માર્કેટ સમરી
નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યો
બેન્ચમાર્ક નિફ્ટીએ બુધવારે બે મહત્વના સપોર્ટ તોડ્યાં હતાં. એક તો 14892નો 34-ડીએમએનો સપોર્ટ તોડ્યું હતું. જ્યારે સોમવારે તેણે બનાવેલા 14745ના તળિયાને તોડીને તે 14721 પર બંધ આવ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને હવે 14467નો સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. લોંગ પોઝીશન લઈને બેઠાં હોય તેઓએ લોસ બુક કરીને પણ બજારમાંથી એક્ઝિટ લેવી હિતાવહ જણાય છે.
જનરલ ઈન્શ્યોરન્સના શેરે વાર્ષિક ટોચ બનાવી
સરકારી માલિકીના જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના શેરે ફેબ્રુઆરી 2020 પછીની ટોચ બનાવી હતી. કંપનીનો શેર બુધવારે 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 244.20ની ટોચ બનાવી પાછળથી 3 ટકા સુધારે રૂ. 232 પર ટ્રેડ થતો હતો. અંતિમ દોઢ મહિનામાં કંપનીનો શેર રૂ. 130ના સ્તરેથી નોંધપાત્ર ઉછાળો દર્શાવી રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ પણ રૂ. 40 હજાર કરોડને પાર કરી ગયું છે. માર્ચ 2020માં કંપનીનો શેર રૂ. 82ના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયો હતો. ઓક્ટોબર 2017માં કંપનીએ આઈપીઓમાં રૂ. 912ના ભાવે શેર ઓફર કર્યો હતો. આમ તે ભાવથી હજુ પણ ખૂબ નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
સોનું રૂ. 45000 પર જઈ પાછું પડ્યું
એમસીએક્સ ખાતે સોનુ બુધવારે એક તબક્કે રૂ. 45000ની સપાટી પર ટ્રેડ થયું હતું. જોકે આ સપાટી પર લાંબો સમય ટકી શક્યું નહોતું અને મોટાભાગનો દિવસ રૂ. 44900-45000ની રેંજમાં અથડાયેલું રહ્યું હતું. જોકે તે રૂ. 126ના સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. વૈશ્વિક બજારમાં સોનુ 1730 ડોલર અસપાસ ટ્રેડ થતું હતું. છેલ્લા બે સપ્તાહથી ભારતીય બજારમાં તે રૂ. 45000ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ રૂ. 176ના સુધારે રૂ. 67095 પર ટ્રેડ થતી હતી.
સૂર્યોદય બેંકે એંકર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 170 કરોડ મેળવ્યાં
આઈપીઓ સાથે બજારમાં પ્રવેશેલી સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે 13 જેટલા એંકર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 170 કરોડ મેળવ્યાં છે. કંપનીએ રૂ. 305ના બેંડના ઉપરના ભાવે નાણા ઊભા કર્યાં છે. એંકર ઈન્વેસ્ટર્સમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ, બિરલા મ્યુચ્યુલ ફંડ, એક્સિસ એમએફ, એસબીઆઈ લાઈફ, આઈડીએફસી અને ગોલ્ડમેન સાચ જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે.
શેરબજાર વચગાળા માટે મંદીમાં સરી પડવાની શક્યતા વ્યક્ત કરતાં એનાલિસ્ટ્સ
બુધવારે નિફ્ટીમાં 20 દિવસ બાદ ફરી એકવાર 34-ડીએમએનું સ્તર તૂટતાં તેજીવાળાઓ માટે ચિંતા
યુએસ ખાતે 0.6 ટકાના સ્તરેથી સુધરતાં રહેલાં બોન્ડ યિલ્ડ્સ 1.65ની નવી સપાટી કૂદાવી ગયા
સ્થાનિક સ્તરે રિટેલ અને જથ્થાબંધ ફુગાવામાં ઊંચી વૃદ્ધિ બાદ લિક્વિડીટી પર અંકુશ માટે આરબીઆઈ ઉપાયો હાથ ધરી શકે
નિફ્ટીએ બુધવારે 14892નું 34-ડીએમએનો સપોર્ટ તોડતાં માર્કેટ એનાલિસ્ટ્સ થોડા ચિંતિત જણાતાં હતાં. તેમના મતે તાજેતરમાં પ્રગટ થયેલા આર્થિક ડેટા ઉપરાંત બોન્ડ માર્કેટની હલચલ સાથે કોવિડ કેસિસમાં વૃદ્ધિને જોતાં શેરબજાર સોનાની માફક વચગાળા માટે મંદીમાં સરી પડવાની શક્યતા રહેલી છે. આ સ્થિતિમાં માર્કેટ તેના વર્તમાન સ્તરેથી ઓછામાં ઓછો 15 ટકાનો ઘટાડો દર્શાવી શકે છે. નિફ્ટી માટે હવે મહત્વનો સપોર્ટ 14467નો છે. 26 ફેબ્રુઆરીએ તે આ સ્તરેથી પરત ફર્યો હતો.
બુધવારે ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. છેલ્લા કેટલાક સત્રોથી એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે પણ સ્થાનિક બજાર ઘટાડાતરફી જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરી સુધી તેણે તમામ ઈમર્જિંગ બજારોની સાપેક્ષ આઉટપર્ફોર્મન્સ નોંધાવવા સાથે ઉત્તરોત્તર નવી ટોચ દર્શાવવાનો ક્રમ જાળવ્યો હતો. જોકે અંતિમ એક મહિનાથી આ ટ્રેન્ડ બદલાયેલો જોવા મળે છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ બજેટ બાદની તેજી પછી નિફ્ટીએ 34-ડીએમએનું સ્તર તોડ્યું હતું. બુધવારે ફરીવાર 14892નો સપોર્ટ તોડી નિફ્ટી 14721 પર બંધ આવ્યો હતો. તેણે સોમવારે બનાવેલા 14745ના તળિયાના લેવલને પણ તોડ્યું હતું. બજાર માટે હવે 26-ફેબ્રુઆરીએ જોવા મળેલો 14467નો સપોર્ટ મહત્વનો બની રહેશે. જે તૂટતાં તે મધ્યમગાળા માટે મંદીના ટ્રેન્ડમાં સરી પડી શકે છે. માર્ચ 2020માં ચાર વર્ષનું તળિયું બનાવ્યાં બાદ વૈશ્વિક સ્તરે લિક્વિડિટીના પ્રવાહ પાછળ બજારમાં અવિરત સુધારો જોવા મળ્યો હતો અને તેણે એકપણ વાર 10 ટકાથી વધુનું કરેક્શન નહોતું દર્શાવ્યું. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના 10 મહિનામાં બજારે સપ્ટેમ્બર,2020 અને જાન્યુઆરી 2021માં 6-7 ટકાનું કરેક્શન દર્શાવ્યું હતું. જોકે ત્યાંથી તે ઝડપથી પરત ફરી નવી ટોચ તરફ ગતિ કરતાં જોવા મળ્યું હતું. 16 ફેબ્રુઆરીએ 15440ના સ્તરને સ્પર્શ્યાં બાદ છેલ્લા 10 મહિનામાં પ્રથમવાર નિફ્ટી કોન્સોલિડેશનમાં જોવા મળ્યો છે. જે સૂચવે છે કે બજાર ખરેખર થાક ખાઈ રહ્યું છે.
માર્કેટમાં છેલ્લા એક મહિનામાં ઘણા નવા પડકારો ઊભા થયાં છે જેમાં યુએસ ખાતે ઈન્ફ્લેશનમાં વૃદ્ધિની અપેક્ષાએ બોન્ડ યિલ્ડ્સમાં ઝડપી ઉછાળો, સ્થાનિક સ્તરે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈમાં અપેક્ષાથી ઊંચી વૃદ્ધિ, કોવિડ કેસિસની સંખ્યામાં જોવા મળી રહેલો વધારો વગેરેનો સમાવેશ થાય છે. બુધવારે પ્રથમવાર બજારમાં લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 1.27 ટકાના ઘટાડા સામે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.5 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 2.3 ટકા જેટલા તૂટ્યાં હતાં. જે સૂચવે છે કે મોટા ઈન્વેસ્ટર્સ રિસ્ક-ઓફ મોડમાં પરત ફરી રહ્યાં છે અને તેથી પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે. ક્રૂડના ભાવમાં મજબૂતી પણ ભારત જેવા અર્થતંત્ર માટે ચિંતાનું કારણ બની શકે છે. કેમકે જો સરકાર એક્સાઈઝમાં ઘટાડો કરશે તો તેની આવકનું ગણિત ખોટું પડશે અને ફિસ્કલ ડેફિસિટ વધશે. જ્યારે બીજી બાજુ આમ નહિ કરે તો આગામી મહિનાઓમાં ફુગાવાના આંકડા ઓર ઊંચા જોવા મળી શકે છે.