બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક સ્તરે નિરસતા વચ્ચે માર્કેટમાં જોવા મળતું દબાણ
કામકાજ બંધ થવાના આખરી કલાકમાં વેચવાલી નીકળી
રશિયા-નાટો ઘર્ષણના ગભરાટે ટ્રેડર્સ સાવચેત
ઈન્ડિયા વિક્સ 1.52 ટકા ઘટી 14.87 પર રહ્યો
ઓટો, આઈટી, એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ
પીએસયૂ બેંક્સ, ઈન્ફ્રામાં મજબૂતી
એન્જીનીયર્સ ઈન્ડિયા, ટિમકેન, આઈઆરએફસી વર્ષની નવી ટોચે
બંધન બેંક, પીબી ફિનટેક, સનોફી ઈન્ડિયાએ વાર્ષિક તળિયું દર્શાવ્યું
વૈશ્વિક શેરબજારોમાં નિરસતા વચ્ચે ભારતીય બજારમાં નરમાઈ જોવા મળી હતી. દિવસનો મોટાભાગનો સમય રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતાં રહ્યાં બાદ કામકાજના આખરી કલાકમાં માર્કેટમાં વેચવાલી ફરી વળી હતી અને બજાર જોત-જોતામાં લગભગ અડધો ટકો નીચે ઉતરી ગયું હતું. બીએસઈ સેન્સેક્સ 230.12 પોઈન્ટ્સ ગગડી 61750ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 66 પોઈન્ટ્સના ઘટાડે 18343.90ના સ્તરે બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલીના કારણે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 17 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં સુસ્તી જળવાય હતી અને બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.52 ટકા ઘટી 14.87 પર બંધ રહ્યો હતો.
સપ્તાહના ચોથા સત્રની શરૂઆત નેગેટિવ રહી હતી. જોકે ત્યારબાદ બજાર પોઝીટીવ ટેરિટરીમાં પરત ફર્યું હતું. જોકે ત્યાં ટકવામાં મુશ્કેલી અનુભવતું રહ્યું હતું અને મોટેભાગે સાધારણ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. નિફ્ટી અગાઉના 18410ના બંધ સામે 18359 પર ખૂલી 18418ની ટોચ બનાવી આખરે 18313ની બોટમ પર ટ્રેડ થયો હતો. નિફ્ટી ફ્યુચર્સ 95 પોઈન્ટ્સ ગગડી 18357 પર જોવા મળ્યો હતો. આમ કેશ અને ફ્યુચર્સ નિફ્ટી વચ્ચેનો ગાળો ખૂબ સંકડાઈ ગયો હતો. નિફ્ટીમાં 18350નો સપોર્ટ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. જોકે હજુ પણ બેન્ચમાર્કમાં કોઈ રિવર્સલના સંકેતો જોવામાં નથી આવી રહ્યાં. બેન્ચમાર્કને 17900નો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવાની ભલામણ એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે. જ્યારે 18400 ઉપર તેને અવરોધ નડી રહ્યો છે. જો આ સ્તર પાર થશે તો બજાર નવી ટોચ દર્શાવશે તેમ માનવામાં આવે છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ જોકે વેલ્યૂએશન સાથે સહમત નથી અને તેઓ આ સ્તરેથી બજારમાં નોંધપાત્ર કરેક્શનની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. જોકે છેલ્લાં બે મહિનામાં બજારે તેમની માન્યતાથી વિરુધ્ધ દેખાવ કર્યો છે તે પણ હકીકત છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો નવેમ્બર મહિનામાં રૂ. 20 હજાર કરોડથી વધુનું રોકાણ દર્શાવી ચૂક્યાં છે અને તેથી માર્કેટમાં મોટા ઘટાડાની શક્યતાં નહિવત હોવાનું નિરીક્ષકો માની રહ્યાં છે. તેમના મતે જાન્યુઆરી બાદ બજાર ખરાબ થઈ શકે છે.
ગુરુવારે લગભગ તમામ સેક્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. એકમાત્ર પીએસયૂ બેંક્સ શેર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં યુનિયન બેંક 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંક 2.5 ટકા સુધારો દર્શાવતો હતો. એકમાત્ર એસબીઆઈ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ પાછળ બેંક નિફ્ટી નરમ જોવા મળ્યો હતો. તે 42622.75ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 0.20 ટકા ઘટાડે 42458 પર બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બંધન બેંક, આઈડીએફસી બેંક, એચડીએફસી બેંક અને ઈપ્કા લેબ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક પોઝીટીવ જોવા મળ્યાં હતાં. ઓટો ક્ષેત્રે ઊંચી વેચવાલી જોવા મળતી હતી.ઓટો ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 13 હજારની નીચે ઉતરી ગયો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, અશોક લેલેન્ડ, એમએન્ડએમ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી અને બજાજ ઓટો એક ટકાથી વધુ ગગડ્યાં હતાં. જ્યારે એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને એમઆરએફ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી પણ લગભગ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં એમ્ફેસિસ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટે, કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ મુખ્ય હતાં. તમામ આઈટી કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.7 ટકા ગગડ્યો હતો. જેમાં તાતા પાવર, એનટીપીસી, બીપીસીએલ, ગેઈલ મુખ્ય હતાં. એચપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને રિલાયન્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ ઓપનીંગમાં 2 ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવતો હતો. જોકે દિવસ દરમિયાન તે સુધરતો રહ્યો હતો અને આખરે સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં એનએમડીસી, હિંદાલ્કો, વેદાંત, નાલ્કો, કોલ ઈન્ડિયા, સેઈલ, તાતા સ્ટીલ અને મોઈલ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે જિંદાલ સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. નિફ્ટી કન્ઝમ્પ્શન એક ટકો તૂટ્યો હતો. જેમાં ઈન્ફો એજ 6 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ટાઈટન કંપની, એમએન્ડએમ, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, એવન્યૂ સુપરમાર્ટમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ, એબીબી ઈન્ડિયા, જીએમઆર એરપોર્ટ્સ, ટાટા કન્ઝ્યૂમર, ભારત ઈલે, પાવર ફાઈનાન્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ હિંદ કોપર, ડિક્સોન ટેક્નોલોજી, એમ્ફેસિસ, આરતી ઈન્ડ., ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી હતી.
પેટીએમનો શેર બ્લોક ડીલ્સ વચ્ચે 10 ટકા તૂટ્યો
એનએસઈ ખાતે કંપનીના કાઉન્ટરમાં 5.7 કરોડ શેર્સનું વોલ્યુમ જોવા મળ્યું
બ્લોક ડિલ્સ મારફતે કંપનીના 10 ટકાથી વધુ હિસ્સાની લે-વેચ થઈ
કામકાજની આખરમાં ભાવ રૂ. 539.80 પર રૂ. 510ના વાર્ષિક તળિયા નજીક બંધ રહ્યો
પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન્સનો શેર ગુરુવારે 10.25 ટકા ગગડી રૂ. 539.80ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના શેરમાં જંગી કામકાજ વચ્ચે તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં બ્લોક ડિલ્સ મારફતે કંપનીના 10 ટકાથી વધુ ઈક્વિટી હિસ્સાની લે-વેચ થઈ હતી. કામકાજની આખરમાં એનએસઈ ખાતે પેટીએમના શેર્સમાં 5.7 કરોડ શેર્સનું કામકાજ જોવા મળતું હતું.
કાઉન્ટરમાં કોણ ખરીદાર અને કોણ વેચનાર હતાં તેના નામ હજુ સુધી જાણવા મળ્યાં નહોતાં. જોકે અગાઉ માર્કેટ અહેવાલ મુજબ કંપનીમાં ઈન્વેસ્ટર સોફ્ટબેંક તેની પાસેના 2.9 કરોડ શેર્સના વેચાણ માટે વિચારી રહી છે. વૈશ્વિક ટેક ઈન્વેસ્ટર ગુરુવારે બ્લોક ડિલ્સ મારફતે રૂ. 555-601.45ની રેંજમાં શેર્સ ઓફર કરે તેવી અપેક્ષા હતી. જોકે શેર વેચાણ માટેની ફ્લોર પ્રાઈસ પેટીએમના બુધવારના બંધ ભાવ રૂ. 601.6થી 8 ટકા નીચી હતી. પેટીએમના આઈપીઓના માર્કેટ લિસ્ટીંગને એક વર્ષ પૂર્ણ થતાં પીઈ ઈન્વેસ્ટર્સ માટેનો લોક-ઈન પિરિયડ સમાપ્ત થયો હતો અને તેઓ શેરમાં વેચાણ કરવા સક્ષમ બન્યાં હતાં. વર્તમાન ભાવે આઈપીઓમાં શેર ખરીદનાર રોકાણકારો જંગી નુકસાન ભોગવી રહ્યાં છે. જોકે પેટીએમમાં કેટલાં વર્ષો અગાઉ શેર ખરીદનારા પીઈ ઈન્વેસ્ટર્સને બજારભાવે પણ જંગી લાભ મળી રહ્યો છે અને તેથી તેમના માટે વર્તમાન ભાવે શેર્સ ઓફલોડ કરવા આકર્ષક છે. પેટીએમે રૂ. 2150ના ભાવે શેર ઓફર કર્યો હતો. જે આજે 75 ટકાથી વધુ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ નવેમ્બર 2021માં બજારમાંથી રૂ. 18300 કરોડ ઊભા કર્યાં હતાં અને તે વખતનો તે સૌથી મોટો આઈપીઓ હતો. 12 મે 2022ના રોજ પેટીએમના શેરે રૂ. 510નું તળિયું દર્શાવ્યું હતું. સોફ્ટબેંક વિઝન ફંડ(એસવીએફ) પેટીએમમાં 11.3 કરોડ શેર્સ અથવા તો 17.45 ટકા હિસ્સો ધરાવતી હતી. જેમાંથી તેણે ગુરુવારે કેટલોક હિસ્સો વેચ્યો હતો. જ્યારબાદ તેનો હિસ્સો ઘટી 13.1 ટકા પર રહ્યો હતો. પેટીએમ હજુ પણ ખોટ દર્શાવી રહી છે.
કોટનમાં ખેડૂતોના હોલ્ડિંગને કારણે આવકો અપેક્ષા કરતાં નીચી
ખેડૂતો દૈનિક ધોરણે ભાવ જોઈને જ બજારમાં માલ લાવી રહ્યાં છે
3.5 કરોડ ગાંસડી ઉપરના પાકના અંદાજ છતાં પીક સિઝન આવકો મિડિયમ
આવકો અંકુશમાં રહેવાથી દિવાળીથી અત્યાર સુધીમાં ખાંડીએ રૂ. 6000 સુધર્યાં
કોટન માર્કેટિંગ માટે ફ્લશ સિઝન શરૂ થઈ ચૂકી છે. જોકે નવેમ્બરના બીજા પખવાડિયામાં પણ અપેક્ષા મુજબની આવકો જોવા મળી રહી નથી. હાલમાં દેશમાં દૈનિક 1.2 લાખ ગાંસડી આસપાસની આવકો જોવા મળી રહી છે. જે ચાલુ સિઝનમાં જંગી પાક જોતાં 1.5 લાખ ગાંસડી ઉપર હોવાની સામાન્ય અપેક્ષા હતી. વર્તુળોના મતે ખેડૂતો બજારમાં ભાવ નીચા હોય ત્યારે આવકો લાવવાનું ટાળે છે અને તેને કારણે આવકો અંકુશમાં રહી છે અને ભાવ પણ દિવાળી અગાઉના નીચા સ્તરેથી ખાંડીએ રૂ. 6000નો સુધારો દર્શાવી ચૂક્યાં છે. હાલમાં કોમોડિટીના ભાવ રૂ. 69500 આસપાસ જોવા મળી રહ્યાં છે.
માર્કેટ વર્તુળો દિવાળી બાદ નવેમ્બરની શરૂઆતથી માર્કેટમાં એક લાખ ગાંસડીથી વધુ આવકોની શક્યતાં જોઈ રહ્યાં હતાં. ચાલુ સિઝનમાં 3.5 કરોડ ગાંસડીથી ઊંચા પાકનો અંદાજ તેમજ સિઝન વહેલી શરૂ થઈ હોવાના કારણે આમ થવું સ્વાભાવિક હતું. ઉપરાંત ખેડૂતોને ગઈ સિઝનની શરૂઆતમાં મળેલાં ભાવ કરતાં ઊંચા ભાવને જોતાં ઊંચી આવકોની અપેક્ષા રખાતી હતી. જોકે આમ બન્યું નથી. 15 નવેમ્બર સુધી આવકો લગભગ એક લાખ ગાંસડીથી નીચે જોવા મળી હતી. જેના કારણોમાં ગુજરાતમાં સિવાયના રાજ્યોમાં જોવા મળેલી નીચી આવકો પણ એક કારણ હતું. જેને કારણે અન્ય રાજ્યોના વેપારીઓ પણ ગુજરાતના બજારમાં લેવાલ બન્યાં હતાં. હવે નવેમ્બરના બીજા પખવાડિયાથી આવકોમાં વૃદ્ધિની શક્યતાં છે. જેનું એક કારણ છેલ્લાં ત્રણેક સપ્તાહમાં બજારમાં જોવા મળેલો સુધારો છે. દિવાળી અગાઉ રૂ. 62500-63000 પર પહોંચી ગયેલા ભાવ હાલમાં રૂ. 69400-69600ની રેંજમાં બોલાઈ રહ્યાં છે. ખેડૂતોને પીઠામાં રૂ. 1600-1800 સુધીના ભાવ ઉપજી રહ્યાં છે અને તેથી તેઓ આવકોને જાળવી રાખવા કરતાં બજારમાં લાવવાનું પસંદ કરી શકે છે એમ વર્તુળો માને છે. જોકે શરૂઆતમાં રૂ. 1900-2000 સુધીના ભાવ મેળવ્યાં હોવાના કારણે ભાવમાં ઘટાડા વખતે ખેડૂતો માલ લાવવાનું બંધ કરી દે છે એમ વર્તુળોનું કહેવું છે. ખેડૂતોની હોલ્ડિંગ કેપેસિટીમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેથી સારા ભાવની ખાતરી હોય ત્યારે જ તેઓ બજારમાં માલ ઠાલવે છે એમ વર્તુળો ઉમેરે છે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં નવા પાકની ક્વોલિટી ઘણી સારી હોવાના કારણે મોટાભાગના માલ સારા ભાવે વેચાઈ રહ્યો છે. જે ખેડૂતોને માટે પોઝીટીવ બાબત છે. જોકે ગયા જૂન-જુલાઈમાં રૂ. 2500-2600 પ્રતિ મણના ભાવે કપાસ વેચનારા ખેડૂતોને વર્તમાન ભાવ નીચો લાગી શકે છે અને મજબૂત ખેડૂતો ઓફ સિઝનમાં માલ કાઢવાની ગણતરીએ માલ પકડી રાખી શકે છે.
હાલમાં પાઈપલાઈન લગભગ ખાલી હોવાના કારણે પણ કોટનના ભાવ મજબૂત જળવાય રહેવાની શક્યતાં છે. જોકે સામે માગ પણ ઊંચી નથી. મિલ્સ તેમના ઓર્ડર મુજબ જ ખરીદી કરી રહી છે. યાર્નના ભાવમાં થોડો સુધારો નોંધાયો છે. જોકે વૈશ્વિક સ્તરે મંદીની સ્થિતિને કારણે મિલો પાસે મર્યાદિત ઓર્ડર્સ જોવા મળી રહ્યાં છે. ભારતીય કોટન વૈશ્વિક બજારની સરખામણીમાં ઊંચું હોવાના કારણે નિકાસમાં પડતર નથી અને તેથી સ્થાનિક મિલ્સને થોડી રાહત છે. છેલ્લાં છ મહિના ઉપરાંતથી સ્થાનિક કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જેને કારણે ગઈ સિઝનમાં આખરી તબક્કામાં મિલર્સે કોટન આયાત કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ હતી. દેશમાં પ્રથમવાર ખાંડી રૂ. 1 લાખની સપાટી પાર કરી ગઈ હતી. જે હાલમાં લગભગ 30 ટકા નીચે જોવા મળી રહી છે.
ટોચના 10 નિકાસ દેશોમાંથી સાત ખાતે ઘટાડો નોંધાયો
અમદાવાદ
ઓક્ટોબરમાં દેશના મુખ્ય 10 નિકાસ ડેસ્ટિનેશન્સમાંથી સાત ખાતે નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો એમ ડેટા જણાવે છે. ઘટાડો દર્શાવનાર મુખ્ય દેશોમાં યુએસ, યુનાઈટેડ આરબ અમિરાટ્સ અને ચીનનો સમાવેશ થાય છે. જેને કારણે દેશની બહાર જતાં શીપમેન્ટ્સમાં ઘટાડો નોંધાયો હતો એમ વાણિજ્ય વિભાગને ડેટા સૂચવે છે.
ભારતની કુલ નિકાસમાં ટોચના 10 દેશો 47 ટકાનો ઊંચો હિસ્સો ધરાવે છે. જે ત્રણ દેશોએ નિકાસમાં પોઝીટીવ ગ્રોથ દર્શાવ્યો હતો. તેમાં નેધરલેન્ડ્સ(21.6 ટકા), સિંગાપુર(24.8 ટકા) અને બ્રાઝિલ(57.7 ટકા)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ટોચના સાત દેશોમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં દેશના સૌથી મોટા ટ્રેડ ભાગીદાર યુએસ ખાતે નિકાસમાં 26 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. મૂલ્ય સંદર્ભમાં જોઈએ તો યૂએસ ખાતે નિકાસ 5.38 અબજ ડોલર રહી હતી. ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કરનાર યૂએઈ ખાતે નિકાસ 18 ટકા ગગડી 1.98 અબજ ડોલર પર રહી હતી. આ જ રીતે ચીન ખાતે પણ નિકાસ 48 ટકાના તીવ્ર ઘટાડે 94.7 કરોડ ડોલર પર જોવા મળી હતી. બાંગ્લાદેશ ખાતે નિકાસ 53 ટકા ઘટી 61.5 કરોડ ડોલર પર જ્યારે હોંગ કોંગ ખાતે નિકાસ 24 ટકા ઘટી 75.7 રોડ ડોલર પર રહી હતી.
ઓક્ટોબરમાં ટોચના 10 નિકાસ ડેસ્ટીનેશન્સ ખાતે નિકાસ(મૂલ્ય અબજ ડોલરમાં)
દેશ નિકાસ મૂલ્ય વાર્ષિક ફેરફાર(ટકામાં)
યુએસ 5.38 -25.6
યૂએઈ 1.98 -18
નેધરલેન્ડ્સ 1.22 21.6
ચીન 0.95 -47.5
સિંગાપુર 0.71 24.8
બાંગ્લાદેશ 0.62 -52.5
યુકે 0.79 -22
બ્રાઝિલ 0.82 57.7
સાઉદી અરેબિયા 0.69 -20.4
હોંગ કોંગ 0.76 -23.6
કુલ 13.92 -21.4
નિકાસમાં ટકાવારી 47.5 —
કુલ નિકાસ 29.78 -16.6
પિરામલ કેપિટલે કેસ પરત ખેંચતાં RPower ઈન્સોલ્વન્સીમાંથી બહાર
પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સે એડીએજી જૂથની રિલાયન્સ પાવર સામેની ઈન્સોલ્વન્સી પક્રિયા પરત ખેંચી લીધી છે. બંને કંપનીઓ વચ્ચે કોર્ટની બહાર સમાધાન થવાને કારણે પિરામલે કેસ પરત ખેંચ્યો છે. આરપાવરે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે પિરામલ કેપિટલે અમારી સામે ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ટ્રપ્સી કોડ 2016ની સેક્શન 7 હેઠળ કરેલો કેસ પરત ખેંચ્યો છે. અગાઉ જુલાઈમાં એનસીએલટી સમક્ષ સુનાવણીમાં બંને કંપનીઓએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોર્ટ બહાર સમાધાન શક્ય બને તે માટે ચર્ચા-વિચારણા ચલાવી રહ્યાં છે. સપ્ટેમ્બર આખરમાં એનસીએલટી કોર્ટમાં આખરી સુનાવણી થઈ હતી.
ટુ-વ્હીલર્સની નિકાસ બે-વર્ષના તળિયે જોવા મળી
સ્થાનિક માર્કેટમાં ટુ-વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે તેની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં દેશમાંથી ટુ-વ્હીલર્સની નિકાસ છેલ્લાં બે વર્ષોના તળિયા પર જોવા મળી હતી. સિઆમના ડેટા મુજબ ઓગસ્ટમાં ટુ-વ્હીલર્સ નિકાસ 2,87,319 યુનિટ્સ પર રહી હતી. જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો હતો. તે વખતે નિકાસ માત્ર 45,880 યુનિટ્સ પર જ જોવા મળી હતી. સપ્ટેમ્બર 2022માં દેશમાંથી 2,95,061 યુનિટ્સની નિકાસ થઈ હતી. જ્યારે એપ્રિલ 2022માં 4,05,439 યુનિટ્સ ટુ-વ્હીલર્સ નિકાસ જોવા મળી હતી. ઈન્ફ્લેશનના કારણે ટુ-વ્હીલર્સની નિકાસ પર અસર પડી હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ભેલઃ પીએસયૂ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 12 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 46 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 5112 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 5203 કરોડ પર જોવા મળી હતી.
ગ્લેનમાર્કઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 260 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 258 કરોડની સરખામણીમાં સાધારણ ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3125 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 3312 કરોડ પર રહી હતી.
કેઆઈએમએસઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 106 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 84 કરોડની સરખામણીમાં સાધારણ ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 411 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 564 કરોડ પર રહી હતી.
લેમન ટ્રીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19.4 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 33.2 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 96 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 197 કરોડ પર રહી હતી.
જેકે સિમેન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 112 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 153 કરોડની સરખામણીમાં 30 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1895 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 2228 કરોડ પર રહી હતી.
લ્યુમેક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 29 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 402 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 490 કરોડ પર રહી હતી.
ઈલેક્ટ્રોસ્ટીલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 53 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 66.22 કરોડની સરખામણીમાં 20 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1168 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1784 કરોડ પર રહી હતી.
અશોક બિલ્ડકોનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 65.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 78.1 કરોડની સરખામણીમાં 16 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1264 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1807 કરોડ પર રહી હતી.
જયશ્રી ટીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 27 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.3 કરોડની સરખામણીમાં લગભગ ફ્લેટ જોવા મળે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 203 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 238 કરોડ પર રહી હતી.
સન ટીવીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 407 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 395 કરોડની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 849 કરોડ સામે ચાલુ વર્ષે ઘટીને રૂ. 826 કરોડ પર રહી હતી.
Market Summary 17 November 2022
November 17, 2022