Market Summary 17/05/2023

શેરબજારમાં વેચવાલીનું વધતા દબાણે આગળ વધતો ઘટાડો
નિફ્ટીએ 18200નું લેવલ ગુમાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 13.10ના સ્તરે
ઓટો, એફએમસીજીમાં સ્થિરતા
આઈટી, મેટલ, બેંકિંગ, ફાર્મા, રિઅલ્ટીમાં નરમાઈ
ક્રેડિટએક્સેસ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, જીએસએફસી, સાયન્ટ નવી ટોચે
આદિત્ય બિરલા ફેશન, ઈપ્કા લેબ્સ નવા તળિયે

વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત બીજા સત્રમાં વેચવાલી જોવા મળી હતી અને માર્કેટ સપ્તાહના તળિયે બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 372 પોઈન્ટ્સ ગગડી 61561ની સપાટીએ જ્યારે નિફ્ટી 105 પોઈન્ટ્સ ઘટી 18182ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં લેવાલીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3625 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1785 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1703 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 134 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ અને 31 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 13.10ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે જ થઈ હતી. જોકે ખૂલ્યા પછી માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને બપોર સુધી બજાર ગગડતું રહ્યું હતું. આખરી કલાકમાં શોર્ટ કવરિંગ પાછળ ઘટાડો નાનો બન્યો હતો. જોકે બેન્ચમાર્ક્સ 0.6 ટકા ઘટાડે જ બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 50 પોઈન્ટ્સ પ્રિમીયમે 18232 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 38 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સુધારો સૂચવે છે. જેનો અર્થ એવો થાય કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો જોવા મળ્યો હોય શકે છે. બજાર સતત બે સત્રમાં ઘટ્યાં પછી બાઉન્સ દર્શાવી શકે છે. માર્કેટમાં કોઈ મહત્વના ન્યૂઝના અભાવે નિફ્ટી 200 પોઈન્ટ્સની રેંજમાં અથડાયેલો જોવા મળી શકે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે 18100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. જો આ સપાટી તૂટશે તો નિફ્ટી 16800 સુધી ગગડી શકે છે. જ્યારે 18300 ઉપર 18500ની દિશામાં ગતિ દર્શાવી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, યૂપીએલ, બીપીસીએલ, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બ્રિટાનિયા, મારુતિ સુઝુકી, કોલ ઈન્ડિયા, સિપ્લાનો સમાવેશ થતો હતો. જ્યારે બીજીબાજુ, કોટક મહિન્દ્રા બેંક, એપોલો હોસ્પિટલ, એસબીઆઈ લાઈફ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, તાતા સ્ટીલ, વિપ્રો અને બજાજ ફાઈનાન્સ ઘટાડો દર્શાવતાં હતાં. સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો ઓટો, એફએમસીજીમાં સ્થિરતા જોવા મળી હતી. જ્યારે આઈટી, મેટલ, બેંકિંગ, ફાર્મા, રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જેમાં ટીસીએસ 1.5 ટકા, એચસીએલ ટેક 1.5 ટકા, ઈન્ફોસિસ 1.4 ટકા, વિપ્રો 1.2 ટકા, એમ્ફેસિસ 1 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ 0.9 ટકા ડાઉન બંધ દર્શાવતો હતો. જે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં 5 ટકા ઘટાડાને કારણે હતો. આ ઉપરાંત સેઈલ, તાતા સ્ટીલ, મોઈલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, વેદાંતમાં નરમાઈ જોવા મળી હતી. રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઓબેરોય રિઅલ્ટી 6 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત સનટેક રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 5.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત જ્યુબિલિઅન્ટ ફૂડ, રામ્કો સિમેન્ટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, દિપક નાઈટ્રેટ, ટોરેન્ટ ફાર્મા, એસ્ટ્રાલ લિમિટેડ, પર્સિન્ટન્ટ, કેન ફિન હોમ્સ, કોરોમંડલ, ડિક્સોન ટેક્નોલોજીમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, ઓબેરોય રિઅલ્ટી, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, જિંદાલ સ્ટીલ, પીવીઆર આઈનોક્સ, વોડાફોન આઇડિયા, ઓરોબિંદો ફાર્મા, આરબીએલ બેંક, એસઆરએફ, ઈન્ફો એજમાં નરમાઈ જોવા મળતી હતી. ક્રેડિટએક્સેસ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, જીએસએફસી, સાયન્ટે નવી ટોચ દર્શાવી હતી. જ્યારે આદિત્ય બિરલા ફેશન, ઈપ્કા લેબ્સ નવા તળિયા પર ટ્રેડ થતાં જોવાયાં હતાં.

ટેક્સ નિયમોમાં ફેરફારથી LICના NBPમાં 50 ટકા ઘટાડો
એલઆઈસીનું સિંગલ પ્રિમીયમ 65.76 ટકા ગગડી રૂ. 2899.63 કરોડ પર રહ્યું

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના નવા બિઝનેસ પ્રિમીયમ(એનબીપી)માં એપ્રિલ 2023માં વાર્ષિક ધોરણે 50.41 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 5810.1 કરોડ પર જોવા મળ્યું હતું. ગ્રૂપ સિંગલ પ્રિમીયમમાં તીવ્ર ઘટાડાને પગલે આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે. જાહેર ક્ષેત્રની માલિકીની એલઆઈસીનું સિંગલ પ્રિમીયમ 65.76 ટકા ગગડી રૂ. 2899.63 કરોડ પર રહ્યું હતું. જ્યારે ઈન્ડિવિડ્યુઅલ સિંગલ પ્રિમીયમ 23.07 ટકા ગગડી રૂ. 1014.47 કરોડ પર રહ્યું હતું. સમગ્ર લાઈફ ઈન્શ્યોરન્સ ઉદ્યોગ માટે ન્યૂ બિઝનેસ પ્રિમીયમમાં એપ્રિલમાં વાર્ષિક ધોરણે 30 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાઈવેટ સેક્ટર કંપનીઓએ જોકે એનબીપીમાં વાર્ષિક 8.5 ટકા ઘટાડો નોઁધાવ્યો હતો.
ચાલુ વર્ષની શરૂમાં એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે જણાવ્યું હતું કે ઈન્શ્યોરન્સ સંબંધી ટેક્સેશનમાં કેટલુંક રિબેટ જરૂરી છે, કેમકે આ કોઈ જ્વેલરી કે પર્ફ્યુમ જેવી લક્ઝરી પ્રોડક્ટ નથી કે તેના પર વ્યાપક ટેક્સ લાગુ પડી શકે. આવકવેરા નિયમોની સેક્શન 80Cને કારણે 4-5 વર્ષ સુધી લાઈફ ઈન્શ્યોરન્સને આકર્ષક ગણવામાં આવતું હતું. તે માત્ર ઈન્શ્યોરન્સ પોલિસીસ માટે જ રિઝર્વ્ડ હતી. કેન્દ્રિય બજેટ 2023-24માં નાણાપ્રધાન નિર્મળા સીતારામણે 2023-24થી રૂ. 5 લાખથી વધુના ઈન્શ્યોરન્સ પ્રિમીયમ્સ પર ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટના જણાવ્યા મુજબ જો તમે રૂ. 5 લાખથી વધુનું પ્રિમીયમ ધરાવતી એક પોલિસી ધરાવતાં હોવ કે એકથી વધુ પોલિસી ધરાવતાં હોવ તો તેના પર મળેલી રકમ પર ટેક્સ લાગુ પડશે. જોકે નવા વર્ષથી ખરીદેલી પોલિસીસનો જ આમાં સમાવેશ થશે. એનાલિસ્ટ્સના મતે ટેક્સ નિયમોમાં ફેરફારથી આવી પ્રોડક્ટ્સ પરના વળતરનું આકર્ષણ ઘટ્યું છે. અગાઉ તેઓ ટેક્સ ફ્રી હોવાના કારણે આકર્ષક હતી. 2021 બજેટમાં ર. 2.5 લાખથી વધુનું વાર્ષિક પ્રિમીયમ ધરાવતાં યુનિટ-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન્સ(યુલિપ્સ) પરથી ટેક્સ મુક્તિને દૂર કરવામાં આવી હતી. સામાન્યરીતે નાણા વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન ઈન્શ્યોરન્સ બિઝનેસમાં નરમાઈ જોવા મળતી હોય છે. જોકે, ચાલુ વર્ષે પ્રિમીયમની રકમમાં મોટો ઘટાડો સરકારના હાઈ-વેલ્યૂ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પર ટેક્સ લાગુ પાડવાને કારણે જોવા મળ્યો છે. જોકે, પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે ગ્રૂપ સિંગલ પ્રિમીયમ્સમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ગ્રૂપ નોન-સિંગલ પ્રિમીયમ સેગમેન્ટમાં 50.47 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

LICના શેરે લિસ્ટીંગના એક વર્ષમાં 40 ટકા ઘટાડો દર્શાવ્યો
જાહેર ક્ષેત્રની વીમા અગ્રણી એલઆઈસીના શેરમાં લિસ્ટીંગથી અત્યાર સુધીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ મે 2022માં રૂ. 949 પ્રતિ શેરના ભાવે શેર્સ ઓફર કર્યાં હતાં. જોકે બુધવારે શેર રૂ. 570ની સપાટી પર જોવા મળતો હતો. કંપનીના માર્કેટ-કેપમાં રૂ. 2 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.60 લાખ કરોડ પર રહ્યું હતું. આઈપીઓ અગાઉ કંપની ટોચના માર્કેટ-કેપ લીગમાં પ્રવેશે તેવી શક્યતાં જોવાઈ રહી હતી. જોકે આનાથી ઊલટું તે ટોચની 10-કંપનીઓમાં પણ સ્થાન ધરાવતી નથી. સરકારે તેની પાસેના હિસ્સામાંથી 3.5 ટકા અથવા 22.13 કરોડ શેર્સનું આઈપીઓ મારફતે વેચાણ કર્યું હતું. તેણે આઈપીઓ મારફતે રૂ. 21000 કરોડ ઊભા કર્યાં હતાં. આઈપીઓ ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઈપીઓ બની રહ્યો હતો.

US અને ચીનની નબળી માગ પાછળ ડાયમન્ડ નિકાસમાં નરમાઈ
2022-23માં દેશમાંથી કટ અને પોલીશ્ડ ડાયમંડની નિકાસ 10 ટકા ઘટી 22 અબજ ડોલર પર રહી

ભારતમાંથી ડાયમંડની નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બે મુખ્ય માર્કેટ્સ યુએસ અને ચીન ખાતે આર્થિક મંદી પાછળ નબળી માગ પાછળ સ્થિતિ કપરી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે છે.
વિશ્વમાં હીરા ઘસવામાં ટોચના દેશ એવા ભારતમાંથી 2022-23માં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 10 ટકા ઘટી 22 અબજ ડોલર પર રહી હતી. જેમાં રશિયા ખાતેથી કાચા હીરાના સપ્લાયમાં અવરોધો અને મહત્વના બજારોમાં માગમાં નરમાઈ કારણભૂત હતી. આ પડકારો હજુ પણ ઊભા જ છે અને તેને લઈને ચાલુ વર્ષે પણ વેચાણમાં મંદી જોવા મળી શકે છે એમ રાજ્ય-સમર્થિક ઈન્ડસ્ટ્રી જૂથના ચેરમેન વિપુલ શાહ જણાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ એક કપરું વર્ષ બની રહેશે. યુએસ ખાતે ઊંચા ફુગાવાના દબાણ અને ચીન ખાતે અપેક્ષાથી ધીમી રિકવરીને કારણે ભારતીય ડાયમંડ મર્ચન્ટ્સ માટે કપરું અને પડકારજનક વર્ષ બની રહેશે. તેમાં ગોલ્ડના ભાવમાં ઊંચી વધ-ઘટની અસર પણ જોવા મળશે. તેમના જણાવ્યા મુજબ સપ્લાય પણ એક મોટો અવરોધ બની રહ્યું છે. જ્યારે ગુજરાતમાં મહત્વના કેન્દ્ર એવા સુરતમાં ફેક્ટરીઝ પાસે ઈન્વેન્ટરીઝમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી નથી. જેનું કારણ નબળી માગ છે. ભારત માટે રાજકીય રીતે નજીકના ભાગીદાર એવા રશિયા ખાતેથી યુક્રેન સાથે યુધ્ધ વચ્ચે ઓઈલ, શસ્ત્રો અને કોમોડીટીઝની મોટેપાયે આયાત થઈ રહી છે. જોકે રશિયા સાથે પેમેન્ટ્સ ઈસ્યુને લઈને વેપારમાં અવરોધો ઊભા થયાં છે. જેને સત્વરે ઉકેલવા માટે સંસ્થાએ સરકારને જણાવ્યું છે. જોકે ઉદ્યોગનો સૌથી મોટો પડકાર યુએસ અર્થતંત્રમાં માગનું પરત ફરવું છે એમ તેઓ ઉમેરે છે.

રિલાયન્સ રિટેલ અને અદાણી જૂથ ફ્યુચર રિટેલ માટે બિડીંગ નહિ કરે

રિલાયન્સ રિટેલ અને અદાણી ગ્રૂપે ફ્યુચર રિટેલ માટે બિડીંગના ફાઈનલ રાઉન્ડથી દૂર રહેવાનું નક્કી કર્યું હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે ફ્યુચર રિટેલ માટે છ આખરી બિડ્સ મળ્યાં છે. જેમાં સ્પેસ મંત્રા પાસેથી સૌથી ઊંચું બિડ મળ્યું છે. જ્યારે પાંચ અન્ય કંપનીઓએ કંપનીના આંશિક હિસ્સા માટે બિડ કર્યાં છે. આ પાંચ બીડર્સમાં પિનાકલ એર, પાલગન ટેક એલએલસી, લેહર સોલ્યુશન્સ, ગુડવીલ ફર્નિચર અને સર્વભિષ્ઠા ઈ-વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
23 માર્ચને એફઆરએસલના ક્રેડિટર્સે દેવામાં ડૂબેલી કંપનીના સંભવિત ખરીદાર માટે નવા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(EOIs) મંગાવ્યાં હતાં. કંપની ચાર મહિનાથી વધુ સમયમાં રેઝોલ્યુશન પ્લાનને આકર્ષવામાં નિષ્ફળ જવાથી આમ કરવામાં આવ્યું હતું. એપ્રિલમાં રિલાયન્સ રિટેલ અને અદાણી ગ્રૂપ સહિત 48 કંપનીઓને ફ્યુચર રિટેલ માટે યોગ્ય રેઝોલ્યુશન એપ્લિકેન્ટ્સ માટે યોગ્યતા ધરાવનારાઓની યાદીમાં સ્થાન મળ્યું હતું. 10 એપ્રિલે એફઆરએલે 49 કંપનીઓની યાદી અપડેટ કરી હતી. કંપનીના લેન્ડર્સે એસેટ્સને ક્લસ્ટર્સમાં વિભાગ્યા બાદ નવેસરથી બીડ મંગાવવાનો નિર્ણય લીધો હતો. ઈઓઆઈ દાખલ કરનાર અન્ય પ્લેયર્સમાં ડબલ્યુએચએસસ્મિથ ટ્રાવેલ, સહારા એન્ટરપ્રાઈઝિસ, સેન્ચ્યૂરી કોપર કોર્પ, ગ્રીનટેક વર્લ્ડવાઈડ, હર્ષ વર્ધન રેડ્ડી, જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન, પિનેકલ એર અને યુનિવર્સલ એસોસિએટ્સનો સમાવેશ થતો હતો. અગાઉ એપ્રિલમાં મુંબઈ સ્થિત એનસીએલટીએ 15 જુલાઈ, 2023 સુધી એફઆરએલને કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ પૂરી કરવા માટે એક્સટેન્શનની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડેનબર્ગ તપાસનો રિપોર્ટ 14 ઓગસ્ટ સુધી રજૂ કરવા જણાવ્યું
માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ મહિના માટે મળેલું એક્સટેન્શન

સુપ્રીમ કોર્ટે યુએસ શોર્ટ-સેલર હિંડેનબર્ગ રિસર્ચના અદાણી જૂથ સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ પૂરી કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ મહિનાના એક્સટેન્શન સાથે 14 ઓગસ્ટ સુધીની મુદત આપી છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે સેબીને 2 મે સુધીમાં તેનો ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, પાછળથી માર્કેટ રેગ્યુલેટર સેબીએ છ મહિના માટે એક્સટેન્શનની માગણી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ પી એસ નરસિંહા અને ન્યાયાધીશ જે બી પારડીવાલાની બેંચે જણાવ્યું હતું કે તેઓ અમુદતી એક્સટેન્શન આપી શકે નહિ. અમે બે મહિનાની મંજૂરી આપી હતી અને હવે ઓગસ્ટ સુધી એક્સટેન્શન આપીએ છીએ. જે સાથે કુલ પાંચ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. જો તમારી પાસે કોઈ વાજબી મુદ્દો હોય તો અમને જણાવો એમ ચંદ્રચૂડે સોલીસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું. બેન્ચે એક્સપર્ટ કમિટીને કોર્ટને સહાયતા ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમજ તેને કેસમાં પક્ષો સાથે અને તેમના વકિલો સાથે સ્ટેટસ રિપોર્ટ વહેંચવા જણાવ્યું હતું. બેંચે સેબીને અત્યાર સુધીમાં તેણે હાથ ધરેલી તપાસનો રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે એક્સપર્ટ કમિટિએ બે મહિનાની સમયમર્યાદા અંદર જ તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેણે 11 જુલાઈના રોજ રિસેશ પછી કાર્યવાગીનો રિપોર્ટ લિસ્ટ કરવા જણાવ્યું હતું. સેબીએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે તે 2016થી અદાણી ગ્રૂપની તપાસ કરી રહી છે તેવા આક્ષેપો પાયાવિહોણા છે. બુધવારે દલીલો દરમિયાન તુષાર મહેતાએ જણાવ્યું હતું કે 2016નો મુદ્દો સંપૂર્ણપણે અલગ હતો. સોમવારે સેબીએ એક ચેતવણીમાં જણાવ્યું હતું કે રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ઉતાવળમાં લીધેલુ તારણ ન્યાય સામે પડકારરૂપ બની શકે છે.

છટણી પછી યુએસ ટેક જાયન્ટ્સ નીચા વેતન ધરાવતાં H1B વર્કર્સ તરફ વળ્યાં
રિપોર્ટ મુજબ ગૂગલે આંતરરાષ્ટ્રીય H1B નિમણૂંકો માટે ફાઈલ કરેલી વિઝા એપ્લિકેશન્સ

વૈશ્વિક ટેક જાયન્ટ્સ તરફથી સમૂહમાં જોબ છટણીની કામગીરી ચાલુ છે ત્યારે સિલિકોન વેલી સ્થિત કેટલીક ટોચની કંપનીઓ વિદેશમાં નીચા વેતન ધરાવતાં ટેકનોલોજી વર્કર્સની નિમણૂંક કરી રહી છે. ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ, ઝૂમ, સેલ્સફોર્સ અને પાલાન્ટીરે ચાલુ વર્ષ માટે હજારો H1B વિઝા માટે અરજી કરી છે એમ યુએસ લેબર ડિપાર્ટમેન્ટનો ડેટા જણાવે છે.
ખેદની વાત એ છે કે ભારતીય સહિત હજારો H1B વિઝા વર્કર્સે યુનાઈટેડ સ્ટેટ્સ ખાતે થયેલી છટણીમાં તેમની જોબ્સ ગુમાવવાની બની છે. જેમાંથી ઘણા સોશ્યલ મિડિયા મારફતે નવી તકો શોધી રહ્યાં છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ જાન્યુઆરીમાં 12 હજાર જોબ્સમાં કાપ મૂકવાની વાત કર્યાંના એક મહિનામાં જ કંપનીએ યુએસ બહાર સોફ્ટવેર એન્જીનીયર્સ, એનાલિટીકલ કન્સલ્ટન્ટ્સ, યુઝર એક્સપિરિયન્સ રિસર્ચર્સ અને અન્ય ભૂમિકાઓ માટે નિમણૂંક કરવા H1B વિઝા માટે અરજીઓ કરી હતી. જેમાં કેટલાંક વર્કર્સ ઓગસ્ટમાં ગુગલમાં જોડાય તેવી શક્યતાં છે. ગૂગલ પેરન્ટ આલ્ફાબેટની માલિકીની વાયમોએ પણ આ જ પ્રકારે એન્જિનીયર્સના હાયરિંગ માટે H1B એપ્લિકેશન્સ ફાઈલ કર્યાં હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. મેટાએ તેના અંદાજ વર્કફોર્સમાંથી 25 ટકાની છટણી કરી છે. તેણે ખૂબ ટૂંકા સમયગાળામાં આ છટણી કરી હતી. એમેઝોનના સીઈઓએ માર્ચમાં વધુ 9000 જોબ કાપની યોજના હોવાનું જણાવ્યું હતું. તેમણે જાન્યુઆરીમાં 18000ને છૂટાં કર્યાં હતાં. જાન્યુઆરીમાં માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તે 10000 જોબ્સને નાબૂદ કરશે. જે કંપનીના વૈશ્વિક વર્કફોર્સના 5 ટકા જેટલો છે. કંપની આર્થિક મંદીની શક્યતાં જોતાં આમ કરવા ઈચ્છે છે. કંપનીના કર્મચારીઓને ઈમેઈલમાં સીઈઓ સત્યા નાદેલાએ જણાવ્યું હતું કે અમે કેટલાંક ક્ષેત્રોમાંથી જોબ્સ દૂર કરી રહ્યાં છીએ તો કેટલાંક સ્ટ્રેટેજી એરિયામાં નવું હાયરિંગ પણ ચાલુ રાખીશું.

તાતા સન્સ રૂ. 33350 કરોડનું વિક્રમી ડિવિડન્ડ મેળવશે
2021-22માં જોવા મળતાં રૂ. 14,529 કરોડની સરખામણીમાં 130 ટકા વૃદ્ધિ

તાતા જૂથની કંપનીઓ તરફથી ઊંચા ડિવિડન્ડ પેઆઉટ્સના કારણે તાતા સન્સ 2022-23 માટે રૂ. 33350 કરોડનું વિક્રમી ડિવિડન્ડ મેળવશે. જે 2021-22માં જોવા મળતાં રૂ. 14,529 કરોડની સરખામણીમાં 130 ટકા વૃદ્ધિ સૂચવે છે. તાતા સન્સની ડિવિડન્ડ રકમમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ટીસીએસ તરફથી 2022-23ની સમાપ્તિ અગાઉ ત્રણ ત્રિમાસિક ઈન્ટરિમ ડિવિડન્સ મારફતે લગભગ 80 ટકા ડિવિડન્ડ પેઆઉટ્સ છે. આની સરખામણીમાં અન્ય જૂથ કંપનીઓ તાતા સ્ટીલ, તાતા મોટર્સ, ટાઈટન, તાતા કન્ઝ્યૂમર અને તાતા પાવર વર્ષની આખરમાં ડિવિડન્ડ ચૂકવણી કરે છે. તાતા સન્સ 2022-23માં ટીસીએસ પાસેથી રૂ. 30,418 કરોડનું ડિવિડન્ડ મેળવે તેવી અપેક્ષા છે. જે 2021-22માં રૂ. 11,374 કરોડ પર હતું. જે તાતા સન્સને 2022-23માં આઈસીઆઈસીઆઈ બેંક પછી દેશમાં સાતમી સૌથી મોટી નફો કરતી કંપની બનાવશે. આઈસીઆઈસીઆઈ બેંકે પૂરા થતાં નાણા વર્ષ દરમિયાન રૂ. 34,026 કરોડનો નફો નોઁધાવ્યો હતો.
તાતા સન્સ માટે ડિવિડન્ડની આવક એ તેનો નેટ પ્રોફિટ છે એમ માનવામાં આવે છે. ડિવિડન્ડ ઉપરાંત તે ટ્રેઝરી ઓપરેશન્સમાંથી પણ ઈન્ટરેસ્ટ મેળવે છે. ઉપરાંત ગ્રૂપ કંપનીઓ પાસેથી બ્રાન્ડ ફી મેળવે છે. તથા ઈન્વેસ્ટમેન્ટના વેચાણમાંથી પ્રોફિટ મેળવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ટીસીએસ તરફથી ડિવિડન્ડ અને બાયબેક્સની રકમ તાતા સન્સની રેવન્યૂનો સરેરાશ 96 ટકા હિસ્સો બની રહ્યો છે.

મેની મધ્ય સુધીમાં ઘઉંની ખરીદી 2.6 કરોડ ટન પર પહોંચી
કેન્દ્ર સરકારની એજન્સિઝે 15 મે સુધીમાં 2.59 કરોડ ટન ઘઉંની ખરીદી કરી લીધી છે. વર્તુળોના મતે ઘઉંની કુલ ખરીદી 2.6 કરોડ ટનથી 2.7 કરોડ ટન વચ્ચે રહેવાની શક્યતાં છે. ચાલુ મહિનાની આખરમાં પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી ઘઉંની ખરીદી બંધ થશે. દેશમાં ફૂડ સિક્યૂરિટી માટે જરૂરી કુલ જથ્થા કરતાં 80 લાખ ટન વધુ જથ્થો ખરીદાય ચૂક્યો છે. જે સરકારને કોમોડિટીના ઊંચા ભાવના કિસ્સામાં બજારમાં દરમિયાનગીરી કરવાની છૂટ આપશે. ગયા વર્ષે સમાનગાળામાં સરકાર 1.80 કરોડ ટન ઘઉં જ ખરીદી શકી હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે તેણે 43.6 ટકા વધુ 2.59 કરોડ ટન ઘઉં ખરીદ્યાં છે. 2022-23માં સરકારની કુલ ખરીદી 1.87 કરોડ ટન પર 15-વર્ષોના તળિયે જોવા મળી હતી.

NSEએ સેબી પાસેથી રૂ. 300 કરોડ મેળવ્યાં
સુપ્રીમ કોર્ટે કોલોકેશન કેસ પરની સુનાવણીમાં રાહત આપતાં નેશનલ સ્ટોક એક્સચેન્જે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી રૂ. 300 કરોડ પરત મેળવ્યાં છે. કોર્ટે 20 માર્ચે એનએસઈને રૂ. 300 કરોડ પરત કરવા માટે જણાવ્યું હતું. એક્સચેન્જ તરફથી ડિસ્ગોર્જમેન્ટના ભાગરૂપે જમા કરાવવામાં આવેલા રૂ. 1107 કરોડમાંથી સેબીએ આ રકમ પરત કરી હતી. જો સેબી આ કેસ જીતશે તો પોતે સમગ્ર રકમ સેબીને પરત કરશે એવી લેખિત બાંહેધરી એનએસઈએ આપ્યાં પછી આ રકમ ટ્રાન્સફર કરાઈ હતી. એનએસઈએ 21 એપ્રિલે રકમ પરત મેળવી હતી. માર્કેટ રેગ્યુલેટરે 2019માં એનએસઈ સામે ડિસ્ગોર્જમેન્ટ ઓર્ડર પસાર કર્યો હતો. જેને સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે બાજુ પર રાખ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

ક્રેડિટ એક્સેસઃ માઈક્રોફાઈનાન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 297 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 163 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 824 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1066 કરોડ પર જોવા મળી હતી.
શારદા ક્રોપસાઈન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 198.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 177 કરોડની સરખામણીમાં 12.3 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1434.5 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 3.3 ટકા વધી રૂ. 1481.8 કરોડ પર રહી હતી.
કોલગેટ પામોલીવઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 316.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 276 કરોડના અંદાજથી નોંધપાત્ર ઊંચો છે. કંપનીના માર્જિન 33 ટકા પરથી સુધરી 33.5 ટકા પર જોવા મળ્યાં હતાં.
ડીએલએફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 569.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 405.54 કરોડની સરખામણીમાં 40 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1652.13 કરોડ સામે 5 ટકા ઘટાડે રૂ. 1575.70 કરોડ પર રહી હતી.
આઈજીએલઃ ઈન્દ્રપ્રસ્થ ગેસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 397.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 365 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની રેવન્યૂ પણ રૂ. 3649 કરોડના અંદાજ સામે રૂ. 3687 કરોડ પર ઊંચી નોંધાઈ હતી.
હેસ્ટર બાયોસાઈન્સિઝઃ એનિમલ હેલ્થ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 11.67 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.33 કરોડ પર હતો. કંપનીની આવક માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ. 56.47 કરોડ સામે 19 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 67.30 કરોડ પર રહી હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર દીઠ રૂ. 8ના ડિવિડન્ડની ભલામણ કરી હતી.
સીસીએલ પ્રોડક્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 85.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 53 કરોડના નફા સામે 62 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 376.2 કરોડની સામે 38.2 ટકા વધી રૂ. 520.1 કરોડ પર જોવા મળી હતી.
ઓટોમોટીવ એક્સેલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 50.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38.5 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 552 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 693 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage