બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સની મજબૂત પકડ વચ્ચે સ્થાનિક શેરબજારની આગેકૂચ જારી
નિફ્ટી 19819ની ઓલ-ટાઈમ હાઈ બનાવી પરત ફર્યો
વૈશ્વિક બજારોમાં મહ્દઅઁશે નરમાઈ જોવાઈ
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મહત્વનો સપોર્ટ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા વધી 11.71ના સ્તરે
આઈટી, એનર્જીમાં મજબૂતી, અન્યત્ર નરમાઈ
પોલીકેબ, સીજી પાવર, એનએમડીસી, મહિન્દ્રા હોલિડે નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સમાં નવું તળિયું
ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે નવી ટોચ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ તેમની ઓલ-ટાઈમ હાઈ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. વૈશ્વિક હરિફોની સરખામણીમાં તેમનું આઉટપર્ફોર્મન્સ સતત જળવાય રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 205.21 પોઈન્ટ્સ મજબૂતી સાથે 66,795.14ની સપાટીએ જ્યારે નિફ્ટી 37.80 પોઈન્ટ્સ સુધારે 19,749.25ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, લાર્જ-કેપ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 30 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટાડો સૂચવતાં હતાં. જોકે, બીજી બાજુ મીડ-કેપ્સ અમે સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. બીએસઈ ખાતે 3856 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2068 પોઝીટીવ જ્યારે 1606 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 288 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 18 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.5 ટકા વધી 11.71ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે સપ્તાહના બીજા સત્રમાં વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ જાળવ્યું હતું. બેન્ચમાર્ક અગાઉના 19711.45ના બંધ સામે 19787.50 પર ખૂલી ઉપરમાં 19819.45ની ટોચ બનાવી 19,690.20 પર પટકાયો હતો. જોકે ત્યારપછી સાંકડી રેંજમાં અથડાઈને પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટી 19750ની ટોચ પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. આમ તે અવરોધ પર આવીને ઊભો છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 24 પોઈન્ટ્સ પ્રિમિયમે 19773ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 20 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ દર્શાવે છે. માર્કેટ ઓવરબોટ ઝોનમાં હોવાથી આગામી સત્રોમાં એક કોન્સોલિડેશન જોવા મળી શકે છે. જોકે, તે ઈન્ટ્રા-ડે પ્રકારનું પણ હોય શકે છે. કેમકે હેવીવેઈટ શેર્સ જેમકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક સહિત આઈટી કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેઓ બેન્ચમાર્ક્સને નવી ટોચ ભણી આગળ લઈ જવાનું ચાલુ રાખી શકે છે. 19600ના સ્ટોપલોસ સાથે ટ્રેડર્સ લોંગ પોઝીશન જાળવી શકે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, તાતા કન્ઝ્યૂમર, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ અને વિપ્રોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા, એસબીઆઈ, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સ, એપોલો હોસ્પિટલ, તાતા મોટર્સ, ગ્રાસિમ, ડિવિઝ લેબ્સ, તાતા સ્ટીલ, સન ફાર્મા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો આઈટી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બાકીના સેક્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રાનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી એનર્જી 0.36 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ઓએનજીસી, ગેઈલ અને આઈઓસી મુખ્ય હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેમાં આઈઓબી, જેકે બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, એસબીઆઈ, યૂકો બેંક, પીએનબીમાં વેચવાલી જોવા મળતી હતી. ફાર્મા અને એફએમસીજી સૂચકાંકો પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.84 ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 0.9 ટકા ડાઉન બંધ રહ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટી, હેમિસ્ફિઅર ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો પોલીકેબ 5.45 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પ, ઈન્ફોસિસ, હેવેલ્સ ઈન્ડિયા, ગ્લેનમાર્ક, ઓરોબિંદો ફાર્મા, બિરલાસોફ્ટ, ભેલ, ફેડરલ બેંક, એબીબી ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, સન ટીવી નેટવર્ક, બોશ, ડો. લાલ પેથલેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, આરબીએલ બેંક, એલટીઆઈમાઈન્ડટ્રી, ઝી એન્ટરટેઈનમેન્ટ, એબી કેપિટલ, હિંદ કોપર, ઈન્ડિયા સિમેન્ટ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી, જેકે સિમેન્ટ, પીવીઆર આઈનોક્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પોલીકેબ, સીજી પાવર, એનએમડીસી સ્ટીલ, મહિન્દ્રા હોલિડેઝ, એઆઈએ એન્જીનીયરીંગ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક, ઝેનસાલ ટેક, બિરલા સોફ્ટ અને કજરિયા સિરામિક્સનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સમાં નવું તળિયું જોવા મળ્યું હતું.
સોફ્ટબેંકે પેટીએમમાં વધુ 2 ટકા હિસ્સાનું વેચાણ કર્યું
જાપાની ઈન્વેસ્ટરે ફિનટેક કંપનીનો હિસ્સો વેચી 20 કરોડ ડોલર ઊભા કર્યાં
સોફ્ટબેંકે ફિનટેક કંપની પેટીએમની માલિક વન97 કોમ્યુનિકેશન્સમાં વધુ 2 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. તેણે છેલ્લાં એક મહિનામાં ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે આ વેચાણ કર્યું છે. જાપાન સ્થિત ઈન્વેસ્ટરનું ભારતમાં આ સૌથી મોટું રોકાણ છે. સોફ્ટબેંકે પેટીએમનો હિસ્સો વેચી 20 કરોડ ડોલર ઊભાં કર્યાં છે. હાલમાં નવા ફંડીંગમાં શુષ્ક માહોલ વચ્ચે બેંકના ઈન્વેસ્ટમેન્ટ્સની બાબતમાં ભારત ત્રીજું સૌથી મોટું સ્થળ છે.
માર્કેટના જાણકારોના જણાવ્યા મુજબ સોફ્ટબેંક છેલ્લાં એક મહિનાથી નાના જથ્થામાં શેર્સ ઓફલોડ કરતી રહી છે. તેનું વેચાણ મોટેભાગે નફાદાયી બની રહ્યું હતું. કેમકે પેટીએમનો શેર તેના વેચાણકાળ દરમિયાન રૂ. 830ની ભાવ સપાટી પર ટકી રહ્યો હતો. જે જાપાની ઈન્વેસ્ટરનો ખરીદ ભાવ હતો એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. સોફ્ટબેંક પ્રથમવાર પેટીએમના શેરનું નફા સાથે વેચાણ કરવામાં સફળ રહી છે એમ પણ તેઓ જણાવે છે. કંપનીએ નવેમ્બર 2021માં રૂ. 2150ના ભાવે શેર ઓફર કર્યાં હતાં. જોકે શેર તૂટીને રૂ. 500ની નીચે ઉતરી ગયો હતો. અગાઉ સોફ્ટ બેંકે જૂનમાં પેટીએમ અને ઝોમેટોમાં ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે શેર્સનું વેચાણ કર્યું હતું. છેલ્લાં ક્વાર્ટરમાં બંને કંપનીઓના શેર્સમાં સુધારા પાછળ સોફ્ટબેંકનું રોકાણ નફો દર્શાવતું થયું હતું. નવેમ્બર 2022થી સોફ્ટબેંક પેટીએમનો હિસ્સો વેચી રહી છે. તેણે રૂ. 550-840 પ્રતિ શેરની રેંજમાં તેનો હિસ્સો વેચ્યો છે. નવેમ્બર 2021માં આઈપીઓથી એક વર્ષ માટે તે લોક-ઈન પિયિયડના દાયરામાં આવતી હતી. આમ લોક-ઈન દૂર થયું ત્યારથી તે પેટીએમનો હિસ્સો બજારમાં ઠાલવી રહી છે. તાજેતરના વેચાણ પછી કંપનીમાં સોફ્ટબેંકનો હિસ્સો ઘટી 9.15 ટકા પર આવી ગયો છે. નવેમ્બર 2022માં કંપનીએ પેટીએમનો 4.5 ટકા હિસ્સો વેચી રૂ. 1631 કરોડ ઊભાં કર્યાં હતાં. સોફ્ટબેંક ભારતમાં સૌથી સક્રિય સ્ટાર્ટઅપ ઈન્વેસ્ટર છે. જે 20થી વધુ યુનિકોર્ન્સને સપોર્ટ કરી રહી છે. જોકે, 2023માં તેણે એકપણ ફંડીંગ રાઉન્ડમાં ભાગ લીધો નથી. 2022-23માં તેણે વૈશ્વિક સ્તરે 3.2 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જે 2021-22માં 44.3 અબજ ડોલર પર હતું.
હિંડેનબર્ગ રિપોર્ટ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કરાયેલો પ્રયાસઃ ગૌતમ અદાણી
અદાણીના મતે યુએસ શોર્ટ સેલરે જાણીજોઈને તથા બદઈરાદાપૂર્વક કામ કર્યું હતું
અદાણીના મતે સેબીએ તેનો રિપોર્ટ જમા કરાવવાનો બાકી છે જોકે ગ્રૂપ ગવર્નન્સ અને ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડ્ઝના પાલનમાં વિશ્વાસ ધરાવે છે
જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગનો રિપોર્ટ જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના બદઈરાદા સાથે જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય હોવાનું અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે જણાવ્યું હતું. તે ખોટી માહિતી અને પાયાવિહોણા આક્ષેપો સાથેનું એક સુયોજિત કાવતરું હતું એમ અદાણીએ કહ્યું હતું.
અદાણી જૂથના વાર્ષિક સાધારણ સભામાં બોલતાં જૂથના વડા અદાણીએ ઉમેર્યું હતું કે રિપોર્ટનો હેતુ શેરના ભાવોને ટૂંકાગાળામાં તોડીને નફો રળવાનો હતો. રિપોર્ટમાં મોટાભાગના આક્ષેપો 2004થી 2015નો સમયગાળો ધરાવતાં હતાં. જે તમામને તે વખતના સત્તાવાળાઓએ સેટલ કર્યાં હતાં. અમે આ આક્ષેપોનો ઝડપી અને સર્વગ્રાહી પ્રતિભાવ જાહેર કર્યો હતો પરંતુ કેટલાંક વેસ્ટેડ હિતો ધરાવનારાઓએ શોર્ટ સેલરના દાવાઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી કંપનીઓએ વિવિધ માધ્યમો અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી વાતોનો પ્રોસ્તાહન આપવા સાથે પ્રસાર કર્યો હતો. અદાણીના મતે સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીએ કોઈપણ પ્રકારની નિયમનકારી નિષ્ફળતા જોઈ નથી. કમિટીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યા મુજબ જૂથ તરફથી લેવામાં આવેલા પ્રયાસોએ માત્ર રોકાણકારોમાં વિશ્વાસને ફરીથી ઊભો કર્યો છે તેટલું જ નહિ પરંતુ તેણે નોંધ્યું છે કે વિદેશી શોર્ટ સેલરે ભારતીય બજારને અસ્થિર કરવા આક્ષેપો કર્યાં હતાં. અદાણીના મતે મતે સેબીએ તેનો રિપોર્ટ જમા કરાવવાનો બાકી છે જોકે ગ્રૂપ ગવર્નન્સ અને ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડ્ઝના પાલનમાં વિશ્વાસ ધરાવે છે. ગૌતમ અદાણીએ નોંધ્યું હતું કે કટોકટીના સમય દરમિયાન પણ ગ્રૂપે વિદેશી તેમજ સ્થાનિક રોકાણકારો પાસેથી અબજો ડોલર મેળવ્યાં હતાં. જ્યારે કોઈ ક્રેડિટ એજન્સિઝે ગ્રૂપના રેટિંગ્સમાં ઘટાડો નહોતો કર્યો. આ બાબત કંપનીમાં રોકાણકારોના મજબૂત અને અતૂટ વિશ્વાસને લઈને અમારા વિશ્વાસને મજબૂત માન્યતા આપે છે. ભારતમાં વિશ્વાસનું પુનરોચ્ચાર કરતાં અદાણીએ જણાવ્યું હતું કે આર્થિક સાઈકલ્સને લઈને આગાહી કરવી કઠિન બની છે પરંતુ ભારત 2030 પહેલા ભારતનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે તેને લઈને કોઈ શંકા નથી. જ્યારે 2050 સુધીમાં તે વિશ્વનું બીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અદાણીએ જૂથ કંપની અદાણી ગ્રીન તરફથી ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યૂએબલ્સ પાર્ક બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ પ્રોજેક્ટ અમારો અત્યાર સુધીનો સૌથી જટિલ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. જે 72 હજાર એકર્સમાં ફેલાયેલો હશે અને 20 ગીગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા સક્ષમ હશે. જૂથ 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરશે એવો વિશ્વાસ પણ અદાણીએ વ્યક્ત કર્યો હતો.
નફો કરતાં યુનિકોર્ન્સની સંખ્યા ચાર વર્ષોમાં 55 પર પહોંચશે
2021-22માં દેશમાં 30 યુનિકોર્ન્સ નફો દર્શાવી રહ્યાં હતાં
એક અભ્યાસ મુજબ તેમનું કુલ નુકસાન 7.1 અબજ ડોલર પરથી ઘટી 1.9 અબજ ડોલર રહેશે
દેશમાં નફો કરી રહેલા યુનિકોર્ન્સની સંખ્યા નાણા વર્ષ 2026-27 સુધીમાં વધીને 55 પર પહોંચશે એમ એક અભ્યાસ જણાવે છે. 2021-22માં દેશમાં 30 યુનિકોર્ન્સ નફો દર્શાવી રહ્યાં હતાં. યુનિકોર્ન્સ તરફથી દર્શાવવામાં આવી રહેલું કુલ નુકસાન પણ સમાનગાળામાં 7.1 અબજ ડોલર પરથી ઘટી 1.9 અબજ ડોલર પર જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે એમ રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ તરફથી 100 કંપનીઓના કરવામાં આવેલું એનાલિસીસ જણાવે છે. દેશમાં વધુમાં વધુ 50 ટકા યુનિકોર્ન્સ 2026-27 સુધીમાં નફો દર્શાવે તેવી અપેક્ષા છે. હાલમાં 20 ટકા યુનિકોર્ન્સ નિયમનકારી પડકારો અને અસ્પષ્ટ બિઝનેસ મોડેલ્સને કારણે સંઘર્ષ કરી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ યુનિકોર્ન્સ હાલમાં ફંડીંગ ફેરફારો, વેલ્યૂએશનમાં ઘટાડો અને ધીમા વૃદ્ધિ દરનો સામનો કરી રહ્યાં છે. ક્યાં તેઓ નવા મોડેલ્સ તરફ શિફ્ટ થશે અથવા કોઈ તેમને ખરીદશે કે પછી બંધ થશે. 2021-22માં 68 યુનિકોર્ન્સ નુકસાન દર્શાવી રહ્યાં હતાં. આ આંકડો 2022-23માં ઘટીને 43 થયો હોવાની શક્યતાં છે. અહેવાલ મુજબ 2026-27 સુધીમાં યુનિકોર્ન્સનો નફો 2021-22માં તેમના દેખાવની સરખામણીમાં પાંચ ગણો થઈ શકે છે. ફિનટેક અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ, બીટુબી, સાસ અને ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ આગામી વર્ષોમાં નફાનું ચાલક બળ બની રહે તેવી અપેક્ષા છે. દેશમાં હાલમાં 100 યુનિકોર્ન્સ રહેલાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સે મોટી વૃદ્ધિ દર્શાવી છે. 2021-22માં 50 અબજ ડોલર સાથે તેમણે ફંડીગમાં ટોચ નોંધાવી હતી. જોકે, ત્યારપછી ફંડીંગ ધીમું પડ્યું હતું અને 2022-23માં તે 70 ટકા જેટલું ઘટી 15 અબજ ડોલર પર જ જોવા મળ્યું હતું. મૂડી ખર્ચમાં સતત વૃદ્ધિ, વધતાં વ્યાજ દરો, વિકસિત બજારોમાં મંદી અને ટેક્નોલોજી શેર્સના મૂલ્યમાં ઘટાડાને કારણે ફંડીંગ સામે પડકારો ઊભા થયાં છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. આના પરિણામે, સ્ટાર્ટ-અપ્સ હવે નફાકારક્તા પર વધુ ભાર આપી રહ્યાં છે.
2 હજારની નોટ વાપસી બેંકોને ફળતાં ડિપોઝીટ ગ્રોથ 6-વર્ષની ટોચે નોંધાયો
ઉપરાંત ફિક્સ ડિપોઝીટ્સ રેટમાં સતત વૃદ્ધિએ પણ રોકાણકારોને એફડી તરફ વાળ્યાં
અંતિમ આંકડાની રીતે જોઈએ તો બેંક્સ ડિપોઝીટ્સમાં છેલ્લાં 12-મહિનામાં રૂ. 22 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ
બેંક ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે છેલ્લાં પખવાડિયામાં 13 ટકાની તંદુરસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જે છેલ્લાં છ વર્ષમાં સૌથી ઊંચી છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રૂ. 2000ની ચલણી નોટને પરત ખેંચવાના પગલાએ પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ઊંચા ડિપોઝીટ રેટ્સે પણ રોકાણકારોને એફડી તરફ આકર્ષ્યાં છે એમ કેરએજ રેટિંગનો રિપોર્ટ નોંધે છે. ત્રિમાસિક ધોરણે એફડીમાં 3.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
જો અંતિમ આંકડાની રીતે જોઈએ તો બેંક ડિપોઝીટ્સમાં છેલ્લાં 12-મહિના દરમિયાન રૂ. 22 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી. માર્ચ 2017 પછી ડિપોઝીટ ગ્રોથ સૌથી ઊંચો જોવા મળ્યો હતો. આરબીઆઈ તરફથી દેશમાં રૂ. 2000ની નોટ્સને પરત ખેંચવાની જાહેરાતથી 30 જૂન, 2023 સુધીમાં રૂ. 2.72 લાખ કરોડની નોટ્સ બેંક્સમાં જમા કરાવવામાં આવી હતી. એટલેકે 30 જૂન સુધીમાં રૂ. 2000ની કુલ 76 ટકા નોટ્સ પરત થઈ ચૂકી હતી. જેમાંથી 87 ટકાને ડિપોઝીટ કરાવાઈ હતી. જ્યારે 13 ટકાને એક્સચેન્જ કરાવવામાં આવી હતી એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. હાલમાં દેશમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ રેટ્સ છેલ્લાં ઘણાં વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યાં છે. કેટલીક બેંક્સ અને એનબીએફસી 8.5 ટકાથી 9.36 ટકા સુધીનો વાર્ષિક ઈન્ટરેસ્ટ રેટ ચૂકવી રહી છે. જોકે, રોકાણકારોએ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે બેંક એફડીનું રિટર્ન ઈન્ફ્લેશન કરતાં ઘણું નીચું છે. જોતમે ટેક્સને ગણનામાં લો તો એફડી પરનું રિટર્ન નેગેટિવ જોવા મળે છે. આમ, જ્યાં સુધી એફડી રિટર્ન ઈન્ફ્લેશન કરતાં બે ટકા જેટલું ઊંચું ના હોય ત્યાં સુધી સાચા અર્થમાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી એમ કહી શકાય. એફડી એ ટૂંકાગાળામાં કેપિટલ પ્રોટેક્શન માટે એક સારો વિકલ્પ છે. જેમાં ઈમર્જન્સી ફંડ્સનું પાર્કિંગ કરવું હોય વગેરે બાબતોનો સમાવેશ થઈ શકે. હાલમાં સામાન્ય જનતા માટે એફડી રેટ્સ સાત દિવસથી 10 વર્ષો માટેની એફડી પર 3 ટકાથી લઈ 9.5 ટકા પર પ્રવર્તી રહ્યાં છે. સિનિયર સિટીઝન્સને સામાન્ય જનતાની સરખામણીમાં 0.5 ટકાથી 0.75 ટકા સુધી ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ ઓફર કરવામાં આવી રહ્યાં છે.
દરમિયાનમાં વાર્ષિક ધોરણે ક્રેડિટ ઉપાડમાં 16.2 ટકાનો ઊંચો વૃદ્ધિ દર જળવાયો છે. 30 જૂનના રોજ પૂરા થતાં પખવાડિયામાં તે રૂ. 143.9 લાખ કરોડ પર જોવા મળ્યો હતો. જેના મુખ્ય ચાલક બળોમાં પર્સનલ લોન્સ, એનબીએફસી અને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. જો એબ્સોલ્યુટ ટર્મ્સમાં જોઈએ તો 1 જુલાઈ 2022થી 30 જૂન, 2023 સુધીમાં કુલ ક્રેડિટ ઓફટેક રૂ. 20.1 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.6 લાખ કરોડ પર હતું. આર્થિક પ્રવૃત્તિઓમાં વિસ્તરણ પાછળ બેંક ક્રેડિટ ઉપાડ માટેનું ભવિષ્ય પોઝીટીવ જળવાય રહેવાની શક્યતાં છે. ખાસ કરીને ઊંચા મૂડી ખર્ચ, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કિમના અમલ અને રિટેલ ક્રેડિટને કારણે ધિરાણ ઊંચું જળવાય રહેશે. જોકે, 2022-23માં 15 ટકાના દરેથી તે સાધારણ ઘટાડા સાથે 2023-24માં 13-13.5 ટકા પર જોવા મળે તેવી શક્યતાં છે એમ કેરએજનો રિપોર્ટ નોંધે છે. ઉપરાંત ક્રેડિટ અને ડિપોઝીટ્સ વચ્ચેનો ગ્રોથ પણ નવેમ્બર 2022ની સરખામણીમાં ગયા પખવાડિયા દરમિયાન ઘટી 326 બેસીસ પોઈન્ટ્સ જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ છેલ્લાં બેથી ત્રણ પખવાડિયાં દરમિયાન ડિપોઝીટ્સમાં જોવા મળેલી ઊંચી વૃદ્ધિ હતું.
કોન્સન્ટ્રેટેડ FPI હોલ્ડિંગ્સ ધરાવતાં 40 જૂથોમાં અદાણી, તાતા અને હિંદુજાનો સમાવેશ
દેશમાં 100 જેટલા વિદેશી સંસ્થાકિય રોકાણકારો એક જ કોર્પોરેટ જૂથમાં 50 ટકાથી વધુ રોકાણ ધરાવે છે
‘હાઈ-રિસ્ક’ તરીકે ઓળખાતી એફપીઆઈ માર્ચ 2023ની આખર સુધીમાં અદાણી જૂથમાં રૂ. 33,223 કરોડ, હિંદુજા જૂથમાં રૂ. 18,210 કરોડ, ઓપી જિંદાલ ગ્રૂપમાં રૂ. 7,871 કરોડનું રોકાણ ધરાવતી હતી
ભારતમાંના કુલ રોકાણનો 50 ટકાથી વધુ હિસ્સો એક જ કોર્પોરેટ જૂથમાં ધરાવતાં હોય તેવા લગભગ 100 જેટલા વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ છે. તેમણે લગભગ 40 જૂથોમાં આ પ્રકારનું રોકાણ કર્યું છે. જેમાં અદાણી, હિંદુજા, જીએમઆર અને તાતાનો સમાવેશ થાય છે. જો તેઓ પબ્લિક રિટેલ ફંડ્સ, સોવરિન વેલ્થ ફંડ્સ અથવા પેન્શન ફંડ્સ સિવાયની FPI હોય તો આવા કોન્સ્ટ્રેટેડેટ હોલ્ડિંગ્સ ધરાવતી રેગ્યુલેટર તરફથી ‘હાઈ-રિસ્ક’ તરીકે ઓળખવામાં આવે છે.
સેબી તરફથી ‘હાઈ-રિસ્ક’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલી આવી એફપીઆઈએ માર્ચ 2023ની આખર સુધીમાં અદાણી જૂથમાં રૂ. 33,223 કરોડ, હિંદુજા જૂથમાં રૂ. 18,210 કરોડ, ઓપી જિંદાલ ગ્રૂપમાં રૂ. 7,871 કરોડ અને તાતા જૂથમાં રૂ. 2,301 કરોડનું રોકાણ કર્યું હતું એમ પ્રાઈમ ડેટાબેઝે તૈયાર કરેલો ડેટા જણાવે છે. આ આંકડાઓ જોકે સંપૂર્ણપણે સાચું ચિત્ર નથી દર્શાવતાં કેમકે આ અભ્યાસમાં કંપનીમાં 1 ટકાથી ઊંચું હોલ્ડિંગ ધરાવતી એફપીઆઈને જ ગણનામાં લેવામાં આવી છે. રેગ્યુલેશન્સ મુજબ કંપનીમાં 1 ટકાથી ઓછું રોકાણ ધરાવતી કંપનીઓએ તેમના ઈન્વેસ્ટમેન્ટ્સને લઈને કોઈ ડિસ્ક્લોઝર કરવાની જરૂરિયાત રહેતી નથી. આ ડેટા માર્ચ ક્વાર્ટરની આખરમાં શેરહોલ્ડિંગને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
29 જૂને સેબીએ જણાવ્યું હતું કે દેશના શેરબજારમાં 50 ટકાથી વધુ કોન્સ્ન્ટ્રેશન ધરાવતી અથવા રૂ. 25000 કરોડથી વધુનું રોકાણ ધરાવતી એફપીઆઈએ તેમની માલિકી, આર્થિક હિતો અને કંટ્રોલ અંગે વધારાની વિગતો પૂરી પાડવાની રહેશે. આવી એફપીઆઈમાં સોસાયટી જનરાલી, મોર્ગન સ્ટેનલી, જનરલ એટલાન્ટિક, ગુગલ અને વોરબર્ગ પિન્કાસનો સમાવેશ થાય છે. જ્યારે ઓછી જાણીતી એફપીઆઈમાં અલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, મુન કેપિટલ, એએસએન ઈન્વેસ્ટમેન્ટ્સ અને ઈશાન કેપિટલ માસ્ટર ફંડનો સમાવેશ થાય છે. ડેટા મુજબ ઓછી જાણીતી એફપીઆઈ તેમના ભારતમાંના સમગ્ર ઈન્વેસ્ટમેન્ટ્સને એક જ ગ્રૂપમાં ધરાવે છે. આવી પાંચ એફપીઆઈમાં એએસએન ઈન્વેસ્ટમેન્ટ્સ, વેડા ઈન્વેસ્ટર્સ, ડેક્કન વેલ્યૂ, એ/ડી ઈન્વેસ્ટર્સ ફંડ અને સી/ડી ઈન્વેસ્ટર્સ ફંડનો સમાવેશ થાય છે. તેમનું 100 ટકા એક્સપોઝર જીએમઆર જૂથમાં રહેલું છે. ઈશાન કેપિટલ માસ્ટર ફંડ, એસએફએસપી5 અને ડ્રગ્સા નામની એફપીઆઈનું 100 ટકા એક્સપોઝર હિંદુજા ગ્રૂપમાં જોવા મળે છે. આવી 51 કંપનીઓ છે જેઓ સિંગલ ગ્રૂપમાં જ સમગ્ર એક્સપોઝર ધરાવે છે. સેબીએ સરકારી અને સરકાર સંબંધી રોકાણકારો, પેન્શન ફંડ્સ, પબ્લિક રિટેલ ફંડ્સ અને કેટલાંક લિસ્ટેડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સને અધિક ડિસ્ક્લોઝર્સ કરવાથી મુક્તિ આપી છે. સેબીનો ઉદ્દેશ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના ભંગને તેમજ એફપીઆઈ માર્ગનો ઉપયોગ કરી તકવાદી ટેકઓવરને અટકાવવાનો છે. તેમજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ફોરેન ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર રેગ્યુલેશન્સ વચ્ચે રહેલા ગેપ્સને ભરવાનો છે. ધ્રૂપ એડવાઈઝર્સના પાર્ટનર પુનિત શાહના મતે આમ કરવાથી બે બાબતો પણ અંકુશ આવી શકે છે. એક તો આને કારણે સરકારી મંજૂરી ધરાવતાં ચોક્કસ પડોશી દેશોમાંથી થતાં રોકાણ પણ નજર રહેશે અને બીજું તે એફપીઆઈ મારફતે પ્રમોટર્સના જૂથ કંપનીઓમાં ઈન્વેસ્ટમન્ટ્સના કોઈપણ પ્રકારના રાઉન્ડટ્રીપીંગને ટ્રેક કરી શકશે.
સેબીના અંદાજ મુજબ એફપીઆઈની કુલ ઈક્વિટી એસેટ્સના રૂ. 2.6 લાખ કરોડ અથવા 6 ટકા હિસ્સો તથા ભારતીય માર્કેટ કેપિટલાઈઝેશનનો 1 ટકાથી ઓછો હિસ્સો હાઈ રિસ્ક તરીકે ઓળખાય તેવી સંભાવના છે. આ રોકાણ કોઈ એક ગ્રૂપમાં 50 ટકા કોન્સન્ટ્રેશન અથવા રૂ. 25000 કરોડથી વધુના માપદંડમાં બંધ બેસે છે.
એક જ કોર્પોરેટ જૂથમાં મહત્તમ રોકાણ ધરાવતી કંપનીઓ
જૂથ 50 ટકાથી વધુ રોકાણવાળી FPIની સંખ્યા જૂથમાં કુલ હોલ્ડિંગનું મૂલ્ય(રૂ. કરોડમાઁ)
અદાણી 8 33223
હિંદુજા 11 18210
એચડીએફસી 2 18019
ઓપી જિંદાલ 7 7871
HCL 1 6241
રેલીગેર 2 6169
ભારતી 2 5389
તાતા 2 2301
IDFC 3 2283
મુરુગપ્પા 2 1786
ફોક્સકોને ભારતમાં વિસ્તરણ માટે એપલ પાસેથી 3.3 કરોડ ડોલરના ઈક્વિપમેન્ટ ખરીદ્યાં
ગયા વર્ષે ભારતમાં આઈફોન ઉત્પાદનમાં ત્રણ ગણી વૃદ્ધિ નોંધાઈ હતી
તાઈવાનની ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપે ભારતમાં તેની કામગીરીના વિસ્તરણ માટે ગયા એક વર્ષમાં એપલ ઈન્ક પાસેથી 3.3 કરોડ ડોલરના મૂલ્યના ઈક્વિપમેન્ટ ખરીદ્યાં છે. જે આઈફોનના મુખ્ય એસેમ્બરના ભારતમાં વધતાં વિસ્તરણનો સંકેત આપે છે. તાઈવાનીઝ કંપનીની ભારતીય સબસિડિયરીએ તેની કામકાજી જરૂરિયાતો માટે એપલ ઓપરેશન્સ લિ. પાસેથી ઈક્વિપમેન્ટ ખરીદ્યાં હતાં એમ ફોક્સકોનની તાઈપેઈ લિસ્ટેડ ફ્લેગશિપ કંપની હોન હાઈ પ્રિસિશન ઈન્ડસ્ટ્રીએ એક ફાઈલીંગમાં જણાવ્યું હતું.
ફાઈલીંગમાં ફોક્સકોનના તેના સૌથી મોટા કસ્ટમર સાથેના ડિલિંગ્સની માહિતી મળે છે. જે ક્યારે તાઈવાનીઝ કંપનીને ઈક્વિપમેન્ટના ખર્ચને ફાઈનાન્સ કરવામાં સહાય પણ કરે છે. જેનો તાઈવાનીઝ કંપની વિશ્વમાં સૌથી મોટી આઈફોન્સ ઉત્પાદક બની રહેવામાં ઉપયોગ કરે છે. ગયા મે મહિનામાં ભારતના રાજ્ય કક્ષાના ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે એપલ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે રસ ધરાવે છે. યુએસ જાયન્ટના સીઈઓ ટીમ કૂકની ભારત મુલાકાતના એક મહિના પછી તેમણે આમ જણાવ્યું હતું. એપલે 2022-23 દરમિયાન ભારતમાં આઈફોન ઉત્પાદનમાં ત્રણ ગણી વૃદ્ધિ નોંધાવી હતી અને 7 અબજ ડોલરથી વધુના આઈફોન્સનું દેશમાં ઉત્પાદન કર્યું હતું. જે કુલ આઈફોન્સ ઉત્પાદનનો 7 ટકા હિસ્સો સૂચવે છે. દરમિયાનમાં ફોક્સકોન ભારતમાં આઈફોન માટેના પાર્ટ્સના ઉત્પાદનને વેગ આપવા માટે કર્ણાટકમાં 70 કરોડ ડોલરના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાનું વિચારી રહી છે એમ બ્લૂમબર્ગ ન્યૂઝનો અહેવાલ જણાવે છે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
ગો ફર્સ્ટની લોનથી નુકસાન નહિ થાયઃ સેન્ટ્રલ બેંક
પીએસયૂ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું છે કે વાડિયા જૂથની એરલાઈન કંપની ગો ફર્સ્ટને આપવામાં આવેલી લોનમાં હેર કટ અથવા નુકસાનની સંભાવના નથી. ગો ફર્સ્ટમાં બેંક રૂ. 1400 કરોડનું એક્સપોઝર ધરાવે છે. હાલમાં ઉડ્ડયન કંપની ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. બેંકે ગો ફર્સ્ટની લોન્સ સાથે 60 ટકા પ્રોવિઝન જાળવ્યું છે. બેંક એરલાઈન કંપનીના રિવાઈવલ પ્લાન અંગે આશાવાદી છે. જોકે, કંપની છેલ્લાં અઢી મહિનાથી કાર્યરત નથી. સેન્ટ્રલ બેંક ઉપરાંત બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ અને ડોઈશે બેંકે પણ ગો ફર્સ્ટને નાણા આપ્યાં છે. સેન્ટ્રલ બેંકે રૂ. 1400 કરોડની લોન સામે રૂ. 800 કરોડનું પ્રોવિઝનીંગ કરેલું છે.
ATL મુંબઈને 60 ટકા રિન્યૂએબલ પાવર પર લઈ જશે
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે વાર્ષિક સાધારણ સભામાં જણાવ્યં હતું કે અદાણી ટ્રાન્સમિશન મુંબઈને વિશ્વમાં પ્રથમ એવું મેગા સિટી બનાવશે જે 60 ટકા ઊર્જા માગ રિન્યૂએબલ્સમાંથી મેળવતું હશે. આવા રિન્યૂએબલ સ્રોતમાં સોલાર અને વિન્ડ મુખ્ય હશે. અદાણી ટ્રાન્સમિશનના મુંબઈ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસે 99.99 ટકા વિશ્વસનીયતા મેળવી છે અને તેને કેન્દ્રિય વીજ મંત્રાલયે પ્રથમ રેંક આપી છે એમ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. એટીએલની આવક વાર્ષિક ધોરણે 18 ટકા વિસ્તરણની ધારણા સાથે રૂ. 4000 કરોડને પાર કરશે એમ પણ નોંધ્યું હતું. જૂથની અન્ય પાવર કંપની અદાણી પાવરે 1.6 ગીગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટીકલ ગોડ્ડા પાવર પ્લાન્ટને સફળ રીતે કાર્યાન્વિત કર્યો હતો. જે બાંગ્લાદેશને પાવર સપ્લાય પૂરો પાડશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 2124 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1631 કરોડના પ્રોફિટની સરખામણીમાં 33 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 18 ટકા ઉછળી રૂ. 5863 કરોડ પર રહી હતી. તેની કુલ આવક વાર્ષિક ધોરણે 28 ટકા વધી રૂ. 12,939 કરોડ પર જોવા મળી હતી. બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 2.35 ટકા સામે સુધરી ચાલુ વર્ષે સમાનગાળામાં 1.94 ટકા પર રહી હતી. જ્યારે નેટ એનપીએ 0.67 ટકા પરથી સુધરી 0.58 ટકા પર રહી હતી.
ICICI પ્રૂડેન્શિયલઃ પ્રાઈવેટ સેક્ટર ઈન્શ્યોરરે જૂન ક્વાર્ટરમાં રૂ. 207 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 156 કરોડના નેટ પ્રોફિટ સામે 32.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. વીમા કંપનીએ રૂ. 23,393 કરોડની કુલ આવક દર્શાવી હતી. તેની નેટ પ્રિમીયમ ઈન્કમ 1.9 ટકા ઉછળી રૂ. 7020 કરોડ પર રહી હતી. વેલ્યૂ ઓફ ન્યૂ બિઝનેસ રૂ. 438 કરોડ પર રહી હતી.
આરવીએનએલઃ સરકારી સાહસે દેશમાં વંદે ભારત ટ્રેન્સના ઉત્પાદન માટે રશિયાની ટ્રાન્સમેશહોલ્ડિંગ સાથે સંયુક્ત સાહસની રચના કરી છે. આ માટે આરવીએનએલની સબસિડિયરી કિનેટ રેલ્વે સોલ્યુશન્સ, આરવીએનએલ, જોઈન્ટ સ્ટોક કંપની મેટ્રોવેગનમેશ અને જોઈન્ટ સ્ટોક કંપની લોકોમોટીવ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ વચ્ચે એગ્રીમેન્ટ સાઈન થયાં છે. એગ્રીમેન્ટ મુજબ આરવીએનએલ પાસે 25 ટકા હિસ્સો રહેશે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની મેટ્રોવેગનમેશ 70 ટકા હિસ્સો ધરાવશે.
તાતા કેમિકલ્સઃ તાતા જૂથ કંપનીએ તેની સબસિડિયરી રેલીસ ઈન્ડિયામાં રૂ. 208 કરોડના ખર્ચે 97 લાખ શેર્સની ખરીદી કરી છે. જે સાથે કંપનીમાં તેનો ઈક્વિટી હિસ્સો 5 ટકા વધી 55.04 ટકા પર પહોંચ્યો છે. તાતા કેમિકલ્સે રૂ. 215.05 પ્રતિ શેરના ભાવે રેલીસના શેર્સ ખરીજ્યાં હતાં. જૂન ક્વાર્ટરમાં રેલીસે નફામાં સાધારણ ઘટાડો દર્શાવ્યો હતો. ગયા વર્ષે રૂ. 67 કરોડ સામે ચાલુ વર્ષે તેણે રૂ. 63 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત અગાઉ બે મેગા ડિલ જાહેર કર્યાં છે. જેમાં 1.5 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતાં પ્રથમ ડિલ બ્રિટીશ ઓઈલ એન્ડ ગેસ કંપની બીપી સાથે કરાયું છે. જ્યારે 45.4 કરોડ ડોલરનું બીજું ડીલ ડેન્સ્કે બેંક સાથેનું છે. ઈન્ફોસિસે તેના બંને વર્તમાન ક્લાયન્ટ્સ સાથે 5 વર્ષ માટે અંદાજિત બે અબજ ડોલરના મૂલ્યના ડિલ્સને લંબાવ્યું છે. આ ડીલ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈ, ઓટોમેશન-લેડ ડેવલપમેન્ટ, મોડર્નાઈઝેશન અને મેઈન્ટેનન્સ સર્વિસિઝ સંબંધી છે.
થોમસ કૂકઃ ટોચની ઓમ્નીચેનલ ફોરેક્સ સર્વિસીસ કંપનીએ માસ્ટરકાર્ડ અને વિઝા સાથે મળીને સ્ટડી બડ્ડી કાર્ડ લોન્ચ કર્યું છે. કંપનીએ ફોરેન એજ્યૂકેશન ક્ષેત્રે વાર્ષિક 162 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. 2022-23માં તેણે 3.43 અબજ ડોલરના કુલ વિદેશી શિક્ષણના ખર્ચનો 13 ટકા હિસ્સો નોંધાવ્યો હતો. યુકે, કેનેડા અને યુએસ ટોચના એજ્યૂકેશન હબ છે.
ટાટા મોટર્સઃ સ્વદેશી ઓટો કંપનીએ જેનસેટ્સની અત્યાધુનિક રેન્જ લોન્ચ કરી છે. જે આધુનિક CPCB IV+ કોમ્પ્લાન્ટ ટાટા મોટર્સનાં એન્જિન્સ, હાઈ-પરફોર્મન્સ જેનસેટ્સ 25kVAથી 125kVA કોન્ફિગ્યુરેશન્સમાં મળશે. જે ફ્યુઅલ એફિશ્યન્ટ અને મજબૂત બ્લોક લોડિંગ ક્ષમતા ધરાવે છે. તેને ટાટા મોટર્સના ઉચ્ચ કક્ષાના આરએન્ડડી એકમમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે.
પ્રવેગ લિમિટેડઃ ઇકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપનીએ ગુજરાતના ધોળાવીરામાં તેનો પ્રથમ પ્રોજેક્ટ સાઈન કર્યો છે. 48,461 ચો.મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 30 પ્રીમિયમ કોટેજ અને એક રેસ્ટોરન્ટ હશે. ભવિષ્યમાં વધુ 30 લક્ઝુરિયસ કોટેજિસને ઉમેરી શકાશે.
કેસ્ટ્રોલઃ લુબ્રિકન્ટ કંપનીએ કેસ્ટ્રોલ સીઆરબી ટર્બોમેક્સને કેન્દ્રમાં રાખી બઢતે રહો આગે નામે નવું કેમ્પેઈન લોંચ કર્યું છે. ઓગિલ્વી સાથે મળીને તૈયાર કરાયેલું અભિયાન ટ્રકર્સે સાધેલી નોંધપાત્ર પ્રગતિને દર્શાવે છે.
રૂટ મોબાઈલઃ બેલ્જિયમના પ્રોક્સિમસ ગ્રૂપે રૂટ મોબાઈલમાં રૂ. 5922 કરોડમાં 57.66 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ બહુમતી હિસ્સાની ખરીદી કર્યાં પછી ભારતીય રેગ્યુલેશન્સના નિયમો મુજબ ફરજિયાત ટેકઓવર ઓફર ટ્રિગર થશે. જે માટે બાયરે સમાન ભાવે રુટ મોબાઈલનો 26 ટકા હિસ્સો ખરીદવાનો રહેશે.