Market Summary 14/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

આઈટી, RILના સપોર્ટ સાથે નવા સપ્તાહની પોઝીટીવ શરૂઆત
હોંગ કોંગ, ચીન સહિતના હરિફ બજારોમાં નરમાઈ
વોલિટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 11.99ની સપાટીએ
એફએમસીજી, મિડિયા, એનર્જીમાં મજબૂતી
મેટલ, બેંકિંગ, ઓટોમાં નરમાઈ
કલ્યાણ જ્વેલર્સ, ટ્રેન્ટ, ઓરો ફાર્મા નવી ટોચે
વેદાંત, યૂપીએલ નવા તળિયે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ નોઁધ સાથે થઈ હતી. તેજીવાળાઓ તરફથી નીચા મથાળે ખરીદી નીકળતાં ભારતીય બજાર નેગેટિવ ઝોનમાંથી પરત ફર્યું હતું અને સુધારા સાથે બંધ આપવામાં સફળ રહ્યું હતું બીએસઈ સેન્સેક્સ 79.27 પોઈન્ટ્સના સુધારે 65401.92ની સપાટીએ જ્યારે નિફ્ટી 6.25 પોઈન્ટ્સની સાધારણ મજબૂતી સાથે 19,434.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખાસ લેવાલીના અભાવે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3895 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2175 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1553 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 208 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 52 કાઉન્ટર્સે તળિયું દર્શાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 11.99ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં કામગીરીની શરૂઆત નરમ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19428.30ના બંધ સામે 19,383.95ની સપાટીએ ખૂલી નીચામાં 19,257.90નું તળિયું બનાવી ઉપરમાં 19,465.85ની સપાટી પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સના પ્રિમીયમે 19471.20ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 73ના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવતું હતું. આમ, માર્કેટમાં સુધારો લોંગ પોઝીશનના ઉમેરા સાથેનો નથી અને તેથી માર્કેટ દિશાહિન ચાલ જાળવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટ 19300ની નીચે જઈ પરત ફર્યું તેને સારો સંકેત ગણાવી રહ્યાં છે. તેમના 19300 મજબૂત સપોર્ટ છે. છેલ્લાં બે સપ્તાહમાં બીજીવાર આ સપાટી નીચે જઈ માર્કેટ પરત ફર્યું છે. જોકે, ઉપર બાજુએ જ્યાં સુધી 19530 પર બંધ આપવામાં નિફ્ટી સફળ ના રહે ત્યાં સુધી 19600ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી રાખવા માટે તેઓ સૂચવે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ આપનારા મુખ્ય કાઉન્ટર્સમાં એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ્સ, એચયૂએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્ઝ્યૂમર, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો અને ઓએનજીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, એસબીઆઈ, તાતા સ્ટીલ, એપોલો હોસ્પિટલ, અદાણી પોર્ટ્સ, યૂપીએલ, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, સિપ્લા, એસબીઆઈ લાઈફ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા મોટર્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો એનર્જી, આઈટી અને મિડિયા સેક્ટરમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, મેટલ, ઓટો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.7 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, વિપ્રો અને કોફોર્જ મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી એનર્જી સાધારણ પોઝીટીવ બંધ જળવાયો હતો. જેના ઘટકોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પો અને એનટીપીસી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.2 ટકા સુધારા સાથે એનર્જી કાઉન્ટર્સમાં સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ, ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, પીએન્ડજી, યુનાઈટેડ બ્રૂઅરીઝ અને ડાબર ઈન્ડિયાનું યોગદાન મુખ્ય હતું. બીજી બાજુ, નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.2 ટકા ગગડ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ પ ટકા તૂટ્યો હતો.સેઈલ 4.4 ટકા જ્યારે નાલ્કો 4 ટકા તૂટ્યાં હતાં. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, વેદાંત, કોલ ઈન્ડિયામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો પીવીઆર આઈનોક્સ પાંચ ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એનએમડીસી, ટ્રેન્ટ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પોલીકેબ, એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, સીજી કન્ઝ્યૂમર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, કેન ફિન હોમ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ, સિટી યુનિયન બેંક, જિંદાલ સ્ટીલ, મુથૂત ફાઈનાન્સ, સેઈલ, ચંબલ ફર્ટિ, હિંદ કોપર, દાલમિયા ભારત, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, નાલ્કોમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી.

ડેલોઈટે અદાણી પોર્ટ્સના ઓડિટરનું પદ છોડતાં અદાણી જૂથના શેર્સમાં 2-4 ટકાનો ઘટાડો

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના મુખ્ય ઓડિટર તરીકેથી ડેલોઈટ હસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપીએ એક્ઝિટ લેતાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં સોમવારે ખૂલતાં 2-4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સનો શેર 4 ટકાથી વધુ ગગડી રૂ. 871 આસપાસ ઓપન થયો હતો અને 1.75 ટકા ઘટાડે રૂ. 887.15ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ એમએસકેએ એન્ડ એસોસિએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ્સને નવા ઓડિટર તરીકે નિમ્યાં હતાં.
સોમવારે સવારે અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. જેમાં અદાણી પોર્ટ્સ સૌથી ખરાબ દેખાવ સૂચવતો હતો. જૂથના અન્ય શેર્સમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 3.3 ટકા ગગડી રૂ. 2456ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 2 ટકાથી વધુ નરમાઈ સાથે રૂ. 951.25ની સપાટીએ, અદાણી પાવરનો શેર પોણો ટકા ગગડી રૂ. 286.10ની સપાટીએ અને અદાણી ટ્રાન્સમિશનનો શેર 2.8 ટકા ઘટી રૂ. 808.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. અદાણી ટોટલનો શેર પણ 2 ટકાથી વધુ ગગડી રૂ. 635.60ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી પોર્ટના બોર્ડે ડેલોઈટના રાજીનામાને સ્વીકારી તેને સ્થાને એમએસકેએ એન્ડ એસોસિએટ્સની નિમણૂંક કરી હતી. ડેલોઈટ અદાણી જૂથની માત્ર એક જ અદાણી પોર્ટ્સમાં સક્રિય હતી. તેણે કંપનીના 2022-23 માટેના ટ્રાન્ઝેક્શન્સને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ મુદ્દે યોગ્ય ગણાવ્યાં હતાં. એમએસકેએ એન્ડ એસોસિએટ્સ પણ વૈશ્વિક સ્તરે ટોચની છ ઓડિટ કંપનીઓમાંની એક હોવા છતાં બ્રોકરેજ કંપની સીએલએસએનો જણાવ્યા મુજબ અદાણી જૂથ તરફથી વારંવાર ઓડિટર્સમાં ફેરફાર જૂથ કંપનીઓના શેર્સમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. જેફરિઝના જણાવ્યા મુજબ કંપનીમાંથી ઓડિટરના રાજીનામાને નેગેટિવ બાબત તરીકે જોવામાં આવી રહી છે. જેને કારણે સેન્ટીમેન્ટ પર નેગેટિવ અસર પડી છે. જોકે, અન્ય પ્રતિષ્ઠિત ઓડિટરને નિમણૂંક મળતાં રોકાણકારોને થોડી રાહત સાંપડી હતી.

ડેલોઈટે હિંડેનબર્ગ આક્ષેપોમાં સ્વતંત્ર તપાસની માગ કરી હતી
અદાણી જૂથ કંપની અદાણી પોર્ટ્સના ઓડિટર તરીકેથી રાજીનામુ આપતાં અગાઉ ડેલોઈટે યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફથી કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ સ્વતંત્ર તપાસની માગણી કરી હતી. જોકે કંપનીએ જણાવ્યું હતું કે આક્ષેપોની ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ પર કોઈ અસર નથી અને આવું કારણ આપી ઓડિટર તરીકેથી રાજીનામુ વાજબી જણાતુ નથી. ડેલોઈટના રાજીનામાને લઈ સ્ટોક એક્સચેન્જિસને 163-પેજ ફાઈલીંગમાં અદાણી પોર્ટ્સે જણાવ્યું છે કે ડેલોઈટની ટોચની લીડરશીપ સાથેની બેઠકમાં ડેલોઈટે અદાણી જૂથની અન્ય લિસ્ટેડ કંપનીઓમાં ઓડિટર તરીકેની ભૂમિકા નહિ હોવાને લઈ ચિંતા દર્શાવી હતી. જોકે, કંપનીએ ઓડિટરને જણાવ્યું હતું કે જૂથની અન્ય કંપનીઓ સ્વતંત્ર હોવાથી તેમને ભલામણ કરવાનું તેના હાથની બાબત નથી. એપીસેઝની ઓડિટ કમિટિના મતે ડેલોઈટ તરફથી ઓડિટર તરીકે રાજીનામા માટે આપવામાં આવેલું કારણ સમજ બહારનું અને પર્યાપ્ત નથી. ડેલોઈટને ઓડિટર તરીકે કામગીરી ચાલુ રાખવાની ઈચ્છા નહોતી અને તેથી તેણે ક્લાયન્ટ-ઓડિટર કોન્ટ્રેક્ચ્યૂઅલ રિલેશનશીપને તોડવાનો નિર્ણય લીધો હોવાનું પણ અદાણી પોર્ટે ઉમેર્યું હતું.

સેબીએ અદાણી-હિંડેનબર્ગ તપાસ માટે વધુ પખવાડિયાની માગ કરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સોમવારે રજૂ કરેલી એક અરજીમાં અદાણી-હિંડેનબર્ગ મામલે તપાસને લઈ વધુ 15-દિવસોની માગણી કરી છે. સાથે તેણે કોર્ટને જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 24 બાબતોની તપાસ કરી છે. સેબીના કહ્યાં મુજબ તેણે અદાણી-હિંડેનબર્ગ મુદ્દે તપાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ હજુ કેટલોક વધુ સમય જોઈએ છે.
સેબીની અરજીમાં જણાવ્યા મુજબ 24 જેટલી તપાસોમાંથી 17 પૂર્ણ તઈ ચૂકી છે અને તેને સેબીની પધ્ધતિ અને પ્રક્રિયા મુજબ સક્ષમ સત્તાવાળાઓએ મંજૂરી પણ આપી છે. કેપિટલમ માર્કેટ રેગ્યુલેટરે રજૂ કર્યાં મુજબ તેણે એક મુદ્દા પર તપાસ પૂરી કરી છે અને અત્યાર સુધી મેળવેલી માહિતીને આધારે વચગાળાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ સેબીએ તરફથી વિદેશી સંસ્થાઓ પાસેથી તથા રેગ્યુલેટર્સ પાસેથી માહિતીની માગણી કરવામાં આવી છે અને જેમ માહિતી મળશે તેના પર ભવિષ્યની કામગીરીનો આધાર રહેલો છે. સેબીના જણાવ્યા મુજબ બાકી રહેલી છ બાબતોમાંથી ચારમાં તપાસ પૂરી થઈ છે અને તેને આધારે તૈયાર થયેલો રિપોર્ટ સક્ષમ ઓથોરિટીની મંજૂરીની પ્રક્રિયામાં છે. માર્કેટ વોચડોગના જણાવ્યા મુજબ તે સુપ્રીમ કોર્ટ તરફથી સુનાવણીની તારીખ 29 ઓગસ્ટ પહેલાં ચાર બાબતોને લઈને મંજૂરી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. આ બે બાબતોમાંથી એકને લઈને તપાસ આખરી તબક્કામાં છે જ્યારે એક મુદ્દે વચગાળાનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. આ બાબતે અરજદારોમાંના એકના વકીલ વિશાળ તિવારીના જણવ્યા મુજબ જો સેબી આગામી 15 દિવસોમાં રિપોર્ટ રજૂ કરી દે તો અમને કોઈ વાંધો નથી પરંતુ જો સેબી વધુ સમયની માગણી કરશે તો અમે વિરોધ કરીશું કેમકે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે અને સુપ્રીમ કોર્ટ તરફથી પર્યાપ્ત સમય અપાઈ ચૂક્યો છે. સેબીએ નિષ્ણાતોની બનેલી સમિતિએ રજૂ કરેલી દેખીતી શંકાઓને લઈને પણ તપાસ કરવાની બાકી છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્તુળોના જણાવ્યા મુજબ આ તપાસમાં કહેવાતા માર્કેટ મેનિપ્યૂલેશન અને કેટલાંક શોર્ટ સેલર્સની મોડર ઓપરેન્ડીનો સમાવેશ પણ થાય છે. મે મહિનામાં સર્વોચ્ચ અદાલતે સેબીની છ મહિનાના સમયગાળાની માગ સામે ત્રણ મહિનાના સમયને મંજૂર રાખ્યો હતો. સોમવારે રિપોર્ટ રજૂ કરવાની ત્રણ મહિનાની મુદત પૂરી થતી હતી. અદાણી જૂથે ફેબ્રુઆરીમાં હિંડેનબર્ગના રિપોર્ટ પછી રૂ. 20 હજાર કરોડનો એફપીઓ પરત ખેંચ્યો હતો.

ગો ફર્સ્ટની લેન્ડર્સ પાસે 100 કરોડના તત્કાળ ફંડીંગની માગ
સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટે તેના લેન્ડર્સ પાસેથી રૂ. 100 કરોડની તત્કાળ લોન પૂરી પાડવા માટે જણાવ્યું છે. તેના મતે કંપનીની કામગીરીને જાળવી રાખવા માટે નાણાની સખત જરૂર છે. ગો ફર્સ્ટના રેઝોલ્યુશન પ્રોફેશ્નલ શૈલેન્દ્ર અજમેરાએ કંપનીની ફરજિયાત પૂરી કરવાની થતી જવાબદારીઓ જેવીકે ઈન્શ્યોરન્સ વગેરેના ચૂકવણા માટે ફંડીંગની માગણી કરી છે. એક અહેવાલ મુજબ નવા નાણાનો ઉપયોગ માત્રને માત્ર ક્રિટીકલ એક્સપેન્સિસ માટે જ કરવામાં આવશે. કંપનીએ કમિટિ ઓફ ક્રેડિટર્સને પણ આ અંગે જણાવ્યું છે. તેમાં ઈન્શ્યોરન્સ અને રિપેર્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે. કંપની તરફથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાને વિનંતી મોકલી દેવામાં આવી છે. જેને લઈ એકાદબે દિવસમાં નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતાં છે.

MSME ક્ષેત્રની ધિરાણ માગ પૂર્ણ કરવા કંપનીઓમાં વધતી સ્પર્ધા
ગુજરાતમાં 33 લાખ એમએસએમઈ તરફથી 60 લાખ લોકોને રોજગારી

ભારતની આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપતાં એમએસએમઇ સેક્ટર પાછલા કેટલાંક વર્ષોમાં તેની મજબૂત પ્રગતિની સાથે ફુગાવાના ઊંચા દર, કાચા માલની કિંમતોમાં વધારો સહિતના પરિબળોને કારણે નાણાકીય સંસ્થાઓ પાસેથી વધુ ધિરાણ સહયોગની અપેક્ષા રાખી રહી છે. જોકે, અત્યાર સુધી અપૂરતાં દસ્તાવેજો, ક્રેડિટ હિસ્ટ્રી અને રિપેમેન્ટ સહિતના કારણોસર મોટાભાગની એમએસએમઇને લગભગ નિરાશ થવાનો વારો આવતો હતો.
આ ક્ષેત્રની વાર્ષિક 23 લાખ કરોડની ધિરાણ માગને પૂર્ણ કરવા હવે ઘણી બેંકો તથા એનબીએફસી વિશેષ કરીને એમએસએમઇ કેન્દ્રિત નવી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ રજૂ કરી રહ્યાં છે, જે તેમની વૈવિધ્યસભર જરૂરિયાતોને એક જ પ્લેટફોર્મ ઉપર પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં 33 લાખથી વધુ એમએસએમઇ છે, જેઓ ભેગા મળીને આશરે 60 લાખ લોકોને રોજગાર પ્રદાન કરે છે. આ ક્ષેત્રે ઉપલબ્ધ તકોનો લાભ લેવા તથા એમએસએમઇની જરૂરિયાત અનુરૂપ પ્રોડક્ટ રજૂ કરવા આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડે ઉદ્યોગ પ્લસ રજૂ કર્યું છે. આ બીટુબી ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાતના વિકસતા એમએસએમઈ ક્ષેત્ર માટે ધિરાણ, સુરક્ષા, રોકાણ, માર્ગદર્શન અને મૂલ્યવર્ધિત સેવાઓ સહિત અનેકવિધ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે. એમએસએમઇ ક્ષેત્રની ધિરાણ માગ વર્ષ 2026 સુધીમાં 40 લાખ કરોડને પાર કરી જવાની સંભાવના છે ત્યારે આ ક્ષેત્રે ઉપલબ્ધ અપાર તકોને પૂર્ણ કરવા નાણાકીય સંસ્થાઓ સજ્જ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એમએસએમઈ 60 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વધુમાં, 13.21 લાખથી વધુના આંકડા સાથે નોંધાયેલ એમએસએમઈની બાબતે ગુજરાત સૌથી આગળ છે, જે નોંધાયેલ એમએસએમઈની દ્રષ્ટિએ તેને ચોથું સૌથી મોટું રાજ્ય બનાવે છે.

ચાટGPTનો રોજના 7 લાખ ડોલરનો ખર્ચ, કંપની 2024માં નાદાર બને તેવી સંભાવનાઃ રિપોર્ટ
રિપોર્ટ મુજબ કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેન ઓપનAIમાં કોઈ ઈક્વિટી ધરાવતો નથી
ઓપનએઆઈમાં માઈક્રોસોફ્ટનું 10 અબજ ડોલરનું રોકાણ હાલમાં તેને કાર્યરત રાખી રહ્યું છે

ઓપનAI પ્લેટફોર્મ ચેટજીપીટી પ્રતિ દિવસ 7 લાખ ડોલરનો ખર્ચ ધરાવે છે. રૂપિયામાં ગણીએ તો આ રકમ રૂ. 5.8 કરોડ જેટલી થાય છે. હાલમાં માઈક્રોસોફ્ટ અને અન્ય નવા રોકાણકારો તેમના ખિસ્સામાંથી આ ખર્ચ કરી રહ્યાં છે. જોકે, સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની કંપની તત્કાળ કોઈ પ્રોફિટના દર્શાવે તો તેઓ તેમનું ફંડિંગ બંધ કરી શકે છે. જે કિસ્સામાં 2024ની આખર સુધીમાં કંપની નાદાર બની શકે છે એમ એનાલિટીક્સ ઈન્ડિયા મેગેઝિનમાં પ્રકાશિત એક અહેવાલ જણાવે છે.
રિપોર્ટ નોઁધે છે કે ઓપનએઆઈમાં માઈક્રોસોફ્ટનું 10 અબજ ડોલરનું રોકાણ હાલમાં તેને કાર્યરત રાખી રહ્યું છે. બીજી બાજુ ઓપનએઆઈએ 2023માં 20 કરોડ ડોલરની આવકનો અંદાજ બાંધ્યો હતો અને 2024 સુધીમાં તે 1 અબજ ડોલર પહોંચે તેવી અપેક્ષા રાખે છે. જે હાલમાં તો સંભવ નથી જણાતું કેમકે કંપનીની ખોટ સતત વધી રહી છે એમ રિપોર્ટનું કહેવું છે. કંપનીએ ચેટજીપીટીનું ડેવલપમેન્ટ શરૂ કર્યું ત્યારથી ઓપનએઆઈની ખોટ બમણી થઈ 54 કરોડ ડોલર પર પહોંચી છે. રિપોર્ટ મુજબ કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેન કંપનીમાં કોઈ ઈક્વિટી ધરાવતો નથી તેમ છતાં કંપની ઘણા સમય અગાઉથી જ નોન-પ્રોફિટમાંથી પ્રોફિટમાં શિફ્ટ થઈ હતી. રિપોર્ટ એમ પણ સૂચવે છે કે ચેટજીપીટી વેબસાઈટના વિઝિટર્સની સંખ્યા ઘટતી જાય છે. ચાલુ વર્ષે મે મહિનામાં 1.9 અબજ યુઝર્સની વિક્રમી સંખ્યા દર્શાવ્યા પછી જૂનમાં જનરેટીવ એઆઈ ચેટબોટની મુલાકાત લેનારાઓની સંખ્યા ઘટી 1.7 અબજ યુઝર્સની રહી હતી. જ્યારે જુલાઈમાં માત્ર 1.5 અબજ યુઝર્સે તેની વિઝિટ કરી હતી. આમ થવા પાછળ મોટાભાગની કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓ પર ચેટજીપીટી વેબસાઈટની વિઝિટ પર પ્રતિબંધનું કારણ પણ આપવામાં આવી રહ્યું છે. કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિશ્યલ કામ માટે જનરેટીવ એઆઈ ચેટબોટના ઉપયોગથી દૂર રહેવા જણાવી રહી છે. જોકે બીજી બાજુ તેઓ અન્ય વર્કફ્લોઝમાં લાર્જ લેંગ્વેજ મોડેલ(LLM)નો લાભ લેવા એપીઆઈનો ઉપયોગ કરવાની છૂટ આપી રહી છે.

જુલાઈ માટે વેપારી ખાધ વધી 20.67 અબજ ડોલર પર રહી
જુલાઈમાં નિકાસ 32.25 અબજ ડોલર પર જ્યારે આયાત 52.32 અબજ ડોલર પર નોંધાઈ
જૂનમાં ટ્રેડ ડેફિસિટ 20.12 અબજ ડોલરની સપાટી પર જોવા મળી હતી
ભારતની વેપાર ખાધમાં જુલાઈ મહિનામાં માસિક ધોરણે સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી જ્યારે વાર્ષિક ધોરણે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ જુલાઈ 2023 દરમિયાન વેપાર ખાધ 20.67 અબજ ડોલર પર રહી હતી. જે મહિના અગાઉ જૂનમાં 20.13 અબજ ડોલર પર જોવા મળી હતી. વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો જુલાઈ 2022માં 25.7 અબજ ડોલરની ખાધ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
જુલાઈમાં દેશમાં આયાત વાર્ષિક ધોરણે 17 ટકા ગગડી 52.92 અબજ ડોલર પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 63.8 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારે નિકાસ 16 ટકા ગગડી ગયા વર્ષના 38.34 અબજ ડોલર સામે 32.25 અબજ ડોલર જોવા મળી હતી. માલ-સામાનની આયાત જૂન 2022માં 63.77 અબજ ડોલર પરથી જૂન 2023માં ગગડી 53.10 અબજ ડોલર પર રહી હતી. જ્યારે જુલાઈમાં નિકાસ 32.25 અબજ ડોલર પર જોવા મળી હતી. જે જૂનમાં 32.87 અબજ ડોલર પર હતી. એપ્રિલ-જૂન 2023 દરમિયાન દેશમાંથી નિકાસ 14.5 ટકા ગગડી 136.22 અબજ ડોલર પર રહી હતી. જ્યારે આયાત પણ 13.79 અબજ ડોલરના ઘટાડે 213.2 અબજ ડોલર પર જોવા મળી હતી. આમ, નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો એક્ઝિમ વેપાર નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. કોમર્સ સચિવ સુનિલ બર્થાવલના જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં અવરોધો જોવા મળી રહ્યાં છે. જેને કારણે અનેક દેશોની નિકાસ તેમજ આયાતમાં ઘટાડો નોંધાયો છે. ભારત પણ તેમાંથી અપવાદ નથી.

વેલ્યૂએશનને કારણે ‘બેડ બેંક’માં લોન ટ્રાન્સફર અટવાઈ પડ્યાં
ચાલુ નાણા વર્ષ દરમિયાન NARCLમાં એક પણ એકાઉન્ટ ટ્રાન્સફર નથી થઈ શક્યું
જુલાઈ 2021માં શરૂ થયેલી બેડ બેંકે રૂ. 2 લાખ કરોડની અપેક્ષા સામે બે વર્ષોમાં માત્ર 21350 કરોડની લોન્સ ખરીદી

ભારતની કહેવાતી ‘બેડ બેંક’ ધારી કામગીરી દર્શાવી શકી નથી. દેશના લેન્ડર્સ પાસેથી તેમની તણાવ હેઠળની લોન્સની ખરીદી માટે બનાવવામાં આવેલી બેડ બેંક લોનને લઈને પ્રાઈસિંગ સંબંધી વિવાદો અને ભાવી લાયેબિલિટીઝની સમસ્યાનો સામનો કરી રહી હોવાનું બેંકર્સ અને ઉદ્યોગ વર્તુળો જણાવે છે.
નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કો. લિ(NARCL)તરીકે ઓળખાતી બેડ બેંકમાં રૂ. 50000 કરોડની લોન ટ્રાન્સફર હાલમાં અટકી પડી હોવાનું બે બેંકર્સ અને એક ઉદ્યોગ વર્તુળ જણાવે છે. જુલાઈ 2021માં શરૂ કરવામાં એનએઆરસીએલની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ રૂ. 2 લાખ કરોડની લોન ખરીદીનો હતો. જોકે 17 જુલાઈ 2023 સુધીમાં તે માત્ર રૂ. 21,350 કરોડની લોન ખરીદી શકી હોવાનું સંસદમાં સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. જોકે, ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં એક પણ એકાઉન્ટ બેડ બેંકને ટ્રાન્સફર કરવામાં નહિ આવ્યું હોવાનું બેંકર્સનું કહેવું છે. જાહેર ક્ષેત્રની બેંક ખાતે સ્ટ્રેસ્ડ એસેટ્સ યુનિટની કામગીરી સંભાળતા બેંકરના જણાવ્યા મુજબ એકાઉન્ટ્સના પ્રાઈસિંગ, વેલ્યૂએશનને લઈને કેટલીક સમસ્યાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકાર તરફથી સિક્યૂરિટી રિસિટ્સ મેળવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. જે સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયાને લંબાવી રહી છે. અત્યાર સુધીમાં આઈડીબીઆઈ બેંકના ત્રણ એકાઉટ્સ સહિત કુલ ચાર સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્સ એનએઆરસીએલને ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. જોકે, વધુ 12-13 એકાઉન્ટ્સ હાલમાં અટવાઈ ગયાં છે અને નજીકમાં તેના ઉકેલની કોઈ શક્યતાં નહિ હોવાનું બેંકર જણાવે છે. વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે કે બેડ લોનનું ટ્રાન્સફર ખૂબ ધીમું જોવા મળી રહ્યું છે અને તેથી તેનો ઉદ્દેશ લેખે લાગી રહ્યો નથી. એનએઆરસીએલ તરફથી ઈમેઈલનો કોઈ પ્રતિભાવ પાઠવવામાં આવ્યો નહોતો. બેંકર્સના મતે બેડ લોનની ટ્રાન્સફર અટકવાનું એક અન્ય કારણ લોન પરચેઝ એગ્રીમેન્ટ્સ છે. તેમાં પણ ફ્રોડ એકાઉન્ટ્સના લોન પર્ચેઝ એગ્રીમેન્ટને લઈ મતભેદો પ્રવર્તી રહ્યાં છે. જે કામગીરીને ખોરંભે પાડી રહ્યાં છે. બેંકના મતે એકવાર ફ્રોડ એકાઉન્ટ્સનું વેચાણ થઈ ચૂક્યાં પછી એનએઆરસીએલ કોઈપણ પ્રકારની કાયદેસર લાયેબિલિટીઝ અથવા તો સરકારની તપાસ ઈચ્છી રહી નથી. બેંકર્સ આ પ્રકારની કોઈપણ શરત પર સાઈન કરવા માટે તૈયાર નથી. જેને કારણે પણ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ એનએઆરસીએલ એકાઉન્ટ્સમાઁથી કોઈ રિકવરી નથી દર્શાવી એમ ગયા મહિને જણાવ્યું હતું. જોકે, એક બેંકરના મતે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની રિકવરીઝની સફળતાને લઈને કોઈ મંતવ્ય બાંધવું ખૂબ જ વહેલાસરનું છે. બજારમાં હાજરીને કારણે એનએઆરસીએલે પ્રાઈવેટ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને વધુ સારા ભાવ આપવા માટે ફરજ પાડી છે એમ બેંકર ઉમેરે છે.

ITCનો નેટ પ્રોફિટ 18 ટકા ઉછળી રૂ. 4903 કરોડે જોવાયો
કંપનીની આવકમાં જોકે 7 ટકા ઘટાડો નોંધાયો

દેશમાં ટોચની સિગારેટ કંપની આઈટીસીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 4902.74 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 4,169.38 કરોડના નફા સામે 17.58 ટકાની વૃદ્ધિ સૂચવે છે. એપ્રિલથી જૂનમાં કંપનીની આવક રૂ. 16,995.49 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 18,320.16 કરોડની આવકની સરખામણીમાં 7.2 ટકા નીચી રહી હતી.
કંપનીનો નેટ પ્રોફિટ અપેક્ષા મુજબ જ જોવા મળ્યો હતો. જ્યારે આવક અપેક્ષાથી ઊંચી જળવાય હતી એમ વર્તુળો જણાવતાં હતાં. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 10.7 ટકા વધી રૂ. 6250.1 કરોડ પર જળવાયો હતો. જ્યારે એબિટા માર્જિન 39.5 ટકા પર નોંધાયા હતા. વાર્ષિક ધોરણે એબિટા માર્જિન 6.8 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવતાં હતાં.

આઈટીસીના 10 શેર્સ સામે આઈટીસી હોટેલ્સનો એક શેર મળશે
આઈટીસીના બોર્ડે કંપનીના હોટેલ્સ ઉદ્યોગને ડિમર્જ કરવાન પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સાથે આઈટીસી હોટેલ્સ નામની નવી કંપનીના 15 મહિનામાં લિસ્ટીંગ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમજ હોટેલ બિઝનેસને આઈટીસી બ્રાન્ડના ઉપયોગ માટે લાયસન્સ આપવામાં આવશે. આઈટીસીના 10 શેર સામે આઈટીસી હોટેલનો એક શેર આપવામાં આવશે એવો રેશિયો પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ડિમર્જર પછી આઈટીસી પાસે નવી કંપનીનો 40 ટકા હિસ્સો જ્યારે શેરધારકો પાસે 60 ટકા હિસ્સો જોવા મળશે.

કોર્પોરેટ હેડલાઈન્સ
એપોલો ટાયરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 397 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 177 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 130 ટકા વદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 5942 કરોડની સરખામણીમાં રૂ. 6245 કરોડપર જોવા મળી હતી.
આલ્કેમ લેબોરેટરીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 389 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 203 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 90 ટકા વદ્ધિ સૂચવે છે. આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2576 કરોડની સરખામણીમાં 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2968 કરોડ પર જોવા મળી હતી.
GICRE: કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 977 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 7297 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 40 ટકા વદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 11100 કરોડની સરખામણીમાં 20 ટકા ઘટાડા સાથે રૂ. 9206 કરોડપર જોવા મળી હતી.
ADF ફૂડ્ઝઃ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 121 ટકા વૃદ્ધિ સાથે રૂ. 16.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીનો એબિટા 189.3 ટકા ઉછળી રૂ. 21.2 કરોડ પર રહ્યો હતો. કંપનીની સ્ટેન્ડઅલોન રેવન્યૂ રૂ. 84.6 કરોડ જોવા મળી હતી. કંપનીના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસની આવકમાં ત્રિમાસિક ધોરણે 29 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
મઝગાંવ ડોકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 314.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 225 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 95 ટકા વદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2230 કરોડની સરખામણીમાં 5 ટકા ઘટાડે રૂ. 2173 કરોડ પર જોવા મળી હતી.
સનોફીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 123 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 120.4 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 2 ટકા વદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 699 કરોડની સરખામણીમાં એક ટકા વૃદ્ધિ સાથે રૂ. 706 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage