બ્લોગ કન્ટેન્ટ
નિફ્ટીએ 17600નું સ્તર પાર કર્યું
ભારતીય બજાર તેજીના નશામાં ચૂર છે. નિફ્ટીએ ગુરુવારે આસાનીથી 17600ની સપાટી પાર કરી હતી. બેંકિંગ, એફએમસીજી, ઓટો સહિતના ક્ષેત્રોએ મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. આઈટીમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. બેન્ચમાર્કે ચાલુ સપ્તાહે 2 ટકાથી વધુનો સુધારો દર્શાવ્યો છે. એશિયન બજારોમાં નરમાઈ છતાં સ્થાનિક બજાર પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે હવે 18500નો ટાર્ગેટ રાખી શકાય. જોકે શોર્ટ ટર્મમાં તે ઓવરબોટ છે અને તેથી એક કોન્સોલિડેશન આવશ્યક છે.
ITCનો શેર 7 ટકા ઉછળ્યો
સિગારેટ તથા એફએમસીજી અગ્રણી આઈટીસીનો શેર ગુરુવારે સાત ટકા ઉછળ્યો હતો. છેલ્લા પાંચ વર્ષોથી બજારમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર કંપનીના શેરમાં લાંબા સમયબાદ જબરદસ્ત બાઈંગ જોવા મળ્યું હતું. એનએસઈ ખાતે લગભગ 15 કરોડ શેર્સના કામકાજ સાથે શેરનો ભાવ 6.83 ટકા ઉછળી રૂ. 230.75ના ભાવે બંધ રહ્યો હતો. તેણે રૂ. 2.84 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. ફેબ્રુઆરી મહિનાથી તે રૂ. 200-225ની રેંજમાં અટવાતો રહ્યો હતો અને તેથી કંપનીના રોકાણકારોમાં ભારે અકળામણ જોવા મળી રહી હતી. માર્કેટ વર્તુળોના મતે કોવિડ બાદ કંપનીના સિગારેટ્સ સહિત એફએમસીજી પ્રોડક્ટ્સના વેચાણમાં રિકવરી પાછળ કંપનીના શેરમાં ભારે બાઈંગ જોવા મળ્યું હતું.
ભારતીય બજારમાં 17 મહિનાનો સૌથી લાંબો સેક્યુલર બુલ રન
એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 17માંથી 15 મહિનાઓ દરમિયાન માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી
અગાઉ 2003-2008ની તેજીમાં 35 મહિનાઓમાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જ્યારે 25માં નેગેટિવ જોવા મળી હતી
છેલ્લાં 17 મહિનાથી તેજીમાં ઓત-પ્રોત ભારતીય શેરબજાર સૌથી લાંબી બ્રોડ બેઝ તેજી દર્શાવી રહ્યું છે. એટલેકે માર્કેટમાં લાર્જ-કેપ્સ પાછળ બેન્ચમાર્ક નિફ્ટીમાં સુધારા સાથે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ સમાંતર તેજી જોવા મળી છે. એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2021 સુધી 17 મહિનાઓમાંથી 15માં સુધારો દર્શાવતાં શેર્સની સંખ્યા ઊંચી રહી છે. અભ્યાસ હેઠળના સમયગાળામાં બજારના લાર્જ, મીડ-કેપ અને સ્મોલ-કેપ એમ ત્રણે સેગમેન્ટના દેખાવમાં કોઈ મોટું અસંતુલન જોવા મળ્યું નથી. ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ અજોડ ઘટના છે. અગાઉ મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સે ક્યારેય આટલી લાંબી તેજી નથી દર્શાવી.
માર્કેટ નિરીક્ષકો વર્તમાન તેજીના દોરને સૌથી લાંબા સેક્યૂલર બુલ રન તરીકે ગણાવી રહ્યાં છે. અગાઉના તેજીના તબક્કા દરમિયાન ક્યારેય મીડ અને સ્મોલ-કેપ્સમાં અવિરત આટલી મોટી તેજી નથી જોવાઈ. જો ભારતીય બજારમાં છેલ્લાં બે દાયકામાં જોવા મળેલા તેજીના તબક્કાઓનો અભ્યાસ કરીએ તો આ બાબત પુરવાર થાય છે. સ્થાનિક બજારમાં સેક્યુલર બુલ રનના ત્રણ તબક્કાઓમાં 2003-2008, 2013-2018 અને વર્તમાન એપ્રિલ 2020-સપ્ટેમ્બર 2021 મુખ્ય છે. જેમાં માર્કેટમાં એફઆઈઆઈ પ્રવેશ પછીનો પ્રથમ એવો 2003-2008નો પાંચ વર્ષ લાંબો બુલ રન અસાધારણ હતો. આ તબક્કામાં બેન્ચમાર્ક્સે ચારથીપાંચ ગણુ રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સે પણ તગડાં રિટર્ન દર્શાવ્યાં હતાં. જોકે તે વખતે પણ માર્કેટ બ્રેડ્થ હાલના સમય જેટલી પોઝીટીવ જોવા મળી નહોતી. 2003-2008ના 60 મહિનાઓમાં 35 મહિનાઓ દરમિયાન માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. જ્યારે 25 મહિનાઓ દરમિયાન તે નેગેટિવ બની રહી હતી. આનો અર્થ એવો થાય છે કે 35 મહિનાઓ દરમિયાન સુધારો દર્શાવનારા શેર્સની સંખ્યા ઘટાડો દર્શાવનાર શેર્સ કરતાં ઊંચી જોવા મળી હતી. એમ કહી શકાય કે પાંચ વર્ષ લાંબા તેજીના સમય દરમિયાન મહિનાવાર માર્કેટવાર પોઝીટીવ-નેગેટિવ માર્કેટ બ્રેડ્થ રેશિયો 60-40નો હતો. હવે મીડ-કેપ્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી તેવા 2013થી 2018ના સમયગાળાની વાત કરીએ તો કુલ 60 મહિનાઓમાંથી 42 મહિનામાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. એટલેકે 70 ટકા સમય દરમિયાન મીડ અને સ્મોલ-કેપ્સમાં સારુ બાઈંગ જોવા મળ્યું હતું. જ્યારે 18 મહિના એટલેકે 30 ટકા દરમિયાન માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી.
માર્ચ 2020માં ભારે વેચવાલી બાદ એપ્રિલથી શરુ થયેલો વર્તમાન તેજીનો તબક્કો 17 મહિના પછી પણ યથાવત છે. તેજીના આ લાંબા દોરમાં 15 મહિનાઓ દરમિયાન માર્કેટ-બ્રેડ્થ પોઝીટવ જોવા મળી છે. એટલેકે 92 ટકા સમયમાં માર્કેટ તેજી દર્શાવતું રહ્યું છે. જ્યારે માત્ર માર્ચ 2021 અને ઓગસ્ટ 2021 દરમિયાન માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. એટલેકે માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી જોવા ના મળી હોય તેવો સમય માત્ર 8 ટકા જેટલો છે.
SBIએ હોમ લોન રેટ ઘટાડી 6.7 ટકા કર્યો
અગ્રણી બેંક એસબીઆઈએ ફેસ્ટીવલ સિઝનને ધ્યાનમાં રાખી તેના હોમ લોન રેટ ઘટાડીને 6.7 ટકા કર્યાં હતાં. સાથે તેણે પ્રોસેસિંગ ફી પણ દૂર કરી છે. તેણે કોઈપણ રકમની લોન માટે આ રેટ ઉપલબ્ધ બનાવ્યાં છે. આ પ્રકારના પ્રથમ પ્રયાસમાં બેંકે ક્રેડિટ સ્કોર લિંક્ડ હોમ લોન્સમાં લોનની રકમને ગણનામાં લીધાં સિવાય 6.7 ટકાનો રેટ ઉપલબ્ધ કરાવ્યો છે. અગાઉ રૂ. 75 લાખથી વધુ રકમની લોન લેનારા બોરોઅરને 7.15 ટકાનો ઈન્ટરેસ્ટ રેટ ચૂકવવો પડતો હતો. જોકે હવેથી તેઓ પણ 6.7 ટકાના દરે લોન મેળવી શકશે. આમ તેમને 45 બેસીસ પોઈન્ટ્સનો મોટો લાભ મળશે. જો રૂ. 75 લાખની લોન અને 30-વર્ષોની મુદત ગણીએ તો તેમને રૂ. 8 લાખથી વધુની બચત થશે.
T+1 સેટલમેન્ટ રિટેલ ઈન્વેસ્ટર્સના હિતમાં: સેબી ચેરમેન
માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું હતું કે બ્રોકિંગ સમુદાય તથા વિદેશી રોકાણકારો દ્વારા જેની ટીકા કરવામાં આવી રહી છે તેવા ટી પ્લસ વન સેટલમેન્ટ તથા પીક માર્જિન નિયમો મૂળે રિટેલ રોકાણકારોના હિતમાં લેવામાં આવેલા નિર્ણયો છે. તેમણે જણાવ્યું હતું કે રોકાણકારોના માર્જિનના નાણાનો ઉપયોગ બ્રોકર્સ દ્વારા પ્રોપરાયટરી ટ્રેડિંગ માટે થવો જોઈએ નહિ. રિટેલ પાર્ટિસિપેશનમાં ઊંચી વૃદ્ધિ જોતાં ઊંચા માર્જિનના નિયમો આપણા મનને શાંતિ પૂરી પાડશે.
PSU બેંક શેર્સમાં ભારે લેવાલી પાછળ 13 ટકા સુધીનો ઉછાળો
સરકારી બેંક્સમાં ખરીદી પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 5.5 ટકા સુધર્યો
જાહેર ક્ષેત્રની બેંક્સના શેર્સમાં ગુરુવારે સતત બીજા દિવસે ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ પીએસયૂ બેંક શેર્સમાં 13 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 5.43 ટકાના તીવ્ર સુધારા સાથે બંધ રહ્યો હતો. બુધવારે પણ તેણે 2.7 ટકાનો ઊંચો સુધારો દર્શાવ્યો હતો.
ભારતીય બજારે બીજા દિવસે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી ત્યારે પીએસયૂ બેંકિંગ શેર્સ સુધરવામાં ટોપ પર રહ્યાં હતાં. એસબીઆઈ જેવી મોટી બેંકથી લઈને યૂકો બેંકના શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. પીએસયૂ બેંક શેર્સમાં ખરીદી પાછળ એકથી વધુ પરિબળો જવાબદાર હતાં. એસબીઆઈ જેવા શેર્સમાં મજબૂતીનું કારણ સરકારના ટેલિકોમ કંપનીઓને રાહતના નિર્ણય પાછળ વોડાફોન આઈડિયા જેવી કંપનીને મળેલી રાહત છે. એસબીઆઈએ કંપનીને રૂ. 12000 કરોડથી વધુનું ધિરાણ કર્યું છે. સરકાર બેડ બેંકને લઈને કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા પાછળ પણ પીએસયૂ બેંક શેર્સમાં ખરીદી જોવા મળી હતી. તમામ 13 પીએસયૂ બેંક શેર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. તેમણે 3.2 ટકાથી લઈ 13 ટકાની રેંજમાં સુધારો દર્શાવ્યો હતો. જેમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર 13 ટકા સુધારા સાથે ટોચ પર હતો. ડિસઈન્વેસ્ટમેન્ટ માટે જેનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તે આઈઓબીનો શેર રૂ. 2.55ના સુધારે રૂ. 22.75 પર બંધ રહ્યો હતો. એક અન્ય ડિસઈન્વેસ્ટમેન્ટ કેન્ડિડેટ સેન્ટ્રલ બેંકનો શેર પણ 9.5 ટકા ઉછળી રૂ. 23.20ના સ્તરે બંધ રહ્યો હતો. અન્ય પીએસયૂ બેંક શેર્સમાં પંજાબ એન્ડ સિંધ બેંક(9 ટકા), બેંક ઓફ મહારાષ્ટ્ર(8 ટકા), પીએનબી(8 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(6 ટકા), બેંક ઓફ બરોડા(6 ટકા) અને યૂકો બેંક(5.5 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. એસબીઆઈનો શેર 4.47 ટકા સુધરી રૂ. 463.70ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક શેર તેની લગભગ એક મહિના અગાઉની રૂ. 467.45ની સર્વોચ્ચ ટોચ નજીક આવીને બંધ રહ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે એસબીઆઈ ટૂંક સમયમાં જ નવા ઝોનમાં પ્રવેશે અને બેંકિંગ સેક્ટરને આઉટપર્ફોર્મ કરે તેવી શક્યતા છે.
Market Summary 16 September 2021
September 16, 2021