બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ નવી ટોચ દર્શાવી જોકે ટકી ના શક્યો
બેન્ચમાર્ક નિફ્ટીએ મંગળવારે 17438.55ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જોકે બેન્ચમાર્ક ત્યાંથી ગગડી 17367.05ના તળિયા પર પટકાઈને 24.70 પોઈન્ટ્સના સુધારે 17380 પર બંધ રહ્યો હતો. આમ તે 17400ના સ્તરને પાર કરવામાં સતત પાંચમીવાર નિષ્ફળ રહ્યો હતો. બેંકિંગના સપોર્ટ છતાં નિફ્ટી માટે ઊંચા સ્તરે ટકવામાં દબાણ જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે માર્કેટને નવી તેજીમાં પ્રવેશતાં અગાઉ એક નોંધપાત્ર કોન્સોલિડેશનની જરૂર છે.
અમી ઓર્ગેનિક્સનો શેર 49 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો
આઈપીઓ ટ્રેડર્સ માટે છેલ્લા એક મહિનાના સૌથી સારા લિસ્ટીંગમાં એમી ઓર્ગેનિક્સનો શેર ઓફર ભાવ સામે 49 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો હતો. કંપનીનો શેર રૂ. 610ના ઓફર ભાવ સામે રૂ. 910ના સ્તરે લિસ્ટ થયો હતો અને વધીને રૂ. 966.70ની ટોચ પર પહોંચ્યાં બાદ કામકાજને અંતે રૂ. 932 પર બંધ રહ્યો હતો. જે ઓફર ભાવ સામે રૂ. 53.28 ટકા અથવા રૂ. 325ની વૃદ્ધિ સૂચવે છે. એનએસઈ ખાતે કાઉન્ટરમાં 1.12 કરોડ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3406 કરોડ પર રહ્યું હતું. કંપનીનો આઈપીઓ 60 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ કેટેગરી 13.36 ગણુ ભરાઈ હતી. જ્યારે એચએનઆઈમાં 155 ગણુ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું.
મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકો સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવામાં સફળ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.35 ટકા ઉછળી 29871.65ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ
મંગળવારે ભારતીય બજારમાં બ્રોડ બેઝ બાઈંગ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ તેની અગાઉની ટોચની સામે 2 પોઈન્ટ્સના સુધારે નવી ટોચ બનાવી હતી. જોકે ઊંચા સ્તરે તે ટકી શક્યો નહોતો. જ્યારે બીજી બાજુ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો તેમની નવી ટોચ દર્શાવી તેની નજીક જ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જેમાં નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.35 ટકાના સુધારે 29871.65ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 29891.50ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ સૂચકાંક પણ 10824.15ની ટોચને સ્પર્શી કામકાજના અંતે 10775.90ના સ્તરે બંધ રહ્યો હતો.
છેલ્લા એક મહિનામાં મીડ-કેપ ઈન્ડેક્સે 8 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સે 6 ટકાનું રિટર્ન આપ્યું છે. આમ બંને સૂચકાંકો લગભગ નિફ્ટને સમાંતર અથવા તો તેનાથી સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 3396 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1888 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1347 શેર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 161 કાઉન્ટર્સ ફ્લેટ બંધ સૂચવતાં હતાં. મીડ-કેપ્સમાં મજબૂત સુધારાનું કારણ ઝી એન્ટરટેઈનમેન્ટ, વોડાફોન આઈડિયા અને આઈઆરસીટીસી જેવા કાઉન્ટર્સમાં ઊંચો સુધારો કારણભૂત હતો. ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 40 ટકા અથવા રૂ. 74.70 ઉછળી રૂ. 261.55ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીના મેનેજમેન્ટમાં મહત્વના ફેરફારની અગ્રણી રોકાણકારની માગણી પાછળ ઝીના શેરમાં સુધારો નોંધાયો હતો. એસબીઆઈની આગેવાની હેઠળના લેન્ડર્સે વોડાફોન આઈડિયા પરનું દબાણ ઓછું કરવા માટે સરકારને અનુરોધ કર્યો હોવાના અહેવાલ પાછળ વોડાફોન આઈડિયાનો શેર પણ 9 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે આઈઆરસીટીસીનો શેર 9 ટકા ઉછળી રૂ. 3700ના સ્તરને પાર કરી ગયો હતો. આ ઉપરાંત એસ્કોર્ટ્સ(6 ટકા), ભેલ(5 ટકા), સીઈએસસી(5 ટકા), જેએસડબલ્યુ એનર્જી(5 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ સ્મોલ-કેપ ઈન્ડેક્સને ટીવી18 બ્રોડકાસ્ટ(10 ટકા), બીઈએમએલ(7 ટકા), આઈઓએલ કેમિકલ(7 ટકા), એનબીસીસી(5 ટકા) અને સનટેક રિઅલ્ટી(5 ટકા) જેવા કાઉન્ટર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. વાર્ષિક ધોરણે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો નિફ્ટીની સરખામણીમાં ઊંચી આઉટપર્ફોર્મન્સ સૂચવે છે. મીડ-કેપ ઈન્ડેક્સ 78 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 81 ટકાનું વાર્ષિક રિટર્ન દર્શાવી રહ્યાં છે. જે નિફ્ટીના 52 ટકા કરતાં નોંધપાત્ર ઊંચું છે.
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રિટેલ લોંગ પોઝીશન ચાર મહિનાની ટોચ પર
બજારમાં 57 ટકા હિસ્સા ધરાવતાં રિટેલનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો 1.3ના 17 મે પછીના સૌથી ઊંચા સ્તર પર
બજારના અન્ય મહત્વના પાર્ટિસિપન્ટ એફઆઈઆઈનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો 1.73ની ટોચ પર
એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રિટેલ ઈન્વેસ્ટર્સની લોંગ પોઝીશન તેમની ચાર મહિનાની ટોચ પર જોવા મળી રહી છે. જોકે તેમ છતાં બજાર મંદી માટે તૈયાર નથી. મંગળવારે રિટેલનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો 1.3ની મે મહિના પછીની ટોચ પર હતો. જે કોવિડ બાદ બજારમાં જોવા મળેલી તેજી બાદ બીજી ઊંચી લોંગ પોઝીશન દર્શાવે છે. અગાઉ 17 મેના રોજ રિટેલ માટે આ રેશિયો 1.64 પર હતો. જોકે ત્યારબાદ તે ઘટ્યો હોવા છતાં એકના સ્તરથી નીચે નથી ગયો. આમ રિટેલ ટ્રેડર્સ નેટ લોંગ રહ્યાં છે.
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં લોંગ-ટુ-શોર્ટ રેશિયોનો 1.3 હોવાનો અર્થ રિટેલ દ્વારા તેમના દરેક 130 નિફ્ટીના લેણ જ્યારે સામે 100 નિફ્ટીનું વેચાણ એવો થાય છે. એટલેકે તેઓ ચોખ્ખી 30 નિફ્ટીનું લેણ ધરાવે છે. સામાન્યરીતે બજારમાં ચાર મુખ્ય પાર્ટિસિપન્ટ્સ કેટેગરીમાં રિટેલ અને એફઆઈઆઈ એક દિશામાં હોય તેવું જોવા નથી મળતું. જોકે છેલ્લાં ચાર મહિનાઓથી બંને સેગમેન્ટ્સ સમાંતર ચાલ સૂચવે છે અને નેટ લોંગ પોઝીશન દર્શાવી રહ્યાં છે. જેમકે કુલ પોઝીશનમાં રિટેલના 57 ટકા હિસ્સા બાદ 21 ટકા પોઝીશન સાથે બીજા ક્રમે આવતી એફઆઈઆઈનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો એપ્રિલ મહિનાથી અત્યાર સુધી સતત એક પર જળવાયો છે. આમ તેઓ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ચોખ્ખા લોંગ જોવા મળ્યાં છે. જોકે વચ્ચે કેશ સેગમેન્ટમાં તેઓ વેચવાલ જોવા મળ્યાં હતાં. આમ તેમણે ભિન્ન સેગમેન્ટમાં વિરુધ્ધ દિશામાં પોઝીશન્સ બનાવી હતી. જ્યારે રિટેલ એક માત્ર કેશ અને ઈન્ડેક્સ ફ્યુચર્સ, બંનેમાં લોંગ બની રહ્યાં છે. માર્કેટમાં લાંબા સમયગાળા બાદ રિટેલ સતત નેટ લોંગ જોવા મળી રહ્યાં છે. જેનું ડેરિવેટિવ્સ એનાલિસ્ટ્સને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેમના મતે રિટેલ જ્યારે ઊંચું લોંગ ધરાવતો હોય ત્યારે બજાર એક દિશામાં ગતિ દર્શાવે તેવું ઓછું બનતું હોય છે. જ્યારે ભારતીય બજાર મે મહિના બાદ સતત સુધારાતરફી રહ્યું છે. ચાલુ કેલેન્ડરમાં 22 ટકા સુધામાંથી નિફ્ટીમાં 16 ટકા સુધારો મે મહિના બાદ જોવા મળ્યો છે. માર્કેટમાં એકમાત્ર પ્રોપરાઈટરી ટ્રેડર્સ 0.54નો લોંગ-ટુ-શોર્ટ રેશિયો ધરાવે છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે તેઓ એક લોંગ પોઝીશન સામે બે શોર્ટ પોઝીશન્સ ધરાવે છે. સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સને નેટ લોંગની છૂટ નથી. તેઓ ડેરિવેટિવ્સ સેગમેન્ટનો ઉપયોગ માત્ર હેજિંગ હેતુથી કરી શકે છે અને તેથી તેમનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો 0.02 ટકા છે. મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સના કુલ 7,91,664 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટમાં 57 ટકા હિસ્સો રિટેલ પોઝીશનનો હતો. જ્યારે 21 ટકા હિસ્સો એફઆઈઆઈનો તથા 14 ટકા હિસ્સો ડીઆઈઆઈનો હતો. જ્યારે 8 ટકા હિસ્સો પ્રોપ ટ્રેડિંગનો હતો.
જુલાઈ આખરમાં નિફ્ટીએ 15900-16000ના મહત્વના અવરોધ ઝોનને પાર કર્યાં બાદ પણ રિટેલ ઈન્વેસ્ટર્સ તેમની લોંગ પોઝીશન પકડીને બેઠાં છે. જે બજારની તેજીને લઈને તેમનો આત્મવિશ્વાસ સૂચવે છે. ઈન્ડેક્સમાં ટોચના સ્તરે પણ રિટેલ પાર્ટિસિપેશન જળવાઈ રહ્યું છે અને તેથી ડેરિવેટિવ્સ સેગમેન્ટના કામકાજમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. જેમકે જુલાઈથી 3 ઓગસ્ટ સુધી એનએસઈ ડેરિવેટિવ્સ ખાતે સરેરાશ દૈનિક વોલ્યુમ રૂ. 52.47 લાખ કરોડ પર જોવા મળતું હતું. 3 ઓગસ્ટે નિફ્ટીએ 16000નું સ્તર પાર કરી મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જો 3 ઓગસ્ટથી મંગળવાર સુધીની વાત કરીએ તો ડેરિવેટિવ્સ સેગમેન્ટનું દૈનિક વોલ્યુમ રૂ. 59 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે સ્પષ્ટપણે સૂચવે છે કે માર્કેટ ટોચ પર હોવા છતાં રિટેલ બજારમાં મજબૂત હાજરી ધરાવે છે અને તે પણ નેટ લોંગ પોઝીશન સાથે.
આરબીઆઈ અને સિંગાપુરની સેન્ટ્રલ બેંક ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને લીંક કરશે
ભારત અને સિંગાપુરની મધ્યસ્થ બેંક્સ તેમની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સને લીંક કરશે, જેથી નીચા ખર્ચ સાથે તત્કાળ ફંડ ટ્રાન્સફર્સ થઈ શકે. આ પ્રોજેક્ટ જુલાઈ 2022 સુધીમાં પૂરો કરવામાં આવશે એમ બંને બેંક્સે મંગળવારે જણાવ્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે તેના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(યુપીઆઈ) અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપુરનું જોડાણ ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એક સીમાચિહ્ન બની રહેશે. આ જોડાણ રેસિપ્રોક્લ બની રહેશે અને ઉપયોગકર્તાએ બેમાંથી કોઈપણ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે ઓનબોર્ડ થવાની જરૂર નહિ રહે. યૂપીઆઈ એ ભારતનું ફ્લેગશીપ પેમેન્ટ પ્લેટફોર્મ છે અને ઓગસ્ટમાં સતત બીજા મહિના દરમિયાન તેણે 3 અબજ ડોલરથી વધુ ટ્રાન્ઝેક્શન્સ નોંધાવ્યાં હતા. 2016માં તેની લોંચ કરવામાં આવી હતી અને કોવિડ મહામારી દરમિયાન તેના ઉપયોગમાં ઊંચો ગ્રોથ જોવા મળ્યો હતો.
ક્રૂડના ભાવ છ સપ્તાહની ટોચ પર પહોંચ્યાં
વાવાઝોડા નિકોલસને કારણે યુએસમાં ટેક્સાસ ખાતે એક્સપ્લોરેશનની કામગીરી પર અસર પડવાની શક્યતા પાછળ વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારો આગળ વધ્યો છે અને તે છ સપ્તાહની ટોચ પર પહોંચ્યાં છે. યુએસ ખાતે ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.7 ટકા ઉછળી 70.94 ડોલર પ્રતિ બેરલની ટોચ પર જોવા મળ્યું હતું. જે 3 ઓગસ્ટ પછીની તેની ટોચ હતી. જ્યારે એશિયન બજારો માટે ગણનામાં લેવામાં આવતો બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ઓગસ્ટ પછીની તેની 74.18 ડોલર પ્રતિ બેરલની ટોચ પર ટ્રેડ થયો હતો. યુએસ ખાતે હરિકેન ઈડાએ મચાવેલી તબાહી બાદ હજુ કામકાજ સામાન્ય નથી બન્યું ત્યાં એક અન્ય વાવોઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તે ટેક્સાસના કિનારા તરફ 113 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડે જુલાઈની આખરમાં 65 ડોલરનું સ્તર દર્શાવ્યું હતું.
Market Summary 14 September 2021
September 14, 2021