બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તહેવારોના સપ્તાહનો શેરબજારમાં તેજી સાથે શુભારંભ
ભારતીય બજારે વૈશ્વિક હરિફોથી ચઢિયાતો દેખાવ કર્યો
નિફ્ટી 17300ની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો સુધરી 18.41ની સપાટીએ
બેંકિંગ શેર્સની આગેવાનીમાં માર્કેટમાં સુધારો જોવાયો
એનર્જી, પીએસઈ અને ફાઈનાન્સિયલ સર્વિસિસમાં પણ લેવાલી
બ્રોડ માર્કેટમાં જોકે સુસ્ત માહોલ
આઈડીએફસી, સન ફાર્મા, સિટિ યુનિયન બેંક નવી વાર્ષિક ટોચે
નાયકા, એચપીસીએલ, વોલ્ટાસે નવુ તળિયું બનાવ્યું
શેરબજારમાં તહેવારોના સપ્તાહનો શુભારંભ જોવા મળ્યો હતો. હરિફ બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 491 પોઈન્ટ્સ સુધરી 58410ની સપાટીએ જ્યારે નિફ્ટી 126 પોઈન્ટ્સના સુધારે 17312 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં બ્રોડ બેઝ બાઈંગ પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 6 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટ સાથે બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદીનો અભાવ જોવા મળતો હતો. સુસ્ત માહોલ વચ્ચે બીએસઈ ખાતે બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.85 ટકા સુધારા સાથે 18.41ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયન બજારોએ કામકાજની શરૂઆત નેગેટિવ દર્શાવી હતી. જેમાં ખાસ કરીને હોંગ કોંગ, તાઈવાન અને કોરિયા તેમના તળિયા નજિક ટ્રેડ થયા હતાં. જોકે કોરિયન માર્કેટ તેના તળિયાથી સુધરી પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. જ્યારે હોંગ કોંગ માર્કેટ તળિયેથી બાઉન્સ થઈ સાધારણ ગ્રીન જોવા મળ્યું હતું. તાઈવાન, જાપાન અને સિંગાપુર માર્કેટ રેડ ઝોનમાં જ બંધ જોવા મળ્યાં હતાં. ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ દિવસ દરમિયાન સતત સુધારાતરફી જળવાય રહ્યુંહતું. નિફ્ટી 17186ના અગાઉના બંધ સામે 17145ની સપાટીએ ખૂલી નીચામાં 17099નું સ્તર દર્શાવી ઉપરમાં 17329ની સપાટી પર ટ્રેડ થયો હતો. માર્કેટમાં સ્થિરતા જળવાતાં ટ્રેડર્સ પરત ફર્યાં હતાં અને ધીમે-ધીમે સેન્ટીમેન્ટ સુધારાતરફી બની રહ્યું હતું. જોત જોતામાં નિફ્ટી 17240ના અવરોધ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જેની પાછળ સાધારણ શોર્ટ કવરિંગ પણ જોવા મળતું હતું. જેને કારણે ફ્યુચર્સમાં જોવા મળતું ડિસ્કાઉન્ટ ઘણું ખરું ધોવાયું હતું. જોકે નિફ્ટી 17400ની સપાટી પર કરશે ત્યારબાદ તેમાં ઝડપી શોર્ટ કવરિંગ જોવા મળે તેવી શક્યતાં એનાલિસ્ટ વ્યક્ત કરી છે. નિફ્ટી માટે નવો પડાવ 17450 અને ત્યારબાદ 17600નો રહેશે. જ્યારે નીચામાં તેને 16950નો સપોર્ટ રહેશે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
માર્કેટને નવા સપ્તાહે મુખ્ય સપોર્ટ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટર તરફથી સાંપડ્યો હતો. બેંકનિફ્ટી 1.56 ટકા સુધારા સાથે બંધ આવ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 39974.70ની ટોચ દર્શાવી હતી. આમ 40 હજારથી તે સહેજ જ છેટે રહી ગયો હતો. બેંકનિફ્ટીને પીએસયૂ શેર્સ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા મુખ્ય હતો. પીએસયૂ બેંક શેર 4.37 ટકા ઉછળી રૂ. 136.15ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ અને પીએનબી પણ 3 ટકા આસપાસનો સુધારો સૂચવી રહ્યાં હતાં. પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.7 ટકા સુધારા સાથે સુધરવામાં ટોચ પર હતો. તે ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બંધન બેંક, ફેડરલ બેંક અને એચડીએફસી બેંક પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 1.15 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના સુધારો દર્શાવનાર મુખ્ય શેર્સમાં એસબીઆઈ ફિનસર્વ 1.83 ટકા, એસબીઆઈ કાર્ડ 1.4 ટકા, બજાજ ફાઈનાન્સ 1.4 ટકા, એચડીએફસી એએમસી 1 ટકા અને એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ એક ટકા સુધારો દર્શાવે છે. એનર્જી શેર્સમાં મજબૂતી પાછળ નિફ્ટી એનર્જીમાં પણ 1.52 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન અદાણી ગ્રીન એનર્જીનું હતું. કંપનીનો શેર 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એનટીપીસી 2 ટકા, ટાટા પાવર એક ટકો અને ઓએનજીસી પણ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જોકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને એચપીસીએલે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. બીપીસીએલ, આઈઓસી, ગેઈલ અને પાવર ગ્રીડ કોર્પો પણ રેડ ઝોનમાં બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ અડધા ટકા સુધારો સૂચવતો હતો. જેમાં એનએચપીસી 4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત કન્ટેનર કોર્પોરેશન 2.4 ટકા, ભેલ 2.3 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 1.2 ટકા અને ભારત ઈલે. 1 ટકા સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, આરઈસી, પાવર ફાઈનાન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ભારત ફોર્જ 3.4 ટકા, બજાજ ઓટો 1.7 ટકા, મારુતિ સુઝુકી 1.3 ટકા, એમઆરએફ 1.3 ટકા, આઈશર મોટર્સ એક ટકો અને ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.5 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક 6.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બેંક ઓફ મહારાષ્ટ્ર 5 ટકા ઉછળ્યો હતો. બેંકે બીજા ક્વાર્ટર માટે ખૂબ સારુ પરિણામ જાહેર કરતાં લેવાલી જોવા મળી હતી. કેનેરા બેંકનો શેર 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે યુનિયન બેંક 2 ટકા, જેકે બેંક 1.6 ટકા, સેન્ટ્રલ બેંક 0.6 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 0.25 ટકાના સાધારણ સુધારા સાથે પોઝીટીવ જોવા મળ્યો હતો. ઈન્ડેક્સમાં સૌથી સારો સુધારો દર્શાવવામાં ઝાયડસ લાઈફ 1.7 ટકા, ઓરોબિંદો ફાર્મા 1.2 ટકા, બાયોકોન એક ટકા ને ડો. રેડ્ડિઝ લેબ્સ 0.6 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ ટોરેન્ટ ફાર્મા અને સિપ્લા જેવા શેર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. મેટલ, રિઅલ્ટી અને મિડિયા સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં નિફ્ટી મેટલ એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં હિંદુસ્તાન ઝીંક, વેંદાંત, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, મોઈલ, ટાટા સ્ટીલ એક ટકા કે વધુ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઓબેરોય રિઅલ્ટી 5 ટકા ગગડ્યો હતો. સનટેક રિઅલ્ટી 2 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 1 ટકા, ફિનિક્સ એક ટકા અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ પણ એક ટકા ઘસારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે મિડિયા કાઉન્ટર્સમાં ટીવી18 બ્રોડકાસ્ટ 2 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 1.4 ટકા, ટીવી ટુડેનેટવર્ક 1.3 ટકા, નેટવર્ક 18 1.2 ટકા અને સન ટીવી એક ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં સિટી યૂનિયન બેંક 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ 4 ટકા, બાટા ઈન્ડિયા 3 ટકા, ટાટા કોમ 3 ટકા, ઈન્ડિયન હોટેલ્સ 2.8 ટકા, પિડિલાઈટ ઈન્ડ. 2.8 ટકા, ડેલ્ટા કોર્પ 2.7 ટકા, આરબીએલ બેંક 2.4 ટકા અને ભેલ 2.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ નવીન ફ્લોરિન 4 ટકા, સિન્જિન 2.3 ટકા, આઈજીએલ 2 ટકા, હેવેલ્સ 2 ટકા, શ્રી સિમેન્ટ્સ 2 ટકા અને મહાનગર ગેસ પણ 2 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવતાં કેટલાંક કાઉન્ટર્સમાં ગોડફ્રે ફિલિપ્સ 7.6 ટકા ઉછળી રૂ. 1410.50ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે સિટી યુનિયન બેંક, આઈડીએફસી, ફેડરલ બેંક, સન ફાર્મા અને રત્નમણિ મેટલ પણ નવી ટોચ દર્શાવતાં હતાં. આનાથી વિપરીત 52-સપ્તાહનું તળિયું દર્શાવનારા કાઉન્ટર્સમાં આલોક ઈન્ડસ્ટ્રીઝ, નાયકા, પીબી ફિનટેક, સુવેન ફાર્મા, શિલ્પા, સુદર્શન કેમિકલ, એલઆઈસી ઈન્ડિયા, આઈઈએક્સ, સનોફી ઈન્ડિયા, બીપીસીએલ અને વોલ્ટાસનો સમાવેશ થતો હતો.
સ્ટીલ નિકાસમાં પ્રથમ છ મહિનામાં 54 ટકાનો તીવ્ર ઘટાડો
એપ્રિલથી સપ્ટેમ્બરમાં 36 લાખ ટન સ્ટીલ નિકાસ થયું જે ગયા વર્ષે 78 લાખ ટન પર હતું.
દેશમાંથી સ્ટીલની નિકાસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ 2022થી શરુ થયેલા નવા નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં સ્ટીલની નિકાસ 54 ટકા ગગડી 36 લાખ ટન પર નોંધાઈ છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 78 લાખ ટન પર હતી. નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક માગમાં ઘટાડો તેમજ કેન્દ્ર સરકાર તરફથી સ્ટીલ પર લાગુ પાડવામાં આવેલી નિકાસ ડ્યૂટી છે. જેને કારણે હરિફ દેશો કરતાં ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં મોઁઘા જણાય રહ્યાં છે.
સપ્ટેમ્બર મહિનામાં દેશમાંથી સ્ટીલ નિકાસ 6 લાખ ટન પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 57 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. આમ છ મહિનામાં 54 ટકાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં નિકાસ ઘટાડો ઊંચો રહ્યો છે. જે દર્શાવે છે કે ડોલર સામે રૂપિયામાં નરમાઈ છતાં ભારતીય માલ સ્પર્ધાત્મક બની શક્યો નથી. દેશમાંથી સૌથી વધુ નિકાસ થતાં નોન-અલોય્ડ સ્ટીલ ઓફરિંગ્સની નિકાસ 68.6 ટકા જેટલી ઘટી છે. ગયા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં 72 લાખ ટન નિકાસ સામે ચાલુ વર્ષે તેની નિકાસ માત્ર 23 લાખ ટન જ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં નોન-અલોય્ડ સ્ટીલની નિકાસમાં 11 ટકાનો ઘટાડો નોઁધાયો હતો અને તે માત્ર 1 લાખ ટન પર રહી હતી. જે વર્ષ અગાઉ સપ્ટેમ્બરમાં 11 લાખ ટન પર હતી. આમ વાર્ષિક ધોરણે 92 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. નોન-અલોય્ડ સ્ટીલ નિકાસ સપ્ટેમ્બરમાં 12.2 લાખ ટન પર રહી હતી. જોકે દેશમાંથી ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાં 27 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 6 લાખ ટન પર રહી હતી. જે ઓગસ્ટમાં 4.5 લાખ ટન પર હતી. અલોય્ડ અને સ્ટેનલેસ સ્ટીલની નિકાસમાં માસિક ધોરણે 40 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઓગસ્ટ મહિનામાં 3.4 લાખ ટન સામે સપ્ટેમ્બરમાં 5 લાખ ટનની નિકાસ જળવાય હતી. જે વાર્ષિક ધોરણે 263 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવતી હતી. સપ્ટેમ્બર 2021માં તેની નિકાસ માત્ર 1.3 લાખ ટન પર જોવા મળી હતી.
નવી ખરિફમાં મગફળીનું ઉત્પાદન 29 લાખ ટન રહેવાનો સોમાનો અંદાજ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશનના સર્વે મુજબ વીઘે સરેરાશ 13.35 મણ તેલિબિયાં પાકશે
કચ્છમાં પાકની સ્થિતિ સામાન્ય કરતાં સારી રહેવાથી 14 મણના ઉતારા જોવાશે
પોરબંદરમાં મગફળીની સારી સ્થિતિ, ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિને કારણે બગાડ
ગુજરાતમાં ખરિફ 2022-23માં મગફળીનું ઉત્પાદન 29.06 લાખ ટન રહેશે એમ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન(સોમા)એ અંદાજ બાંધ્યો છે. જે ગયા વર્ષે 33.5 લાખ ટનની સરખામણીમાં 3.5 લાખ ટનનો ઘટાડો સૂચવે છે. ચાલુ ખરિફમાં મગફળીના વાવેતરમાં ઘટાડા ઉપરાંત ઉતારા પણ 8 ટકા આસપાસ નીચા રહેવા પાછળ મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તેવી શકયતાં છે એમ સોમાના વર્તુળો જણાવે છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં મગફળીનું વાવેતર 2 લાખ હેકટરના ઘટાડે 17.09 લાખ હેકટરમાં નોંધાયું હતું. ખેડૂતો કપાસ તરફ વળતાં તેલિબિયાંના વાવેતર પર ગંભીર અસર પડી હતી. ખરિફ 2020માં 20.61 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં 3.5 લાખ હેકટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
સોમાના સર્વે મુજબ ચાલુ સિઝનમાં વરસાદનું વિતરણ સારુ રહ્યું હોવા છતાં મગફળીના ઉતારામાં ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ કેટલાંક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે પાકનું સડી જવું છે. જેમાં ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર મુખ્ય છે. આ બંને જિલ્લાઓમાં યિલ્ડ સૌથી નીચા જોવા મળે તેવો અંદાજ છે. ગીર સોમનાથમાં વીઘે 9 મણ જ્યારે સુરેન્દ્રનગરમાં પણ વીઘે 9 મણ મગફળી પાકે તેવી શક્યતાં છે. બીજી બાજુ પોરબંદરમાં મગફળીની પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે અને ત્યાં ખેડૂતને વીઘે 18 મણનો ઉતારો મળશે એમ મનાય છે. પોરબંદરમાં સતત સારો વરસાદ રહેવાને કારણે પાકને સમયસર પાણી મળ્યું હતું. જ્યારે અતિવૃષ્ટિ નહિ હોવાથી કોઈ બગાડ જોવા મળ્યો નથી. જ્યારે દ્વારકા, જામનગરના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થયું હતું. રાજકોટમાં સરેરાશ 15 મણના ઉતારા રહેશે. જે ગઈ સિઝન જેટલાં જ છે. સમગ્ર રાજ્યાં ખરિફ 2021-22માં 14.5 મણનું યિલ્ડ જોવા મળ્યું હતું. જેની સરખામણીમાં નવી સિઝનમાં 13.35 મણ ઉત્પાદન જોવા મળે તેમ સોમાનું માનવું છે. સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાના મતે નવી સિઝન મગફળી ઉત્પાદકો માટે ચૌદ આની વર્ષ કહી શકાય. તે બહુ સારી પણ ના કહેવાય કે બહુ ખરાબ પણ ના કહેવાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ 2.43 લાખ હેકટર સાથે મગફળીનું સૌથી ઊંચું વાવેતર દર્શાવે છે. જ્યારે બીજા ક્રમે 2.12 લાખ હેકટર સાથે જૂનાગઢનો ક્રમ આવે છે. દ્વારકા પણ 2.03 લાખ હેકટર સાથે મગફળી વાવેતરમાં અગ્રણી જોવા મળે છે. ઉત્પાદક્તાની બાબતમાં પોરબંદર બાદ 16 મણ પ્રતિ વીઘા સાથે જૂનાગઢનો ક્રમ આવે છે. જ્યારે ભાવનગર અને જામનગર 14-14 મણ પ્રતિ વીઘા ઉત્પાદન દર્શાવે તેવો અંદાજ છે.
ચાલુ સિઝનમાં કચ્છમાં વાવેતરની સ્થિતિ સારી જોવા મળે છે અને જિલ્લામાં વીઘે 14 મણ ઉતારો બેસે તેવો અંદાજ છે. જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠામાં વીઘે 14 મણ ઉત્પાદનનો અંદાજ છે. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લીમાં 13.5-13.5 મણ મગફળી પાકશે એમ સર્વે સૂચવે છે. સોમાના હોદ્દેદારોએ સપ્તાહ લાંબા સર્વેક્ષણમાં સૌરાષ્ટ્રના અગ્રણી જિલ્લાઓ અને તાલુકાઓની સ્થળ મુલાકાત લીધી હતી.
ક્રેડિટ સ્વિસે 2008 સંબંધી કેસના સેટલમેન્ટ માટે 49.5 કરોડ ડોલર ચૂકવશે
ક્રેડિટ સ્વિસ એજી યુએસ ખાતે રેસિડેન્શિયલ મોર્ગેજ-બેક્ડ સિક્યૂરિટીઝ સેલીંગમાં તેની ભૂમિકા માટે સૌથી મોટા કેસને સેટલ કરવા માટે 49.5 કરોડ ડોલર ચૂકવવા સહમત થઈ છે. ક્રેડિટ સ્વિસના આ વેચાણે 2008 ફાઈનાન્સિયલ ક્રાઈસિસમાં યોગદાન આપ્યું હતું. સ્વિસ બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પેમેન્ટની ચૂકવણી માટે તેણે સંપૂર્ણપણે જોગવાઈ કરી રાખી છે. જે ચૂકવ્યાં બાદ આવી સિક્યૂરિટીઝ સાથે સંકળાયેલા 10 અબજ ડોલરથી વધુના દાવાઓનો ઉકેલ આવશે. ન્યૂ જર્સી એટર્ની જનરલે 2013માં ફાઈલ કરેલા એક દાવામાં 3 અબજ ડોલરની નુકસાનીનો આક્ષેપ કર્યો હતો.
રિઅલ્ટી ક્ષેત્રે PE ઈન્વેસ્ટમેન્ટ્સમાં 25 ટકા ઘટાડો
વધતાં ફુગાવા પાછળ ઈન્ટરેસ્ટ રેટ વધતાં રિઅલ્ટી સેક્ટરમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સમાં 25 ટકા ઘટાડો નોંધાયો છે. કેલેન્ડર 2022ના પ્રથમ નવ મહિનામાં ભારતીય રિઅલ્ટી સેક્ટરે 4.1 અબજ ડોલરનું પીઈ ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.6 અબજ ડોલર પર હતું. આમ તે 25 ટકા જેટલો ઘટાડો સૂચવે છે. રિટેલ રિઅલ્ટી ક્ષેત્રે રોકાણમાં 63 ટકા ઘટાડો જોવા મળે છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન તેમાં 30.3 કરોડ ડોલરનું જ રોકાણ જોવા મળ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 81.7 કરોડ ડોલર પર હતું. પ્રથમ નવ મહિના દરમિયાન કુલ પીઈ ઈન્વેસ્ટમેન્ટના 60 ટકા સાથે મુંબઈએ સૌથી મોટો હિસ્સો મેળવ્યો હતો. જ્યારબાદના ક્રમે 17 ટકા સાથે બેંગલૂરુ જોવા મળે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જસ્ટ ડાયલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 52.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 32.9 કરોડના નફાની સરખામણીમાં 58.6 ટકા ઊંચો છે. કંપનીની રેવન્યૂ રૂ. 156 કરોડ પરથી 32 ટકા ઉછળી રૂ. 205.3 કરોડ પર જોવા મળી હતી.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેઃ ઈન્શ્યોરન્સ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવા બિઝનેસમાં 20.6 ટકા વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 515 કરોડ સામે ચાલુ વર્ષે તે રૂ. 621 કરોડ પર રહી છે. કંપનીની એપીઈ વાર્ષિક ધોરણે રૂ. 1977 કરોડ પરથી 1.1 ટકા વધી રૂ. 1999 કરોડ રહી છે.
એલએન્ડટી ઈન્ફોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 679.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે રૂ. 651 કરોડના અંદાજથી ઊંચો છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યૂ 4.6 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
ઝેડએફ સ્ટીઅરિંગઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5.4 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.7 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ રૂ. 69.7 કરોડ પરથી 52 ટકા ઉછળી રૂ. 105.7 કરોડ પર રહી હતી.
તાતા એલેક્સિઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 174.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 125.3 કરોડના નફાની સરખામણીમાં 39 ટકા ઊંચો છે. કંપનીની રેવન્યૂ રૂ. 595 કરોડ પરથી 28 ટકા ઉછળી રૂ. 763 કરોડ પર જોવા મળી હતી.
આરઆરઆઈએલઃ રિલાયન્સ જૂથની કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 2.6 કરોડની સરખામણીમાં 11.4 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ પણ રૂ. 16.7 કરોડની સરખામણીમાં 0.8 ટકા ઘટી રૂ. 16.6 કરોડ પર રહી હતી.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈઃ ટોચની એનબીએફસીએ આઈડીબીઆઈ બેંકની ખરીદીમાં પોતે રસ ધરાવતી હોવાના અહેવાલને સ્પષ્ટપણે રદિયો આપ્યો છે.
દિલીપ બિલ્ડકોનઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી રૂ. 702.02 કરોડના મૂલ્યનો એવોર્ડ મેળવ્યો છે.
આહલૂવાલિયા કોન્ટ્રેક્ટસઃ કન્સ્ટ્રક્શન કંપનીએ આસામ સરકાર પાસેથી રૂ. 110.7 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
બીએલએસ ઈન્ટરનેશનલઃ જાણીતા રોકાણકાર શંકર શર્માએ કંપનીમાં 11.5 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
વેરિટાસઃ સ્વાન એનર્જીએ વેરિટાસના 8.25 લાખ શેર્સની ખરીદી કરી છે. કંપનીએ રૂ. 123 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
Market Summary 17 October 2022
October 17, 2022