માર્કેટ સમરી
નિફ્ટી નવી ટોચ પર બંધ આપવામાં સફળ
બજાર પર બુલ્સની પકડ મજબૂત છે તે જોવા મળે છે. તેઓ ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવીને બજારને પોઝીટીવ બંધ રાખવામાં સફળ થઈ રહ્યાં છે. નિફ્ટી 13589ના સ્તર પરથી ગગડી 13447 થયા બાદ 13568ના નવા ક્લોઝીંગ પર જોવા મળ્યો હતો. અલબત્ત, બજારમાં વિશ્વાસનું સ્તર મહિના અગાઉ હતું તેવું નથી જોવા મળી રહ્યું. માર્કેટ અંતિમ પાંચ-સાત સત્રોથી ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગનો સંકેત આપી રહ્યું છે અને શાણા હોય તેમણે લોભ છોડીને હાથ પર કેશનું પ્રમાણ વધારવું જોઈએ. જેથી બજારમાં ઘટાડે તક મળે ત્યારે પુનઃપ્રવેશ કરી શકાય.
ઓટો, ફિનાન્સિયલ સર્વિસિસ, મેટલ અને મિડિયાનો સપોર્ટ
બેંકિંગ જ્યારે નરમાઈ દર્શાવતું હતું ત્યારે બજારને ઓટો, મેટલ અને ફિનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રે સપોર્ટ કર્યો હતો. નિફ્ટી ઓટો 0.62 ટકા સુધરી બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 0.77 ટકા સુધી 14673 પર બંધ આવ્યો હતો. નિફ્ટી મેટલ પણ 0.77 ટકા મજબૂત જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી મિડિયા 1.8 ટકા સુધર્યો હતો.
બજાર બંધ થતાં સુધીમાં બ્રેડ્થ પણ સુધરી
એક તબક્કે નિફ્ટી 60 પોઈન્ટ્સથી વધુ નરમ હતો ત્યારે માર્કેટની બ્રેડ્થ પણ નેગેટિવ જોવા મળી રહી હતી. જોકે ત્યારબાદ બજારની સાથે બ્રેડ્થમાં સુધારો જોવા મળ્યો હતો. કામકાજના અંતે બીએસઈ ખાતે 3142 ટ્રેડેડ શેર્સમાંથી 1542 પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જ્યારે 1438 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 404 ઉપલી સર્કિટ ફિલ્ટરમાં બંધ રહ્યાં હતાં.
બજાજ ફાઈનાન્સનો શેર સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો
અગ્રણી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સનો શેર મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 4898ના ટોચના સ્તરેથી 5 ટકા કરતાં વધુ સુધારે રૂ. 5138ના સ્તરે ટ્રેડ થયો હતો. આમ તેણે રૂ. 240નો સુધારો દર્શાવ્યો હતો. કંપનીનો શેર રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો અને માર્કટ-કેપની રીતે ટોચની 10 કંપનીઓમાં પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ ગયા વર્ષે રૂ. 4900ની ટોચ પરથી શેર કોવિડને કારણે જોવા મળેલા કડાકા પાછળ માર્ચ મહિનામાં રૂ. 1800 સુધી ગગડ્યો હતો. જ્યારેથી સુધરતો રહીને મંગળવારે જૂની ટોચ વટાવી નવી ટોચ પર પહોંચ્યો હતો.
જીએમઆર ઈન્ફ્રા.નો શેર ઘણા વર્ષોની ટોચ પર
છેલ્લા એક દાયકાથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર જીએમઆર ઈન્ફ્રાનો શેર રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ઈન્ફ્રા ક્ષેત્રે એક સમયે અગ્રણી કંપનીનો શેર મંગળવારે રૂ. 28.95ની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 27.15ના બંધ સામે 7 ટકા સુધારે રૂ. 28.95 પર જોવા મળ્યો હતો. જે 52-સપ્તાહના રૂ. 14.10ના તળિયા સામે 100 ટકાથી વધુનું રિટર્ન સૂચવે છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 17 હજાર કરોડ પર જોવા મળી રહ્યું છે. કંપની મુખ્યત્વે એરપોર્ટ સર્વિસિઝ ક્ષેત્રે સક્રિય છે.
એમસીએક્સ ખાતે સોનુ-ચાંદી મજબૂત
કિંમતી ધાતુઓમાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સ્થાનિક કોમેક્સ ખાતે સિલ્વર માર્ચ વાયદો 1.18 ટકા અથવા રૂ. 751ની મજબૂતીએ રૂ. 64222ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 0.8 ટકા અથવા રૂ. 390ના સુધારે રૂ. 49329 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ન્યૂયોર્ક કોમેક્સ ગોલ્ડ વાયદો 0.9 ટકા અથવા 16 ડોલરની મજબૂતીએ 1849 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થતો હતો.