બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મહત્વના ટ્રિગર્સના અભાવે માર્કેટ કોન્સોલિડેશન મૂડમાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 22ની સપાટી પર
એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર ખરીદી નીકળી
બેંક નિફ્ટીમાં એક ટકાથી વધુ ઘટાડો
બ્રોડ માર્કેટમાં બે દિવસ બાદ ફરી વેચવાલી
રિટેલ ગેરહાજરી વચ્ચે માર્કેટ ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો
સતત બીજા દિવસે શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પણ સ્થિતિ સમાન હતી. સ્થાનિક બેન્ચમાર્ક્સ ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ બાદ સાધારણ ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 105 પોઈન્ટ્સની નરમાઈ સાથે 57892ના સ્તરે જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ્સના ઘટાડે 17305ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 22ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 29 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં.
ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 17322ના બંધ સામે 17397ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ દર્શાવતો હતો. જ્યાંથી સુધરી 17443ની સપાટી દર્શાવી હતી. જોકે સુધારો ટક્યો નહોતો અને બેન્ચમાર્ક 17236ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થયો હતો. દિશાહિન ટ્રેડને કારણે ઈન્ટ્રા-ડે ટ્રેડર્સમાં ભારે અકળામણ જોવા મળી રહી હતી. જેની અસર બજારના કામકાજ પર પણ જોવા મળી હતી. માર્કેટમાં સરેરાશ દૈનિક કામકાજની સરખામણીમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બપોરે ફેડ બેઠકની મિનિટ્સ રજૂ થઈ હતી. જેમાં ફેડે મોડરેટ ગતિએ રેડ વૃદ્ધિ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. આ કારણ બજાર માટે રાહત આપનારું હતું. જોકે યુક્રેન મુદ્દે હજુ પણ રશિયા-નાટો વચ્ચે જોવા મળી રહેલી તંગદિલીને કારણે સંસ્થાઓ સહિતના રોકાણકારો નવા બાઈંગથી દૂર જોવા મળી રહ્યાં હોવાનું બ્રોકરેજિસ જણાવે છે. એકવાર ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ જ તેઓ નવી ખરીદી માટે બહાર આવશે એમ તેઓ ઉમેરે છે. આ સ્થિતિમાં માર્કેટ કેટલાંક વધુ દિવસો સુધી સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળી શકે છે. નિફ્ટી માટે 17000નો મહત્વનો સપોર્ટ છે. જ્યારે 17400નો અવરોધ છે. જો આ સ્તર પાર થશે તો નિફ્ટી બજેટ પછીના 17800ની ટોચ સુધી સુધારો દર્શાવી શકે છે.
ગુરુવારે બજારને મહત્વનો સપોર્ટ એનર્જી સેક્ટર તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી એનર્જી 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ મહત્વના કાઉન્ટર્સે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 6 ટકા ઉછળી રૂ. 2094.80ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.2 લાખ કરોડની ટોચ પર જોવા મળ્યું હતું. ઓએનજીસીમાં 2 ટકાનો જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1.2 ટકાનો સુધારો નોંધાયો હતો. રિલાયન્સે બ્રેકઆઉટ આપ્યું હોવાનું પણ એનાલિસ્ટ જણાવે છે અને તે આગામી સત્રોમાં બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડી શકે છે. જે બેંકિંગ સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી. બેંક નિફ્ટી 1.11 ટકા ઘટાડે 37532ની સપાટીએ બંધ રહ્યો હતો. આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એક ટકાથી લઈ બે ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. બે દિવસોથી મજબૂતી દર્શાવનાર ફાર્મા સેક્ટર 0.75 ટકા ઘટાડે નરમાઈ સૂચવતું હતું. જ્યારે આઈટી ઈન્ડેક્સ 0.5 ટકા નીચે બંધ દર્શાવતો હતો. લાર્જ-કેપ્સ સાથે બ્રોડ માર્કેટમાં પણ ધીમી વેચવાલી જોવા મળી હતી. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.3 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3473 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2130 ઘટાડે બંધ રહ્યાં હતાં. જ્યારે 1251 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 272 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે લગભગ તેટલાં જ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 112 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની બોટમ બનાવી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ 4.7 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. જ્યારે નવીન ફ્લોરિન 3.9 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ 3 ટકા, કમિન્સ 2.9 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 2.34 ટકા અને કમિન્સ ઈન્ડિયા 2.32 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં.
LIC IPOમાં એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે નવા રોકાણકારોનો સંપર્ક કરાશે
દેશના શેરબજાર માટે મેગા આઈપીઓ બની રહેનારા લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ માટે સરકાર એવા મોટા રોકાણકારોનો સંપર્ક પણ કરશે જેઓએ હજુ સુધી ભારતીય મૂડી બજારમાં આઈપીઓ માટે એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે ક્યારેય રોકાણ દર્શાવ્યું નથી. સરકારી અધિકારીઓના દર્શાવ્યા મુજબ તેઓ 180થી વધુ રોકાણકારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સરકાર ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ મારફતે કેટલાંક નામી રોકાણકારોનો સંપર્ક કરશે. જેમાં સોવરિન વેલ્થ ફંડ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, યુએસ સ્થિત સેન્ડ્સ કેપિટલ, સિટાડેલ અને સર્વેયર કેપિટલનો સમાવેશ થાય છે. આ ફંડ્સ માત્ર વૈશ્વિક સ્તરે થતી મેગા પબ્લિક ઓફર્સમાં જ ભાગ લેતાં હોય છે. આ ઉપરાંત સરકારે એલઆઈસીના ઈએસજી ટ્રેક રેકર્ડને આધારે પણ રોકાણકારોની યાદી તૈયાર કરી હોવાનું વર્તુળો ઉમેરે છે.
જુલાઈ પછી પ્રવેશેલાં અડધાથી વધુ IPOsનું ડિસ્કાઉન્ટમાં ટ્રેડિંગ
જુલાઈ 2021 પછી પ્રવેશેલાં અડધાથી વધુ આઈપીઓનું ઓફરભાવ સામે ડિસ્કાઉન્ટમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં કારટ્રેડ ટેક ટોચ પર છે. રૂ. 1618 પ્રતિ શેરના ભાવે ઓફર કરવામાં આવેલો શેર 60 ટકાથી વધુ ડિસ્કાઉન્ટમાં રૂ. 630 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત પેટીએમની માલિક વન97કોમ, પીબી ફિનટેક, વિન્ડલાસ બાયોટેક, ફિનો પેમેન્ટ બેંક સહિતના શેર્સ તેમના ઓફરભાવ સામે 50 ટકા કે તેનાથી વધુ ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
નાયકાનો શેર 9 ટકા ગગડી નવી નીચી સપાટીએ ટ્રેડ થયો
બમ્પર લિસ્ટીંગ દર્શાવનાર ઓનલાઈન બ્યૂટી અને ફેશન પ્રોડક્ટ્સ કંપનીનો શેર તેના લિસ્ટીંગ બાદના તળિયા પર ટ્રેડ થયો હતો. ગુરુવારે કંપનીનો શેર એક તબક્કે 9 ટકાથી વધુ ઘટાડે રૂ. 1371.65ના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયા બાદ એનએસઈ ખાતે 3.73 ટકા ઘટાડે 1447.80ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર 2573.70ની વાર્ષિક ટોચ પરથી 45 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
વૈશ્વિક ગોલ્ડ 25 ડોલર ઉછળી આઁઠ મહિનાની ટોચ પર
કોમેક્સ ખાતે સ્પોટ ગોલ્ડે જૂન 2021 પછી 1893 ડોલરની હાઈ દર્શાવી
એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો ફરી રૂ 50 હજારની સપાટી પર જોવા મળ્યો
એનાલિસ્ટ્સના મતે સોનામાં 1970 ડોલર સુધીની ઝડપી તેજી જોવા મળી શકે
યુએસ ફેડ એફઓએમસીની બેઠકની ગુરુવારે રજૂ થયેલી મિનિટ્સમાં મધ્યમ ગતિએ રેટ વૃદ્ધિ કરવામાં આવશે એમ જાણવા મળ્યાં બાદ ગોલ્ડમાં લેવાલી નીકળી હતી. જેની પાછળ કોમેક્સ સ્પોટ ગોલ્ડ 25 ડોલર ઉછળી 1893 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની આંઠ મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. અગાઉ જૂન 2021માં ગોલ્ડ 1910 ડોલર પર જોવા મળ્યું હતું. જો ગોલ્ડ 1900 ડોલરની સપાટી પાર કરશે તો મધ્યમગાળામાં 1970 ડોલર સુધીનો સુધારો દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે.
રશિયા-યુક્રેન વચ્ચે હજુ પણ યુધ્ધની ઊંચી શક્યતાં પાછળ ગોલ્ડમાં સેફહેવનરૂપી ખરીદી જળવાય છે. વિવિધ વૈશ્વિક માધ્યમોના અહેવાલો અનુસાર રશિયન સૈન્યએ યુધ્ધની તૈયારી પૂરી કરી છે અને હાલમાં તે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જેનો અર્થ એવો નથી કે યુધ્ધની શક્યતા ટળી ગઈ છે. રશિયાએ સૈન્ય પરત ફર્યું હોવાનો દાવો કર્યો હોવા છતાં એનર્જીના ભાવમાં કોઈ વેચવાલી જોવા મળી નથી. જે બજાર હજુ પણ યુધ્ધના ડરમાંથી બહાર આવ્યું નથી એમ સૂચવે છે. બીજી બાજુ યુએસ ખાતે ઈન્ફ્લેશનને લઈને અગ્રણી રોકાણકારો ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. વોરેન બૂફેની બર્કશાયર હાથવેના ચાર્લી મૂંગેરે જણાવ્યું હતું કે ફેડે ટૂંકાગાળામાં અવિચારીપણે જંગી લિક્વિડિટી ઠાલવતાં આ સ્થિતિ ઊભી થઈ છે અને તેને ઝડપથી અંકુશમાં લાવવી અઘરી છે. ફુગાવાને લઈને ઐતિહાસિક સંદર્ભ આપતાં તેમણે જણાવ્યું હતું કે ફુગાવો રોમન સામ્રાજ્યનો ભરખી ગયો હતો. તેમણે ડોલરને લઈને પણ લાંબાગાળે મંદીની શક્યતાં વ્યક્ત કરી હતી. આ બાબત સૂચવે છે કે આગામી સમયગાળામાં ગોલ્ડનું જબરદસ્ત આકર્ષણ જોવા મળી શકે છે.
ગુરુવારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે એપ્રિલ ગોલ્ડ વાયદો એક ટકાથી વધુ સુધરીને રૂ. 50260ની સપાટી પર જોવા મળ્યો હતો. કેલેન્ડર 2022માં અત્યાર સુધીમાં ગોલ્ડ 4.5 ટકાનું રિટર્ન દર્શાવી ચૂક્યું છે. જે ઈક્વિટી બેન્ચમાર્ક નિફ્ટી કરતાં ઊંચું છે. કેલેન્ડર 2021માં ગોલ્ડે લગભગ 6 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. જોકે 2020માં તેણે 25 ટકા આસપાસનું પોઝીટીવ રિટર્ન આપ્યું હતું. એમસીએક્સ ખાતે તેણે બે વર્ષોમાં 20.04 ટકા, ત્રણ વર્ષોમાં 49.39 ટકા, ચાર વર્ષોમાં 60.91 ટકા અને 5 વર્ષમાં 71.24 ટકાનું નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. કોમેક્સ ખાતે 2022માં ગોલ્ડ 5.7 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યું છે.
એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ હાલમાં 1882ના સાપ્તાહિક અવરોધ પર ટ્રેડ કરી રહ્યું છે. હવે તેને માટે 1923 ડોલરનો એક અવરોધ છે. જે પાર થશે તો ગોલ્ડ 1975-2000 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે નીચામાં 1820 ડોલરનો મહત્વનો સપોર્ટ છે. ઈન્વેસ્ટર્સ મધ્યમથી લાંબાગાળા માટે ગોલ્ડમાં પોઝીશન લઈ શકે છે એમ તેમનું સૂચન છે.
ગોલ્ડનો પાંચ વર્ષોમાં દેખાવ
વર્ષ રિટર્ન(ટકામાં)
એક -6.43
બે 20.04
ત્રણ 49.39
ચાર 60.91
પાંચ 71.24
IT વિભાગના NSEના ભૂતપૂર્વ એમડી ચિત્રા રામક્રિષ્ણનને ત્યાં દરોડા
નાણાકિય ગેરરિતિના આક્ષેપસર એનએસઈના ભૂતપૂર્વ સીઓઓ આનંદ સુબ્રમણ્યમને ત્યાં પણ રેડ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુરુવારે કરચોરી સંબંધી તપાસના ભાગરૂપે દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામક્રિષ્ણન અને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના મુંબઈ સ્થિત પ્રિમાઈસિસ પર દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ સર્ચ પ્રક્રિયાનો હેતુ બંને સામે મૂકવામાં આવેલા નાણાકિય ગેરરિતીઓ અને કહેવાતી કરચોરીના પુરાવા એકઠાં કરવાનું હતું. રામક્રિષ્ણન અને સુબ્રમણ્યમની પ્રિમાઈસિસ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની મુંબઈ ઈન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ વહેલી સવારે રેડ પાડી હતી. સેબીના તપાસ આદેશ બાદ રામક્રિષ્ણન છેલ્લાં કેટલાંક સમયથી માધ્યમોમાં ચમકી રહ્યાં છે. તેમના પર કોઈ હિમાલય સ્થિત યોગીનો પ્રભાવ હોવાનું સેબીએ જણાવ્યું હતું. યોગીએ એક્સચેન્જના ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર તરીકે તથા એમડીના એડવાઈઝર તરીકે આનંદ સુબ્રમણ્યમની નિમણૂંકમાં ભૂમિકા ભજવી હતી. સેબીએ રામક્રિષ્ણન અને અન્યો પર સુબ્રમણ્યમની નિમણૂંકમાં ગવર્નન્સની પ્રક્રિયાનો હ્રાસ ઉડી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બદલ સેબીએ રામક્રિષ્ણન પર રૂ. 3 કરોડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, સુબ્રમણ્યમ અને એનએસઈના ભૂતપૂર્પ એમડી અને સીઈઓ રવિ નારાયણ પર રૂ. 2-2 કરોડનો દંડ ફટકાર્યો હતો. ભૂતપૂર્વ ચીફ રેગ્યુલેટરી ઓફિસર અને કોમ્પ્લાયન્સ ઓફિસર વી આર નરસિંમ્હાન પર રૂ. 6 લાખનો દંડ ફટકાર્યો હતો.
સેબીના ઓર્ડરમાં જણાવાયું હતું કે રામક્રિષ્ણને એનએસઈના ફાઈનાન્સિયલ અને બિઝનેસ પ્લાન્સ, ડિવિડન્ડની સ્થિતિ અને ફાઈનાન્સિયલ રિઝલ્ટ્સ સહિતની કોન્ફિડેન્શિયલ વિગતો યોગી સાથે વહેંચી હતી. તેમજ એક્સચેન્જના કર્મચારીઓના પર્ફોર્મન્સ એપરાઈઝલ્સ અંગે તેમની સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ચિત્રા રામક્રિષ્ણને એપ્રિલ 2013થી ડિસેમ્બર 2016 સુધી એમએસઈ ખાતે એમડી અને સીઈઓ તરીકેની કામગીરી બજાવી હતી. સેબીએ તેના આદેશમાં નોંધ્યું છે કે તેણી અજ્ઞાત એવા યોગીની ઓળખ આપવાનો ઈન્કાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે એક આધ્યાત્મિક શક્તિ છે. રામક્રિષ્ણન અને સુબ્રમણ્યમને કોઈપણ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટીટ્યુશન અથવા સેબી સાથે રજિસ્ટર્ડ કોઈપણ ઈન્ટરમિડિયરી સાથે જોડાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નારાયણ માટે આ પ્રતિબંધ બે વર્,નો રાખવામાં આવ્યો છે. સેબીએ એનએસઈને રામક્રિષ્ણનની રૂ. 1.54 કરોડની વધારાની લિક એન્કેશમેન્ટ અને રૂ. 2.83 કરોડના વિલંબિત બોનસને જપ્ત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
સતત બીજા વર્ષે દેશમાં વિક્રમી ખાદ્યાન્ન ઉત્પાદનનો અંદાજ
ગઈ સિઝનની સરખામણીમાં 1.7 ટકા વૃદ્ધિ સાથે 31.606 કરોડ ટન ઉત્પાદનની શક્યતાં
ખરિફ સિઝનમાં 2 ટકા જ્યારે રવિ સિઝનમાં 1.5 ટકા ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ
ભારત સતત બીજા વર્ષે વિક્રમી ખાદ્યાન્ન ઉત્પાદન દર્શાવે તેવો અંદાજ છે. પાક વર્ષ જૂન 2021થી જુલાઈ 2022 દરમિયાન ચોખા, ઘઉં, મકાઈ અને કઠોળ જેવા પાકોનું સૌથી ઉત્પાદન જોવા મળશે એમ સરકારી અંદાજ જણાવે છે. જે મુજબ દેશમાં ચાલુ વર્ષે કુલ ખાદ્યાન્ન ઉત્પાદન 31.606 કરોડ ટન જોવા મળશે. જેમાં ખરિફ સિઝનના 15.354 કરોડ ટન તથા રવિ સિઝનના 16.253 કરોડ ટન ઉત્પાદનનો સમાવેશ થતો હશે. કૃષિ મંત્રાલયે તેના બીજા એડવાન્સ અંદાજમાં આ ઉત્પાદનના આ આંકડા રજૂ કર્યાં છે. તેણે ખરિફ ખાદ્યાન્ન ઉત્પાદનમાં 2 ટકા ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. જ્યારે રવિ સિઝનના ધાન્ય પાકોમાં 1.5 ટકા ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ રાખવામાં આવ્યો છે. સમગ્રતયા અગાઉના વર્ષની સરખામણીમાં 1.7 ટકા ઉત્પાદન વૃદ્ધિ જોવા મળશે.
તાજા અંદાજ મુજબ નવી સિઝનમાં ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષના 10.959 કરોડ ટનની સરખામણીમાં 1.6 ટકા વૃદ્ધિ સાથે 11.132 કરોડ ટન પર રહેશે. જ્યારે ચોખાનું ઉત્પાદન 12.793 કરોડ ટન પર રહેશે. જેમાં ખરિફ ચોખાનું ઉત્પાદન 10.954 કરોડ ટન જ્યારે રવિ ચોખાનું ઉત્પાદન 1.839 કરોડ ટન રહેશે. મકાઈનું ઉત્પાદન 2.4 ટકા વધી 3.242 કરોડ ટન જ્યારે ચણાનું ઉત્પાદન 10.2 ટકા ઉછળી 1.312 કરોડ ટન રહેશે. સમગ્રતયા કઠોળનું ઉત્પાદન 5.9 ટકા વધી 2.696 કરોડ ટન રહેશે. જે ગયા વર્ષએ 2.546 કરોડ ટન પર હતું. તેલિબિયાંનું ઉત્પાદન પણ 3.595 કરોડ ટન પરથી વધી 3.715 કરોડ ટન રહેશે. જેમાં રાયડા અને સોયાબિન, બંનેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. રાયડાનું ઉત્પાદન 1.312 કરોડ ટન પર રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષે 1.02 કરોડ ટન પર રહ્યું હતું. એકમાત્ર કોટનનું ઉત્પાદન ગયા વર્ષે 3.525 કરોડ ગાંસડીની સરખામણીમાં ઘટીને 3.406 કરોડ ગાંસડી રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. શણનું ઉત્પાદન પણ 89.5 લાખ ગાંસડીથી વધી 91.7 લાખ ગાંસડી રહેશે એમ કૃષિ વિભાગનો અંદાજ સૂચવે છે.