બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 16600નો સપોર્ટ જાળવ્યો
ફેડની અપેક્ષાથી વહેલા રેટ વૃદ્ધિની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં વિવિધ એસેટ ક્લાસિસમાં ઘટાડા વચ્ચે ભારતીય બજાર પણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. જોકે નિફ્ટી 15617ના તળિયાના સ્તરેથી નોંધપાત્ર સુધારા સાથે 15691 પર બંધ આવ્યો હતો. સિમેન્ટ, એફએમસીજી અને આઈટી શેર્સે બજારને સપોર્ટ કર્યો હતો. જ્યારે મેટલ, ઓટો અને બેંકિંગ શેર્સે બજાર પર દબાણ જાળવ્યું હતું.
અદાણી જૂથના શેર્સમાં ઘટાડાનો દોર યથાવત
અદાણી જૂથ કંપનીઓના શેર્સ માટે ચાલુ સપ્તાહ તીવ્ર મૂડીધોવાણનું બની રહ્યું છે. જે રીતે શેરના ભાવ ઉછળ્યાં હતાં. તેટલી જ ઝડપથી હવે તેઓ ઘટી રહ્યાં છે. ગુરુવારે સતત ચોથા દિવસે અદાણી જૂથના તમામ શેર્સ 9 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં અદાણી પોર્ટ્સ રૂ. 8.5 ટકા ઘટી રૂ. 647ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 5.6 ટકા ગગડી રૂ. 1368ની સપાટી પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 1304નું તળિયું દર્શાવ્યું હતું. કેશ સેગમેન્ટમાં ટ્રેડ પામતી જૂથની ચાર કંપનીઓના શેર્સ 5 ટકાની લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેમાં અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જિનો સમાવેશ થાય છે. તેઓ સતત ચોથા દિવસે નીચલી સર્કિટ્સમાં બંધ દર્શાવી રહ્યાં હતાં.
જાહેર સાહસોના શેર્સમાં ઊંચા સ્તરે વેચવાલી
ગુરુવારે માર્કેટમાં નરમાઈ વચ્ચે જાહેર સાહસોના શેર્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અગ્રણી જાહેર સાહસો તેમના અગાઉના બંધની સરખામણીમાં 4 ટકા સુધી ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. જેમાં આરઈસી 3.7 ટકા નરમાઈ સાથે મોખરે હતો. આ ઉપરાંત ભારત ઈલે.માં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભેલ, સેઈલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, નાલ્કો અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના શેર્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.3 ટકા ઘટી બંધ દર્શાવી રહ્યો હતો. એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની એચપીસીએલનો શેર 1.5 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો.
ઈન્ડિયા વિક્સ 3 ટકા ઉછળી બંધ આવ્યો
શેરમાર્કેટમાં બે દિવસથી જોવા મળી રહેલા નરમ વલણ પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ ફરી સુધારો દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહે 15ની સપાટી નીચે વાર્ષિક તળિયા પર પહોંચી ગયેલો ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સ ગુરુવારે 2.8 ટકા ઉછળી 15.28 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 16.05ની ટોચ દર્શાવી હતી. જોકે માર્કેટમાં બંધ થવાના અડધો કલાક અગાઉ તળિયાના ભાવેથી જોવા મળેલા સુધારા પાછળ તે ટોચના સ્તરેથી પાછો પડ્યો હતો.
ફેડે અપેક્ષાથી વહેલી રેટ વૃદ્ધિની શક્યતા દર્શાવતાં સોનુ-ચાંદી અને રૂપિયો ગગડ્યાં
એમસીએક્સ ખાતે ચાંદી લગભગ 4 ટકાના ઘટાડે રૂ. 69000 નીચે ઉતરી ગઈ જ્યારે સોનુ 2.7 ટકા તૂટી રૂ. 47200 પર બોલાયુ
રૂપિયો એક ટકાથી વધુ ગગડી 74.08ના છ સપ્તાહના તળિયા પર બંધ રહ્યો
અગાઉ કેલેન્ડર 2023ના અંત સુધી રેટમાં વૃદ્ધિ નહિ કરવામાં આવે તેવું રટણ કરનાર ફેડ રિઝર્વે તેની પોલિસીમાં બદલાવ કરતાં ગુરુવારે કિંમતી ધાતુઓ સહિત ઈમર્જિંગ માર્કેટ ચલણનો મૂલ્યોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય કોમેક્સ ખાતે સોનુ 2.5 ટકાથી વધુ ગગડી છેલ્લા દોઢ મહિનાના તળિયા પર ટ્રેડ થયું હતું. એમસીએક્સ ખાતે તે રૂ. 48506ના અગાઉના બંધની સરખામણીમાં રૂ. 1300ના ઘટાડે રૂ. 47200ની સપાટી પર જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી લગભગ 4 ટકા તૂટી રૂ. 68700ની સપાટી પર પટકાઈ હતી. ભારતીય ચલણ રૂપિયો એક ટકાથી વધુના ઘટાડે 74.08 પર બંધ રહ્યો હતો. જ્યારે બેઝ મેટલ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી.
બુધવારે મળેલી યુએસ ફેડ એફઓએમસીની બેઠકમાં 18માંથી 13 સભ્યો એ વાતે સહમત હતાં કે ફુગાવામાં અપેક્ષાથી ઊંચી વૃદ્ધિ પાછળ રેટમાં ઝડપી વૃદ્ધિ કરવી જોઈએ. જેને ધ્યાનમાં રાખી ફેડે કેલેન્ડર 2023માં જ બે રેટ વૃદ્ધિની શક્યતા વ્યક્ત કરી હતી. જેની પાછળ ડોલર ઈન્ડેક્સમાં ઓવરનાઈટ વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોથી લઈને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. ભારતીય કોમેક્સ ખાતે કામકાજની શરૂઆત સાધારણ નરમાઈ સાથે જોવા મળી હતી. જોકે જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ-તેમ સોનુ-ચાંદી સતત ઘટતાં રહ્યાં હતાં અને સાંજ સુધીમાં તેઓ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ચાંદીએ લગભગ છ સપ્તાહ બાદ રૂ. 69000ના સ્તર નીચે ટ્રેડ દર્શાવ્યો હતો. સોના કરતાં પ્રમાણમાં મજબૂત દેખાવ દર્શાવી રહેલી ચાંદીમાં ઓચિંતો 4 ટકાનો ઘટાડો ટ્રેડર્સ માટે આકરો સાબિત થયો હતો અને જેઓ ચાંદી રૂ. 75000ના સ્તરને પાર કરી નવી ટોચ દર્શાવે તેવું વિચારી લોંગ ટ્રેડ લઈને બેઠા હતાં તેવા ટ્રેડર્સે મોટુ નુકસાન ઉઠાવવાનું થયું હતું. સોનામાં પણ ટ્રેડર્સે ઊંચું નુકસાન જોવાનું થયું હતું. મે મહિનામાં રૂ. 48 હજારની સપાટી પાર કર્યાં બાદ ગોલ્ડમાં ટ્રેડર્સ ફરી પરત ફર્યાં હતાં અને તેઓ રૂ. 50 હજારની સપાટી પાર થવાની પ્રબળ શક્યતા જોઈ રહ્યાં હતાં. સોનાને ઈનફ્લેશન સામે હેજ ગણવામાં આવે છે અને તેથી યુએસ ખાતે ગયા સપ્તાહે રજૂ થયેલો ઈન્ફલેશન ડેટા સોનામાં મજબૂતીની તરફેણ કરતો હતો. જોકે ફેડે રેટ વૃદ્ધિની વાત કરતાં બજારમાં લિક્વિડીટી પર અસર થવાની શક્યતા પાછળ કોમોડિઝીમાં સાર્વત્રિક વેચવાલીનું માનસ ઊભું થયું હતું. એનાલિસ્ટ્સના મતે સોનુ-ચાંદી હજુ કેટલોક વધુ ઘટાડો દર્શાવી શકે છે. જ્યારબાદ તેમાં ખરીદી કરવાનું વિચારી શકાય. મધ્યમથી લાંબાગાળે તેઓ સોનામાં તેજીની શક્યતા દર્શાવી રહ્યાં છે. કોમોડિટી એનાલિસ્ટના મતે વૈશ્વિક બજારમાં સોનું 1760-1780 ડોલરની રેંજમાં સપોર્ટ મેળવી શકે છે. જ્યારે એમસીએક્સ ખાતે તેને રૂ. 46000નો સપોર્ટ છે. જેને ખરીદી માટે ધ્યાનમાં રાખી શકાય. ચાંદીમાં રૂ. 67000નો સપોર્ટ છે. જ્યાંથી બાઉન્સ શક્ય છે. જોકે માર્કેટ એકવાર ઈવેન્ટને કારણે જોવા મળેલી વેચવાલી પચાવીને સ્થિરતા દર્શાવે ત્યારબાદ જ ખરીદી માટે વિચારવાનું સૂચન તેઓ કરે છે.
રૂપિયામાં પણ એનાલિસ્ટ્સ વધુ નરમાઈ જોઈ રહ્યાં છે. ફેડની જાહેરાત પાછળ એફઆઈઆઈ કેવી પ્રતિક્રિયા દર્શાવે છે તે મહત્વનું બની રહેશે. આરબીઆઈએ તાજેતરના સપ્તાહોમાં ડોલરની મોટી ખરીદી કરી છે. તેમજ દેશનું ફોરેક્સ રિઝર્વ 600 અબજ ડોલરના સ્તરને પાર કરી ગયું છે. જેને જોતાં રૂપિયો એપ્રિલમાં તેણે દર્શાવેલા 75.55ના તળિયા નીચે જવાની શક્યતા નથી. સોમવારે ભારતીય ચલણ ઉપરાંત કોરિયન ચલણ વોનમાં પણ 1.2 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ડોલર ઈન્ડેક્સ 91ના સ્તરને પાર કરી ગયો હતો.
Market Summary 17 June 2021
June 17, 2021