Market Summary 15 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

યુધ્ધ જવર હળવો થતાં માર્કેટમાં ‘V’ શેપ રિકવરી જોવા મળી

તેજીવાળાઓની આક્રમક લેવાલી પાછળ નિફ્ટીએ 17300નું સ્તર ફરી મેળવ્યું

માર્કેટમાં 1 ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી મોટો દૈનિક ઉછાળો નોંધાયો

વોલેટિલિટી ઈન્ડેક્સ 10.3 ટકા ગગડ્યો

બ્રોડ માર્કેટમાં લાંબા સમયબાદ ખરીદી પરત ફરી

એશિયન હરિફોની સરખામણીમાં ભારતીય બજાર મક્કમ જણાયા

ઓટો, બેંકિંગ, રિઅલ્ટી, એફએમસીજી લાર્જ-કેપ્સમાં ઊંચું બાઈંગ

 

રશિયાએ મિલિટરી ડ્રીલ પૂરું થવાની જાહેરાત કરતાં ઈક્વિટી માર્કેટ્સને રાહત મળી હતી. ભારતીય બજારમાં તેજીવાળાઓએ બાજી ફરી સંભાળતાં બેન્ચમાર્ક્સ 3 ટકાથી વધુનો દૈનિક ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1736 પોઈન્ટ્સ સુધરી 58142ની સપાટીએ જ્યારે નિફ્ટી 510 પોઈન્ટ્સના સુધારે 17352ના સ્તર પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10.31 ટકા ઘટી 20.61ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 48 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. આમ તેજીવાળાઓએ સોમવારનો પૂરેપૂરો બદલો લીધો હતો.

વૈશ્વિક બજારોમાં મોટી વધ-ઘટના અભાવ વચ્ચે મંગળવારે ભારતીય બજારે કામકાજની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે દર્શાવી હતી. જોકે શરૂઆતી દોઢેક કલાક દરમિયાન માર્કેટે કોઈ મોટી મૂવમેન્ટ નહોતી દર્શાવી. સેન્સેક્સ 100-400 પોઈન્ટ્સના સુધારામાં અથડાતો જોવા મળ્યો હતો. જોકે મધ્યાહન બાદ બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. જે કામકાજની આખર સુધી ચાલ્યું હતું અને બેન્ચમાર્ક્સ તેમની દિવસની ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટીએ 17375ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. જે ગયા શુક્રવારની બંધ સપાટી હતી. સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ દરમિયાન નિફ્ટીમાં 17090થી 17375 વચ્ચે એક ગેપ ઊભો થયો હતો અને તેથી ટેકનિકલ એનાલિસ્ટ 17100ની સપાટીને એક અવરોધ તરીકે ગણાવી રહ્યાં હતાં. જોકે તેજીવાળાઓના વળતાં પ્રહારમાં જ બેન્ચમાર્ક 17300 પોઈન્ટ્સના સ્તરને પાર કરી ગયો હતો. જેણે રિટેલ ઈન્વેસ્ટર્સને મોટી રાહત આપી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો વૈશ્વિક બજારોનો સપોર્ટ મળશે તો ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ જાળવી રાખે તેવી શક્યતાં છે. નિફ્ટીમાં 16840નું સ્તર એક મહત્વનો સપોર્ટ છે. મંગળવારે નિફ્ટી આ સ્તરેથી જ બાઉન્સ થયો હતો. આ સ્તરને સ્ટોપલોસ તરીકે જાળવીને લોંગ પોઝીશન હોલ્ડ કરી શકાય છે એમ તેઓ સૂચવે છે.

મંગળવારે એશિયન બજારોમાં જોકે નરમ ટ્રેન્ડ જળવાયો હતો. જાપાન, કોરિયા, તાઈવાન અને હોંગ કોંગ શેરબજારો એક ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સિંગાપુર અને ચીનના બજારો સામાન્ય સુધારા સાથે બંધ રહ્યાં હતાં. યુરોપિય બજારો પણ 1.8 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજારે ચોતરફી લેવાલીને કારણે અન્યોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ નોંધાવ્યો હતો. વિવિધ સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી ઓટો 4 ટકા, પીએસયૂ બેંક 4 ટકા, બેંક નિફ્ટી 3.42 ટકા, નિફ્ટી રિઅલ્ટી 3 ટકા, નિફ્ટી એફએમસીજી 2.2 ટકા અને નિફ્ટી એનર્જિ 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ-બેઝ લેવાલી જોવા મળી હતી. અલબત્ત, મીડ-કેપ્સમાં ખરીદી એક બાઉન્સ પ્રકારની હતી અને તે આગામી દિવસોમાં જળવાશે કે કેમ તે જોવાનું રહેશે. માર્કેટ નિરીક્ષકોના મતે ટ્રેડર્સે લાર્જ-કેપ્સમાં જ પોઝીશન જાળવવાની રહેશે. મીડ અને સ્મોલ-કેપ્સમાં બોટમ ફિશીંગથી હજુ પણ દૂર રહેવું જોઈએ. બીએસઈ ખાતે 3464 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2048 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1350 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ વચ્ચે પણ લોઅર સર્કિટ્સમાં બંધ આવનારા કાઉન્ટર્સની સંખ્યા 381 જેટલી ઊંચી હતી. સામે 237 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 109 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 106 કાઉન્ટર્સે વાર્ષિક બોટમ પર ટ્રેડ દર્શાવ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એલઆઈસી હાઉસિંગ 8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પ, ઝી એન્ટરટેઈનમેન્ટ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એસઆરએફ, ઈન્ડિયા સિમેન્ટ જેવા કાઉન્ટર્સે 6 ટકાથી વધુ સુધારો નોંધાવ્યો હતો.

 

 

ગોલ્ડમાં બ્રેકઆઉટ જોતાં ઘટાડે ખરીદી માટે જણાવતાં એનાલિસ્ટ્સ

વૈશ્વિક સ્પોટ ગોલ્ડ 1878 ડોલરની ચાર મહિનાની ટોચ દર્શાવી

એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 50325ની 13 મહિનાની નવી ઊંચી સપાટી પર ટ્રેડ થયો

રશિયા-યૂક્રેન તણાવ અને નિશ્ચિત ફેડ રેટ વૃદ્ધિ જોતાં ગોલ્ડ વધ-ઘટે 1900 ડોલર કૂદાવે તેવી શક્યતાં

 

યુએસ ખાતે સતત પાંચમા મહિને રિટેલ ઈન્ફ્લેશન દાયકાઓની ટોચ પર જોવા મળતાં તથા રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મહત્વનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા ચારેક સત્રોમાં 50 ડોલર જેટલો ઉછાળો દર્શાવ્યો છે. મંગળવારે સવારે કોમેક્સ સ્પોટ ગોલ્ડના ભાવે 1878 ડોલરની ચાર મહિનાની ટોચ દર્શાવી હતી. જ્યારે સ્થાનિક કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 50375ની જાન્યુઆર 2021 પછીની 13 મહિનાની ટોચ પર પહોંચ્યો હતો. જોકે રશિયાએ મિલિટરી ડ્રીલ પૂરી થવાનું જણાવતાં ગોલ્ડના ભાવ ટોચના સ્તરેથી થોડા પાછાં પડ્યાં હતાં. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે કિંમતી ધાતુમાં સમગ્રતયા ટ્રેન્ડ તેજીનો છે અને ઘટાડે તેમાં ખરીદીનો વ્યૂહ અપનાવવાનો રહેશે.

યૂએસ, ઈઝરાયેલ સહિતના દેશોએ સપ્તાહાંતે યૂક્રેન ખાતેથી નાગરિકોને બહાર નીકળી જવાની તાકીદ કરતાં સોમવારે વૈશ્વિક બજારમાં સોનુ 1870 ડોલરની સપાટી પર ટ્રેડ થયું હતું. મંગળવારે સવારે એશિયન ટાઈમ પ્રમાણે તેણે 1878 ડોલરની ટોચ દર્શાવી હતી. એક સપ્તાહ અગાઉ તે 1820 ડોલર આસપાસ જોવા મળતું હતું. યુએસ ફેડ મિટિંગ અગાઉ સોનાના ભાવ 1845 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જે ફેડ ચેરમેનની માર્ચ બેઠકમાં રેટ વૃદ્ધિની જાહેરાત બાદ ઊંધા માથે પટકાયાં હતાં અને 1780 ડોલર પર ટ્રેડ થયાં હતાં. જોકે તે ઝડપથી 1800 ડોલર પર પરત ફર્યાં હતાં. જ્યારે યુક્રેન કટોકટી પાછળ તેણે 1845 ડોલરની ટોચને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું સમગ્ર 2021 કેલેન્ડર દરમિયાન ગોલ્ડના ભાવ 1800 ડોલર પર ટકવામાં અસમર્થ જોવા મળ્યાં હતાં. જોકે તાજેતરમાં જોવા મળી રહેલી પ્રાઈસ મૂવમેન્ટને જોતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ પીળી ધાતુમાં તેજી તરફી ચાલ જોઈ રહ્યાં છે. તેમના મતે રશિયા-યૂક્રેન વચ્ચેની તંગદિલી હળવી થઈ છે પરંતુ તે દૂર થઈ નથી અને તેથી ગોલ્ડના ભાવમાં એક રિસ્ક પ્રિમીયમ હંમેશા જળવાશે. બીજી બાજુ ફેડ દ્વારા રેટ વૃદ્ધિ વખતે ગોલ્ડમાં શરૂઆતી ઘટાડો જોવા મળે છે. જોકે પાછળથી તે હંમેશા તેજીની ચાલ દર્શાવે છે એમ એચડીએફસી સિક્યૂરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ તપન પટેલ જણાવે છે. અગાઉ 2002થી 2006 અને 2015થી 2018 દરમિયાન ફેડ રેટ વૃદ્ધિની સાથે ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો છે. આ વખતે પણ ટેપરિંગ તથા રેટ વૃદ્ધિના કારણ પાછળ છેલ્લાં છ મહિનામાં ગોલ્ડમાં સુધારા ધોવાયાં છે. જોકે જીઓ-પોલિટીકલ કટોકટીએ ગોલ્ડને મજબૂતી માટે એક વધુ કારણ પૂરું પાડ્યું છે. જેને ધ્યાનમાં રાખતાં આગામી એક વર્ષમાં ગોલ્ડ નોંધપાત્ર રિટર્ન આપે તેવી શક્યતાં જણાય છે એમ પટેલ જણાવે છે. જેઓ ફિઝીકલ ગોલ્ડ ખરીદવા ના ઈચ્છતાં હોય તેવા રોકાણકારો ગોલ્ડ બિઝમાં પણ ખરીદી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ગોલ્ડે જુલાઈ 2020માં 2080 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી તેણે જુલાઈ 2021માં 1660 ડોલર સુધીનું કરેક્શન નોંધાવ્યું હતું. ભારતીય બજારમાં રૂ. 55 હજારની ટોચ પરથી સોનુ રૂ. 44 હજાર સુધી ઘટીને હાલમાં રૂ. 49000ના સ્તર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું છે. બુધવારે એમસીએક્સ વાયદો રૂ. 50325ની ટોચ દર્શાવી 1.3 ટકા અથવા રૂ. 644ના ઘટાડે રૂ. 49272ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

 

ડોલર સામે રૂપિયામાં 29 પૈસાનો ઉછાળો

સતત ચાર દિવસથી યુએસ ડોલર સામે ગગડતાં રહેલા રૂપિયામાં મંગળવારે મજબૂત બાઉન્સ જોવા મળ્યું હતું. સોમવારે બે મહિનાથી વધુના તળિયા પર 75.60ના સ્તરે બંધ રહેલો રૂપિયો લગભગ તે સપાટીએ ખૂલ્યાં બાદ વધુ ગગડીને 75.72ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ઈક્વિટી માર્કેટમાં તીવ્ર સુધારા પાછળ તે ઝડપથી ઉછળી 75.31ની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યાં બાદ 29 પૈસા સુધારા સાથે ત્યાં જ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં છ અગ્રણી કરન્સિઝના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી અને તે 0.37 ટકા ઘટાડે 96.01ની સપાટીએ ટ્રેડ થતો હતો. ક્રૂડમાં નરમાઈએ પણ કરન્સી માર્કેટમાં સેન્ટીમેન્ટ પર પોઝીટીવ અસર દર્શાવી હતી.

 

TVS સપ્લાય ચેઇન IPO મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરશે

વૈશ્વિક સપ્લાય ચેઈન પ્લેયર ટીવીએસ સપ્લાય ચેઈન સોલ્યુશન્સે મૂડી બજારમાંથી રૂ. 5 હજાર કરોડ ઊભા કરવા માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. આવકની દ્રષ્ટીએ તે સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ સપ્લાય ચેઈન સર્વિસ પ્રોવાઈડર છે. કંપની રૂ. 2000 કરોડના ફ્રેશ ઈસ્યુ અને રૂ. 3000 કરોડના ઓફર ફોર સેલ ધરાવતો હતો. ઓએફએસમાં પ્રમોટર્સ ઉપરાંત ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડ્સ, મિત્સુબિશી કોર્પોરેશન અને ગેટવે પાર્ટનર્સ તેમના હિસ્સાનું વેચાણ કરશે. કંપની ટીવીએસ પરિવારની ચાર મોટી કંપનીઓમાંથી ત્રીજા ક્રમની કંપની છે. જે વાર્ષિક રૂ. 6950 કરોડની આવક ધરાવે છે.

 

 

LICને પ્રથમ છ મહિનામાં રોકાણના વેચાણમાંથી રૂ. 23 હજાર કરોડનો નફો

ગયા નાણાકિય વર્ષ દરમિયાન કંપનીએ ઈન્વેસ્ટમેન્ટના વેચાણમાંથી રૂ. 39810 કરોડનો નફો નોંધાવ્યો હતો

એલઆઈસીનું કુલ ઈક્વિટી રોકાણ સપ્ટેમ્બર 2021ની આખરમાં રૂ. 9.78 લાખ કરોડ પર જોવા મળ્યું

 

પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશવા તૈયાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ચાલુ નાણાકિય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન તેના વિવિધ રોકાણના વેચાણમાંથી રૂ. 23246.5 કરોડનો નફો રળ્યો હતો. કંપનીએ ફાઈલ કરેલા ડ્રાફ્ટ રેડ-હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં નોંધ્યું છે કે 2020-21માં તેણે રૂ. 39809.63 કરોડનો નફો દર્શાવ્યો હતો. જ્યારે 2019-20માં રૂ. 19387.48 કરોડનો નફો નોંધાવ્યો હતો.

ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન એલઆઈસીની ઈન્વેસ્ટમેન્ટ્સમાંથી કુલ આવક રૂ. 1.49 લાખ કરોડ રહી હતી. જેમાં કુલ ઈન્ટરેસ્ટ્સ અને ડિવિડન્સની આવક, રેન્ટ, ઈન્વેસ્ટમેન્ટના વેચાણ અથવા રિડમ્પ્શન પર ચોખ્ખો નફો તથા ચોખ્ખી મૂલ્ય વૃદ્ધિનો સમાવેશ થતો હતો. 2020-21ના વર્ષ દરમિયાન તે રૂ. 2.85 લાખ કરોડ પર રહી હતી. જ્યારે 2019-20માં રૂ. 2.42 લાખ કરોડ અને 2018-19માં રૂ. 2.25 લાખ કરોડ પર જોવા મળી હતી. એલઆઈસી દેશમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકારોમાંનો એક છે. તેના પોર્ટફોલિયોમાં કેન્દ્ર તથા રાજ્ય સરારોની સિક્યૂરિટીઝ, કોર્પોરેટ બોન્ડ્સ, સિક્યૂરિટાઈઝ્ડ ડેટ્સ, ઈક્વિટીઝ અને પ્રેફરન્સ શેર્સ, મ્યુચ્યુલ ફંડ્સ, અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2021ની આખરમાં પોલીસીધારકોના ફંડમાંથી એલઆઈસીનું કુલ ઈન્વેસ્ટમેન્ટ સ્ટેન્ડઅલોન બેસીસ પર રૂ. 39.495 લાખ કરોડ થતું હતું. જેમાં રૂ. 9.78 લાખ કરોડના ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થતો હતો. જે કુલ રોકાણના 24.78 ટકા હિસ્સો ધરાવે છે. પોલીસીધારકોના પોર્ટફોલિયોમાં 37.5 ટકા હિસ્સો કેન્દ્ર સરકારની જામીનગીરીઓ જ્યારે 24.61 ટકા હિસ્સો રાજ્ય સરકારોની જામીનગીરીઓનો છે. જ્યારે 8.07 ટકા હિસ્સો કોર્પોરેટ બોન્ડ્સનો હતો.

જાન્યુ. 2023 સુધીમાં અન્ય ઈન્વેસ્ટમેન્ટ્સનું વેચાણ કરવું પડશે

જીવન વીમા કંપનીને એપ્રૂવ્ડ ઈન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં નહિ આવતાં તમામ રોકાણો જેવાકે પેન્શન, ગ્રૂપ અને લાઈફ એન્યૂઈટી ફંડ્સને જાન્યુઆરી 2023ની આખર સુધીમાં ડિસ્પોઝ કરવા માટે ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટરે ટાઈમલાઈન આપી છે. એલઆઈસીએ ડીઆરએચપીમાં જણાવ્યું છે કે જો ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ અન્ય રોકાણોને દૂર કરવાની ટાઈમલાઈન લંબાવી આપી ના હોત તો સપ્ટેમ્બર 2021ની આખરમાં પોલિસીધારકોના પોર્ટફોલિયોમાં રૂ. 5365.53 કરોડનું નુકસાન જોવા મળ્યું હોત.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage