બુલ્સ પરત ફરતાં માર્કેટમાં બજેટ પછીનો સૌથી મોટો ઉછાળો
નિફ્ટી 17900 પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટી 13.45ની સપાટીએ
એફએમસીજી, મેટલ, આઈટી, બેંકિંગમાં મજબૂતી
ઓટો, ફાર્મા, રિઅલ્ટીમાં નરમાઈ
ક્યુમિન્સ ઈન્ડિયા, ફિનોલેક્સ કેબલ્સ નવી ટોચે
ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, પોલિપ્લેક્સ કોર્પમાં નરમાઈ
વૈશ્વિક બજારો તરફથી સમર્થન સાંપડતાં શેરબજારમાં મજબૂતી પરત ફરી હતી. જેની પાછળ બજારે બજેટ બાદનો સૌથી સારો સુધારો દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 600 પોઈન્ટ્સ ઉછળી 61032ની સપાટીએ જ્યારે નિફ્ટી 159 પોઈન્ટ્સ ઉછળી 17930ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 29 અગાઉના બંધ કરતાં સુધરીને બંધ રહ્યાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ હતી. મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં ખરીદીના અભાવે બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3614 કાઉન્ટર્સમાંથી 2208 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1296 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં સુધારા સાથે બંધ રહ્યાં હતાં. 197 કાઉન્ટર્સ તેમનું વાર્ષિક તળિયું દર્શાવતાં હતાં. જ્યારે 84 કાઉન્ટર્સ વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ સૂચવી રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.8 ટકા ઘટાડે 13.45ની સપાટીએ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે બજારમાં વધ-ઘટનું પ્રમાણ ઘટી શકે છે.
મંગળવારે ભારતીય બજારે મજબૂત ગેપ-અપ ઓપનીંગ સાથે શરૂઆત દર્શાવી હતી અને સુધારો જાળવી રાખ્યો હતો. નિફ્ટી અગાઉના 17771ના બંધ ભાવ સામે 17840ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 17955ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 12 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 17942ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આમ અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં ઘટાડો નોંધાયો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં કોઈ ખાસ લોંગ પોઝીશનનો ઉમેરો નથી થયો. આમ આગામી સત્રમાં બજાર કેટલો સુધારો દર્શાવી શકે છે તે જોવાનું રહેશે. બેન્ચમાર્ક નિફ્ટીને સપોર્ટ પૂરો પાડવામાં યૂપીએલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, હિંદાલ્કો અને ઈન્ફોસિસ અગ્રણી હતાં. જ્યારે બીજી બાજુ આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, બીપીસીએલ, ગ્રાસિમ, એનટીપીસી, સન ફાર્મામાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, મેટલ, આઈટી, બેંકિંગમાં ખરીદી નીકળી હતી. જ્યારે ઓટો, ફાર્મા, રિઅલ્ટીમાં વેચવાલી જોવા મળી રહી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારે બંધ આવ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, વેદાંત, હિંદાલ્કો, એપીએલ એપોલો, સેઈલ, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ અને હિંદુસ્તાન ઝીંક સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. જોકે એનએમસીડી, કોલ ઈન્ડિયા, મોઈલ અને નાલ્કોમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ એક ટકા સુધારા સાથે બંધ જળવાયો હતો. જેમાં આઈટીસીનું યોગદાન 3 ટકા સુધારા સાથે ટોચનું હતું. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યૂમર, મેરિકો અને નેસ્લેમાં પણ સુધારો જોવા મળતો હતો. નિફ્ટી આઈટી એક ટકા સુધારે બંધ જળવાયો હતો. સુધારો દર્શાવવામાં મુખ્ય આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, કોફોર્જ, એચસીએલ ટેક, વિપ્રો, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા અને એલએન્ડટી ટેક્નોલોજી અગ્રણી હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 2 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 7.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. ઉપરાંત સનટેક રિઅલ્ટી 4 ટકા, ફિનિક્સ મિલ્સ 3.3 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2.3 ટકા, સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ડીએલએફમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ અડધો ટકો નરમાઈ દર્શાવતો હતો. જેમાં બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. ઉપરાંત આઈશર મોટર્સ, ભારત ફોર્જ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, એમઆરએફ, હીરોમોટોકોર્પ, મારુતિ સુઝુકી સહિતના શેર્સ ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સૌથી સારો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં યૂપીએલ, આઈટીસી, સિટિ યુનિયન બેંક, રિલાયન્સ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, શ્રી સિમેન્ટ્સ, વેદાંતા વગેરેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ 4 ટકા ઘટાડા સાથે નવીન ફ્લોરિન ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, હનીવેલ ઓટોમેશન, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને મેક્સ ફાઈનાન્સિયલનો સમાવેશ થાય છે. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ફિનોલેક્સ કેબલ્સ, એપીએલ એપોલો, સીજી પાવર, ક્યુમિન્સ ઈન્ડિયા અને સેરા સેનિટરીનો સમાવેશ થાય છે. જ્યારે વાર્ષિક તળિયું નોંધાવનાર કાઉન્ટર્સમાં ઓલેક્ટ્રા ગ્રીન, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ, અદાણી ટોટલ, બોરોસિલ રિન્યૂ, પોલીપ્લેક્સ કોર્પ, ઈન્ડિગો પેઈન્ટ્સનો સમાવેશ થાય છે.
AELએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 820 કરોડનો નફો નોઁધાવ્યો
અદાણી એન્ટરપ્રાઈઝિસે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.63 કરોડની ખોટ દર્શાવી હતી
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 820 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 11.63 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 26,612.23 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષની સરખામણીમાં 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ રૂ. 269.71 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36.46 કરોડ પર હતો. જોકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 469.20 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જ્યારે તેની આવક રૂ. 12,142.15 કરોડ પર રહી હતી. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો એબિટા 101 ટકા ઉછળી રૂ. 1,968 કરોડ જળવાયો હતો.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમારી સફળતાનું કારણ અમારી મજબૂત ગવર્નન્સ, સખત રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ, સતત જળવાયેલો દેખાવ અને મજબૂત કેશફ્લો જનરેશન છે. વર્તમાન માર્કેટ વોલેટિલિટી હંગામી છે. લાંબાગાળા માટે વેલ્યૂ ઊભી કરવાના વિઝન સાથે એક ઈન્ક્યૂબેટર તરીકે એઈએલ બે હેતુઓ સાથે કામગીરી ચાલુ રાખશે. જેમાં એક લેવરેજને મધ્યમસર કરવું તથા બીજો વ્યૂહાત્મક તકોને ઝડપી વૃદ્ધિ પામવાનો છે એમ અદાણીએ નોંધ્યું હતું.
PSU બેંક્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 29K કરોડનું માંડવાળ કર્યું
ગયા વર્ષે સમાનગાળામાં સરકારી બેંકોએ રૂ. 23,000ની માંડવાળી કરી હતી
એપ્રિલ-ડિસેમ્બર 2022માં કુલ રૂ. 84 હજાર કરોડના રાઈટ-ઓફ્સ કર્યાં
જાહેર ક્ષેત્રની બેંકોએ ચાલુ નાણાકિય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 29000 કરોડની બેડ લોન્સને માંડવાળ કરી છે. તેમણે બેલેન્સ શીટને ક્લિન-અપ કરવાના ભાગરૂપે આમ કર્યું છે. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે રૂ. 23 હજાર કરોડની માંડવાળી કરી હતી એમ કેર રેટિંગ્સનો સ્ટડી સૂચવે છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીના નવ મહિનાની વાત કરીએ તો પીએસયૂ બેંક્સે કુલ રૂ. 81 હજાર કરોડના રાઈટ-ઓફ્સ કર્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 90 હજાર કરોડ પર જોવા મળતાં હતાં. આમ નવ મહિનાના આધારે જોઈએ તો માંડવાળીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેર રેટિંગના સિનિયર ડિરેક્ટરના જણાવ્યા અનુસાર બેંકોએ રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીને માંડવાળી કરી છે. જે એસેટ્સ 100 ટકા પ્રોવિઝન કવરેજ ધરાવતી હતી તેને રાઈટ ઓફ કરવામાં આવી છે. આ એસેટ્સમાં છેલ્લાં ઘણા વર્ષોથી કોઈ રિકવરી જોવા મળી રહી નહોતી. મહત્વની બાબત એ છે કે નવા સ્લિપેજિસ ઘણા નીચા દરે જોવા મળી રહ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં બેંક્સની એનપીએ ધીમે-ધીમે ઘટી છે. બેંકોએ રાઈટ-ઓફ્સ જેવા પગલાઓ મારફતે તેમની બેડ લોન્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે અને આ ટ્રેન્ડ આગામી સમયગાળમાં પણ ચાલુ રહેવાની શક્યતાં છે. હાલમાં સમગ્ર બેંકિંગ સેક્ટરની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 5 ટકા આસપાસ જોવા મળી રહી છે. જે 2-2.5 ટકાના દર સુધી ઘટવી જોઈએ એમ તેઓ ઉમેરે છે. લગભગ 10-12 વર્ષ અગાઉ બેંક્સ જીએનપીએ આ લેવલે જોવા મળી રહી હતી. આમ હજુ પણ બેંક્સે બેલેન્સ શીટ્સમાં વધુ સુધારો કરવાનો રહે છે. પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાના કિસ્સામાં જીએનપીએ ઊંચી જોવા મળી રહી છે. મુંબઈ મુખ્યાલય ધરાવતી બેંક ઓફ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 2522 કરોડની માંડવાળી કરી હતી. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે કરેલી રૂ. 1883 કરોડની માંડવાળી કરતાં ઊંચી હતી. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં રૂ. 4900 કરોડની માંડવાળી કરતાં તે ઘણી નીચી હતી. બેંક્સના એસેટ-ક્વોલિટી પ્રોફાઈલમાં જોકે સુધારો નોઁધાયો હતો. તે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સથી સતત સુધારાતરફી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં 12 પીએસયૂ બેંક્સની ગ્રોસ એનપીએમાં વાર્ષિક 18 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 4.58 લાખ કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે પણ તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં તેમની જીએપીએ રૂ. 4.87 લાખ કરોડ પર હતી. આમ એક ક્વાર્ટરમાં રૂ. 29 હજાર કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક્સની નેટ એનપીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 32 ટકા ઘટી રૂ. 1.15 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 1.28 લાખ કરોડ પર હતી.
PSU બેંક્સની માંડવાળી
સમયગાળો માંડવાળીની રકમ(રૂ. કરોડમાં)
ડિસેમ્બર ક્વાર્ટર(2021) 23000
ડિસેમ્બર ક્વાર્ટર(2022) 29000
એપ્રિલ-ડિસે.(2021) 90000
એપ્રિલ-ડિસે.(2022) 81000
વોડાફોને લોન માટે બેંકર્સ સાથે નવેસરથી મંત્રણા શરૂ કરી
ટેલિકોમ કંપની રૂ. 3-4 હજાર કરોડની લોનના રિફાઈનાન્સિંગ માટે નાણા ઈચ્છી રહી છે
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ અગ્રણી લેન્ડર્સ સાથે નવેસરથી મંત્રણા શરૂ કરી છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપની હાલમાં એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી બેંક સાથે સરળ લોન રિપેમેન્ટ શરતો માટે વાતચીત કરી રહી છે. તે રૂ. 3000-4000 કરોડની લોનને રિફાઈનાન્સ કરવા માટે નવી લોન મેળવવાના પ્રયાસોમાં છે.
કેટલાંક ઋણને રિફાઈન્સ કરવાને કારણે વોડાફોન માટે કેટલીક કેશ છૂટી થવામાં સહાયરૂપ બનશે. કંપનીને હાલમાં વેન્ડરના ડ્યુઝ ચૂકવવા માટે નાણાની તાતી જરૂરિયાત છે. કંપનીએ ટાવર કંપનીઝ ઈન્ડ્સ ટાવર્સ અને નેટવર્ક ઈક્વિપમેન્ટ ઉત્પાદકો એરિક્સન અને નોકિયાને નાણા ચૂકવવાના બને છે. આ પેન્ડિંગ પેમેન્ટ્સને કારણે વોડાફોનની 5જી ઈક્વિપમેન્ટ સપ્લાય માટે જોડાણ તથા ટાવર સાઈટ પરચેઝની કામગીરી અટકી પડી છે. બીજી બાજુ હરિફ રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલે તેમની 5જી સેવાને શરૂ કરી દીધી છે. તેઓ ટીયર-1 અને ટીયર-2માં પહોંચી ગયાં છે. સરકારે સપ્તાહ અગાઉ એજીઆર પેટે ચૂકવવાની થતી રકમ પરના વ્યાજને ઈક્વિટીમાં ફેરવવા માટે મંજૂરી આપ્યાં બાદ ટેલિકોમ કંપનીએ બેંકર્સનો ફરીવાર સંપર્ક સાધ્યો હોવાનું વર્તુળો જણાવે છે. સરકારે 7 ફેબ્રુઆરીએ આ ટ્રાન્ઝેક્શન્સ પૂરું કર્યું હતું. જ્યારબાદ તે ટેલિકોમ કંપનીમાં 33.44 ટકા સાથે સૌથી મોટો શેરધારક બન્યો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ વી તેની નવેસરની મંત્રણામાં બેંકર્સને કેટલાંક ડેટને રોલ ઓવર કરવા માટે સમજાવી રહ્યું છે.
ટોરેન્ટ પાવરનો નફો 86 ટકા ઉછળી રૂ. 685 કરોડ રહ્યો
કંપનીએ પ્રતિ શેર રૂ. 22નું ડિવિડન્ડ જાહેર કર્યું
ટોરેન્ટ જૂથની ટોરેન્ટ પાવરે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 684.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 86 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 368.1 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ રેવન્યૂ રૂ. 6442.8 કરોડ પર જળવાય છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલી રૂ. 3,767.4 કરોડની સરખામણીમાં 71 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા 54.6 ટકા ઉછળી રૂ. 1,443.7 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 934 કરોડ પર જોવા મળતો હતો. કંપનીના એબિટા માર્જિન ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં 24.8 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે 22.4 ટકા પર જળવાયાં હતાં. વીજ કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 22ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જેમાં રૂ. 13 પ્રતિ શેરના સ્પેશ્યલ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
ટોરેન્ટ પાવર દેશમાં પાવર સેક્ટરની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. જે સમગ્ર પાવર વેલ્યૂ ચેઈન જેવીકે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં હાજરી ધરાવે છે. કંપની કુલ 4160 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. જેમાં 2,730 મેગાવોટ ગેસ-આધારિત ક્ષમતા જ્યારે 1,068 મેગાવોટ રિન્યૂએબલ ક્ષમતા અને 362 મેગાવોટ કોલ-આધારિત ક્ષમતાનો સમાવેશ થાય છે. ઉપરાંત, હાલમાં કંપની 736 મેગાવોટના રિન્યૂએબલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
ખેડૂતોના સંગ્રહને કારણે દેશમાં કોટનની આવકમાં 35 ટકા ઘટાડો
ગઈ સિઝનમાં ફેબ્રુઆરીની શરૂઆત સુધી 1.78 કરોડ ગાંસડી સામે ચાલુ સિઝનમાં માત્ર 1.14 કરોડ ગાંસડીની આવક
પંજાબમાં આવકમાં 70 ટકાથી વધુ ઘટાડો, જ્યારે મહારાષ્ટ્રમાં પણ 50 ટકાથી વધુ ઘટાડો
હરિયાણા, ગુજરાતમાં પણ ગઈ સિઝન કરતાં નીચી આવકો
ચાલુ કોટન સિઝનમાં દેશમાં કોટનની આવકમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે કોટનનો પાક ગઈ સિઝન કરતાં ઊંચો અંદાજવામાં આવ્યો હોવા છતાં આવક નોંધપાત્ર નીચી જળવાય છે. ઓક્ટોબર 2022થી ફેબ્રુઆરી સુધીના પ્રથમ પાંચ મહિના દરમિયાન દેશમાં કોટનની આવક 1.14 કરોડ ગાંસડી રહી હોવાનું ઈન્ડિયન કોટન કોર્પોરેશનનો ડેટા સૂચવે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 1.78 કરોડ ગાંસડી પર હતી. આમ વાર્ષિક ધોરણે લગભગ 64 લાખથી વધુ ગાંસડીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશના ઉત્તરીય રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્રમાં કોટનની આવકમાં ઊંચો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમકે પંજાબમાં ચાલુ સિઝનમાં 3 ફેબ્રુઆરી સુધીમાં આવકો 1.45 લાખ ગાંસડી પર જ જોવા મળી છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 4.69 લાખ ગાંસડી પર જોવા મળી હતી. આમ પંજાબમાં 70 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ ગઈ સિઝનની સરખામણીમાં ખેડૂતોને મળી રહેલા નીચા ભાવ છે. ગઈ સિઝનમાં વર્તમાન સમયે કોટનના ઊંચા ભાવ સિઝનની શરૂમાં રૂ. 56 હજાર પ્રતિ ખાંડી પરથી ઊચકાઈ જૂનમાં રૂ. 1.05 લાખ પ્રતિ ખાંડી પર જોવા મળ્યાં હતાં. જ્યારે ચાલુ સિઝનમાં શરૂઆતમાં કોટનના ભાવ રૂ. 70 હજાર આસપાસ જોવા મળી રહ્યાં હતાં. જે નીચામાં ગગડી રૂ. 57 હજાર બોલાઈ હાલમાં રૂ. 62 હજાર પર જોવા મળી રહ્યાં છે. વર્તમાન ભાવ સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઊંચો છે, તેમ છતાં ખેડૂતો માલને વેચવા માટે તૈયાર નથી. તેઓ માને છે કે ઓફ સિઝનમાં ભાવમાં મજબૂતી જોવા મળશે અને તેઓ ઊંચા ભાવે તેમની ઉપજને વેચી શકશે. જોકે મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોનું માનસ એક સરખું પ્રવર્તી રહ્યું છે અને તેથી ભાવમાં કોઈ મોટી વૃદ્ધિની શક્યતાં નથી એમ બજાર વર્તુળો જણાવે છે. તેમના મતે ભાવ ગઈ સિઝન કરતાં નીચા હોવાનું કારણ નીચી માગ છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીને કારણે સ્પીનર્સના કામકાજ ઓછા છે. આ સ્થિતિમાં તેઓ તરફથી જરૂર પૂરતી જ ખરીદી જોવા મળી રહી છે. બીજી બાજુ ભારતીય કોટનના ભાવ વૈશ્વિક સ્તરે સૌથી ઊંચા હોવાથી ચાલુ સિઝનમાં નિકાસ માગ નહિવત છે. આમ, ભાવમાં કોઈ વૃદ્ધિની શક્યતાં નથી. જોકે તે રૂ. 56 હજારની નીચે જવાની શક્યતાં પણ ઓછી છે. ચાલુ સિઝનમાં જીનર્સને પણ ધંધામાં મજા નહિ રહેવાથી ઘણા જીનર્સે કામકાજ ખૂબ ઓછા જાળવ્યાં છે.
જો રાજ્યવાર કોટનની આવકની સ્થિતિ જોઈએ તો દેશમાં સૌથી વધુ કપાસ વાવેતર કરતાં મહારાષ્ટ્રની આવક 19.70 લાખ ગાંસડી પર જોવા મળી છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 45.85 લાખ ગાંસડી પર હતી. આમ એકલા મહારાષ્ટ્રમાંથી જ આવક 25 લાખ ગાંસડીથી વધુ ઘટાડો સૂચવે છે. દેશમાં સૌથી મોટા કોટન ઉત્પાદક ગુજરાતમાં આવકો 35.67 લાખ ગાંસડી પર રહી છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 47.37 લાખ ગાંસડીની હતી. આમ લગભગ 11 લાખ ગાંસડીથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હરિયાણામાં ગઈ સિઝનમાં 8.64 લાખ ગાંસડી સામે ચાલુ સિઝનમાં 6 લાખ ગાંસડી આવકો નોંધાઈ છે. જ્યારે તેલંગાણામાં કોટનની આવકો ગઈ સિઝનમાં 18.66 લાખ ગાંસડી સામે ચાલુ સિઝનમાં 7.9 લાખ ગાંસડી પર રહી છે. કર્ણાટકમાં પણ ગઈ સિઝનમાં 12.62 લાખ સામે ચાલુ સિઝનમાં કોટનની આવક 9.06 લાખ ગાંસડી જોવા મળી છે. એકમાત્ર રાજસ્થાનમાં કોટનની આવક ગઈ સિઝન કરતાં વૃદ્ધિ દર્શાવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 17.38 લાખ ગાંસડી કોટન બજારમાં પ્રવેશી ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 16.69 લાખ ગાંસડી જોવા મળતું હતું. શરૂઆતી મહિનાઓમાં નીચી આવકને જોતાં હવેના સમયગાળામાં આવકો નોઁધપાત્ર ઊંચી રહેવા મળશે એમ વર્તુળો જણાવે છે. સિઝનમાં 3.4 કરોડ ગાંસડી પાકના અંદાજ સામે હજુ લગભગ 50 ટકા માલ આવવાનો બાકી છે. આમ માર્ચ-એપ્રિલમાં પણ 1.5 લાખ ગાંસડી સુધીની આવકો જોવા મળશે.
FPIની ફેબ્રુઆરીમાં અત્યાર સુધી રૂ. 10Kની વેચવાલી
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચાલુ ફેબ્રુઆરીમાં સોમવાર સુધીમાં અત્યાર સુધીમાં રૂ. 10 હજાર કરોડથી વધુની વેચવાલી દર્શાવી છે. જાન્યુઆરીમાં તેમણે સ્થાનિક બજારમાં રૂ. 29 હજાર કરોડ આસપાસનું વેચાણ નોંધાવ્યું હતું. આમ કેલેન્ડરમાં બીજા મહિના દરમિયાન તેમના તરફથી ચોખ્ખો આઉટફ્લો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં સાત મહિનાનું સૌથી તીવ્ર વેચાણ જોવા મળ્યું હતું. કેલેન્ડર 2022માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ કુલ રૂ. 1.25 લાખ કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. ભારતીય બજારમાં વેચાણ દર્શાવનાર એફપીઆઈ અન્ય હરિફ બજારો જેવાકે ચીન, હોંગ કોંગ, સાઉથ કોરિયામાં ચોખ્ખી ખરીદી દર્શાવી રહી છે.
વૈશ્વિક ગોલ્ડે 1870 ડોલરની નીચે ઉતરી ગયું
સોનાના ભાવમાં સપ્તાહની શરૂઆતમાં નરમાઈ આગળ વધી છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1870 ડોલરની નીચે ઉતરી ગયું છે. સોમવારે તે 1863 ડોલર આસપાસ બંધ જળવાયું હતું. મંગળવારે તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતાં હતું અને 1864-1873 ડોલરની રેંજમાં વધ-ઘટ દર્શાવતું રહ્યું હતું. ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. આમ ગોલ્ડમાં વધુ ઘટાડો અટક્યો હતો. યુએસ ખાતે રજૂ થનારા સીપીઆઈ ડેટાની પાછળ માર્કેટમાં ઊંચી વધ-ઘટની અપેક્ષા છે. જો ફુગાવો અપેક્ષાથી નીચો જોવા મળશે તો ડોલરમાં નરમાઈ આગળ વધી શકે છે. જેની પાછળ ગોલ્ડ ફરી મજબૂતી દર્શાવી શકે છે. જ્યારે ફુગાવો મજબૂત જોવા મળશે તો ગોલ્ડ વધુ ગગડી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જેકે લક્ષ્મીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 76.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 64.1 કરોડની સરખામણીમાં 17 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1286 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 22 ટકા ઉપર રૂ. 1562 કરોડ પર રહી હતી.
ઈન્ડિગો પેઈન્ટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 26.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 24 કરોડની સરખામણીમાં 8.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 265.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 6 ટકા ઉપર રૂ. 281.3 કરોડ પર રહી હતી.
જીઆર શીપીંગઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 64 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 63 કરોડની સરખામણીમાં 1.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 487 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 44 ટકા ઉપર રૂ. 699 કરોડ પર રહી હતી.
આઈનોક્સ વિન્ડઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 287.2 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 62.1 કરોડની ખોટ નોઁધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 152 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 49 ટકા વધી રૂ. 226.2 કરોડ પર રહી હતી.
મેટ્રોપોલીસ હેલ્થઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 35.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 41 કરોડની સરખામણીમાં 13 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 293.1 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 2.6 ટકા ઘટી રૂ. 285.5 કરોડ પર રહી હતી.
ડેલ્હીવેરીઃ ન્યૂ જેન લોજિસ્ટીક કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 195.6 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 126.5 કરોડની ખોટ નોઁધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1995 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 9 ટકા વધી રૂ. 1824 કરોડ પર રહી હતી.