Market Summary 16/01/2023

મંદીવાળાઓની મજબૂત પકડે ઊંચા મથાળે જોવા મળતું દબાણ
ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 15.02ની સપાટીએ
પીએસયૂ બેંક્સમાં મજબૂતી
આઈટી, એનર્જીમાં પણ મક્કમ અન્ડરટોન
મેટલ, ઓટો, ફાર્મામાં નરમાઈ
આઈડીએફસી, ફેડરલ બેંક નવી ટોચે
નાયકા, વોડાફોનમાં નવુ તળિયું

શેરબજારમાં મંદીવાળાઓની ધાક જળવાય રહી છે. નવા સપ્તાહની શરુઆતે ઊંચા મથાળે વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજાર ફરીવાર મંદીમાં સરી પડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 168.21 પોઈન્ટ્સના ઘટાડે 60092.97ની સપાટીએ જ્યારે નિફ્ટી 61.75 પોઈન્ટ્સ ગગડી 17894.85ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 47 પોઈન્ટ્સ પ્રિમીયમે 17941.50ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેના પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે લોંગ પોઝીશનનું લિક્વિડેશન થયું છે. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 17 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3778 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1910 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 1691 પોઝીટીવ જળવાયાં હતાં. 120 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 47 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
એશિયન બજારોમાં મજબૂતી પાછળ સોમવારે નવા સપ્તાહે માર્કેટની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. જોકે છેલ્લાં કેટલાંક દિવસોના ક્રમને જાળવી રાખતાં બજારે મજબૂત ઓપનીંગ બાદ ઘસાતું રહ્યું હતું અને દિવસના આખરી ભાવમાં તળિયું બનાવી તેની નજીક જ બંધ રહ્યું હતું. નિફ્ટી 17956ના અગાઉના બંધ સામે 18033 પર ઓપન થઈ 18050ની ટોચ બનાવી 17854ના તળિયા પર ટ્રેડ થયો હતો. આમ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 200 પોઈન્ટ્સ ગગડ્યો હતો. બેન્ચમાર્કને સપોર્ટ આપનારા મુખ્ય ઘટક શેર્સમાં ટેક્નોલોજી કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. ટેક મહિન્દ્રા 3.12 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત એચસીએલ ટેક, ઈન્ફોસિસ, વિપ્રો, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ઘટવામાં અદાણી એન્ટરપ્રાઈઝ ટોચ પર હતો. કાઉન્ટર્સ 2.72 ટકા જેટલો ગગડ્યો હતો. જે ઉપરાંત એક્સિસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, હિંદાલ્કો, એનટીપીસી, એચયૂએલ, એચડીએફસી, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઈન્ડ.માં ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં લેવાલી જોવા મળી હતી. જેની પાછળ ઈન્ડેક્સ 1.6 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી આઈટી 1.14 ટકા, નિફ્ટી એનર્જી 0.64 ટકા અને નિફ્ટી એફએમસીજી પણ સાધારણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટી મેટલ 1.32 ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી બેંક 0.5 ટકા, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 0.75 ટકા, નિફ્ટી મિડિયા 1.36 ટકા, નિફ્ટી કન્ઝમ્પ્શન 0.42 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી મીડ-કેપ 100 કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસ 6.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત યુનિયન બેંક 5.33 ટકા, પીએનબી 3.7 ટકા, ડેલ્હીવેરી 3.4 ટકા, જીએસપીસી 3 ટકા, એલએન્ડટી ફાઈનાન્સ 3 ટકા, ઈન્ડિયામાર્ટ 3 ટકા અને ઓરોબિંદો ફાર્મા 2.6 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે ઘટવામાં એસ્ટ્રાલ લિમિટેડ 3.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ 3.4 ટકા, પીબી ફિનટેક 3 ટકા, સીજી કન્ઝ્યૂમર 2.2 ટકા, ડિક્સોન ટેક્નોલોજી 2.2 ટકા, એલઆઈસી હાઉસિંગ 2 ટકા અને સિન્જિન 2 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી સ્મોલ-કેપ 100 ઈન્ડેક્સમાં જસ્ટ ડાયલ 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત હેગ, આઈડીએફસી, સિક્વન્ટ સાઈન્ટિફિક, આઈઆરબી ઈન્ફ્રા, રાઈટ્સ, કલ્પતરુ પાવર, ડેલ્ટા કોર્પ, રુટ મોબાઈલ, ટીવી18 બ્રોડકાસ્ટ અને સાયન્ટમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ ફ્યુચર રિટેલ 5 ટકા તૂટ્યો હતો. જે ઉપરાંત ગોડફ્રે ફિલિપ્સ 5 ટકા, પીવીઆર 4 ટકા, વેસ્ટલાઈફ ફૂડ 4 ટકા, રેઈલ વિકાસ 3.5 ટકા, રેઈન ઈન્ડસ્ટ્રીઝ 2 ટકા અને ચંબલ ફર્ટિલાઈઝર્સ 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પીએનબી 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત ટેક મહિન્દ્રા, આઈડીએફસી, એલએન્ડટી ફાઈનાન્સ, ઈન્ડિયામાર્ટ, ઓરોબિંદો ફાર્મા, ભારત ઈલેક્ટ્રિકલ્સ, વ્હર્લપુલ, ડાબર ઈન્ડિયામાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ પીવીઆર, એસ્ટ્રાલ, જિંદાલ સ્ટીલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, એનએમડીસી, એક્સિસ બેંક, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ અને મધરસન સુમીમાં નરમાઈ જોવા મળી રહી હતી. આઈડીએફસી, ફેડરલ બેંક અને એલએન્ડટી ફાઈનાન્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે નાયકા, વોડાફોન, લૌરસ લેબ્સ, ગ્લેન્ડ ફાર્મા અને લક્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.

કેલેન્ડર 2023માં જ ગોલ્ડ 3000 ડોલર થવાની આગાહી
ઓરિજીનલ ફોરકાસ્ટ માટે જાણીતી SAXO બેંકે વર્તમાન સપાટીએથી ગોલ્ડમાં 1100 ડોલર વૃદ્ધિની શક્યતા દર્શાવી

પોતાની આગવી આગાહી માટે જાણીતી ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન સેક્સો બેંકે ગોલ્ડ પ્રાઈસ પ્રતિ ટ્રૌય ઔંસ 3000 ડોલરને સ્પર્શ કરે તેવી આગાહી કરી છે. હાલમાં ગોલ્ડના 1900 ડોલરના ભાવને જોતાં તે ચોક્કસ માનવું અઘરું જણાય છે. જોકે બેંકના અર્થશાસ્ત્રીઓએ તેમના ટાર્ગેટને યોગ્ય ઠેરવવા માટે કેટલાંક તર્કો પણ રજૂ કર્યાં છે. જેમાં વૈશ્વિક રાજકીય કટોકટી સાથે આર્થિક કટોકટીનો સમાવેશ થાય છે.
બેંકનું માનવું છે કે યુરોપમાં રાજકીય કટોકટીનો સમય શરૂ થયો છે. જેમકે ફ્રાન્સમાં ફુગાવા સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં વ્યાપક દેખાવો જોવા મળ્યાં છે. આ સ્થિતિમાં ત્યાના પ્રમુખ મેક્રોને રાજીનામુ આપવું પડશે તેવી આગાહી એક્સો બેંક કરે છે. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી ચૂંટણીમાં મેરી લે પેનની લોકપ્રિયતા વધતી જોવા મળી હતી. જે સૂચવે છે કે ત્યાં પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. બેંકની એક અન્ય આગાહી મુજબ યૂકે ફરી ઈયુમાં જોડાય તેવી અપેક્ષા છે. ઈયુ પોતાનું એક સંઘીય સૈન્ય પણ ઊભું કરે તેવી શક્યતાં છે. આ માટેનું કારણ તાજેતરમાં રશિયા તરફથી ઊભી થયેલો ખતરો છે.
બેંકની આગાહી સાથે કેટલાંક બહારના અર્થશાસ્ત્રીઓ પણ સહમત જોવા મળે છે. તેમના મતે યુરોપ અને યુએસ ખાતે ઈન્ફ્લેશન હાલમાં કેટલાંક દાયકાઓની ટોચ પર છે અને તેને જોતાં યુરોપ ખાતે આર્થિક કટોકટી ગંભીર છે. જે રાજકીય રીતે પણ મોટા પરિવર્તનો લાવી શકે તેમ છે. તેમના મતે ગોલ્ડ કેટલીક પરિસ્થિતિઓની તીવ્ર પ્રતિક્રિયા આપે છે. જેમાં નીચા ઈન્ટરેસ્ટ રેટ્સ, કરન્સીમાં ઘસારો અને જીઓપોલિટીકલ આંચકાઓનો સમાવેશ થાય છે. વર્તમાન સ્થિતિમાં રાજકીય અને આર્થિક પરિબળો ભેગા થયા છે. જે ગોલ્ડના ભાવને ભડકાવી શકે છે.
સેક્સો બેંકના મતે ફોસ્સિલ ફ્યુઅલની ખાધને કારણે એનર્જિ ક્ષેત્રે જંગી ખાધ ઊભી થઈ શકે છે. જેને ભરવા માટે નવા એક્સપ્લોરેશન અને ડ્રીલીંગ ઉપરાંત અન્ય એનર્જી પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવું પડશે. જો એનર્જીની સમસ્યાનો નજીકમાં કોઈ ઉકેલ નહિ આવે તો ફુગાવાનું જબરદસ્ત દબાણ ઊભું થશે. જે સેન્ટ્રલ બેંક્સને રેટ ટાઈટનીંગમાંથી મુક્તિ નહિ આપે. તેમ છતાં ગોલ્ડના ભાવમાં મજબૂતી જોવા મળશે. એ વાત ઉલ્લેખનીય છે કે નવેમ્બર અને ડિસેમ્બર-2022માં યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિના બે રાઉન્ડ વચ્ચે પણ ગોલ્ડના ભાવમાં સુધારો જળવાયો હતો. નવેમ્બરમાં ફેડે 75 બેસીસ પોઈન્ટ્સ જ્યારે ડિસેમ્બરમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે ગોલ્ડ નવેમ્બર 2022ની શરૂમાં 1620 ડોલરના અઢી વર્ષના તળિયેથી ઝડપી ઉછાળા સાથે 300 ડોલરથી વધુ મજબૂતી દર્શાવી ચૂક્યું છે. ફેડ તરફથી હોકિશ વલણ જાળવી રાખવા છતાં છેલ્લાં બે મહિનાથી ગોલ્ડ કોઈને ગાંઠી રહ્યું નથી. જે સૂચવે છે કે ગોલ્ડમાં સેફહેવનરૂપી ખરીદી શરૂ થઈ ચૂકી છે. જે લાંબા ગાળાના પડકારોને ધ્યાનમાં રાખીને થઈ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
ફરજિયાત પ્રાઈસ કંટ્રોલ્સ
સેક્સો બેંકના મતે રેટ વૃદ્ધિ છતાં ફુગાવો અંકુશમાં નહિ આવવાને કારણે સરકારોએ ફરજિયાત પ્રાઈસ કંટ્રોલ લાગુ પાડવાનો રહેશે. જેના પરિણામો સારા નહિ હોય. સામાન્યરીતે આ પ્રકારના પગલાંઓ યુધ્ધના સમયે હાથ ધરવામાં આવતાં હોય છે. આવા પગલાઓને કારણે સપ્લાય પર અસર પડતી હોય છે અને તે ‘ગ્રે’ માર્કેટનું સર્જન કરે છે. પ્રાઈસ કેપ એક આર્થિક સમસ્યા છે અને તેવી સ્થિતિમાં ગોલ્ડના ભાવ પર પોઝીટીવ અસર જોવા મળતી હોય છે.
OECD દેશો વિદેશી સેફ હેવન્સ પર પ્રતિબંધ મૂકશે
વિકસિત દેશો ખાસ કરીને યુએસ છેલ્લાં ઘણા વર્ષોથી બજેટ ડેફિસિટ્સનો સામનો કરી રહ્યાં છે. અન્ય શબ્દોમાં કહીએ તો અનેક સરકારોની ટેક્સ રેવન્યૂ તેમના ખર્ચના સરખામણીમાં નીચી જોવા મળે છે. જોકે તેમ છતાં હજુ સુધી ઓફશોર ટેક્સ પર સંપૂર્ણ પ્રતિબંધ જોવા મળતો નથી. જોકે ગંભીર આર્થિક પરિસ્થિતિ વખતે સ્થિતિ બદલાઈ શકે છે. કડક ટેક્સ નિયમો ફિઝિકલ ગોલ્ડની માગમાં વૃદ્ધિ કરી શકે છે. કર ચોરો તેમની મૂડી છૂપાવવા માટે આમ કરી શકે છે. કેમકે ફિઝિકલ ગોલ્ડ પર નજર રાખવી ખૂબ કઠિન હોય છે.
ડોલરને બાયપાસ
ઓપેક, ચીન, ભારત સહિતના દેશો આઈએમએફમાંથી બહાર નીકળી યુએસ ડોલર સિવાયના નવા એક્સચેન્જ માધ્યમ તરફ વળી શકે છે એમ બેંક જણાવે છે. રશિયા સામેના પ્રતિબંધોએ યુએસ ડોલરની વિશ્વસનીયતા સામે શંકા ઊભી કરી છે. ખાસ કરીને જે દેશો યુએસને પોતાનો સાથી નથી માની રહ્યાં તેમના માટે આ સાચુ છે. આમ જોખમને ટાળવા માટે તેઓ આઈએમએફને છોડી શકે છે અને નવી રિઝર્વ કરન્સી ઊભી કરી શકે છે. જે ગોલ્ડમાં મજબૂતી માટે ખૂબ મહત્વનું પરિબળ બની શકે છે. હાલમાં ગોલ્ડ સરેરાશ રોકાણકારના પોર્ટફોલિયોનો 2 ટકા હિસ્સા જેટલું પણ નથી. આમ જો રોકાણકોર આ તરફ વળે તો ગોલ્ડમાં મોટી તેજી સંભવ છે.

વૈશ્વિક બજારમાં મજબૂતી જળવાતાં સોનામાં વધુ રૂ. 400નો ઉછાળો
અમદાવાદ ખાતે શુધ્ધ ગોલ્ડના 10 ગ્રામે રૂ. 58550 બોલાયા
લગ્નસરાની ઘરાકી પાછળ ભાવ પ્રિમીયમમાં ટકી રહેવાની અપેક્ષા

ગોલ્ડના ભાવ મક્કમ જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં સોનામાં સુધારો જળવાય રહેતાં સ્થાનિક બજારમાં પણ ધાતુના ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. સોમવારે ઝવેરી બજારોમાં ભારે ખરીદી પાછળ શુધ્ધ સોનું રૂ. 58550 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટી પર બોલાયું હતું. જે ગયા શુક્રવારના બંધ ભાવથી રૂ. 400નો ઉછાળો દર્શાવે છે. ઓનલાઈન કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 250ની મજબૂતી સાથે રૂ. 56562ની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે ગયા સપ્તાહે ઓગસ્ટ 2020ની સર્વોચ્ચ ટોચ પાર કરી હતી. આમ હાલમાં તે નવા ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1831 ડોલરની સપાટીએ ટ્રેડ દર્શાવી 1825 ડોલર પર જોવા મળી રહ્યો હતો. ગોલ્ડ પાછળ સિલ્વરમાં પણ મજબૂતી જોવા મળતી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 600થી વધુની મજબૂતીએ રૂ. 70077ની સપાટીએ ટ્રેડ થયાં બાદ રૂ. 69700 આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ 24.66 ડોલરની ટોચ બનાવી 24.32 ડોલર પર જોવા મળતો હતો. બેઝ મેટલ્સ અને ક્રૂડમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. જેમાં નિકલ 5 ટકા ઉછાળો દર્શાવતું હતું. જ્યારે નેચરલ ગેસ અને લેડ એક ટકાથી વધુ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. બીજી બાજુ એલ્યુમિનિયમ અને ઝીંક પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. એકમાત્ર કોપરમાં સાધઆરણ નરમાઈ જોવા મળતી હતી.

શેરબજારમાં T+1 સેટલમેન્ટ 27 જાન્યુઆરીથી અમલી બનશે
નવા ટૂંકા સેટલમેન્ટ પિરિયડ બાદ ખરીદાર અને વેચનારને એક દિવસ પછી શેર્સ અને નાણા તેમના ખાતામાં મળશે

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સાઈકલ વધુ ટૂંકી થવા તરફ આગળ વધી રહી છે. એક મિડિયા અહેવાલ મુજબ આગામી 27 જાન્યુઆરીથી શેરબજારમાં T+1 સેટલમેન્ટ અમલી બનશે. જેનો અર્થ એ થાય કે ટૂંકા સેટલમેન્ટ પિરિયડ બાદ ખરીદાર અને વેચનારને માત્ર એક દિવસ પછી શેર્સ અને નાણા તેમના ખાતામાં મળશે.
હાલમાં દેશના શેરબજારોમાં T+2 સેટલમેન્ટ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. જે હેઠળ બાયર્સ અને સેલર્સને તેમના શેર્સ અને ફંડ્સ મળવામાં ત્રીજો વર્કિંગ દિવસ લાગે છે. જેમાં ટ્રેડિંગ દિવસનો સમાવેશ પણ થાય છે. જોકે નવા દિવસ બાદ જો રોકાણકાર સોમવારે કોઈ કંપનીના 50 શેર્સ ખરીદશે તો મંગળવારે તેના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા થઈ જશે. ટૂંકી સેટલમેન્ટ સાઈકલ ઈન્વેસ્ટર્સને વધુ ટ્રેડ કરવાની સુવિધા પૂરી પાડશે. કેમકે ફંડ્સ રોલીંગ વધ ઝડપી બનશે એમ રિપોર્ટ સૂચવે છે. અગાઉ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ(એફએન્ડઓ) શેર્સને T+1 સેટલમેન્ટમાં બે તબક્કામાં સમાવિષ્ટ કરવાની યોદનના હતી. જેમાં ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023નો સમાવેશ થતો હતો. સપ્ટેમ્બર 2021માં માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજારોને 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટને લોંચ કરવા માટેની મંજૂરી આપી હતી. જોકે ત્યારબાદ તમામ માર્કેટ ઈન્ટરમિડિરીઝે T+1 સેટલમેન્ટ સાઈકલના અમલીકરણને લઈને રજૂ કરવામાં આવેલા રોડમેપને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર 2021માં સરેરાશ દૈનિક માર્કેટ-કેપિટલાઈઝેશનને આધારે બીએસઈ, એનએસઈ અને એમએસી ખાતે તમામ શેર્સને ડિસ્સેન્ડિં ઓર્ડરમાં રેંકિંગ અપાયું હતું. પ્રથમ તબક્કામાં તળિયાના 100 શેર્સને T+1 સેટલમેન્ટમાં દાખલ કરવા માટે નક્કી કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ દરેક મહિને પછીના 500 બોટમ શેર્સને જાન્યુઆરી 2023 સુધી T+1 સેટલમેન્ટમાં રજૂ કરાયા હતાં. હવે કામકાજી કાર્યદક્ષતા લાવવા માટે તથા માર્કેટ પાર્ટિસિપન્ટ્સને રાહત મળે તે માટે નક્કી કરવામાં આવ્યું છે કે ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ પલબ્ધ હોય એવા તમામ શેર્સને જાન્યુઆરી 2023થી એક સાથે T+1 સેટલમેન્ટ માટે ઉપલબ્ધ બનાવવામાં આવે. જેને આધારે સ્ટોક એક્સચેન્જિસ તેમના ઓરિજનલ શેડ્યુલમાં ફેરફાર કરશે.
મારુતિ સુઝુકીએ વાહનોના ભાવમાં 1.1 ટકા વૃદ્ધિ કરી
નાણા વર્ષ 2022-23માં બીજીવાર ભાવ વધાર્યાં

દેશમાં અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેની કાર્સના ભાવમાં 1.1 ટકા સુધીનો વધારો નોંધાવ્યો છે. એપ્રિલ 2022થી શરૂ થયેલા નવા નાણા વર્ષમાં કંપનીએ બીજીવાર ભાવ વધારો દર્શાવ્યો છે. ગયા મહિને ડિસેમ્બરમાં કંપનીએ જણાવ્યું હતું કે વધતાં કાચામાલના ભાવને સરભર કરવા માટે કંપની તેના મોડેલ્સના ભાવ વધારશે. સાથે એપ્રિલ 2023થી અમલી બની રહેલા કડક એમિશન નોર્મ્સના પાલનની ખાતરી માટે જોગવાઈ કરવા તે ભાવ વધારો કરશે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જિસને રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તેણે તમામ મોડેલ્સમાં અંદાજે 1.1 ટકા વેઈટેજ એવરેજ વૃદ્ધિ દર્શાવી છે. આ સાંકેતિક આંકડો દિલ્હી ખાતે કંપનીના મોડેલ્સની એક્સ-શોરુમ પ્રાઈસને આધારે ગણવામાં આવ્યો છે. ભાવ વધારો 16 જાન્યુઆરી 2023થી અમલી બન્યો છે એમ કંપનીએ નોંધ્યું હતું. કંપની એન્ટ્રી-લેવલ સ્મોલ કાર અલ્ટોથી લઈ એસયૂવી ગ્રાન્ડ વિટારા જેવા મોડેલ્સનું વેચાણ ધરાવે છે. જેની એક્સ-શોરુમ દિલ્હી પ્રાઈસ રૂ. 3.39 લાખથી રૂ. 19.49 લાખની રેંજમાં જોવા મળે છે.

ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટ્યો
વિતેલાં સપ્તાહે પાંચેય સત્રોમાં સુધારો દર્શાવ્યાં બાદ નવા સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયો ડોલર સામે 21 પૈસા ગગડ્યો હતો અને 81.59ની સપાટી પર બંધ રહ્યો હતો. જોકે તેમ છતાં રૂપિયામાં હજુ પણ મજબૂતીની શક્યતાં છે. કેમકે તે 81.70ના સપોર્ટ ઉપર જોવા મળે છે. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ગોલ્ડ સહિત ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ 102ની સપાટી નીચે આંઠ-મહિનાના તળિયા પર ટ્રેડ દર્શાવતો હતો. સોમવારે ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં ડોલરસામે રૂપિયો 81.29ની સપાટી પર મજબૂત ઓપનીંગ બાદ સતત ગગડ્યો હતો અને 81.73ના ઈન્ટ્રા-ડે લો પર પટકાયો હતો. જ્યાંથી પરત ફરી 21 પૈસા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો.

રિલાયન્સે કેજી-ડી6 બ્લોકના ગેસ ઓક્શનને રદ કર્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના પાર્ટનર બ્રિટીશ પેટ્રોલિયમે તેમના કેજી-ડી6 બ્લોકમાંના નેચરલ ગેસના વેચાણ માટેના આયોજિત ઓક્શનને રદ કર્યું હોવાનું એક નોટિસમાં જણાવ્યું હતું. તેમણે ગેસ માર્કેટિંગ નિયમોમાં ફેરફારને કારણે આમ કર્યું હોવાનું માનવામાં આવે છે. પ્રતિ દિવસ 60 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ ગેસના વેચાણ માટે 18 જાન્યુઆરીએ ઈ-બીડિંગ યોજાવાનું હતું. બંને કંપનીઓએ સોમવારે જોકે જણાવ્યું હતું કે જ્યાં સુધી નવેસરથી જણાવવામાં આવે નહિ ત્યાં સુધી બીડીંગ પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવે છે. બંને કંપનીઓએ ઓક્શન રદ કરવા માટે કોઈ કારણ નહોતું દર્શાવ્યું, જોકે ઉદ્યોગ વર્તુળોના મતે સરકાર તરફતી નેચરલ ગેસના વેચાણ પર ચાર્જ કરવામાં આવતાં માર્જિન પર મર્યાદા ધરાવતાં નવા નિયમોની પાછળ આમ કરાયું હોય શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એચડીએફસી બેંકઃ પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 12698 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 18.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ રેવન્યૂ 18.3 ટકા ઉછળી રૂ. 31,488 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 26,627 કરોડ પર હતી. ત્રિમાસિકગાળાની તુલનામાં બેંકની ચોખ્ખી ટ્રેડિંગ અને માર્ક ટુ માર્કેટ આવકને બાદ કરતા ચોખ્ખી આવક 22.1 ટકા વધી હતી. બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.3 ટકા રહ્યું હતું. કંપનીની અન્ય આવકોમાં રૂ. 6052.6 કરોડની ફી અને કમિશન, ફોરેક્સ એક્સચેન્જમાં રૂ. 1074.1 કરોડ, નેટ ટ્રેડિંગ રૂ. 261.4 કરોડ અને માર્કે-ટુ-માર્કેટ આવક રૂ. 1111.8 કરોડ જોવા મળી હતી.
આઈડીબીઆઈઃ પીએસયૂ બેંકના પ્રાઈવેટાઈઝેશનમાં જાપાનની સુમીટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન ગ્રૂપ અને ઓકટ્રી કેપિટલ મેનેજમેન્ટે રસ દર્શાવ્યો છે. કેન્દ્ર સરકાર તથા લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકમાંના તેમના હિસ્સાનું વેચાણ કરશે.
મહિન્દ્રા ઈલેક્ટ્રીકઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચે મહિન્દ્રા ઈલેક્ટ્રીક મોબિલિટીના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં મર્જરને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવિત કોન્સોલિડેશન બાદ સમગ્ર વેલ્યૂ ચેઈન એક અમ્બ્રેલા નીચે આવી જશે. ઈવી બિઝનેસ પર કંપનીના વધતાં ફોકસને લક્ષ્યમાં લઈને મર્જર વિચારવામાં આવ્યું હતું.
નેટકો ફાર્માઃ ભારતીય દવા કંપનીને રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે આસિસ્ટન્ટ પેટન્ટ કંટ્રોલરને નેટકો ફાર્માની નોવાર્ટિસની બ્લોકબ્લસ્ટર હર્ટ ફેઈલ્યોર ડ્રગની પેટન્ટ સામેના વિરોધને સાંભળવા સૂચન કર્યું છે. કોર્ટનો આ નિર્ણય મહત્વનો છે. કેમકે તે ભારતીય ફાર્મા કંપની માટે તેના જેનરિક વર્ઝન વાયમેડાના લોંચ માટેના દ્વાર ખોલવાની શક્યતાં ધરાવે છે. નેટકો ફાર્મા હાલમાં વૈશ્વિક સ્તરે આ દવાનું વેચાણ ધરાવે છે.
એલએન્ડટી ફાઈનાન્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 454 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 39 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વધીને 8.8 ટકા પર જોવા મળ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 70 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. જ્યારે ગ્રોસ એનપીએ ગયા વર્ષના 6.69 ટકા પરથી ઘટી 4.21 ટકા પર જોવા મળી હતી. નેટ એનપીએ પણ 3.17 ટકા પરથી ઘટી 1.72 ટકા પર રહી હતી.
જસ્ટ ડાયલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 75.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 19.4 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક 39.3 ટકા વધી રૂ. 221.4 કરોડ પર રહી હતી. સારા પરિણામો પાછળ કંપનીનો શેર 10 ટકા ઉછળ્યો હતો.
ડીમાર્ટઃ રિટેલ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 589.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 552.6 કરોડ સામે વાર્ષિક 6.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 9,217.8 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 11,569.1 કરોડ પર જોવા મળી હતી. જોકે પરિણામો પાછળ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
એચજી ઈન્ફ્રાઃ કંપનીએ ડીએમઆરસી તરફથી અંદાજિત રૂ. 399 કરોડના મૂલ્યનો ખર્ચ ધરાવતાં પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મેળવ્યો છે.
રેલટેલઃ રેલ્વે કંપનીએ પૂડીચેરી સરકાર તરફથી સ્માર્ટ સિટી માટે રૂ. 170.11 કરોડનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
મહિન્દ્રા લાઈફસ્પેસઃ મહિન્દ્રા જૂથની રિઅલ એસ્ટેટ કંપનીએ વિસ્તરણના ભાગરૂપે બેંગલૂરુ ખાતે 4.25 એકર જમીનની ખરીદી કરી છે.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ ફાઈઝરની બ્રેસ્ટ કેન્સરની દવા માટેના ટ્રેડમાર્ક રાઈટ્સની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage