Market Summary 17/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ફ્લેશનની ચિંતા પાછળ માર્કેટમાં આગળ વધતો ઘટાડો
નિફ્ટીએ 19400ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા સુધારે 12.24ના સ્તરે
પીએસયૂ બેંક્સ, રિઅલ્ટીમાં મજબૂતી યથાવત
એફએમજીસી, બેંકિંગ, આઈટી, ઓટોમાં નરમાઈ
કોચીન શીપયાર્ડ, ઈન્ડિયન બેંક, અંબેર એન્ટર. નવી ટોચે
ઈઝી ટ્રિપ નવા તળિયે

ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવો પાછળ ફુગાવો ઊંચો જળવાય રહેવાની આરબીઆઈની ચેતવણી પાછળ શેરબજારોમાં વેચવાલી આગળ વધી હતી. વૈશ્વિક બજારોમાં પણ અન્ડરટોન સતત નરમ જળવાય રહેતાં સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 388.40 પોઈન્ટ્સ ગગડી 65,151.02ની સપાટીએ જ્યારે નિફ્ટી 99.75 પોઈન્ટ્સ ઘટાડે 19,365.25ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3740 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1839 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1738 કાઉન્ટર્સે અગાઉના બંધ કરતાં નેગેટિવ બંધ આપ્યું હતું. 231 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા સુધારે 12.24ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે સતત બીજા દિવસે ભારતીય બજારની શરુઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. જ્યારપછી બજારમાં સતત ઘટાડો જળવાયો હતો. નિફ્ટી 19465ના અગાઉના બંધ સામે 19450.55નીસપાટીએ ખૂલી ઉપરમાં 19461.55ની ટોચ પર ટ્રેડ થઈ ઘસાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 19326.25નું તળિયું બનાવ્યું હતું. જ્યાંથી સાધારણ બાઉન્સ સાથે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક તેના 19300ના સપોર્ટ નજીક આવી પહોંચ્યો છે. જો આ સપાટી જાળવી તે ઉપર તરફ પરત ફરશે તો ટ્રેડિંગ રેંજમાં કેટલોક વધુ સમય કોન્સોલિડેશન જળવાય શકે છે. જ્યારે 19300 તૂટશે તો 18900 સુધીનો ઘટાડો અપેક્ષિત છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં અદાણી પોર્ટ્સ, ટાઈટન કંપની, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ઓટો, એસબીઆઈ, હિંદાલ્કો, એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ, તાતા કન્ઝ્યૂમર, ડો. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈટીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, પાવર ગ્રીડ કોર્પો, ડિવિઝ લેબ્સ, રિલાયન્સ ઈન્ડ., લાર્સન, નેસ્લે, કોટક મહિન્દ્રા બેંક, એપોલો હોસ્પિટલ, ગ્રાસિમ અને આઈશર મોટર્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો પીએસયૂ બેંક્સ, રિઅલ્ટીમાં મજબૂતી યથાવત રહી હતી. જ્યારે એફએમજીસી, બેંકિંગ, આઈટી, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.43 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં જેકે બેંક 9 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે ઈન્ડિયન બેંક 6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત પીએનબી, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંકમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેમાં હેમિસ્ફિઅર, સનટેક રિઅલ્ટી, સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ સહિતના કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જોકે એફએમસીજી સેક્ટરના શેર્સમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. જેની પાછળ નિફ્ટી એફએમસીજી 0.9 ટકા ઘટાડો સૂચવતો હતો. તેના મુખ્ય ઘટકોમાં પીએન્ડજી, આઈટીસી, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફઊડ, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, મેરિકો, ઈમામી સહિતના કાઉન્ટર્સ વેચવાલી દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, તાતા પાવર, એનટીપીસી, ઓએનજીસી, ગેઈલ, બીપીસીએલમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ અડધો ટકો ડાઉન બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, ઈન્ફોસિસ અને વિપ્રોમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આરઈસી 5.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બાટા ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, બિરલા સોફ્ટ, મણ્ણાપુરમ ફાઈ., એસ્કોર્ટ્સ કુબોટા, ચંબલ ફર્ટિલાઈઝર્સ, સીજી કન્ઝ્યૂમર, શ્રીરામ ફાઈનાન્સ, પીએનબી, બંધન બેંક, હેવેલ્સ ઈન્ડિયા, ટાઈટન કંપની, અંબુજા સિમેન્ટ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, જેકે સિમેન્ટ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ગ્લેનમાર્ક, દિપક નાઈટ્રેડ, આઈટીસી, મધરસન, ભારત ઈલે., એલટીઆઈમાઈન્ડટ્રી, લ્યુપિનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કોચીન શીપયાર્ડ, ઈન્ડિયન બેંક, અંબેર એન્ટરપ્રાઈઝ, અપાર ઈન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, યુનો મિંડા, એસ્કોર્ટ્સ કુબોટા, ડેટા પેટર્ન્સ, કેએસબી પંપ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઈઝી ટ્રિપ નવા તળિયે ટ્રેડ થયો હતો.

ખરિફ વાવેતર 80 લાખ હેકટરને પાર કરી 94 ટકા વિસ્તારમાં પૂર્ણ
ગયા સપ્તાહે ચોમાસુ વાવણીમાં વધુ 2.19 લાખ હેકટરનો ઉમેરો નોંધાયો
કપાસનું વાવેતર 113 ટકા સાથે 26.77 લાખ હેકટરમાં સંપન્ન
ડાંગરનું વાવેતર સપ્તાહમાં 35 હજાર હેકટરમાં વધી 8.55 લાખ હેકટરે પહોંચ્યું
એરંડામાં 97 હજાર હેકટરના ઉમેરા સાથે 4.44 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું

ગુજરાતમા ચોમાસુ વાવેતરની પ્રગતિ યોગ્ય ગતિ સાથે આગળ વધી રહી છે. ગયા સપ્તાહે વધુ 2.19 લાખ હેકટરના ઉમેરા સાથે રાજ્યમાં કુલ 80.42 લાખ હેકટરમાં ચોમાસુ પાક વવાઈ ચૂક્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 78.23 લાખ હેકટરની સરખામણીમાં 1.54 લાખ હેકટરની વૃદ્ધિ સૂચવે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં સરેરાશ 85.97 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળ્યું હતું. ચાલુ સિઝનમાં હજુ પણ ઓગસ્ટ આખર સુધીમાં વાવેતરમાં ઉમેરો જોવા મળી શકે છે. જેમાં મુખ્યત્વે ડાંગર, એરંડા, ઘાસચારા અને શાકભાજી પાકોનો સમાવેશ થાય છે.
ચાલુ સિઝનમાં કઠોળ અને ખાદ્ય તેલિબિયાં પાકોના વાવેતરમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મગફળીનું વાવેતર ગઈ સિઝનમાં 17 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 16.33 લાખ હેકટરમાં જોવા મળે છે. જે 67 હજાર હેકટરનો નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ગયા સપ્તાહે મગફળીના વાવેતરમાં 8 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, સોયાબિન જેવા તેલિબિયાં પાકનું વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળે છે અને તે 2.20 લાખ હેકટર સામે 2.66 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. અખાદ્ય તેલિબિયાં એવા એરંડાનું વાવેતર પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ગયા એક સપ્તાહમાં જ એરંડાના વાવેતરમાં 97 હજાર હેકટરનો ઉમેરો થયો હતો અને તે 4.44 લાખ હેકટરે પહોંચ્યું છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 6.68 લાખ હેકટરમાં નોંધાયું હતું.
ખરિફમાં મુખ્ય અનાજ પાક એવા ડાંગરનું વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. ગયા સોમવાર સુધીમાં તે 8.55 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું હતું. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 8.34 લાખ હેકટરની સરખામણીમાં 21 હજાર હેકટર વધુ હતું. ગયા સપ્તાહે ડાંગરના વાવેતરમાં 35 હજાર હેકટરનો ઉમેરો થયો હતો. જેમાં હજુ પણ વૃદ્ધિની સંભાવના છે અને તે 9 લાખ હેકટર નજીક પહોંચી શકે છે. બાજરીનું વાવેતર ગયા સપ્તાહે 6 હજાર હેકટરમાં વૃદ્ધિ સાથે 1.92 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જોકે, મકાઈનું વાવેતર સિઝનની શરૂઆતથી જ નીચું જોવા મળે છે. ગયા વર્ષ કરતાં 5 હજાર હેકટરના ઘટાડે 2.82 લાખ હેકટર સાથે 97 ટકા વિસ્તારમાં મકાઈ વવાઈ ચૂકી છે. જોકે, આ તમામ પાકોમાં ચાલુ સિઝનમાં પ્રગતિ ઘણી સારી છે જેનું કારણ માફકસરનો વરસાદ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાછળથી અતિવૃષ્ટિને કારણે પાકમાં નોંધપાત્ર નુકસાનની ઘટનાઓ જોવા મળી હતી.
મુખ્ય ખરિફ પાકની વાત કરીએ તો કપાસનું વાવેતર 26.77 લાખ હેકટર સાથે છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યું છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં તે 25.37 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર 1.4 લાખ હેકટરની વૃદ્ધિ સૂચવે છે. ખરિફ શાકભાજી પાકોનું વાવેતર 2.21 લાખ હેકટર સાથે ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળે છે. જોકે, હજુ 2.59 લાખ હેકટરની સરેરાશથી નીચું છે. ઘાસચારા પાકોનું વાવેતર પણ ત્રણ વર્ષોના 11.41 લાખ હેકટરની સરેરાશ સામે 9.41 લાખ હેકટરમાં 83 ટકા વિસ્તારમાં સંપન્ન થઈ ચૂક્યું છે.

સરકારની રશિયા ખાતેથી ઘઉંની આયાત કરવાની વિચારણા
સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં ઘટાડા માટેના પ્રયાસો કરી રહેલી સરકાર

કેન્દ્ર સરકાર રશિયા ખાતેથી ડિસ્કાઉન્ટ ભાવે ઘઉં ખરીદવા માટેની વિચારણા ચલાવી રહી હોવાનું વર્તુળોનું કહેવું છે. ઘરઆંગણે ઘઉંના ભાવને નીચા જાળવવા માટે સરકાર પ્રયાસરત છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી 15-મહિનાની ટોચ પર જોવા મળી હતી. જેણે સરકારની ચિંતા વધારી છે.
ઘઉઁના વૈશ્વિક ભાવો જ્યારે નવી ટોચ બનાવી રહ્યાં છે ત્યારે ભારત સરકાર રશિયા સાથે ડિસ્કાઉન્ટ ભાવે ઘઉં ખરીદવા માટે મંત્રણા ચલાવી રહી છે. આમ કરવાનો હેતુ સ્થાનિક સ્તરે સપ્લાયને મજબૂત બનાવવાનો તથા ખાદ્યાન્ન ફુગાવાને નિયંત્રણમાં જાળવવાનો છે. ખાસ કરીને ચાલુ વર્ષની આખરમાં રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ તથા આગામી વર્ષે સામાન્ય સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર આમ વિચારી રહી છે. રશિયન આયાત ભારત સરકારને વધુ અસરકારક રીતે બજારમાં દરમિયાનગીરી માટેની તક પૂરી પાડશે અને જુલાઈમાં 15-મહિનાની ટોચ પર જોવા મળેલા ફુગાવાને નીચે લાવી શકાશે. વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર ખાનગી વેપારીઓ તેમજ સરકાર-થી-સરકાર સોદા મારફતે ઘઉઁની આયાત માટેની શક્યતાં ચકાસી રહી છે. ભારતે છેલ્લાં ઘણા વર્ષોથી રાજદ્વારી મંત્રણા મારફતે ઘઉંની આયાત નથી કરી. અગાઉ 2017માં સરકારે નોંધપાત્ર પ્રમાણમાં ઘઉંની આયાત કરી હતી. તે વખતે ખાનગી વેપારીઓએ 53 લાખ ટન આયાત કર્યાં હતાં. રશિયન ઘઉંની આયાત એ સપ્લાય બાજુએ સ્થિતિને સામાન્ય કરવા માટેનો એક ઉપાય છે. બીજી બાજુ સરકાર રુરલ સ્કિમ્સને લંબાવીને ગરીબો પર મોંઘવારીનું ભારણ નીચું જાળવવા માગે છે એમ વર્તુળોનું કહેવું છે. વર્તુળો જોકે નામ સાથે આ અંગે કશું કહેવા તૈયાર નથી કેમકે હાલમાં મંત્રણા ખાનગી સ્તરે ચાલી રહી છે અને કોઈપણ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા મહિને સરકારી ખાદ્યાન્ન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ રશિયા ખાતેથી ઘઉંની આયાત માટેનો કોઈ પ્રસ્તાવ નહિ હોવાનું જણાવ્યું હતું. ભારત પાસે ઘઉંના જથ્થાને લઈને 30થી 40 લાખ ટનની અછત જોવા મળી રહી છે અને તેથી નીચા પ્રમાણમાં જથ્થાની જરૂર છે તેમ છતાં સરકાર રશિયા ખાતેથી 80 લાખથી 90 લાખ ટન સુધીનો ઘઉંનો જથ્થા આયાત કરવા વિચારી શકે છે એમ વર્તુળોનું કહેવું છે. યુક્રેન સાથે ગયા વર્ષે યુધ્ધ પછી રશિયા ભારતને માલ-સામાનનો બીજો મોટો વેચાણકર્તાં બની રહ્યો છે. ભારત રશિયા ખાતેથી સનફ્લાવર તેલની આયાત કરી રહ્યો છે અને યુએસ ડોલરમાં તેની ચૂકવણી પણ કરી રહ્યો છે. ઘઉંની ખરીદી માટે પણ તે સમાન અભિગમ અપનાવવા માગે છે. રશિયા ખાતેથી ઘઉંની આયાત માટે ભારત સરળતાથી 25-40 ડોલર પ્રતિ ટનનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે એમ મુંબઈ સ્થિત એક ટોચના ટ્રેડ હાઉસના ડિલરનું કહેવું છે. 1 ઓગસ્ટે સરકારી વેરહાઉસમાં 2.83 કરોડ ટન ઘઉંનો જથ્થો હતો. જે 10-વર્ષની સરેરાશ સામે 20 ટકા જેટલો નીચો હતો.

ભારતીય બોન્ડ્સને વૈશ્વિક સૂચકાંકોમાં સમાવવા ઈન્ડેક્સ પ્રોવાઈડર્સને મનાવાઈ રહ્યાંનો ઈન્કાર
સરકારી વર્તુળોના મતે ઈન્ડેક્સ પ્રોવાઈડર્સને કોઈ ટેક્સ રાહતની વાત નથી

ભારત સરકાર તેના બોન્ડ્સને વૈશ્વિક સૂચકાંકોમાં સમાવેશ મળે તે માટે વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર્સને મનાવી રહી હોવાની વાતને સરકારી વર્તુળોએ રદિયો આપ્યો છે. 2022માં મહત્વના ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ જેવાકે જેપી મોર્ગન, એફટીએસઈ રસેલે ભારત સરકારના બોન્ડ્સને તેમના વોચ લિસ્ટ્સમાં જાળવ્યાં હતાં. જોકે, સપ્ટેમ્બરમાં પૂરા થતાં ક્વાર્ટરની આખરમાં તેની સમીક્ષા થવાની છે ત્યારે સરકારે તાજેતરમાં એકપણ ઈન્ડેક્સ પ્રોવાઈડર સાથે કોઈ મંત્રણા યોજી નથી એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે.
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ ગ્રૂપે તૈયાર કરેલા રિપોર્ટે સરકારી બોન્ડ્સના વૈશ્વિક સૂચકાંકોમાં સમાવેશથી જોખમ કરતાં ફાયદો વધુ હોવાનું જણાવતાં ફરીથી આ મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. બોફા સિક્યૂરિટીઝ તરફથી પણ આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ઈન્ડેક્સના ઘટકોમાં ડાયવર્સિફિકેશનની જરૂરિયાતને જોતાં ઈન્ડેક્સ પ્રોવાઈડર્સે ભારતીય બોન્ડ્સના સમાવેશ માટે વિચારી શકે છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ટેક્સને લઈને રાહત આપવાની વાતની કોઈ શક્યતા નથી પરંતુ જો ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ તેમની ઈચ્છાથી આપણને સૂચકાંકનો ભાગ બનાવવા ઈચ્છતાં હોય તો તે અલગ બાબત છે પરંતુ અમે કોઈ અરજી કરી નથી. તાજેતરમાં એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટ મુજબ ભારત સરકારન જામીનગીરીઓના વૈશ્વિક ઈન્ડાઈસિસમાં પ્રવેશથી શરૂઆતમાં 20-40 અબજ ડોલરનો ફ્લો આકર્ષી શકાય છે. જ્યારે એક દાયકામાં 180 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળી શકે છે.

મોર્ગન સ્ટેનલીએ ચીનનો ગ્રોથ અંદાજ ઘટાડી 4.7 ટકા કર્યો
ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેંકર મોર્ગન સ્ટેનલીએ વિશ્વમાં બીજા ક્રમના અર્થતંત્ર ચીનના જીડીપી વૃદદ્ધિ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. તેણે અગાઉના 5 ટકાના અંદાજને ઘટાડી 4.7 ટકા કર્યો છે. જે સાથે ચીનના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કરનાર તે નવો બેંકર બન્યો છે. અગાઉ જેપી મોર્ગને ચીનનો જીડીપી વૃદ્ધિ દર 5 ટકાથી ઘટાડી 4.8 ટકા કર્યો હતો. જ્યારે બાર્ક્લેઝે ચીનના વૃદ્ધિ દરને ઘટાડી 4.5 ટકા કર્યો હતો. ચીન ખાતેથી પ્રગટ થયેલા સતત નબળા ડેટા અને ત્યાં સ્થાનિક પ્રોપર્ટી સેક્ટરને લઈ વધતી ચિંતાને કારણે આમ જોવા મળી રહ્યું છે. મોર્ગન સ્ટેનલીએ 2024 માટે ચીનના જીડીપી ગ્રોથની આગાહીને પણ 4.5 ટકા પરથી ઘટાડી 4.2 ટકા કરી છે.
ESG ફંડ્સમાં બીજા વર્ષે આઉટફ્લો નોંધાયો
ઈએસજી ફંડ્સમાં સતત બીજા વર્ષે આઉટફ્લો જળવાયો છે. માર્ચ ક્વાર્ટરમાં રૂ. 470 કરોડના આઉટફ્લો પછી જૂન ક્વાર્ટરમાં પણ ઈએસજી ફઁડ્સે રૂ. 590 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો છે. પ્રોફિટ બુકિંગ પાછળ આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઈએસજી ફંડ્સમાં રૂ. 1060 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1020 કરોડ પર નોંધાયો હતો. સમાનગાળામાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગમાં રૂ. 1.83 લાખ કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. છેલ્લાં બે વર્ષોમાં નવી ફંડ લોંચના અભાવે તથા સ્થિર આઉટફ્લો પાછળ ઈએસજી ફંડ્સનું એયૂએમ રૂ. 10-12 હજાર કરોડ પર સ્થિર જોવા મળી રહ્યું છે.

પ્રથમવાર ભારતને લઈ જોવા મળતો સર્વસંમત પોઝીટીવ મતઃ દિપક પારેખ
HDFC જૂથે ગિફ્ટ IFSC ખાતેથી લાઈફ ઈન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ સર્વિસિઝ લોંચ કરી

ભારતને લઈને વિશ્વભરમાં સર્વસંમત પોઝીટીવ અભિપ્રાય પ્રવર્તી રહ્યો હોય તેવું મારા જીવનમાં હું પ્રથમવાર અનુભવી રહ્યો છું એમ એચડીએફસી જૂથના વેટરન દિપક પારેખે ગિફ્ટ આઈએફએસસી ખાતે જૂથના ઈન્શ્યોરન્સ અને એસેટ મેનેજમેન્ટ સર્વિસિઝને લોંચ કરતાં જણાવ્યું હતું. પારેખે ઉમેર્યું હતું કે ભારત આજે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 15 ટકા યોગદાન આપી રહ્યો છે અને ગિફ્ટ સિટી એ ભારતની વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ બનવાની મહત્વાકાંક્ષાને સાકાર કરવા તરફ જઈ રહ્યું છે.
ગિફ્ટ આઈએફએસસી ખાતે પ્રથમ ગ્લોબલ ઈન્શ્યોરન્સ સર્વિસ લોંચ કરતાં એચડીએફસી લાઈફે ડોલર ડિનોમિનેશનમાં તેની પ્રોડક્ટ્સ ઓફર કરી છે. જે વિદેશમાં વસતાં ભારતીય મૂળના લોકોને ધ્યાનમાં રાખી લોંચ કરવામાં આવી છે. એચડીએફસી લાઈફની સબસિડિયરી એચડીએફસી ઈન્ટરનેશનલ લાઈફ અને કંપનીના રિઈન્શ્યોરન્સ બિઝનેસ Re, બંને તેમની ગિફ્ટ આઈએફએસસી ઓફિસ ખાતેથી વિદેશમાં વસતાં ભારતીયો તેમજ અન્ય કસ્ટમર્સને તેમની સેવા પૂરી પાડશે. એચડીએફસી ઈન્ટરનેશનલ લાઈફ યુએસ ડોલર-ડિનોમેટેડ લાઈફ તથા હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશ્સ પૂરા પાડશે. જ્યારે જૂથની એસેટ મેનેજમેન્ટ કંપની એચડીએફસી એએમસીની સબસિડિયરી એચડીએફસી એએમસી ઈન્ટરનેશનલ ડોલર-ડિનોમેશનમાં ફંડ મેનેજમેન્ટ અને એડવાઈઝરી સોલ્યુશન્સ પૂરાં પાડશે. પારેખે જણાવ્યું હતું કે તેઓ વિદેશી ચલણમાં ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડતી શ્રેષ્ઠ બ્રાન્ડ બનવા માટે તૈયાર છે. એચડીએફસી લાઈફ ઈન્ટરનેશનલે પેરન્ટ્સને તેમના સંતાનો માટે ભવિષ્યમાં ઊચ્ચ અભ્યાસાર્થે યુએસ ડોલરમાં ભંડોળ ઊભું કરવામાં સહાયતા માટે યુએસ ડોલર ગ્લોબલ એજ્યૂકેશન પ્લાન ખૂલ્લો મૂક્યો હતો. આ પ્રોડક્ટ પેરન્ટ્સને ઈન્વેસ્ટમેન્ટ કરન્સી અને ખર્ચ કરન્સી વચ્ચે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના મિસમેચથી દૂર રાખે છે. એચડીએફસી એએમસી ઈન્ટરનેશનલ શરૂઆતમાં છ ફંડ્સ લોંચ કરવા વિચારી રહી છે.
IFSCA ના ચેરપરસન કે રાજારામને જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ એક્ટિવિટી માટે IFSCA ની પ્રતિષ્ઠા વધી રહી છે અને તે વૈવિધ્યસભર નાણા સંસ્થાઓને આકર્ષી રહી છે. IFSCAનું નિયમનકારી માળખું પારદર્શિતા, સ્થિરતા અને નવીનીકરણ લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે અને વૈશ્વિક નાણાકીય સમુદાય માટે તે ભરપૂર સંભાવનાઓ અને તકો ધરાવે છે. ગિફ્ટ સિટી હવે ટેકઓફ માટે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમના મતે જેઓ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં સક્રિય છે તેમના માટે ગિફ્ટમાં હાજરી જરૂરી બની છે. ગિફ્ટમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને તે સેલ્ફ-સસ્ટેઈનીંગના માર્ગે આગળ વધી રહ્યું છે. જૂન-2023 સુધીમાં ગિફ્ટ ખાતે 52 અબજ ડોલરના મૂલ્યની ડેટ પ્રોડક્ટ્સનું લિસ્ટીંગ થઈ ચૂક્યું હતું.

યુએસ ડોલર સામે રૂપિયો 83.15ના નવા તળિયા પર બંધ રહ્યો
યુએસ બોન્ડ યિલ્ડ્સ 15-વર્ષોની ટોચે પહોંચતાં ઈમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટી-કરન્સીમાં નરમાઈ

યુએસ ડોલર સામે ભારતીય ચલણે ગુરુવારે તેની ઓલ-ટાઈમ લો સપાટીએ બંધ આપ્યું હતું. યુએસ ખાતે ટ્રેઝરી યિલ્ડ્સમાં વૃદ્ધિ પાછળ ચીન સહિતના ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં વેચવાલી જોવા મળી હતી. બોન્ડ માર્કેટમાં મજબૂતી પાછળ ઈમર્જિંગ ઈક્વિટીઝમાં પણ નરમાઈ જળવાય હતી. ફુગાવાને લઈને જોવા મળતી ચિંતા પાછળ ફેડ રિઝર્વ રેટ વૃદ્ધિ જાળવી રાખશે તેને લઈ ચિંતા વધી રહી છે. બીજી બાજુ, ચીનમાં આર્થિક મંદીની ચિંતા પણ વધતી જોવા મળે છે. ડોલર ઈન્ડેક્સ 103.41ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય રૂપિયો ડોલર સામે 83ની સપાટી પર ખૂલ્યાં પછી ઘટી 83.16 પર ટ્રેડ થયો હતો. કામકાજની આખરમાં તે 83.15ના સર્વોચ્ચ તળિયા પર બંધ રહ્યો હતો. બુધવારે તે 82.96ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ઈન્ટ્રા-ડે લેવલે રૂપિયો તેણે 20 ઓક્ટોબર 2022ના રોજ દર્શાવેલા 83.29ના તળિયાને હજુ ફરી નથી સ્પર્શ્યો. ભારતીય શેરબજારમાં પણ ઓગસ્ટના મોટાભાગના સત્રો દરમિયાન નરમાઈ જોવા મળી છે. છેલ્લાં 18 ટ્રેડિંગ સત્રોમાંથી 12માં ભારતીય બજારને નરમાઈ દર્શાવી છે. દરમિયાનમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો હજુ પણ ઓગસ્ટમાં પોઝીટીવ ફ્લો દર્શાવીરહ્યાં છે. જે રૂપિયાને સપોર્ટ કરી શકે છે. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ 15-વર્ષોની ટોચ પર પહોંચ્યાં હતાં. મજબૂત આર્થિક ડેટા પાછળ બોન્ડ યિલ્ડ સુધર્યાં હતાં. 10-વર્ષ માટેના યિલ્ડ 4.31 ટકા પર જોવા મળ્યાં હતાં. યૂકે 10-વર્ષ માટેના ગિલ્ટ પણ 15-વર્ષની ટોચે પહોંચ્યાં હતાં.

ONGC 2030 સુધી રિન્યૂએબલ એનર્જીમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે
પીએસયૂ સાહસનું ભારતમાં બે નવા O2C પ્લાન્ટ્સ સ્થાપવાનું આયોજન

જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી) ચાલુ દાયકાની આખર સુધીમાં લો-કાર્બન એનર્જી તકોમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે. જેમાં રિન્યૂએબલ્સ અને ગ્રીન હાઈડ્રોજનનો સમાવેશ થતો હશે એમ કંપનીએ જણાવ્યું છે. જાહેર સાહસ લો-કાર્બન એનર્જી પ્લેયર તરીકે રૂપાંતરિત થવાની ઈચ્છાં ધરાવે છે. એક નિવેદનમાં ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ઉત્પાદકે જણાવ્યું છે કે તેણે લો-કાર્બન એનર્જી પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણ માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.
તેણે જણાવ્યું હતું કે ઓએનજીસીએ ભારતના મહત્વાકાંક્ષી ધ્યેયો સાથે પોતાને જોડી છે અને તે કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના દેશના લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે દિલથી ભાગ લઈ રહી છે. ભારતે 2030 સુધીમાં કાર્બન એમિશનમાં 1 ટન ઘટાડાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપનીએ આ માટે વિવિધ ડિ-કાર્બનાઈઝેશન ઉપાયો હાથ ધર્યાં છે. જેના પરિણામે તેણે નોંધપાત્ર એમિશન ઘટાડો પણ નોંધાવ્યો છે. એપ્રિલ 2022થી માર્ચ 2023ના નાણા વર્ષ દરમિયાન ઓએજીસીએ 2.66 ટકા એમિશન્સ ઘટાડો મેળવ્યો હતો. કંપની તેની ગ્રીન પહેલો પાછળ નોંધપાત્ર ખર્ચ પણ કરી રહી છે. જેમાં કંપની બે ગ્રીન-ફિલ્ડ ઓટુસી પ્લાન્ટ્સ સ્થાપવાનું વિચારી રહી છે. જેના ભાગરૂપે ચાલુ દસકાની આખર સુધીમાં લો-કાર્બન સેક્ટર્સમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે. 2030 સુધીમાં તે રિન્યૂએબલ પોર્ટફોલિયો 10 ગીગાવોટ પર લઈ જવાનું આયોજન કરી રહી છે.

પ્રથમવાર ભારતને લઈ જોવા મળતો સર્વસંમત પોઝીટીવ મતઃ દિપક પારેખ
HDFC જૂથે ગિફ્ટ IFSC ખાતેથી લાઈફ ઈન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ સર્વિસિઝ લોંચ કરી
ભારતને લઈને વિશ્વભરમાં સર્વસંમત પોઝીટીવ અભિપ્રાય પ્રવર્તી રહ્યો હોય તેવું મારા જીવનમાં હું પ્રથમવાર અનુભવી રહ્યો છું એમ એચડીએફસી જૂથના વેટરન દિપક પારેખે ગિફ્ટ આઈએફએસસી ખાતે જૂથના ઈન્શ્યોરન્સ અને એસેટ મેનેજમેન્ટ સર્વિસિઝને લોંચ કરતાં જણાવ્યું હતું. પારેખે ઉમેર્યું હતું કે ભારત આજે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 15 ટકા યોગદાન આપી રહ્યો છે અને ગિફ્ટ સિટી એ ભારતની વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ બનવાની મહત્વાકાંક્ષાને સાકાર કરવા તરફ જઈ રહ્યું છે.
ગિફ્ટ આઈએફએસસી ખાતે પ્રથમ ગ્લોબલ ઈન્શ્યોરન્સ સર્વિસ લોંચ કરતાં એચડીએફસી લાઈફે ડોલર ડિનોમિનેશનમાં તેની પ્રોડક્ટ્સ ઓફર કરી છે. જે વિદેશમાં વસતાં ભારતીય મૂળના લોકોને ધ્યાનમાં રાખી લોંચ કરવામાં આવી છે. એચડીએફસી લાઈફની સબસિડિયરી એચડીએફસી ઈન્ટરનેશનલ લાઈફ અને કંપનીના રિઈન્શ્યોરન્સ બિઝનેસ Re, બંને તેમની ગિફ્ટ આઈએફએસસી ઓફિસ ખાતેથી વિદેશમાં વસતાં ભારતીયો તેમજ અન્ય કસ્ટમર્સને તેમની સેવા પૂરી પાડશે. એચડીએફસી ઈન્ટરનેશનલ લાઈફ યુએસ ડોલર-ડિનોમેટેડ લાઈફ તથા હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશ્સ પૂરા પાડશે. જ્યારે જૂથની એસેટ મેનેજમેન્ટ કંપની એચડીએફસી એએમસીની સબસિડિયરી એચડીએફસી એએમસી ઈન્ટરનેશનલ ડોલર-ડિનોમેશનમાં ફંડ મેનેજમેન્ટ અને એડવાઈઝરી સોલ્યુશન્સ પૂરાં પાડશે. પારેખે જણાવ્યું હતું કે તેઓ વિદેશી ચલણમાં ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડતી શ્રેષ્ઠ બ્રાન્ડ બનવા માટે તૈયાર છે. એચડીએફસી લાઈફ ઈન્ટરનેશનલે પેરન્ટ્સને તેમના સંતાનો માટે ભવિષ્યમાં ઊચ્ચ અભ્યાસાર્થે યુએસ ડોલરમાં ભંડોળ ઊભું કરવામાં સહાયતા માટે યુએસ ડોલર ગ્લોબલ એજ્યૂકેશન પ્લાન ખૂલ્લો મૂક્યો હતો. આ પ્રોડક્ટ પેરન્ટ્સને ઈન્વેસ્ટમેન્ટ કરન્સી અને ખર્ચ કરન્સી વચ્ચે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના મિસમેચથી દૂર રાખે છે. એચડીએફસી એએમસી ઈન્ટરનેશનલ શરૂઆતમાં છ ફંડ્સ લોંચ કરવા વિચારી રહી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ એનબીએફસીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 241 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 151 કરોડના નફાની સરખામણીમાં 60 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 306 કરોડની સરખામણીમાં 33 ટકા વધી રૂ. 408 કરોડ પર નોંધાઈ હતી.
જય બાલાજીઃ જૂન ક્વાર્ટરમાં રૂ. 170 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 22 કરોડના નફાની સરખામણીમાં 70 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1494 કરોડની સરખામણીમાં સાધારણ ઘટાડી રૂ. 1482 કરોડ પર નોંધાઈ હતી.
આહલૂવાલિયા કોન્ટ્રેક્ટ્સઃ જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 50 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 38 કરોડના નફાની સરખામણીમાં 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 609 કરોડની સરખામણીમાં 26 ટકા વધી રૂ. 764 કરોડ પર નોંધાઈ હતી.
કાવેરી સીડઃ જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 274 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 243 કરોડના નફાની સરખામણીમાં 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 686 કરોડની સરખામણીમાં 16 ટકા વધી રૂ. 769 કરોડ પર નોંધાઈ હતી.
વોડાફોનઃ ટેલિકોમ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 7840 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 6419 કરોડની ખોટની સરખામણીમાં 24 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 10532 કરોડની સરખામણીમાં 1.2 ટકા વધી રૂ. 10,655.5 કરોડ પર નોંધાઈ હતી.
એસ્ટ્રેઝેનેકા ફાર્માઃ જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 54 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 20 કરોડના નફાની સરખામણીમાં 254 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 232 કરોડની સરખામણીમાં 28 ટકા વધી રૂ. 295 કરોડ પર નોંધાઈ હતી.
હિંદુસ્તાન કોપરઃ કંપનીએ રૂ. 47 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા રૂ. 57 કરોડના નફાની સરખામણીમાં 12 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 348 કરોડની સરખામણીમાં 8 ટકા વધી રૂ. 370 કરોડ પર નોંધાઈ હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage