નિફ્ટીએ 15300 અને સેન્સેક્સે 52000 પાર કર્યું
ભારતીય બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ સુધરી નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જેમાં નિફ્ટીએ 151 પોઈન્ટ્સના ઉછાળે 15315 પર જ્યારે સેન્સેક્સે 610 પોઈન્ટ્સના ઉછાળે 52154 પર બંધ આપ્યું હતું. આમ એક સપ્તાહ બાદ તેઓ નવી ટોચ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. હવે નિફ્ટી માટે 15500નું ટાર્ગેટ છે. વૈશ્વિક બજારો મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યાં છે અને તેથી બજારમાં તેજીનું મોમેન્ટમ મજબૂત બન્યું છે.
ચાંદીમાં મજબૂતી, જોક સોનામાં નરમાઈ
સોમવારે વૈશ્વિક બજારોમાં સુધારા વચ્ચે એમસીએક્સ ખાતે ચાંદી માર્ચ વાયદો સવારે 1.2 ટકાથી વધુના સુધારે રૂ. 70 હજારની સપાટીને પાર કરી ગયો હતો અને દિવસ દરમિયાન લગભગ આ સપાટી આસપાસ જ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સોનુ સાધારણ નરમાઈ દર્શાવતું હતું. એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 3ના નજીવા ઘટાડે રૂ. 47315 પર ટ્રેડ થતો હતો. ક્રૂડ રૂ. 4400ની સપાટી પાર કરી ગયું હતું.
બેંકિંગ શેરોમાં તેજીનો તરખાટ, બેંક નિફ્ટી 3 ટકા ઉછળ્યો
સોમવારે બેંકિંગ શેર્સે એકલે હાથે નિફ્ટીને નવી ટોચ પર લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું
બેંક નિફ્ટીએ અગાઉની 36600ની ટોચને પાર કરી 37449 સુધી ઉછળી 3.4 ટકા પોઝીટીવ બંધ દર્શાવ્યું
એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક બેંક સહિતની અગ્રણી બેંકોના શેર્સ સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યાં
બેંકિંગ શેર્સમાં સોમવારે તેજીનો તરખાટ જોવા મળ્યો હતો અને અગ્રણી તમામ બેંકિંગ કંપનીઓના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યાં હતાં. જેની પાછળ બેંક નિફ્ટી પણ 3.4 ટકા અછવા 1200 પોઈન્ટસ ઉછળીને 37449ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ગયા શુક્રવારે પણ બજારને વેચવાલીના દબાણ સામે સપોર્ટ આપવા માટે બેંક શેર્સ આગળ આવ્યા હતા અને બેંક નિફ્ટીએ પ્રથમવાર 36 હજારની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. સોમવારે તેઓ વધુ આક્રમકતા સાથે તેજીમાં જોડાયા હતાં.
સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડનો લાભ સ્થાનિક બજારને મળ્યો હતો અને ગેપ-અપ ઓપનીંગ બાદ બેંક શેર્સે બાજી સંભાળી લીઘી હતી. બજાર બંધ થયું ત્યાં સુધી તેઓ નવી સપાટી દર્શાવતાં રહ્યાં હતાં. જેમાં એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એસબીઆઈ જેવી અગ્રણી બેંકનો સમાવેશ થતો હતો. બેંક નિફ્ટીની તમામ પ્રતિનિધિ બેંક્સના શેર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં એક્સિસ બેંક 6 ટકા ઉછળી રૂ. 799ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે આરબીએલ બેંક 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. દેશમાં બીજા ક્રમની બેંક આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 4 ટકાથી વધુ ઉછળ્યો હતો અને રૂ. 677ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. તે પ્રથમવાર રૂ. 4.5 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી રૂ. 4.66 લાખ કરોડ પર ટ્રેડ થયો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર પણ 4 ટકા ઉછળી છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર બંધ આવ્યો હતો. જાહેર ક્ષેત્રની અગ્રણી અને દેશની સૌથી મોટી બેંક એસબીઆઈનો શેર રૂ. 409ની સર્વોચ્ચ સપાટી પર ટ્રડે થયા બાદ રૂ. 407ની ટોચ પર બંધ રહ્યો હતો. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક(3 ટકા), ફેડરલ બેંક(2.5 ટકા), એચડીએફસી બેંક(2 ટકા), પીએનબી(2 ટકા), કોટક બેંક(1.8 ટકા) અને બેંક ઓફ બરોડા(1.5 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં.
એનાલિસ્ટ્સના મતે બેંક નિફ્ટીએ 36600ની અગાઉની ટોચને આસાનીથી પાર કરી નવી ટોચ પર બંધ આપ્યું છે. બેંક નિફ્ટીનું નવુ ટાર્ગેટ 38000 છે. જે તેનો સોમવારના બંધ ભાવથી 700 પોઈન્ટ્સ છેટે છે. જે પાર થતાં બેંક નિફ્ટી 40 હજાર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. કેમકે સોમવારે માર્કેટમાં મોમેન્ટમ ખૂબ મજબૂત બન્યું છે અને વૈશ્વિક બજારો પણ નવા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. તેમના મતે ફુગાવાના આંકમાં સતત બીજી સિરિઝમાં જોવા મળેલો ઘટાડો જોતાં આરબીઆઈ અપેક્ષાથી વહેલા રેટ કટ આપી શકે તેમ છે અને તેની અસરને હાલમાં બેંક શેર્સ ડિસ્કાઉન્ટ કરી રહ્યાં હોય તેવી શક્યતા છે.
સોમવારે બેંકિંગ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
એક્સિસ બેંક 6.0
આરબીએલ બેંક 5.2
આઈસીઆઈસીઆઈ બેંક 4.07
આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.90
એસબીઆઈ 3.51
ઈન્ડસઈન્ડ બેંક 3.00
ફેડરલ બેંક 2.50
એચડીએફસી બેંક 2.20
પીએનબી 2.00
કોટક મહિન્દ્ર બેંક 1.80