બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બાયર્સ સાઈડ લાઈન બનતાં માર્કેટમાં નિરસ ટ્રેડ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ વધ-ઘટનો અભાવ
આગામી સત્રો ચોપી બની રહેવાની સંભાવના
લાર્જ અને મીડ-કેપ્સની સરખામણીમાં સ્મોલ-કેપ્સમાં મજબૂતી
રિઅલ્ટી અને ફાર્મામાં જળવાયેલી ખરીદી
એશિયન બજારોમાં સાર્વત્રિક 1-2 ટકાનો સુધારો
સપ્તાહના શરૂઆતી બે ટ્રેડિંગ સત્રોમાં ઊંચી વધ-ઘટ દર્શાવ્યાં બાદ બુધવારે સ્થાનિક શેરબજારમાં નિરસતા જોવા મળી હતી. ઊપરના સ્તરે બાયર્સનો સપોર્ટ નહિ મળતાં બેન્ચમાર્ક્સ તેમની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગબડ્યાં હતાં અને નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 145 પોઈન્ટ્સ નરમાઈ સાથે 57997ના સ્તરે જ્યારે નિફ્ટી 30 પોઈન્ટ્સના ઘટાડે 17322ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં પણ 0.10 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો અને તે 20.59 પર રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 29 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ લાર્જ-કેપ્સ માટે કોન્સોલિડેશનનો દિવસ બની રહ્યો હતો. નિફ્ટી ફેબ્રુઆરી ફ્યુચર્સ સ્પોટ નિફ્ટી સામે નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે 17297.90ના સ્તરે બંધ રહ્યો હતો. સામાન્યરીતે શોર્ટ સેલર્સને તેમની પોઝીશન કવર કરવાને લઈને ડર ના હોય ત્યારે આમ જોવા મળતું હોય છે.
વૈશ્વિક સ્તરે યુએસ બજારોમાં મંગળવારે મજબૂતી વચ્ચે એશિયન બજારો 1-2 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેની અસરે ભારતીય બજારે પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે શરુઆતી સમયમાં તે નેગેટિવ ઝોનમાં સરી પડ્યાં બાદ સુધારાતરફી બન્યું હતું અને બેન્ચમાર્ક નિફ્ટી 17491ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ફોલોઅપ બાઈંગના અભાવે તે ફરી નેગેટિવ ઝોનમાં પરત ફર્યો હતો અને આખરે અગાઉના બંધની નીચે જ બંધ રહ્યો હતો. રશિયન પ્રમુખે ડ્રિલ પૂરી થવા સાથે સૈન્ય પાછુ ફર્યું હોવાનું જણાવ્યું હતું. જેણે બજારોને રાહત આપી હતી. જોકે ક્રૂડના ભાવ પર આની કોઈ અસર જોવા મળી નહોતી અને બ્રેન્ટ ક્રૂડ વાયદો 95 ડોલર આસપાસ ટોચની નજીક જ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક ગોલ્ડ પણ સુધારા સાથે 1860 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. યૂક્રેનના પ્રમુખે રશિયાના દાવા સામે શંકા વ્યક્ત કરી હતી. જેને કારણે યુરોપના બજારો સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 17350નું સ્તર એક અવરોધ છે. જો આ સ્તર ખાતરીપૂર્વક પાર થશે તો બજારમાં સુધારો આગળ વઘતો જોવાશે. દરમિયાનમાં વૈશ્વિક બ્રોકરેજ બોફાએ નિફ્ટી માટેના તેના અગાઉના ટાર્ગેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. તેણે ડિસેમ્બર સુધીમાં 19000ના ટાર્ગેટને ઘટાડી 17000 કર્યો હતો. સાથે તેણે 2006 બાદ પ્રથમવાર આઈટી સેક્ટરને લઈને અન્ડરવેઈટ રેટિંગ દર્શાવ્યું હતું. બુધવારે ડિફેન્સિવ સેગમેન્ટમાં ફાર્મા અને એફએમસીજી ઈન્ડાઈસિસ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે આઈટી ઈન્ડેક્સ નેગેટિવ બંધ રહ્યો હતો. મેટલ, ઓટો અને બેંકિંગે પણ ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 1.13 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ડિવિઝ લેબોરેટરી, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, આઈઓસી અને એચડીએફસી લાઈફ 2 ટકાથી વધુના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે પાવરગ્રીડ કોર્પો, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ 2 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. મીડ-કેપ સેગમેન્ટમાં પણ વેચવાલી જળવાય હતી અને નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.29 ટકા ઘટી બંધ રહ્યો હતો. જોકે સ્મોલ-કેપ સૂચકાંક 0.73 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3453 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1998 પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 1359 નેગેટિવ જોવા મળ્યાં હતાં. આમ માર્કેટ-બ્રેડ્થ બીજા દિવસે પોઝીટીવ જળવાય હતી. અપર સર્કિટ્સમાં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા 349 અને લોઅર સર્કિટમાં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા 222 પર જોવા મળી હતી.
એશિયન સેન્ટ્રલ બેંકર્સ ફેડને નહિ અનુસરેઃ બેંક ઓફ અમેરિકા
બેંક ઓફ અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વના રેટ વૃદ્ધિ અંગે આક્રમક વલણને એશિયાના ઈમર્જિંગ માર્કેટ્સમાંના સેન્ટ્રલ બેંકર્સ અનુસરે તેવી શક્યતાં નથી. તેમના મતે તાજેતરમાં એશિયન મધ્યસ્થ બેંકોએ રજૂ કરેલી પોલિસી જાહેરાતો પરથી જણાય છે કે તેઓ ખૂબ જ ધીરજ રાખી રહ્યાં છે. મોટાભાગની એશિયન સેન્ટ્રલ બેંક તેમની પોતાની ગતિ મુજબ તથા સ્થાનિક માગમાં રિકવરીને લક્ષ્યમાં લઈને જ રેટ વૃદ્ધિ અંગે નિર્ણય લેશે. તેઓ ફેડ રિઝર્વનું આંધળુ અનુકરણ કરવાનું પસંદ નહિ કરે. કેમકે અગાઉ આમ કરવા જતાં તેમણે આર્થિક વૃદ્ધિમાં ઘટાડાનો ભોગ બનવાનું થયું હતું. તાજેતરમાં ફેડ રેટની ઊંચી શક્યતાં પાછળ વૈશ્વિક બજારોમાં મોટી વોલેટિલિટી જોવા મળી રહી છે.
મેકલીઓડ્સ ફાર્માએ 5000 કરોડ ઊભા કરવા ડીઆરએચપી ફાઇલ કર્યું
દેશમાં વેચાણની બાબતમાં સાતમી સૌથી મોટી ફાર્મા કંપની મેકલીઓડ્સ ફાર્માએ મૂડી બજારમાંથી રૂ. 5 હજાર કરોડ ઊભાં કરવા માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. આઈપીઓમાં પ્રમોટર જૂથ તરફથી 6.05 કરોડ શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થતો હતો. કંપની ફોર્મ્યુલેશન્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ ધરાવે છે. છેલ્લાં 10 નાણા વર્ષોમાં કંપનીનું વેચાણ સરેરાશ 15.3 ટકા દરે વૃદ્ધિ પામ્યું હતું. કંપનીની કુલ આવકમાં સ્થાનિક બિઝનેસનો હિસ્સો 51 ટકા જેટલો જોવા મળે છે.
ડોલર સામે રૂપિયો વધુ 28 પૈસા ઉછળ્યો
રૂપિયામાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. યુએસ ડોલર સામે ગેપ-અપ ઓપનીંગ બાદ તે મોટી રેંજમાં અથડાયા બાદ તે 28 પૈસા સુધરી 75.03ની સપાટી પર બંદ રહ્યો હતો. મંગળવારે 75.31ની સપાટી પર બંધ રહેલો રૂપિયો 75.17 પર ઓપનીંગ દર્શાવી વધુ સુધારે 74.96ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડી 75.29 પર જોવા મળ્યો હતો. જોકે આખરે તે દિવસની ટોચ નજીક બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 95.83ના સ્તરે નરમ ટ્રેડ દર્શાવતો હતો.
LIC IPO 10 માર્ચે ખૂલે તેવી અટકળો
પીએસયૂ જીવન વીમા કંપની રૂ. 2000-2100ની રેંજમાં શેર ઓફર કરે તેવી શક્યતાં
દેશના શેરબજારમાં મેગા આઈપીઓ સાથે પ્રવેશવા તૈયાર એલઆઈસી 10 માર્ચે ઈસ્યૂ લોંચ કરે તેવી બિનસત્તાવાર માહિતી મળી રહી છે. આ અટકળ મુજબ જાહેર ક્ષેત્રની વીમા કંપની રૂ. 2000-2100ની રેંજમાં શેર ઓફર કરશે અને રૂ. 65400 કરોડનું ભંડોળ ઊભા કરશે. જ્યારે પોલિસીધારકોને તથા કર્મચારીઓને 10 ટકા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે તેવું બજારમાં ચર્ચાય રહ્યું છે. કંપનીએ ગયા રવિવારે સેબી સમક્ષ આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. રિટેલ માટે 7 શેર્સની લઘુત્તમ લોટ સાઈઝ રહેશે. સરકારે જોકે અગાઉ જણાવ્યું હતું કે એકવાર રોકાણકારો સાથે રોડશોના આયોજન બાદ જ કંપનીના વેલ્યૂએશન અને ઈસ્યુ ડેટ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે માર્કેટમાં બુધવારે ફરી રહેલી અફવા મુજબ એલઆઈસી કુલ 31.62 કરોડ શેર્સ ઓફર કરશે. જેમાંથી 3.16 કરોડ એટલેકે 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત રાખશે. કંપની 10 માર્ચે બજારમાં પ્રવેશશે અને 14 માર્ચે આઈપીઓ બંધ થશે. કંપની આઈપીઓ અગાઉ એન્કર ઈન્વેસ્ટર્સને 8.06 કરોડ શેર્સ ઓફર કરશે. જ્યારે આઈપીઓમાં ક્વિપને 5.37 કરોડ શેર્સ, એચએનઆઈને 4.03 કરોડ શેર્સ અને રિટેલને 9.41 કરોડ શેર્સ ઓફર કરશે.
LICએ સેબી પાસે સિક્યૂરીટી ડિપોઝીટમાંથી મુક્તિની માગ કરી
લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને તેના આઈપીઓને લઈને સેબી સમક્ષ સિક્યૂરીટી ડિપોઝીટમાંથી મુક્તિ આપવા માગણી કરી છે. સામાન્યરીતે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશનાર કોઈપણ કંપનીએ તેની ઈસ્યુ સાઈઝના 1 ટકા લેખે સિક્યૂરિટીઝ ડિપોઝીટ જમા કરાવવાની હોય છે. જેનો હેતુ ઈસ્યુમાં કોઈપણ પ્રકારની ગેરરિતિ સામેની બાંહેધરીનો હોય છે. એકવાર ઈસ્યુ પૂરો થાય એટલે ઈસ્યુઅરને ડિપોઝીટ પરત કરવામાં આવે છે. એલઆઈસીના આઈપીઓના કદને જોતાં તેણે સેબી સમક્ષ અંદાજે રૂ. 500-800 કરોડની સિક્યૂરિટી ડિપોઝીટ્સ જમા કરાવવાની બની શકે છે એમ વર્તુળો જણાવે છે.
સેબી-RBIની MFs માટે વિદેશી રોકાણ મર્યાદામાં 25 ટકા સુધી વૃદ્ધિની વિચારણા
વર્તમાન 7 અબજ ડોલરની વૈશ્વિક ઈક્વિટીઝમાં રોકાણ મર્યાદા ઘણી ખરી વપરાય જતાં લિમિટ વૃદ્ધિની માગ
માર્કેટ રેગ્યુલેટરે ફોરેક્સ રિઝર્વ 254 અબજ ડોલર હતું ત્યારે હાલની અપર લિમિટ નિર્ધારિત કરી હતી
માર્કેટ રેગ્યુલેટર સેબી અને બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈ ભારતીય મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માટેની રોકાણ વૈશ્વિક શેરબજારોમાં રોકાણ માટેની વર્તમાન મર્યાદામાં 25 ટકા સુધીની વૃદ્ધિ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યાં છે. આમ કરવાનું કારણ વર્તમાન 7 અબજ ડોલરની મર્યાદા તેના સર્વોચ્ચ સ્તર નજીક પહોંચી ચૂકી હોવાનું છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ઘણા મ્યુચ્યુલ ફંડ્સે તેમની ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સમાં નવું ફંડ્સ લેવાનું મોકૂફ રાખવું પડ્યું હતું.
ભારતીય ફંડ ઉદ્યોગે છેલ્લાં બે વર્ષોમાં અનેક વૈશ્વિક ફંડ હાઉસિસ સાથે મળીને સ્થાનિક રોકાણકારોને વિદેશી ઈક્વિટીઝમાં રોકાણની તક પૂરી પાડી છે. તેમના જણાવ્યા મુજબ ભારતીય રોકાણકારોમાં વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ઊંચી રૂચિ જોવા મળી રહી છે. તેઓ ગૂગલ, સ્ટારબક્સ, એમેઝોન અને એપલ જેવી કંપનીઓના શેર્સ ઉપરાંત અન્ય મોટા ગ્લોબલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યાં છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)એ આરબીઆઈને વૈશ્વિક સિક્યૂરિટીઝમાં રોકાણ માટેની મર્યાદામાં વૃદ્ધિ માટે જણાવ્યું છે. એસોસિએશનના હોદ્દેદારો કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે આ અંગે બેઠક પણ યોજી ચૂક્યાં છે. હવે સેબી આ મુદ્દે બેંક રેગ્યુલેટર આરબીઆઈ સાથે મંત્રણા ચલાવી રહી છે. આમ આરબીઆઈએ આ અંગે આખરી નિર્ણય લેવાનો રહે છે એમ વર્તુળો જણાવે છે. તેમના મતે હાલમાં વૈશ્વિક શેરબજારોમાં જોવા મળી રહેલી ઊંચી વોલેટિલિટીને જોતાં સેન્ટ્રલ બેંક નિર્ણય લેવામાં કેટલીક રાહ જોવાનું પસંદ કરી શકે છે. એકવાર માર્કેટ્સમાં સ્થિરતા પરત ફરશે ત્યારબાદ તે નિર્ણય અંગે જાણકારી આપી શકે છે. ફોરિન એક્સચેન્જ સંબંધી કોઈપણ બાબતે આરબીઆઈએ સૌપ્રથમ સર્ક્યુલર જાહેર કરવાનો રહે છ ત્યારબાદ જ સેબી તેનું પાલન કરી શકે છે.
દેશમાં અગ્રણી એએમસી કંપનીઓ જેવીકે આદિત્ય બિરલા, એક્સિસ, ડીએસપી, એડલવેઈસ, ટેમ્પલ્ટન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, મોતીલાલ ઓસ્વાલ, નિપ્પોન અને એસબીઆઈ સહિતના સ્થાનિક ફંડ હાઉસિસ વિદેશી ઈક્વિટીઝમાં રોકાણ કરતી સ્કીમ્સનું સંચાલન કરી રહ્યાં છે. મંગળવારના એક્સચેન્જ રેટને ગણનામાં લેતાં આ કંપનીઓની તમામ સ્કીમ્સનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 46930 કરોડ અથવા તો 6.23 અબજ ડોલર પર જોવા મળતું હતું. 7 અબજ ડોલરની મર્યાદામાં એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાં કરવામાં આવેલા રોકાણનો સમાવેશ નથી થતો. જે એક અબજ ડોલરની મહત્તમ મર્યાદા ધરાવે છે. આમ પેસિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ માટે હજુ પણ કંપનીઓ પાસે સારી એવી તક ઉપલબ્ધ છે.
વર્તમાન 7 અબજ ડોલરની રોકાણ મર્યાદા આરબીઆઈ અને સેબીએ લગભગ દોઢ દાયકા અગાઉ નિર્ધારિત કરી હતી. જ્યારે દેશનું ફોરેક્સ રિઝર્વ્સ 254 અબજ ડોલર પર હતું. હાલમાં દેશનું વિદેશી હૂંડિયામણ 632 અબજ ડોલર પર જોવા મળે છે. જે સત્તાવાળાઓને મર્યાદામાં વૃદ્ધિ કરવા માટે નોંધપાત્ર તક પૂરી પાડે છે એમ વર્તુળો જણાવે છે. દેશ પાસે મોટા પ્રમાણમાં ફોરેક્સ રિઝર્વ્સ પ્રાપ્ય છે તે જોતાં વિદેશી સિક્યૂરિટીઝમાં રોકાણ મર્યાદા વધારી શકાય તેમ છે. જંગી ફોરેક્સને કારણે એક્સચેન્જ રેટ વોલેટિલિટીને અંકુશમાં રાખવા માટે આરબીઆઈ પાસે પૂરતાં પ્રમાણમાં રિઝર્વ્સ ઉપલબ્ધ છે.
ત્રીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ કંપનીઓએ 27 ટકા નફા વૃદ્ધિ દર્શાવી
સપ્ટેમ્બર 2019-20 ક્વાર્ટરથી સતત છઠ્ઠા ક્વાર્ટરમાં દ્વિઅંકી ગ્રોથ નોંધાવ્યો
બેંક્સ અને મેટલ-કોમોડિટીઝ કંપનીઓની નફાકારક્તામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી
ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ કંપનીઓના ચોખ્ખા નફામાં વાર્ષિક 26.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે તેમના ચોખ્ખા વેચાણમાં વાર્ષિક 24 ટકા વૃદ્ધિ નોંધાઈ હોવાનું એક અભ્યાસ સૂચવે છે. કાચી સામગ્રીના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે મેન્યૂફેક્ચરિંગ કંપનીઓના માર્જિન પર અસર થઈ હોવાનું સ્પષ્ટ જણાય આવે છે.
દેશના શેરબજારો પર લિસ્ટેડ 3191 કંપનીઓએ અત્યાર સુધીમાં રજૂ કરેલા પરિણામોનો અભ્યાસ કરતાં જોવા મળે છે કે સાઈક્લિકલ સેક્ટર્સનો દેખાવ સારો રહ્યો છે. જેમાં બેંક્સ, નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને ઈન્શ્યોરન્સ ક્ષેત્ર અગ્રણી જોવા મળે છે. તે ઉપરાંત મેટલ્સ અને માઈનીંગ કંપનીઓ તથા ઓઈલ અને ગેસ ઉત્પાદક કંપનીઓએ પણ સારો દેખાવ નોંધાવ્યો છે. જ્યારે ઊંચી રો-મટિરિયલ કોસ્ટને કારણે મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાનું જણાય છે. તેમના માર્જિન્સમાં ઘટાડો નોંધાયો છે જ્યારે રેવન્યૂ ગ્રોથ પણ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં નીચો રહ્યો છે.
નાણાકિય વર્ષ 2021-22નું ત્રીજું ક્વાર્ટર ભારતીય કોર્પોરેટ્સ માટે દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવતું સતત છઠ્ઠું ક્વાર્ટર બની રહ્યું હતું. કોવિડના આગમન બાદ સપ્ટેમ્બર 2019-20 કવાર્ટરથી કંપનીઓ દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવી રહી છે. જેમકે ચાલુ વર્ષે બીજા ક્વાર્ટર દરમિયાન સંયુક્ત નેટ પ્રોફિટ્સમાં 49.1 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં નીચા બેઝને કારણે કંપનીઓએ પ્રોફિટમાં નવ ગણી વૃદ્ધિ દર્શાવી હતી. અભ્યાસમાં સમાવવામાં આવેલી કંપનીઓએ કુલ રૂ. 2,38,869 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે રૂ. 1.88 લાખ કરોડ પરથી રૂ. 50 હજાર કરોડની વૃદ્ધિ દર્શાવતો હતો. જોકે ત્રિમાસિક ધોરણે તે રૂ. 1 હજાર કરોડનો સાધારણ ઘટાડો સૂચવતો હતો. બેંકિંગ, એનબીએફસી અને ઈન્શ્યોરન્સ કંપનીઓને દૂર કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં નફાની રકમ રૂ. 1,73,166 કરોડ પર જોવા મળી હતી. જો ઓઈલ અને મેટલ્સને પણ દૂર કરીએ તો નફાનું પ્રમાણ માત્ર રૂ. 96424 કરોડ પર રહેતું હતું. બીજા ક્વાર્ટરની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં નફાનું પ્રમાણ ઘટ્યું હતું. જોકે ટોપલાઈન એટલેકે વેચાણમાં ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી. અભ્યાસમાં આવરી લેવાયેલી લિસ્ટેડ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 27 લાખ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 21.76 લાખ કરોડની સામે રૂ. 5 લાખ કરોડથી વધુ વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 24.67 લાખ કરોડની સરખામણીમાં પણ રૂ. 2.30 લાખ કરોડથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું.
ટેકનોલોજી ઉદ્યોગ 227 અબજ ડોલરની વિક્રમી આવક નોંધાવશે
નાસ્કોમના મતે દાયકામાં પ્રથમવાર વાર્ષિક 30 ટકા આવક વૃદ્ધિ
નાણા વર્ષ 2021-22માં નવા 4.5 લાખનો વર્કફોર્સમાં ઉમેરો થયો
દેશના આઈટી ઉદ્યોગ માટે મહામારીનો સમય અસાધારણ બિઝનેસ વૃદ્ધિનો બની રહ્યો છે. ચાલુ નાણા વર્ષ 2021-22માં 227 અબજ ડોલરની વિક્રમી આવક દર્શાવે તેવો અંદાજ ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે મૂક્યો છે. ઉદ્યોગે દાયકામાં પ્રથમવાર વાર્ષિક ધોરણે 30 ટકાનો સૌથી ઊંચો રેવન્યૂ ગ્રોથ દર્શાવીને 200 અબજ ડોલરની આવકનું સ્તર પાર કર્યું છે. સાથે વાર્ષિક ધોરણે 4.5 લાખ નવા લોકોનો વર્કફોર્સમાં ઉમેરો પણ થયો છે. જેમાં 2 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.
જોકે હાલમાં આઈટી ક્ષેત્રે સક્રિય કુલ 51 લાખ કર્મચારીઓમાંથી મહિના કર્મચારીઓનું પ્રમાણ 18 લાખ જેટલું જ છે. સ્ટ્રેટેજિક રિવ્યૂ નામે શીર્ષક હેઠળ નાસ્કોમે રજૂ કરેલો અહેવાલ સૂચવે છે કે 2025-26ના વર્ષ સુધીમાં ટેક્નોલોજી ઉદ્યોગ 350 અબજ ડોલરની આવક દર્શાવે તેવી અપેક્ષા છે. ઉદ્યોગ મુખ્યત્વે નિકાસલક્ષી છે અને તે વાર્ષિક ધોરણે 17.2 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જેનું કુલ મૂલ્ય 178 અબજ ડોલર થાય છે. જે દેશની કુલ નિકાસના 51 ટકા હિસ્સો છે. સ્થાનિક ટેક્નોલોજી ઉદ્યોગે મહામારી અગાઉના લેવલ્સથી 1.2 ગણો વૃદ્ધિ દર નોંધાવી 50 અબજ ડોલરનું કદ હાંસલ કર્યું છે.
ઈ-કોમર્સની વાત કરીએ તો તેણે 2021-22માં 39 ટકા વૃદ્ધિ સાથે 79 અબજ ડોલરનું કદ દર્શાવ્યું છે. જ્યારે ડિજીટલ રેવન્યૂનો હિસ્સો 30-32 ટકા પર જોવા મળ્યો છે. જે 2021-22માં 13 અબજ ડોલરની ઈન્ક્રિમેન્ટલ રેવન્યૂ નોંધાવી તેવી અપેક્ષા છે. નાસ્કોમ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ નાણાકિય વર્ષ 2021-22 ભારતીય ટેક્નોલોજિ ઉદ્યોગ માટે મહત્વનું બની રહ્યું હતું. તેણે વ્યાપક વૃદ્ધિ સાથે જબરદસ્ત રોજગારીની તકો ઊભી કરી હતી. તે ભારતના આર્થિક વૃદ્ધિ દરનું એન્જિન બની રહેશે.