બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સેક્ટર રોટેશન પાછળ તેજીનો ટોન અકબંધ
ઓટો અને એનર્જીએ રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે સપોર્ટ પૂરો પાડ્યો
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજાર પોઝીટીવ
બીએસઈ ખાતે 2297 કાઉન્ટર્સમાં તેજી સામે 1308માં નરમાઈ
ટીસીએસે રૂ. 4 હજારની સપાટી પાર કરી
અદાણી ગ્રીન એનર્જી રૂ. 1854 થઈ 8 ટકા ઉછાળે રૂ. 1835 પર બંધ
બજેટ પૂર્વે નિફ્ટી નવી ટોચ દર્શાવે તેવો આશાવાદ
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારે પોઝીટવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ ફ્લેટ ટ્રેડ વચ્ચે આખરે પોઝીટીવ બંધ જાળવવામાં સફળતા મેળવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 52.35 પોઈન્ટ્સના સુધારે 18308.10ની તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 86 પોઈન્ટ્સના સુધારે 61309ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તે માત્ર 277 પોઈન્ટ્સની રેંજમાં અથડાતો રહ્યો હતો.
માર્કેટ નિરીક્ષકોના મતે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની શરૂઆત અપેક્ષિત રહી છે. આઈટી અને બેંકિંગે સારા પરિણામ દર્શાવ્યાં છે. શનિવારે એચડીએફસી બેંકના પરિણામો સારા રહ્યાં હતાં. એસેટ ક્વોલિટીને લઈને ચિંતા હળવી થઈ હતી. જોકે એચડીએફસી બેંકના શેર પ્રોફિટ બુકિંગ પાછળ નરમ બંધ જોવા મળ્યો હતો. નાની ખાનગી બેંક્સ જેવીકે બંધન બેંક, એયૂ સ્મોલ ફિન. બેંક અને ફેડરલ બેંક પોઝીટીવ જળવાયાં હતાં. બજારને મહત્વનો સપોર્ટ ઓટોમોબાઈલ અને એનર્જી સેક્ટર્સ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી ઓટોમોબાઈલ 2.05 ટકા સુધરી બંધ રહ્યો હતો. ઓટો ક્ષેત્રે સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. જોકે તેજીની આગેવાની ટુ-વ્હીલર અગ્રણી હીરો મોટોકોર્પે લીધી હતી. કંપનીના બોર્ડે એથર એનર્જીમાં રૂ. 420 કરોડના રોકાણની મંજૂરી આપતાં કંપનીનો શેર 5 ટકાથી વધુ સુધારા સાથે બંધ આવ્યો હતો. આ સિવાય એક્સાઈડ ઈન્ડ.નો શેર 5 ટકા સુધારો દર્શાવતો હતો. મારુતિ સુઝુકીના શેરે પણ 3 ટકાથી વધુ સુધારે ખૂલતાંમાં જ રૂ. 8368.90ની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે ટાટા મોટર્સ 3 ટકા સુધરી રૂ. 525 પર બંધ રહ્યો હતો. નિફ્ટી એનર્જી 1.27 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં મહત્વનું યોગદાન અદાણી ગ્રીન એનર્જીનું હતું. કંપનીનો શેર વધુ 8 ટકા ઉછળી રૂ. 1835.30ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે રૂ. 1854ની ઈન્ટ્રા-ડે ટોચ નોઁધાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.87 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ઓએનજીસી, ટાટા પાવર અને એનટીપીસી જેવા કાઉન્ટર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 1.28 ટકાનો સુધારો દર્શાવતો હતો. જોકે બીજી બાજુ આઈટી અને ફાર્મા સેક્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. સારા પરિણામો પાછળ એચસીએલ ટેક્નોલોજીમાં વેચવાલી જોવા મળી હતી અને શેર 6 ટકા ગગડી બંધ આવ્યો હતો. બીજી બાજુ ટીસીએસનો શેર 1.3 ટકા સુધરી રૂ. 4043ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો.
બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરી હતી. બીએસઈ ખાતે 3739 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ નોંધાયું હતું. જેમાંથી 2297 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1308માં નરમાઈ જોવા મળતી હતી. 758 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું હતું. જ્યારે 309 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં. 521 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 9 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજેટ અગાઉ આંઠ ટ્રેડિંગ સત્રો બાકી છે. જે દરમિયાન માર્કેટમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાય શકે છે અને તે 18600ની અગાઉની ટોચને પાર કરે તેવી સંભાવના છે. જોકે વૈશ્વિક બજરોનો સપોર્ટ મહત્વનો છે. નિફ્ટીમાં તેઓ 18100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવાનું સૂચન કરે છે.
2022ની સ્વિટ શરૂઆતઃ સુગર શેર્સમાં 44 ટકા સુધીની તેજી
મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં સુગર સેક્ટરમાં સાર્વત્રિક લેવાલી વચ્ચે કેટલાંક કાઉન્ટર્સ સર્વોચ્ચ ઊંચાઈએ
ભારતીય શેરબજારમાં નવા કેલેન્ડરના પ્રથમ પખવાડિયામાં સુગર શેર્સે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. માત્ર 11 ટ્રેડિંગ સત્રોમાં બજારમાં લિસ્ટેડ સુગર કંપનીઓના શેર્સમાં 44 ટકા સુધીનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જેની પાછળ કેટલીક સુગર કંપનીઓના શેર્સ તેમની ઐતિહાસિક ટોચ પર ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે.
કોમોડિટી સેક્ટર ગણાતાં સુગર શેર્સમાં તેજીનું મુખ્ય કારણ આગામી વર્ષોમાં ઈથેનોલના વપરાશમાં ઝડપી વૃદ્ધિને માનવામાં આવે છે. જેને કારણે કંપનીઓને બાય પ્રોડક્ટની ઉપજમાં નોંધપાત્ર લાભ થશે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે સુગર સેક્ટર સુગરના ભાવની સરખામણીમાં ઈથેનોલ પોલિસી પ્રેરિત રહ્યાં છે. જેનો લાભ ફોરવર્ડ ઈન્ટિગ્રેશન ધરાવતી સુગર કંપનીઓ- એટલેકે પોતાની ડિસ્ટીલરી ધરાવતી કંપનીઓ-ને તો મળ્યો જ છે પરંતુ તે સિવાયની કંપનીઓને પણ મળ્યો છે. સુગર કંપનીઓને બાય પ્રોડક્ટ્સમાંથી થયેલા લાભ પાછળ તેમની બેલેન્સ શીટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમનું કેશ જનરેશન વધ્યું છે અને તેથી તેમના ઋણમાં ઘટાડો જોવા મળ્યો છે. જેણે રોકાણકારોને સુગર શેર્સમાં ખરીદી તરફ વાળ્યાં છે. અલબત્ત, એનાલિસ્ટ્સ માને છે કે છેલ્લાં બે વર્ષોમાં સુગર શેર્સમાં નોંધપાત્ર એક્યૂમ્યૂલેશન જોવા મળી રહ્યું હતું. સરકારે 2025ના બદલે 20 ટકા ઈથેનોલ મિશ્રણની મર્યાદાને વહેલી કરતાં સુગર શેર્સમાં મોટા રોકાણકારોએ પોઝીશન લીધી હતી. વર્તમાન ભાવે સુગર શેર્સમાં પોઝીટીવ પરિબળો ઘણે અંશે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. જોકે લાંબા ગાળા માટે સુગર શેર્સ સારી વિઝિબિલિટી ધરાવી રહ્યાં છે. કેમકે મોટાભાગની કંપનીઓ માટે ઈથેનોલના ભાવ પણ એક મહત્વનું પરિબળ બની રહ્યું છે.
જાન્યુઆરીની શરૂઆતથી સોમવાર સુધીમાં વિવિધ સુગર શેર્સમાં અવધ સુગર સૌથી સારો દેખાવ દર્શાવે છે. કંપનીનો શેર 2021ની આખરમાં રૂ. 456.30ના ભાવે બંધ રહ્યો હતો. જે સોમવારે રૂ. 654.70ના સ્તરે બંધ દર્શાવતો હતો. સોમવારે કંપનીનો શેર રૂ. 674.65ની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યા બાદ 4.38 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. દ્વારકેશ સુગરનો શેર 11 ટ્રેડિંગ સત્રોમાં 36 ટકાનો સુધારો સૂચવે છે. સોમવારે કંપનીનો શેર રૂ. 99.50ની ટોચ બનાવ્યાં બાદ 1.5 ટકા સુધારે બંધ રહ્યો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવનારા કેટલાંક અન્ય સુગર કાઉન્ટર્સમાં પોન્ની ઈરોડ(31 ટકા), ઉત્તમ સુગર(28.20 ટકા), દાલમિયા સુગર(26 ટકા), કેએમ સુગર(25 ટકા), ધરણી સુગર(24 ટકા), ધામપુર સુગર(23 ટકા)નો સમાવેશ થાય છે. ધામપુર સુગરનો શેર સોમવારે 3.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. એક અન્ય અગ્રણી સુગર ઉત્પાદક કંપની બલરામપુર ચીનીનો શેર રૂ. 451.80ની ટોચ બનાવી રૂ. 443.05 પર બંધ રહ્યો હતો.
સુગર શેર્સનો પખવાડિયાનો દેખાવ
સ્ક્રિપ્સ ડિસેમ્બરનો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) સુધારો(ટકામાં)
અવધ સુગર 456.30 654.70 43.48
દ્વારકેશ સુગર 71.40 97.00 35.85
પોન્ની ઈરોડ 213.65 279.00 30.59
ઉત્તમ સુગર 180.65 231.60 28.20
દાલમિયા સુગર 382.65 482.00 25.96
KM સુગર 27.20 34.00 25.00
ધરણી સુગર 18.20 22.50 23.63
ધામપુર સુગર 307.40 378.95 23.28
કોઠારી સુગર 33.15 40.75 22.93
રાણા સુગર 24.75 30.15 21.82
બલરામપુર ચીની 367.50 442.50 20.41
ત્રિવેણી એન્જિ. 221.40 259.85 17.37
LIC IPO: મેગા ઓફર માટે એન્કર ઈન્વેસ્ટર્સની શોધ શરૂ
સરકારે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને મોટા રોકાણકારોનો સંપર્ક કરવા જણાવ્યું
કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)ના મેગા આઈપીઓ માટે નીમવામાં આવેલા ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને ઈસ્યુની પૂર્વ સંધ્યાએ શેર્સ ખરીદતાં એંકર ઈન્વેસ્ટર્સની શોધ શરૂ કરી દેવા માટે જણાવ્યું છે. તેણે બેંકર્સને વિશ્વના મોટા રોકાણકારોનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. સરકારે 6 વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સહિત ચાર સ્થાનિક બેંકર્સને આઈપીઓની જવાબદારી માટે પસંદ કર્યાં છે.
દેશના મૂડી બજારમાં સૌથી મોટો આઈપીઓ બની રહેનારી એલઆઈસીની ઓફર માટે એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી હેવી લિફ્ટીંગની જરૂર પડશે. કેમકે સરકાર ઈન્શ્યોરર કંપની માટે ઊંચા વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે. એંકર બુક ઊંચા ભાવ સાથે ભરાયા બાદ ક્વિપ અને એચએનઆઈ તરફથી આઈપીઓને સારો પ્રતિસાદ મળતો હોય છે. એલઆઈસી આઈપીઓમાં વિદેશી રોકાણકારોને 20 ટકા હિસ્સાની ખરીદી માટે છૂટ આપવા સરકાર નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે.
સરકારી વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે કે એલઆઈસી આગામી સપ્તાહ દરમિયાન આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતાં છે. કંપનીની ઓફર સાઈઝ રૂ. 85 હજાર કરોડ આસપાસ હોવાનું પણ તેઓ જણાવે છે. આમ તેની એન્કર બુક ઘણી મોટી હશે. જે માટે મોટા ઈન્વેસ્ટર્સની અનિવાર્યતા ઊભી થશે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે આવા સંભવિત રોકાણકારો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. સરકાર ચાલુ નાણાકિય વર્ષની આખર અગાઉ આઈપીઓની પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે. જેથી નાણાકિય ખાધને બજેટના અંદાજ કરતાં નીચી જાળવવામાં સહાયતા મળી રહે. નાણા વિભાગના અધિકારી જણાવે છે કે દેશના સૌથી મોટા આઈપીઓ હોવાના કારણે એન્કર રોકાણકારો તરફથી મોટો સપોર્ટ જરૂરી બની રહેશે અને તેથી સરકારે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને સ્પષ્ટરીતે રોકાણકારો પાછળ લાગી જવા કહી દીધું છે. સરકાર એલઆઈસી નીતિધારકો સહિત રિટેલ રોકાણકારો તરફથી પણ જંગી પાર્ટિસિપેશનની અપેક્ષા રાખી રહી છે.
સરકારે ત્રણેક મહિના અગાઉ દસેક અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને એલઆઈસી આઈપીઓની જવાબદારી માટે પસંદ કર્યાં હતાં. જમાં ગોલ્ડમેન સાચ(ઈન્ડિયા) સિક્યૂરિટીઝ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યૂરિટીઝ ઈન્ડિયા, એસબીઆઈ કેપિટલ માર્કેટ, જેએમ ફાઈનાન્સિયલ, એક્સિસ કેપિટલ, બોફા સિક્યૂરિટીઝ, જેપી મોર્ગન ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલનો સમાવેશ થાય છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે ખૂબ સાધારણ એમાઉન્ટમાં આઈપીઓ માટે સેવા આપવા તૈયારી દર્શાવી છે.
TCSનું 2021-22માં ફ્રેશર્સ હાયરિંગ 1 લાખને પાર કરી જવાની શક્યતાં
અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)નો નાણાકિય વર્ષ 2021-22માં ફ્રેશર્સ હાયરિંગનો આંક એક લાખને પાર કરી જવાની શક્યતાં છે. જે કોઈપણ નાણાકિય વર્ષમાં ભારતીય કે વૈશ્વિક આઈટી કંપની દ્વારા સૌથી મોટો હશે. હજુ સુધી વૈશ્વિક સ્તરે આ એક વર્ષમાં આઈટી સર્વિસિઝ કંપનીએ આટલી મોટી ભરતી નોંધાવી નથી. કંપની અત્યાર સુધીમાં 77 હજાર ફ્રેશર્સની નિમણૂંક કરી ચૂકી છે. જે નાણા વર્ષમાં 55 હજાર ફ્રેશર્સની નિમણૂંકના ટાર્ગેટથી વધુ છે. જ્યારે 2020-21ના વર્ષમાં થયેલી 40 હજારની નિમણૂંકથી ઘણી ઊંચી છે. કંપનીના ચીફ એચઆર ઓફિસરના જણાવ્યા મુજબ અમે બીજા ક્વાર્ટરની આખરમાં જણાવ્યું હતું કે હવેના છ મહિનામાં અમે 34 હજાર ફ્રેશર્સની નિમણૂંક કરીશું. જોકે અમે ડિસેમ્બરમાં જ આ નિમણૂંક કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરમાં કંપની કેટલી નિમણૂંક કરશે તેનો આંકડો તેમણે આપ્યો નહોતો જોકે તેમણે જણાવ્યું હતું કે કંપની તરફથી તીવ્ર હાયરિંગની પ્રક્રિયા ચાલુ રહેશે.
એજીએસ ટ્રાન્ઝેક્ટ રૂ. 680 કરોડ ઊભાં કરશે
એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ આઈપીઓ મારફતે રૂ. 680 કરોડ ઊભા કરશે. કંપનીનો આઈપીઓ 19 જાન્યુઆરીએ બજારમાં પ્રવેશશે અને 21 જાન્યુઆરીએ બંધ થશે. કંપની રૂ. 166-175ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. ઈસ્યુ સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ રહેશે. જેમાં પ્રમોટર્સ તથા અન્ય રોકાણકારો તેમના હિસ્સાનું વેચાણ કરશે.
કેલેન્ડર 2021માં ચીને 8.1 ટકાનો ગ્રોથ નોંધાવ્યો
ચીની અર્થતંત્રે કેલેન્ડર 2021માં 8.1 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર ધીમો પડ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 4 ટકા પર જોવા મળ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરના 4.9 ટકાના દર કરતાં નીચો હતો. જોકે જાન્યુઆરી-માર્ચ 2021માં તેણે 18.3 ટકાનો તીવ્ર વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જેનું એક કારણ અગાઉના વર્ષની નીચે બેઝ ઈફેક્ટ હતું. ચીન સરકાર તરફથી દબાણને કારણે રિઅલ એસ્ટેટ ઉદ્યોગનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. જેને કારણે ચીનની સરકાર પર વ્યાજ દર ઘટાડવાની ફરજ પડી હતી.
Market Summary 17 Jan 2022
January 17, 2022