બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુએસ ફુગાવા પાછળ શરૂઆતી ઘટાડો પચાવી માર્કેટે પોઝીટીવ બંધ આપ્યું
નિફ્ટી 21800ની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.4 ટકા ગગડી 15.43ના સ્તરે બંધ
પીએસઈ, પીએસયૂ બેંક્સ, એનર્જી, મેટલ, ઓટો પાછળ મજબૂતી
આઈટી, ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટ ન્યૂટ્રલ
એમઆરપીએલ, એચપીસીએલ, એસબીઆઈ, બોશ, બેંક ઓફ બરોડા, મારુતિ નવી ટોચે
પેટીએમ, સુમીટોમો, એચડીએફસી બેંક નવા તળિયે
ભારતીય શેરબજારમાં બીજા સત્રમાં મજબૂતી જળવાય રહી હતી. યુએસ ખાતે જાન્યુઆરી માટેનો સીપીઆઈ ડેટા ઊંચો આવવા પાછળ યુએસ બજારમાં ઘટાડા પાછળ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં પછી તેજીવાળાઓ બજાર પર પકડ મેળવવામાં સફળ રહ્યાં હતાં અને બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 268 પોઈન્ટ્સના સુધારે 71833ની સપાટીએ જ્યારે નિફ્ટી 97 પોઈન્ટ્સ મજબૂતી સાથે 21840ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી-વેચાણના અભાવે ન્યૂટ્રલ ટોન જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3938 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3934 કાઉન્ટર્સ ફ્લેટ બંધ સૂચવતાં હતાં. જ્યારે ત્રણ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે એક કાઉન્ટર પોઝીટીવ બંધ સૂચવતું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.4 ટકા ગગડી 15.43ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે રાતે યુએસ ખાતે જાન્યુઆરી માટેનો સીપીઆઈ ડેટા 3.1 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જે 2.9 ટકા વૃદ્ધિની અપેક્ષા કરતાં ઊંચો આવતાં ડાઉ જોન્સ ઈન્ડ. એવરેજ 500 પોઈન્ટ્સ કરતાં વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી અગાઉના 21743ના બંધ સામે 21578ની સપાટીએ ખૂલી નીચામાં 21530ના લેવલે ટ્રેડ થઈ ઉપરમાં 21871ની સપાટી પર જોવા મળ્યો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સના પ્રિમીયમે 21925ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 74 પોઈન્ટ્સના પ્રિમીયમમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં કોન્સોલિડેશનનો તબક્કો જળવાયો છે. તેજી અને મંદીવાળાઓ હજુ પણ એકબીજાને મચક આપી રહ્યાં નથી. આગામી સત્રોમાં પણ આ સ્થિતિ જળવાય રહેવાની શક્યતાં છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, એસબીઆઈ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એનટીપીસી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પો., તાતા મોટર્સ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ગ્રાસિમ, બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, સિપ્લા, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચડીએફસી બેંક, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, પીએસયૂ બેંક્સ, એનર્જી, મેટલ, ઓટો પાછળ મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.24 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, એસબીઆઈ, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 3.34 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચપીસીએલ, બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી, ભેલ, સેઈલ, એનએમડીસી, આરઈસી, ઓએનજીસી, ગેઈલ, પાવર ફાઈનાન્સ, એનએચપીસી, કોલ ઈન્ડિયા, ભારત ઈલે., આઈઆરસીટીસી, એનટીપીસી, કોન્કોર, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 2.25 ટકા મજબૂતી દર્શાવતો હતો. નિફ્ટી મેટલ 1.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો 1.5 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જેના ઘટકોમાં બોશ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર, બજાજ ઓટો, એમઆરએફ, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, ભારત ફોર્જમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી એક ટકો પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, હેમિસ્ફિઅર, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો નાલ્કો 10 ટકા સાથે સૌથી મોટો ઉછાળો દર્શાવતો હતો. આ ઉપરાંત, એચપીસીએલ, બીપીસીએલ, ઝી એન્ટરટેઈનમેન્ટ, વોડાફોન, આઈઓસી, ભેલ, સેઈલ, એસબીઆઈ, બોશ, એનએમડીસી, વેદાંત, આરઈસી, ઓએનજીસી, ગેઈલ, હિંદ કોપર, પાવર ફાઈનાન્સ, બેંક ઓફ બરોડા, ઈન્ડુસ ટાવર્સ, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, પિરામલ એન્ટરપ્રાઈઝમાં ખરીદી નીકળી હતી. બીજી બાજુ, ઈન્ફો એજ, ગ્લેનમાર્ક, એલએન્ડટી ટેક્નોલોજી, ઓરોબિંદો ફાર્મા, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, સિપ્લા, એમસીએક્સ ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, સન ફાર્મા, શ્રી સિમેન્ટ્સ, વોલ્ટાસ, મધરસન સુમીમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એમઆરપીએલ, કેપીઆઈએલ, એચપીસીએલ, એસબીઆઈ, બોશ, રેન્બો ચાઈલ્ડ, નારાયણ હ્દ્યાલય, બેંક ઓફ બરોડા, વરુણ બેવરેજીસ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટ્રેન્ટ, ડીએલએફ, અબોટ ઈન્ડિયા, સ્વાન એનર્જી, ઝાયડસ લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો.
જાન્યુઆરી માટે હોલસેલ ઈન્ફ્લેશન ઘટી 0.27 ટકા પર નોંધાયું
હોલસેલ ફૂડ ઈન્ફ્લેશન ડિસેમ્બરના 5.39 ટકા પરથી ઘટી 3.79 ટકા પર જોવા મળ્યું
જાન્યુઆરી મહિના માટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ 0.27 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા મહિને 0.73 ટકા પર હતો. આમ જથ્થાબંધ ભાવાંકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. હોલસેલ ફૂડ ઈન્ફ્લેશન 3.79 ટકા પર જોવા મળ્યું હતું. જે અગાઉના મહિને 5.39 ટકા પર હતું. સૌથી ઊંચો ઘટાડો મેન્યૂફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં જોવા મળ્યો હતો. જે 1.13 ટકા હતો. જ્યારે ફ્યુઅલ અને પાવરમાં 0.51 ટકા ઘટાડો નોંધાયો હતો. પ્રાઈમરી આર્ટિકલ્સમાં 3.84 ટકાનું પોઝીટીવ ઈન્ફ્લેશન જોવા મળ્યું હતું. પ્રાઈમરી આર્ટિકલ્સમાં મિનરલ્સ, ક્રૂડ પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. ચાલુ સપ્તાહે શરૂઆતમાં રિટેલ ફુગાવો પણ 5.1 ટકાની સપાટીએ ત્રણ-મહિનાના તળિયે જોવા મળ્યો હતો. જે ડિસેમ્બરમાં 5.69 ટકા પર હતો. જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં 6.52 ટકા પર હતો.
NSE 2 માર્ચે વિશેષ ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે
એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી સાઈટના પરીક્ષણ માટ ઈક્વિટી અને ડેરિવેટીવ્સ, બંને સેગમેન્ટનું ટ્રેડિંગ યોજશે
નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે કે તે આગામી 2 માર્ચે વિશેષ ટ્રેડિંગ સત્ર યોજશે. આ ખાસ સત્ર ડિઝાસ્ટર રિકવરી સાઈટ માટે યોજવામાં આવશે. આ પગલાનો હેત અનઅપેક્ષિત દુર્ઘટના વખતે એક્સચેન્જિસને મજબૂતી પૂરી પાડવાનો છે. એક્સચેન્જના જણાવ્યા મુજબ ઈક્વિટી અને ડેરિવેટીવ્સ, બંને સેગમેન્ટ માટે 2 માર્ચે ખાસ સત્ર યોજાશે. એનએસઈએ તેના તમામ સભ્યોને ઉદબોધીને આ નિવેદન જાહેર કર્યું હતું. ખાસ સત્ર બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો 9-15 વાગે શરૂ થશે. જે 45-મિનિટ્સનો હશે. જ્યારે બીજો તબક્કો 11-30 વાગે શરૂ થશે અને 12-30 વાગે પૂરો થશે. પ્રથમ સત્રનો પ્રિ-ઓપન સમયગાળો 9 વાગ્યાનો અને પ્રિ-ઓપન ક્લોઝ સમય 9.08નો હશે. બીજા સત્ર માટે પ્રિ-ઓપન સમય 11-15નો જ્યારે પ્રિ-ઓપન ક્લોઝ 11.23નો હશે. અગાઉ ખાસ સત્ર 20 જાન્યુઆરીએ યોજાવાનું હતું પરંતુ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે 20 જાન્યુઆરીએ સંપૂર્ણ દિવસ માટે સત્ર યોજાયું હતું અને 22 જાન્યુઆરીએ રજા રાખવામાં આવી હતી.
મૂથૂત ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1027 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીએ વાર્ષિક ધોરણે નફામાં 14 ટકા વૃદ્ધિ નોંધાવી
ગોલ્ડ ફાઈનાન્સિંગ ક્ષેત્રે ટોચની કંપની મૂથૂત ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1027.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 13.9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 901.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની ચોખ્ખી આવક રૂ. 1905.7 કરોડ રહી હતી. જે કંપનીના ડિપોઝીટર્સને ચૂકવાયેલા વ્યાજ અને લેન્ડર્સ પાસેથી લેવામાં આવેલા વ્યાજનો ગાળો સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણએ 11.8 ટકા ઊંચી જોવા મળી હતી. ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 1704.3 કરોડની આવક દર્શાવી હતી.
જાન્યુઆરીમાં પેસેન્જર વેહીકલ્સના હોલસેલ વેચાણમાં 14 ટકા વૃદ્ધિ
સિઆમના ડેટા મુજબ ગયા મહિને કુલ 3,93,074 યુનિટ્સ વાહનો વેચાયાં
જાન્યુઆરીમાં પેસેન્જર વેહીકલ્સના હોલસેલ વેચાણમાં વાર્ષિક 14 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ગયા મહિને કુલ 3,93,074 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું હતું. જે માસિક ધોરણે સૌથી ઊંચું હતું. મહિના દરમિયાન રિટેલ અને હોસલેસ વેચાણ લગભગ એકસમાન જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં રિટેલમાં 3,93,250 યુનિટ્સનું રિટેલ વેચાણ થયું હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશને જણાવ્યું હતું. હોલસેલ બજારમાં થ્રી-વ્હીલર્સનું 53,357 યુનિટ્સ અને ટુ-વ્હીલર્સનું 14,95,183 યુનિટ્સનું વેચાણ થયું હતું. ફાડાના ડેટા મુજબ જાન્યુઆરીમાં પીવી સેગમેન્ટે વિક્રમી રિટેલ વેચાણ નોંધાવ્યું હતું. અગાઉ નવેમ્બર, 2023માં પીવીનું વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં રિટેલ સેગમેન્ટમાં 97,675 યુનિટ્સ થ્રી-વ્હીલર્સ અને 14,58,749 યુનિટ્સ ટુ-વ્હીલર્સ વેચાયાં હતાં.
Market Summary 14/02/2024
February 14, 2024