શેરબજારમાં મંદી લંબાઈઃ નિફ્ટીએ 17Kનું લેવલ તોડ્યું
વૈશ્વિક બજારોમાં સુધારા છતાં ભારતીય બજારમાં વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.4 ટકા વધી 16.29ની સપાટીએ
મેટલ અને ફાર્મામાં મજબૂતી
બેંકિંગ, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં વેચવાલી
પેટ્રોનેટ એલએનજી, ગુજરાત પીપાવાવ નવી ટોચે
સન ફાર્મા એડવાન્સ, નેટવર્ક 18, એચડીએફસી એએમસી નવા તળિયે
અમદાવાદ
વૈશ્વિક શેરબજારોમાં સુધારા વચ્ચે ભારતીય બજારમાં સતત પાંચમા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 344 પોઈન્ટ્સ ગગડી 57,555.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 71 પોઈન્ટ્સ ઘટી 16972 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. જેમાં નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 30 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3643 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2011 નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1518 સુધારો દર્શાવી રહ્યાં હતાં. 259 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. જ્યારે 71 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા વધી 16.29ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે નિફ્ટી પ્રથમવાર છ મહિનાના તળિયે બંધ રહ્યો હતો. તે 11 ઓક્ટોબર 2022 પછી 17 હજારની નીચે જોવા મળ્યો હતો. આમ તેણે મહત્વનો સાઈલોજિકલ સપોર્ટ ગુમાવ્યો હતો. યુએસ બજાર મંગળવારે નોંધપાત્ર સુધારા સાથે બંધ આવતાં એશિયન બજારોએ મજબૂત શરૂઆત દર્શાવી હતી અને તેઓ 2 ટકા આસપાસના સુધારે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેની પાછળ નિફ્ટી પણ ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યો હતો. બેન્ચમાર્ક અગાઉના 17043ના બંધ સામે 17166ના સ્તરે મજબૂત ખૂલ્યાં બાદ 17211ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને નીચામાં 16939ની સપાટીએ ટ્રેડ થયો હતો અને 17 હજારની નીચે જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સના પ્રિમીયમે 17028ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 97 પોઈન્ટના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં ઊંચા સ્તરે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17000નું સાયકોલોજિકલ સપોર્ટ ગુમાવતાં તેને નીચામાં 16800નો સપોર્ટ મળી શકે છે. જે તૂટશે તો 16600 સુધીનો ઘટાડો સંભવ છે. માર્કેટ શોર્ટ ટર્મમાં ઓવરલોસ્ડ ઝોનમાં છે. જોકે તેઓ તીવ્ર બાઉન્સની શક્યતા નથી જોઈ રહ્યાં. તેમના મતે બુધવારે જોવા મળેલી 17225ની ટોચ નજીકનો અવરોધ બની રહેશે. જેની ઉપર જ બજાર વધુ સુધારો દર્શાવી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ આપનારા મહત્વના કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 6 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, તાતા સ્ટીલ, ટાઈટન કંપની, લાર્સન, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ સહિતના કાઉન્ટર્સમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઘટવામાં ભારતી એરટેલ ટોચ પર હતો. શેર 2 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, નેસ્લે, એચયૂએલ, એચડીએફસી બેંક, તાતા મોટર્સ, બ્રિટાનિયા, એચડીએફસી અને એક્સિસ બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2237ના સ્તરે વાર્ષિક તળિયા પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણએ રૂ. 2298.30નું લો બનાવ્યું હતું.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ અને ફાર્મા સેક્ટરમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી મેટલ 1.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝનું મુખ્ય યોગદાન હતું. આ ઉપરાંત તાતા સ્ટીલ, નાલ્કો, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, હિંદાલ્કો, એનએમડીસી અને વેદાંતમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.32 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ડિવિઝ લેબ્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. માત્ર સન ફાર્મા નરમાઈ દર્શાવતો હતો. નિફ્ટી બેંક એક ટકા ગગડ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે 39 હજારની નીચે ઉતરી ગયો હતો. જોકે 39 હજાર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. બેંક શેર્સમાં બેંક ઓફ બરોડા 2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એક્સિસ બેંક, પીએનબી, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી. એકમાત્ર કોટક મહિન્દ્રા બેંક એક ટકાથી વધુ સુધારા સાથે પોઝીટીવ બંધ દર્શાવતી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પણ 0.8 ટકા ગગડ્યો હતો. જેમાં એચડીએફસી એએમસી 2 ટકાથી વધુ તૂટી વાર્ષિક તળિયા પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ, એચડીએફસી બેંક, એચડીએફસી, પિરામલ એન્ટરપ્રાઈઝ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એક્સિસ બેંક, એસબીઆઈ લાઈફમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 2.3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નેસ્લે, એચયૂએલ, પીએન્ડજી, બ્રિટાનિયા, ડાબર ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, તાતા કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝિસ સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત જીએમઆર એરપોર્ટ્સ, આઈઈએસ, અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, પેટ્રોનેટ એલએનજી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, ગ્લેનમાર્ક ફાર્મા, મેટ્રોપોલીસ હેલ્થ, તાતા સ્ટીલ અને દાલમિયા ભારત સુધરવામાં અગ્રણી હતાં. બીજી બાજુ, એસ્ટ્રાલ લિ. 3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરબીએલ બેંક, મધરસન સુમી, જ્યુબિલિઅન્ટ ફૂડ, વોડાફોન આઇડિયા, બેંક ઓફ બરોડા, ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેંક ઘટવામાં ટોચ પર હતાં. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પેટ્રોનેટ એલએનજી, ગુજરાત પીપાવાવ, ક્યુનિન્સ, સોનાટા અને પોલી મેડિક્યોરનો સમાવેશ થતો હતો. જ્યારે સન ફાર્મા એડવાન્સ, ટીવી18 બ્રોડકાસ્ટ, નેટવર્ક 18, રોસારી બાયોટેક, એચડીએફસી એએમસી, સારેગામા ઈન્ડિયા અને વોખાર્ડ વાર્ષિક તળિયા પર ટ્રેડ થયાં હતાં.
ઊંચા પાક છતાં કોટનની નિકાસ 30 ટકા નીચી રહેશે
ગઈ સિઝનમાં 43 લાખ ગાંસડી નિકાસ સામે ચાલુ સિઝનમાં 30 લાખ ગાંસડી નિકાસની શક્યતાં
અમદાવાદ
ચાલુ સિઝનમાં દેશમાં કોટનનો પાક 3.21 કરોડ ગાંસડી રહેવાના અંદાજ છતાં કોમોડિટીની નિકાસ નીચી જોવા મળી રહી છે. ગઈ સિઝનની સરખામણીમાં પાક 5-7 ટકા ઊંચો છે તો પણ નિકાસ 30 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે તેમ વર્તુળો માની રહ્યાં છે. ગઈ સિઝનમાં 43 લાખ ગાંસડીની નિકાસ સામે ચાલુ સિઝનમાં નિકાસ 30 લાખ ગાંસડી આસપાસ જોવા મળે તેવી સંભાવના છે. જે છેલ્લાં ઘણા વર્ષોમાં સૌથી નીચી નિકાસ છે. નિકાસમાં ઘટાડાનું મુખ્ય મુખ્ય કારણ ભારતીય કોટનના મુખ્ય વપરાશકારો ચીન અને બાંગ્લાદેશ તરફથી નીચી માગ જવાબદાર છે. ભારતીય કોટન વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નહિ હોવાના કારણે પણ નિકાસ પર અસર પડી રહી છે.
ગુજકોટ એસોસિએશનના મતે ફેબ્રુઆરી આખર સુધીમાં દેશમાંથી 8 લાખ ગાંસડીની નિકાસ જોવા મળી હતી. જેમાં આગામી મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના છે. જોકે તેમ છતાં તે 30 લાખ ગાંસડીનો આંક પાર કરે તેવી શક્યતાં નીચી છે. જેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે નીચી માગ છે. ગયા વર્ષેની સરખામણીમાં ચાલુ સિઝનમાં કોટનનો પાક ઊંચો જોવા મળી રહ્યો છે. ગઈ સિઝનમાં 3.1 કરોડ ગાંસડી સામે ચાલુ સિઝનમાં કોટનનો પાક 3.3 કરોડ ગાંસડી રહે તેવો અંદાજ છે. આમ કોટનના પાકમાં 20 લાખ ગાંસડી વૃદ્ધિ જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ નિકાસ નીચી રહેશે. ચાલુ સિઝનમાં સ્થાનિક ખેડૂતોએ ઊંચા ભાવની અપેક્ષાએ માલ પકડી રાખતાં શરૂઆતથી જ સ્થાનિક કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં ઊંચા જોવા મળી રહ્યાં છે. હાલમાં સ્થાનિક બજારમાં કોટનના ભાવ રૂ. 60000-61000 પ્રતિ ખાંડી પર જોવા મળી રહ્યાં છે. જે નીચામાં રૂ. 56000 અને ઉપરમાં રૂ. 72000 પર જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે જૂન મહિનામાં ઓફ સિઝનમાં કોટનના ભાવ રૂ. 1 લાખની સપાટી પાર કરી ગયા હતા. ઉપરમાં તેમણે રૂ. 1.05 લાખની વિક્રમી ભાવ સપાટી દર્શાવી હતી. જેને કારણે સ્પીનર્સે વિદેશમાંથી કોટન આયાત કરવાની ફરજ પણ પડી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ગણતરીના દિવસોને બાદ કરતાં સ્થાનિક ભાવ ઊંચા જોવા મળ્યાં છે અને તેથી નિકાસકારોની બજારમાં ખરીદી પાંખી જોવા મળી છે. જોકે છેલ્લાં પખવાડિયાથી બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે અને તેને કારણે ભાવમાં ધીમો ઘસારો નોંધાયો છે. આગામી સપ્તાહોમાં ભાવમાં વધુ ઘટાડો ભારતીય કોટનને આકર્ષક બનાવી શકે છે. જેની પાછળ નિકાસકારો અને ટ્રેડર્સ માર્કેટમાં ખરીદી કરી શકે છે.
વર્તુળોના મતે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં આવકો સામાન્ય કરતાં નીચી રહી છે અને તેને કારણે પણ ભાવ થોડા પ્રિમીયમમાં રહ્યાં છે. જોકે હવે નવી સિઝનની વાવણી નજીક વતાં ખેડૂતો તેમનો માલ છોડતાં જોવા મળશે. જેની પાછળ ભાવ વૈશ્વિક બજાર સામે ડિસ્કાઉન્ટમાં જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 45 લાખ ગાંસડી માલ આવ્યો છે. જે સામાન્યરીતે 55 લાખ ગાંસડી આસપાસ રહેતો હોય છે.
ક્રેડિટ સ્વીસ પાછળ યુરોપિયન બેંક સ્ટોક્સમાં નવેસરથી ઘટાડો
સ્વીસ લેન્ડરનો સ્ટોક બુધવારે વધુ 18 ટકા તૂટતાં બજારમાં ગભરાટ
અમદાવાદ
સ્વીસ બેંક ક્રેડિટ સ્વિસના સૌથી મોટા રોકાણકારે બેંકને વધુ નાણાકિય સપોર્ટ પૂરો પાડવાનો ઈન્કાર કરતાં બેંકનો શેર બુધવારે 18 ટકા તૂટ્યો હતો. જેની પાછળ યુરોપિયન શેરબજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં જર્મની, ફ્રાન્સ અને યુકેના બજારો ચાર ટકા જેટલાં તૂટ્યાં હતાં. જ્યારે ડાઉ ફ્યુચર્સ પણ 3 ટકાથી વધુ ગગડ્યો હતો. યૂએસ ખાતે ગયા સપ્તાહે સિલિકોન વેલી બેંકના પતન બાદ પશ્ચિમી દેશોમાં રિટેલ બેંકિંગ સેક્ટરને લઈ વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. બુધવારે ભારતીય બેંકિંગ શેર્સમાં પણ નરમાઈ જોવા મળી હતી.
ક્રેડિટ સ્વીસનો શેર વધુ 18 ટા ઘટી નવા તળિયા પર જોવા મળ્યો હતો. બેંક છેલ્લાં કેટલાં મહિનાઓથી નાદારી નોંધાવે તેવી ચર્ચામાં જોવા મળી રહી હતી. જેમાં એસવીબીના બંધ થવાના કારણે ફરીથી વધારો થયો છે. ક્રેડિટ સ્વીસ પાછળ યુરોપિયન બેંક શેર્સ 6 ટકા ગગડ્યો હતો. રોકાણકારો સેફ હેવન તરફ વળતાં બે-વર્ષ માટેના જર્મન બોન્ડ યિલ્ડ્સ 21 બેસીસ પોઈન્ટ્સ ગગડી 2.71 ટકા પર જોવા મળ્યાં હતાં. આઈએનજીના સિનિયર રેટ્સ સ્ટ્રેટેજિસ્ટના જણાવ્યા મુજબ ક્રેડિટ સ્વીસનો શેર ઘટી રહ્યો છે અને તેને કારણે ગવર્મેન્ટ બોન્ડ્સમાં તેજી જોવા મળી રહી છે. તેમના મતે માર્કેટમાં યુરોપિયન બેંક્સની સ્થિતિને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે. જેની પાછળ શેર્સ તૂટી રહ્યાં છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ગુરવારે તેની રેટ સમીક્ષામાં અડધા ટકા રેટ વૃદ્ધિ રે તેવી શક્યતાં છે.
ફેબ્રુઆરીમાં ખાદ્ય તેલોની આયાત 12 ટકા વધી 11 લાખ ટન પર જોવા મળી
અમદાવાદ
દેશમાં ખાદ્ય તેલની આયાતમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય તેલોની આયાત વાર્ષિક ધોરણે 12 ટકા વધી 10.98 લાખ ટન પર જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે 9,83,608 ટન પર હતી. અખાદ્ય તેલની આયાતમાં જોકે 50 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 36,389 ટન અખાદ્ય તેલની આયાતની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 16,006 ટન આયાત નોંધાઈ હતી.
ખાદ્ય અને અખાદ્ય તેલોની કુલ આયાત 9 ટકા વધી 11.14 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 10.20 લાખ ટનની આયાત સામે 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નવેમ્બર 2022થી શરુ થયેલા નવા ઓઈલ વર્ષમાં આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ચાર મહિનામાં દેશમાં કુલ ખાદ્ય તેલ આયાત 58,44,765 ટન પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 45,91,220 ટન પર હતી. ઓઈલ માર્કેટિંગ વર્ષ નવેમ્બરમાં શરૂ થઈ ઓક્ટોબરમાં સમાપ્ત થાય છે. નવા વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન અખાદ્ય તેલોની આયાત ઘટીને 43,135 ટન પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 99,938 ટન પર જોવા મળતી હતી. દેશમાં કુલ વનસ્પતિ તેલની આયાત ચાર મહિનામાં 26 ટકા વધી 58,87,900 ટન રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 46,91,158 ટન પર હતી. ભારતમાં મોટાભાગની આયાત ઈન્ડોનેશિયા, મલેશિયા ખાતેથી જોવા મળે છે. તેઓ મુખ્યત્વે પામતેલની નિકાસ કરે છે. જ્યારે સોયાબિન તેલની ખરીદી આર્જેન્ટીના અને બ્રાઝિલ ખાતેથી કરવામાં આવે છે. દેશમાં ખાદ્ય તેલની આયાતમાં રિફાઈન્ડ પામ તેલની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કુલ ખાદ્ય તેલ આયાતમાં તે 22.5 ટકા હિસ્સા સાથે 8.2 લાખ ટન પર જોવા મળી હતી. જે સ્થાનિક ઓઈલ રિફાઈનર્સ માટે ચિંતાનું કારણ છે. સરકારે ફુગાવાને અંકુશમાં લેવાના ભાગરૂપે આરબીડી પામોલીન પરનો અંકુશ દૂર કર્યો હતો. જે હજુ પણ ચાલુ છે. ઉદ્યોગ સંસ્થાઓ જોકે સરકારને આરબીડી પામતેલ પરની ડ્યૂટીમાં વૃદ્ધિ કરવા માટે જણાવી રહી છે. તેમના મતે ક્રૂડ પામતેલ અને રિફાઈન્સ પામોલીન વચ્ચેનો ડ્યુટી તફાવત વર્તમાન 7.5 ટકા પરથી વધારી ઓછામાં ઓછો 15 ટકા કરવો જોઈએ. આ માટે સરકારે આરબીડી પામોલીન પર વધારાની 7.5 ટકા એગ્રીકલ્ચર સેસ લાગુ પાડવો જોઈએ.
ભારતીય નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 37.15 અબજ ડોલરની નિકાસ સામે ચાલુ વર્ષે 33.88 અબજ ડોલરની નિકાસ જોવાઈ
અમદાવાદ
ફેબ્રુઆરીમાં દેશની નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ગયા ફેબ્રુઆરીમાં દેશમાંથી 33.88 અબજ ડોલરની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 37.15 અબજ ડોલર પર હતી એમ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયનો ડેટા જણાવે છે. ફેબ્રુઆરીમાં દેશમાં આયાતમાં પણ 8.21 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 51.31 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 55.9 અબજ ડોલર પર હતી. આયાત ઘટવાના કારણે ગયા મહિને વેપાર ખાધ ઘટીને 17.43 અબજ ડોલર પર જોવા મળી હતી. જે સપ્ટેમ્બરમાં 27 અબજ ડોલરની વિક્રમી સપાટીએ રહી હતી. ચાલુ નાણાકિય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન દેશમાંથી કુલ નિકાસ 405.94 અબજ ડોલર પર રહી છે. જે વાર્ષિક ધોરણે 7.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બીજી બાજુ આયાતમાં વાર્ષિ 18.82 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તે 653.47 અબજ ડોલર પર રહી છે.
યુએસ બોન્ડ યિલ્ડ્સ તૂટતાં વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં વધુ એક ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ 2-વર્ષ માટેના બોન્ડ્સ 8 ટકા તૂટતાં ગોલ્ડમાં 21 ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 1932 ડોલર પર પહોંચ્યું હતું. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી છતાં ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો હતો. યુએસ ખાતે ઈક્વિટી માર્કેટમાં ઘટાડા પાછળ પણ રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યાં હોવાનું વર્તુળો જણાવતાં હતાં. મોડી સાંજે ડાઉ જોન્સ ફ્યુચર્સ 600 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવો રહ્યો હતો. સોના પાછળ ચાંદી પણ 2 ટકા મજબૂતી દર્શાવતી હતી. જોકે બેઝ મેટલ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં કોપર 3 ટકા જેટલું ડાઉન હતું.
PMLAના પાલન માટે FPIએ છ મહિના માગે તેવી શક્યતાં
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ(પીએમએલએ)ના સુધારાઓના પાલન માટે છ મહિનાની મુદત માટે તેવી શક્યતાં વર્તુળો જણાવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ એફપીઆઈ તેમના કસ્ટોડિયન્સ મારફતે મંત્રાલયનો સંપર્ક કરશે. જેમાં તે મુખ્ય ચિંતાઓ રજૂ કરવા સાથે વધુ સ્પષ્ટતાં માગશે. નવા નિયમો મુજબ એફપીઆઈએ તેના સિનિયર મેનેજમેન્ટ ઓફિશ્યલ્સના નામ પણ જાહેર કરવાના રહેશે. સરકારના પગલાએ એફપીઆઈને દ્વિધામાં મૂકી દીધી હતી. કેમકે તેઓ આ પ્રકારની માહિતી આપતાં ખચકાતાં હોય છે.
સિપ્લાઃ ટોચના ફાર્મા કંપનીને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ટેક્સ વાયોલેશન્સ અને ટેક્સ અવોઈડન્સ સામે આવ્યું છે. વિભાગના જણાવ્યા મુજબ તેઓ કંપની તરપથી સેક્શન 80 આઈએ હેઠળ ખોટા ક્લેમ્સ રજૂ કરવામાં આવ્યાં છે કે કેમ તેની તપાસ કરી રહ્યાં છે. શરૂઆતી તપાસમાં કંપનીએ રૂ. 400 કરોડના ખોટા ક્લેમ્સ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ પાંખ તરફથી જર્મન હોલસેલર મેટ્રો એજી હોલસેલના ભારત સ્થિત ઓપરેશનને ખરીદવાની મંજૂરી આપી છે. કંપનીની ટેલિકોમ પાંખ રિલાયન્સ જીઓએ નવા પોસ્ટપેઈડ ફેમિલી પ્લાન જીઓ પ્લસની શરૂઆત કરી છે. જે રૂ. 399થી શરુ થાય છે.
વેદાંતઃ કોમોડિટીઝ ઉત્પાદક કંપનીના પ્રમોટર્સે 15 કરોડ ડોલરની લોનની પુનઃચૂકવણી કરી કંપનીના પ્લેજ શેર્સ છૂટા કરાવ્યાં છે. ગયા વર્ષે જૂન મહિનામાં ડોઈશે બેંક એજી અને બાર્ક્લેઝ બેંકે ટ્વિન સ્ટાર હોલ્ડિંગ્સ, વેદાંત રિસોર્સિસ અને વેલ્ટર ટ્રેડિંગ કંપની સાથે 15 કરોડ ડોલર લોનનો કરાર કર્યો હતો. ગયા શુક્રવારે રેટિંગ એજન્સી મૂડીઝે વેદાંત રિસોર્સિઝના કોર્પોરેટ ફેમિલી રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું.
એચસીસીઃ હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ મેઘા એન્જિનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ સાથે સંયુક્ત સાહસમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ્સના બાંધકામ માટે રૂ. 3681 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. આ કોન્ટ્રેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલના બાંદ્રા કુર્લા કોમ્પ્સેક્સ સ્ટેશનના બાંધકામ માટે ફાળવવામાં આવ્યો છે.
એનટીપીસીઃ સરકારી પાવર ઉત્પાદક કંપની નવા નાણાકિય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન 54 લાખ ટન કોલની આયાત માટે વિચારી રહી છે. દેશમાં કોલની અછતની પૂરતી માટે નવા વર્ષે આયાતમાં વૃદ્ધિ જોવા મળશે. દેશમાં પીક પાવર માગ 230 ગીગાવોટ જોવા મળે તેવી શક્યતાં છે. દેશમાં 50 ટકાથી વધુ વીજ માગ થર્મલ પાવર પ્લાન્ટ્સ મારફતે પૂરી કરવામાં આવે છે.
એચપીસીએલઃ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીએ વૈશ્વિ અગ્રણી શેવરોનના લ્યુબ્રિકેન્ટ્સના ભારતમાં વેચાણ માટે એગ્રીમેન્ટ કર્યો છે. જે હેઠળ એચપીસીએલ શેવરોનના લ્યુબ્રિકેન્ટ્સનું ભારતમાં ઉત્પાદન કરવા સાથે તેનું વિતરણ અને માર્કેટિંગ પણ કરશે.
ક્રોમાઃ ટાટા ગ્રૂપની ક્રોમાએ સમર સેલ લોંચ કર્યું છે. જેમાં હોમ એપ્લાન્યિસની બહોળી રેન્જ પર અનેક ઓફર્સનો સમાવેશ થાય છે. સેલમાં એર કન્ડિશનર્સ, રુમ કૂલર્સ, રેફ્રિજરેટર્સ પર 45 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે અપગ્રેડ બેનિફિટ્સ, કેશબેક ઓફર્સ અને ઈએમઆઈનો સમાવેશ પણ થાય છે.
વોર્ડવિઝાર્ડ ફૂડ્સઃ વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ આહાર 2023 – આંતરરાષ્ટ્રીય ફૂડ અને હોસ્પિટાલિટી ફેરની 37મી એડિશનમાં ભાગ લેશે. ફેર 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન પ્રગતિ મેદાન તે યોજાશે. ટ્રેડનું આયોજન ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશને કર્યું છે. કંપની ક્વિકશેફ રેડી-ટૂ-ઇટ ફૂડથી લઈને ફ્રોઝન ફૂડ રજૂ કરશે.
જેગુઆર લેન્ડરોવર્સઃ કંપની તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા તાતા ટેક્નોલોજીસ સાથે ભાગીદારી કરી છે. જે જેગુઆરને તેના લક્ઝરી વ્હિકલ્સ અને અનુભવને એડવાન્સ્ડ ડિજીટલ ટેકનોલોજીઓના ઉપયોગ માટે સપોર્ટ કરશે. કંપની ક્લાઉડ ઈઆરપી સોલ્યુશન્સ અમલી બનાવશે.
એલી લિલીઃ ફાર્મા કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોપેલર રજૂ કરવા મંજૂરી આપી છે. ® ઇક્સિકિઝુમેબનો ઉપયોગ પ્લેક સોરાયસિસ ધરાવતાં એડલ્ટ્સની સારવારમાં થાય છે. તેમજ સોરાયટિક આર્થરાઈટિસ માટે પણ ઉપયોગી છે.
પીએનસી ઈન્ફ્રાટેકઃ ઈન્ફ્રા કંપની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રૂ. 1260 કરોડના મૂલ્યના ઓર્ડર માટે સૌથી નીચા બીડર તરીકે ઊભરી આવી છે.
મારુતિ સુઝુકીઃ દેશમાં અગ્રણી કાર ઉત્પાદક કંપનીની પ્રમોટર અને જાપાની કોર્પોરેટ સુઝુકી મોટરે ઓપન માર્કેટમાંથી 3.45 લાખ શેર્સની ખરીદી કરી છે. તેણે 10 માર્ચથી 13 માર્ચ દરમિયાન આ ખરીદી કરી હતી.
રેલટેલ કોર્પઃ રેલ્વેની કંપનીએ સી-ડેક પાસેથી રૂ. 287.57 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. જે સાથે રેલટેલની ઓર્ડર બુકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ગેઈલઃ સરકારી ગેસ ઈન્ફ્રા કંપનીના જેબીએફ પેટ્રોકેમિકલ્સને રૂ. 2101 કરોડમાં ખરીદવાના પ્લાનને એનસીએલટીએ મંજૂરી આપી છે.
ટીવીએસ મોટરઃ સ્વદેશી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીના બોર્ડે 12500 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ફાળવણીના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ સિપ્લા ક્વોલિટી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદવા આફ્રિકા કેપિટલવર્ક્સ એસએસએ 3 સાથે એગ્રીમેન્ટ કર્યો છે. જે હેઠળ આફ્રિકન કંપની સિપ્લાની સબસિડિયરીમાં 51.18 ટકા હિસ્સા સાથે બહુમતી હિસ્સો ખરીદશે.