બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઓટો, FMCGમાં લેવાલી પાછળ સપ્તાહાંતે તેજીવાળાઓને રાહત
હરિફ બજારો સામે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
હોંગ કોંગ અને ચીનના બજારોમાં 2-3 ટકાનો નોંધપાત્ર ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 17.59ના સ્તરે બંધ
ઓટો ઈન્ડેક્સ 2 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
એફએમસીજી ઈન્ડેક્સમાં પણ 1.5 ટકાનો સુધારો
બ્રોડ માર્કેટમાં પણ જોવા મળેલી લેવાલી
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશને સર્વોચ્ચ સપાટી દર્શાવી
કોમોડિટીઝમાં ઘટાડા પાછળ સ્ટીલ શેર્સ તૂટ્યાં
તેજીવાળાઓએ સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં બાજી સંભાળી લીઘી હતી અને ચાર સત્રો બાદ સ્થાનિક બજારે પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળતા મેળવી હતી. દિવસના મધ્યાહને શોર્ટ કવરિંગ નીકળતાં જોત જોતામાં બેન્ચમાર્ક્સ નોંધપાત્ર સુધારો દર્શાવતાં જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 345 પોઈન્ટ્સ ઉછળી 53761ની સપાટીએ જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ્સના સુધારે 16049ની સપાટીએ બંધ રહ્યાં હતાં. ત્રણ સત્રોથી 16 હજાર નીચે બંધ દર્શાવ્યાં બાદ નિફ્ટી ફરી 16 હજારના સાયકોલોજિકલ લેવલને પાર કરી ગયો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકાથી વધુના ઘટાડે 17.59ના ઘણા સપ્તાહોના તળિયા પર બંધ જોવા મળ્યો હતો.
શુક્રવારે માર્કેટનું કામકાજ સાધારણ પોઝીટીવ ઓપનીંગ બાદ શરૂઆતી ત્રણેક કલાકો દરમિયાન ડલ જોવા મળ્યું હતું. જે દરમિયાન નિફ્ટી તેના 15939ના અગાઉના બંધ નીચે 15927ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે બપોર બાદ માર્કેટમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક 16 હજારની સપાટી પાર કરી 16067ની ટોચ પર ટ્રેડ થયા બાદ તેની નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 16074ના સ્તરે લગભગ 25 પોઈન્ટ્સ પ્રિમિયમમાં જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં વધુ શોર્ટ કવરિંગની શક્યતાં છે અને માર્કેટ ગયા સપ્તાહની ટોચને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. શુક્રવારે હરિફ એશિયન બજારોમાં હોંગ કોંગ 2.7 ટકાનો જ્યારે ચીન 1.7 ટકાનો મોટો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે કોરિયા, તાઈવાન અને જાપાનના બજારો અડધા ટકા સુધીની પોઝીટીવ મૂવમેન્ટ સાથે બંધ રહ્યા હતાં. યુરોપ બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આમ ભારતીય બજારને વૈશ્વિક બજારો તરફથી દબાણનો સામનો કરવાનો નહોતો બન્યો. સ્થાનિક માર્કેટને ઓટો અને એફએમસીજી સેક્ટર્સ તરફથી સમર્થન સાંપડ્યું હતું. નિફ્ટી ઓટો 2 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. તેણે 12378ની સર્વોચ્ચ સપાટી પણ દર્શાવી હતી. દેશભરમાં વ્યાપક વરસાદને કારણે ખરિફ સિઝન બમ્પર જોવા મળે તેવી શક્યતા પાછળ કન્ઝમ્પ્શન સાથે જોડાયેલા ઓટોમોબાઈલ અને એફએમસીજીમાં લેવાલી નીકળી હતી. ઓટો શેર્સમાં ટીવીએસ મોટર 4.21 ટકા સાથે નવી ટોચ પર પહોંચ્યો હતો. આ સિવાય ટાટા મોટર્સ 3 ટકા, એમઆરએફ 3 ટકા, આઈશર મોટર્સ 3 ટકા, બોશ 3 ટકા અને એમએન્ડએમ પણ લગભગ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકીનો શેર 2.5 ટકા મજબૂતી સાથે રૂ. 8778ની વર્ષની ટોચ નજીક બંધ જોવા મળ્યો હતો. એફએમસીજી કાઉન્ટર્સમાં ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ 3.3 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે એચયૂએલ 3 ટકા, નેસ્લે 2.2 ટકા, બ્રિટાનિયા 2 ટકા, પીએન્ડજી 1 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ 1 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એચયૂએલે લાંબા સમયગાળા બાદ રૂ. 2500ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. જોકે આઈટી કાઉન્ટર્સમાં નરમાઈ જળવાયેલી રહી હતી. એચસીએલ ટેક્નોલોજી વધુ 2.2 ટકા તૂટ્યો હતો. આ સિવાય વિપ્રો 2 ટકા, કોફોર્જ 1 ટકા અને ટેક મહિન્દ્રા પણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં ઘટાડા પાછળ મેટલ કાઉન્ટર્સ પણ 4 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. જિંદાલ સ્ટીલ 4.3 ટકા, ટાટા સ્ટીલ 2.7 ટકા, એનએમડીસી 1.7 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.3 ટકા અને સેઈલ 1 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. એનએમડીસીનો શેર લગભગ દોઢ વર્ષ બાદ રૂ. 100ના સ્તર નીચે ઉતરી ગયો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પોઝીટીવ જોવા મળતો હતો. રિઅલ્ટી શેર્સમાં સપ્તાહ દરમિયાન ખરીદી જોવા મળી હતી. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય પ્રોપર્ટીઝ અને ડીએલએફ અગ્રણી હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં પણ સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબોરેટરીઝ અને ઝાયડસ લાઈફમાં ખરીદી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સમાં સિન્જિન ઈન્ટરનેશનલ 4.4 ટકા સાથે સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ સિવાય ક્યુમિન્સ ઈન્ડિયા, ભારત ઈલેક્ટ્રીક, ટાઈટન કંપની, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ડિયન હોટેલ્સ, જીએનએફસી, આઈશર મોટર્સ, ટ્રેન્ટમાં પણ 3 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હોત. જ્યારે બીજી બાજુ નિપ્પોન, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારત ફોર્જ, બિરલા સોફ્ટ, ગ્લેનમાર્ક, હિંદ કોપરમાં 2-3 ટકાની રેંજમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. જેના કારણે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3434 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1719 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1574 નેગેટિવ જોવા મળતાં હતાં. 78 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
ડોલર સામે રૂપિયો 79.96નું લો બનાવી પરત ફર્યો
ભારતીય ચલણમાં ડોલર સામે નરમાઈ ચાલુ રહી હતી. જોકે શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં તે નવુ તળિયું દર્શાવી પરત ફર્યો હતો અને અગાઉના બંધ પાસે જ તેણે ક્લોઝ દર્શાવ્યું હતું. ડોલર સામે રૂપિયો 79.922ના સ્તરે ખૂલી વધુ ગગડી 79.96 પર ટ્રેડ થયો હતો. જ્યાંથી સુધરી 79.82 પર જોવા મળ્યો હતો. જોકે કામકાજના આખરમાં તેણે 79.88ની અગાઉની બંધ સપાટીએ જ બંધ આપ્યું હતું. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં જોવા મળતી સાધારણ નરમાઈને કારણે રૂપિયો પણ તળિયેથી સાધારણ પરત ફર્યો હતો. ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં પણ પાછળથી સુધારો જોવા મળ્યો હતો. છ કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ આજે ગુરુવારે સાંજે 109.14ની 20 વર્ષની ટોચ પરથી કરેક્ટ થઈ 108.13ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. હાલમાં તે ઓવરબોટ ઝોનમાં છે અને તેથી શોર્ટ ટર્મમાં ઘટાડાતરફી રહેવાની ઊંચી શક્યતાં છે.
વૈશ્વિક કોટન ઉત્પાદનમાં 3 ટકા વૃદ્ધિની શક્યતાં
ઓગસ્ટ 2022થી જુલાઈ 2023ના નવા કોટન વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે કોમોડિટીનું ઉત્પાદન 3.3 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જોઈ રહ્યું છે. જોકે વૈશ્વિક સ્તરે વપરાશ અને વેપાર બંનેમાં નવા વર્ષમાં સ્થિરતા જોવા મળે તેમ તેનું કહેવું છે. આ માટે ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામ ખાતે નીચા વપરાશનું કારણ આપવામાં આવી રહ્યું છે. યૂએસડીએના મતે નવા વર્ષે 15.37 કરોડ ગાંસડી(170 કિગ્રાની એક ગાંસડી)નું ઉત્પાદન જોવા મળશે. જે પૂરા થવા જઈ રહેલા વર્ષમાં 14.88 કરોડ ગાંસડી ઉત્પાદન સામે લગભગ 49 લાખ ગાંસડીની વૃદ્ધિ સૂચવે છે. ભારત અને ચીનમાં કોટનનો પાક લગભગ 3.52 કરોડ ગાંસડીના સમાન સ્તરે જોવા મળે તેવી શક્યતાં તે જોઈ રહ્યું છે. ચાલુ સિઝન માટે ભારતમાં કોટનનો પાક 3.13 કરોડ ગાંસડી રહ્યો હોવાનો અંદાજ છે. જે સ્થાનિક ટ્રેડર્સ તરફથી રજૂ કરવામાં આવેલા સુધારેલા અંદાજ જેટલો જ છે. આને ધ્યાનમાં રાખતાં નવા વર્ષે ભારતનું ઉત્પાદન 12 ટકા વૃદ્ધિ દર્શાવશે તેમ કહી શકાય. ચાલુ સિઝનમાં ચીન ખાતે 3.45 કરોડ ગાંસડી ઉત્પાદનનો અંદાજ રખાઈ રહ્યો છે.
MCX સોનું રૂ. 50 હજાર નીચે જઈ પરત ફર્યું
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં તીવ્ર નરમાઈને કારણે સ્થાનિક કોમેક્સ ખાતે પણ ગોલ્ડ ફ્યુચર્સ શુક્રવારે રૂ. 50 હજારની નીચે ટ્રેડ થયું હતું. જોકે વૈશ્વિક બજારમાં વધુ ઘટાડતો અટકતાં તે રૂ. 50100ના સ્તર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. કોમેક્સ ખાતે ઓગસ્ટ વાયદો ગુરુવારે રાતે 1695 ડોલર થયા બાદ શુક્રવારે 1700-1710 ડોલરની રેંજમાં અથડાતો રહ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 49971થી રૂ. 50280ની રેંજમાં ટ્રેડ દર્શાવતો હતો.
બેંક્સ અને ફિનટેક્સ વચ્ચેની સાંઠ-ગાંઠ પર RBIની તવાઈ
ડેટ અથવા ઈક્વિટી મારફતે જે ફિનટેક્સમાં ઊંચો હિસ્સો હોય તેમની સાથે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવતી બેંકો સ્ક્રૂટિની હેઠળ
આરબીઆઈના ઈન્સ્પેક્શનમાં બેંકોની લોન ઓરિજિનેશન પ્રેકટિસિસમાં મોટાપાયે બહાર આવેલા ‘એવરગ્રીનીંગ’ના કિસ્સા
બેંકોને તેમની ડિજીટલ હાજરી વધારવા માટે ઈન-હાઉસ મોબાઈલ એપ્લિકેશન્સ અથવા તો એપ્લિકેશન્સ પર વધુ આધાર રાખવા માટેનું સૂચન કર્યાં બાદ આરબીઆઈએ ફરી એકવાર ગ્રાહકોના ડિજિટલ એક્વિઝિશનને લઈને નિયમોને વધુ કડક બનાવ્યાં છે. ખાસ કરીને રિટેલ લોન પ્રોડક્ટ્સ માટે આમ કરવા બદલ બેંકિંગ કંપનીઓ સામે તે વધુ ચાંપતી નજર નાખી રહી છે.
બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઉચ્ચ સ્તરીય વર્તુળોના જણાવ્યા મુજબ તેમણે બેંકિંગ કંપનીઓને થર્ડ-પાર્ટી ફિનટેક એપ્લિકેશન્સ સાથેના તેમના જોડાણો ઓછા કરવા માટે જણાવ્યું છે. ખાસ કરીને આવી ફિનટેક કંપનીઓમાં બેંક્સ જ્યારે લેન્ડર હોય અથવા તો ઈક્વિટી મારફતે નોંધપાત્ર હિસ્સો ધરાવતી હોય. જેમકે, જો બેંકે ફિનટેક કંપનીને વર્કિંગ કેપિટલ તરીકે અથવા તો ટર્મ લોન તરીકે ક્રેડિટ પૂરી પાડી હોય અને ફિનટેક કંપનીના કુલ બોરોઈંગમાં બેંકનું એક્સપોઝર 10 ટકાથી વધુ જતું હોય તો તે લોન્સના સોર્સ તરીકે ફિનટેક કંપનીનો ઉપયોગ કરી શકે નહિ એમ આરબીઆઈએ જણાવ્યું છે. આ જ રીતે જો ફિનટેકમાં બેંક 10 ટકા કે વધુ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ધરાવતી હોય તો પણ બેંક તેની બેંકિંગ પ્રોડક્ટ્સના વેચાણ માટે ફિનટેક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે નહિ. ડિજીટલ એપ્સ મારફતે લોન્સ સોર્સ કરવી એ આરબીઆઈ માટે હંમેશા એક પેચીદો સવાલ બની રહ્યો છે. નવેમ્બર 2021માં જ આરબીઆઈના ડિજિટલ લેન્ડિંગ પરના વર્કિંગ ગ્રૂપના રિપોર્ટમાં આ મુદ્દે કેટલાંક પાસાઓને લઈને લાલ ઝંડી ઊભી કરવામાં આવી હતી અને તેણે ફિનટેક્સ જેવી અનરેગ્યુલેટેડ કંપનીઓ તરફથી બેંક અને એનબીએફસી જેવી રેગ્યુલેટેડ કંપનીઓ માટે લોન જનરેટ કરાતી અટકાવવાનું સૂચન કર્યું હતું. ડિજિટલ લેન્ડિંગના મુદ્દે આખરી માર્ગદર્શિકાઓ ટૂંકમાં જ બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
જોકે માર્ગદર્શિકાઓ બહાર આવે તે અગાઉ જ બેંક રેગ્યુલેટરે આમ થતું અટકાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધાં છે. કેમકે આરબીઆઈ તરફથી હાથ ધરવામાં આવતાં વાર્ષિક ઈન્સ્પેક્શનમાં બેંકોની લોન ઓરિજિનેશન પ્રેકટિસિસમાં મોટી ખામીઓ જોવા મળી હતી. દેખીતી રીતે જ જણાતું હતું કે રિટેલ લોન્સની બાબતમાં મોટાપાયે આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં. કેટલાંક લોન એકાઉન્ટ્સમાં તો એવું પણ માલૂમ પડ્યું હતું કે બોરોઅર તેના ઈએમઆઈ ચૂકતે કરવા માટે ફિનટેક્સ પાસેથી ટૂંકા ગાળાની લોન્સ લેતો હતો. બેંકિંગની ભાષામાં આવા કિસ્સાઓને ‘એવરગ્રીનીંગ’ કહેવામાં આવે છે. ખાસ કરીને હાઉસિંગ લોન્સના કિસ્સામાં તે વધુ જોવા મળ્યું હતું એમ ઊચ્ચ સ્તરિય વર્તુળો જણાવે છે. રિવ્યૂ પ્રક્રિયામાં એ વાત પણ છતી થઈ હતી કે ફિનટેક અને વ્યક્તિગત કસ્ટમર, બંને એક જ બેંકના બોરોઅર્સ હતાં અને કસ્ટમરે તેનો ઈએમઆઈ ચૂકવવા માટે એપ પરથી લોન મેળવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ આ જાણી જોઈને કરવામાં આવેલું ‘એવરગ્રીનીંગ’ ના હોય તો પણ જો ગ્રાહક ડિફોલ્ટ થશે તો બેંક પર તેની સમાન અસર જોવા મળશે. ફિનટેક્સ મોટેભાગે રૂ. 10000-70000ની ટિકિટ સાઈઝની પર્સનલ લોન્સ પર ફોકસ કરતી હોય છે. આવી સ્મોલ-ટિકિટ લોન્સ કોસ્ટ-ઈફેક્ટિવ હોવાના કારણે બેંક્સ થર્ડ-પાર્ટી સાથે કામ કરતી હોય છે. પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓમાં આઈડીએફસી ફર્સ્ટ, ફેડરલ બેંક અને આરબીએલ બેંક તેમના લોન ડિસ્ટ્રીબ્યુશન માટે ફિનટેક્સ સાથે વ્યાપક જોડાણો ધરાવે છે. જ્યારે એનબીએફસીમાં આદિત્ય બિરલા કેપિટલ અને પિરામલ કેપિટલ થર્ડ-પાર્ટી એપ મારફતે લોન ઓરિજિનેટ કરવામાં સક્રિય છે.
એવરગ્રીનીંગ એટલે શું?
બેંકના એક ગ્રાહકને તેની જૂની લોન ચૂકવણી માટે આપવામાં આવતી નવી લોનને એવરગ્રીનીંગ કહેવાય છે. આરબીઆઈએ બેંક્સ અને ફિનટેક્સ વચ્ચેના વહેવારમાં હાઉસિંગ લોન્સના કિસ્સામાં ઊંચું એવરગ્રીનીંગ પકડી પાડ્યું છે. જેમાં એ વાત છતી થઈ હતી કે ફિનટેક અને વ્યક્તિગત કસ્ટમર, બંને એક જ બેંકના બોરોઅર્સ હતાં અને કસ્ટમરે તેનો ઈએમઆઈ ચૂકવવા માટે એપ પરથી લોન મેળવી હતી. જો આ જાણી જોઈને કરવામાં આવેલું ‘એવરગ્રીનીંગ’ ના હોય તો પણ ગ્રાહક ડિફોલ્ટ થશે તો બેંક પર તેની સમાન અસર જોવા મળશે. કેમકે બંને લોન બેંક્સ તરફથી જ લેવામાં આવી છે
કોર્પોરેટ હેડલાઈન્સ
એસીસીઃ અગ્રણી સિમેન્ટ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 227 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 60 ટકા ઘટાડો સૂચવે છે. જૂન 2021 ક્વાર્ટરમાં તેણે રૂ. 569 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક 15 ટકા ઉછળી ગયા વર્ષે રૂ. 3885 કરોડ સામે વધી રૂ. 4468 કરોડ પર જોવા મળી હતી.
તાતા સ્ટીલ લોંગઃ તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 331 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 331 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક ગયા વર્ષે રૂ. 1687 કરોડ સામે 18 ટકા ઉછળી રૂ. 1994 કરોડ પર રહી હતી.
એફએમસીજી કંપનીઓઃ ઈન્ડોનેશિયાની પામતેલ નિકાસમાં વૃદ્ધિ અને લેવીમાં ઘટાડાની ચર્ચા-વિચારણાએ આયાતી તેલના ભાવમાં વેચવાલી જળવાય છે. જેનો લાભ એફએમસીજી કંપનીઓને મળશે.
તાતા એલેક્સિઃ તાતા જૂથની કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 184.72 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113.38 કરોડની સરખામણીમાં 63 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ જૂન 2021માં રૂ. 558.32 કરોડ પરથી 30 ટકા ઉછળી રૂ. 726 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે તેનો એબિટા રૂ. 167.49 કરોડ પરથી 48 ટકા ઉછળી રૂ. 248.5 કરોડ પર રહ્યો હતો.
અદાણી પોર્ટ્સઃ ઈઝરાયેલ ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ ગેડોત અને અદાણી પોર્ટ્સે 4.1 અબજ શેકેલ બીડમાં હૈફા પોર્ટની ખરીદીના સરકારી ટેન્ડરને મેળવ્યું છે.
સિન્જિનઃ બાયોકોન ગ્રૂપની ક્લિનિકલ રિસર્ચ કંપનીએ એનિમલ હેલ્થ કંપની ઝોઈટિસ સાથે 10-વર્ષ માટે બાયોલોજિક્સ મેન્યુફેક્ચરિંગ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
એલઆઈસીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની માટે 31 માર્ચ 2022ના રોજ રૂ. 5.41 કરોડની એમ્બેડેડ વેલ્યૂને મંજૂરી આપી હતી. માર્ચ મહિનાની આખરમાં વીએનબી માર્જિન 15.1 ટકા પર રહ્યાં હતાં. જે અગાઉના વર્ષાંતે 9.9 ટકા પર હતાં.
બોરોસીલઃ કંપનીના બોર્ડે એચએસટીજી ગ્લાસહોલ્ડિંગને રૂ. 674.52 પ્રતિ શેરના ભાવે 26.62 લાખ પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરવાને મંજૂરી આપી છે. જે મારફતે કંપની રૂ. 179 કરોડ ઊભા કરશે.
વેદાંતાઃ મેટલ ક્ષેત્રે સક્રિય જૂથ 19 જૂલાઈએ જૂન ક્વાર્ટર માટેના નાણાકિય પરિણામો માટે મળશે. જે દરમિયાન બીજા ઈન્ટરિમ ડિવિડન્ડ માટેની વિચારણા પણ કરશે.
રિલાયન્સ ઈન્ડઃ કોંગ્લોમેરટ કંપનીએ દેશના એથલેટ્સના સર્વગ્રાહી વિકાસ માટે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે.
બીઈએમએલઃ પીએસયૂ કંપનીએ 88 મેમુ કાર્સ માટે રૂ. 262 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ એન્ડ્યૂરા માસ ખરીદવા માટે કોન્ટ્રેક્ટ કર્યાં છે.
એચએસસીએલઃ કંપની રૂ. 70ના ભાવે 7.25 કરોડ વોરંટ્સ ઈસ્યુ કરી રૂ. 507.9 કરોડનું ફંડ ઊભું કરશે.
Market Summary 15 July 2022
July 15, 2022