Market Summary 14 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઊંચા મથાળે ખરીદી અટકતાં માર્કેટમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં આગળ વધતો સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળી 14.91ની સપાટીએ
મેટલ, આઈટી અને ઓટો તરફથી સપોર્ટ
એફએમસીજી, બેંકિંગ, એનર્જીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગનું માહોલ
LIC સારા પરિણામે છ ટકા ઉછળ્યો
રેઈલ વિકાસ, અંબુજા સિમેન્ટ્સ નવી ટોચ પર
નેટ્કો ફાર્મા, ઓરોબિંદો ફાર્માએ નવું તળિયું દર્શાવ્યું

વૈશ્વિક શેરબજારોમાં સુધારા વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે રહી હતી. ઊંચા મથાળે ખરીદીના અભાવે બજારો પોઝીટીવ ઝોનમાં ટકવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 171 પોઈન્ટ્સ ગગડી 61624ની સપાટીએ જ્યારે નિફ્ટી 20.55 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 18329.15 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં મધ્યમસરની ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ ફિફ્ટી-ફિફ્ટી જોવા મળી હતી. બેન્ચમાર્ક્સમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સુસ્તી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3.5 ટકા ઉછળી 14.91ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે માર્કેટની શરૂઆત પોઝીટીવ રહી હતી. જોકે ઓપનીંગ બાદ તરત જ બજાર રેડ ઝોનમાં સરી પડ્યું હતું અને મોટાભાગનો સમય સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી દિવસની 18399.45ની ટોચ બનાવી નીચામાં 18311.40 પર ટ્રેડ થયો હતો. તે સતત બીજા સત્રમાં 18300ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં કામકાજ ઘણા પાઁખા જળવાયાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ઊંચા મથાળે થોડું દબાણ સંભવ છે. નિફ્ટી 18300-18500ની રેંજમાં કોન્સોલિડેટ થવાની શક્યતાં છે. જો તે 18000નું સ્તર તોડશે તો વધુ ઘટાડો શક્ય છે. જ્યારે 18500 પાર કરશે તો 18800-19000 સુધીની ગતિ દર્શાવી શકે છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માર્કેટના વેલ્યૂએશન્સથી કન્વિન્સ્ડ નથી અને તેથી તેઓ રોકાણકારોને નવા નાણા નાખવાથી દૂર રહેવા અને મળતો હોય ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપે છે. તેમના મતે કોઈ આકસ્મિક ઘટના પાછળ બજાર ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. જેનું ટાઈમીંગ કરવું મુશ્કેલ છે. જોકે ટ્રેડર્સે સાવચેતી જાળવવી જોઈએ અને ઊંચા લેણની પોઝીશન ટાળવી જોઈએ.
ઉઘડતાં સપ્તાહે વૈશ્વિક બજારો મજબૂત રહ્યાં હતાં. એશિયામાં હોંગ કોંગ માર્કેટ 2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યું હતું. સિંગાપુર અને તાઈવાન પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે જાપાન, કોરિયા અને ચીન નરમાઈ દર્શાવતાં હતાં. યુરોપિયન બજારો અડધાં ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. સ્થાનિક બજારને મુખ્ય સપોર્ટ મેટલ, આઈટી અને ઓટો તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.7 ટકા ઉછાળે બંધ જોવા મળ્યો હતો. જેમાં હિંદાલ્કો 6 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, જીંદાલ સ્ટીલ, સેઈલ, તાતા સ્ટીલ અને વેદાંત પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જોકે મોઈલ 4 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવતો હતો. આઈટી ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં કોફોર્જ 3 ટકા, માઈન્ડટ્રી 3 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2 ટકા અને ઈન્ફોસિસ એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 0.23 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 5 ટકા સુધારા સાથે યોગદાનમાં ટોચ પર હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, હિરો મોટોકોર્પ, મારુતિ સુઝુકીમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે વિપરીત પરિણામો પાછળ ભારત ફોર્જ તૂટ્યો હતો. જ્યારે એમએન્ડએમ, ટીવીએસ મોટરમાં પણ નરમાઈ જોવા મળી હતી. ઘટાડો દર્શાવવામાં એફએમસીજી કાઉન્ટર્સ અગ્રણી હતાં. નિફ્ટી એફએમસીજી 1.35 ટકા તૂટ્યો હતો. જેમાં આઈટીસી 2.6 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઈમામી, વરુણ બેવરેજીસ, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર્સ, કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં પણ ઘટાડો જોવા મળતો હતો. બેંકિંગ શેર્સ પણ નરમ જોવા મળ્યાં હતાં. બેંક નિફ્ટી નવી ટોચ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પીએનબી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બેંક ઓફ બરોડા, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 0.3 ટકા ગગડ્યો હતો. જેમાં મુખ્યત્વે પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા પાવર, ઓએનજીસી, ગેઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈઓસીનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં મણ્ણાપુરમ ફાઈનાન્સ 7 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ફો એજ, ડો. લાલ પેથલેબ્સ, જેકે સિમેન્ટ, જીએસપીસી, ગ્લેનમાર્ક, બલરામપુર ચીની, ઓબેરોય રિઅલ્ટી, રામ્કો સિમેન્ટ્સ 3 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ સન ટીવી નેટવર્ક 9 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ભેલ, એબીબી ઈન્ડિયા, ડો. રેડ્ડીઝ લેબ્સ, એસ્ટ્રાલ, ઈન્ડિયામાર્ટ, એમએન્ડએમ ફાઈ. અને સિટિ યુનિયનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. રેઈલ વિકાસ નિગમ, કેઆરબીએલ, એઆઈએ એન્જિનીયરીંગ, કોશીન શીપયાર્ડ, જીઈ શીપયાર્ડ, ઓલકાર્ગોએ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે ટ્રાઈડન્ટ, નેટ્કો ફાર્મા, ઓરો ફાર્મા, ક્વેસ કોર્પ અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.


લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો સર્વોચ્ચ સપાટીએ
જૂન ક્વાર્ટરની આખરમાં 23.54 ટકાનો હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં 24.03 ટકા પર પહોંચ્યો
FPIsનો હિસ્સો જૂન ક્વાર્ટરના 19.2 ટકા પરથી ગગડી 19.03 ટકાના 10-વર્ષોના તળિયા પર નોંધાયો
બીજા ક્વાર્ટરની આખરમાં એફપીઆઈ અને ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટી હોલ્ડિંગ્સનો ગેપ ઓલ-ટાઈમ લો પર

ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)નો ઈક્વિટી હિસ્સો 10-વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતાં બીજા ક્વાર્ટરની આખરમાં સ્થાનિક રોકાણકારો કુલ ઈક્વિટીઝનો 24.03 ટકા હિસ્સો ધરાવતાં હતાં. જે જૂન ક્વાર્ટરની આખરમાં 23.54 ટકાના સ્તરે જોવા મળતો હોવાનું એક અભ્યાસ સૂચવે છે.
સ્થાનિક રોકાણકારોમાં સંસ્થાકિય રોકાણકારો, મ્યુચ્યુલ ફંડ્સ, ઈન્શ્યોરન્સ કંપનીઝ, બેંક્સ, ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ, પેન્શન ફંડ્સ, રિટેલ ઈન્વેસ્ટર્સ અને હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ(એચએનઆઈ)નો સમાવેશ થાય છે. સ્થાનિક ઈન્વેસ્ટર્સના હિસ્સામાં વૃદ્ધિનું કારણ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રણ મહિના દરમિયાન સ્થાનિક સંસ્થાઓ તરફથી ભારતીય બજારમાં જોવા મળેલા રૂ. 17597 કરોડના ઈનફ્લોને કારણે આમ બન્યું હોવાનું અભ્યાસ સૂચવે છે. દરમિયાન એફપીઆઈનું હોલ્ડિંગ સપ્ટેમ્બરની આખરમાં ઘટીને 19.03 ટકાના સ્તરે જોવા મળતું હતું. જે જૂન ક્વાર્ટરની આખરમાં જોવા મળતાં 19.2 ટકાની સરખામણીમાં 17 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આશ્ચર્યની બાબત એ છે કે એફપીઆઈ તરફથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48750 કરોડના નેટ ઈનફ્લો છતાં તેમના ઈક્વિટીઝ હોલ્ડિંગમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. એક અગ્રણી માર્કેટ મધ્યસ્થીના જણાવ્યા મુજબ સ્થાનિક સંસ્થાઓના હોલ્ડિંગમાં વૃદ્ધિ સૂચવે છે કે તેઓ વિદેશી રોકાણકારોની વેચવાલીને પચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. સ્થાનિક રિટેલ ખરીદારોની બચત તાજેતરના વર્ષોમાં બજારમાં પ્રવેશી રહી છે અને તે બજારને સપોર્ટ મહત્વનો સપોર્ટ પૂરો પાડી રહી છે. 31 માર્ચ 2015ની આખરમાં ભારતીય બજારમાં એફપીઆઈનો હિસ્સો 23.3 ટકા પર હતો. જ્યારે તે વખતે સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો 18.47 ટકા પર જોવા મળતો હતો. હિસ્સેદારીમાં નોંધપાત્ર ફેરફાર ઓક્ટોબર 2021થી જૂન 2022 દરમિયાનમાં જોવા મળ્યો છે. જે દરમિયાન વિદેશી રોકાણકારોએ બજારમાંથી 33 અબજ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું હતું. સ્થાનિક પાર્ટિસિપન્ટ્સ તરફથી સતત ખરીદી જળવાઈ રહેવાના કારણે ભારતીય બજાર તીવ્ર ઘટાડામાંથી બચી શક્યું હતું. તેમજ વૈશ્વિક બજારોને ઊંચા માર્જિનથી આઉટપર્ફોર્મ કરવામાં સફળ રહ્યું હતું. જુલાઈ મહિનાથી વિદેશી ખરીદારો સ્થાનિક બજારમાં પરત ફર્યાં હતાં અને તેમણે ઓગસ્ટમાં તો રૂ. 50 હજાર કરોડથી વધુનો ઈનફ્લો ઠાલવ્યો હતો. જોકે તેમ છતાં બજારમાં તેમના હિસ્સામાં વૃદ્ધિ નોંધાઈ નહોતી.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એફપીઆઈ અને ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટી હોલ્ડિંગ્સનો ગેપ તેના તળિયા પર જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં ડીઆઈઆઈ હોલ્ડિંગ એફપીઆઈ હોલ્ડિંગની સરખામણીમાં 22.3 ટકા નીચું જોવા મળતું હતું. જે જૂન ક્વાર્ટરની આખરમાં 26.74 ટકાનો ગેપ દર્શાવતું હતું. 30 સપ્ટેમ્બરે એફપીઆઈ-ટુ-ડીઆઈઆઈ ઓઉનરશીપ રેશિયો 1.29 ટકાના સૌથી નીચા સ્તરે જોવા મળ્યો હતો. જે 30 જૂને 1.37 પર હતો. જૂન 2009 ક્વાર્ટરથી એફપીઆઈનો હિસ્સો ભારતીય બજારમાં સતત વધતો રહ્યો હતો અને તે 16.02 ટકા પરથી વધી 19.03 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે ડીઆઈઆઈનો હિસ્સો 11.38 ટકા પરથી વધી 14.79 ટકા પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક એમએફનો હિસ્સો સતત પાંચમા ક્વાર્ટર દરમિયાન વધતો રહી 7.97 ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તેમણે ક્વાર્ટર દરમિયાન રૂ. 22193 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. અગાઉ સ્થાનિક ફંડ્સે માર્ચ 2020(7.96 ટકા)થી જૂન 2021(7.25 ટકા) દરમિયાન સતત પાંચ ક્વાર્ટર્સ દરમિયાન ઘટાડો નોંધાવ્યો હતો.



કરચોરીના આક્ષેપસર ઈન્શ્યોરર્સ સામે DGGIની તપાસ
વીમા કંપનીઓએ એજન્ટ્સને વધારાનું કમિશન ચૂકવવા બોગસ કંપનીઓનો સહારો લીધો

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) સત્તાવાળાઓએ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરને એક ડઝનથી વધુ વીમા કંપનીઓ દ્વારા એજન્ટ્સને કમિશનની ચૂકવણી વખતે ગેરરિતી આચરવામાં આવતી હોવા અંગે સૂચિત કરી હોવાનું વર્તુળો જણાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ(ડીજીજીઆઈ) વીમા કંપનીઓ એજન્ટ્સને ઊંચા કમિશનની ચૂકવણી માટે બનાવેલી કહેવાતી શેલ કંપનીઓને લઈને તપાસ કરી રહ્યાં છે. તપાસ દરમિયાન મુંબઈ સ્થિત ડીજીજીઆઈએ કેટલીક કંપનીઓનું ઈન્સ્પેક્શન હાથ ધર્યું છે અને તેમના એક્ઝિક્યૂટિવ્સને સમન્સ પણ પાઠવ્યાં છે એમ જાણકારોનું કહેવું છે.
જોકે ઈન્શ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓના જણાવ્યા મુજબ જીએસટી સત્તાવાળાઓએ માર્કેટિંગ અને સેલ્સને લગતાં ખર્ચાઓનું ખોટું અર્થઘટન કર્યું છે અને તેમની ટેક્સની માગણી ખોટી છે. આમાંની કેટલીક વીમા કંપનીઓએ નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે અને જીએસટીને લઈને તેમણે રેઝોલ્યુશનની માગણી કરી છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ પાસમાં જણાયું છે કે કેટલીક વીમા કંપનીઓ 70 ટકા જેટલી તગડી રકમ કમિશન તરીકે ચૂકવે છે. જે સામાન્યરીતે 15 ટકા આસપાસ હોય છે. આવી કંપનીઓમાં લાઈફ અને નોન-લાઈફ, બંને પ્રકારની ઈન્શ્યોરન્સ કંપનીઓનો સમાવેશ થાય છે એમ તેઓ ઉમેરે છે. આવી કંપનીઓ હાલમાં ટેક્સ સત્તાવાળાઓની નજર હેઠળ છે. કેમકે વધારાનું કમિશન ચૂકવવા માટે તેઓ બોગસ કંપનીઓ બનાવીને તેને ખર્ચ તરીકે દર્શાવી રહી છે એમ અધિકારી જણાવે છે. તેમના કહેવા મુજબ કાયદેસર ચૂકવવાનું થતું 15 ટકા કમિશન તેઓ સત્તાવાર રીતે કંપની મારફતે ચૂકવે છે. જ્યારે વધારાનું કમિશન તેઓ શેલ કંપનીઓ મારફતે ચૂકવે છે. જેને માર્કેટિંગ અથવા એડવર્ટાઈઝીંગ ખર્ચ તરીકે ગણાવે છે. આવી કંપનીઓએ ખોટા ઈન્વોઈસિસ ઊભા કર્યાં છે અને જીએસટી એકમાત્ર કાયદો છે જે ખોટા ઈનવોઈસને પણ ડોક્યૂમેન્ટ તરીકે ગણનામાં લે છે. આવી કંપનીઓએ કરેલા રૂ. 5000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સની ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે. જેમાં રૂ. 500 કરોડથી વધુના જીએસટીનો સમાવેશ થાય છે એમ અધિકારી ઉમેરે છે.


સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2780માં વેક્ટર ગ્રીન એનર્જી ખરીદશે
ભારતમાં રિન્યૂએબલ એનર્જી ફૂટપ્રિન્ટને વ્યાપક બનાવવા માટે સિંગાપુર સ્થિત સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2780 કરોડમાં વેક્ટર ગ્રીન એનર્જીની ખરીદી કરશે. આ ખરીદી બાદ સેમ્બકોર્પની ભારતમાં કુલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધીને 8.5 ગીગાવોટ નજીક લઈ જશે. જે તેણે 2025 સુધીમાં નિર્ધારિત કરેલા 10 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતાની નજીક હશે.
સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તેની પેટાકંપની સેમ્બકોર્પ ગ્રીન ઈન્ફ્રા લિમિટેડે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ ઈન્ડિયા દ્વારા સંચાલિત ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ-2 સાથે વેક્ટર ગ્રીન એનર્જીમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે કોન્ટ્રેક્ટ કર્યો છે. આ હિસ્સો અંદાજે રૂ. 2780 કરોડમાં ખરીદવામાં આવશે. વેક્ટર ગ્રીન એક સ્વતંત્ર પાવર પ્રોડ્યૂસર છે. તે દેશના 13 રાજ્યોમાં પાવર જનરેશન એસેટ્સ ધરાવે છે. તેના પોર્ટફોલિયામાં 495 મેગાવોટ સોલાર ક્ષમતા અને 24 મેગાવોટ વિન્ડ ક્ષમતાનો સમાવેશ થાય છે. જ્યારે 64 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ હેઠળ છે. વિક્ટર ગ્રીન બાદ સેમ્બકોર્પનો ભારતમાં ઈન્સ્ટોલ્ડ રિન્યૂએબલ્સ પોર્ટફોલિયો કુલ 3 ગીગાવોટનો બનશે. જેમાં 1 ગીગાવોટ સોલાર એસેટ્સ અને 2 ગીગાવોટ વિન્ડ એસેટ્સનો સમાવેશ થશે. આ ખરીદી આંતરિક સ્રોતો તેમજ બાહ્ય ઋણ મારફતે કરવામાં આવશે.

L&T ઈન્ફોટેક-માઈન્ડટ્રીના મર્જરથી દેશમાં પાંચમી મોટી આઈટી કંપની બની

લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેક અને માઈન્ડટ્રીનું મર્જર સોમવારથી અમલી બન્યું હતું. બંને કંપનીઓને આ માટે રેગ્યુલેટર્સ અને શેરધારકો તરફથી જરૂરી મંજૂરીઓ મળ્યાં બાદ મેનેજમેન્ટ તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. બંને કંપનીઓ ભેગી મળીને બનેલી કંપનીને એલટીઆઈમાઈન્ડટ્રી તરીકે ઓળખવામાં આવશે અને તે ભારતીય આઈટી સર્વિસિસ ક્ષેત્રે માર્કેટ-કેપિટલાઈઝેશનની રીતે પાંચમી મોટી કંપની બની. મર્જરના ભાગરૂપે માઈન્ડટ્રીના શેરધારકને તેના 100 શેર્સ સામે એલટીઆઈના 73 શેર્સ ફાળવવામાં આવશે. મર્જ્ડ કંપનીની પેરન્ટ કંપની એલએન્ડટી પાસે તેનો 68.73 ટકા હિસ્સો રહેશે. માઈન્ડટ્રીના શેરધારકો માટે 24 નવેમ્બરને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરવામાં આવી છે. નવી કંપની 750 અગ્રણી વૈશ્વિક એન્ટરપ્રાઈઝિસનો ગ્રાહક વર્ગ તથા 30 દેશોમાં 90 હજારથી વધુ પ્રોફેશ્નલ્સ ધરાવે છે.

ડોલર સામે રૂપિયો 48 પૈસા ગગડ્યો
સતત ત્રણ સત્રોથી ડોલર સામે મજબૂતી દર્શાવ્યાં બાદ રૂપિયો સામવારે ડોલર સામે 48 પૈસા ગગડી 81.26ની સપાટી પર બંધ રહ્યો હતો. અગાઉ બે સત્રોમાં રૂપિયો 1.2 ટકા જેટલો સુધર્યો હતો. ઉઘડતાં સપ્તાહે રૂપિયો 80.52ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ સતત ઘસાતો રહ્યો હતો અને જોતજોતામાં 81ની નીચે ઉતરી ગયો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો હતો. જોકે તે હજુ પણ 107ની સપાટી નીચે ટ્રેડ દર્શાવતો હતો. ગયા સપ્તાહે તે 111ના સ્તરેથી ઊંધા માથે પટકાઈ 106 પર ટ્રેડ થયો હતો. આમ તેમાં એક બાઉન્સની અપેક્ષા છે. સ્થાનિક સ્તરે કોર્પોરેટ્સ તરફથી ડોલર ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો અને તેથી પણ રૂપિયાના મૂલ્ય પર અસર પડી હતી.




કોર્પોરેટ હેડલાઈન્સ

ફાઈઝરઃ ફાર્મા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 311 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 143 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 636 કરોડ સામે ફ્લેટ રહેતાં રૂ. 637 કરોડ પર જોવા મળી હતી.
એનએલસી ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 417 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 197 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3094 કરોડ સામે 12 ટકા ઉછળી રૂ. 3489 કરોડ પર જોવા મળી હતી.
એસ્ટ્રાઝેનેકાઃ ફાર્મા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.9 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 198 કરોડ સામે ફ્લેટ રહેતાં રૂ. 236 કરોડ પર જોવા મળી હતી.
વાટેક વાબાગઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 46.67 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 26.22 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 684 કરોડ સામે 10 ટકા ઉછળી રૂ. 750 કરોડ પર જોવા મળી હતી.
બીડીએલઃ પીએસયૂ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 75.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43.2 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 504 કરોડ સામે 7 ટકા ઉછળી રૂ. 535 કરોડ પર જોવા મળી હતી.
જેબી ફાર્માઃ ફાર્મા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 111 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 98 કરોડ સામે 13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 593 કરોડ સામે 36 ટકા વધી રૂ. 809 કરોડ રહી છે. જ્યારે એબિટા 44 ટકા વધી રૂ. 202 કરોડ પર જોવા મળ્યો હતો.
એબીબી ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 198 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 120 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1778 કરોડ સામે 15 ટકા ઉછળી રૂ. 2120 કરોડ પર જોવા મળી હતી.
ગોડફ્રે ફિલિપ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 202 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 105 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 773 કરોડ સામે 35 ટકા ઉછળી રૂ. 1192 કરોડ પર જોવા મળી હતી.
એપટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 13.55 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.31 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 58 કરોડ સામે 10 ટકા ઉછળી રૂ. 105 કરોડ પર જોવા મળી હતી.
એચઈજીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 169 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 132 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 518 કરોડ સામે 17 ટકા ઉછળી રૂ. 598 કરોડ પર જોવા મળી હતી.
પાવર મેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 44 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 530 કરોડ સામે 50 ટકા ઉછળી રૂ. 770 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage