Market Summary 15 April 2021

માર્કેટ સમરી

નિફ્ટી પોઝીટીવ બંધ રહેવામાં સફળ

સાધારણ ગેપ-અપ ઓપનીંગ બાદ મંદીમાં સરી પડેલો નિફ્ટી મધ્યાહન બાદ સુધારા તરફી બન્યો હતો અને લગભગ દિવસની ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્ક 76.65 પોઈન્ટ્સના સુધારે 14581 પર બંધ રહ્યો હતો. જોકે હજુ પણ તે કન્ફ્યૂઝ ટેરિટરીમાંથી જ પસાર થઈ રહ્યો છે પરંતુ તેણે તેજીવાળાઓને રાહત આપી છે. જો યુએસ તથા અન્ય બજારોમાં મજબૂતી ટકશે તો સ્થાનિક બજાર પણ સુધારો જાળવી શકે છે.

 

માર્કેટમાં કોન્ફિડન્સના અભાવ વચ્ચે ડિફેન્સિવ્સમાં પોઝીશન લેતાં ટ્રેડર્સ

ગુરુવારે ફાર્મા અને આઈટી તથા પસંદગીના એફએમસીજી કાઉન્ટર્સમાં લેવાલી જોવાઈ

 

દેશમાં દૈનિક ધોરણે કોવિડના વિક્રમી કેસિસ વચ્ચે માર્કેટમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. જે બજારમાં ટ્રેડર્સના બિહેવિયરમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. ગુરુવારે બજાર બે બાજુની વધ-ઘટ બાદ પોઝીટીવ બંધ રહ્યું હતું. જોકે આર્થિક કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા ઓટો અને રિઅલ્ટી જેવા શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ડિફેન્સિવ નેચરના ગણાતાં ફાર્મા અને આઈટી કાઉન્ટર્સમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી.

માર્કેટ નિરીક્ષકોના મતે હાલમાં બજારમાં કોન્ફિડન્સનો અભાવ છે. તે કન્ફ્યૂઝ ટેરિટરીમાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રેડર્સ કોઈપણ બાજુની રિસ્કી પોઝીશન લેવાનું ટાળી રહ્યાં છે. આ સ્થિતિમાં માત્ર ઓપ્શન સેલર્સ કમાઈ રહ્યાં છે. એટલેકે જેઓ દૂરના કોલ્સ અને પુટ્સ વેચી રહ્યાં છે. તેઓ વર્તમાન અનિશ્ચિતતાનો લાભ લઈ રહ્યાં છે. તેમના મતે જ્યાં સુધી કોવિડને લઈને બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા નહિ મળે ત્યાં સુધી ટ્રેડર્સનું વલણ આવું જ જળવાશે અને તેઓ ડિફેન્સિવ સેક્ટર્સમાં તેમની પોઝીશન્સ લેતાં જોવા મળશે. જેમાં ફાર્મા અને આઈટી મુખ્ય હશે. એફએમસીજીમાં છૂટ-પૂટ લેવાલી જોવા મળી શકે છે. જોકે તેમાં સાર્વત્રિક લેવાલી નહિ જોવા મળે. ગુરુવારે નિફ્ટી ફાર્મા 1.4 ટકા સાથે એનએસઈના તમામ સેક્ટરલ સૂચકાંકોમાં સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. બેન્ચમાર્ક તેની 12 જાન્યુઆરીની ટોચની નજીક આવી પહોંચ્યો છે અને જો આગામી એકાદ-બે દિવસ માટે તેજી જોવા મળી તો તે નવી ટોચ દર્શાવી શકે છે. ગુરુવારે સિપ્લા, કેડિલા હેલ્થકેર, ડિવિઝ લેબોરેટરીઝ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, લ્યુપિન અને સન ફાર્મા જેવા તમામ અગ્રણી ફાર્મા કાઉન્ટર્સમાં એક ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો. જે સૂચવે છે કે કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે જોવા મળ્યું હતું તે રીતે બીજા રાઉન્ડ વખતે પણ ટ્રેડર્સ ફાર્મા તરફ વળ્યાં છે. નિફ્ટી આઈટીમાં પણ 0.62 ટકાનો સુધારો જોવા મળ્યો હતો અને ટીસીએસ જેવા કાઉન્ટરે 3.7 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. વિપ્રો, એમ્ફેસિસ, એચસીએલ ટેક, માઈન્ડટ્રીમાં પણ ખરીદી જોવા મળી હતી. એફએમસીજી ક્ષેત્રે છૂટપૂટ લેવાલી જોવા મળી હતી. જેમાં ડાબર, મેરિકો ઈન્ડસ્ટ્રીઝ જેવા કાઉટર્સે તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં.

ડાબરે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું  

એફએમસીજી કંપની ડાબરનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. શેર અગાઉના રૂ. 560.35ના બંધ ભાવ સામે રૂ. 580ની ટોચના ભાવે ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે 2.33 ટકા સુધરી રૂ. 572.85ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. એક લાખ કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર તેના વાર્ષિક રૂ. 421.45ના તળિયાથી સુધરતો રહ્યો છે. જોકે અન્ય એફએમસીજી કંપનીઓની સરખામણીમાં તે અન્ડરપર્ફોર્મર રહ્યો છે.

પીએસયૂ બેંક શેર્સમાં વેચવાલી જળવાય

ગુરુવારે માર્કેટ તેના ઈન્ટ્રા-ડે લો પરથી સુધરી પોઝીટીવ બંધ રહ્યું હતું અને તેને બેંકિંગ શેર્સ તરફથી સારો સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટી એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે પીએસયૂ બેંક શેર્સમાં વેચવાલી જોવા મળી હતી અને તે પ ટકા સુધીનો ઘટાડો દર્શાવતી હતી. જેમાં ઈન્ડિયન બેંક 4.6 ટકા, સેન્ટ્રલ બેંક 4 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 3.3 ટકા, યુનિયન બેંક 2 ટકા, જેકે બેંક 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતા. એકમાત્ર એસબીઆઈમાં અડધા ટકાનો સુધારો નોંધાયો હતો.

ડોલર સામે રૂપિયો 13 પૈસા સુધરી બંધ રહ્યો

ભારતીય ચલણમાં સતત પાંચ સત્રો સુધી નરમાઈ બાદ ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો. રૂપિયો ગયા મંગળવારે 75.06ના બંધ સામે 13 પૈસા સુધરી 74.93ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં સુધારા પાછળ કરન્સીમાં પણ સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો હતો. રૂપિયો માત્ર પાંચ ટ્રેડિંગ સત્રોમાં 171 પૈસા તૂટી 75ની નીચે ઉતરી ગયો હતો.

 

તેલિબિયાં અને ખાદ્ય તેલો સહિત એગ્રી કોમોડિટીઝમાં તેજીનો વંટોળ

એનસીડેક્સ ખાતે સોયાબિન, રાયડો, સોયાબિન તેલ, ચણા, કોટનસીડ ખોળના ભાવ ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયાં

સોયાબિનનો ભાવ પ્રથમવાર રૂ. 7100ની સપાટીને, રાયડો રૂ. 6800ને પાર કરી ગયો

તેલિબિયાં સહિત કૃષિ પેદાશોના ભાવમાં ધગધગતી તેજી જોવા મળી રહી છે. દેશમાં એગ્રી કોમોડિટીઝ ફ્યુચર પ્લેટફોર્મ એનસીડેક્સ ખાતે ગુરુવારે અનેક કોમોડીટીઝના વાયદાઓ ઉપલી સર્કિટમાં બંધ રહેવા સાથે ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયાં હતાં. જેમાં સોયાબિન, રાયડો, કોટન ખોળ વગેરેનો સમાવેશ થાય છે. ચણા જેવા પ્રોટીન પાકના ભાવ 4 વર્ષની ટોચ પર પહોંચ્યાં હતાં. જ્યારે અખાદ્ય તેલિબિયાં એરંડાના ભાવ એક વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં.

માર્કેટ એનાલિસ્ટ્સના મતે કોવિડને કારણે ઘણે ઠેકાણે એપીએમસી બંધ થવાના કારણે આવકો પર અસર પડતાં મોટાભાગની જણસોના ભાવ ઊચકાયાં હતાં. જેમાં તેલિબિયાં મુખ્ય હતાં. દેશમાં પ્રથમવાર સોયાબિનના ભાવ રૂ. 7100ની સપાટી પાર કરી ગયા હતા. એનસીડેક્સ ખાતે સોયાબિન મે ડિલિવરી વાયદો 4.3 ટકાના ઉછાળે રૂ. 7100ને પાર કરી ગયો હતો. સોયાબિનમાં તો મોટાભાગની આવકો બજારમાં આવી ચૂકી છે અને હવે ખેડૂતો પાસે નહિવત આવકો રહી છે ત્યારે તેજી સ્વાભાવિક છે પરંતુ રાયડામાં હજુ મોટાભાગની માર્કેટિંગ સિઝન બાકી છે અને દેશમાં 85-90 લાખ ટન વિક્રમી પાકનો અંદાજ રાખવામાં આવે છે ત્યારે ભાવ વિક્રમી સપાટીએ જોવા મળી રહ્યાં છે. એનસીડેક્સ મે ડિલિવરી રેપસીડ વાયદો 6 ટકાની અપર સર્કિટમાં રૂ. 6837ના ભાવે બંધ રહ્યો હતો. અગાઉ ક્યારેય રવિ તેલિબિયાં આ ભાવે ટ્રેડ નથી થયાં. સોયાબિન તેલની વાત કરીએ તો એપ્રિલ ડિલીવરી વાયદો રૂ. 1362.50ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે આયાતી ખાદ્યતેલ એવો સીપીઓ એપ્રિલ વાયદો પણ રૂ. 1167ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. તે અગાઉ કેટલાક દિવસો અગાઉ દર્શાવેલી રૂ. 1180ની ટોચ નજીક ફરી પહોંચ્યો હતો.

અમદાવાદ સ્થિત કોમોડિટી એનાલિસ્ટ્સના મતે કોવિડના કારણે બજારમાં નવી આવકો પ્રવેશતી અટકી છે અને તેની સેન્ટિમેન્ટલ અસર જોવા મળી છે. જોકે ખાદ્યતેલોમાં તે સ્થિતિ ટાઈટ હોવાના કારણે ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. હવે બ્રાઝિલ ખાતેથી સોયાબિનનની આવકો શરૂ થયા બાદ ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. ત્યાં સુધી ખાદ્યતેલોમાં ભાવ ઘટે તેવી શક્યતા નથી. કેમકે દેશમાં માગ સામે આયાતનું પ્રમાણ નીચું જોવા મળ્યું છે. અખાદ્યતેલ એરંડાના ભાવ પણ 5 ટકા ઉછળી રૂ. 5190ની વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એરંડા અંગે તેના ત્રીજા પાક સર્વેક્ષણમાં અંદાજિત પાકમાં ઘટાડો કર્યો હતો. જેની કોમોડિટીના ભાવ પર પોઝીટીવ અસર પડી છે. ઊંઝા જેવી મોટી એપીએમસીએ કોવિડને કારણે હાલમાં કામગીરી બંધ રાખતાં જીરુંના ભાવ ઘટતાં અટક્યાં છે અને તેને સપોર્ટ મળ્યો છે એમ વર્તુળો જણાવે છે. ધાણામાં પણ ભાવ મજબૂત બન્યાં છે. જોકે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ચણા જેવી જણસના ભાવ ચાર વર્ષની ટોચ પર પહોંચ્યાં છે. દેશમાં ચાલુ રવિ સિઝનમાં ચણાનું વિક્રમી વાવેતર થયું હતું અને તેથી ઊત્પાદન વિક્રમી રહેવાનું છે ત્યારે એનસીડેક્સ ખાતે મે ડિલિવરી વાયદો 3 ટકા ઉછળી રૂ. 5795ની ચાર વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage