પસંદગીના લાર્જ-કેપ્સમાં મજબૂતી પાછળ માર્કેટમાં તેજી
નિફ્ટી 18 હજારનું સ્તર પાર કરવામાં સફળ
નવા કેલેન્ડરમાં પ્રથમવાર સ્થાનિક બજારનું આઉટપર્ફોર્મન્સ
લાર્સન, HUL અને રિલાયન્સની ત્રિપૂટીએ બજારને સંભાળ્યું
બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ નરમ
નાયકા વધુ 5 ટકા ગગડી ઓલ-ટાઈમ લો પર
ગ્લેન્ડ ફાર્મા, ઈન્ડુસ ટાવર્સ અને લૌરસ લેબ્સ નવા તળિયે
વૈશ્વિક શેરબજારોમાં સુસ્તી વચ્ચે ભારતીય બજારે મંગળવારે મજબૂતી દર્શાવી હતી. જેને કારણે બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 563 પોઈન્ટ્સ ઉછળી 60656ની સપાટીએ જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18053ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જોકે મીડ-કેપ અને સ્મોલ-કેપમાં ખાસ લેવાલીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3644 કાઉન્ટર્સમાંથી 1890 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1644 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. 113 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 45 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 14.59ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારની શરૂઆત ગેપ-અપ રહી હતી. જોકે આરંભિક ટ્રેડિંગ અવરમાં બેન્ચમાર્ક એક તબક્કે રેડ ઝોનમાં જોવા મળ્યો હતો. જ્યાંથી ઝડપથી પરત ફરીને 18000નું સ્તર પાર કરી ગયો હતો. જ્યારબાદ મધ્યાહને ફરી એકવાર 18 હજારની નીચે ટ્રેડ દર્શાવી આખરી અવરમાં ઝડપી લેવાલી પાછળ 18072ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સ 40 પોઈન્ટ્સ પ્રિમિયમ પર બંધ રહ્યો હતો. જે સોમવારની સરખામણીમં 7 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતું હતું. આમ માર્કેટમાં પસંદગીના કાઉન્ટર્સને બાદ કરતાં સમગ્રતયા લોંગ પોઝીશનમાં ખાસ ઉમેરો નહોતો થયો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજાર કોન્સોલિડેશનમાં રહેવાની શક્યતાં ઊંચી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18050નો અવરોધ પાર કરી ગયો છે અને હવે 18250નું સ્તર એક અવરોધ છે. જે પાર થશે તો વધુ સુધારો જોવા મળી શકે છે. નીચે 17750નો સપોર્ટ છે. જેની નીચે મોટો ઘટાડો જોવા મળી શકે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરવામાં લાર્સન, હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય હતાં. આ સિવાય એચડીએફસી, એચડીએફસી બેંક, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. બીજી બાજુ એસબીઆઈ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, તાતા સ્ટીલ અને બજાજ ફાઈનાન્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ જોકે 0.11 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેમાં સુધારો દર્શાવનાર મુખ્ય કાઉન્ટર્સમાં તાતા કોમ્યુનિકેશન ટોચ પર હતો. શેર 2.23 ટકા સુધારે રૂ. 1397.65ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત પૂનાવાલા ફાઈનાન્સ, ક્યુમિન્સ, તાતા કેમિકલ્સ, પોલીકેબ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં સુધારો જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ બેંક ઓફ ઈન્ડિયા અપેક્ષાથી વિપરીત પરિણામો પાછળ 5 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત આદિત્ય બિરલા ફેશન, વ્હર્લપુલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીબી ઈન્ફોટેક, પીએનબી, કોન્કોર અને યુનિયન બેંકમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી સ્મોલ-કેપ 0.04 ટકાના સાધારણ ઘટાડે બંધ જળવાયો હતો. જેમાં સુધરવામાં સ્ટરલાઈટ ટેક્નોલોજી ટોચ પર હતો. શેર 5.18 ટકા મજબૂતી સાથે રૂ. 179.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઉપરાંત સુધારો દર્શાવવામાં રેડિકો ખૈતાન, સનટેક રિઅલ્ટી, જેબી કેમિકલ્સ, એપીએલ એપોલો, અવંતિ ફિડ્સ, એમસીએક્સ ઈન્ડિયા, સન ફાર્મા એડવાન્સ, કરુર વૈશ્યનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટાડો દર્શાવવામાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ ટોચ પર હતો. ઉપરાંત કેન ફિન હોમ્સ, રેઈલ વિકાસ, કજરિયા સિરામિક, મિશ્ર ધાતુ, સેન્ચૂરીપ્લાયબોર્ડ, રાઈટ્સ અને શિલ્પા લેબો.નો સમાવેશ થતો હતો.
સેક્ટરલ સૂચકાંકોના દેખાવની વાત કરીએ તો એફએમસીજી, એનર્જી, રિઅલ્ટી, આઈટી, ઓટો અને બેંકિંગ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જોકે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.84 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રજૂ કરવામાં આવેલા પ્રતિકૂળ પરિણામો હતાં. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની રજૂઆત બાદ બેંક શેર 8 ટકા ગગડ્યો હતો અને 5 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક 3 ટકા, યૂકો બેંક 3 ટકા, જેકે બેંક 2.4 ટકા, આઈઓબી, 2.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે પ્રાઈવેટ બેંકિંગમાં એચડીએફસી બેંક, કોટક બેંક અને એયૂ સ્મોલ ફાઈ. બેંક મજબૂત જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.2 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેને મુખ્ય સપોર્ટ હિંદુસ્તાન યુનિલિવર તરફથી સાંપડ્યો હતો. શેર 2.71 ટકા ઉછળી રૂ. 2667ની બે સપ્તાહની ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત મેરિકો, બ્રિટાનિયા, નેસ્લે, યુનાઈટેડ સ્પિરિટ્સ પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 0.8 ટકા મજબૂતી સૂચવતો હતો. જેને મુખ્ય સપોર્ટ એચસીએલ ટેક અને ટીસીએસ તરફથી સાંપડ્યો હતો. બંને કાઉન્ટર્સ એક ટકાથી વધુના સુધારે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં લાંબા સમયગાળા માટે મજબૂતી જોવા મળી હતી. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 3.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી અને ડીએલએફમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેડિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો લાર્સન એન્ડ ટુબ્રો 3.55 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચયૂએલ, તાતા કોમ્યુનિકેશન, મેરિકો, ક્યુમિન્સ, એચડીએફસી, જેકે સિમેન્ટ અને તાતા કેમિકલ્સ પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ મણ્ણાપુરમ ફાઈનાન્સ 4 ટકા ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ઈન્ડુસ ટાવર્સ, કેન ફિન હોમ્સ, સિટી યુનિયન બેંક, આદિત્ય બિરલા ફેશન, વ્હર્લપુલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, આરબીએલ બેંક, કન્ટેનર કોર્પોરેશન, ડેલ્ટા કોર્પમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. લાર્સને તેની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. મહિન્દ્રા સીઆઈઈ પણ નવી ટોચ પર ટ્રેડ થયો હતો. બીજી બાજુ નાયકામાં 5 ટકાની લોઅર સર્કિટ જળવાય હતી અને તે ઓલ-ટાઈમ લો પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ગ્લેન્ડ ફાર્મા, બાલાજી એમાઈન્સ, નેટફો ફાર્મા, થાયરોકેર, લૌરસ લેબ્સ જેવા કાઉન્ટર્સે પણ તેમના વાર્ષિક અથવા ઓલ-ટાઈમ તળિયા દર્શાવ્યાં હતાં.
ટ્રેડિંગ માટે ASBA જેવી પ્રક્રિયા માટે સેબીએ કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું
બ્રોકર્સની નાદારી જેવા કિસ્સામા ક્લાયન્ટ્સની એસેટ્સની સુરક્ષા માટે સેબીનો મહત્વનો પ્રસ્તાવ
શેરબજાર ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સના જોખમમાં વધુ ઘટાડાના ભાગરૂપે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ફંડને ટેડરના ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં શિફ્ટ કરવાના બદલે તેને બેંક એકાઉન્ટમાં જ બ્લોક કરવાની જોગવાઈને લઈને ચર્ચા કરવા માટે કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે સેકન્ડરી માર્કેટમાં પણ ફંડને બ્લોક કરવાની સુવિધા રજૂ કરવા માટે જાહેર જનતાના સૂચનો મંગાવ્યાં છે. જે રોકાણકારોને સેકન્ડરી માર્કેટમાં બ્લોક્ડ ફંડ્સને આધારે ટ્રેડની સુવિધા આપશે. જેથી સ્ટોક બ્રોકર્સને ફંડ ટ્રાન્સફર કરવાની જરૂરિયાત રહેશે નહિ.
ચર્ચા પત્રમાં ક્લાયન્ટ અને ક્લિઅરિંગ કોર્પોરેશન વચ્ચે ડાયરેક્ટ સેટલમેન્ટ ઓફ ફંડ્સ અને સિક્યુરિટીઝ મારફતે ક્લિઅરિંગ કોર્પોરેન્શનને ક્લાયન્ટ-લેવલ સેટલમેન્ટ(પે-ઈન અને પે-આઉટ બંને) વિઝિબિલિટી પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. જો આમ શક્ય બનશે તો તે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની અરજી વખતે કરવામાં આવતી પ્રક્રિયા સમાન બની રહેશે. આઈપીઓમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ(એસ્બા) મારફતે ઈન્વેસ્ટર્સની અરજીને સ્વીકારવામાં આવે છે. એસ્બા હેઠળ બ્લોક કરવામાં આવેલું ફંડ બેંક પાસે જ જમા રહે છે. જેના પર ગ્રાહકને વ્યાજની રકમ પણ મળતી રહે છે. સેબીના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્રક્રિયા ગ્રાહકોની એસેટ્સના બ્રોકર્સની નાદારી તેમજ તેના દૂરૂપયોગથી રક્ષણ આપવા માટે છે.
વર્તમાન વ્યવસ્થા હેઠળ ટ્રેડર્સે ફંડ્સને તેના ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરાવવાનું રહે છે. જે ટ્રેડિંગ માટે કોલેટરલ તરીકે ઉપયોગમાં આવે છે. સ્ટોક બ્રોકર્સ તેમના પ્રોપરાયટરી ટ્રેડ્સ અને તેમના ક્લાયન્ટ્સના ટ્રેડ માટે ક્લિઅરીંગ મેમ્બર પાસે કોલેટરલ મૂકે છે. જેઓ ટ્રેડ સેટલમેન્ટ માટે ક્લિઅરીંગ કોર્પોરેશન્સ પાસે ફરીથી કોલેટરલ રજૂ કરે છે. આ વ્યવસ્થામાં સ્ટોક બ્રોકર અથવા ક્લિઅરીંગ મેમ્બર પાસે પડેલું ક્લાયન્ટ્સના કોલેટરલનો દૂરૂપયોગ થઈ શકે છે. આ જ રીતે, જો કોઈ સ્ટોક બ્રોકર ડિફોલ્ટ થાય તો ક્લાયન્ટને ચૂકવવાનું થતું પે-આઉટ પણ જોખમમાં પડી શકે છે. સેબી દ્વારા પ્રસ્તાવિત સેટઅપમાં સમગ્ર પ્રક્રિયા નવેસરથી ઘડવામાં આવશે. જેમાં બ્રોકર્સ કે ક્લિઅરિંગ મેમ્બર્સ પાસે કોલેટરલની જરૂરિયાત રહેશે નહિ. ક્લિઅરિંગ કોર્પોરેશન પોતે જ સમગ્ર પ્રક્રિયાનું સીધું સંચાલન કરશે. નવી વ્યવસ્થામાં ટ્રેડર તેના ટ્રેડિંગ એકાઉન્ટનો માત્ર ઓર્ડર આપવા માટે ઉપયોગ કરશે. જે વખતે ટ્રેડિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાં ફંડ બ્લોક થશે. ઘણા બેંક-બેઝ્ડ બ્રોકર્સ 3-ઈન-વન એકાઉન્ટ્સ પૂરું પાડી રહ્યાં છે. જ્યાં ટ્રેડર બેંક એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વચ્ચે જરૂરિયાત પડે તેમ ફંડ ટ્રાન્સફર કરી શકે છે. જોકે તે પણ સંપૂર્ણ સુરક્ષિત નથી એમ સેબી જણાવે છે. કાર્વી સ્ટોક બ્રોકિંગના કિસ્સા બાદ માર્કેટ રેગ્યુલેટરે ઈન્વેસ્ટર્સના જોખમોને ઘટાડવા માટે શરુ કરેલા સુધારાના ભાગરૂપે કન્સલ્ટેશન પેપર રજૂ કરાય રહ્યાં છે.
સુગર મિલ્સે 55 લાખ ટન નિકાસના કરેલા સોદા
દેશની સુગર મિલ્સે ચાલુ માર્કેટિંગ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 55 લાખ ટન સુગર નિકાસ માટેના કોન્ટ્રેક્ટ્સ કર્યાં હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા)એ જણાવ્યું છે. જેમાંથી 18 લાખ ટન જથ્થો રવાના પણ થઈ ગયો છે. સરકારે સુગર મિલ્સને માર્કેટિંગ વર્ષ 2022-23(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 60 લાખ ટન સુગર નિકાસ માટેની છૂટ આપી છે. ગયા વર્ષે સ્થાનિક મિલ્સે 1.12 કરોડ ટન સુગરની વિક્રમી નિકાસ દર્શાવીહતી. 15 જાન્યુઆરી 2023 સુધીમાં દેશમાં 156.8 લાખ ટનનું સુગર ઉત્પાદન જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 150.8 લાખ ટન પર હતું.
સરકારે ATF અને ડિઝલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી
કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(એટીએફ) અને ડિઝલ પરની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. એક જાહેરનામા મુજબ સરકારે ક્રૂટ પર પ્રતિ ટન વિન્ડફોલ ટેક્સ રૂ. 2100થી ઘટાડી રૂ. 1900 કર્યો છે. સરકારે એટીએફ પરની નિકાસ ડ્યુટી રૂ. 4.5 પ્રતિ લિટર પરથી ઘટાડી રૂ. 3.5 લિટર કરી છે. જ્યારે ડિઝલ પરની નિકાસ ડ્યુટી રૂ. 6.5 પ્રતિ લિટરથી ઘટાડી રૂ. 5 કરી છે. વિશ્વમાં અગ્રણી ક્રૂડ આયાતકાર ભારત હાલમાં રશિયા ખાતેથી 60 ડોલર પ્રતિ બેરલથી નીચા ભાવે ક્રૂડની આયાત કરી રહ્યું છે. સરકારે ગયા કેલેન્ડરમાં જુલાઈ મહિનાથી ક્રૂડ ઉત્પાદકો તતા પેટ્રોલ, ડિઝલ અને એટીએફની નિકાસ પર ડ્યુટી લાગુ પાડી હતી.
જાન્યુઆરીમાં દૈનિક ધોરણે 1600 ટેક કર્મચારીઓની છટણી કરાઈ
છટણીમાં ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ અગ્રણી
કેલેન્ડર 2023ની શરૂઆત ટેક્નોલોજી કર્મચારીઓ માટે શુભ જોવા નથી મળી રહી. જાન્યુઆરી મહિનાના પ્રથમ 16 દિવસોમાં દૈનિક ધોરણે સરેરાશ 1600 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના ડર પાછળ ટેકનોલોજી કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને પિંક સ્લીપ આપવામાં વૃદ્ધિ જોવા મળી છે. ગયા કેલેન્ડર 2022માં 1000થી વધુ કંપનીઓએ 1,54,336 કર્મચારીઓની છટણી કરી હતી એમ એક સર્વે જણાવે છે. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ પખવાડિયામાં જ 26 હજારથી વધુ કર્મચારીઓને પાણીચું આપવામાં આવ્યું છે. આમ કેલેન્ડર 2022માં જોવા મળેલી છટણી નવા વર્ષમાં પણ ચાલુ રહી છે. સ્ટાફને નોકરીમાંથી છૂટા કરવામાં ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ સક્રિય રહ્યાં છે.
જેમાં હોમગ્રોન સોશ્યલ મિડિયા કંપની શેરચાટે અનિશ્ચિતિ માર્કેટ સ્થિતિને જોતાં તેના 20 ટકા વર્કફોર્સને જોબમાંથી દૂર કર્યો હતો. જેની અસર 500 કર્મચારીઓ પર પડી હતી. ટ્વિટર, ગૂગલ, સ્નેપ અ ટાઈગર ગ્લોબલ, શેરચાટને ગણનામાં લેતાં લગભગ 2300 કર્મચારીઓ પર અસર પડી હતી. ઓલા જેવી કંપનીએ પણ 200 કર્મચારીઓને ફાયર કર્યાં હતાં. જ્યારે વોઈસ ઓટોમેટેડ સ્ટાર્ટઅપ સ્કિટડોટએઆઈએ પણ તેના ચાલુ મહિને કેટલાંક એમ્પ્લોઈઝને છૂટાં કર્યાં હતાં. ઝડપી ગ્રોસરી ડિલિવરી પ્રોવાઈડર ડુન્ઝોએ ખર્ચ ઘટાડવાના ભાગરૂપે તેના ત્રણ ટકા કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. વૈશ્વિક સ્તરે 91 જેટલી ટેક્નોલોજી કંપનીઓએ કેલેન્ડરના પ્રથમ 15 દિવસોમાં જ 24000થી વધુ કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. જે આગામી સમયગાળો સારો નહિ હોવાનું સૂચવે છે. ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને વિશ્વભરમાં 18 હજાર કર્મચારીઓને છૂટાં કરવાની જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં તેના 1000 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
દેશમાં ઘઉંનું ઉત્પાદન વિક્રમી 11.2 કરોડ ટન રહેવાનો અંદાજ
વર્તમાન આબોહવા પાકની સારી પ્રગતિ માટે અનૂકૂળ હોવાથી ઉત્પાદન ઊંચું જોવા મળી શકે છે
નવી રવિ માર્કેટિંગ સિઝનમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 11.2 કરોડ ટનનો નવો વિક્રમ દર્શાવે તેવી શક્યતાં છે. સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંનું ઊંચું વાવેતર જોતાં તેમજ અત્યાર સુધી આબોહવા અનૂકૂળ જોતાં ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાશે. ગઈ સિઝનમાં કાપણી વખતે અચાનક ગરમીનું મોજું જોવા મળતાં દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.684 કરોડ ટન પર જોવા મળ્યું હોવાનું કૃષિ મંત્રાલયનો ડેટા જણાવે છે. અગાઉ 2020-21ના વર્ષમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.959 કરોડ ટન પર નોંધાયું હતું.
હવામાનની વર્તમાન સ્થિતિ જોતાં ઘઉંના પાકની સ્થિતિ ઘણી સારી છે. વાવેતર પણ ગઈ સિઝનની સરખામણીમં 1 ટકાથી વધુ ઊંચું જોવા મળી રહ્યું છે અને ગયા સપ્તાહાંત સુધીમાં 3.37 કરોડ હેકટર વિસ્તારમાં નોંધાયું છે. જેને જોતાં નવી માર્કેટિંગ સિઝનમાં 11.2 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ છે એમ વર્તુળો જણાવે છે. મુખ્ય રવિ પાક એવા ઘઉંનું વાવેતર ઓક્ટોબરમાં શરૂ થાય છે અને જાન્યુઆરીની મધ્યમાં પૂર્ણ થતું હોય છે. ચાલુ સિઝનમાં વાવેતરની શરૂઆત વહેલી જોવા મળી હતી અને તેથી નોંધપાત્ર વિસ્તારોમાં ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં પાક તૈયાર પણ થઈ જશે. આમ ગઈ સિઝનની જેમ ગરમીની ચિંતા ઓછી રહેશે. દેશમાં ઉત્તરીય ભાગોમાં ઘઉંની કારણી માર્ચ અને એપ્રિલમાં જોવા મળતી હોય છે.
તાજા આંકડા મુજબ દેશમાં ઘઉંનું વાવેતર 1.3 ટકા વૃદ્ધિ સાથે 337.18 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 332.52 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ વાવેતરમાં લગભગ પાંચ લાખ હેકટરની વૃદ્ધિ જોવા મળી રહી છે. રવિ માર્કેટિંગ સિન જૂલાઈથી જૂન દરમિયાન ગણવામાં આવે છે. દેશના મોટાભાગના મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 2.92 લાખ હેકટરની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. જે ઉપરાંત રાજસ્થાન(2.52 લાખ હેકટર), મહારાષ્ટ્ર(1.01 લાખ હેકટર), બિહાર(0.81 લાખ હેકટર), છત્તીસગઢ(0.65 લાખ હેકટર), ગુજરાત(0.54 લાખ હેકટર), પશ્ચિમ બંગાળ(0.09 લાખ હેકટર), જમ્મુ એન્ડ કાશ્મીર(0.07 લાખ હેકટર) અને આસામ(0.03 લાખ હેકટર)નો સમાવેશ થાય છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1151 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 10 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં બેંકે રૂ. 1027 કરોડનો નફો નોઁધાવ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો નફા રૂ. 960 કરોડ પર રહ્યો હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 64 ટકા ઉછળી રૂ. 5596 કરોડ પર રહી હતી. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5083 કરોડ પર હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે 2.27 ટકા પરથી સુધરી 3.28 ટકા રહ્યાં હતાં. જોકે બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 22 ટકા તૂટી રૂ. 1432 કરોડ પર રહી હતી. તેની ગ્રોસ એનપીએ ગયા વર્ષે 10.46 ટકા સામે ઘટીને 7.66 ટકા જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 8.51 ટકા પર રહી હતી.
ઝાયડસ લાઈફસાયન્સિઝઃ ફાર્મા કંપનીની યુએસ સ્થિત સબસિડિયરીએ ડિપ્રેશનની સારવાર માટે વપરાતી લેવોમિલ્નાસીપ્રાન એક્સટેન્ડેડ કેપ્સ્યૂલ્સના માર્કેટિંગ માટે સંભવિત મંજૂરી મેળવી છે. તેણે 20 એમજી, 40 એમજી, 80 એમજી અને 120 એમજી સ્ટ્રેન્થ્સ માટે મંજૂરી મેળવી છે.
ફેડરલ બેંકઃ પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 803.6 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 54 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 521.7 કરોડનો નફો નોઁધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 27 ટકા ઉછળી રૂ. 1956 કરોડ રહી હતી. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 22 પોઈન્ટ સુધરી 3.49 ટકા પર જોવા મળ્યાં હતાં. જ્યારે ગ્રોસ એનપીએ 2.43 ટકા પર અને નેટ એનપીએ છેલ્લાં આઁઠ ક્વાર્ટર્સના 0.73 ટકાના તળિયા પર જોવા મળી હતી.
જેએસડબલ્યુ ઈસ્પાતઃ સ્ટીલ કંપનીની ખોટમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ જોવા મળી છે. ત્રીજા ક્વાર્ટરમાં તેણે રૂ. 97.98 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.12 કરોડ પર હતી. તેની કુલ આવક ઘટીને રૂ. 1110.33 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1476.46 કરોડ પર હતી.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે કેલેન્ડર 2022માં ભારતીય રેલ્વે મારફતે 3.2 લાખ કાર્સનું પરિવહન કર્યું હોવાનું જણાવ્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી ઊંચું હતું. આના કારણે કાર્બન ડાયોકસાઈડ એમિશનમાં 1800 ટનનો ઘટાડો થયો હોવાનું કંપનીએ નોંધ્યું હતું.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રો-કાર્બન ઉત્પાદકે તેની બે સબસિડિયરીઓ એમઆરપીએલ અને એચપીસીએલના મર્જર માટેની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીના સીએમડીના જણાવ્યા મુજબ કંપની ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ કરશે. મર્જર માટે કેટલાંક ટ્રાન્ઝિશન ટાઈમની જરૂર પડશે. કેમકે એચપીસીએલ પણ એમઆરપીએલના પ્રમોટર્સમાંનો એક છે.
કેસોરામ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 47.98 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31.97 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 876 કરોડ પરથી 13 ટકા વધી રૂ. 986.1 કરોડ પર રહી હતી.
સિમેન્સઃ કંપનીએ ઈન્ડિયન રેલ્વેઝ સાથે 1200 ઈલેક્ટ્રીક લોકોમોટીવ્સ ડિલિવર કરવા માટે રૂ. 26000 કરોડના લોકોમોટીવ પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
એનટીપીસીઃ સરકારી ઈલેક્ટ્રીસિટી ઉત્પાદકે ત્રિપુરા રાજ્ય સરકાર સાથે રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ માટે એમઓયૂ સાઈન કર્યાં છે.
મહિન્દ્રા લાઈફસ્પેસઃ મહિન્દ્રા જૂથની રિઅલ એસ્ટેટ કંપનીએ વિસ્તરણના ભાગરૂપે બેંગલૂરુ ખાતે 4.25 એકર જમીનની ખરીદી કરી છે.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ ફાઈઝરની બ્રેસ્ટ કેન્સરની દવા માટેના ટ્રેડમાર્ક રાઈટ્સની ખરીદી કરી છે.
ફિનિક્સ મિલ્સઃ રિઅલ્ટી કંપનીએ જાનુસ લોજિસ્ટીક્સની રૂ. 26 કરોડમાં ખરીદીની પ્રક્રિયાને પૂર્ણ કરી છે.