વૈશ્વિક હરિફોને અવગણી ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
નિફ્ટીએ આખરે 18 હજારનું સ્તર પાર કર્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.4 ટકા ગગડી 12.86ની સપાટીએ
આઈટી, ઓટો, મેટલ, એનર્જીમાં મજબૂતી
એફએમસીજી, ફાર્મામાં નરમાઈ
ક્યુમિન્સ, ફિનોલેક્સ કેબલ્સ નવી ટોચે
બાટા, ઈમામી, બાસ્ફ વર્ષના તળિયે
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પ્રથમ વખત ચાલુ કેલેન્ડરમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં બેન્ચમાર્ક્સ અડધો ટકો સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 243 પોઈન્ટ્સ મજબૂત સાથે 61,275ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 86 પોઈન્ટ્સ સુધરી 18016ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ અગાઉના બંધ કરતાં ઘટાડો સૂચવતાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં સ્થિતિ આનાથી અવળી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3600 ટ્રેડેડ કંપનીઓમાંથી 1779 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1705 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જળવાયાં હતાં. 212 કાઉન્ટર્સે તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં. જ્યારે 65 કાઉન્ટર્સે સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.4 ટકા ગગડી 12.86ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
બુધવારે ભારતીય બજારે નરમ ઓપનીંગ દર્શાવી સતત સુધારો જાળવી રાખ્યો હતો અને વૈશ્વિક બજારો કરતાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યો હતો. મંગળવારે યુએસ ખાતે જાન્યુઆરી માટેનો સીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં મજબૂત જોવા મળતાં શેરબજારોમાં ઊંચી વધ-ઘટ પાછળ નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઘટાડા સાથે બંધ જળવાયો હતો. જેની પાછળ એશિયન બજારો પણ સાર્વત્રિક ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જેને કારણે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17930ના બંધ સામે 17897ની સપાટી પર રેડ ઝોનમાં ખૂલ્યાં બાદ વધુ ગગડી 17854 પર જોવા મળ્યો હતો. જ્યાંથી તે ધીમો સુધારો દર્શાવતો રહ્યો હતો. જોકે બપોર બાદ ભારે ખરીદી જોવા મળી હતી અને જોતજોતામાં નિફ્ટી 18000ની સપાટી પાર કરી 18034ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 24 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18040 પર બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના દિવસના 16 પોઈન્ટ્સની સરખામણીમાં વૃદ્ધિ દર્શાવે છે. જોકે તે લોંગ પોઝીશનમાં કોઈ મોટી વૃદ્ધિ નથી સૂચવી રહ્યું. આમ આગામી સત્રોમાં બેન્ચમાર્કે 18 હજારની સપાટી પર ટકી રહેવા માટે સંઘર્ષ કરવાનો બની શકે છે. કેમકે બજારમાં તેજી અગાઉના સત્ર કરતાં નીચા વોલ્યુમ સાથેની હતી. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ અને ગ્રાસિમનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ એચયૂએલ, સન ફાર્મા, આઈટીસી, લાર્સન, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ઓટો, મેટલ અને એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.1 ટકા ઉછળ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રો, એલટીઆઈ ટેક્નોલોજી, એમ્ફેસિસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈશર મોટર્સ 4 ટકાથી વધુ મજબૂતી સૂચવતો હતો. જે ઉપરાંત ટીવીએસ મોટર, બોશ, બાલક્રિષ્ણા ઈન્ડ, એમએન્ડએમ, હીરોમોટોક્પ, એમઆરએફમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.3 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3.6 ટકા સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત પ્રેસ્ટીજન એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ, નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં પણ પોઝીટીવ ટોન જોવા મળ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા દિવસે 2 ટકાથી વધુ સુધારા સાથે રૂ. 2432ની સપાટી પર બંધ રહ્યો હતો. બેંકિંગ કાઉન્ટર્સમાં જોકે સુસ્તી જોવા મળી હતી. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં બંધન બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સુધારા સાથે બંધ જળવાયા હતાં. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ બરોડા અને એસબીઆઈ તથા પીએનબી પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને ફેડરલ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ટોરેન્ટ પાવરનો શેર 10 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. ત્રીજા ક્વાર્ટરના સારા પરિણામ અને સ્પેશ્યલ ડિવિડન્ડ પાછળ કંપનીના શેરમાં ભારે લેવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, સિમેન્સ, મેક્સ ફાઈનાન્સિયલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની, બંધન બેંક, ટીવીએસ મોટર અને બોશમાં તેજી જોવા મળી હતી. બીજી બાજુ ભારત ફોર્જ, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, બાટા ઈન્ડિયા, એચયૂએલ, આરબીએલ બેંક, સન ફાર્મા, આઈટીસી અને ઝી એન્ટરટેઈનમેન્ટ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વાર્ષિક અથવા 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ફિનોલેક્સ કેબલ્સ, સિમેન્સ, કમિન્સ ઈન્ડિયા અને એપીએલ એપોલોનો સમાવેશ થાય છે. જ્યારે વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં ટીસીએનએસ ક્લોધીંગ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, ઈમામી, ગ્રેફાઈટ ઈન્ડિયા, બાટા ઈન્ડિયા, વેરોક એન્જિનીયર, બાસ્ફ અને બાલાજી એમાઈન્સનો સમાવેશ થતો હતો.
MF મેનેજર્સે સસ્તાં IT, હેલ્થ અને ઓટો શેર્સમાં રોકાણ વધાર્યું
જાન્યુઆરીમાં ફંડ મેનેજર્સે બેંક્સ અને ઈન્ફ્રામાં રોકાણ ઘટાડ્યું
મ્યુચ્યુલ ફંડ મેનેજર્સ ફરી એકવાર ડિફેન્સિવ સેક્ટર તરફ વળતાં જોવા મળી રહ્યાં છે. જાન્યુઆરી મહિનામાં વિવિધ એક્ટિવ ફંડ મેનેજર્સની ખરીદ-વેચાણ પર નજર નાખીએ તો આમ જોવા મળે છે. કેલેન્ડરના પ્રથમ મહિના દરમિયાન માર્કેટમાં લગભગ 2 ટકાના નેગેટિવ રિટર્ન દરમિયાન ફંડ મેનેજર્સે પ્રમાણમાં સસ્તાં એવા આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઓટોમોબાઈલ શેર્સમાં તેમની ખરીદી વધારી હતી. જ્યારે બીજી બાજુ તેમણે બેંકિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ હળવું કર્યું હતું. તેમણે ફાઈનાન્સિયલ સેક્ટરમાં પણ રોકાણ ઘટાડ્યું હતું.
એક અગ્રણી બ્રોકરેજ તરફથી હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ જાન્યુઆરીમાં ટેક્નોલોજી સેક્ટરના ફંડ એલોકેશનમાં વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બરમાં 9.7 ટકાના 28-મહિનાના તળિયા પર જોવા મળતું આઈટી સેક્ટર માટેનું એલોકેશન જાન્યુઆરીમાં વધીને 10.2 ટકા પર પહોંચ્યું હતું. આમ મહિના દરમિયાન ફંડ્સના આઈટી સેકટર એક્સપોઝરમાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. જાન્યુઆરીમાં ઓટો સેક્ટર માટેનું વેઈટેજ 8 ટકાની 49-મહિનાઓની ટોચ પર જોવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ પ્રાઈવેટ સેક્ટર બેંક્સ માટેનું વેઈટેજ 25-મહિનાની ટોચ બનાવી ઘટાડો દર્શાવી રહ્યું છે. ડિસેમ્બરમાં તે 19 ટકાની બે વર્ષથી વધુની ટોચ પર હતું. જ્યારે જાન્યુઆરીમાં તે ઘટી 18.7 ટકા પર જોવા મળ્યું હતું. ફંડ મેનેજર્સે હેલ્થકેર શેર્સમાં વેલ્યૂ જોઈ હોવાનું સ્ટડી જણાવે છે. તેમણે ગ્લેન્ડ ફાર્મા, એલેમ્બિક, લ્યુપિન અને ઝાયડસ લાઈફસાયન્સિઝમાં ખરીદી કરી હતી. જોકે બીજી બાજુ હિંડેનબર્ગના રિપોર્ટ પાછળ અદાણી જૂથના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જોકે ટોચના ફંડ્સે અદાણી પોર્ટ્સ અને એસીસીમાં ખરીદી દર્શાવી હતી. જ્યારે અદાણી અંબુજા અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં વેચાણ નોંધાવ્યું હતું. આઈટી સેક્ટરમાં ટીસીએસ અને ઈન્ફોસિસમાં જ્યારે ઓટોમાં મારુતિ સુઝુકી અને એપોલો ટાયર્સમાં ખરીદી નીકળી હતી. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકમાં પણ ખરીદી જોવા મળી હતી.
જીરુંમાં તેજીના વળતાં પાણી, ટોચથી 20 ટકા પટકાયું
એનસીડેક્સ ખાતે 16 જાન્યુઆરીએ રૂ. 37990ની સર્વોચ્ચ સપાટી બનાવનાર માર્ચ વાયદો મંગળવારે રૂ. 30010 પર પટકાયો
ઊંઝા ખાતે ભાવ રૂ. 7000ને પાર કરી જનાર ભાવ રૂ. 5000-6500ની રેંજમાં ગગડ્યાં
નવી સિઝનમાં પાક સારો રહેવાની શક્યતાંએ ઊંચા મથાળે વેચવાલીનું દબાણ
મહત્વના મસાલા પાક જીરુંમાં એક મહિનામાં તેજીનો ફુગ્ગો લગભગ ફૂટી ગયો છે. ચાલુ સિઝનમાં નીચા વાવેતરની પાછળ કોમોડિટીમાં ઝડપી તેજી થઈ હતી અને જાન્યુઆરીની મધ્યમાં ભાવ તેની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યાં હતાં. જોકે નવી સિઝનમાં નીચા વાવેતરમાં પણ ઉત્પાદન ઊંચું રહેવાની શક્યતાં પાછળ ભાવ ઝડપથી ગગડ્યાં છે. ગયા મહિને હાજર બજારમાં રૂ. 7000(પ્રતિ મણ)ને પાર કરી જનાર જીરુંમાં નવા પાકોના રૂ. 5000-6500 બોલાઈ રહ્યાં છે. વેપારી વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાવમાં નજીકમાં વૃદ્ધિની શક્યતાઓ નીચી છે. કેમકે નવો પાક ગઈ સિઝન કરતાં ઊંચો રહેવાની અપેક્ષા છે.
જીરુંમાં ગયા ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીના મધ્યાંતર સુધીમાં ભાવમાં ભારે તેજી જોવા મળી હતી. જેની પાછળ પ્રથમવાર મણના ભાવ રૂ. 7000ની સપાટી પાર કરી ગયા હતા. તે વખતે ઓનલાઈન કોમેક્સ એનસીડેક્સ ખાતે માર્ચ વાયદો રૂ. 37990 પ્રતિ ક્વિન્ટલની ટોચ પર પહોંચ્યો હતો. માર્કેટ વર્તુળો તે વખતે રૂ. 40 હજારના ભાવની શક્યતાં પણ વ્યક્ત કરી રહ્યાં હતાં. જોકે તે આ સ્તરે લાંબો સમય ટકી શક્યો નહોતો અને ત્યાંથી તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે બુધવારે રૂ. 300010ની સપાટીએ ટ્રેડ થયો હતો. આમ ટોચના ભાવથી 20 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. ઊંઝા ખાતે મંગળવારે નવા જીરુંની 3000 બેગની આવક જોવા મળી હતી. વર્તુળોના મતે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં હવામાન મહ્દઅઁશે સારુ જળવાયું છે અને તેને કારણે પાકની સ્થિતિ એકંદરે સારી છે. આ સ્થિતિમાં ઉત્પાદન ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળે તેવી શક્યતાં જોવાઈ રહી છે. ગઈ સિઝનમાં ઊંચા વાવેતર છતાં હવામાનની પ્રતિકૂળતાને કારણે ઉત્પાદન ઘણું નીચું રહ્યું હતું. વેપાર વર્તુળોના અંદાજ મુજબ ગઈ સિઝનમાં જીરુંનો પાક 45 બેગ્સ આસપાસ જોવા મળ્યો હતો. જે ચાલુ સિઝનમાં 55-60 લાખ બેગ્સ રહેવાનો અંદાજ હાલમાં જોવાઈ રહ્યો છે. જોકે હજુ એકાદ સપ્તાહ પછી પાકનો સાચો અંદાજ મળી રહેશે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રાજસ્થાનમાં વાવેતર વધ્યું હતું. આમ સારી સિઝન રહેશે તો ઉત્પાદન 15-20 ટકા જેટલું ઊંચું જોવા મળી શકે છે એમ વર્તુળો ઉમેરે છે. આ સ્થિતિમાં ભાવ પર દબાણ સ્વાભાવિક છે. બીજી બાજુ સ્થાનિક માગ પણ સામાન્ય છે. આમ નજીકના સમયગાળામાં ભાવ ફરીથી વધવાતરફી જોવા મળે તેવી શક્યતાં ઓછી છે. વર્તુળઓના મતે ભાવ વર્તમાન સપાટીએથી વધુમાં વધુ 5-7 ટકાનો ઘટાડો દર્શાવી શકે છે. તેનાથી નીચે જવાની સંભાવના પણ ઓછી છે કેમકે ખેડૂતો બજારમાં એકદમ માલ છોડી દેવાના મત ના નથી. તેઓ પણ સારા ભાવ જોઈને જ ધીમે-ધીમે માલ ઠાલવશે.
CAIએ કોટનના પાકનો અંદાજ ઘટાડી 321 લાખ ગાંસડી કર્યો
કોટનની નિકાસ પણ 46 લાખ ગાંસડી પરથી ગગડી 30 લાખ ગાંસડી રહેવાનો અંદાજ
જ્યારે આયાત 14 લાખ ગાંસડીથી ઘટી 12 લાખ ગાંસડી રહેવાની સંભાવના
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ચાલુ સિઝનમાં દેશમાં કોટનના પાકમાં વધુ ઘટાડો કર્યો છે. તાજેતરમાં મળેલી સીએઆઈની બેઠકમાં દેશમાં 2022-23(સપ્ટેમ્બર-ઓક્ટોબર)માં 321.50 લાખ ગાંસડી કોટનનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા મહિને સંસ્થાએ 330.50 લાખ ગાંસડી પાકનો અંદાજ રજૂ કર્યો હતો. કેન્દ્રિય કૃષિ વિભાગ તરફથી પણ કોટનના પાક સંબંધી તેના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંગળવારે વિભાગે તેના નવા અંદાજમાં 337.23 લાખ ગાંસડી પાકનો અંદાજ મૂક્યો હતો અગાઉ તેણે 341.91 લાખ ગાંસડીનો અંદાજ રાખ્યો હતો. કેન્દ્રિય મંત્રાલય મુજબ ગઈ સિઝનમાં દેશમાં કોટનનો પાક 312.03 લાખ ગાંસડી જોવા મળ્યો હતો.
સીએઆઈ પ્રમુખે જણાવ્યું હતું કે તેમના અંદાજમાં 7.27 લાખ ગાંસડીના લૂઝ કોટનનો પણ સમાવેશ થાય છે. સમગ્રતયા પાકનો અંદાજ ગઈ સિઝનમાં 307.05 લાખ ગાંસડી ઉત્પાદનથી ઊંચો છે એમ તેમણે ઉમેર્યું હતું. સંસ્થાના ડેટા મુજબ ચાલુ વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં દેશમાં 115.70 લાખ ગાંસડી માલ આવી ગયો છે. જે ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણઈમાં 76.5 લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. દેશમાંથી કોટનની નિકાસ પણ ઘટીને 5.8 લાખ ગાંસડી જોવ મળી છે. ચાલુ સિઝનમાં દેશમાં કોટનની આયાત 12 લાખ ગાંસડી જોવા મળે તેવો અંદાજ સીએઆઈ રાખી રહી છે. ગઈ સિઝનમાં દેશમાં 14 લાખ ગાંસડી કોટન આયાત થયું હતું. એસોસિએશનના અંદાજ મુજબ દેશમાં ટેક્સટાઈલ મિલ્સના કોટન વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને તે 280 લાખ ગાંસડી પર રહેશે. જે ગઈ સિઝનમાં 293 લાખ ગાંસડી રહ્યો હતો. જ્યારે દેશમાંથી કોટન નિકાસ પણ ગઈ સિઝનની 43 લાખ ગાંસડી પરથી ગગડી 30 લાખ ગાંસડી રહેશે. લઘુ ઉદ્યોગો તરફથી કોટનનો વપરાશ 19 લાખ ગાંસડી પરથી ઘટાડી 15 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે. જ્યારે સિઝનની આખરમાં ક્લોઝિંગ સ્ટોક્સ 35.39 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જે ગઈ સિઝનમાં 31.89 લાખ ગાંસડી પર હતો. સીએઆઈના મતે પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોટનનું ઉત્પાદન ગઈ સિઝન કરતાં નીચું જોવા મળશે.
યુએસ ખાતે ઈન્ફ્લેશન અપેક્ષાથી ઊંચું રહેતાં ગોલ્ડમાં ઘટાડો લંબાયો
કોમેક્સ ખાતે ગોલ્ડ 24 ડોલર ગગડી 1841 ડોલર પર જોવા મળ્યું
યુએસ જાન્યુઆરી CPI 6.2 ટકાની અપેક્ષા સામે 6.4 ટકા આવતાં ડોલરમાં મજબૂતી
કેલેન્ડરના પ્રથમ મહિનામાં 9 ટકા સુધીનું રિટર્ન દર્શાવનાર ગોલ્ડમાં વેચવાલીનું દબાણ આગળ વધ્યું છે. બુધવારે વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડમાં 24 ડોલરનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1841 ડોલરના ચાર સપ્તાહના તળિયા પર ટ્રેડ થયું હતું. યુએસ ખાતે જાન્યુઆરી માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા અપેક્ષા કરતાં ઊંચો આવતાં ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં વેચવાલી જોવા મળી હતી.
યુએસ ખાતે મંગળવારે સીપીઆઈ ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જે માર્કેટ વર્તુળોની 6.2 ટકાની અપેક્ષા સામે 6.4 ટકા પર જોવા મળ્યો હતો. જોકે મંગળવારે ગોલ્ડના ભાવ ટકી રહ્યાં હતા અને 1965 ડોલર પર બંધ દર્શાવતાં હતાં. વેચવાલી બુધવારે જોવા મળી હતી. જેમાં એશિયન ટાઈમ ઝોનમાં 1871 ડોલરની ટોચ પર ખૂલ્યાં બાદ કિંમતી ધાતુના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને યુરોપ સમયે તે 1841 ડોલર પર ટ્રેડ થયું હતું. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 600 અથવા એક ટકાથી વધુ ગગડી રૂ. 56150 પર ટ્રેડ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે 1850 ડોલરનું સ્તર તૂટતાં હવે 1800-1820 ડોલરની રેંજમાં સપોર્ટ રહેલો છે. ફેબ્રુઆરીની શરૂમાં 1970 ડોલર પરથી ગોલ્ડ 120 ડોલર જેટલું ગગડી ચૂક્યું છે અને તેથી તેમાં બાઉન્સની સંભાવના પણ રહેલી છે. આમ ઘટાડે ખરીદીનો વ્યૂહ જાળવવાનું સૂચન એનાલિસ્ટ્સ કરે છે. ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ વેચવાલી નીકળી હતી. એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 1000ના ઘટાડે રૂ. 65250ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે તે પોણા બે ટકા ઘટાડા સાથે 22 ડોલરની નીચે ઉતરી ગયો હતો અને 21.497 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં કોપરમાં 1.5 ટકાના ઘટાડાની પણ ચાંદી પર વિપરીત અસર જોવા મળી હતી. ક્રૂડ અને નેચરલ ગેસના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો અડધા ટકાથી વધુ ઘટાડે 85 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો.
દેશના ક્રૂડ બાસ્કેટમાં યુએસનો હિસ્સો વિક્રમી સપાટીએ
ભારતે યુએસ ખાતે ક્રૂડ આયાતમાં નોઁધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જેને કારણે ડિસેમ્બર 2022માં દેશના કુલ ક્રૂડ બાસ્કેટમાં યુએસનો હિસ્સો 14.3 ટકાની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. જોકે રશિયા 21.2 ટકા સાથે ક્રૂડ ઓઈલના ટોચના સ્રોત તરીકે જોવા મળ્યો હતો. ભારતે ઈરાક(16.9 ટકા), યુએઈ(6 ટકા) અને કુવૈત(4.2 ટકા) પરના તેના અવલંબનમાં ઘટાડો કર્યો હતો. ડિસેમ્બરમાં યુએસ ખાતેથી ક્રૂડ આયાત 93 ટકા ઉછળી 39 લાખ ટન પર જોવા મળી હતી. 2016-17 સુધી ભારત યુએસ ખાતેથી ક્રૂડની કોઈપણ પ્રકારની ખરીદી કરતું નહોતું. ટ્રમ્પના પ્રમુખપદ સમયે ભારતે યુએસ પાસેથી ક્રૂડની ખરીદી શરૂ કરી હતી. ડિસેમ્બર 2021માં ભારતની ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો માત્ર 1.9 ટકા હતો. જે એક વર્ષ બાદ 21.2 ટકા પર જોવા મળ્યો હતો.
ઘઉંના ભાવમાં ટોચ પરથી રૂ. 500નો ઘટાડો
સરકારે ઓપન માર્કેટમાં 30 લાખ ટન ઘઉંના જથ્થા વેચાણનો નિર્ણય લીધાંના દસેક દિવસોમાં કોમોડિટીના ભાવ ટોચ પરથી પ્રતિ ક્વિન્ટલ રૂ. 500 જેટલાં ઘટી ચૂક્યાં છે. જોકે ઘઉંના ભાવમાં હજુ પણ વધુ ઘટાડાની શક્યતાં વર્તુળો દર્શાવી રહ્યાં છે. હાલમાં ઘઉંના જે ભાવ રૂ. 2500ની નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. જે ઘટીને રૂ. 2200 પર જોવા મળી શકે છે એમ વેપારીઓનું માનવું છે. ગુજરાતમાં નવા ઘઉંના ભાવ રૂ. 470 પ્રતિ મણ બોલાઈ રહ્યાં છે. એટલેકે ક્વિન્ટલે રૂ. 2350નો ભાવ બેસે છે. જોકે સરેરાશ ભાવ રૂ. 2500 આસપાસ જોવા મળે છે. આવકો વધતાં ભાવ પર દબાણ જોવા મળી શકે છે. જાન્યુઆરીમાં ઘઉંના ભાવ રૂ. 3000-3200 પ્રતિ મણની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં.
કોર્પોરેટ હેડલાઈન્સ
જીએમઆર એરપોર્ટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 191.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 626.3 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1364.1 કરોડની સરખામણીમાં 30 ટકા ઉછળી રૂ. 1766.1 કરોડ પર જોવા મળી હતી.
ઈઆઈડી પેરીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 250.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 228 કરોડના નફાની સરખામણીમાં 10.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6529 કરોડની સરખામણીમાં 52 ટકા ઉછળી રૂ. 9917 કરોડ પર જોવા મળી હતી.
પ્રેસ્ટીજઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 127.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87 કરોડના નફાની સરખામણીમાં 48 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1327.5 કરોડની સરખામણીમાં 74.5 ટકા ઉછળી રૂ. 2317 કરોડ પર જોવા મળી હતી.
પીએનસી ઈન્ફ્રાટેકઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 139.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 83 કરોડના નફાની સરખામણીમાં 68.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1721.8 કરોડની સરખામણીમાં 5 ટકા ઉછળી રૂ. 1803 કરોડ પર જોવા મળી હતી.
ફિઆમ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 32 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25.6 કરોડના નફાની સરખામણીમાં 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 389 કરોડની સરખામણીમાં 14 ટકા ઉછળી રૂ. 442 કરોડ પર જોવા મળી હતી.
શ્રીરામ પ્રોપર્ટીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 22.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13 કરોડના નફાની સરખામણીમાં 69 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 109.6 કરોડની સરખામણીમાં 60.4 ટકા ઉછળી રૂ. 175.8 કરોડ પર જોવા મળી હતી.