસયૂ કંપની એનટીપીસીની માઈનીંગ પાંખ વિદેશમાં બેટરી માટે જરૂરી ખનીજોની શોધ ચલાવશે. આવા ખનીજોમાં લિથીયમ, કોબાલ્ટ, નીકલનો સમાવેશ થાય છે. કંપની ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના અને ચીલી ખાતે આવી શોધ ચલાવશે. એનટીપીસી ડાયવર્સિફિકેશનના ભાગરૂપે નોંધપાત્ર રોકાણ કરવા જઈ રહી છે. જેનો હેતુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન ઘટાડવાનો છે.
ડીબી રિઅલ્ટીઃ રિઅલ એસ્ટેટ ડેવલપર કંપનીએ કન્વર્ટિબલ વોરંટ્સના પ્રેફરન્શિયલ ઈસ્યુ મારફતે રૂ. 1544 કરોડ ઊભા કર્યાં છે. કંપનીએ ડેટ ઓછું કરવા માટે આ નાણા ઊભા કર્યાં છે. તેણે પિનેકલ ઈન્વેસ્ટમેન્ટ્સને 17.94 ટકા હિસ્સો ફાળવ્યો છે. રેખા ઝૂનઝૂનવાલાને 2 ટકા અને રેર ઈન્વેસ્ટમેન્ટ્સને 3 ટકા ઈક્વિટી શેર્સ ફાળવ્યાં છે. અભય ચંડાક અને આદિત્ય ચંડાકને પણ 2-2 ટકા હિસ્સો મળ્યો છે.
ડિફેન્સ સ્ટોક્સઃ સરકારની ડિફેન્સ એક્વિઝીશન કાઉન્સિલે રૂ. 45000 કરોડના મૂલ્યની નવ ડિફેન્સ પરચેઝ પ્રોપોઝલ્સને મંજૂરી આપતાં સોમવારે ડિફેન્સ સંબંધી શેર્સમાં ભારે મજબૂતી જોવા મળી હતી. જેમાં હિંદુસ્તાર એરોનોટીક્સ, બીઈએલ, બીઈએમએલ જેવા પીએસયૂ કાઉન્ટર્સ તેમની ટોચ પર ટ્રેડ થતાં જોવા મળ્યા હતાં.
વેદાતાઃ બિલિયોનર અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિસ માટે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ડાઉનગ્રેડ માટેની ચેતવણી ઉચ્ચારી છે. વૈશ્વિક એજન્સીએ તેની એક તાજેતરની નોટમાં નોંધ્યું છે કે વેદાંતા રિસોર્સિસની ડેટ ટ્રાન્ઝેક્શન્સ સંબંધી કોઈપણ ફાઈનાન્સિયલ પોલિસીમાં ફેરફાર રેટિંગ ડાઉનગ્રેડમાં પરિણમી શકે છે. જે વખતે તેનું રેટિંગ વર્તમાન B-માંથી ઘટી CCC અથવા CC બની શકે છે.
બ્રિગેડ એન્ટરપ્રાઈઝઃ રિઅલ્ટી કંપની બેંગલોર નોર્થ તાલુકમાં રૂ. 123.5 કરોડના ખર્ચે પાંચ એકર 35.25 ગુંઠા જમીનની ખરીદી કરી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

6 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

6 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

6 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

6 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

6 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

6 months ago

This website uses cookies.