Market Tips

Market Summary 15 June 2021

બ્લોગ કન્ટેન્ટ

 

માર્કેટ સમરી

 

નિફ્ટી 16000થી 130 પોઈન્ટ્સ છેટે

 

મંગળવારે બજારમાં રેંજમાં અથડાતાં રહીને પણ બેન્ચમાર્ક નિફ્ટીએ 15850ના મહત્વના અવરોધને પાર કર્યો હતો અને 15869ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. આમ 16000ના સીમાચિહ્નરૂપી સ્તરથી તે માત્ર 130 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ ઊંચા સ્તરે હોવાથી તેમજ ગયા સપ્તાહે બુધવારે તથા ચાલુ સપ્તાહે સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ ડરી રહેલા માર્કેટ પાર્ટિસિપન્ટ્સ સતત ઘટાડાના ડર સાથે બજારની મૂવમેન્ટ જોઈ રહ્યાં છે. બ્રોકર વર્તુળો પણ તેમના ક્લાયન્ટ્સને પોઝીશન હળવી રાખવા માટેનું જણાવતાં જોવા મળે છે. અલબત્ત, આ બધા વચ્ચે બજારમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળી હતી અને મંગળવારે માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાય હતી.

 

 

સપ્તાહમાં ચાર આઈપીઓ પાછળ ગ્રે-માર્કેટ ફરી ધમધમ્યું

 

 

ડોડલા ડેરીમાં ગૂંથાઈ રહેલો સટ્ટો, શ્યામ મેટાલિક્સમાં પણ ગ્રે-માર્કેટમાં ઊંચા કામકાજ

 

રિટેલ ઈન્વેસ્ટર્સમાં જોકે પ્રાઈમરી માર્કેટમાં પાર્ટિસિપેટ કરવાને લઈને જોવા મળતો ખચકાટ

 

 

મે મહિનો સાવ ખાલી ગયા બાદ ચાલુ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં ચાર કંપનીઓ પ્રવેશી છે. જેની પાછળ ગ્રે-માર્કેટમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગ્રે-માર્કેટમાં કામકાજ કરતાં બ્રોકર્સ જણાવે છે કે ચારમાંથી ત્રણ કંપનીઓને લઈને મોટા કામકાજ જોવા મળી રહ્યાં છે. જ્યારે સોના કોમસ્ટારમાં કામકાજ થોડા પાંખા જોવા મળી રહ્યાં છે. ચારેય આઈપીઓ મળીને મૂડીબજારમાંથી કુલ રૂ. 9000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જોકે સેકન્ડરી માર્કેટ સાંકડી રેંજમાં અટવાઈ ગયું છે અને રોકાણકારો બજારમાં ઘટાડાની આશંકા સેવી રહ્યાં હોવાથી આઈપીઓને જંગી પ્રતિસાદ મળવાની શક્યતા ઓછી જોવામાં આવી રહી છે.

 

સપ્તાહની શરૂઆતમાં જ શ્યામ મેટાલિક્સ અને સોના કોમસ્ટાર આઈપીઓ ઓપન થયાં હતાં. મંગળવાર બપોર સુધીમાં શ્યામ મેટાલિક્સનો આઈપીઓ 3.68 ગણો જ્યારે સોના કોમસ્ટાર 0.22 ગણો ભરાયો હોવાનું જાણવા મળતું હતું. આ બંને આઈપીઓમાંથી શ્યામ મેટાલિક્સમાં ગ્રે માર્કેટ ગયા સપ્તાહની શરૂઆતથી સક્રિય બન્યું હતું. કંપનીના શેર માટે રૂ. 145-150નું પ્રિમીયમ બોલાતું હતું.  ડોડલા ડેરીનો આઈપીઓ 16 જૂને ખૂલી રહ્યો છે. જેમાં ગ્રે માર્કેટ ઓપરેટર્સ ખૂબ રસ લઈ રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે અને પ્રિમીયમ છેલ્લાં કેટલાંક દિવસોથી ધીમે-ધીમે ઊંચકાતું જાય છે. મંગળવારે ડોડલા ડેરી માટે તે શેરદીઠ રૂ. 140-150નું પ્રિમિયમ દર્શાવતું હતું. ગયા સપ્તાહે તે વધીને રૂ. 170 સુધી ગયુ હતું. વર્તુળોના મતે ઈસ્યુ એટલો આકર્ષક નથી પરંતુ ગ્રે-માર્કેટમાં સટ્ટો ગૂંથાઈ રહ્યો છે અને તેથી લિસ્ટીંગમાં પણ મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. ગ્રે-માર્કેટની સક્રિયતા જોતાં રિટેલ હિસ્સો 6-8 ગણો છલકાય શકે છે. ડોડલા ડેરીમાં ફોર્મના રૂ. 400 બોલાઈ રહ્યાં છે.  કંપની રૂ. 421-428ની પ્રાઈસ બેન્ડમાં શેર્સ ઓફર કરી રહી છે. શ્યામ મેટાલિક્સને મેટલ શેર્સમાં તેજીનો લાભ મળી શકે છે અને તેથી તેને લઈને ગ્રે-માર્કેટ ઘણુ સક્રિય છે. આઈપીઓ ડોડલા ડેરી કરતાં મોટો છે. ગ્રે-માર્કેટ કંપનીના શેરના રૂ. 306ના ઓફરભાવ સામે સામે રૂ. 145-150નું પ્રિમિયમ દર્શાવી રહ્યું છે. માર્કેટમાં કામકાજની શરૂઆત રૂ. 65ના પ્રિમીયમ સાથે થઈ હતી. જેમાં સતત વૃદ્ધિ થતી રહી છે. ઈસ્યુમાં રિટેલ હિસ્સો 8 ગણો છલકાય તેવી શક્યતા છે. જ્યારે એલોટમેન્ટ 5-7 અરજીઓને થશે એમ વર્તુળો જણાવે છે. રિટેલ કેટેગરીમાં લઘુત્તમ ફોર્મના ભાવ રૂ. 450 બોલાઈ રહ્યાં છે. જ્યારે સબ્જેક્ટ-ટુના રૂ. 4500 બોલાઈ રહ્યાં છે. શ્યામ મેટાલિક્સ સિવાય અન્ય આઈપીઓમાં સબ્જેક્ટ-ટુના સોદા થઈ રહ્યાં નથી. 16 જૂને બજારમાં પ્રવેશી રહેલી ક્રિષ્ણા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ(કેઆઈએમએસ)માં ગ્રે-માર્કેટમાં માત્ર સેલર જોવા મળતાં હતાં. મંગળવારે શેરને લઈને ગ્રે-માર્કેટ રૂ. 70-75નું પ્રિમીયમ દર્શાવતું હતું. સોમવારે સાંજે તેમાં રૂ. 40માં માત્ર સેલર્સ જોવા મળતાં હતાં. સામે ખરીદારો નહોતા. ચારમાંથી સૌથી મોટા આઈપીઓ સોના કોમસ્ટારમાં શેરનું પ્રિમીયમ રૂ. 8-9નું જોવા મળતું હતું. તે ઉપરમાં રૂ. 10 થયું હતું. જોકે ઊંચા ભાવે બાયર્સ જોવા મળતાં નથી. વર્તુળોના મતે સોના કોમસ્ટાર અને કેઆઈએમએસમાં રિટેલ ભરણુ બહુ ઊંચું ભરાય તેવું નથી જણાતું. આમ એલોટમેન્ટ નિશ્ચિત હશે. કંપની રૂ. 285-291ના પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરી રહી છે. કેલેન્ડર 2021ની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ 21 આઈપીઓમાં રૂ. 29000 કરોડ ઊભાં કરવામાં આવ્યાં છે. આમાં બ્રુકફિલ્ડ રેઈટ અને પાવરગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના ઈન્વિટનો સમાવેશ પણ થાય છે. તે બંનેએ મળીને કુલ રૂ. 12000થી વધુની રકમ મેળવી હતી. આમ 2020ની સરખામણીમાં અત્યાર સુધી પ્રાઈમરી માર્કેટની કામગીરી ઘણી સારી રહી છે. જોકે આમ છતાં નિષ્ણાતોના મતે 2021નો પ્રથમ અર્ધવાર્ષિકગાળો અપેક્ષિત નથી રહ્યો અને સેકન્ડરી માર્કેટમાં સુધારા અને સ્થિરતા પાછળ બીજા છ મહિના વધુ સારા જોવા મળે તેવી શક્યતા છે.

 

 

 

 

 

 

સેબીએ ફ્રેન્કલીન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસિસ સહિત નવ લોકો પર રૂ. 15 કરોડનો દંડ ફટકાર્યો

 

 

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્રેન્કલીન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસિસ તથા તેની છ ડેટ સ્કીમ્સ સાથે સંકળાયેલા સિનિયર અધિકારીઓ અને ફંડ મેનેજર્સ સહિત કુલ નવ લોકો પર રૂ. 15 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ શિક્ષાત્મક કામગીરીમાં ફ્રેન્કલીન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસિસ પ્રા. લિ.ને પર રૂ. 3 કરોડ તથા ફ્રેન્કલીન એસેટ મેનેજમેન્ટ(ઈન્ડિયા) પ્રા. લિ. પ્રમુખ સંજય સાપ્રે અને તેના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સંતોષ કામત બંને પર 2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત માર્કેટ વોચડોગે ફ્રેન્કલીન ટેમ્પલ્ટનની વિવિધ સ્કીમ્સમાં ફંડ મેનેજર્સ તરીકે જે-તે સમયે સક્રિય કુનાલ અગ્રવાલ, પલ્લવ રોય, સચીન દેસાઈ અને ઉમેશ શર્મા પર વ્યક્તિગત ધોરણે રૂ. 1.5 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે. આ ઉપરાંત ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસર સૌરભ ગાન્ગ્રેડ પર પણ રૂ. 50 લાખનો દંડ લાગુ પાડ્યો છે. સેબીએ તેનો ઓર્ડર મેળવ્યાના 45 દિવસોમાં દંડની રકમ જમા કરાવવા માટે જણાવ્યું છે. સેબીએ જણાવ્યું હતું કે હાઈ યિલ્ડ સ્ટ્રેટેજિસ માટેના વલગણને લીધે ફ્રેન્કલીન ટેમ્પ્લટને જોખમોને અવગણ્યા હતાં અને તેમણે નિયમોનો ભંગ કર્યો હતો.

 

 

એવન્યૂ સુપરમાર્કેટ્સનો શેર નવી ટોચ પર પહોંચ્યો

 

દેશમાં ડી-માર્ટ સ્ટોર્સની માલિક એવન્યૂ સુપરમાર્કેટ્સનો શેર મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. અનલોકિંગ બાદ સ્થિતિ સામાન્ય બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે રોકાણકારો શેરમાં ખરીદી કરી રહ્યાં હોય તેવું જણાય છે. કંપનીનો શેર રૂ. 3273 અગાઉના બંધ સામે રૂ. 3393ની ટોચ પર ટ્રેડ થઈ 2.66 ટકાના સુધારે રૂ. 3360ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 2.18 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીનો શેર રૂ. 1900ના વાર્ષિક તળિયા સામે 60 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.

 

 

ડોલર સામે રૂપિયો સતત છઠ્ઠા દિવસે ઘટ્યો

 

એપ્રિલ મહિના બાદ પ્રથમવાર રૂપિયાએ ડોલર સામે સતત નરમાઈ દર્શાવી છે. મંગળવારે તે સળંગ છઠ્ઠા દિવસે 5 પૈસા નરમાઈ સાથે 73.32ના સ્તર પર  બંધ રહ્યો હતો. આમ સ્થાનિક ચલણે તેનો 73.30નો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો. અગાઉ એપ્રિલમાં તેણે ગ્રીનબેક સામે એકસાથે રૂ. 2.07નો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. જેની સરખામણીમાં હાલમાં તે ધીમો ઘટાડો દર્શાવી રહ્યો છે. ક્રૂડના ભાવમાં વૃદ્ધિની પણ રૂપિયા પર અસર પડી છે. દેશમાં ક્રૂડ આયાતકારોની ડોલરમાં ઊંચી માગ જોવા મળી છે. બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ ચાલુ સપ્તાહે એફઓએમસીની બેઠક અગાઉ ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી છે. જેને કારણે રૂપિયો ઘસાયો છે. ક્રૂડ અને ડોલરમાં મજબૂતીને કારણે રૂપિયામાં ઘસારો જળવાય તેવી શક્યતા જોવાઈ રહી છે. હવે તેને 73.83 ટકાનો અવરોધ છે. જે તાજેતરની ટોચ 73.35 અને 72.30ના તળિયાને જોડતો ફિબોનાક્કી રિટ્રેસમેન્ટ લેવલ છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.