બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નવી ખરીદીમાં ખચકાટ પાછળ ચોથા દિવસે શેરબજારમાં ઘટાડો
સેન્સેક્સ 329 પોઈન્ટ્સ ગગડી 58 હજારની નીચે ઉતરી ગયો, નિફ્ટી 103.50 પોઈન્ટ્સના ઘટાડે 17221 પર બંધ
બીએસઈ ખાતે 3454 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1708 પોઝીટીવ બંધ જ્યારે 1627 કાઉન્ટર્સમાં નરમાઈ
મંદ બજારમાં 554 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 116 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં
બજાજ ટ્વિન્સ, આઈટીસી, ટીસીએસ, ઓએનજીસી અને અદાણી પોર્ટ્સ ઘટવામાં અગ્રણી
સન ફાર્મા, કોટક બેંક, એમએન્ડએમ અને મારુતિ સુઝુકીએ બજારને સપોર્ટ કર્યો
યુએસ ફેડ બેઠક અગાઉ શેરબજાર રોકાણકારોએ સાઈડલાઈન રહેવાનું પસંદ કરતાં ભારતીય બજારમાં સતત ચોથા દિવસે નરમાઈ જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 329 પોઈન્ટ્સ ગગડી 58 હજારની નીચે ઉતરી ગયો હતો અને 57788ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 103.50 પોઈન્ટ્સના ઘટાડે 17221 પર બંધ જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 1.53 ટકાના સુધારે 17.21 પર બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે શુક્રવાર સાથે ચાલુ સપ્તાહે શરૂઆતી ત્રણ સત્રોમાં પણ બજારે ઘટાડો નોંધાવ્યો છે.
ભારતીય બજારે બુધવારે ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક બજારમાં પણ ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 17324.90ના અગાઉના બંધ સામે 17192.20ના દિવસના તળિયા પર પટકાયો હતો. જોકે ત્યાંથી તે ધીમે-ધીમે રિકવર થયો હતો અને એક તબક્કે તેણે તમામ નુકસાન કવર કર્યું હતું ત્યારે બંધ થયાં અગાઉ વેચવાલીનો એક નવો રાઉન્ડ જોવા મળ્યો હતો અને 100થી વધુ પોઈન્ટ્સ ઘટી બંધ જોવા મળ્યો હતો. જોકે તેણે 17200નો સપોર્ટ જાળવ્યો હતો અને તેણે ટેકનિકલ એનાલિસ્ટ્સને રાહત આપી હતી. તેમના મતે નિફ્ટી હાલમાં એકદમ સપોર્ટ પાસે ઊભો છે. જો આ સ્તરેથી તે પરત ફરશે અને 17500 પર બંધ આપશે તો માર્કેટમાં સુધારાનો ટ્રેન્ડ અકબંધ રહેશે. જ્યારે 16800ની નીચે ટ્રેન્ડ રિવર્સલ થયું ગણાશે.
ભારતીય બજાર માટે એફઆઈઆઈની વેચવાલી એક ચિંતાનો વિષય બની છે. છેલ્લાં 40 ટ્રેડિંગ સત્રોમાં તેમણે રૂ. 50 હજારની વેચવાલી દર્શાવી છે. જોકે સામે સ્થાનિક સંસ્થાઓએ પણ લગભગ આટલી જ ખરીદી નોંધાવી છે. જેને કારણે બજારમાં કોઈ તીવ્ર ઘટાડો નથી જોવા મળ્યો. આમ છતાં બજારના સેન્ટિમેન્ટ પર તેની અસર પડી છે. અગાઉ એફઆઈઆઈ તરફથી સતત વેચવાલી જોવા મળી હોય તેવું 2008માં જોવા મળ્યું હતું. જ્યારબાદના વર્ષોમાં તે એકાંતરે મહિને ખરીદ-વેચાણ કરતી જોવા મળી છે. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલ બાદ તે મોટેભાગે વેચવાલ બની રહી છે.
મંગળવારે યુએસ શેરબજારમાં નરમાઈ પાછળ એશિયાઈ બજારો પણ નબળા જોવા મળી રહ્યાં હતાં. જેને કારણે ભારતીય બજારમાં ઘટાડો અપેક્ષિત હતો. જોકે સતત ત્રણ દિવસોથી ઘટતું રહ્યું હોવાથી એક બાઉન્સની અપેક્ષા હતી. જે શક્ય બન્યું નહોતું. નિફ્ટીના 50માંથી 34 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. ઘટાડો દર્શાવનાર નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ બંધુઓ ટોચ પર હતાં. જેમા બજાજ ફાઈનાન્સ 3 ટકાથી વધુ જ્યારે બજાજ ફિનસર્વ 2.7 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારબાદ અદાણી પોર્ટ્સ(2.4 ટકા), ઓએનજીસી(2 ટકા), આઈટીસી(2 ટકા), બીપીસીએલ(1.9 ટકા) અને આઈઓસી(1.9 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ સન ફાર્મામાં બપોર બાદ ખરીદી નીકળી હતી અને તે દિવસના રૂ. 745.30ના તળિયેથી સુધરી રૂ. 775.10ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે કોટક બેંક(1.5 ટકા) અને એમએન્ડએમ તથા મારુતિ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં.
મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં વેચવાલીનો અભાવ હતો અને તેથી માર્કેટ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3454 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1708 પોઝીટીવ બંધ રહ્યાં હતાં જ્યારે 1627 કાઉન્ટર્સમાં નરમાઈ નોંધાઈ હતી. 554 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 116 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 315 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 14 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.
રૂપિયો 36 પૈસા ગગડી દોઢ વર્ષના તળિયે પહોંચ્યો
યુએસ ડોલર સામે બુધવારે રૂપિયો 36 પૈસા ગગડી 76.23ના દોઢ વર્ષના તળિયે પહોંચ્યો હતો. અગાઉ જૂન 2020માં તે આ સ્તરે જોવા મળ્યો હતો. બુધવારના બંધ બાદ રૂપિયો 76.91ના તેના ડોલર સામેના તળિયાથી લગભગ 60 પૈસા છેટે જોવા મળી રહ્યો છે. બુધવારે રૂપિયો નરમાઈ સાથે ખૂલ્યો હતો અને નીચામાં 76.24 પર જ્યારે ઉપરમાં 76.02ના સ્તરે ટ્રેડ થયા બાદ લગભગ દિવસના તળિયા પર જ બંધ રહ્યો હતો. મંગળવારે તે 75.88ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં બે મહિનામાં તે 3 ટકા જેટલો ગગડ્યો છે. જ્યારે કેલેન્ડર 2021ની વાત કરીએ તો તે 9.2 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યો છે.
સુગર નિકાસ સબસિડી મુદ્દે WTOમાં ભારતની હાર
ભારતમાંથી ખાંડની નિકાસ પર સબસિડી મુદ્દે વિશ્વ વેપાર સંગઠન(ડબલ્યુટીઓ)માં ભારતની હાર થઈ છે. ડબલ્યુટીઓની ડિસ્પ્યુટ સેટલમેન્ટ પેનલે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ગ્વાટેમાલા જેવા દેશોની ફરિયાદની સુનાવણીમાં ભારત વિરુધ્ધ ચૂકાદો આપ્યો છે. અલબત્ત, તેના ચૂકાદાનો તત્કાળ અમલ નથી થવાનો કેમકે ભારત સરકારે આ રિપોર્ટ સામે અપીલમાં જવાની છે. હાલમાં ડબલ્યુટીઓ ખાતે સક્રિય એપેલેટ બોડીની ગેરહાજરી જોતાં તત્કાળ આ મુદ્દે આખરી નિર્ણય આવે તેવી શક્યતાં નથી એમ વર્તુળો જણાવે છે. ડબલ્યુટીઓની ડિસ્પ્યુટ પેનલે તેના રિપોર્ટમાં નોંધ્યું હતું કે 2014-15થી 2018-19ની સતત પાંચ સુગર સિઝનમાં ભારતે શેરડી ઉત્પાદકોને તેમના કુલ ઉત્પાદન ખર્ચના 10 ટકા સુધીના પરમિટેડ સ્તરથી વધુ પ્રમાણમાં નોન-એક્ઝેમ્પ્ટ પ્રોડક્ટ-સ્પેસિફિટ સ્થાનિક સપોર્ટ પૂરો પાડ્યો છે. જે એગ્રીકલ્ચર પરના એગ્રીમેન્ટનો ભંગ છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પેનલના રિપોર્ટની ભારતના સુગર સેક્ટર સંબંધી વર્તમાન અથવા ભાવિ નીતિવિષયક પગલાઓ પર કોઈ અસર નહિ થાય. દેશના શેરડી પકવતાં ખેડૂતોના હિતમાં તે ડબલ્યુટીઓમાં અરજી કરશે.
RBIની બેઠકમાં ક્રિપ્ટો મુદ્દે ચર્ચા થવાની શક્યતા
બેંકિંગ રેગ્યુલેટરની આગામી 17 ડિસેમ્બરે લખનૌ ખાતે મળનારી બેઠકમાં ક્રિપ્ટોકરન્સિઝને જારી કરવાથી લઈને તેના નિયમન સંબંધી બાબતો અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાં છે. સોમવારે લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા ક્રિપ્ટોકરન્સિઝને લઈને બિલ તૈયાર હોવાની માહિતી આપી હતી ત્યારે આરબીઆઈ પણ તેની બેઠકમાં ઘણા સમયથી ચર્ચામાં ક્રિપ્ટોકરન્સિઝને લઈને વિચારણા કરી શકે છે. રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સત્તાવાર ડિજિટલ કરન્સી પરનું ક્રિપ્ટોકરન્સિઝ એન્ડ રેગ્યુલેશન્સ બિલ કેબિનેટની વિચારણા માટે આખરી તબક્કામાં છે. આરબીઆઈની શુક્રવારની બેઠકમાં ચર્ચા માટેના એજન્ડામાં ક્રિપ્ટોકરન્સિઝ એક એજન્ડા તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે કે નહિ તે અંગે ચકાસણી થઈ શકી નહોતી. જોકે ઉચ્ચ વર્તુળે જણાવ્યું હતું કે તે અંગે ચર્ચા થઈ શકે છે.
ભારતમાં ચીપ ઉત્પાદન માટે ટાટાની તાઈવાનની કંપની સાથે મંત્રણા
કેન્દ્ર સરકારની તાઈવાનની કંપનીઓ સાથે મંત્રણા
ટાટા જૂથ સેમિકંડક્ટર ચીપ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશવા માટે કેટલીક અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વાતચીત ચલાવી રહ્યો છે. જેમાં તાઈવાનની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે અગાઉ ચીનની કંપનીઓ તાઈવાનીઝ સેમિકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ કંપની(ટીસીએમસી) અને યુનાઈટેડ માઈક્રોઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન(યુએમસી)ને ભારતમાં ચીપ ઉત્પાદન માટે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જાણકાર વર્તુળો જણાવે છે કે ટાટા હવે આ પ્રકારના શક્ય જોડાણ માટે અલગ ચેનલ મારફતે પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં ભારત તેની મોટાભાગની ચિપ્સ જરૂરિયાત આયાત વડે સંતોષે છે. જે વિવિધ એપ્લિકેશન્સ માટે ફેબ્રિકેટ તથા એસેમ્બલ કરવામાં આવી હોય છે. આમાં ઓટોમોબાઈલ, રિન્યૂએબલ પાવર, મોબાઈલ ફોન્સ, ટેલિવિઝન્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમ્સનો સમાવેશ થાય છે. ટાટા જૂથના પ્રવક્તાએ આ અંગે પૂછવામાં આવતાં જવાબ નહોતો આપ્યો. જોકે ઓટોમોબાઈલ અને રિન્યૂએબલ પાવર ક્ષેત્રે હાજરી ધરાવતાં ટાટા જૂથ માટે ચિપ્સની કેપ્ટિવ માગ નોંધપાત્ર જોવા મળે છે. જૂથ કંપની ટાટા એલેક્સિ અગાઉથી સેમિકંડક્ટર સર્વિસિસ બિઝનેસમાં છે. કંપનીએ તમિલનાડુ ખાતે ગ્રીનફિલ્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની શરૂઆત કરી છે. ભારત સરકારે ઈસરોની પાંખ સેમી-કંડક્ટર લેબોરેટરી સાથે મળીને તાઈવાનની કંપનીઓ ટીસીએમસી અને પાછળથી યુએમસી સાથે મળીને મેન્યૂફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટેની આતુરતા દર્શાવી હતી. જોકે વિદેશી કંપનીઓને ઈન્સેન્ટિવ્સ ઓછા પડતાં મંત્રણા નિષ્ફળ રહી હતી. ઉપરાંત ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ ઓફર કરી શક્યું નહોતું. જે પણ તાઈવાનની કંપનીઓએ દ્વારા કરવામાં આવેલું એક બાર્ગેઈન હતું. સરકાર પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ મારફતે દેશમાં સેમી કંડક્ટર મેન્યૂફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે વિચારી રહી છે.
પાંચ વર્ષોમાં રોકાણકારો માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌથી વધુ વેલ્થ સર્જન કર્યું
2015-16થી 2020-21 સુધીમાં કંપનીએ રૂ. 9.6 લાખ કરોડનો વેલ્થ વૃદ્ધિ નોંધાવી
અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝે પણ બીજા અને ત્રીજા ક્રમે સંપત્તિ સર્જન દર્શાવ્યું
ઓઈલ-ટુ-ટેલિકોમ કોન્ગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લાં પાંચ વર્ષોમાં દેશમાં સૌથી મોટી વેલ્થ ક્રિએટર તરીકે ઊભરી છે. તેણે પાંચ વર્ષોમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 9.6 લાખ કરોડનો તીવ્ર ઉમેરો દર્શાવ્યો છે એમ અગ્રણી બ્રોકરેજે તેના 26મા વાર્ષિક વેલ્થ ક્રિએશન સ્ટડીમાં દર્શાવ્યું છે. આમ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2014-2019માં રૂ. 5.6 લાખ કરોડના સંપત્તિ સર્જનના પોતાના જ રેકર્ડને તોડ્યો છે.
નાણા વર્ષ 2015-16થી 2020-21 સુધીના પાંચ નાણાકિય વર્ષ દરમિયાન ભારતીય માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓએ નોંધાવેલા વેલ્થ ક્રિએશનનો બ્રોકરેજ હાઉસે અભ્યાસ હાથ ધર્યો હતો. જે મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ટોચની 100 કંપનીઓએ રૂ. 71 લાખ કરોડનું સંપત્તિ સર્જન હાથ ધર્યું છે. જે છેલ્લાં 26 વર્ષોના સમયગાળામાં જોવા મળેલું સૌથી ઊંચું સંપત્તિ સર્જન છે એમ અભ્યાસ સૂચવે છે. બીએસઈ સેન્સેક્સમાં 14 ટકાના વાર્ષિક સરેરાશ વળતર સામે આ કંપનીઓએ સરેરાશ 25 ટકાના દરે વેલ્થ ક્રિએટ કરી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સૌથી મોટા સંપત્તિ સર્જક તરીકે રિલાયન્સનું ફરીથી ઊભરવું એ ફિઝીટલ(ફિઝીકલ પ્લસ ડિજીટલ)ની શક્તિ સૂચવે છે. કંપનીનો ઓઈલ-ટુ-કેમિકલ્સ અને રિટેલ બિઝનેસ મજબૂત ફિઝિકલ હાજરી ધરાવે છે. જ્યારે ટેલિકોમ બિઝનેસ ડિજિટલ છે. આરઆઈએ પછી સૌથી ઝડપી વેલ્થ બનાવનાર કંપનીઓમાં અદાણી જૂથની બે કંપનીઓ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસનો ક્રમ આવે છે. જેમાં અદાણી ટ્રાન્સમિશન સરેરાશ વાર્ષિક 93 ટકા વૃદ્ધિ સાથે સૌથી ઝડપી વેલ્થ ક્રિએટર જણાયો છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસ વાર્ષિક સરેરાશ 86 ટકા સાથે સાતત્યપૂર્ણ વેલ્થ ક્રિએટર બન્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસને શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેધર ક્રિએટર પણ ગણવામાં આવ્યો છે.
અભ્યાસ મુજબ જો 2016માં ટોચના 10 વેલ્થ ક્રિએટર્સમાં રૂ. 10નું રોકાણ કરવામાં આવ્યું હોત તો 2021માં તે રૂ. 1.7 કરોડ બન્યું હોત. જે સેન્સેક્સમાં સમાનગાળામાં સરેરાશ 14 ટકાના રિટર્ન સામે વાર્ષિક 77 ટકાનું રિટર્ન દર્શાવે છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.